આપનું પુનઃ સ્વાગત છે ! – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

એક માસના લાંબા વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. અનેક વાચકમિત્રોના પત્રો અને ફોન મળતા રહ્યા કે રીડગુજરાતી ફરીથી ક્યારે શરૂ થશે ? રોજ નવા બે લેખો ક્યારે વાંચવા મળશે. આ એક માસ દરમિયાન કોમ્પ્યુટરથી દૂર રહીને મને પણ લાંબા ગાળાનું આયોજન કરવાની તક મળી. થોડો વિચાર કરવાનો સમય મળ્યો. સતત એક ધાર્યું કામ બંધ કર્યું એથી માનસિક રાહત મળી. સમય પ્રમાણે બ્રેક લેવો કેટલો જરૂરી છે એ પણ સમજાયું. સાથે સાથે ખ્યાલ આવ્યો કે આ કામ કેટલું મોટું અને વ્યાપક થતું જાય છે.

સમાજમાં જેઓ મેનેજમેન્ટ વગેરે જેવા ઉચ્ચ ક્ષેત્રોમાં છે એમની મેં સલાહ લીધી. જુદા જુદા ક્ષેત્રોના વાચકોના મંતવ્યો લીધા. આ બધા પરથી અમુક તારણો નીકળ્યા, જે અંગે આજે મારે તમારી સાથે વાત કરવી છે. આ તારણોમાંના કેટલાક મુદ્દાઓ હું તમારી સમક્ષ રજૂ કરું છું અને સાથે આશા રાખું છું કે આપનું મંતવ્ય પણ એમાં ભળે.

[1] રીડગુજરાતીના કદ અને સ્વરૂપને ધ્યાનમાં લેતાં હવે એક વાત નક્કી થાય છે કે એક વ્યક્તિ આ સાઈટનું પ્રોગ્રામિંગથી માંડીને ટાઈપિંગ સુધીનું બધું જ કામ કરી શકે નહિ. એટલેકે અગાઉની જેમ હું એકલો જ દિવસ અને રાતનો મોટાભાગનો સમય આપી દઉં તો મારે આગળ જતાં વધુ આરામની જરૂર પડે. અને ઘણા વિરામો લેવા પડે.

[2] આ કામને સંભાળવા માટે ટાઈપિસ્ટથી લઈને રોજ લેખો અપલોડ કરનાર અને ઈ-મેઈલનો જવાબ આપનાર માણસો જોઈએ. તંત્રી તરીકે મારું કામ માત્ર લેખો પસંદ કરીને આ ટીમને આપવા પૂરતું મર્યાદિત રહે તો જ હું ક્વોલિટી જાળવી શકું. એમ થાય તો જ મારું વાંચન વ્યાપક બની શકે અને ઉચ્ચ ગુણવત્તાના લેખો પ્રકાશિત થઈ શકે.

[3] આ કામને વિનામૂલ્યે, સેવાભાવથી કરવા માટે અનેક વાચકોએ તૈયારી બતાવી છે પરંતુ એમાં મુશ્કેલી એ છે કે એ વાચકો સૌ દેશના અન્ય ભાગમાં અથવા તો વિદેશમાં વસતા હોય છે. આથી રોજેરોજ અનેક પુસ્તકોમાંથી તેમને લેખો સ્કેન કરીને મોકલવામાં અને એમના ટાઈપ કરેલા લેખોનું પ્રુફરિડિંગ કરવામાં અંતે તો કામનું ભારણ ઘટતું નથી, ઉલ્ટાનું કદાચ વધે છે.

[4] આ બધાના ઉકેલરૂપ એક જ માળખું શક્ય છે. જો સ્થાનિક ધોરણે વડોદરામાં જ એક નાનકડી ઑફિસ જેવું શોધી કાઢવામાં આવે, બે કર્મચારીઓને પગારથી રાખીને બે કોમ્પ્યુટર દ્વારા કામ સોંપવામાં આવે અને મારું કામ માત્ર એમને લેખ આપવા સુધીનું મર્યાદિત રહે તો લાંબા ગાળા સુધી આ કામ થઈ શકે. પરંતુ આમ કરવા જતાં ડોનેશન પર ચાલતી આ સાઈટનો ખર્ચ વધીને ચાર-પાંચ ઘણો થઈ જાય. એટલે કે હમણાં વર્ષે 40,000 થી 50,000 થાય છે જે વધીને વાર્ષિક ખર્ચ આશરે ચાર લાખ સુધી પહોંચી જાય. (કર્મચારીના પગાર + ઑફિસ ભાડું + લાઈટબિલ + ટેક્સ + બે નવા કોમ્પ્યુટર વગેરે વગેરે…. )

[5] સામાન્યતઃ આ મુદ્દો ઉપસ્થિત થાય એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના કામને ‘Paid’ કરવા અંગે વિચારવા માંડે. પરિણામે સમાજસેવાનું આખું કામ ક્યારે એક ધંધો બની જાય એની ખબર પણ ન રહે ! એમ કરવા જતાં એનું આંતરિક સત્વ અને તેજ ખોઈ બેસાય. હા, કદાચ આર્થિક રીતે સદ્ધર બની શકાય પરંતુ પછી એમાં માનસિક શાંતિનો અનુભવ ન થાય. એ કામ પછી બોજ બની જાય. એનો અર્થ એ નથી કે કોઈપણ વસ્તુ પેઈડ હોય તે ખરાબ છે. પરંતુ અત્યારે ભાષાનો વ્યાપ વધારવાની જરૂર છે. જેમના જીવનમાં થોડું ઘણું વાંચન પડ્યું છે એને ઉજાગર કરવાની જરૂર છે. આપણું ઉત્તમ સાહિત્ય લોકો સુધી પહોંચે એ જરૂરી છે. જે કંઈ થોડા સંસ્કાર અને મૂલ્યો બચ્યા છે એમને જાળવી રાખવાની જરૂરિયાત છે. કોઈ પણ વસ્તુ ધંધો બને એટલે એના માર્કેટિંગ માટે માણસો રાખવા પડે, ધંધો મેળવવો પડે, એનો પ્રચાર કરવો પડે, એમાંથી કમાણી શી રીતે થાય એના રોજ નવા નવા વિચાર કરવા પડે અને એમાં શું સાહિત્ય પિરસવાનું છે એ બાજુ પર રહી જાય !

[6] હવે આ બધી સમસ્યાઓનો ઉકેલ શું ? ઉકેલ બે-ત્રણ મળ્યા છે મને વાચકો તરફથી. એ અંગે મારે તપાસ કરવાની છે. આપ પણ એમાં મદદ કરી શકો છો. રીડગુજરાતીનું મોટા પાયે કામ કરવા માટે જે રકમની જરૂર છે એ માટે કદાચ કોઈક સરકારી યોજના ઉપલબ્ધ છે, એવી મને ખબર પડી છે. સારી ભાષામાં આપણે એને સામાજિક પ્રવૃત્તિની માટેની ગ્રાન્ટ કહીએ છીએ. મારે ગાંધીનગર ખાતે એ બાબતે તપાસ કરવાની છે. જો એ શક્ય બને તો આ તમામ મોટા ખર્ચ ને પહોંચી શકાય અને સાથે સાથે એની પવિત્રતા પણ જાળવી શકાય. આ સિવાય કોઈ ટ્રસ્ટ, સંસ્થા કે કોઈ મોટા દાતા આ ખર્ચ ઉપાડી લે તો આ બધું જ કામ શક્ય બને. જો આમાંનું કશું ન થાય તો શું કરવું ? એ અંગે હજુ સુધી કોઈ વિચાર મનમાં આવ્યો નથી, પરંતુ એમ જરૂર લાગે છે કે કોઈ રસ્તો જરૂર નીકળશે. (હા, એ પણ નક્કી રાખ્યું છે કે મદદ કરવાના હેતુથી આવનાર દાતા પોતાનું કામ કઢાવવા માટે મદદ કરવા માગતો હોય એમ ન થવું જોઈએ. મદદ તદ્દન નિઃસ્વાર્થ અને નિમિત્તરૂપે મળે તો જ યોગ્ય છે.) અગાઉની જેમ કલાકોના કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસી રહીને રોગના ભોગ નથી બનવું એટલું ચોક્કસ છે. અને સાથે સાથે એ પણ ઈશ્વર કૃપા ચાહું છું કે હું શક્ય એટલું ઉત્તમ સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં નિમિત્ત બની શકું. આપના સુચનો આ અંગે આવકાર્ય છે.

આ જૂન માસમાં મારો મુખ્ય ધ્યેય આ કામને પાર પાડવાનો છે. પરંતુ સાથે સાથે શક્ય બને ત્યાં સુધી હું રોજ એક લેખ આપવાની કોશિશ કરતો રહીશ. ટૂંકમાં, હું સમજું છું કે રજાઓ ઘણી થઈ ગઈ છે પરંતુ લાંબાગાળાના આયોજન માટે મારે એકલા એ જ આ બધી મથામણ કરવાની હોઈને નિયમિતતા ચૂકી જાઉં છું. આપ સૌનો સાથ મારે માટે મહત્વનો છે. આપ સૌનો આભારી છું.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

36 thoughts on “આપનું પુનઃ સ્વાગત છે ! – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.