ખેતલિયા પીરની માનતા – કથક : હાજરાબેન વીજળીવાળા (રજૂઆત: શરીફા વીજળીવાળા)

[ કેટલીક કથાઓ કર્ણોપકર્ણ સચવાતી હોય છે, જેનું આલેખન શરીફાબેને એ જ શબ્દોમાં કરીને ઘણું મોટું કામ કર્યું છે. આવી કથાઓ બોધ તો આપે જ છે સાથે સાથે એ ગ્રામ્ય દશ્યને આપણી સામે ખડું કરી આપે છે. તેમની આ પ્રસ્તુત વાર્તા ‘જનકલ્યાણ’ સામાયિક એપ્રિલ-2013માંથી સાભાર લેવામાં આવી છે. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો.]

એક ગામ હતું. એમાં એક કણબી રયે. ઘરમાં ગલઢી મા ને કર્યાફાટ્ય પટલાણી સિવાય કોઈ નો મળે. કંઈક બાધા-આખડિયું કરી’તી તોય પટલાણીનો ખોળો નો’તો ભરાતો. લગનને શાર-પાંસ વરહ થઈ ગ્યાં’તાં તોય ઘરમાં કાંય સૈયું સોકરું નો’તું. પટેલને તો એવું કાંય નંઈ પણ પટલાણી આંયાં ને ન્યાં ધોડ્યે રાખે. હવે ભાય ખેતરના શેઢે ખેતલિયા પીરનો પાણો હોય….

બાયે તો ભાય એની માનતા કરી. માનતાય પાશી કેવી કરી ? ‘હે ખેતલિયા પીર, જો મારે પેટ્ય દીકરો થાહે તો મારી હાહુને સડાવીશ….’ ને ભાય દેવને કરવું સે ને…. બાયને તો હાસુકલાન વરહ કેડ્યે મજાનો ઢેફલા જેવો દૂધમલિયો દીકરો થ્યો. સોકરો બે-તૈંણ મઈનાનો થ્યોને બાયને હૈયે સડ્યું…. રાત્યે પટેલને ક્યે કે ‘કાલ્ય વેલા ઊઠીને ગાડું જોડીને મારી માને તોડીયાવજો ને પશી મોડા ખેતર્યે જાજ્યો….’
પટેલ ક્યે, ‘કાં ? અટાણે તારે તારી માનું વળી હું કામ પડ્યું ?’
પટલાણી આમેય અક્કલમઠી તો હતી જ. તે ક્યે, ‘મેં ખેતલિયા પીરની માનતા માની’તી કે જો આપડા ઘર્યે દીકરાનો જલમ થાશે તો હું તમારી માને સડાવીશ.’
‘અરે મારી હાળી મૂરખી, અક્કલમઠી…. તને કાંય નો આવડ્યું ? કાંય બીજું નો હૂજ્યું તે મારી માને સડાવવાનું માની બેઠી ? તને કેવુંય હું ? ક્યાંય બાપ જલમારે તે આવી માનતા જોઈ સે ? હાંભળી સે ?’ પણ ભાય પટલાણી હતી કર્યાફાટ્યની…. પટેલનું કાંય નો હાલ્યું…. ઈ તો વેલો ઊઠીને ગાડું જોડતોક વયો ગ્યો હહરાને ગામ…

રસ્તામાં પટેલે મનમાં કાંક્ય ગાંઠ્ય વાળી…. હાહુને જઈને કીધું- ‘હાલો માડી, તમારી દીકરીએ માની સે માનતા. ખેતલિયા પીરે જાવાનું સે…. વેલા ઊઠીને જાવાનું સે…. હું ઉઠાડું એટલે બોલ્યાસાલ્યા વના મોઢું ઢાંકીને ગાડામાં બેહી જાજ્યો’…. ઈ ભાય પટેલ તો ડોહીને ઘર્યે મેલતોકને વયો ગ્યો ખેતરે….. ડોશી તો બસારી ઠાકીને ટેં થઈ ગઈ’તી તે ખાટલામાં પડતાવેંત ઘોંટાઈ ગઈ. પટલાણી રાત્ય પડ્યે પટેલને ક્યે કે આ બેય ડોહીના હાડલા હરખા સે- ને કાંય બોલ્યાસાલ્યા વગર મોઢું ઢાંકીને જાવાનું સે તે ખબર્ય કેમની પડશે ? એમ કરો… તમારી માના પગ્યે કાળો દોરો બાંધી દ્યો એટલે ભૂલ્ય નો થાય….’ પટેલે મનમાં તો મણ મણની જોખી…. ‘રાંડ મારી માને મારવા બેઠી સો પણ આજ તું ખેલ જોઈ લેજ્યે….’ પટેલે પોતાની માને પગે દોરો બાંધ્યો તો ખરો પણ જેવી પટલાણી થાકીપાકી ઘોંટાઈ ગઈ ઈ ભેળા જ ઊભો થયને ડોશિયુંના ખાટલાની પાંગત્યે બેઠો. ને પોતાની માના પગ્યેથી દોરો સોડીને હાહુના પગે બાંધી દીધો. પટલાણી તો ભાય વેલી ઊઠી ગઈ…. નાય-ધોયને પટેલને ઉઠાડ્યા…. ને પસી ડોશિયુંના ખાટલે જઈ, પગમાં દોરો જોઈને ડોશીને હલાવ્યાં. ડોશી તો બસારાં હડપ લેતાંકને બેઠા થઈ ગ્યાં. ને કાંય બોલ્યા વગર્ય માથે ઓઢીને ગાડામાં બેહી ગ્યાં. ગાડું ખેતલિયા પીરે પૂગ્યું. ડોશીનું ડોકું મૈડીને ભાય એને તો ત્યાં કણે ડાટી દીધી. ને પાસા ઘર્યે વયાં આવ્યાં. બાય તો દળવા બેઠી… ઈ તો ઘંટી ફેરવતી જાય ને હરખની મારી ગાતી જાય :

કાઢ્યું ખોખું ને ઘર થ્યું સોખું રે ખેતલિયા પીર….
કાઢ્યું ખોખું ને ઘર થ્યું સોખું રે ખેતલિયા પીર….

પટેલે ખાટલામાં પડ્યા પડ્યા હામો જવાબ વાળ્યો….

પાસું વાળીને જરાક જોજ્યે નાર્ય, માં મારી કે તારી ?

પટેલે તો ભાય તાણી તાણીને બે વાર ગાયું. હાલતી ઘંટીયે બાયે હાંભળ્યું…. ને હાંભળતાની હાર્યે, ‘હેં !’ કરતીકને હડી કાઢી…. જ્યા ગોદડું ખેંશીને જોવે સે તો હાહુ તો મજાની ઘોંટતી’તી. બાય તો મંડી રોવા ને કૂટવા. પટેલની માને તો બસારીને આ માંયલી કાંય ખબર્ય નઈ અટલે બાઘોલા જેવી થઈ ગઈ. બાય બોવ મંડી રોવા અટલે પશી પટેલથી નો રેવાણું બોલ્યા વગર્ય….. ‘તંયે રાંડ અક્કલની મૂઠી…. તને મારી માને મારવામાં કાંય નો’તું થાતું ? માણહ કાંક્ય નાળિયેર સે, કાંય સુંદડી સે… કાંય ગોળ હાકર સે… એવું સડાવવાની માનતાયું માને…. મારી માને સડાવવાની માનતા માનતા તને કાંય વિશાર નો થ્યો ? જરાય લાજેય નો આવી ? હવે રો તારી માને પેટ ભરાય ન્યાં સુધી…. ને ભાળ્ય કોઈ દિ’ મારી માને કાંય કીધું સે તો તારી ખેર નથી….’ તે ભાય પટલાણી તો સાની રય ગઈ. કોને ક્યે ? સોરની મા કોઠીમાં મોં ઘાલીને રોવે એના જેવું થ્યું એને તો…. કોઈને ખબર્ય પડે તોય ગામ એના ઉપર્ય થૂ…. થૂ કરે. તે દિ’ની ઘડી ને આજનો દિ’… પટલાણી એવી તો સીધી હોટા જેવી થઈ ગઈ કે એની વાત નો પૂસો….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “ખેતલિયા પીરની માનતા – કથક : હાજરાબેન વીજળીવાળા (રજૂઆત: શરીફા વીજળીવાળા)”

Copy Protected by Chetan's WP-Copyprotect.