[ ટૂંકીવાર્તા : ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક એપ્રિલ-2013માંથી સાભાર. આપ લેખિકા કલ્પનાબેનનો (ઉચ્છલ, જિ. તાપી) આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.]
ગાડીના દરવાજા બંધ થવાનો અવાજ સાંભળી ચોકીદારે બહાર નજર કરી, સુમીતની ગાડી ઓળખી ગેટ ખોલી નાંખ્યો. પાર્કિંગમાંથી સુમીતની સાથે એના બે મિત્રો પણ ઢીલી ચાલે ચાલતાં લિફ્ટ તરફ વળ્યા.
‘આજે અમે બંને અહીં રોકાઈ જઈએ.’
‘નો…નો.. ઈટ્સ ઓ.કે. હું ઠીક છું. તમારે સવારે પાછું વહેલું પ્લેન પકડવાનું છે. હું ઓલરાઈટ છું. ડૉન્ટ વરી.’ સુમીત એકધારું બોલી ગયો. મિત્રોએ એનો ખભો થાબડી આશ્વાસન આપતાં વિદાય લીધી.
‘ભલે, પણ તારું ધ્યાન રાખજે. ફોન કરતો રહેજે. આવીને મળીએ.’ જતાં જતાં વળી બંનેએ ધીરજ બંધાવી.
‘ધ્યાન ! હં હ !’ સુમીતે લિફ્ટનું બટન દબાવ્યું.
લિફ્ટની બહાર નીકળી આદત મુજબ દરવાજામાં ચાવી ઘુમાવી એ ઘરમાં દાખલ થયો. રૂમ તરફ ડગલાં મંડાતાં ગયાં.
‘એ….ય ! ત્યાં ક્યાં ચાલ્યો ? ચંપલ તો કાઢવાની તસ્દી લો સાહેબ ! બહારથી આવીને સીધા રૂમમાં ભરાઈ જવાનું બસ. હાથ ધોયા ?’ એક સત્તાવાહી અવાજનું ઝેર પાયેલું તીર સુમીતના વાંસામાં ખચ્ચ કરતુંક ખૂંપી ગયું. અસહ્ય પીડાથી તડપતાં શરીરે એણે પાછળ ફરી જોયું. સોફામાંથી પેલી બે- હંમેશની જેમ ડરાવતી, વાઘણની ચમકતી આંખો એને તાકી રહી હતી. એ જવાબ આપવા જતો હતો પણ એના મોંમાં ફીણ વળવા માંડ્યાં. એની નજર બારીની બહાર ગઈ. રાતનો શાંત દરિયો પણ પછડાઈ પછડાઈને થાકેલો દેખાતો હતો- ફીણવાળો.
પહેલીવાર એ બંને દરિયાકિનારે ફરવા ગયેલાં. કદાચ લગ્ન પછી ત્રીજે જ મહિને. રેતી પર ચાલવા સુધી બધું ઠીક હતું પણ જેવી પાણીમાં જવાની વાત આવી કે, એ ઊભી રહી ગઈ.
‘મારાં ચંપલ ગંદાં થઈ જશે.’
‘તો હાથમાં લઈ લે. જો મેં પણ ચંપલ હાથમાં લઈ લીધાં ને ?’
‘છી ! હાથમાં ચંપલ પકડું ? પાણીમાં જવાનું કામ જ શું છે ?’
‘એક વાર પગ બોળી જો. દરિયાની લહેરને પગ નીચે રમતી અનુભવીને તું ખુશ થઈ જશે.’
‘ના. મારાં કપડાં ભીનાં થશે ને પગ ગંદા થઈ જશે.’
બહુ વિનવણી કરવા છતાં એ એકની બે ન થઈ ને સુમીતે પણ કચવાતે મને પાણીમાં જવાનું માંડી વાળ્યું. ગાડીમાં બેસતા પહેલાં એણે સેનિટાઈઝરની બૉટલ કાઢી હાથ સાફ કર્યા.
‘લે, હાથ ચોખ્ખા કરી લે.’ એણે સુમીત તરફ બૉટલ લંબાવી.
‘મારા હાથ ચોખ્ખા જ છે.’
‘ઓ.કે. તો પછી ગાડી ચલાવતી વખતે મને હાથ નહીં લગાવતો.’
સુમીતે જાણીજોઈને ગાડી રિવર્સમાં લેતાં એના ગાલે હળવી ટપલી મારી.
‘છી ? છી ! ના પાડી ને મેં તને પહેલાં જ ! પ્લીઝ….. મને આ બધું નથી પસંદ. ડોન્ટ માઈન્ડ પણ મને ગંદા હાથે પ્લીઝ હવે પછી હાથ નહીં લગાવતો.’
સુમીત છોભીલો પડી ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો.
‘હવે આટલી નાની વાતમાં શું બાયલાની જેમ રિસાઈને બેસી ગયો ? ચોખ્ખાઈ રાખવા જ કહ્યું છે ને ? મને નથી પસંદ તો નથી પસંદ.’
‘ઠીક છે.’ સુમીતે મૂડ ઠીક કરવા કોશિશ કરી.
એમ તો તે દિવસે પણ નાની જ વાત હતી ને ? કોઈએ કુરિયર થ્રૂ મીઠાઈનું બૉક્સ મોકલેલું. સુમીતે લઈને ડાઈનિંગ ટેબલ પર મૂકી દીધું. હજી તો બૉક્સ ખોલીને મોંમાં એક ટુકડો મૂકવાનો સુમીત વિચાર જ કરતો હતો કે એણે બૉક્સ પર ઝપટ મારી.
‘હે ભગવાન….ન ! આ બૉક્સ અહીં કેમ મૂક્યું ? કોણ જાણે ક્યાં ક્યાંથી ગંદું થઈને આવ્યું હશે ?’ બબડતાં બબડતાં એણે પૂંઠાનું બૉક્સ ધોઈ કાઢ્યું ને ટેબલ પર સાબુનું પોતું મારી દીધું. સુમીતની મીઠાઈ ખાવાની ઈચ્છા મરી પરવારી. એ રૂમમાં જતો રહ્યો.
સવાર પડતી ને આખા ઘરમાં ‘હાથ ધો’….. ‘હાથ ધો’ ના અણિયાળા ખીલા પથરાઈ જતા. એના પર ચાલવું સુમીત માટે મુશ્કેલ બનતું રહ્યું. શું પોતે કોઈ નાનો કીકલો છે ? શું પોતાને ચોખ્ખાઈનું કોઈ ભાન નથી ? એ એના મનમાં શું સમજતી હશે ? જવું હતું કોઈ રાજા-મહારાજને ત્યાં કે કોઈ કરોડપતિને ત્યાં. મારો જીવ લેવા કેમ આવી ? સુમીત ઘરમાં રહેતો એટલો સમય સતત એના પર બે આંખો અદશ્ય રીતે મંડાયેલી જ રહેતી જાણે ! પોતાના જ ઘરમાં એ કેદી બની ગયો. એને થતું, ‘રૂમમાં જ પડી રહું. બહાર નીકળીશ તો કંઈ અડકાઈ જશે ને સાબુથી હાથ ધોવા પડશે. છટ્ ! આ તે કંઈ જિંદગી છે ?’
રાત્રે પલંગમાં ઊંધે માથે પડેલા સુમીતના દિમાગમાં એક વિચાર ઝબક્યો. ‘એ આખો દિવસ શું કરતી હશે ?’ એ ધીમે ધીમે, ચોરપગલે રૂમની બહાર નીકળ્યો. એ અરીસાની સામે ઊભી રહી વાળમાં કાંસકો ફેરવી રહી હતી. સુમીતથી રહેવાયું નહીં. રેશમી વાળની સુગંધ !
‘તારા વાળ સરસ છે….. એકદમ રેશમી.’ સુમીતે એના વાળમાં આંગળીઓ ફેરવી.
‘એ…પ્લી…ઝ ! આજે જ વાળ ધોયા છે.’ એ રડમસ અવાજે દૂર ખસી ગઈ.
‘હા તો….! મારા હાથ ચોખ્ખા જ છે. હું કંઈ માટીમાં રમીને આવ્યો છું ?’
‘એ બધી વાત નથી. તારા હાથ તેં ક્યાં ક્યાં લગાડ્યા હશે !’
‘ઓહ !’ સુમીત જવાબ આપ્યા વગર રૂમમાં ભરાઈ ગયો. બે દિવસ પહેલાં જ, એને ચમકાવવા ખાતર જ સુમીતે એને પાછળથી કમરેથી પકડી લીધેલી ત્યારે એણે જે ચીસાચીસ કરેલી !
‘પ્લીઝ….પ્લી…ઝ….પ્લી…ઝ ! પહેલાં હાથ ધોઈ આવ. તને કેટલી વાર કહ્યું, મને તારે હાથ ધોયા વગર નહીં લગાડવાનો. તું ઘડીકમાં સોફા પર આળોટે તો ઘડીક પલંગ પર પડે. ઘડીક ટીવી અડકે ને ઘડીકમાં બારીબારણા ઉઘાડબંધ કરે. ને પછી એવા બધા ગંદા હાથે તું મને અડે તે મને બિલકુલ નથી પસંદ.’
‘ઓહ !’ સુમીતને પોતાના વાળ પીંખી નાંખવાનું મન થઈ આવ્યું. એને ઘરમાં બધે ધૂળના ઢગલા દેખાવા માંડ્યા. જ્યાં ને ત્યાં કરોળિયાનાં જાળાં ને જાળાંમાં આરામથી ફરતા કરોળિયા ! ઉંદરડા ને ગરોળી ને વાંદા છૂટથી ફરતાં હતાં. માખીનો બણબણાટ ને મચ્છરોનો ગણગણાટ. છાણની વાસ ને ઉકરડાની વાસ ને વાસ વાસ- ગંદકી ગંદકીથી એના પેટમાં ચૂંથારો ! ઓહ ! એણે એક સિગારેટ લઈ મોંમાં મૂકી દીધી. વહેલા વહેલા બે કશ લઈ હોલવી નાંખી ! છટ્ ! મોં કડવું થઈ ગયું. હવે બધું સાબુથી ધોવું પડશે. આ સાલી શાંતિથી જીવવા નહીં દે. ક્યાં ફસાયો ?
ગયા મહિને પાર્ટીમાં એને લઈ ગયેલો. જરા ફ્રેશ થવા ને બહુ વખતે ફ્રૅન્ડઝને મળવા. સજવા ધજવાનું- વટ મારવાનું ને અકડીને ચાલવાનું એને ગમતું તે સુમીતથી અજાણ્યું નહોતું. ‘ચાલો, એ બહાને એ પણ ખુશ થશે.’ પાર્ટીની વાતથી એ ખુશ થયેલી, સજીધજીને સરસ તૈયાર પણ થયેલી. તો ? પાર્ટીમાં બધાંની વચ્ચે ધીરે ધીરે એણે પોતાની સફાઈની ડિંગ હાંકવાની શરૂ કરી કે બધી સ્ત્રીઓએ એકબીજીને ઈશારા કરવા માંડ્યા. સુમીતની ચકોર નજરે બધાં સૂચક સ્મિતોને ટકરાતાં જોયા. ‘આને કશે લઈ જવા જેવી નથી….’ સુમીત હૉલની બહાર નીકળી ગાડીમાં ગોઠવાઈ ગયો, હાથ ધોયા વગર !
એ આવી પહોંચી, ‘કેમ ચાલી આવ્યો ?’
‘એમ જ. માથું દુઃખે છે.’
‘ઓહ !’
‘એમ નહીં કે, માથે જરા પ્રેમથી હાથ ફેરવશે કે માથું દાબી આપશે…’ સુમીત મનમાં બબડ્યો, ‘હા..થ ગંદા થઈ જશે.’
‘આ બધી પાર્ટીમાં આવેલી, કહેવાય બધી મોટા ઘરની ને કેટલી ગંદી ?……’ વળી ચોખ્ખાઈ ને ગંદકીની વાત ! એ જ એ જ ને એ જ વાત ! એક જ રૅકર્ડ ! સુમીતને જોરમાં બરાડો પાડવાનું મન થયું…. ‘ચૂ….પ ! બીજું કોઈ કામ છે કે નહીં ? આખો વખત એ જ ટીકટીક ટીકટીક સાલું બૈરું છે કે કોણ છે ?’ આંખો જોરમાં મીંચી દીધી તો સામે સકુ આવી ગઈ ! બિચારી સકુ ! સકુ પાસે તો આખો દિવસ હાથ ધોવડાવ્યા કરતી. ‘ઝાડુ કાઢવા પહેલાં હાથ ધો. પછી હાથ ધો. વાસણ માંજવાની ? હાથ બરાબર ધોજે હં ! કપડાં ધોવા પહેલાં….. હાથ-પગ ધોઈને બેસજે.’ સકુને હાથ ધોવડાવી-ધોવડાવીને થકવી નાંખતી. બિચારી એક દીકરા ખાતર બધું સહન કરતી. વર તો હતો નહીં. ‘હું સકુ હોત તો ?’ સુમીતને અચાનક જ ઝબકારો થયો. એના માથા પર ઝાડુ મારીને- વાસણ પછાડીને કામ છોડી જાત. આવી ગુલામી કોણ કરે ? પણ પોતે સુમીત હતો ને સુમીત ગુલામી કરતો હતો !
ભૂલમાં એક દિવસ સકુનો હાથ એને લાગી ગયો. એણે તો સકુના દેખતાં જ આખો હાથ સાબુથી ઘસી ઘસીને ધોયો. સકુનું મોં તે દિવસે જોવા જેવું હતું. તે દિવસથી સકુ એનાથી દસ ફૂટ દૂર રહેવા માંડી. ચોખ્ખાઈના ગાંડપણમાં માણસની આભડછેટ ! સુમીતને પોતાની જાત પર તિરસ્કાર થતો. એક કંકાસની બીકે જ પોતે ચૂપ રહેતો ને ? શરૂઆતથી જ એને અટકાવી હોત તો ? એની વાત સાચી હતી. એ બાયલો હતો.
સવારની જ વાત. રસોડા ને ડાઈનિંગ હૉલ વચ્ચેના બે પગથિયાંની ઝડપભેર ચડઊતરમાં એ પગથિયું ચૂકી ને ઊંધે માથે પડી. બાજુમાં જ સકુ ઊભેલી પણ બીકના માર્યાં એણે લંબાવેલો હાથ પાછો ખેંચી લીધેલો. હાથ ધોયા વગર ? ઝડપથી સાબુથી હાથ ધોઈને સકુ શેઠાણી પાસે પહોંચે એટલામાં તો એ બેભાન ! પછી ફોન, ઍમ્બ્યુલન્સ ને હૉસ્પિટલની દોડાદોડી વ્યર્થ ગઈ. એ સુમીતને છોડી ગઈ. સકુ ખૂબ રડીને પસ્તાઈ પણ એનો વાંક ક્યાં હતો ? સુમીતની નજર સામે ફરી ફરી એ જ દશ્ય ! ડૉક્ટરે ઝડપથી હાથ ધોયા વગર એને તપાસી. ઍમ્બ્યુલન્સમાં બધાએ હાથ ધોયા વગર એને સૂવડાવી. ને છેલ્લે ? એને મૂકતી વખતે કોના હાથ ધોયેલા હતા ? પોતાના પણ ક્યાં ? એવા હોશ જ ક્યાં હતાં ? એને રડવું નહોતું આવતું. કોણ હાથ ધુએ છે ? ના વિચારે એની નજર ચકળવકળ ફરી રહી. બધાએ એને બાજુએ બેસાડ્યો : ‘બિચારો !’
મિત્રો ઘરે મૂકી ગયા. ઘરમાં દાખલ થયો. રૂમ તરફ જતાં સંભળાયું, ‘હાથ ધોયા ?’ એક મિનિટ માથું ફરી ગયું. એણે પાછળ ફરી જોયું. પેલી તગતગતી આંખોનો સામનો ન થતાં એ ચંપલસહિત રૂમ તરફ ભાગ્યો. ચંપલનો ઘા કરી એ બાથરૂમમાં ભરાઈ ગયો. માથા પર પાણી પડતાં જ. ‘લે, નાહી લીધું બસ ?’- ‘લે, નાહી લીધું બસ ?’ બોલતો રહ્યો ને ક્યાંય સુધી એમ જ શાવર નીચે ઊભો રહ્યો. અચાનક ભીના શરીરે જ સુમીત આખા ઘરમાં દોડી વળ્યો. ‘હાથ ધોયા ? લે- નાહી જ લીધું.’ ‘હાથ ધોયા ? લે- નાહી જ લીધું.’ એણે ટુવાલ નો જમીન પર ઘા કર્યો. એના પર ઊભા રહી ટુવાલને જમીન પર ઘસડીને આગલા રૂમમાં લઈ ગયો. સોફા પર ધૂળ ચોંટેલા પગે કૂદતો રહ્યો ને ચંપલ યાદ આવતાં બેડરૂમમાં જઈ ચંપલ પહેરી એ પલંગ પર ચડી ગયો. કૂદ્યો. ખૂબ કૂદ્યો ને પછી થાકીને ચંપલ પહેરીને જ સૂઈ ગયો.
35 thoughts on “હાથ ધોયા ? – કલ્પના દેસાઈ”
એક એવી કરુણતા જેના પર હાસ્ય ને અફસોસ બંને લાગણી સાથે જન્મી… ખૂબ સરસ રીતે વર્ણવી છે… શરૂઆતમાં જ જાણ થઈ ગઈ આખી વાર્તા છતાંય આલેખનમાં કચાશને સ્થાન નહોતું…
કલ્પનાબેન,
વધુ પડતી સ્વચ્છતાનો આગ્રહ એ પણ એક માનસિક રોગ છે. આજકાલ દેખાડા ખાતર પણ તેનું ચલણ વધ્યું છે ! વિવેક વગર સાબુ-ક્લીનર કે શેમ્પૂના વધુપડતા ઉપયોગ { દુરુપયોગ }થી ચામડીના નવા નવા રોગ વધવા લાગ્યા છે. સાબુ કે ક્લીનર વગેરે નહોતાં ત્યારે માણસો નીરોગી નહોતા ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
આ એક માનસીક રોગ છે જેને ઓસીડી કહેવાય છે. આપણા દેશ મા હજુ આ વિશે ઘણી ઓછી સમજ છે પરન્તુ એના ઈલાજ પણ છે. લેખિકા એ આ તથ્ય પણ વણી લીધુ હોત તો વાર્તા મા એક સનદેશ લોકો સુધી પહોચાડી શકાત.
excellent story
Very well written. In day today household work we normally follow same practice.true reality.this type of picture we hear from NRI.
oh…kvo mansikrog.
ચોખલિયાવેડાને કારણે જીવનની નાની નાની વાતોમાંથી મળતો આનંદ આપણે તો ગુમાવીએ અને સાથે આપણા સાથીદારને પણ તેનાથી વંચિત રાખીએ…આમાંથી ઉદભવતી કરુણતાને હાસ્યમિસ્રિત શૈલીમાં અદભુત રીતે કલ્પનાબહેને આલેખી બતાવ્યું.લાજવાબ વાર્તા….
સુંદર રજુઆત,ચોખ્ખાઈની ટેવ સારી પણ જ્યારે અતિરેક થાય અંગત જીવન વેડફાઈ જાય છે.
સુંદર સંદેશ.
હાર્દિક અભિનંદન.
પ્રતિભાવો બદલ આપ સૌનો ઘણો આભાર.મોટામાં મોટું દુઃખ પાછું એ કે,આ લોકો બહુ
જિદ્દી હોય છે.ચોખ્ખાઈના આગ્રહમાં સંબંધની પરવા નથી કરતાં.દવા કરે તો સારું થઈ જાય પણ ઘરનાંએ એટલો સમય પોતાના મગજ પર સંયમ રાખવો પડે.દર્દી સાથે ધીરજથી કામ લેવુ પડે.બાકી તો ઘરની શાંતિ હરામ થઈ જાય.આભાર મૃગેશભાઈ.
Obsessive cleaning disorder – nice story.
wAH, kya baat hai Kalpanaben, majaa aavi gai. CONGRETULATIONS.
Mrugeshbhai, I am happy that there is no negative comment from Kalidasbhai for this short story :).
Nice story kalpanaben.
નલિનભાઈ,
આવો પૂર્વગ્રહ શા માટે ? કોમેન્ટ માત્ર શ્રુષ્ટુ-શ્રુષ્ટુ જ હોય ? જે સાચુ લાગે તે લખવું કેટલું અઘરૂ થઈ ગયુ છે ! સાચુ બોલતાં કેટલું વિચારવું પડે છે આજકાલ ? નહીં !
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
nice story
ક્લ્પના બહેન, તમે સાબિત કરી બતાવ્યું કે હાસ્યમાં ચાલતી કલમ વાર્તામાં પણ એટલી જ ક્ષમતાથી ચાલે બલ્કે દોડે.
આ પ્રકારની મનોરુગ્ણતા ઓછા વત્તા અંશે ઘણાં લોકોમાં જોવા મળે છે. તેનો તિરસ્કાર કરવાને બદલે ચિકિત્સા કઈ રીતે કરવી તે વિચારવું ઘટે.
મનોવૈગ્નાનિક સમસ્યાનું કલાત્મક નિરુપણ કરવા બદલ ધન્યવાદ્.
aatli sundar varta nu sarjan karva mate abhinandan
ખૂબ સરસ વાર્તા.
અતિરેકનો અંજામ. સરસ વાર્તા.
Heart touching story…. Too sad but perfect.
Nice story..
એકદમ સરસ વાર્તા છે. વાંચવાની ખુબ મજા આવી ગઈ.
એકદમ સરસ વાર્તા છે. વાંચવાની ખુબ મજા આવી.
Haath dhoi lidha chhe ho…
with sad end present true reality
સરસ વાર્તા .she is absolute psychiatric patient. she will cure definitely if she cure in time.
Obsessive-compulsive disorder (OCD) is an anxiety disorder in which people have unwanted and repeated thoughts, feelings, ideas, sensations (obsessions), or behaviors that make them feel driven to do something (compulsions)
આભાર ડૉ.અનિલભાઈ,
તમારી વાત સાચી છે પણ જો પેશન્ટ પોતાને પેશન્ટ ન સમજે તો?
એને કઇ રીતે સમજાવી શકાય? જેથી એ દવા કરાવવા તૈયાર થાય?
કુટુંબમાં અશાંતિ ઉભો કરતો આ રોગ બહુ ભયજનક રીતે સમાજમાં ફેલાઈ રહ્યો છે.
કલ્પના દેસાઈ
બહુ જ સરસ વાર્તા વાંચવાની ખુબ મજા આવી ગઈ.
વાર્તા વાંચવાનેી મજા આવી ગઇ. આવા લોકો હોય છે અને મને તે અનુભવ દરરોજ થાય છે .અમારા ઘર મા ચોખ્ખાઈ નો બહુ આગ્રહ રાખવામા આવે છે. ક્યારેક રોઈ પડાય છે.
Nice story
Somewhere I feel end could have been better. Its hanging,,,
( Obsession ) કોઈ પણ વાત માં અતિ એટલે કે ઓબ્સેશન. આ તો ફક્ત હાથ ધોવાની વાત હતી. એવી વ્યક્તિ હોઈ છે કે જેમને બધું જ પરફેક્ટ જોઈએ. ભલે ને બીજા ને ના ગમે !! બીજો નારાજ થઈ જાય !! પણ આવી વ્યક્તિઓ ને આની બિલકુલ અસર નથી થતી. આ એક માનસિક બીમારી કહી શકાય. દિવસ ના અંતે દુખી જ થવાનું. અને બીજાને પણ દુખી કરવાના. મને ખબર નથી કે આવી વ્યક્તિ માટે કોઈ ઈલાજ પણ છે કે નહિ !! આને કરુણા કહી શકાય.
સુંદર રજુઆત,ચોખ્ખાઈની ટેવ સારી પણ જ્યારે અતિરેક થાય અંગત જીવન વેડફાઈ જાય છે.
સુંદર સંદેશ.
હાર્દિક અભિનંદન.
Jeevan ma chokhkhai hovi jaruri che pan chokhkhai e j jeevan che evu manine chalnara dukhi that che ane kare che.
nice story.
Keta Joshi
Toronto, Canada
કરુણાંતિકા. આ લેખક ઝાઝું કરીને હળવી શૈલીમાં લખે છે એટલે આ કરુણ વાર્તા વાંચીને આશ્ચર્યમિશ્રિત આઘાત પણ લાગ્યો અને આનંદ પણ થયો. આઘાત એટલા માટે કે કરુણ વાર્તાની અપેક્ષા ન હતી. વળી વાર્તાનો વિષય એવો હતો કે જબરી હાસ્ય વાર્તા બની શકે. પણ લેખકે કરુણ વાર્તા જ લખવાનું નિર્ધાર્યું હતું! હા, એ રીતે તેઓ સફળ થયા છે. આવા લોકો હોય છે, આને બિહેવિયરલ ડીસઓર્ડર કહે છે. કાઉન્સેલિંગ અને થેરેપીથી સારવાર થઇ શકે છે. કોઈકે ટીપ્પણી કરી છે એ રીતે આ મુદ્દો સાંકળી લેવાય તો વાર્તા પરફેક્ટ બની જાય. જેમ કે ઓલરેડી ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલુ હોય પણ વચ્ચે વચ્ચે ઝટકા આવે, એવું કંઇક. એકંદરે, સરસ વાર્તા!