સદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે ? – મોરારિબાપુ

[‘સદભાવના ફોરમ’ સામાયિકમાંથી સાભાર.]

મને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય ? સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે ? જ્યારે આવા પ્રકારનાં પ્રશ્નો મારી પાસે આવે ત્યારે હું કહ્યા કરું છું કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મારું ગજું નથી. તેમ છતાં હું સદગુરુની કૃપા અને ઘણા મહાપુરુષોને સાંભળ્યા પછી એ અનુભવના આધારે જવાબ આપવાની કોશિશ કરું છું. પણ તમારા પ્રશ્નના જવાબમાં હું જે કહું એ તમારે સ્વીકારી લેવું એવું મારું કોઈ દબાણ હોતું નથી. સદભાવના વિશે મારે બોલવાનું હોય તો હું એટલું જ કહીશ કે સદભાવનાનો જન્મ શ્રદ્ધામાંથી થાય છે. સ્પર્ધામાંથી થતો નથી. શ્રદ્ધાની વાત આવી એટલે વચ્ચે એક ચોખવટ કરી લઉં કે શ્રદ્ધા શબ્દને તમે પાછા ધર્મની સાથે જોડતા નહીં, કારણ કે ધર્મ વિશે મને એટલું જ સમજાયું છે કે જ્યાં સત્ય, પ્રેમ અને કરુણા હોય એને ધર્મ કહી શકાય છે. આપણે આપણા જીવનમાં પૂર્વગ્રહ, હઠાગ્રહ છોડી દઈને પ્રેમમય જીવન જીવીએ એને પણ ધર્મ કહી શકાય. તો સૌથી પહેલા સદભાવના માટે આપણી અંદર શ્રદ્ધા હોવી જોઈએ. જીવનમાં થોડી પણ અંધશ્રદ્ધા હશે તો સદભાવનાનો જન્મ થશે નહીં. જો શ્રદ્ધા હશે તો સદભાવના પ્રગટે છે.

સદભાવનાનું બીજું ઉદ્દગમ સ્થાન પ્રેમ છે. જ્યાં પ્રેમ હશે ત્યાં સદભાવના હશે. જીવનમાં પ્રેમપક્ષ રાખીશું, પ્રેમનું વિસ્તરણ કરીશું તો પરતંત્રતાને સ્થાન મળશે નહીં. જ્યાં પ્રેમની ધારા ચાલતી હશે ત્યાં ઘેટાંવાદ, સંકીર્ણતા હશે નહીં. પ્રેમ કોને કહેવાય ? જે આપણને જેલમાં પણ રાખી ન શકે અને આપણે એને છોડી પણ ન શકીએ. ગાંધીબાપુ માટે કંઈક આવું જ થયેલું કે ગાંધીબાપુ કોઈને બાંધતા ન હતા અને ગાંધીને છોડીને કોઈ છટકી શકતું ન હતું. એ જ વાત વિનોબા, રવિશંકરદાદા બધામાં ઊતરી હતી. સદભાવનાની વાત ચાલે છે ત્યારે ભૂલી જાઉં તે પહેલા વચ્ચે એક વાત કરી દઉં કે સદભાવનાના યજ્ઞના મૂળમાં આધ્યાત્મિક ભૂમિકા રહેવી જ જોઈએ. તમે ઉપર ઉપરથી સદભાવનાનું કાર્ય કરશો તો કાર્ય સિદ્ધ થશે નહીં. મારા માટે અધ્યાત્મની વાત એ ભજન છે. કોઈપણ પ્રવૃત્તિના મૂળમાં આધ્યાત્મિકતા હોવી જોઈએ.

ભગવદગીતાના ન્યાયે શ્રદ્ધામાંથી જ્ઞાન જન્મે છે. હું ઘણીવાર કહ્યા કરું છું કે જ્ઞાનને હવે બહુ અઘરા અર્થમાં લઈ જવાની જરૂર નથી. કારણ કે સદભાવના વ્યક્તિગત સમજમાંથી જન્મે છે. સદભાવના શ્રદ્ધા અને પ્રેમમાંથી જન્મે છે. સદભાવનારૂપી બાળકનો જન્મ થાય ત્યારે એ બાળકને રમાડવું વધારે ગમશે. એનાં હાલરડાં ગાવાં પણ ગમશે. સદભાવના રૂપી બાળક જ્યારે તોતડી ભાષામાં વાત કરશે ત્યારે આપણી પંડિતાઈ પણ ભુલાઈ જશે. ત્રીજું, પરસ્પર ભાવ પ્રગટ થશે ત્યારે સદભાવના પ્રગટ થશે. પરસ્પરનો બોધ આપણને સદભાવના તરફ પ્રેરિત કરે છે. મારી તો દરેકને પ્રાર્થના છે કે ધર્મ, કોમ, ઊંચ, નીચ આ બધું જ એક બાજુ રાખી દઈને ઈમાનદારીપૂર્વક પરસ્પર મળતું રહેવું જોઈએ. હું અહીંયા ઈમાનદારી શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કે આજે માણસ પોતાના સ્વાર્થ માટે થઈને ક્યારેક ઈમાનદારી છોડી દેતો હોય છે. આવું ન બને એ અર્થમાં ઈમાનદારી હોવી ખૂબ જ જરૂરી છે. સમાજમાં જ્યારે પરસ્પર ભાવ પ્રગટ થશે ત્યારે સદભાવના જરૂર પ્રગટ થશે. આજે વિશ્વમાં સદભાવનાની ખૂબ જ જરૂર છે.

હવે સદભાવનાના ત્રણ વિધ્નો પણ છે. સદભાવનાની જ્યોતને ત્રણ પરિબળો ઓલવી શકે છે, તેમાં છલ, બલ અને કલ રૂપી પવન આવીને સદભાવનાને અટકાવી શકે છે. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે :

કલ બલ છલકરિ જાહિ સમીપા |
અંચલ બાત બુઝવહિ દીપા ||

છલનો પવન અંદરથી આવે છે માટે સદભાવનાને ટકાવવા કદાચ આપણે સંગઠિત બનવું જોઈએ. પણ એવું બની શકે છે કે આમાં સભ્ય સંખ્યા ન પણ વધે. કારણ કે અપ્રમાણિક વ્યક્તિ તરત જ હટી જશે. જ્યારે પ્રામાણિક સદભાવનાની જ્યોતમાં પતંગિયાની જેમ ખાબકશે. આજે સમાજ બદલાયો છે. દીવો ઓલવવાના પ્રયાસો થતા જ રહે છે. પણ પ્રામાણિકતા અને વિવેકની ઓથ સદભાવનાની જ્યોતને ટકાવી શકે છે. બીજું વિધ્ન પરિબળ બલ છે. બળનો અર્થ સત્તા, ધર્મ, જ્ઞાન એવો થાય છે. આજે બીજાને તોડવા માટે થઈને સમાજમાં નેટવર્ક ઊભાં કરવામાં આવે છે. નેટવર્ક ઊભાં કરી બળનો ઉપયોગ થાય છે. આમ તો વ્યક્તિગત વાતો કરવાનો કોઈ અર્થ નથી પણ મેં ક્યારેય રામકથાને વેચી નથી. કોઈની પાસેથી કથાનો પૈસો લેતો નથી છતાંય મારી વ્યાસપીઠને કેટલીય મુશ્કેલીઓ આવી પડે છે. પણ હું સમજું છું કે ઘણાને બળનો ઉપયોગ કરીને દીવો ઓલવી નાખવો છે.

ત્રીજું કલરૂપી પવન સદભાવનાની જ્યોતને ઓલવી નાખે છે. કલનો અર્થ હોશિયારી થાય છે. સમાજમાં ઘણા હોશિયાર માણસો બુદ્ધિનો ઉપયોગ કરીને દીવો ઓલવતા હોય છે. પોતે બધાની સામે ફૂંક મારીને દીવો ન ઓલવી શકે એટલે છીંક ખાઈને પણ દીવો ઓલવી નાખે છે. આ એની હોશિયારી છે. હું પુસ્તકો ઓછાં વાંચુ છું પણ મસ્તકો બહુ વાંચુ છું. કેવાં કેવાં છળ થતાં હોય છે. પણ એની સામે એક જ વસ્તુ રાખું છું કે મને એણે છેતર્યો છે. મેં તો એને છેતર્યો નથી ને આનો પણ મને આનંદ હોય છે. જ્યારે આપણી સામે કોઈ હોશિયારીથી દીવો ઓલવવાનો પ્રયાસ કરે ત્યારે ક્રોધ ન કરવો. આપણે બોધને જાળવી રાખવો જોઈએ. આ સમયે ધીરજ રાખજો. કોઈ છળ કરે ત્યારે ભલે કોઈ આપણને ભોળો કહે. એ સમયે ભોળવાઈ જજો. ગાંધીજી, વિનોબા બહુ ભોળવાયા છે. ભોળવાવું એટલે સમજીને છેતરાવું. જેણે છળકપટ કર્યું હોય એને ક્ષમા કરી દો. આપણે મૂળ સ્વભાવનો ઉપયોગ ન કરીએ તો તો આપણા જીવનમાં ધૂળ પડી કહેવાય. કારણ કે આપણે ક્ષમામાંથી જન્મ્યા છીએ. ક્ષમા એટલે પૃથ્વી અને પૃથ્વીમાંથી જન્મ્યા હોઈએ તો પૃથ્વીનું ક્ષમાનું લક્ષણ આપણામાં હોવું જોઈએ. તો સદભાવનાના મૂળમાં કંઈક પ્રગટ સ્થાન અને વિધ્નસ્થાન પણ છે. જેની પાસે વિવેક અને પ્રામાણિકતા હશે એ જીવનમાં સદભાવના પ્રગટાવી શકશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે ? – મોરારિબાપુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.