ગાંધીજી સાથેનો એક યાદગાર પ્રસંગ – રામમનોહર લોહિયા

[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.]

આ દિવસોમાં એક સવારે મારે ગાંધીજી સાથે સારી એવી લાંબી વાતચીત થઈ અને એમણે મને સાંજે ફરી મળવા આવવા કહ્યું, કેમ કે એમને મારી સાથે કશીક અગત્યની વાત કરવાની હતી. લોર્ડ માઉન્ટબેટન સાથેની વાટાઘાટોના આ દિવસો જ એવા હતા કે બીજી તો શી વાત કરવાની હોય ? એટલે કે એમની સાયં પ્રાર્થના પૂરી થઈ અને એ થોડું ચાલ્યા હશે ત્યાં હું એમની સાથે થઈ ગયો.

એમણે એમની સાથે ચાલનારાં બીજાં બધાંને પાછાં વળી જવાનું કહ્યું અને પછી મારા એક ખભા ઉપર પોતાનો હાથ મૂકીને એમણે ચાલતાં ચાલતાં જે વાત શરૂ કરી તે મારી સાથે કાઢશે એવી તો મને કલ્પના પણ શી રીતે હોય ? છેલ્લાં તેર કરતાં વધારે વર્ષનો મારો તેમની સાથે પરિચય હતો અને આ સમય દરમિયાન એકેય વખત એમણે મારી જીવનપદ્ધતિની વાત કાઢી જ ન હતી. એટલે જ્યારે એમણે હું સિગારેટ પીઉં છું અને પુષ્કળ ચા-કૉફી લઉં છું, એ વાત કાઢી ત્યારે મને આશ્ચર્ય થયું.

એમની સાથે લાંબી અને ગાઢ પરિચયવાળી વાતો તેર તેર વર્ષો સુધી કર્યા કરનાર મને સ્વપ્નેય ખ્યાલ નહીં આવેલો કે સિગારેટ ફૂંકવા અંગેની ખાનગી વાતો એમને મારી સાથે કરવાની હશે. મેં કહ્યું કે હા, સિગારેટ પીઉં છું. એટલે પછી એમણે સિગારેટની આદત આરોગ્યને માટે કેવી ખતરનાક અને પુષ્કળ ચા-કૉફી પીવાથી કેવી શારીરિક બરબાદી થાય છે તે વિશે મને લાંબુંલચક ભાષણ આપ્યું. એમણે ચીનના અને જાપાનના નુસખા વર્ણવીને કેવી રીતે મારે ધીરે ધીરે સિગારેટ અને ચા છોડવી તે પણ સમજાવ્યું. આ બધું સમજાવી રહ્યા પછી આવાં વ્યસનોનો પ્રશ્ન સમાજવાદ સાથે શી રીતે સંકળાયેલો છે તે અને એવું બીજું ઘણું ઘણું કહ્યું ! એક સમાજવાદી તરીકે મારે લોકો સાથે પ્રસંગ પાડવાનો થાય છે અને મારે તો લોકોના અગ્રેસર બનવું જોઈએ. આમ આ પ્રશ્ન લોકો સાથેની આત્મીયતાનો અને નેતૃત્વનો પણ બની રહે છે એ વાત તેમણે કરી. જો હકીકત આવી છે તો પછી ભારતમાં હું કઈ રીતે ચા-કૉફી અને સિગારેટની મારી આદતનો બચાવ કરી શકું ? એ પ્રશ્ન એમણે મને કર્યો અને આ વ્યસનો તો મને મારા દેશવાસીઓ મારા કરોડો ભૂખ્યા અને ગરીબ દેશવાસીઓ સાથે આત્મીયતા જગાવવામાં અને તેમનું નેતૃત્વ સંભાળવામાં આડે આવશે એમ પણ તેમણે કહ્યું.

મારી આખી જિંદગીમાં આવી મૂંઝવનારી ક્ષણો બહુ ઓછી મારા ભાગે આવી છે. એમનો હાથ મારા ખભા ઉપર હતો એટલે મેં ઈચ્છ્યું હોત તોપણ એમનાથી હું દૂર ખસી શકું એમ ન હતો. એટલે મૂંગામૂંગા મારે એમને સાંભળ્યા કરવા એ જ એક માત્ર માર્ગ હતો. ત્યાં તો મારે આ વિશે કંઈ કહેવાનું છે કે કેમ એવું એમણે પૂછ્યું. હું શાંત રહ્યો, પણ એ કઈ ઝાલ્યા રહે નહીં, કેમ કે મહાપુરુષો શબ્દના સાદાસીધા અર્થવાળા મહાપુરુષ એ નહોતા. એટલે જ્યારે મેં એમના પ્રશ્નનો જવાબ જ ન વાળ્યો- અને મેં એમ કર્યું એ મારી ઉદ્ધતાઈની પરિસીમા હતી- ત્યારે લોકનાયકે કેવી રીતે વર્તવું જોઈએ એ દિશામાં વાત વાળીને એમણે બીજું પ્રવચન આપ્યું.

તે પછી બીજી વાર એમણે મને પૂછ્યું કે મારે કંઈ કહેવાનું છે ? તોપણ હું બોલ્યો નહીં એટલે એમણે મને પૂછ્યું કે પોતે આગળ બોલવાનું બંધ રાખે એવી મારી ઈચ્છા છે ? એટલે મેં કહ્યું કે, ના, ના, આપ વાત આગળ ચલાવો. એટલે એમણે મને પૂછ્યું કે હું મારા ખાનગી અને જાહેર જીવનની વચ્ચે જડબેસલાક ભેદરેખા દોરું છું કે કેમ. એમને અલબત્ત, નિસબત હતી મારા જાહેર જીવન સાથે. આના ઉત્તરમાં મેં એમને જણાવ્યું કે આવી કોઈ ભેદરેખા હું દોરતો નથી, ઓછામાં ઓછું પેલી જડબેસલાક ભેદરેખા તો નહીં જ. અલબત્ત, જાહેર અને ખાનગી જીવન વચ્ચે થોડોક ફેર તો પડે જ, મારા જીવનમાં પણ પડે છે, પણ જાહેર અને ખાનગી જીવન જાણે પૂરબ-પશ્ચિમ જેટલાં છેટાં હોય એવો આકરો ભેદ તો નથી જ. એટલે કે જાહેર જીવન માટે જે વર્તનને નિંદાપાત્ર ગણ્યું હોય તેવું વર્તન ધરાર પોતાના ખાનગી જીવનમાં આચરવાની છૂટ હું નથી જ લેતો. એમ કરવું એ તો નર્યું હાસ્યાસ્પદ ગણાય એમ મેં જણાવ્યું અને આવો વિરોધાભાસ મારા જીવનમાં નથી એમ પણ મેં જણાવ્યું. તેમ છતાં આપને મને જે સંભળાવવું હોય તે ખુશીથી સંભળાવો. આપને તેમ કરવાની પૂરી છૂટ છે, એમ પણ મેં કહ્યું.

એટલે એમણે એ વાત આગળ ચલાવી. પૂરી પિસ્તાલીસ મિનિટ સુધી આ રિબામણી વેઠ્યા પછી મેં એમને કહ્યું કે, આપે જે મને કહ્યું છે તેનો પ્રતિભાવ અત્યારે આપને આપતો નથી પણ વિના વિલંબે હું આપને તે જણાવીશ. ગાંધીજીએ મને જે સંભળાવ્યું તે સાચું છે કે નહીં તે હું નથી કહી શકતો. આજે પણ હું કહી નથી શકતો કે લોકો સાથેના તાદાત્મ્યની અને લોકનાયકત્વની આ પ્રક્રિયા ગાંધીજીની સમજણ પ્રમાણે માન્ય થઈ શકે એવી છે કે કેમ. એ થઈ શકે, ન પણ થઈ શકે. પણ આટલા બધા આગ્રહપૂર્વક ગાંધીજીએ જે કરવાનું કહ્યું તેની અવગણના પણ કેવી રીતે કરી શકાય ?

લગભગ બે મહિના આ વાતને વીત્યા પછી મેં ગાંધીજીને જણાવ્યું કે મેં સિગારેટ ફૂંકવાનું બંધ કર્યું છે, મેં સિગારેટ છોડી અને ગાંધીજીની હત્યા થઈ ત્યાં સુધી મેં સિગારેટને હાથ પણ અડકાડ્યો નથી. આ વાત કહેતાં મને દુઃખ થાય છે. મારે વિચારવાની રીતને લીધે પણ મને દુઃખ થાય છે. મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે એમની હત્યા પછી જે વહેલી સવાર ઊગી તેમાં મને એમ લાગ્યું કે જાણે એમણે મારો અને સઘળા દેશ-બાંધવાનો વિશ્વાસભંગ કર્યો છે. એમણે આટલા વહેલા ચાલ્યા જવું નહોતું જોઈતું. હવે મારે બીડી નહીં પીવાનો ધર્મ કોની આગળ બજાવવો રહ્યો ? આવો બેવકૂફીભર્યો તુક્કો મારા મનમાં ઊઠ્યો. પણ આવો મોટો માણસ જ્યારે સામે ચાલીને મારા જેવાને અમુક શીખ દે અને એના સમર્થનમાં અનેક દલીલો ધરે ત્યારે એમની સાથે પૂરેપૂરા સંમત ન થતા હોઈએ તોપણ એવા મહાપુરુષોની પ્રભાવકતાને વશ વર્તીએ તેમ જ તેમના પ્રત્યેની વફાદારીને ન અવગણીએ તો આપણામાં એક પ્રકારની શિસ્તનો ઉદય થતો હોય છે. આખી માનવજાતના પુનનિર્માણ માટે પણ આ વાત ખપની છે.

મારે થોડીક શરમ સાથે કબૂલવું જોઈએ કે આપણે દુનિયાદારીમાં સપડાયેલાં સ્ત્રીપુરુષો જે કંઈ સારાં કામો કરીએ છીએ તે હંમેશાં આપણા પોતાના વિચારને અનુસરીને કરતાં હોતાં નથી. ઘણી વાર તો આપણે કોઈની અસર હેઠળ કે વફાદારીને કારણે કે કોઈનું અનુસરણ કરવાની જરૂરતને કારણે તેમ કરતાં હોઈએ છીએ. આવું જો મારા જેવાની બાબતમાં બને- માનસિક અને બૌદ્ધિક પ્રક્રિયામાં હું મારી જાતનો એકડો કાઢી નાખતો નથી. મને કોઈ ઠમઠોરે, અરે મહાત્મા ગાંધી જેવા પણ ઠમઠોરે તે શક્ય નથી- છતાં મેં એમનું કહેવું સાંભળ્યું એનો અર્થ એ થયો કે એમના પ્રભાવને કારણે મારામાં આત્મશિસ્તનો ઉદય થયો. આ શું સૂચવે છે ? મનની પારની એ કોઈ વસ્તુ છે.

એ દિવસોમાં મેં એવું સ્વીકાર્યું નહોતું કે જેણે ગરીબ આમ સમુદાયો સાથે તાદાત્મ્ય સાધ્યું હોય અને તેમની આગેવાની સંભાળી હોય તેણે સિગારેટ પીવાનું ધરાર જતું કરવું જોઈએ. પણ મારી બાબતમાં એવું અવશ્ય કહીશ કે જો મહાત્મા ગાંધી આ પછી ઝાઝું જીવ્યા હોત તો મેં સિગારેટ સમૂળગી કાયમને માટે છોડી દીધી હોત.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ગાંધીજી સાથેનો એક યાદગાર પ્રસંગ – રામમનોહર લોહિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.