સ્મૃતિતંતુ – નિરંજના લક્ષ્મીકાન્ત ભટ્ટ

[પુનઃપ્રકાશિત]

[ આપણા સાહિત્યની નક્ષત્રમાળામાં એક ઝળહળતું નામ છે ‘મુકુન્દરાય વિ. પારાશર્ય’. કવિ-સાહિત્યકાર અને તેથીયે વધીને કહેવું હોય તો – એક સહજ જીવન જીવેલાં સાધુપુરુષ. તેઓ સત્વશીલ સાહિત્યના મહાન સર્જક તરીકે ઓળખાય છે. તેમના ‘સત્યકથાઓ’ નામના પુસ્તક અને ચરિત્રનિબંધ ‘નબૂ’ને આજે પણ ઉત્તમ કૃતિઓ તરીકે યાદ કરવામાં આવે છે. તાજેતરમાં આપણે જે દક્ષાબેન પટ્ટણીનો ‘મહાભારત વિષે’ લેખ વાંચ્યો, તેમના તેઓ મોટાભાઈ છે. તદુપરાંત, આ લેખના સર્જક શ્રીમતી નિરંજનાબેનના પણ તેઓ મોટાભાઈ છે. તેમની સ્મૃતિમાં ‘શ્રી મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મારક ટ્રસ્ટ’ દ્વારા તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમીની સહાયતાથી ત્રણ સ્મૃતિગ્રંથોનું ગત વર્ષે પ્રકાશન કરવામાં આવ્યું છે; જેમાં (1) સ્મૃતિદર્શન (2) છીપે પાક્યાં મોતી (કવિતા અને વ્યક્તિચિત્રો) તથા (3) પારાશર્યનું ભાવવિશ્વ (મહત્વની ગદ્યકૃતિઓ)નો સમાવેશ થાય છે. સર્જકની અંતરંગ અવસ્થા તેમજ સહજ જીવનને સમજવા માટે આ ઉત્તમ પુસ્તકો છે. આ ગ્રંથોનું સંપાદન શ્રી કનુભાઈ જાની, શ્રી દિલાવરસિંહ જાડેજા તથા શ્રી હરિકૃષ્ણ પાઠકે કર્યું છે. આજે તેમાંના ‘સ્મૃતિદર્શન’ પુસ્તકમાંથી એક લેખ માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, રીડગુજરાતી. ]

ગર્ભમાંની નાળમાં વીંટાયેલા તેને – બાળકને – ઉકેલી આ સૃષ્ટિમાં આવી, અનેક અનુભવો થયા હોય એમાંથી કયો તાંતણો જુદો ખેંચી એને ક્યાં વીંટાળવો ? આવું જ, ભાંડરડાંની સ્મૃતિના તાણાવાણામાં વીંટાતી, છૂટી પડતી અને એમાંથી જાણ્યે-અજાણ્યે ઘણું મેળવતી હોય તેને થાય.

‘હું કેમ લખું ?’ પણ જ્યોતિબહેનનો આગ્રહ હતો કે ‘જેવું આવડે તેવું, પણ લખો. સંસ્મરણોમાં તો કંઈ આવડવાનું ન હોય. એ તો જેવાં હોય તેવાં આલેખવાનાં હોય’ અને વિચારતી હું વળી પાછી એ યાદોનાં ગૂંચળાંમાં અટવાઈ ગઈ. બધાં ભાંડરડાંની કેટકેટલી યાદો ! પણ નાનપણમાં ભરતગૂંથણ કરતાં એકબીજામાં અટવાયેલ દોરાને જુદા બહુ પાડેલા – એના રંગ ઉપરથી, એની લંબાઈ ઉપરથી, તેની મજબૂતી પરથી, કેટલો ખેંચી, કેમ તૂટ્યા વિના બહાર કાઢવો એવું અનેક વાર કર્યું છે. એટલે આજે તે તાંતણો ખેંચવામાં હું નાનપણમાં ખોવાઈ ગઈ. આજે એમની લંબાઈ અને મજબૂતાઈમાં શંકા નથી. આજે એ નાનપણ આપણાથી સાવ જુદું જ અનુભવી શકીએ છીએ અને ઘડીક થઈ આવે છે કે આત્માને જુદો જોઈ-અનુભવી શકનાર કેટલા ભાગ્યશાળી હશે ?

મારા જીવનમાં હું કાંઈ કોઈ ક્ષેત્રમાં બહુ આગળ આવી નથી. પણ જે કાંઈ આનંદ, સંતોષ અને ઘણાનો પ્રેમ મેળવ્યો છે એમાં મુ. પૂ. ભાઈની મારા મન પર નાનપણમાં પડેલ અસર એમ પ્રતીત થાય છે. ભાઈનો જીવનનો વ્યવહાર જ એવો હતો કે આપણે સહજ રીતે જ એ પ્રમાણે વર્તન કરીએ. ગીતાજીમાં ભગવાને અર્જુનને કહ્યું છે ને मम वर्त्मानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः । એવું ભાઈને હશે. અથવા તો આપોઆપ પૂ.ભાઈના વ્યવહારે અમારા જીવનમાં કંઈક અંશે અસર કરી. શિહોરમાં હું તો બહુ નાની હતી, પણ અમે રહેતાં એ ઘર અને એમાં ભાઈ માટેનો રૂમ જ ઊંચી ટેકરી પર હતો. રમતાં-રમતાં ક્યારેક સિતારના સૂર સંભળાતા. રમવામાં પણ એ સૂરનું આકર્ષણ થઈ જતું. ક્યારેય ભાઈને ત્યાં સિતાર વગાડતા જોયા હોય એવું યાદ નથી, પણ ઘણાં વર્ષો પછી જ્યારે-જ્યારે ભાઈને સિતાર વગાડતા જોયા-સાંભળ્યા ત્યારે-ત્યારે પેલી રૂમમાંથી સંભળાતા સૂર અને એ જ રૂમમાં ભાઈને વગાડતા જોયા હોય એવું લાગતું. શિહોરની ટેકરીઓમાં મોરના અને કોયલના ટહુકાને સામો ટહુકો કરતા, હાથમાં મોરને દાણા ચણાવતા ભાઈની આંખમાં જે ચમક અને ઉત્સાહ જોયાં હશે એ જ જાણે ભાઈને 40-45 વર્ષે પણ ટહુકા કરતા જોઈ જીવનમાં રસ કોને કે’વાય એ અનુભવ્યું. આજે પણ મોરના કે કોયલના ટહુકા સાંભળું ત્યારે ટેં…હોં…ટેં…..હોં, કુ ઉં…..ઉઉ.. ટહુકા દેતા ભાઈની ચમકીલી કંઈક અનોખા તેજવાળી આંખો મને દેખાય છે. ક્યારેક-ક્યારેક મારા ભત્રીજાની આંખમાં ભાઈ દેખાય છે.

નાનપણમાં ઘણી વાર રડવું આવે. ભાઈ કહે, ‘અહીં નહીં રડવાનું. ડામચિયામાં મોઢું સંતાડીને રડો.’ અને હું ખરેખર ડામચિયાની ઓરડીમાં (અમારે એ રૂમ જુદી હતી) ભરાઈ ગાદલાં ગોદડાંમાં મોઢું સંતાડી રડતી. પછી તો એ ટેવ જ પડી ગઈ. આજેય રડવું આવે ત્યારે ડામચિયો જ યાદ આવે, પણ એમની પાસે નથી જવું પડતું, ભાઈના શબ્દો જ હાજર હોય છે. જરા મોટી થઈ, થોડું વાંચતાં-લખતાં આવડ્યું, એટલે પછી ભાઈએ એક દિવસ એક પુસ્તક આપ્યું, સાથે એક નોટબુક અને પેન્સિલ પણ આપ્યાં. પુસ્તકનું નામ હતું ‘સુબોધક નીતિકથાઓ’. મને કહ્યું, ‘લે, બહેન, આ વાર્તાઓ વાંચી જજે અને પછી આ નોટબુકમાં તારી જાતે એ જ વાર્તા તું લખજે, તને બહુ મજા આવશે. અને પછી મેં તે દિવસથી વાંચીને વાર્તા લખવાનું શરૂ કર્યું. પછી ભાઈને દેખાડું, વંચાવું. ભાઈ રાજી થાય. જેમ-જેમ આગળ ભણતી ગઈ તેમ તેમ ભાઈ નવી નવી વાર્તાની ચોપડીઓ લાવી આપે. મેનાવતી, ભૂરિયો, લંકાની લાડી ને ઘોઘાનો વર – આવી તો કેટલીયે ચોપડીઓ આપી પછી એ સાચવીને રાખવા માટે નાનું એવું કબાટ પણ મને લાવી આપેલું. મારાં લગ્ન સુધી હું મારી નાનપણની વસ્તુઓ ભાઈએ નાનપણમાં આપેલી તે એમાં રાખતી. આજે એ બધી – બધું મારી સ્મૃતિમાં સંગ્રહીને બેઠી છું. ધીરેધીરે ઉખેળું છું. ધો 4 અને 5 એક જ વર્ષમાં કર્યાં હતાં, એટલે ઘરે સાહેબ ભણાવવા આવતા. અંગ્રેજીમાં વધારે રસ પડે અને શીખવાનું સરળ પડે એટલે ‘Stories for the girls’, ‘Stories for the young’ એવી ચોપડીઓ લઈ આપતા. અમારા ભણતર માટે ખૂબ કાળજી રાખતા. માત્ર સ્કૂલ-કૉલેજ જ નહીં, જીવનવ્યવહારનું શિક્ષણ પણ ટોક્યા વગર એવી રીતે આપ્યું કે અમને ક્યારેય મોટાની વાતને અવગણવાનો પ્રસંગ જ ન આવ્યો. मम वर्त्मानु….

અમારા ઘરમાં આવતું ‘સંસ્કૃતિ’ માસિક મારા નામે મંગાવતા. એ જમાનામાં એની ગુણવત્તા શ્રેષ્ઠ હતી. વાંચવાનો શોખ કેળવાય અને શ્રેષ્ઠ વસ્તુ મને-અમને મળે. ઉમાશંકરનો ‘ઉત્તરરામચરિત’ અને ‘શાકુન્તલ’નો સમશ્લોકી અનુવાદ બંને મને આપેલાં. મને ખૂબ ગમ્યાં. એમાંથી કાલિદાસને અને ભવભૂતિને વાંચવાની જિજ્ઞાસા થઈ. તેમાંથી જીવનનાં તથ્યો અને સત્યોને કંઈક અંશે પામી એવું અનુભવું છું. સંસ્કૃતનો શોખ વધતાં ભાઈએ મને ભર્તુહરિનું ‘નીતિશતક’ આપ્યું. મને શ્લોક કંઠસ્થ કરવાનું ખૂબ ગમે. કંઠસ્થ થતાં આપોઆપ ભાવાર્થ સમજાય. ન સમજાય તો ભાઈ સમજાવે. આમ, મારા શ્લોક બોલવા, કંઠસ્થ કરવાના શોખને પ્રોત્સાહન મળતું રહ્યું. ઘણાં શ્લોકો, સ્તુતિ, સ્તોત્ર મોઢે કરેલાં. મુ.પૂ.ભાઈની સાથે ગાતી-બોલતી, આનંદ આવતો. આજે તો એમાંનાં ઘણાં ભૂલાઈ ગયાં છે. છતાં ઘણાં ઘણી વાર બોલું છું ત્યારે ક્યારેક એવો ભાસ થાય છે કે ભાઈ પણ સાથે જ છે. હા, ભાઈ સાથે હું ઘણી વાર શ્લોકો ગાતી, ખાસ કરીને સ્તુતિ. અત્યારે પણ જ્યારે વહેલી સવારમાં હું ચા-પાણી બનાવતાં ભીષ્મસ્તુતિ કે ધ્રુવસ્તુતિ ગાતી હોઉં ત્યારે ભાઈ સાથે જ છે એવું અનુભવું છું. પૂ.ભાઈ, સૌ. ભાભીને સાથે સ્તોત્રો કે સ્તુતિ ગાતાં સાંભળવાનો લહાવો કંઈક અનેરો હતો. મને ખૂબ આનંદ આવતો.

સવારમાં ઘણીવાર ભાઈ ચા કરતા હોય ત્યારે હું પાણી ભરતી. અને ત્યારે રસોડાના બારણાની બહાર સામેના છાપરા પરથી દેખાતા આંબાના ઝાડ પર નજર હોય (એમ મને લાગતું – કદાચ એમની નજર તો મધુવનમાં તપ કરતા ધ્રુવ પર કે ગંગાકિનારે બાણશય્યા પર સૂતેલા શ્રી ભીષ્મપિતામહ પર જ સ્થિર થતી હશે) ને ભાઈ ગાય : योSन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां….. અને સાથે હું રોજ ગાતી. ભિષ્મસ્તુતિ ગાવા પહેલાં ननयवरन જાણે જુદી રીતે એ પુષ્પિતાગ્રા છંદ ગાય અને પછી इतिमतिरुपकल्पिता वितृष्णा… શરૂ કરે. ભણવામાં તો છંદ ઘણાં વર્ષો પછી આવ્યાં પણ મને ત્યારે એ નવું ન હતું. આમ, પૂ.ભાઈના સાંનિધ્યમાં કેટલુંય જ્ઞાન (સમજ) આપોઆપ આવ્યું હશે. સવારમાં જ્યારે ભાઈ ભીષ્મસ્તુતિ કે ધ્રુવસ્તુતિ તેમના ભાવવાહી કંઠમાં ગાતા હોય ત્યારે ભાઈના મોઢાના ભાવમાં પણ ભીષ્મપિતામહ અને ધ્રુવનાં જ દર્શન થતાં એવું હું અનુભવતી અને આજે પણ અનુભવું છું.

ભાઈ તોફાની (એમની આંખમાં જ દેખાતું), ટીખળી, સ્પષ્ટવકતા કે નિર્ભય જે કહો તે : પણ એક વાર મેં મારા કલાસમાં કરેલા તોફાનની વાત કરી એટલે ભાઈએ પોતાનાં નાનપણનાં તોફાનની અને પછી થયેલા પસ્તાવાની વાત કરી. મારા બાપુજીને આવાં તોફાન ગમતાં નહીં. ‘ઠીક છે’ કહી માથું ધુણાવે. ભાઈએ પોતાની વાત કરી : ‘હું ચોથા ધોરણમાં ભણતો’તો. અમારા સાહેબને ચોપાટ (કદાચ કઈ રમત તે બરાબર યાદ નથી) રમવાનો બહુ શોખ. એટલે એવું મેં જમણા હાથે (પોતે ડાબોડી હતા) લખ્યું : ‘ચોપાટે રમતાં માસ્તર શું ભણાવવાના હતા ?’ એટલામાં સાહેબ આવ્યા. બ્લેકબોર્ડ પર લખેલું વાંચ્યું. ખૂબ ગુસ્સે થયા. છોકરાઓ કંઈ બોલ્યા નહીં. સાહેબે બધાના હસ્તાક્ષર જોયા. અને એક છોકરાના અક્ષર સાવ એવા જ હતા, એટલે એ માસ્તરના ગુસ્સાનો ભોગ બન્યો. પણ માસ્તરે જેવો એક તમાચો પેલા છોકરાને માર્યો કે એકદમ હું ત્યાં ગયો. મેં કહ્યું : ‘સાહેબ ! એણે નથી લખ્યું, મેં જ લખ્યું છે. તમે એને ન મારો.’ પણ મારી છાપ બહુ ડાહ્યા છોકરાની એટલે સાહેબ માન્યા જ નહીં. હું ખૂબ રોયો. એટલે સાહેબે કહ્યું, ‘એના માટે તું ખોટું શા માટે બોલે છે ?’ બંને છોકરાને લઈને માસ્તર હેડમાસ્તર પાસે ગયા. ત્યાં મેં ખુલાસો કર્યો. પછી માસ્તરે અને હેડમાસ્તરે મને સારા એવા ઠપકા સાથે પણ શાબાશી આપી. આજે પણ મને એ વાતનો ખેદ થાય છે કે મારે લીધે પેલાને માર અને વઢામણ ખાવાં પડ્યાં.’

ભાઈ એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા. શેઠ ગાળો બોલતા. એક વખત એમના જ દીકરાની કાંઈક ભૂલ થઈ. શેઠને ગુસ્સો આવ્યો. એકદમ બોલ્યા : ‘સાલા સૂવરના ! સાવ નક્કામો છે !’ તરત ભાઈએ કહ્યું, ‘હં હં શેઠ, તમે કોને કહો છો સૂવરના ?’ અને ભગવાનને કરવું તે શેઠ વધારે ગુસ્સો કર્યા વિના જતા રહ્યા. ભાઈનો ઉત્સાહ અને અનેક લોકોમાં જીવંત રસ લેવાના એક-બે દાખલા મને યાદ આવે છે. અમે નાનાં હતાં ત્યારે રસ્તા ઉપર દરરોજ એક કુલ્ફીવાળો નીકળે : ‘કુલ્ફી મલાઈ’ એમ બોલે. અમારે ક્યારેય કુલ્ફી ખવાતી નહીં. ઘરે કોઠી લાવીને બનાવેલ આઈસ્ક્રીમ જ ખાવાનો. ભાઈએ એક દિવસ અમારા સહુના આશ્ચર્ય વચ્ચે પેલા કુલ્ફીવાળાને બોલાવ્યો. ભાઈ શું કરશે એ જોવા અમે ત્યાં ગયાં. ત્યાં ભાઈ પેલા કુલ્ફીવાળાને કહેતા હતા, ‘તું આમ કુલ્ફી મલાઈ, એમ બોલે છે એના કરતાં જો તું આમ બોલે ને….

લલલા કુલ્ફી મલાઈ રે,
કેસરિયા દૂધની મલાઈ રે,
ખાઓ ભાઈ કુલ્ફી મલા…ઈ…

તો તારી કુલ્ફી જલદી વેચાશે.’ અને ત્યારથી જ એમ ગાતો તે કુલ્ફી વેચવા માંડ્યો. એ જ રીતે એક ચેવડાવાળો નીકળતો એને બોલાવીને કહ્યું – શીખવ્યું : ‘આ ચેવડો આવ્યો’ એમ બોલવાને બદલે હવેથી આમ બોલજે :

‘તાજાં લીંબુ તાજાં મરચાં
તાજું તેલ છે તલનું પીલેલ છે
ખાઓ ભાઈઓ ખાટી મીઠી ચટણી,
ચેવડો મસાલેદાર !’

એ સ….રસ હસ્યો અને ત્યારે જ ભાઈને ગાઈ બતાવ્યું. ખુશ થતો-થતો, ગાતો-ગાતો ચાલતો થયો. ભાઈ દેશી વૈદું જાણતા અને ચિકિત્સા પણ કરતા. દર્દીને દવા આપે. દર્દી આવે ત્યારે હું ત્યાં હોઉં. દર્દીની ફરિયાદ સાંભળી, તપાસી દવા આપે. એ જાય પછી રોગનાં લક્ષણો અને તેના માટેની દવા – ક્યારે કેટલી માત્રામાં આપવી એ સમજાવે. અવારનવાર કોઈ દર્દી ન હોય તોપણ દવા અને તેના ઉપયોગ વિશે સમજ આપે. આમ, ભાઈ પાસેથી મેળવેલ સ્વલ્પાતિસ્વલ્પ વૈદકીય સમજણ પણ મારા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. સાહિત્યરસિક મિત્રોની અવારનવાર બેઠકો થતી. ભાઈ અમને બોલાવે પરિચય કરાવે. હરતાં-ફરતાં, એ લોકો વચ્ચે ચાલતો વાર્તાલાપ, રમૂજ અને છૂટી-છૂટી ઉક્તિઓ સાંભળવા મળે. વાતવાતમાં કંઈક બોલે તેવાં છૂટાં-છૂટાં વાક્યો સાંભળ્યા કરવાથી યાદ રહી ગયાં : ज्योतिरेकम् जगाम । वृत्वात्यतिष्ठ दशांगुलम् । त्रिशंकुरीवन्वराले स्थितम् ।

વ્યવહારમાં પણ બોલવા ખાતર બોલતી પણ કોક વખત થતી અનુભૂતિમાં એ વાક્ય સમજાય ત્યારે ભાઈ યાદ આવે. સવાર-સાંજ કમ્પાઉન્ડમાં આંટા મારતાં-મારતાં ફટ વાંકા વળે અને જે કાંઈ કાંટા-કચરો-પથ્થર રસ્તામાં જુએ તેને ઉપાડીને ફેંકી દે અને તે જ્યારે સહજ જોયેલું તેણે જીવનપથને નિષ્કંટક કરવામાં રાખવામાં ઘણી મદદ કરી. ભાઈએ શીખવ્યું ઉપદેશથી નહીં, ઉદાહરણથી. મારી એક ભત્રીજી હતી – ‘પરાગ’. ભાઈની બહુ હેવાઈ હતી, એટલે ભાઈ ગમે તે કરતા હોય, પણ એ ગોઠણિયાં ભરતી ત્યાં પહોંચી જ જાય. એ ડિપ્થેરિયામાં ગુજરી ગઈ. ભાઈને તો જે દુઃખ થયું હશે એને સમજવાની મારામાં શક્તિ નહીં હોય. મને રડવું બહુ આવતું’તું. પોતે બહાર જતા હતા; મને સાથે લઈ ગયા. રસ્તામાં પરાગની વાત કરતાં કરતાં કહે : ‘એને ભગવાને આપણી પાસેથી લઈ લીધી એમાં રડવાનું ન હોય. ઈશ્વરનો આભાર માનો કે આવી સરસ દીકરીને ભગવાને આપણી પાસે દોઢ વરસ માટે મોકલી.’ આ વાક્યે મને જીવનમાં ઘણો ટેકો આપ્યો અને ત્યારે वृत्वात्यतिष्ठ दशांगुलम् । જોકે આ વાત ભાઈ માટે કદાચ સાવ નાની છે પણ મેં ભાઈના કેટલાક – બે-ત્રણ પ્રસંગ એવા જોયા છે ત્યારે મને એમ લાગ્યું છે, જે અહીં લખવું અપ્રસ્તુત સમજું છું. પણ મારા સ્મરણમાં ભાઈની મહાનતા કાયમ માટે જડાઈ રહી છે.

ભાઈ થોડા સમય માટે મહુવા રૅશનિંગ ઑફિસર તરીકે ગયેલા. ત્યાં ડૉ. ભરૂચા સાથે ઘરોબો હતો. તેમની દીકરીને બિસ્કિટ બનાવતાં આવડે, એટલે મારે તેમની પાસેથી શિખાય, એટલે મને પોતાની સાથે મહુવા લઈ ગયેલા. આમ, દરેક બાબતમાં અમારો વિકાસ કેમ થાય એમની ચીવટ રાખતા. અમારાં પૂ. બા ઘણી વાર કહેતાં કે ભાઈ નાનો હતો ત્યારથી મારું ખૂબ ધ્યાન રાખે છે. મને નાનાંમોટાં કામમાં ઘણી મદદ કરતો. રાત્રે નાહીને ધાબળી પહેરીને ખીચડી ઉતારતાં તો મેં પણ ભાઈને જોયા છે. અમે સહુએ મુ. પૂ. ભાઈની અમારાં મુ.પૂ. બા માટેની લાગણી જોઈ છે. અને બાને પણ ભાઈ આઘાપાછા હોય તો ‘ભાઈ, ભાઈ’ થયા કરતું. મંદવાડ આવે કે તબિયતમાં કંઈક વધારે અસ્વસ્થતા લાગે, તો ‘એ ભાઈ, એ ભાઈ’ એમ બોલતાં હોય. ‘મારા ગુરુ’ની વાતોમાં અમારા પૂ. બાપુજી માટેનો અહોભાવ – આદરમાન અનુભવી શકાય છે. અમારાં પૂ. બા-બાપુજીને ભાઈનો ખૂબ સંતોષ હતો. અમને સહુ ભાંડરડાંને પણ બાપુજી ગયા પછી ખોટ નથી લાગવા દીધી. નિયમિત પત્રો લખી અમારી પ્રેમભરી કાળજી છેક સુધી લેતા. અમારા પૂ. બાપુજી ગયા ત્યારે રડવું આવતું’તું, તો મારા નાના ભાઈ (મારા તો પિતા-તુલ્ય) બાલકૃષ્ણભાઈ – વસુભાઈએ મને કહ્યું : ‘બહેન તું રડે છે શું કામ ? બાપુજી ક્યાંયે ગયા નથી. એ તો મોટા ભાઈમાં જ છે.’ જે અમે સહુએ એમની છેલ્લી ઘડી સુધી અનુભવ્યું.

એમના સાહિત્ય વિષે તો ઘણા ધુરંધરોએ, સાક્ષરોએ ઘણું લખ્યું છે. હું તો શું લખું ? પણ મને આનંદ અને ગૌરવ થાય છે કે ભાઈ કોઈ પણ લેખ, કવિતા, જીવનચરિત્ર – કંઈ પણ લખે તો પ્રથમ એ અમને મને અને મારા પતિ (લક્ષ્મીકાન્ત હ. ભટ્ટ)ને મોકલે જ – હસ્તપ્રત. મારાં ભત્રીજાં – ભાઈનાં સંતાનો બધાં જ મારાં ભાઈ-ભાભીને ‘ભાઈ-ભાભી’ જ કહીને બોલાવતાં. પણ મને એ સંબોધનો માટે ક્યારેય કાંઈ વિચાર નથી આવ્યો. પૂ. બા-બાપુજી એ સહુનાં બા-બાપુજી અને ભાઈ-ભાભી એ સહુનાં ભાઈ-ભાભી એવા જ ભાવમાં હું વર્ષો સુધી રહી. મારી નાની બહેન દક્ષાને (દક્ષાબેન પટ્ટણી) તો ઘણા લોકો ભાઈની જ દીકરી સમજતાં.

ભાઈનાં બધાં બાળકોમાં – કોઈની તોફાની ચમકતી આંખોમાં, કોઈના કંઠમાંથી ‘લળી લળી મુખડાં’ કે ‘મેહુલિયો પ્રેમનો આયો’ ગવાતું હોય એ લહેકામાં અને ભાવમાં, કોઈની ચોકસાઈમાં, કોઈની વિદ્વત્તામાં, કોઈના તોફાની વર્તનમાં, કોઈના સંસારના વહેવારમાં, એમ દરેકમાં ભાઈને અનુભવું છું, જોઉં છું….. આપણા મહાવાક્યની सर्वम खलु इदम ब्रह्म ની પ્રતીતિ કરાવે છે. અને થાય છે કે ખરેખર સહુમાં એક તત્વ જુદા-જુદા રૂપે રહેલું જ છે. ‘પાંચીકા’ કાવ્યમાં :

‘મોટી થઈ આજ છતાં હજી તું
ઝીલી રહી છે પથરા ઘણા તું’

એમાં પથરા ઝીલવાનો અર્થ અને ‘સૌથી મોટો પ્રશ્ન’માં ‘સા’બ સા’બ પ્રશ્ન એક રોટલાનો મોટો છે’ થી અડધા ભૂખ્યા રહેતા, રોટલા માટે તરફડતા લોકો માટે વિચારવાનું ભાન આવ્યું. મને બહુ એમ થયા જ કરે કે મારાથી કોઈને દુઃખ ન થાય એવું કેમ થઈ શકે ? એટલે એક વાર ભાઈને પૂછ્યું, ‘ભાઈ, બધાંને રાજી રાખવાં હોય તો શું કરવું ? એવું કેમ થઈ શકે ?’ ભાઈએ કહ્યું, ‘બહેન, બધાંને જ રાજી રાખી શકાય એવું બને જ નહીં; પણ આપણને જે બધી રીતે સાચું અને સારું લાગે એમ કરવું.’ મને ઘણી રાહત થઈ. પછી તો ભાઈને મળવાનું બહુ ન બન્યું. છોકરીઓએ પોતાના પગ પર સ્વમાનથી ગૌરવભેર રહેતાં – જીવતાં શીખવું જ જોઈએ એમ તેઓ માનતા.

અમારાં મોટીબા પાસે ભાગવત વાંચતા મેં ભાઈને જોયા’તા. પછી મોટા થયા પછી ભાઈનાં પોતાનાં લખાણ વાંચીને જાણ્યું કે પૂ. મોટીબા સાથે તો ભાઈ ચર્ચા પણ કરતા. મહાભારત પર Ph.d. કરવાનાં બીજ ત્યારથી જ રોપાયાં હોય. ભાઈ પાસે જઈએ, ભાઈ પાસે જે કોઈ જ્યારે આવે, મળે ત્યારે ભાઈ ‘ગુડ મૉર્નિંગ’ કહે. મળનાર પણ હસતાં-હસતાં ‘ગુડ-મૉર્નિંગ’ કહે. ત્યારે તો આમ રમત લાગતી. હશે પણ રમત જ. પણ હવે વિચારતાં લાગે છે, સમજાય છે – કહેવત છે ને કે જાગ્યા ત્યારથી સવાર. એ આમ કહેવાથી સતત ભાન રહે કે અત્યારે એક સ-રસ સવાર પડી. સતત જાગૃતિ.

[ કુલ પાન : ( ભાગ-1 : 392, ભાગ-2 : 625, ભાગ-3 : 225) કિંમત રૂ : (ભાગ-1 : 325, ભાગ-2 : 450, ભાગ-3 : 225) પ્રાપ્તિસ્થાન : શ્રી મુકુન્દરાય પારાશર્ય સ્મારક ટ્રસ્ટ. 2193/સી, ‘શાન્તિસદન’, વડોદરિયા પાર્ક, ભાવનગર-364002. ફોન : +91 0278 2562041.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “સ્મૃતિતંતુ – નિરંજના લક્ષ્મીકાન્ત ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.