તડકો ઊઘડ્યો છે…. – મણિલાલ હ. પટેલ

[‘પ્રશિષ્ટ ગુજરાતી લલિતનિબંધ’ પુસ્તકમાંથી સાભાર.]

ઘણા દિવસો પછી તડકો આજે ઘેર આવ્યો છે. એના આગમનનો આનંદોત્સવ સવારથી જ ઊજવાય છે. પારેવાં એમની પાંખોની હવાઈ ગયેલી ભૂખરતાને સૂકવી રહ્યાં છે, વૃક્ષોનાં વાચાળ પાંદડાં તડકા સાથે ભૂતકાળની ખટમીઠી વાતો કરતાં કરતાં હસી પડે છે, એને સાંભળે છે ને વળી ગંભીર થઈ જાય છે. ઘણી ઋતુઓ પછી મળેલાં પતિ-પત્નીની જેમ વૃક્ષો એકબીજાને સહસ્ત્ર આંખે ચંચળ-ચંચળ તાકે છે.

કાબર એના કર્કશ અવાજથી તડકાની મુલાયમતાને ઉકેલી રહી છે. ચકલી તડકાની સળીઓ એકઠી કરવાના ઉદ્યમમાં લાગી છે. વર્ષા પછી કાળી પડી ગયેલી વૃક્ષડાળોની ચામડીને ખિસકોલી સૂંઘે છે ને અણગમો વ્યક્ત કરતી ફરે છે. કાગડાઓ સફરે નીકળ્યા છે. વાડવેલાનાં ખીલેલાં ફૂલોમાં પતંગિયાં પોતાના રંગો શોધે છે, કીડીઓની હાર પોઠ ભરીને ચાલી છે, એના દરની આસપાસ કર્કરા લોટ જેવું વેળુ રાફડા જેવી ચુપકીદી ઓઢીને બેઠી છે. તડકાની ચાદર પર શિશુઓ લખોટીઓ રમે છે. ખાબોચિયાંનાં પાણી દર્પણોની જેમ ચમકી ઊઠે છે. ઘરનાં નળિયાં એકકાન બનીને શું સાંભળતાં હશે ? કોઈ આગંતુકાનો પગરવ એમને ઉત્સુક કરી મૂકતો હશે ?

કવિના નાસી છૂટેલા શબ્દો જેવાં પગલાં નદીની રેતીમાં સૂઈ રહ્યાં છે. ગઈ કાલે ધોધમાર વહી ગયેલા સમયજળના આંકા કિનારાને વળગી રહ્યા છે. ભીનાશને વિષાદની જેમ હટાવી રેતકણો સ્ફટિક જેવું ચમકે છે, એમનો આખોય સમૂહ શ્રમ પછીનો આરામ ભોગવે છે. દૂર વહી જતા ઝરણાનો શબ્દ એમને સાંભળવો નથી. તળિયાના હસતા કાંકરાઓ ઉપર મૃદુ પગલે વહેતું ઝરણું પોતાની વાત કિનારે કોતરતું જાય છે. કોઈ ધૂની માણસની જેમ એનું વહ્યે જવું પાસેનાં વૃક્ષોને વિસ્મિત કરી દે છે. મૂળ લંબાવીને વૃક્ષો એનો પરિચય કરવા મથે છે. રેત પર ચાલવાનો અવાજ કણસતા સમયનાં ડૂસકાં જેવો લાગે છે. સંબંધો રેતી જેવા હોય છે, થોડી વાર એ આપણને તીવ્રતાથી વળગે છે ને પછી ખબર નહીં કઈ વેળાએ વછૂટી જાય છે. રેતીમાં આવા અસંખ્ય સંબંધ-સમયની પગછાપ હોય છે. પવને પોતાની કુંવારી હથેલી વડે રેતી પર લાગણી ચીતરી છે. રેતીમાં પડેલી પગછાપ પણ કોઈની રાહ જુએ છે, પણ ક્યાં સુધી ? દરેક વસ્તુને એક છેડો હોય છે એ વાત કેવી તો વિધાયક છે ! પવન પોતે જ થાકીને કશુંક ભૂંસી નાખે છે, ને વળી આપોઆપ બીજું કશુંક ચીતરાઈ જાય છે. ને એટલે પવન ગાંડોતૂર બની આ બધાથી છૂટવા મથે છે- પણ કદીય ન થોભવાનો એને શાપ છે. પવનની જેમ આપણે પણ પળેપળે ઘૂમરાઈએ છીએ, છૂટવા મથીએ છીએ, પણ આપણી પગલિપિને ભૂંસવા જતાં વળી બીજી પગછાપ ઊપસે છે- માણસ કેટલો નિઃસહાય હોય છે. અને એટલે જ ક્યારેક ઊઘડેલો તડકો જોઈને ખોવાયેલું શિશુ પાછું મળ્યાનો આનંદ થાય છે. આવા અલ્પ આનંદો પામતાં જેને નથી આવડતું એવું જીવન દરિદ્ર છે, ખરેખર તો જેની આંખ કંજૂસ, જેનું મન કંજૂસ છે, એ માણસ દુનિયાનો સૌથી મોટો કંજૂસ છે.

નદી વચ્ચે નૌકાના છૂટેલા શઢનો ફફડાટ સંભળાય છે. ઘણી વાર મનમાં શબ્દોનો આવો ફફડાટ જાગી ઊઠતો હોય છે, ત્યારે શબ્દોને પકડી રાખવાનું અને યોગ્ય દિશામાં વાળવાનું દોહ્યલું બને છે. પણ સાચો કવિ તો શબ્દોને નવી સ્વતંત્રતા આપીને પોતે એક નવું સ્વાતંત્ર્ય રચે ને ભાવકના સ્વાતંત્ર્યનો વિસ્તાર કરી આપે છે. શઢ પવનની શક્તિનો ઉપયોગ કરે છે એવી સાહજિક પ્રક્રિયા શબ્દપ્રયોજનમાં હોવી જરૂરી છે.

ઘણા દિવસો પછી પહાડોની ભૂખરતા હસી ઊઠી છે. દષ્ટિ સામે ચગડોળ જેમ ઝૂલતું એક દશ્ય છે. આખોય પહાડ ચંચળતાનો શબ્દ શોધી અભિવ્યક્ત થવા મથે છે. તડકાએ કેટકેટલાંને વાચા આપી છે. ને પોતે નિર્મમ ભાવે બધું જોયા કરે છે. પેલા ઝરણાંના ગીતમાં તડકે પરોવેલા શબ્દોની હાર છે. પ્રકૃતિ ક્યારેય નીરવ નથી હોતી, એ પોતાનો શબ્દ શોધી બનાવી લે છે. પથ્થરની તિરાડોમાં ચમકતું જળ એના હાસ્યને બત્રીસલક્ષણું બનાવે છે. લીલ ઉગાડીને પથ્થરકાંકરા ગતજન્મની શાપવાણીને ઢાંકવા મથે છે. પથ્થરની નક્કર વેદનાને આરપાર વીંધી શકાતી નથી, ને એટલે જ ઝરણું કે નદી પથ્થરને અભિષેક કરે, રમાડે, દોડાવે, વડીલની જેમ ક્યારેક કાલી કાલી વાણીમાં હાલો ગાઈને એને સુવાડે. કોઈ વાર ગંભીર નાદે વેદનાને ઑકી કાઢવા મથે, ને કોઈક વાર એને ગોદમાં ઊંડે ઊંડે ઢબૂરીને સૂઈ જાય. જળ કશું ઢાંકતું નથી, એક વાર મૈત્રી કર્યા પછી એ અવગુણોની ચાડી ખાતું નથી. આદિમ માણસે જળને દેવતા તરીકે પૂજ્યું છે એનાં ઘણાં રહસ્યો હશે એ સમજાય એવું છે.

કોઈકના નસીબ આડેથી પાંદડું ખસી ગયું છે. આ તડકો આજે હરિતવરણું ઊઘડ્યો છે. તડકો કશુંય છુપાવી રાખતો નથી. પ્રકૃતિને એવું-તેવું આવડતું જ નથી. પ્રકૃતિની હથેળી સદાય ખુલ્લી જ છે. એની હસ્તરેખાઓ આપણને એક રહસ્ય ઉકેલી બતાવીને બીજા રહસ્યપ્રદેશમાં લાવીને છૂટા મૂકી દે છે. ‘એક એકથી અદકાં મોતી’ની બ્રહ્મજાળ ઘણી વાર ગમે છે, કારણ કે જીવનમાં લાગણીઓનો છેદ હંમેશાં અપૂર્ણાંકમાં જ ઊડે છે, કુદરતમાં એ છેદ પૂર્ણાંકમાં હોય છે, ને પૂર્ણાંકનો આનંદ નાનોસૂનો નથી હોતો.

આવા જ દિવસની કોઈ બપોરે તડકાની બારી બંધ કરીને શિશુની જેમ ગોટમોટ સૂઈ જાઉં છું, ઘરમાં ઊડાઊડ કરતી ચકલીની પાંખોનો ફફડાટ સાંભળતાં સાંભળતાં ઊંઘવા મથું છું. બહાર તડકાનું રાજ્ય તપતું હશે એ વિચાર મારા ખંડિયા મનને ચેન પડવા દેતો નથી. અચાનક કોઈકના પરિચિત અવાજ સંભળાય છે. સફાળો ઊભો થઈને બારી ઉપર જ સ્થિર પડેલા મારા હાથ પર કુંવારી છોકરીના હાથ જેવો તડકો મરક મરક હસે છે. બારી બંધ કર્યાના પાપ બદલ રોઈ પડીશ એવું લાગે છે. પ્રાયશ્ચિત માટે મારી પાસે જાણે કોઈ શબ્દ જ રહેતો નથી ત્યારે વિસ્ફારિત નેત્રો ઢાળી દઈને અનાથ બાળકના જેવો ઊભો રહી જાઉં છું ! આ તડકામાં જ મારો કુંવારો શબ્દ ઊછરતો-ઊઘડતો નહીં હોય એની શી ખાતરી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સાચાની ઓથ મને ભારી !- ચંદ્રકાન્ત શેઠ
જૂની કુટેવો બદલવાની નવી રીતો – વાયન ડબલ્યુ. ડાયર (ભાવાનુવાદ : દર્શા કિકાણી) Next »   

6 પ્રતિભાવો : તડકો ઊઘડ્યો છે…. – મણિલાલ હ. પટેલ

 1. Harsha says:

  આજે ઘણા દિવસે નીકળ્યો આ ખુશનુમા તડકો જાણે,
  મનમાં ધરબાયેલી કોઈ વાત નીકળવા ચહે જાણે,
  કોઈ અંગતને એ વાત કહી દીધાની ‘હાશ’જાણે!
  અસહ્ય ઉકલાટમા ખ્ધી ઠંડી ઠંડી કુલ્ફી જાણે.

  (હર્ષા વૈદ્ય)

 2. sofiya(kutch) says:

  ktlu adbhut vrdn!

 3. viral joshi says:

  ખુબ ખુબ સરસ નિબન્ધ્

 4. JAYDIP.B.SHELAT says:

  વ્

 5. Kanu Yogi says:

  ખુબ સરસ , મનને તરો તાજા કરી મુકતો નિબંધ , અમારી સવાર સુધારી દિધી . મણીલાલ પટેલ સાહેબને અભિનંદન કે અમને તેમના પ્રક્રુતિ નિબંધો ધ્વારા કુદરતની લગોલગ મુકી દે છે., નહીંતર તો આજના લોકો કોંક્રીટના જંગલમાં જ કેદ બની રહેત.વર્ષો પહેલાં આ તેમનેને ખેડબ્રહ્મા મુકામે મારા નિવાસસ્થાને મ્ળ્યાનું સ્મરણ હજૂય મનમાં તાજું છે.

 6. Hetal chaudhari says:

  ખુબ સરસ
  આવા તડકાને ઝીલી લઈએ………

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.