અર્વાચીન અગસ્ત્ય – ભરત ના. ભટ્ટ

[આદરણીય લોકશિક્ષક અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ વિશે તેમના સમકાલીન મહાનુભાવો – જેવા કે સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર વગેરે એ લખેલા સુંદર લેખોનું તેમના પુત્ર શ્રી ભરતભાઈ ભટ્ટે સંપાદન કરીને તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકમાં તેમના જીવનપ્રસંગો અને જીવનઝાંખીનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તકમાંથી માણીએ નાનાભાઈના સ્વલિખિત બે પ્રકરણો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]

[1] ધર્માર્થકામમોક્ષાય

માનવીના વ્યક્તિગત જીવનનો હિંદુ ધર્મશાસ્ત્રોએ ઘણો બારીકાઈથી અભ્યાસ કર્યો છે એમ લાગ્યા વિના રહેતું નથી. સૌથી પ્રથમ તો માનવજીવનનું પ્રયોજન શું છે તે સૌ ધર્મશાસ્ત્રોએ નક્કી કર્યું. એ પ્રયોજન મોક્ષ જ છે. આ પ્રયોજન નક્કી કરવામાં ધર્મશાસ્ત્રો માત્ર લાગણીથી કે ભાવનાથી પ્રેરાયાં નથી પરંતુ એ વસ્તુ તેમણે લાંબા વખતના અનુભવથી નર્યા સત્ય (Fact) તરીકે સ્વીકારી છે અને વસ્તુત: છે પણ એમ જ.

જેમ કોઈ પણ છોડ ગમે ત્યાં ઊગી નીકળે તો પણ તે બનતા બધા પ્રયત્ને સૂર્યના પ્રકાશ તરફ જ વળે છે, તે પ્રમાણે માનવી ગમે તે સ્થાને હોય તો પણ તે સીધી રીતે કે આડકતરી રીતે મોક્ષના માર્ગ તરફ વળ્યા સિવાય રહી શકતો નથી. દુષ્ટમાં દુષ્ટ માણસ પણ પોતાની દુષ્ટતાને રસ્તે મોક્ષને જ શોધે છે. મોક્ષ એ જ માનવી જીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે. આપણા હિંદુ ધર્મશાસ્ત્રકારોએ મોક્ષ તરફ લઈ જનારા બીજા ત્રણ પુરુષાર્થ ગણ્યા છે, જેવા કે ધર્મ, અર્થ અને કામ.

કામ એ માનવીના ઐહિક જીવનમાં મુખ્ય પુરુષાર્થ દેખાય છે. માનવી જન્મે તે કાંઈ એકાએક કોઈ અગમ્ય પ્રદેશમાંથી ટપકી પડતો નથી. પરંતુ પોતાની સાથે અનેક જન્મજન્માંતરોની અતૃપ્ત વાસનાઓના અતૃપ્ત મનોરથોને તૃપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. માનવી આજ પહેલાંના અનેક મન્વંતરોથી ઘડાતો ઘડાતો આજે આવીને ઊભો છે. તેનું મન કોરીધાકોર પાટી જેવું નથી. પરંતુ અનેક સારા-માઠા સંસ્કારોથી ચિતરાયલું છે, અનેક સારા-માઠા પ્રસંગો આજે તેના જીવનમાં કામ કરતા હોય છે. આ સંસ્કારોને બળે તે આજ પણ અનેક સારાં-માઠાં કર્મો કરતો હોય છે. તેને પહોંચવું છે તો મોક્ષ સુધી, પરંતુ મોક્ષ સુધી પહોંચવાનો સીધો માર્ગ તેને હાથ લાગે ત્યાં સુધી તે આડોઅવળો કુટાય છે, ગમે તે તરફ ઘસડાય છે અને આના પરિણામે તે જીવનના મુખ્ય પ્રયોજનને સિદ્ધ કરી શકતો નથી.

આ શુભ-અશુભ, તૃપ્ત-અતૃપ્ત વાસનાઓનાં બીજ તેનાં અંતરમાં સૂક્ષ્મ રીતે પડેલાં હોય છે. અને આ રીતે સુપ્ત પડેલા દેખાતા વાસનાઓના સંસ્કારો અવારનવાર ડોકિયાં કરે છે. આ ક્રિયા માનવીના વ્યક્તિજીવનમાં નિરંતર ચાલતી જ હોય છે. આ બધાં બીજ એકબીજાં સાથે અફળાયા કરે છે, અને માનવીના જીવનમાં અનેક સંઘર્ષ ઊભા કરે છે. આ સંઘર્ષોને પરિણામે માનવી હેરાન હેરાન થઈ જાય છે. કામ એટલે સ્થૂળ અર્થમાં જેને આપણે કામવાસના કહીએ તે નહીં પણ કોઈ પણ જાતની એષણા, પરિએષણા એ જ કામ. એ સ્થૂલ પણ હોય, સૂક્ષ્મ પણ હોય. આ કામ માનવીના મનમાં અંદર રહ્યો રહ્યો ધક્કો મારતો હોય છે. આ ધક્કાના બળે માનવી જીવનમાં પ્રવૃત્તિ કર્યા કરે છે.

પરંતુ આ પુરુષાર્થની વાત કેવળ માનવીને જ લાગુ પડે છે. પશુપંખીઓને લાગુ નથી પડતી. ઈશ્વરની આ સૃષ્ટિમાં આ કરવું કે આ ન કરવું એની વિવેકબુદ્ધિ માત્ર માણસને જ મળી છે. ઉંદરને દેખીને આ ઉંદરને મારવો કે ન મારવો એવો વિચાર કરવાપણું બિલાડીને હોતું નથી. એ તો ઉંદરને દેખીને જ તેને મારવા દોડે છે. પરંતુ ઉંદરને મારવો કે ન મારવો એ વિચાર કરવાની શક્તિ ઈશ્વરે તેને આપી જ નથી. આથી તે ઉંદરને મારે તેથી તે હિંસક થઈ જતી નથી, પરંતુ માર્યા વિના તેનાથી રહેવાતું નથી. માટે ઉંદરને મારવો તે ધર્મ છે કે નહીં તે વિચારની આશા તેની પાસેથી ન રાખી શકાય. પરંતુ હિટલર યહૂદીઓની એકસામટી કતલ કરે તે માનવી તરીકે તેણે મોટો અધર્મ કર્યો એમ ગણાવું જોઈએ. કારણ કે યહૂદીઓને મારવાની કોઈ પણ સ્વાભાવિક પ્રેરણા તેને કુદરતે આપી નથી. આ રીતે માણસનો જીવનવ્યવહાર તેના ચિત્તમાં પડેલા જન્મજન્માંતરના સંસ્કારોને ધક્કો મારે છે. પરંતુ તેમાંથી ક્યા સંસ્કારને આગળ આવવા દેવો અને ક્યા સંસ્કારને કામ કરતો રોકવો એની વિવેકશક્તિ ઈશ્વરે મનુષ્યને આપી છે. માટે જ મનુષ્ય પાસેથી સારી પ્રવૃત્તિઓની આશા રાખી શકાય. આ પ્રકારના ‘કામ’ વિના માનવીજીવન જ સંભવતું નથી. માનવીને જન્મ્યા પછી તરત જ અંદર પડેલાં કામનાં બીજ ધક્કા માર્યા કરે છે.

ઉપર પ્રમાણે કામ એ જીવનનું પ્રધાન પ્રેરણાબળ છે. પરંતુ આ પ્રેરણાબળને કાર્ય કરવાને માટે કેટલીએક બાહ્ય સામગ્રીની જરૂર પડે છે. આને આપણે ‘અર્થ’ એવું નામ આપીએ છીએ. અર્થ એ પ્રધાન પુરુષાર્થ નથી. અર્થ વિના કામની સિદ્ધિ થવી શક્ય નથી, માટે માનવીએ અર્થનો સદંતર ત્યાગ કરવો એ જીવનના સામંજસ્ય માટે હિતાવહ પણ નથી.

પરંતુ કામ અને અર્થ બન્નેએ એક મર્યાદા સ્વીકારીને જ ચાલવું જોઈએ. માણસ કામને એટલે કામનાને, મહેચ્છાઓને, દાબીને, કચડીને તેનાં બીજ બાળી શકતો નથી પરંતુ કામને ધર્મબુદ્ધિથી ભોગવીને તેને નિર્મળ કરી શકે છે. અને તેના અમર્યાદિત ભોગથી તે વધારે ને વધારે ઊંડા ખાડામાં પડતો જાય છે. એટલે કામને ધર્મની મર્યાદા તેના ઊર્ધ્વીકરણ માટે જરૂરી છે. તેમ જ અર્થ પણ કોઈપણ કામની તૃપ્તિ માટે ન હોય તો તે જીવનનો પુરુષાર્થ ગણાવાને લાયક નથી. જે બાવાવૈરાગીઓ વિવેક વિના અર્થનો સદંતર ત્યાગ કરે છે તેઓ માનવી જીવનને વેડફી નાખે છે એમ જ કહી શકાય. એટલે કામની માફક અર્થની ઉપાસના પણ ધર્મની મર્યાદામાં રહીને માણસમાત્રે કરવી જ જોઈએ. ઉપનિષદના ઋષિએ કહ્યું :
सत्यात न प्रमदितव्यम
धर्मात न प्रमदितव्यम
कुशलात न प्रमदितव्यम
એટલા માટે માણસમાત્રે દેહના ધારણપોષણ અર્થે જરૂરી એટલો અર્થ પ્રાપ્ત કરવો જ જોઈએ.

[નાનાભાઈનું આ છેલ્લું (અધૂરું) લખાણ છે. તે સમયે તેમાં મનુભાઈ પંચોળીએ નોંધ ભૂમિકા લખેલી જે યથાવત રહેવા દીધી છે. આશરે 15 ડિસે. 1961 આસપાસ તેમણે આ લખાવેલું. 19 ડિસે. 1961ના રોજ તેમને સેરિબ્રલ થ્રોમ્બોસિસનો હુમલો આવ્યો ને તેઓ બેભાન બન્યા અને આ કામ અધૂરું જ રહી ગયું.]

[મનુભાઈની નોંધ : જીવનનો સમગ્ર દષ્ટિએ – સ્વચ્છ દષ્ટિએ વિચાર કરવો, ને તે પરથી આચાર નિશ્ચિત કરવો તે તેમની વિશિષ્ટતા હતા. તેમને પ્રતીતિ હતી કે હિંદુધર્મે આ વિષે તલસ્પર્શી ને સર્વકાળે ઉપયોગી વિચારો કર્યા છે. આથી મેં એમને એક વાર કહેલું કે, ‘તમે તમારી આવી શ્રદ્ધા વ્યક્ત કરો તે પૂરતું નથી. આ યુગ બુદ્ધિપ્રધાન છે. તેમને બુદ્ધિની દષ્ટિએ હિંદુધર્મ-હિંદુતત્વજ્ઞાન સમજાય એ માટે જીવનનાં બધાં પાસાંની એકસૂત્રી વિચારણા કરતું હોય તેવું પુસ્તક ‘ધર્માર્થકામમોક્ષાય’ નામનું લખો. જ્યાં સુધી હાથ પર પ્રત્યક્ષ કામ હોય ત્યાં સુધી લખવાનું, અરે વાતો કરવામાં વખત ગાળવાનું પણ એમને ન ગમતું. એટલે, કોઈ વાર જોઈશું તેમ તેમણે કહેલું. દોઢ વર્ષ પર તેઓ પથારીવશ થયા પછી ફરી મેં આવું લખવાનું યાદ આપેલું. પણ પાછી ઉઘરાણી કરવાનું ભૂલી ગયેલો. મૃત્યુ પહેલાં દસેક દિવસ અગાઉ છેલ્લો હુમલો થયો તેને આગલે દિવસે મને આપમેળે કહે, ‘તમે કહેતા તેવું લખવાનું શરૂ કર્યું છે. મંજુ (નાનાભાઈની પુત્રી) પાસે છે. જોજો.’ આ છે એ લખાણ. કહે છે કે યોગયુક્ત પુરુષની દષ્ટિ અંત ઘડી સુધી પવન વિનાના ઓરડામાં બળતા દીપ જેવી સ્થિર ને ઊર્ધ્વમુખી રહે છે. નાનાભાઈના આ છેલ્લા લખાણમાં તેની ઝાંખી થશે. – મનુભાઈ પંચોળી ‘દર્શક’]
.

[2] નાનાભાઈનું વસિયતનામું

(સ્વ. મુ. નાનાભાઈએ પોતાની જે કાંઈ સ્થાવર-જંગમ મિલકત હતી તેના ઉપયોગ માટે વીલ કરેલું. વીલપત્રની વિગતો તો તે કરનારની ખાનગી ગણાય; પણ મુ. નાનાભાઈએ જે ભાવનાથી એ વીલ કર્યું તે બીજાઓને પણ ઉપયોગી થાય તેમ લાગવાથી તેમના કુટુંબીઓની સંમતિથી તેટલો ભાગ અહીં નીચે પ્રસિદ્ધ કરીએ છીએ. – મનુભાઈ પંચોળી, મૂળશંકર મો. ભટ્ટ)

આજથી લગભગ બે વર્ષ ઉપર જ્યારે મારો પગ ભાંગ્યો ને કદાચ મારો દેહ પડી જાય એવો સંભવ ઊભો થયો ત્યારે મેં એક વીલ કર્યું હતું. પાછળથી હું સાજો થયો ને મેં આ વીલ ઉપર નજર ફેરવી ત્યારે મને દેખાયું કે એ વીલની ભાષા અને તેનો આખો ઉઠાવ મારી જીવનદષ્ટિની સાથે બરાબર બંધબેસતાં નથી. તેથી આજે આ લેખની હું એ વીલને રદ કરું છું.

મારો દેહ પડ્યા પછી મારી પત્નીએ, મારા પુત્રોએ, મારી પુત્રીઓએ અને મારી પુત્રવધૂઓએ કેમ રહેવું, કેમ વર્તવું અને મારી સ્થૂળ તેમ જ સાંસ્કૃતિક મિલકતનો કેવો ઉપયોગ કરવો એ બધું આજે મારે નવેસરથી શીખવવાનું રહેતું નથી. મારા જીવનકાળ દરમિયાન આ સૌ લોકોએ મારી પાસેથી જે કાંઈ લેવા જેવું તેમને લાગ્યું હશે તે તેમણે લીધું જ હશે. મારા જીવનકાળ દરમિયાન તેમણે આ ન લીધું હોય તો આજે છેલ્લી ઘડીએ તેઓ લઈ શકે તેમ હું માનતો નથી. તેમ છતાં મારી ગેરહાજરીમાં મારી મિલકતનો કેવો ઉપયોગ થાય એવી મારી પોતાની ઈચ્છા હતી તે જાણવાનું તેમને મન થાય તો મારી ઈચ્છાને અને આશાને હું આ લેખથી પ્રગટ કરું છું.

મારા કાનમાં ભણકારા વાગ્યે જાય છે કે, ‘તમારાં કોઈ કોઈ બાળકો નાનાં પણ છે. માટે તમે વીલ કરો તો સારું. આજે જમાનો કાયદાનો અને કોર્ટનો છે. તમારા દેખતાં જ તમારાં કેટલાંએક સગાંઓએ ધૂળ જેવી મિલકતને માટે પણ કોર્ટનો આશરો લીધો છે. એ તમે ક્યાં નથી જાણતા ?’ આ ભણકારમાં સત્યાંશ નથી એમ હું કહી ન શકું. તેમ છતાં આજના કોર્ટની છાપના વીલને હું પસંદ કરતો નથી. આનું સૌથી પહેલું કારણ એ છે કે આપણા દેશની પરંપરામાં બાપનો બોલ-બોલ્યો કે વણબોલ્યો દીકરો ઉથાપે નહિ એવું મેં જોયું છે. મારા પોતાના જ વંશમાં છેલ્લી ચારપાંચ પેઢીઓમાં તો કોઈએ કોર્ટની છાપનું વીલ કર્યું હોય એવું મેં જાણ્યું નથી. અમે કાલિદાસ ભટ્ટના પુત્રોએ જ્યારે અમારી મિલકતને વહેંચી ત્યારે અમારી સમજણ અમે માત્ર એક સાદા કાગળ ઉપર ટપકાવી લીધી હતી જે કાગળ આજે પણ આપણા ઘરમાં ક્યાંક પડ્યો હશે. આપણા દેશનો સામાજિક વ્યવહાર આટલી સાદાઈથી પરસ્પરના વિશ્વાસ ઉપર ચાલતો હતો. તેને તોડતાં મને કંપારી થાય છે.

ઉપરાંત, હું જન્મથી તેમજ વ્યવસાયથી શિક્ષક છું. શિક્ષણના ક્ષેત્રમાં જો વિદ્યાર્થીમાત્ર ઉપર વિશ્વાસ મૂકવો એ મારું ધ્યેય રહ્યું હોય તો હું પોતે ઊઠીને મારાં ફરજંદો ઉપર અવિશ્વાસ લાવું એ કેમ બને ? આ અને આવાં જ બીજાં નાનાંમોટાં કારણોને લીધે કોર્ટની છાપનું વીલ કરવું પસંદ કરતો નથી, પણ મારી ઈચ્છાને અને આશાને અહીં ટપકાવું છું. મારાં બાળકોને વારસામાં હું શું આપું ? આપણે સૌ ભારતની સનાતન સંસ્કૃતિના વારસો છીએ. એ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હું યથાશક્તિ જીવ્યો છું. તમે સૌ પણ એ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને, અને તેને નવા યુગનો પટ આપીને માનવીને શોભે એ રીતે જીવશો એવી મારી આશા છે.

આ મારી સ્થૂળ સ્થાવર-જંગમા મિલકત. આ મિલકતને કેવી રીતે વાપરવી તેનો મેં ઉપર ઉલ્લેખ કર્યો છે. પણ જો મારી આટલી જ મિલકત હોય તો હું મારી જાતને એક મુફલિસ ગણું. અમારી પાસે તમને ભાંડુઓને આપવાની જે કાંઈ સાંસ્કૃતિક મિલકત છે તે આજ સુધી તમને આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. અમે બન્ને સ્પષ્ટ માનીએ છીએ કે જો તમે સૌ ભાંડુઓ અમારી હયાતી બાદ પણ એકબીજા તરફ સ્નેહ રાખશો, એકબીજાની ભીડ વખતે આડુંઅવળું જોયા વિના છૂટા દિલથી ઉપયોગી થશો તો, અમે વિશ્વમાં જ્યાં હશું ત્યાં અમારું જીવન ધન્ય ગણીશું.

ઈશ્વર તમને સૌને સદબુદ્ધિ આપે એવા અમારા બંનેના તમને આશીર્વાદ છે.

[કુલ પાન : 444. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “અર્વાચીન અગસ્ત્ય – ભરત ના. ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.