આખા લીમડામાં એક ડાળ મીઠી…. – ભવાનીદાસ જાદવજી વોરા

[‘જનકલ્યાણ’ સામયિક મે-2013માંથી સાભાર.]

ગામમાં અમારા મકાનની બહાર થોડા ફૂટના અંતરે એક ઘેઘૂર લીમડાનું વૃક્ષ હતું. એ વૃક્ષની ફરતે એક નાનકડો ગોળ ઓટલો બાંધવામાં આવ્યો હતો. લીમડાના આ ઝાડ નીચે જ દાદાજીની લગભગ આખા દિવસની દિનચર્યા પૂરી થતી હતી. તેમને આ ઝાડ ખૂબ વહાલું હતું. તે કહેતા કે તેમના દાદાએ આ ઝાડ વાવ્યું હતું. હું પોતે આજે વીસ વર્ષનો છું એટલે આ ઝાડ જરૂર સો વર્ષ જૂનું હશે. સેંકડો પક્ષીઓનો વાસ આ ઝાડમાં થતો. ગરમીના દિવસોમાં રસ્તે ચાલતા રાહદારીઓ આ ઝાડ નીચે વિસામો લેતા અને તેના છાંયડાની ઠંડકનો અનુભવ કરતા.

વહેલી સવારે દાદાજી આ લીમડાની ડાળનું દાતણ કરતા. કદાચ એટલે જ દાદાજીના ઘણાખરા દાંત આજે પણ સાબૂત હતા. દાદી સવારના ઊઠીને ચા-નાસ્તો બનાવે તેને દાદાજી આ ઝાડ નીચે જ ન્યાય આપતા. ઝાડ નીચે જ તે સવારનું છાપું વાંચતા. એમ કહો કે નહાવા-ધોવા અને જમવા માટે જ દાદાજી કદાચ ઘરમાં આવતા. એટલે જ દાદી કોઈવાર ગુસ્સામાં બોલી ઊઠતા : ‘મૂઉં આ લીમડાનું ઝાડ, ઝાડ નથી, મારી શોક્ય છે !’ એટલે સુધી કે એ રાતે દાદીને હાર્ટ-એટેક આવ્યો અને ડૉક્ટરે તેમના જીવવાની આશા મૂકી દીધી ત્યારે દાદાજીએ તેને કહ્યું હતું : ‘જો, તું મને આમ એકલો મૂકીને નહીં જઈ શકે.’ દાદી જવાબમાં બોલી હતી : ‘તમે એકલા ક્યાં છો ? દીકરો છે, વહુ છે, પોતરો છે અને પછી જરા હસીને કહ્યું હતું : ‘અને પેલી મારી મૂઈ શોક્ય લીમડાનું ઝાડ પણ તમારી સાથે છે જ ને !’

દાદીનું એ છેલ્લું આછું આછું હસવું હું હજુ સુધી ભૂલ્યો નથી. એ દિવસે મેં દાદીની ચિતા પર કેટલાંયે ચક્કર લગાવ્યાં કે મારા મિત્ર રવિએ કહ્યું હતું : ‘અરે, અરે ! તારે કેટલાં ચક્કર ચિતા ફરતા મારવાં છે ? રવિએ મારો હાથ પકડ્યો અને અમે બંને થોડે દૂર જઈ ઝાડની છાયામાં બેસી ગયા હતા. તે દિવસે સાંજના મેં દાદાજીને કહ્યું હતું : ‘દાદાજી, ચાલો જમવા. નહિ તો મા ગુસ્સે થશે.’ ‘ચાલ બેટા’ એમ કહી દાદાજી જમવા બેસી ગયા હતા. જે દાદાજી દાદી પાછળ સ્મશાનમાં પણ રડ્યા ન હતા તે દાદાજીની જમતી વખત સજળ થયેલી આંખો મેં જોઈ. કદાચ પહેલીવાર આજે દાદાજી જમે અને પીરસવા માટે દાદી ન હોય એવું બન્યું હતું. જમ્યા બાદ દાદાજી મોટેભાગે દાદીના પાલવથી પોતાના હાથ લૂછતા હતા, તેની મને ખબર હતી. આજે મેં દાદાજીના હાથ લૂછવા માટે મારો ઝભ્ભો આગળ કરી દીધો. દાદાજી આ જોઈ તનિક હસ્યા અને મારા માથા પર તેમનો પ્યારભર્યો હાથ ફેરવી પોતાના રૂમમાં સૂવા ચાલી ગયા.

દાદીના જવા બાદ આ લીમડાનું ઝાડ જ દાદાજીના સુખદુઃખનું સાથી હતું. દાદાજી બહુ ઉદાસ અને એકલા પડી જવાનું મહેસૂસ કરે ત્યારે બહાર આવી આ ઝાડ નીચે બેસી જતા. આનાથી તેમને આશાએસ મળતી. નજીકથી પસાર થનાર ગ્રામવાસીઓ સાથે તે વાતો કરતા. નાના બાળકો આ ઝાડ નીચે રમતો રમે તે જોઈ તે બહુ ખુશ થતા. તેઓ એક દિવસ મને કહેતા હતા : ‘બેટા, આ ઝાડ મારા જન્મ વખતે મારા દાદાએ રોપ્યું હતું. તેમને પણ આ ઝાડ પ્રત્યે ખૂબ લગાવ હતો. દાદાજી મને વારંવાર કહેતા : ‘બેટા, લીમડાનું ઝાડ તો સંજીવનીની ગરજ સારે છે. આ ઝાડની હવા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. આની ડાળીનું બનાવેલું દાતણ ઘસવાથી દાંત મજબૂત બને છે. આના પાંદડાંઓને પાણીમાં ઉકાળી તે પાણીથી સ્નાન કરો તો ત્વચા કોમળ અને ઊજળી બને છે. આની કડવી લીંબોળીનો રસ પીઓ તો ડાયાબિટીસ મટી જાય છે.’ પછી મનમાં જ એક લોકગીતની લીટી ગણગણતા : ‘આખા લીમડામાં એક ડાળ મીઠી…..!’

બપોરની ચા દાદાજી આ ઝાડ નીચે બેસીને જ પીતા. પછી એક-બે કલાક સાથી-મિત્રો સાથે વાર્તા-વાતોની જમાવટ થતી. સાંજના પ્રભુ-મંદિરમાં જઈ, મિત્રો સાથે નદીકિનારે ફરવા જતા. એક દિવસ મને કહે : ‘જો બેટા, આ ઝાડ નથી કંઈ કહેતું, નથી કંઈ માંગતું, ફક્ત બધાંને કંઈક આપતાં જ શીખ્યું છે, બિલકુલ તારી દાદીની માફક. તેણે આખી જિંદગી મારા સુખદુઃખમાં સાથ આપ્યો. કદી કોઈ બાબતની ફરિયાદ ન કરી.’ એક દિવસ દાદીએ મારા દેખતાં જ દાદાજીને કહ્યું હતું : ‘જ્યારે હું નહીં હોઉં ત્યારે આ ઝાડ નીચે બેસી મારી સાથે વીતેલાં વર્ષો યાદ કરજો, તમારા દિવસો પસાર થઈ જશે.’ કદાચ દાદીના મુખમાંથી અનાયાસે જ આ શબ્દો નીકળી ગયા હતા; કારણ કે, મારી મા અને બાપુએ દાદાજી-દાદીને બે ઘડી સાથે બેસી તેમના સુખદુઃખ વહેંચી લેવાનો સમય જ આપ્યો ન હતો. કારણ કે પરોઢ થતાં જ દાદાજી મોંમાં લીમડાનું દાતણ લઈ ઘર બહાર નીકળી જતા હતા. સવારના દાદી ઊઠીને તેમના માટે ચા બનાવતી. તેમના આવવાની રાહ જોતી બેસતી. એ દરમિયાન, દાદી ઘરના ઘણાં કામ કરી નાખતી.

થોડા દિવસ પહેલાં જ મેં દાદાજીને બાતમી આપી કે સરપંચ સાથે કેટલાક શહેરી બાબૂ લોકો આપણા ઘર પાસેથી પસાર થતાં કંઈક માપ-મોજણી કરી રહ્યા હતા. તેમાંનો એક બોલ્યો હતો : ‘આ ઝાડ વચ્ચે આવે છે, બેચાર દિવસમાં તેને કપાવી નાખજો.’ સાંજના સરપંચજી અમારા ઘર પાસેથી નીકળ્યા ત્યારે દાદાજીએ ખૂબ આજીજીપૂર્વક તેમને વિનંતી કરી હતી : ‘આ ઝાડ કપાવ્યા વગર ચાલે એવું નથી ?’ ત્યારે મારા બાપુ બહાર આવી બોલ્યા : ‘તમે પણ કેવી વાત કરો છો ? આટલા વર્ષો બાદ સરકાર આ ગામમાં પાકી સડક બનાવવા માંગે છે ત્યારે તમે આ ઝાડ માટે રોવા બેઠા છો ? તમને ખબર છે કે આ ઝાડ કાપવાથી આપણા મકાનની કિંમત કેટલી વધી જશે ?’ દાદાજી ચૂપ થઈ ગયા. ગરમીના દિવસોમાં દાદાજી ઘરમાં ન સૂતા, આ ઝાડ નીચે જ સૂઈ જતા. એ દિવસે હું અને દાદાજી મારા રૂમમાં સૂતા હતા. પણ અમારા બંનેની આંખોમાં ઊંઘ ન હતી. ત્યારે કોઈના બોલવાનો અવાજ સંભળાયો. બાજુના ઓરડામાં બાપુ માને કહી રહ્યા હતા : ‘ઝાડના કાપવાની વાતથી પિતાજી બહુ નારાજ થયા છે !’ ત્યારે મા કહેતી હતી : ‘તો શું તમારા પિતાના પ્રાણ આ ઝાડમાં વસે છે કે તેના કાપવાથી તેમનો પ્રાણ છૂટી જશે ?’ અને પછી એક વ્યંગપૂર્ણ હાસ્ય !…. દાદાજીએ મને કહ્યું હતું : ‘બેટા, આ ઝાડ કપાઈ જાય પછી મારો ટાઈમ કેમ પસાર થશે ? આ ઝાડ કપાય તે પહેલાં જ હું મરી જઈશ !’ અને એક ઠંડો નિશ્વાસ નાખતા દાદાજી સૂઈ ગયા.

સવારના સાત વાગે પક્ષીઓના કલરવથી મારી આંખ ખૂલી ગઈ ત્યારે મેં બાજુમાં જોયું કે દાદાજી આજ ફરવા ગયા ન હતા. મેં તેમને હલાવતાં પૂછ્યું : ‘દાદાજી, તમારે આજે ફરવા જવું નથી કે શું ? પણ દાદાજી જાગ્યા નહીં, ચોંકીને મેં તેમના શરીરને ઢંઢોળ્યું તો તે એકદમ ઢીલું અને ઠંડુ પડી ગયું હતું. મારાથી ચીસ પડાઈ ગઈ : ‘દાદાજી ! દાદાજી ! તમને શું થયું છે ?’ મારી આંખો ફાટી ગઈ ! અવશ્ય દાદાજી તેમના પ્યારા ઝાડને કપાયેલું જોવા જીવિત રહેવા માગતા ન હતા. તેમનો પ્રાણ લીમડાના એ ઝાડમાં સમાઈ ગયો હતો !

તેમણે મને એકવાર કહ્યું હતું : ‘બેટા, મારી ચિતાને તું જ આગ આપજે.’ છેવટે એમ જ થયું. દાદાજીની ચિતાને મેં આગ મૂકી અને તે સાથે જ પ્રતિજ્ઞા કરી કે ક્યારે પણ હું મારું પોતાનું ઘર વસાવીશ ત્યારે એ ઘરના આંગણામાં એક લીમડાનું ઝાડ રોપીશ. દાદાજીને મારી સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ પૂર્ણ થશે. નિયતિનો એ કેવો સંયોગ હશે કે એક ઝાડ દાદાજીના જન્મ વખતની ખુશાલીમાં રોપાયેલું અને બીજુ તેમના મૃત્યુ બાદ શ્રદ્ધાંજલિના પ્રતીક રૂપે કોઈ દિવસ રોપાશે !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “આખા લીમડામાં એક ડાળ મીઠી…. – ભવાનીદાસ જાદવજી વોરા”

Copy Protected by Chetan's WP-Copyprotect.