હૂંફાળા અવસર (ભાગ-2) – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ ‘હૂંફાળા અવસર’માંથી આપણે અગાઉ કેટલાક મનનીય લેખો માણ્યા હતા. આજે વધુ બે લેખોનું આચમન કરીએ.]

[1] પ્રેરણા

બે સગા ભાઈઓ હતા.
એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.

ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’

‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.

હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !

દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !
.

[2] સાધુ

વર્ષો પહેલાં ગંગાજીના કાંઠે એક યુવાન સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આમ તો એ જિંદગીની વિટંબણાઓથી કંટાળ્યો હતો અને સ્વભાવે આળસુ હતો એટલે જ સાધુ બન્યો હતો. એક દિવસ એ ગંગાજીના કાંઠે આવેલી પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠો હતો ત્યારે એણે કાંઈક મોટી અને ચળકતી વસ્તુને ગંગાજીમાં તણાઈને જતા જોઈ. એ જોતાવેંત એણે ગંગાજીના પ્રવાહમાં ઝંપલાવી દીધું. પ્રવાહના જોર સામે ઝીંક ઝીલતો એ પેલી વસ્તુ સુધી પહોંચ્યો. જોયું તો એ ચળકતી વસ્તુ ચાંદીનું એક મોટું વાસણ હતું. એણે તો એ મોટું વાસણ છાતીસરસું ચાંપીને પાછા તરવાનું શરૂ કર્યું.

એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે ગંગાજીના પ્રવાહમાં એની ધારણા કરતા વધારે તાણ હતું. એને તકલીફ પડવા માંડી. એ સાધુ યુવાન જરૂર હતો, પરંતુ એક હાથે વાસણ પકડ્યું હતું એટલે હવે તરવા માટે પણ એક જ હાથ છુટ્ટો રહ્યો હતો. સાધુએ હતું તેટલું જોર લગાવીને તરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ એ કાંઠે આવવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ ગંગાજીનો પ્રવાહ એને વધારે ને વધારે અંદર ખેંચતો જતો હતો. અંતે જ્યારે એને એવું લાગ્યું કે બે હાથના પ્રયત્ન વિના હવે પોતાની જિંદગી બચાવવી અઘરી બની જશે ત્યારે એણે પેલા વાસણને છોડી દીધું. એ પછી પોતે તરતો તરતો કાંઠે પહોંચી ગયો. કાંઠે પહોંચ્યા પછી થાક ખાઈ લીધા પછી એણે ગંગાજીના પ્રવાહ તરફ નજર નાખી. પેલું મોટું વાસણ પાણીના પ્રવાહ જોડે દૂર જઈ રહ્યું હતું. એનાથી બોલી પડાયું કે, ‘મારું આટલું મોટું ચાંદીનું વાસણ તણાઈ ગયું.’

હવે આ બધું ચાલતું હતું ત્યારે એક વયોવૃદ્ધ સંત દૂર બેઠા બેઠા આ આખો ખેલ જોઈ રહ્યા હતા. એ પેલા યુવાન સાધુ પાસે આવ્યા. એના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ભાઈ ! એ ચાંદીનું વાસણ તો તણાતું તણાતું એના રસ્તે જઈ રહ્યું હતું. એને તારી સાથે કાંઈ લેવાદેવા હતી જ નહીં. એ તારું તો હતું પણ નહીં. એક તો તેં ગંગાજીના પ્રવાહની વચ્ચે જઈને એને પકડ્યું. પછી તારી જિંદગી બચાવવા માટે એને છોડી દીધું ! બસ, એટલી વારમાં એ તારું થઈ ગયું ? મારા ભાઈ, તારી પાસે જે વસ્તુને ઈશ્વરે મોકલી હોય તેનો આનંદ લે એ બરાબર, પરંતુ જે તારી પાસેથી જતું રહે એને પણ એટલા જ આનંદથી જવા દે ! આપણે એટલું જ યાદ રાખવાનું કે દુનિયાની દરેક વસ્તુ આપણને ભાડે મળેલી છે. એ ક્યારેય આપણી હતી જ નહીં, એટલે આવો શોક શા માટે ?’

આટલું કહીને એ વયોવૃદ્ધ સાધુ પોતાના રસ્તે ચાલતા થયા. પેલો યુવાન સાધુ કદાચ આજે પહેલી વખત સાધુત્વનો પહેલો અને ખૂબ અગત્યનો પાઠ ભણ્યો હતો. એ પણ હળવોફૂલ થઈને ગંગામૈયાના પ્રવાહને નિહાળી રહ્યો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નર્તન અને નર્તક –પ્રા. ઈન્દ્રવદન બી. રાવલ
અહીં આંખો પહોળી કરી આપવામાં આવશે ! – ડૉ. નલિની ગણાત્રા Next »   

18 પ્રતિભાવો : હૂંફાળા અવસર (ભાગ-2) – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. dhiraj says:

  બન્ને પ્રસંગો અદભૂત!!!

  • jagdish joshi mumbai says:

   એક જ પ્ર્સન્ગ પન પ્રેરના અલગ જેતરુ ચ્હે તેતરુ જ રહેસે તુન્કવ્મા સરસ ખુબ જ અભિનન્દન

 2. sofiya says:

  very nice.bnne prsngo jivan ma utarva jva lagya.

 3. Hitesh Zala says:

  abhae i.k bhai hu to tamara ane sharifaben na lekh ni hamesha aturata purvak rah jou chu

 4. બંન્ને પ્રસંગો અદ્ભૂત અને પ્રેરણાદાયી છે
  સાહેબને અભિનંદન…

 5. Rajesh Dhokia says:

  આજ ના બને લેખો ખુબ સરસ અને પ્રેરણા દાયક .. !

  મ્રુગેશભાઇ, બની શકે તો થોડા બાળકો ના લેખો પણ મુકો તો આ વેકેશન મા તેઓ ને થોડી જ્ઞાન સાથે ગમ્મત થાય.

 6. Kalidas V. Patel { Vagosana } says:

  બોધદાયક સરસ પ્રસંગો. જીવનમાં ઉતારવા જેવા. આભાર.
  કાલિદાસ વ્ પટેલ { વાગોસણા }

 7. bharat desai usa says:

  very good story

 8. roshani patel says:

  excellent story and nice messege for people

 9. Rajni Gohil says:

  સુંદર પ્રેરણાત્મક પ્રસંગો બદલ ડૉ. આઈ. કે. વીજળીવાળાનો આભાર.

 10. Dilipkumar Jani says:

  ખુબજ સુંદર બન્ને પ્રસંગો છે. લેખકને અભિનંદન.

 11. malti says:

  બહુઁ સરસ પ્રેરણા મળે એવા પ્રસ્ઁગ

 12. Bhupendra R Shah says:

  હ્દય સ્પર્શેીય લેખ છે. આભાર

 13. BAVALIYA JAYSUKH says:

  good

 14. mital chavda says:

  nice

 15. Ashok Parmar says:

  they both stories given to a very nice inspiration tnat how can we live in our life.

 16. બન્ને પ્રસઁગો સરસ…

 17. ragini says:

  Very nice story ik sir

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.