બોધકથાઓ – સં. મહેશ દવે

[પુનઃપ્રકાશિત]

[1] શાણપણની સમજણ

જંગલો અને ડુંગરાઓના અંતરિયાળ પ્રદેશમાં એક ગામ હતું. ગામ એટલું ઊંડાણમાં હતું કે કોઈ મોટા શહેર કે નગર સાથે એને સંપર્ક નહોતો. ગામમાં નહોતી કોઈ શાળા કે નહોતી ભણવાની બીજી સગવડ. ગામની વસતિ સાવ અભણ હતી. પ્રાથમિક કક્ષાની ખેતી કરી લોકો અનાજ પકવતા અને પેટ ભરતા. અજ્ઞાનને કારણે પ્રજા અબુધ હતી અને તેમનામાં રાક્ષસ, ભૂત-પ્રેત જેવી ખોટી માન્યતાઓ પહેલેથી ચાલી આવી હતી.

એક દિવસ અચાનક ગામમાં એક ભણેલો માણસ આવી ચડ્યો. તેના આવ્યાના બીજા દિવસે તેણે અજબ દશ્ય જોયું ઘઉંના ખેતરમાંથી ઘઉં વાઢતા માણસોને એણે ભયભીત થઈ નાસતા જોયા. તેણે માણસોને રોક્યા અને પૂછયું : ‘તમે શા માટે નાસી રહ્યા છો ?’ ભાગનારામાંથી એક રોકાયો અને કહ્યું : ‘ખેતરમાં રાક્ષસ કે ભૂત જેવું કંઈક છે. તેનાથી બચવા અમે નાસી રહ્યા છીએ.’

ભણેલો માણસ રાક્ષસો કે ભૂતમાં વિશ્વાસ ધરાવતો નહોતો. એણે ઊભા રહેલા માણસને પૂછ્યું : ‘ક્યાં છે રાક્ષસ ? બતાવ મને.’ ખેતરના છેડે ઊભા રહી પેલા માણસે લીલા-કાળા રંગનો, જમીન પર પડેલો, મોટો દડા જેવો ગોળો બતાવ્યો. ભણેલો માણસ મનોમન હસી પડ્યો. એણે જોયું કે પેલો માણસ બતાવી રહ્યો હતો તે તો એક તરબૂચ હતું. ભણેલા માણસે કહ્યું, ‘આ રાક્ષસથી ડરશો નહીં. એનો હું વધ કરી નાખીશ. પછી તમે તમારું અનાજ લણવાનું કામ શાંતિથી કરી શકશો.’ આમ જણાવી તે માણસે ડીંટામાંથી તરબૂચ તોડી નાખ્યું. તેણે તરબૂચ કાપી તેની એક ચીરી ખાઈ બતાવી.

ગામલોકોને પહેલાં તો અચંબો થયો, પછી તેમને પેલા માણસ ઉપર શંકા-કુશંકા થઈ. તેમને લાગ્યું કે આ માણસ કોઈ રાક્ષસયોનિનો જ લાગે છે. તેથી જ તેણે નાના રાક્ષસનો વધ કરી તેનો ભક્ષ કર્યો છે. આથી ગામલોકોએ ભેગા મળી તે માણસને મારી નાખ્યો.

થોડા સમય પછી બીજો એક માણસ ગામમાં આવી ચડ્યો. એ ભણેલો હતો અને સાથે ગણેલો પણ હતો. લોકો ઘઉંના ખેતરમાં જતા નહોતા એ વિશેની વાત એણે જાણી. તરબૂચનાં બિયાંમાંથી ઊગેલાં બીજાં તરબૂચ પણ તેણે જોયાં. તે આખી વાત સમજી ગયો. તેણે એવું દેખાડ્યું કે ગામલોકો જેવો ડર એને પણ લાગ્યો છે. ગામમાં રહી ધીરે ધીરે એણે લોકોને શાકભાજી રોપતા, ફળ-ફૂલ ઉગાડતા અને બીજું નવું નવું શીખવ્યું. પછી તરબૂચ વિશે પણ સાચી માહિતી આપી. એ માણસ ગામલોકોનો આદર અને પ્રેમ મેળવી શક્યો.

સાચી માહિતી ધીમે ધીમે આપવી જોઈએ અને ગળે ઉતારવી જોઈએ. જ્ઞાન આપ્યા વગર એકાએક ચમત્કારનો ભાવ ઊભો કરવાથી સરવાળે નુકશાન થાય છે. માણસો સાથે ઘરોબો કેળવી શીખવો તો બહુમાન મળે છે.
.

[2] ત્રણ બહેરા અને એક મૂંગો

એક બહેરો ભરવાડ હતો. બકરાં ચરાવવા એ રોજ જંગલમાં જતો. એક દિવસ તેની વહુ બપોરનું ભાથું આપવાનું ભૂલી ગઈ. એટલે ઘેર જઈ એણે રોટલા લાવવા પડે એવું થયું. પાસેના ડુંગરની ખીણમાં એક માણસ ઘાસ વાઢતો હતો. ભરવાડે એ માણસને કહ્યું : ‘ભાઈ, હું મારે ઘેરથી ભાથું લઈ આવું એટલી વાર મારાં બકરાનું ધ્યાન રાખજે. કોઈ છૂટું પડી આઘે ન ચાલ્યું જાય, હોં.’

ઘાસ વાઢનારોય બહેરો હતો. એણે ભરવાડને જવાબ આપ્યો. ‘ચાલ, ચાલ ! મારા ઘાસમાંથી તને શાનો આપું ?’

ભરવાડે કહ્યું, ‘મારાં બકરાંનું ધ્યાન રાખવા તે હા પાડી માટે આભાર.’ આમ કહી એ ઘેર ગયો. પાછા આવી તેણે બકરાંની ગણતરી કરી. બરાબર એટલાં જ હતાં. ઘાસ વાઢનારો ભરોસાપાત્ર લાગ્યો. એટલે તેને કંઈક ભેટ આપવાનું ભરવાડે વિચાર્યું. એક લંગડું બકરું એ આમેય હલાલ કરવાનો હતો તે બકરું ખભે ઉપાડી તે ઘાસ વાઢનારા પાસે ગયો. કહ્યું, ‘લો, આ મારા તરફથી ભેટ.’ ઘાસ વાઢનારો ભડક્યો. બોલ્યો, ‘મેં તારાં બકરાં સામે જોયું પણ નથી. તારું બકરું લંગડું થયું એમાં મારો શો વાંક ? ચાલતો થા અહીંથી !’

ઘાસ વાઢનારાનો ગુસ્સો જોઈ ભરવાડને આશ્ચર્ય થયું. ત્યાં એક ઘોડેસવાર નીકળ્યો. ભરવાડે તેને રોક્યો ને કહ્યું : ‘આ માણસ તો જુઓ. હું એને બકરું ભેટ આપું છું ને તે ગરમ થાય છે.’ હવે ઘોડેસવાર ઘોડાને ચોરીને આવતો હતો અને એ પણ બહેરો હતો. ભરવાડ અને ઘાસ વાઢનાર બંને ઘોડેસવારની સામે જોઈ જોઈને રાડો પાડીને એકબીજા સામેની ફરિયાદ સંભળાવવા માંડ્યા. બહેરો ઘોડેસવાર ઘોડા પરથી ઊતરી કહેવા લાગ્યો : ‘ખરી વાત છે, મેં ઘોડો ચોર્યો છે, પણ મને ખબર નહીં કે એ તમારો છે. મને માફ કરજો. મારાથી આ ખોટું કામ થઈ ગયું છે.’ ત્રણે જણા પોતપોતાની વાત મોટે મોટેથી કહેવા માંડ્યા. ત્યાં એક વૃદ્ધ દરવેશ નીકળ્યા. ઘાસ વાઢનારે તેમને કૉલરથી પકડી રોક્યા અને કહ્યું, ‘અમે ત્રણે જણા એકબીજાને કહી રહ્યા છીએ, પણ કોઈ સમજતું નથી. તમે જ કંઈક ઉકેલ લાવો.’

થયું એવું કે દરવેશ મૂંગા હતા. ત્રણે બોલતા હતા તે એમણે સાંભળ્યું ખરું, પણ એ કંઈ બોલી શકે એમ નહોતા. એમણે તીવ્ર વેધક દષ્ટિએ એક પછી એક ત્રણેને જોવા માંડ્યા. ત્રણે અકળાયા. દરવેશની નજરથી તેમને ડર લાગ્યો. એટલે ઘોડા પર આવેલો માણસ એકાએક ઘોડો પલાણીને નાઠો. ભરવાડે એનાં બકરાં એકઠાં કરી ગામ ભણી જવા માંડ્યું. ઘાસ વાઢનારે ભારો બાંધી ઘર ભણી ચાલવા માંડ્યું.

કોઈ કોઈનું સાંભળે નહીં ને સમજે નહીં એમ દુનિયાનો વહેવાર આંધળે બહેરા જેવો અગડંબગડં ચાલે છે. વાણીને બદલે મૌન દષ્ટિની શક્તિ ભારે બળવાન છે. વેધક દષ્ટિથી ગરબડનો ઉકેલ લાવી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “બોધકથાઓ – સં. મહેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.