- ReadGujarati.com - http://www.readgujarati.com -

પરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે ! – વિનોદ ભટ્ટ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બસ, એમ જ….!’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પરણેલા પુરુષની ખાસિયત દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે. પત્ની જોડે તકરાર થઈ જાય તો બ્રિટિશ પતિ સીધો ‘બાર’માં જઈ બિયર પીવા બેસી જાય છે. એ પતિ જો ફ્રેન્ચ હોય તો પત્ની સાથે ઝઘડો થતાં જ પોતાની ગર્લફેન્ડ કહેતાં સ્ત્રી-મિત્ર પાસે પહોંચી જાય છે. એ પતિ અમેરિકન હોય તો ગુસ્સાથી પોતાના વકીલને ત્યાં જાય છે, પરંતુ જો એ ભારતીય પતિ હોય તો પોતાની મા પાસે દોડી જાય છે !

ઉપર જણાવેલ ચારેય કિસ્સામાં પુરુષો કંકાસથી દૂર ભાગે છે એ તમે નોંધ્યું ને !….. અલબત્ત થોડા સમય પહેલાં ‘અમેરિકન રિવ્યૂ ઑફ હાર્ટ ઍસોસિયેશન’ દ્વારા શોધાયું છે કે જો પતિ-પત્ની વચ્ચે વાતવાતમાં ઝઘડા થતા હોય તો બંનેને હૃદયરોગ થવાની શક્યતા લગભગ ઘટી જાય છે. કિન્તુ ‘ઔરત તેરી યહી કહાની’ની પેઠે ઝઘડા દરમિયાન સ્ત્રી જો રડીને ચૂપચાપ બેસી રહે, આક્રમક થઈને પતિ સામે શાબ્દિક હુમલો ન કરે, ઈંટનો જવાબ પથ્થરથી ન આપે તો તેની આવરદા ઘટી જાય છે, સમય કરતાં તે વહેલી પાછી થાય છે ને પછી પતિને જલસો પડી જાય છે. આ પેલો સૉક્રેટિસ. તેની પહેલી પત્ની માયૅર્ટૉન ઘણી શાંત અને ઓછાબોલી હતી. પરિણામે વહેલી પાછી થઈ; જ્યારે તેની બીજી પત્ની ઝેન્થીપી ભારે કજિયાળી હતી એટલે તે જીવી ગઈ અને સૉક્રેટિસ વહેલો ચાલ્યો ગયો. સત્તાધીશો દ્વારા તેને જાતે ઝેર પી જવાની સજા ફરમાવાયેલી. જો એમ ન થયું હોત તો શક્ય છે કે તેણે ખુદે જ ઝેર ગટગટાવી લીધું હોત. (એક રમૂજ પ્રમાણે પત્નીથી ત્રાસીને એક યુવાને આત્મહત્યા કરવાનું નક્કી કરી નાખ્યું. દવાની દુકાને જઈને તેણે ઝેર માગ્યું. દુકાનદારે તેને સહાનુભૂતિથી પૂછ્યું કે આટલી નાની ઉંમરે તું આપઘાત કરવા તૈયાર થયો છે ? તારી પર એવું તે શું દુઃખ તૂટી પડ્યું છે ? જેના ઉત્તરમાં એ યુવાને પોતાની પત્નીનો ફોટો દુકાનદાર સામે ધર્યો, જે જોઈને દુકાનદારે તેને દાઢમાં પૂછ્યું : ‘તો તો સાથે તું પ્રિસ્ક્રિપ્શન પણ લાવ્યો છે ?’) કહે છે કે સૉક્રેટિસને ઝેર પીતો જોઈને ઝેન્થીપી આક્રંદ કરવા માંડી હતી – એ વિચારે કે આવો સહનશીલ વર આ જન્મમાં તો શું, આવતા સાત જન્મમાંય નહીં મળે….

પહેલાંનાં માવતરો તેમની દીકરીઓને શિખામણ આપતાં કે ‘ગમ ખાના ઔર કમ ખાના.’ કિન્તુ પતિ સાથે સતત તકરાર કરવાથી તંદુરસ્તી સારી રહે છે, હૃદયરોગમાંથી મુક્ત થવાય છે, એ જાણ્યા બાદ હવે પછીની મમ્મીઓ તેમની સુપુત્રીઓને વઢીને એવી સલાહ આપશે કે ‘વર કહે એ બધું મૂઢની જેમ સાંભળી રહેવું નહીં, આપણેય સામે જવાબ આપવો એટલે એનેય પિટ્યાને ખબર પડે કે તેં કંઈ મોંમાં મગ નથી ભર્યા, તારી પાસે પણ જીભ છે…..’

અગાઉના જમાનામાં તો પુરુષો માટે ચાર સુખ આશીર્વાદરૂપ હતાં. એમાંનું સૌથી પ્રથમ, પહેલું સુખ તે મૂંગી નાર, એના જેવું કોઈ અન્ય સુખ નથી. આ સુખ જોકે દુર્લભ છે. જો પહેલું સુખ નસીબમાં ન લખાયું હોય તો ‘બીજું સુખ તે બહેરો ભરથાર’. આ બંને સુખ ન હોય તો ‘ત્રીજું સુખ તે મગજ તલવાર.’ બોલતાં-બોલતાં જ તેને વાઢી નાખે – દલીલબાજીમાં ફાવવા જ ન દે; અને જો આ ત્રણ સુખ ભાગ્યમાં ન લખાયાં હોય તો પછી છેવટનું ‘ચોથું સુખ તે ઘરની બહાર.’ પણ એ કાલ્પનિક દિવસ ગયા. હવે તો કોઈ શોધ વિશે છાપામાં અહેવાલ આવે છે તે વાંચીને પ્રજામાં તરત જ પરિવર્તન આવવા માંડે છે. બહારનાંની વાત જવા દઈએ, પણ મારી સાસુની દીકરીએ તો, ‘દરરોજ વર સાથે લડવાથી સ્વાસ્થ્ય સુધરે છે’ એ સમાચાર છાપામાં વાંચ્યા છે ત્યારથી મારી સાથે લડવાનાં કારણો લગભગ દરરોજ શોધી કાઢે છે અને જેને ઝઘડવું હોય તેની સામે એ કારણો સામેથી હાજર થઈ જાય છે. દા.ત, ટેવવશ નાહ્યા પછી ટુવાલ પલંગ પર ફેંકું એટલે તે તરત જ ગર્જના કરવા માંડશે કે તમને મેં હજાર વખત ટોક્યા છે કે ભીનો ટુવાલ તમે આમ ડૂચો વાળીને પલંગ પર ન ફેંકો, ગાદલામાં ભેજ આવશે તો કોણ, મારો બાપ કાઢશે એ ભેજ ! પછી એની એલ.પી. (લોંગ પ્લે) ચાલવા માંડે ને ત્યાં તેનાથી છૂટવા હું તૈયાર થઈને બહાર નીકળતો હોઉં ને મને બારણામાં જ ‘સ્ટેચ્યુ’ કરી દે. છણકતા અવાજે ધમકાવવા માંડે કે ડાર્ક પેન્ટ પર તે કંઈ ડાર્ક ઝભ્ભો પહેરાતો હશે ? ‘મૅચિંગ’ કોને કહેવાય એનું તમને બાપ જન્મારામાંય ભાન નહીં થાય ! માણસ જેવા લાગવામાં તમારા કાકાનું જાય છે શું ! સાવ કવિ જેવા લઘરા લાગો છો આ વેશમાં, જાવ બદલી નાખો, નહીં તો મારા જેવી કોઈ ભૂંડી નથી. અને અડધો કલાક સુધી તે બિચારા નિર્દોષ કવિઓને અડફેટે લેશે.

યાદ આવે છે કે એકવાર એક લેખકને મારે ત્યાં મેં જમવા નોતર્યો હતો. દૂધપાક-પૂરીનું જમણ હતું. લેખકે મારી પત્નીને કહ્યું, ‘ભાભી, મને થોડી ખીર આપશો ?’ પત્ની એ લેખક પર સમસમી ગઈ. એના ગયા પછી મારા પર ગુસ્સો ઠાલવતાં તે બોલી : ‘કેવા કેવા બેવકૂફોને પકડી લાવો છો ! જે ગમારને દૂધપાક અને ખીર વચ્ચેના ફરકની ખબર ન હોય એવાને ફરી ક્યારેય ન બોલાવશો, જમવા….’

મફતમાં મળેલું હૃદય કેટલું મોંઘું હોય છે એની ખબર તો તેમાં કોઈ મોટી ગરબડ ઊભી થાય ત્યારે જ થાય છે. એટલે મારા મતે હૃદયરોગ ન થાય એ માટે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા જેવી અકસીર દવા કોઈ પણ ગુજરાતીને માફક આવે એવી છે. એમાં પણ પતિના મુકાબલે પત્નીને ઉશ્કેરવી વધારે સહેલી છે. તે બહુ સારા મૂડમાં હોય ત્યારે જ કંઈક આડુંઅવળું બોલવું. પિયર એ તેની સૌથી દુખતી નસ છે. તેના પિયરના કૂતરા વિશે પણ જો તમે સહેજ પણ અપ્રિય વાણી ઉચ્ચારશો તો તે નહીં સાંખે. તે કરડકણું છે એમ બોલશો તોપણ પત્ની તમારી સામે ઘૂરકિયું કરશે. એનાં મા-બાપ વિશે કશું ઘસાતું બોલ્યા તો તેની કમાન છટકી જ સમજો. તેને બોલતી (બોલતીનો અર્થ અહીં ઝઘડતી) કરવી હોય તો શરૂઆત આ રીતે કરી શકાય : ‘મંજુ, તારી મમ્મીએ તને બી.એ. વિથ સોશિયોલૉજી કરાવી પણ સાથે થોડા સંસ્કાર પણ સીંચ્યા હોત તો કેટલું સારું થાત !’ બસ, પછી જુઓ મજા ! સંસ્કાર કોને કહેવાય એની મૌલિક વ્યાખ્યાઓ વિવરણ સાથે જાણવા મળશે. ઉપરાંત તમારાં મા-બાપ, ભાઈ-બહેનો વગેરેને સાંકળીને અપ્રિય વાણીનો ધોધ તે વહાવશે એ ઝીલવાની લિજ્જત આવશે. સાથે એ બળાપો પણ સાંભળવા મળશે કે ‘મારી બહેન અમી કેટલી સુખી છે ! પંકજકુમાર તેને હાથ પર રાખે છે. તેમની પાસે તો બંગલો, ગાડી, નોકરચાકર, રસોઈયા બધું જ છે. મારું તો પંકજકુમારના ભાઈ નીતીન સાથે થવાનું હતું, પણ જન્માક્ષર ન મળ્યા; મંગળ આડો આવ્યો ને તમારો જેવો રાહુ લમણે લખાયો. મારાં સાસરિયાં કરતાં મારી બહેનનાં સાસરિયાં લાખ નહીં, કરોડ દરજ્જે સારાં. તમારી પાસે સાડી માગું ત્યારે કાયમ સાડીનાં ‘સેલ’માં જ ઢસડી જાવ છો. ને ‘સેલ’માં હજારવાળી અઢીસો રૂપરડીમાં મળતી સાડી લઈ આપો છો. પાછા ચેતવણી આપો છો કે ખબરદાર કોઈને સાડીનો સાચો ભાવ કહ્યો છે તો ! સાડી પરનું સ્ટિકર જલદી ઉખાડી નાખ. ને તારી બહેન પૂછે તો કહેજે કે બારસોમાં પડી. કોઈનો વર આવો મખ્ખીચૂસ જોયો નથી….’

પછી ચેઈન્જ ખાતર તેની રસોઈ બાબત ક્યારેક અમથી-અમથી નુક્તેચીની કરવી. કારણ એ જ કે રસોડું એ સ્ત્રીનો ઈલાકો છે, હોમગ્રાઉન્ડ છે. તેની રસોઈ કોઈ ચાખ્યા વગર જ વખોડે એ તેને માટે માથાના ઘા જેવું અસહ્ય હોય છે. એટલે દરરોજ નહીં, કોઈક વાર જમવાનું થાળીમાં પીરસાઈ જાય ત્યારે પત્નીને ચીડવવા બે હાથ જોડીને ઈશ્વરને ખોટેખોટી પ્રાર્થના કરવી કે જમી રહ્યા પછી પણ મને હેમખેમ રાખજે હે દીનદયાળ !… તમને દાળ અને શાક અલગ-અલગ વાડકીમાં પીરસાયાં હોય ત્યારે અત્યંત મીઠા, પ્રેમાળ અવાજે પૂર્ણાંગિનીને પૂછવું કે પ્રિયે, તમે બે જુદી જુદી વાડકીમાં દાળ અને શાક આપ્યાં છે એવું હું માનું છું, પરંતુ એમાં દાળ કઈ વાડકીમાં છે અને શાક કયું છે એનું મને માર્ગદર્શન આપો, જેથી કરીને દાળમાંથી દાળનો અને શાકમાંથી શાકનો સ્વાદ હું યથાયોગ્ય રીતે માણી શકું ! બેમાંથી એક વાટકી તમારા પર છુટ્ટી ન ફેંકાય એ માટે તમને આગોતરી શુભેચ્છા પાઠવું છું…. તો ક્યારેક તેની રજા માગતા હો એ ‘ટોન’માં તેને પૂછવું કે તમને માઠું ન લાગે તો એક સમાચાર આપવા છે. આપું ? તે ચોક્કસ હા જ પાડશે. પછી કહેવું : ‘ગઈ કાલે તમે હીરા મૂચ્છડની દુકાને શાક લેવા ગયાં ત્યારે પેલો રોજ આવે છે એ આપણો ‘ફૅમિલી બેગર’ આવ્યો હતો તે મને કહેતો હતો કે ત્રણ દિવસ પહેલાં તેની ઘરવાળી માગવા આવી ત્યારે શેઠાણીએ તેને કઢી-ભાત આપેલાં. એ ખાટી ચિચૂડા જેવી કઢી ખાવાથી અમને બધાને ઍસિડિટી થઈ ગઈ. શેઠ, તમને તો કંઈ થયું નથી ને ? ઘરમાં હોય તો મને ઍસિડિટીની દવા આપો ને !’ આટલું કહીને સલામતી ખાતર બીજા રૂમમાં ચાલ્યા જવું.

પત્નીએ તમારા માટે પ્રેમથી તૂરિયા-પાંદડાનું તમને ભાવતું શાક બનાવ્યું હોય ત્યારે પહેલો જ કોળિયો મોંમાં મૂકતાં પત્ની સાંભળે એમ બબડવું : ‘મારી મા જેવાં તૂરિયાં મેં આજ દિન સુધી ખાધાં જ નથી.’ અથવા તો ‘વેઢમી બનાવવામાં મારી બહેન સુલૂ આગળ કોઈનો કલાસ નહીં.’ – આટલું બોલ્યા પછી ઓછામાં ઓછું એક કલાક સુધી રસોઈ પર તમને મનનીય પ્રવચન સાંભળવાનો લાભ મળશે, તેમજ તમારી મા-બહેનને શું-શું રાંધતાં નથી આવડતું એય તમે જાણી શકશો.

ટૂંકમાં આ ઈલાજ છે પત્નીને હાર્ટ ટ્રબલમાંથી ઉગારવાનો. જોકે તેની માફક તમને લડતાં-ઝઘડતાં ક્યારેય આવડવાનું નથી. તમારા પપ્પાની જેમ જ ! તેમનો અમૂલ્ય વારસો જાળવી રાખવામાં કશું ખોટું પણ નથી. માટે પત્નીને જેટલું બોલવું હોય તેટલું છૂટા મોંએ લડવા-ઝઘડવા દેવી. તેનું આયુષ્ય લાં…બું ટકે એ તમારા માટે ઈચ્છનીય પણ છે. એનું કારણ એટલું જ કે મોટી ઉંમરે ઘરભંગ થયેલા પુરુષોની હાલત તમે જોજો, અત્યંત દયનીય હોય છે.

[કુલ પાન : 142. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]