સાચાની ઓથ મને ભારી !- ચંદ્રકાન્ત શેઠ

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.]

જીવવું, બને તેટલી સારી રીતે, કોઈને કશી ડખલ ન પહોંચે એમ શાન્તિથી ને મસ્તીથી જીવવું એમાં મને જીવનનાં સૌ મૂલ્યોનો સાર હોય એમ લાગતું રહ્યું છે. જે છે, સદાને માટે છે, જે બધું ખરી પડ્યા પછી – નાશ પામ્યા પછી પણ અખંડિત રહે છે તે સત. સતનો ભાવ તે સત્ય, સત કે સત્યનું બળ- તેનો રસકસ તે સત્વ. આપણે જીવતરમાં ટેકો લેવાનો હોય તો જે સધ્ધર હોય તેનો જ ટેકો લેવાય; અને સતથી- સત્ય કે સત્વથી જુદું બીજું કશુંયે સધ્ધર હોઈ શકે ખરું ? સતની જ ઓથ ભારી. સતનો જ આધાર સૌથી વધુ સલામત અને સતની જ સંગતમાં આપણું ખરેખરું સુખ. તેથી સત્ય જ સૌથી વધુ પોતીકું- આત્મીય. એ સત્યને છોડનાર તત્વતઃ ને વસ્તુતઃ પોતાને- પોતાના આત્મતત્વને છોડે છે. આમ સત્યદ્રોહ અને આત્મદ્રોહ અને એને આત્મહ્રાસ, આત્મનાશ કે આત્મઘાતના પર્યાયરૂપ જ લેખવો રહ્યો. તેથી સત્ય- સાચ કે સચ્ચાઈથી જેટલા દૂર એટલું આપણું દુઃખ, જેટલા એની નજીક એટલું આપણું સુખ.

આપણે સુખ શોધતાં પ્રાણીઓ છીએ. ખરેખરું સુખ જો સાચને વળગી રહેવામાં જ હોય તો એને છોડાય કેમ ? સાચને વળગીને જીવવા જતાં અવરોધો તો આવે; કસાવાનું- સહન કરવાનું પણ થાય; પરંતુ જેટલું કસાવાય એટલો આપણો કસ વધે છે. જેટલું સહન કરવાનું થાય એટલો આપણો સુખ ને શાંતિનો પાયો મજબૂત થાય છે. ઉમાશંકરે તો કહ્યું જ છે : જે સહે છે તે હસે છે. સાચને વળગી રહેવા કે સાચવવા માટે; સારાને સહાય કરવા માટે જો સહન કરવાનું થાય, ઘસાવાનું થાય તો તેથી આપણી અંદરથી ધાતુ વધારે ઊજળી-ચમકતી થાય છે. જ્યારે આપણે સાચને માટે, સારાને માટે જીવનમાં મથામણ કરતા હોઈએ છીએ ત્યારે આપણી દૈવી સંપત્તિ માટેની પાત્રતા પણ સહજતયા જ કેળવાતી રહેતી હોય છે. આપણી સત્વશીલતાનો – સાત્વિકતાનો આંક ઊંચે ચડતો લાગે છે અને ત્યારે આપણને આપણી આત્મસંપન્નતાનો પરચો મળવા માંડે છે.

‘ધરમીને ઘેર ધાડ’ – એવું વ્યવહારમાં અવારનવાર જોવા મળે છે ખરું. સાચને જ જાણે આંચ આવતી હોય એવું પણ લાગે. હકીકતમાં સાચ તો અવિચલ ને અડીખમ જ હોય છે. પ્રશ્ન જે તે ઘટનાને આપણે કઈ રીતે જોઈએ ને જોગવીએ છીએ તેનો હોય છે. કોઈને શૂળ વાગે એની વેદના જરૂર થાય; પરંતુ કેટલીક વાર પાછળથી સમજાય છે કે સારું થયું કે શૂળ વાગી, શૂળીનો ઘા શૂળથી જ સર્યો !

કોઈ પણ મૂલ્યવાન ચીજ મફતમાં તો ન જ મળે; મહેનત ને મથામણ કરવી પડે, એનું મૂલ્ય ચૂકવવું પડે. પ્રારબ્ધ ગમે તેટલું બળવાન હોય પણ તેય, પુરુષાર્થનો જ્યાં અભાવ હોય ત્યાં તો બાપડું પાંગળું ને પામર બની જાય છે. લોખંડનું મૂલ્ય એક, ચાંદીનું બીજું, તો વળી સોનાનું ત્રીજું. સોનું મેળવવું હોય તો ઘણું વધારે મૂલ્ય ચૂકવવું પડે. જીવતરમાં સાચને પ્રતિષ્ઠિત કરવું હોય તો કેટલી સજાગતા, કેટલો શ્રમ, કેટલી સહનશીલતા ને કેટલી શીલ-સંપત્તિનું રોકાણ કરવાનું થાય એ તો અનુભવે જ સમજાય એવું છે. ગાંધીજીને એ સમજાયેલું અને એનો ચમત્કાર કેવો થયો તે એમની આસપાસનાં સૌ જોઈ શકેલાં. ગાંધીજીને તો એના ચમત્કારનો પાકો ખ્યાલ હતો જ. જે ગાંધીજીની બાબતમાં શક્ય બન્યું તે કોઈ પણ માણસની બાબતમાં બની શકે, પણ એવું બનતું નથી; કારણ ? એવું ઉત્કટ આસ્થાબળ, સંકલ્પબળ ને સમર્પણબળ હોતું નથી. મારી પોતાની મથામણ તો ગાંધી જેવા મહાજનોએ જે પગલાં પાડ્યાં એ પગલાં સમજીને મારા જીવતરમાં મારી પોતાની ચાલને કેમ કરતાં થોડીકે સરખી કરી શકું એ અંગેની છે.

ગાંધીજીની ચાલ એટલે સત્યલક્ષી મનુષ્યની કરુણાપ્રેરિત ચાલ. એ ચાલનું વ્યાકરણ સમજવું અને શક્ય હોય તો ટીપે ટીપે જેટલું આપણી માટીમાં પચે એટલું ઉતારવું એ મને અંદરથી ગમતી બાબત છે. જે મને અંદરથી ગમે છે એ બધું વ્યવહારમાં ખરેખર મારાથી આચરી શકાય છે ખરું ? એ જ મોટો સવાલ છે ને તેથી જ મારે મારી અંદરનું કમઠાણ સરખું થાય અને જરૂરી જવાબ આપે તેની રાહ જોવાની રહે છે. શાખ સાચની છે; જૂઠની નહીં. શેતાન પણ સંતને મળે તો સલામ જ કરે ! આપણા સૌનો આ તો અનુભવ હશે કે સાચું બોલતાં કરતાં મન પર કશો ભાર રહેતો નથી; જૂઠું બોલતાં કરતાં ભાર રહે છે. તેથી જૂઠું બોલવામાં જોખમ લાગે છે, ભય રહે છે અને ત્રાસની પીડા ઊપડે છે. જે સારું ને શુભ છે તે કરતાં સુખ ને આનંદ સાંપડે છે. સારામાં હળવાશ, ભૂંડામાં ભાર. જીવતરમાં શ્રેય ને પ્રેય બંને છે; પરંતુ શ્રેય જ પ્રેય થાય એવો કારસો કરવો જોઈએ. શ્રેયની વિરુદ્ધ જતું પ્રેય આપણને તારે કે ડુબાડે એનો પાકો વિચાર કરી લેવો જોઈએ. આપણું રુચિતંત્ર એવું તો તૈયાર થવું જોઈએ કે જે હીણું કે હલકું હોય, ગંદુગોબરું હોય, બોદું કે બરડ હોય તે તેને પસંદ જ ન પડે, – પ્રેય જ ન લાગે. મારી મથામણ તેની શ્રેયની દિશામાં એકાદ ડગલુંયે જો સરખી રીતે ભરી શકાય તો ભરવાની રહે છે; જો કે એમાં બહારનાં કરતાં મારી અંદરના દુશ્મનો જ મને વધારે તળે-ઉપર કરતા હોય છે – તાવતા હોય છે.

આપણા જીવનમાં આમ તો અંટેવાળે એખણએરું આડા ઊતરતાં દેખાય. અભિમન્યુની જેમ આપણે કોઈ દુરિતના ચક્રવ્યૂહમાં કે ચકરાવામાં અટવાઈ ગયા હોઈએ એવો ભાવ પણ થાય, પણ ત્યારેય મનને મક્કમ કરી, આપણે આપણામાંના પરમ પુરુષની જ કૃપા-સહાય માગવાની ને મેળવવાની રહે છે. બધું જ આપણા હાથની વાત હોતું નથી. જે કંઈ ચાક-ચરખો અહીં ચાલે છે તે કેવળ આપણી ઈચ્છાથી ને આપણી જ ઊર્જાથી ચાલે છે એવા મિથ્યાભિમાનમાં રહેવું કે રાચવું ઠીક લાગતું નથી. જેઓ ‘સાંઈયાંસે સબ કુછ હોતા હૈ’ – એમ કહે છે તેઓ કદાચ વધારે શ્રદ્ધેય મને લાગે છે. ‘આ મેં કર્યું, પેલું મેં કર્યું’ – એમ કહી કહીને ફુલાવાનો કોઈ અર્થ નથી. આપણા થકી જે કંઈ થાય છે કે કરાય છે તેમાં અનેકનું અનેક રીતે પરોક્ષ કે પ્રત્યક્ષ પ્રદાન હોય છે; તેથી આપણે આપણ હુંને નાથવાનો રહે છે – કાબૂમાં કે માપમાં રાખવાનો રહે છે. આપણને અનુભવે એટલું તો સમજાય છે કે જેવું કરીએ છીએ એવું થાય છે; જેવું વાવીએ છીએ તેવું લણાય છે. સારાનું ફળ સારું, બૂરાનું બૂરું. સતની ગત જેણે છોડી એની દશા તો લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ – જેવી બેહૂદી ન થાય તો જ નવાઈ. એટલે જ આપણે આપણું કેન્દ્ર- જે સાચ તે સચવાય તો બધું જ સચવાયું એમ સમજવાનું રહે છે. ‘ઑનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પૉલિસી’ કે ‘ન હિ કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિં તાત ગચ્છતિ’ – એવાં પરંપરાગત સૂત્રવાક્યોને ‘પોથીમાંના રીંગણાં’ સમજવાની કસૂર કરવા જેવી નથી. મને તો સત્ય, ધર્મ ને સુનીતિના ઓટલે જ સુખ અને શાંતિનાં બેસણાં હોવાનું જણાય છે.

ખરેખર તો હું પરમ સ્વાર્થી છું. મારું- સ્વનું પ્રેય મને પહેલું ખેંચે છે; અને તેથી જ મારા માટે સતની સહાય – એનું શરણ લેવું અનિવાર્ય બની જાય છે. સત્ય ને ધર્મની હથેળીઓ ઉપરતળે રહી આપણું રત્નજડિત જતન કરે છે. તન-મનની દુરસ્તી માટે – તેના આરોગ્ય અને ઉત્કર્ષ માટે મને તો ગીતાનિર્દિષ્ટ સાત્વિક શીલ-સંપતિનું પર્યાવરણ અનિવાર્ય લાગે છે. એનું સેવન, એનું સંવનન આપણી સર્વ ઈન્દ્રિયો દ્વારા, આપણી સમસ્ત ચેતના દ્વારા ચાલતું રહે એમાં મને મારી સ્વસ્થતા અને સાર્થકતા હોવાનું લાગે છે. સૂર્યોદયે જેમ સૂરજમુખીનું ફૂલ ખીલે છે એમ જ સત્યોદયે મારું આત્મપુષ્પ ખીલે છે અને પ્રસન્નતા પ્રગટાવી રહે છે. હું કંઈ સત્યવાદી હરિશ્ચંદ્ર કે સંત કે ધર્મપુરુષ નથી; પરંતુ સાચુકલા માણસને શોધતો, એમને ચાહતો ને એમની સંગતમાં વધુ ને વધુ રહેવાનું પસંદ કરતો ને ઝંખતો જીવ જરૂર છું. મને કોઈનુંયે ખરાબ વાંછવું, ખરાબ કરવું સખત નાપસંદ છે. કોઈના ભોગે આગળ વધવામાં મને હલકટતા કે હીણપત લાગે છે; કોઈના સુયોગે આગળ વધાય એમાં જ મને મારી વસેકાઈ કે ધન્યતા હોવાનું લાગે છે.

દુનિયામાં જો આપણે એકલા નથી તો દુનિયા પણ આપણા એકલા માટે નથી. આપણે તો દુનિયાની આ વિરાટ હસ્તીમાં અણુથીયે અણુ જેવા; આ વૈશ્વિક બૃહત પટમાંના એક સૂક્ષ્મતમ તંતુ જેવા ! આપણા હાથમાં શું અને કેટલું ? આપણું ગજું- આપણી હેસિયત પણ કેટલી ? ડોળ-દંભની દુર્ગંધ મારા પ્રાણતત્વને અકળાવે છે. માથા વિનાની મોટાઈ મને મુરઝાવે છે. આ બધાંથી બચતા રહેવામાં જે કોઈ કલાકસબ, જે કોઈ સાધન-સરંજામ કે ઓજાર-હથિયાર મારી પાસે હોય તેની બને તેટલી મદદ લઈ હું મારી છાતીને પરમ શક્તિના પ્રાણવાયુથી ભરી ભરીને ધબકતી રાખવાની મથામણ કરતો રહું તે સ્વાભાવિક છે. જીવન તેમ જ કલાનો પરમ ને ચરમ પુરુષાર્થ અને રસ મને મારી આવી મથામણમાં લાગે છે અને તેથી જ મારી ખેવના આ હોય છે : ‘મથામણોની ન હજો મને મણા !’

કોઈક રીતે સત્યની દિશામાં, એના પંથમાં મારો ચરણ, મારો શબ્દ, મારું પદ પ્રેરાય, અંકિત થાય ને સ્થિર થાય એવી જ પ્રાર્થના છેવટે તો પ્રગટ કરવાની રહે છે. અગોચરને ગોચર કરાવતી દૈવી ક્ષણ આપણા જીવતરમાં પ્રગટે અને સોનાના પારણામાં ઝૂલતા સચ્ચિદાનંદની આનંદક્રીડાના દર્શન-ઉત્સવમાં આપણને સામેલ થવાનો – ન્યાલ થવાનો અવસર સાંપડે તો સાર્થક લાગે આપણું અહીં આ ધરાતલે અવતર્યાનું !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “સાચાની ઓથ મને ભારી !- ચંદ્રકાન્ત શેઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.