માનુની, મોસમ અને મેનેજમેન્ટ – નિરંજન ત્રિવેદી

[ ‘જનકલ્યાણ’માંથી સાભાર. ]

અમેરિકન સમાજમાં એક ઉક્તિ બહુ પ્રસિદ્ધ છે – વર્ક, વુમન એન્ડ વેધર. એ ત્રણે અનપ્રિડિક્ટેબલ. એમના વિશે કોઈ આગાહી કરી શકાય નહીં. કશું કહી ન શકાય. મેં એનું સરળ ગુજરાતીકરણ કર્યું છે- માનુની, મોસમ અને મેનેજમેન્ટની કોઈ આગાહી કરી શકાય નહીં. મહિલાને માનુની પણ કહેવાય. માનુની ક્યારે ઝઘડશે ? મોસમ ક્યારે બગડશે ? અને મેનેજમેન્ટ ક્યારે તગડશે ? કશું જ કહી ન શકાય.

આપણા ગુજરાતી શાયર ટંકારવીએ શે’ર લખ્યો છે. વર્ક, વેધર અને વુમનનું ત્રિશૂળ આ સમાજમાં છે. આ ત્રણ શૂળ સમાજમાં વ્યાપેલ છે. તમે જ કહો, એક સમયે મોસમ મુંબઈમાં આવો માહોલ કરશે એ ખબર હતી ? એ વખતે બાર કલાકમાં 940 મી.મી. વરસાદ પડ્યો હતો. ચેરાપુંજીનો રેકોર્ડ તૂટી ગયો. સેંકડો મરી ગયા. લાખો બેઘર થઈ ગયા. એ સમયના મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વિલાસરાવ કોની પાસે એની રાવ ખાય ?

આપણા કરતાં પણ વેધર-મોસમની અનિશ્ચિતતા અમેરિકામાં વધારે. આજે વેધર સરસ છે એવી કોમેન્ટ કોઈ ખુશીમાં આવી જઈ કરે ને એ વાક્ય પૂરું કરે તે પહેલાં જ મોસમ બદલાઈ જતી હોય છે. અમદાવાદમાં પણ મોસમનો આવો ચમકારો મેં અનુભવ્યો છે. સેટેલાઈટ પાસે ધોધમાર વરસાદ હતો. મેં રેનકોટ પહેરી સ્કૂટર ચલાવ્યું. મણિનગરમાં ગયો ત્યારે ધોમતડકામાં રેનકોટ પહેરી સ્કૂટર ચલાવતા મને જોઈ કેટલાક મજાકમાં હસતા હતા. અમેરિકામાં ‘વર્ક’ એટલે કે નોકરીનું કાંઈ ઠેકાણું નહીં. નોકરીએ રાખનારના સ્ટોરમાં પાણીચાં નાળિયેર પડ્યાં જ હોય, ગમે ત્યારે પાણીચું પકડાવી દે. ભવ્ય નોકરી હોય, અતિભવ્ય કંપની હોય, પણ ગમે ત્યારે છૂટા કરી દે. કાલથી ન આવતા- એવું કહી દે. ‘હાયર એન્ડ ફાયર’ નોકરીએ રાખો અને ફાવે ત્યારે છૂટા કરી દો, એ એમનું સૂત્ર. આપણે ત્યાં વર્ક એટલે કે નોકરીની બાબતમાં ફેર પડે. ખાસ કરીને સરકારી અને અર્ધસરકારી. મારા બેન્કર મિત્ર બંસલ કહેતા, ‘હમ કો નૌકરી’મેં રખને કે લીયે એક પત્ર કાફી થા, મગર નોકરી સે નિકાલને કે લીયે સેંકડો પત્ર દેને પડેંગે ઉનકો…..’ વાત સાચી છે. એક પત્ર, એપાઈન્ટમેન્ટ લેટરથી નોકરી મળી જાય, પણ છૂટા કરવા માટે આખો કેસ ઊભો કરવો પડે. બાકી ઘણી બધી બાબતમાં મેનેજમેન્ટનું ધાર્યું ન થાય એ વાત ખરી. સેન્ટ્રલ બેંકના અધિકારી મિત્ર મનહર પટેલ કહેતા, અમારી બેંકનું ટેલિગ્રાફિક એડ્રેસ જ સરટેઈન છે. બાકીનું બધું અનસરટેઈન ગણાય.

અમેરિકામાં તો નોકરી શાયરના દિલ જેવી છે. ‘અભી અભી ઈધર થા કીધર ગયા જી’ છગનભાઈ દસ વર્ષથી અહીંયા નોકરીમાં હતા તે ક્યાં ગયા ? એમ તમે પૂછો તો જવાબ મળે : દસ મિનિટ પહેલાં જ એમને કાઢી મૂક્યા. આપણે ત્યાં પ્રાઈવેટ-ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા માણસને ખબર નથી હોતી કે આ નોકરીમાં એને કેટલા શ્વાસ લેવાના છે. ગમે ત્યારે બેકાર થઈ જાય, તે પણ કોઈ ભથ્થા વગર. અમેરિકામાં તો બેકાર થનારને ભથ્થું મળે છે. એક આડવાત કરીએ- બેકારીભથ્થાં માટે એક ઉક્તિ છે : અમેરિકા એક એવો દેશ છે કે જ્યાં લોકો બેકારીભથ્થાનો ચેક લેવા માટે પણ પોતાની કારમાં જતા હોય છે ! જે મેનેજમેન્ટે આપણા કામનાં વખાણ કર્યા હોય, એ લોકો જ બીજા દિવસે હાથમાં મેમો પકડાવી શકે છે. તો ક્યારેક વળી સ્પેશિયલ ઈન્ક્રીમેન્ટ પણ આપી દે. મોસમ જેવી જ એની અનિશ્ચિતતા.

માનુની શું કરશે એ ધારી શકાય નહીં. વર્ક એન્ડ વુમન અનપ્રિડિક્ટેબલ છે એવું તો અમેરિકામાં મહિલાઓ ખુદ કહેતી હોય છે. જ્યોતિષી ભાષામાં આને ‘નષ્ટ જાતક’ કહી શકાય. જ્યોતિષમાં નષ્ટ જાતકની ભવિષ્યવાણી થઈ નથી શકતી. વર્ક, વેધર અને વુમનનું પણ એવું જ. આપણા સંસ્કૃત સાહિત્યમાં પણ સ્ત્રીઓ માટે કહેવાયું છે કે ‘સ્ત્રીયાણામ ચરિત્ર દેવો ન જાનતિ કુતઃ મનુષ્યઃ !’ દેવો પણ એમને જાણી ન શકે ત્યાં બાપડા મનુષ્યનું શું ગજું ? ક્યારેક તે એક ગલી ક્રોસ કરીને પણ તેમને ન મળે ! તો ક્યારેક ‘આઈ રે મેં તેરે લીએ સારા જગ છોડ કે’ આખી દુનિયા છોડીને પણ આવી જાય.

આવી ‘અનપ્રિડિક્ટેબલ આઈટમ’ને પણ સમજનાર હોય એવી એક રમૂજની વાત કરું. રાતના બાર વાગ્યા સુધી મિત્રો સાથે ગપ્પાં મારનારને એના ભાઈબંધે કહ્યું : ‘આજે તું ઘેર પહોંચીશ પછી તારી પત્ની તને બરાબરનો ખખડાવશે.’ પેલાએ કહ્યું : ‘ના, હું ઘેર જઈશ પછી પહેલો શબ્દ મારી પત્ની કહેશે તે ‘ડાર્લિંગ’ હશે.’ એની શરત પણ લાગી. એ ભાઈ મધરાતે ઘેર પહોંચ્યા, બેલ માર્યો. પત્નીએ અંદરથી બૂમ પાડી, ‘કોણ છે ?’ પેલા ભાઈએ મૃદુ અવાજે કહ્યું : ‘એ તો હું તારો ડાર્લિંગ….’ ગુસ્સે ભરાયેલી પત્નીએ કહ્યું : ‘ડાર્લિંગ જાય ભાડમાં.’ પેલો શરત તો જીતી ગયો. કારણ કે પત્ની પહેલો અક્ષર ‘ડાર્લિંગ’ જ બોલી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “માનુની, મોસમ અને મેનેજમેન્ટ – નિરંજન ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.