નર્તન અને નર્તક –પ્રા. ઈન્દ્રવદન બી. રાવલ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

જીવનમાં અનેક અજાયબીઓ છે. યોગ્ય કહેવાયું છે કે હકીકતો ઘણી વાર કલ્પના કરતાંય વધુ અજાયબ હોય છે ! ક્યાં જન્મેલો ને ક્યાં જવા નીકળેલો માણસ ક્યાંનો ક્યાં જઈ ચડે છે ! કોઈ કાર્યમાં ડૂબેલી વ્યક્તિ બધું કોરાણે મૂકી શુંનું શું કરવા માંડે છે ! લોકો બધો ભાગ્યનો ખેલ ગણે છે. જે હોય તે, પણ કેટલુંક માનવબુદ્ધિની પરિધિની બહાર જ રહી જાય છે !

અહીં એવા જ એક અનુભવનું વર્ણન છે. વેરાવળ (જિ. જૂનાગઢ)માં જનરલ હૉસ્પિટલની પાછળના રસ્તે ‘વિદ્વાન આશ્રમ’ છે. આમ તો એ સાધુ-સંન્યાસીને બે-પાંચ દિવસ રહેવા-જમવા માટેનો સંન્યાસ આશ્રમ છે. 35-37 વર્ષ પહેલાં હું એ આશ્રમની પડખેના મકાનમાં રહેતો, તેથી કોઈ કોઈ મહાત્માના સત્સંગનો લાભ મળતો. એક દિવસ ત્યાંના એસ.ટી. ડેપોના મૅનેજર અને મારા સ્નેહી શ્રી હિંમતસિંહ જાડેજાને આશ્રમની એક રૂમમાં બેઠેલા જોયા. હું અંદર જઈ તેમની પાસે બેઠો. સામે પાટ ઉપર એક યુરોપિયન સંન્યાસી બિરાજેલા. મને સહજ વિસ્મય થયું. થોડી ઔપચારિક વાતો થઈ. સામાન્ય રીતે સંન્યાસીને તેમના પૂર્વાશ્રમ અંગે પુછાય નહીં. પણ મેં ક્ષમા માગી ધૃષ્ટતાપૂર્વક પૂછી નાખ્યું ! મારી ધારણા સાચી નીકળી, તેમણે કશાયે સંકોચ વિના પોતાની વાત કરી.

મૂળમાં, તેઓ લંડનમાં છોકરા-છોકરીઓને નૃત્ય શીખવતા. એમાં તેમને જાણવા મળ્યું કે ભારતમાં અમુક નૃત્યશૈલી એવી છે, જેમાં મોંઢાના વિશિષ્ટ હાવભાવ વડે જુદા જુદા મનોભાવને આકર્ષક રીતે વ્યક્ત કરવામાં આવે છે. આવી શૈલી ત્યાં પ્રચલિત પણ છે. તેમને રસ પડ્યો અને એ નૃત્ય શીખવા ભારત આવ્યા. અહીં તેમને રામલીલા અને રાસલીલા વિશે જોવા-જાણવા મળ્યું, જેમાં નૃત્ય અને નાટ્યનું સંમિશ્રણ હોય છે. તેમનું કુતૂહલ વધ્યું. પરંતુ આ લીલાઓનું વસ્તુ સમજવામાં મુશ્કેલી પડી, કારણ કે એ માટે રામ અને કૃષ્ણના જીવનપ્રસંગો સમજવા પડે. આથી તેમણે રામાયણ અને ભાગવતની જાણકારી મેળવવા પ્રયત્નો કર્યા. એના ભાગ રૂપે આ ગ્રંથોને તેના મૂળ સ્વરૂપમાં સમજવાની ભલામણ થઈ. પરિણામે બનારસમાં રહી સંસ્કૃત શીખ્યા અને રામાયણ-ભાગવતનું પણ અધ્યયન કર્યું, પરંતુ સમય જતાં આ ગ્રંથોનો કથાભાગ એની જગ્યાએ રહી ગયો અને તેમાંના દાર્શનિક પ્રવાહમાં તેઓ તણાયા ! પાશ્ચાત્ય અને ભારતીય દર્શનોનો અભ્યાસ કર્યો. પશ્ચિમમાં દર્શન અને ધર્મની પૃથકતાની તુલનામાં ભારતમાં અધ્યાત્મ અને ધર્મનું જે અદ્દભુત સાયુજ્ય છે તેનાથી તેઓ વિશેષ પ્રભાવિત થયા હતા. અદ્વૈતવેદાંતની વિચારધારામાં ડૂબેલી એ વ્યક્તિએ આખરે સંન્યાસની દીક્ષા અંગીકાર કરેલી !

મેં તેમને બીજા એક અંગ્રેજ સંન્યાસી શ્રીકૃષ્ણપ્રેમ અને તેમના પુસ્તક ‘ઈનીશિએશન ઈન યોગ’ વિશે પૂછ્યું. તેમણે કોઈ જવાબ ન આપ્યો પણ પોતાના થેલામાંથી એ જ પુસ્તક મારા હાથમાં મૂક્યું ! મને વિસ્મિત કરી દીધો ! પછી તો શ્રીકૃષ્ણપ્રેમ અંગે વાતો કરી. ગુજરાતના બે મર્મી સાહિત્યસ્વામી ઉમાશંકર જોશી અને કિશનસિંહ ચાવડાએ શ્રીકૃષ્ણપ્રેમ ઉપર લખ્યું છે અને દિલીપકુમાર રોયનું પુસ્તક ‘યોગમાર્ગના યાત્રી શ્રીકૃષ્ણપ્રેમ’ નામે ગુજરાતીમાં અનુવાદ થયું છે, એ જાણીને તેમને સુખદ આશ્ચર્ય થયેલું !’ ‘હવે કોઈવાર નૃત્ય કરો છો ?’ મારા આ પ્રશ્ન ઉપર તેઓ હસીને બોલ્યા, ‘પહેલાં કરતો, હવે થઈ જાય છે, પણ આ સૃષ્ટિનું ઈશ્વરી નર્તન ક્યાં કમ છે !’ (મને નરસિંહ મહેતાનું ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ યાદ આવી ગયું.) મારી ઈચ્છા બીજે દિવસે કૉલેજમાં તેમનો વાર્તાલાપ યોજવાની હતી, પરંતુ તેઓ વહેલી સવારે નીકળી ગયેલા ! સાધુ તો ચલતા ભલા. માણસને જેટલું મળવાનું હોય તેટલું જ મળે છે ને ?

પણ કેવું વિચિત્ર કે તેમનું નામ પૂછવાનું જ રહી ગયું ! બસ, તેમની માનસછબી અને તેમની સાથેનો એ પ્રેમાલાપ મનમાં રહી ગયાં ! વિચાર આવે છે કે ક્યાં ઈંગ્લેન્ડનો ડાન્સમાસ્ટર અને ક્યાં એવો એક સંન્યાસી ! ક્યાં વિમાની દુર્ઘટનામાં અકલ્પ્ય રીતે મરતાં બચેલો અંગ્રેજ પાયલટ (હેન્રી ડોનાલ્ડ નિક્સન) અને ક્યાં પ્રેમમૂર્તિ એવા સંન્યાસી શ્રીકૃષ્ણ પ્રેમ ! બધી ઘટનાઓનું ગણિત નથી હોતું. બસ, કેવળ એ ઘટતી રહે છે ! ચમત્કારની વાતો એટલે નકરાં ગપ્પાં એમ બોલતાં હવે જીભ ઝલાય છે !!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સ્મૃતિતંતુ – નિરંજના લક્ષ્મીકાન્ત ભટ્ટ
હૂંફાળા અવસર (ભાગ-2) – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

3 પ્રતિભાવો : નર્તન અને નર્તક –પ્રા. ઈન્દ્રવદન બી. રાવલ

 1. sofiya says:

  mne grv 6e hu bharat ma jnmi.

 2. dineshbhai bhattji says:

  સરસ

  ક્યાં ઈંગ્લેન્ડનો ડાન્સમાસ્ટર અને ક્યાં એવો એક સંન્યાસી ! ક્યાં વિમાની દુર્ઘટનામાં અકલ્પ્ય રીતે મરતાં બચેલો અંગ્રેજ પાયલટ (હેન્રી ડોનાલ્ડ નિક્સન) અને ક્યાં પ્રેમમૂર્તિ એવા સંન્યાસી શ્રીકૃષ્ણ પ્રેમ ! બધી ઘટનાઓનું ગણિત નથી હોતું. લેખ સરસ
  છે. જેને જાગવુ હોય તેના માટે અએક અન્તરનાદ કાફિ હોય બાકિ જેને જાગવુ નથિ અએના માટે બધુ નકામુ હોય છે. ધન્યવાદ્

  દિનેશ ભટ્ ના નમસ્કાર

 3. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  રાવલસાહેબ,
  કલા સ્વયંભૂ એવી અદભુત ચીજ છે કે કલાકાર સૃષ્ટિના કોઈ પણ ખૂણેથી ખેંચાઈને આવે. તેને દેશ-દુનિયાના સીમાડા ન નડે. … અને એટલે જ કલા હજુ ટકી રહી છે ને
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.