જીવનની ભૂમિતિ – સુશાંત ધામેચા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુશાંતભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 99749 00422 અથવા આ સરનામે sushantdhamecha21@gmail.com સંપર્ક કરી શકો છો.]

‘જીવનની ભૂમિતિમાં જ કોઈ ગડબડ છે. જે ત્રિકોણ અને ચોરસ છે, તે લંબચોરસ થઈ શકતા નથી અને જે વર્તુળમાં ફસાયા છે તેમાં જ ગોળ ગોળ ફરે છે, પણ બહાર નીકળી શકતા નથી.’

આ ઉપરોક્ત વાક્ય ડો. વિનોદ એચ. શાહના કાવ્ય સંગ્રહ ‘મારી ભીતર’નું છે. આ પંક્તિએ માનવ જીવનની એક સત્ય હકીકત છે, પણ આજનો માનવીએ હકીકતને સ્વીકારવા તૈયાર નથી અને તેને બદલવા સતત મથ્યા કરે છે. તેને બદલ્યા કરતાં તે ત્રિકોણ કે ચોરસમાં જ રહી ને જિંદગી જીવીએ તો જીવવાની મજા કૈંક ઔર જ આવે. જો એ ચોરસ ને લંબચોરસ બનાવાની કોશિશ કરીએ તો કાં તો આપણી જિંદગી એની મથામણમાં જ પતી જાય, તેના કરતાં તો તે ચોરસમાં રહેલી જ જિંદગીને માણી લેવામાં મજા છે.

મારા એક અંગત મિત્ર સાથે ચર્ચા થતી હતી કે તે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમર સુધી બસ પૈસા કમાવા પર જ ધ્યાન આપશે, પછી આરામથી પૈસા વાપરીશ. પણ મેં તરત જ એને એક પ્રશ્ન પૂછ્યો કે શું તને તારું આયુષ્ય કેટલું છે તે તમે ખબર છે ? આજની જીવન શૈલીને જોતાં એવું માની શકાય કે અત્યારે ૩૦ વર્ષની ઉંમરનો વ્યક્તિ ૫૦ વર્ષની ઉંમરનો થશે ત્યારે અત્યારના ૬૦ વર્ષની ઉંમર ના માનવી જેટલી સ્ફૂર્તિ અને તાકાત તેનામાં નહિ હોય.

ઉપરોક્ત કાવ્ય ઉક્તિ એવું કહી જાય છે કે કુદરતે આપણને જે ચોરસ કે ત્રિકોણમાં મુક્યા છે તેમાં જ રહો. પણ અત્યારે દરેકને કૈંક વધારે જોઈએ છે. ‘Give Me More’ જેવી સ્થિતિ છે. દરેક માતા–પિતા પોતાના બાળકને દરેક બાબતમાં પાવરધા બનાવવા માથતા હોય છે. પણ તે એ નથી જોતા કે આવું કરવામાં બસ તેમનો પોતાનો અહં જ સંતોષાય છે, બાકી બાળકનું બાળપણ તો પૂરેપૂરું નષ્ટ થઈ જાય છે. અત્યારે બાળક માંડ ૨ વર્ષનું થાય ત્યાં તો તેને નર્સરીમાં મૂકી દેવામાં આવે છે, જે હજી તેની રમવાની ઉંમર હોય છે. હું જયારે સવારે અમારી સ્ટાફ બસમાં ઓફિસે જાઉં ત્યારે જ આવા નાના બાળકોને લેવા માટે સ્કૂલ બસો આંટા મારતી હોય છે. (આ સ્કૂલ બસ પણ એક નવો ધંધો બની ગયો છે સ્કૂલોવાળા માટે. સ્કૂલની ફીમાં સ્કૂલબસની ફીનો ઉમેરો ફરજિયાતપણે કરી દેવામાં આવે છે.) તે સ્કૂલ બસોના પીક-અપ સ્ટોપ પાસે માતા પોતાના નાના ભૂલકાંને બસ માં બેસાડવા ઊભી હોય છે. નર્સરી અથવા કે.જી.માં ભણતા બાળકોની બેગ પણ એટલી મોટી હોય કે તેના વજનથી જ તે વળી જાય. એ ઓછું હોય તેમ વળી દરેકની પાસે પાણી બોટલ અથવા વોટરબેગ તો હોય જ. પછી બસ આવે, તેને માતા બસમાં બેસાડે, ત્યારે બાળક માંને ટા–ટા–ટા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કહે. (આ તો એક સંસ્કાર છે) એટલે માં ને શાંતિ થાય કે હવે ૭ કલાકની શાંતિ અને બાળકને એમ થાય કે હવે આપણી જેલ શરૂ. સ્કુલમાં જાત જાતનું ભણવાનું, ના ગમે એ ખાવાનું.

વળી પાછા સાંજે એ જ પીકઅપ સ્થાને પાછા ઉતારવાનું. સવારે થઈ હતી તેનાથી ઊંધો એહસાસ થાય બંનેને – મમ્મીને અને બાળકને. ઘરે આવ્યા પછી તેનું હોમવર્ક પણ એટલું બધું હોય કે તે બીજી કોઈ રમત ગમત કે ગેમ્સ માટે પણ સમય ના કાઢી શકે. વેકેશન પડે ત્યારે પણ તેમને હાશકારો હોતો નથી. જેવું વેકેશન પડે કે તરત જ મા-બાપ પોતાના બાળકોને ઈતર પ્રવૃત્તિ જેવી કે ડાન્સ, સ્વીમીંગ, ડ્રોઈંગ, મ્યુઝીકના કોચિંગ કરાવવા મોકલી દે છે. આ ઉંમરે બાળકને તો ખબર નથી હોતી કે તે આ શું અને શાના માટે કરી રહ્યો છે પણ તેના મા-બાપને તો ખબર હોય છે જ. આવી જ આંધળી દોડમાં છોકરાઓની અમુક ઓઉટડોર રમતો લુપ્ત થઇ ગઈ છે…..જેવી કે લખોટી, છાપો, ગિલ્લડંડા, ભમરડા વગેરે. યુવાનોમાં પણ પૈસા કમાવવાની લાલસામાં આવી જ આંધળી દોડ મુકાય છે. દરેક યુવાન પોતાની પ્રોફેશનલ લાઈફ આગળ ધપાવવા એ હદ સુધી જાય છે કે તે પોતાનું કુટુંબ, સમાજ બધું જ પાછળ ભૂલી જાય છે. બસ બધાને ખુબ પૈસો કમાવો છે, વૈભવશાળી જીવન જીવન જીવવું છે, પણ મને એક સવાલ થાય કે જો અડધી જિંદગી પૈસા કમાવવામાં કાઢી નાખીએ તો પાછલી જિંદગીમાં પૈસા વાપરી શકાશે કે કેમ તેની શું ખાતરી ?

આ પ્રસંગે હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલીની વાત યાદ આવે છે. તેઓને વાર્ષિક આવક ૫ કરોડ ડોલર જેટલી હતી. ઉપરાંત તેમની પાસે ૨૫ કરોડ ડોલરના મૂલ્યની સોનાની પાટો હતી, ૨ અબજ ડોલરની કિંમતના હીરા હતાં. દુનિયાના સૌથી ધનિક લોકોમાં અવ્વલ ક્રમાંકે તે હતાં. પણ તે એકદમ કંજૂસ હતાં. તે સદાય જૂનું જળી ગયેલું ધોતિયું અને સદરો પહેરતાં. તેમને ગઝલો લખવાનો શોખ હતો, પરંતુ એ શોખ ખર્ચાળ સાબિત ના થાય તેની કાળજીરૂપે તેઓ મોંઘો કાગળ કદી વાપરતા નહિ. ઉલટું રદ્દીમાં નાખી દીધેલા નકામાં કાગળો મંગાવી કરકસર કરી લેતાં. તેમને અવનવી ગાડીઓનો શોખ હતો. તેમની પાસે દુનિયાભરની દરેક મોંઘી જાતની કુલ મળીને ૫૦૦થી વધારે ગાડીઓનો સંગ્રહ હતો. આમ છતાં તેઓ તેને વાપરવાનું ટાળતાં હતાં. રસપ્રદ વાત તો એ છે કે આ ગાડીઓ તેમને ખરીદેલી નહિ પરંતુ મેળવેલી હતી. (આમ તો મેળવેલી શબ્દ યોગ્ય ના કહેવાય પણ ઉઘરાવેલી કહી શકાય.) તેઓ જયારે સાંજે નગરયાત્રામાં જતાં ત્યારે બજારમાં કોઈ સારી ગાડી દેખાય તો શાહીદૂતો બીજા દિવસે ગાડીના માલિકને જણાવે કે નિઝામ તેમની ગાડીને સવારી કરવા ઈચ્છે છે, તેમ કહી લઇ આવે અને પછી તે હંમેશ માટે શાહી મહેલની શોભા બની જતી. તેમાંની એક ૧૯૧૧ ની રોલ્સ રોયસ સીલવરઘોસ્ટનું ઓડોમીટર ૧૯૪૭ માં એટલે કે ૩૬ વર્ષ પછી પણ માત્ર ૩૨૦ કીલોમીટર બતાવતું હતું.

આટલું ધન અને મિલકત એકઠી કર્યા પછી જયારે ભારત આઝાદ થયું ત્યારે સરદાર પટેલે જયારે રજવાડાઓના રાજ એકઠાં કરીને સંયુક્ત ભારત બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે પણ તેમને ઘણી આનાકાની કરી હતી. અને છેવટે તેમને વર્ષે ૫૦ લાખનું સલીયાનું બાંધી આપવામાં આવ્યું હતું. તે વર્ષો જતાં ઘટાડી ૨૦ લાખ કરી દેવામાં આવ્યું, જે તેમના પૌત્રને મળતું હતું. તેમાંથી તેમને મિલકતો નિભાવવાનો ખર્ચ કાઢવાનો હતો. પછી ઇન્દિરા ગાંધી વખતના શાસનમાં તો રાજાઓના સાલિયાણાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા અને જાત જાતના વેરા ઝીંકી દેવામાં આવ્યા, જેથી તેમના પૌત્રને દેવા કરીને વેરા ચુકવવા પડતાં હતાં. હાલ તેમના પૌત્ર ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છે. હાલમાં નિઝામે કંજુસાઈથી ભેગી કરેલી મિલકત તથા ધન તે ભોગવી શકતા નથી.

નિઝામની વાત કહેવાનું તાત્પર્ય ફક્ત એટલું જ હતું કે તમાંરી પાસે આજે જે છે તેને માણો. માટે જ ‘જીવનને ત્રિકોણ અને ચોરસમાંથી લંબચોરસ કરવાની મથામણ કરવાથી જીવનના વર્તુળમાં ફસાઈ જવાય છે. તેના કરતાં ચોરસના દરેક ખૂણે જિંદગીનો ભરપુર આનંદ લેવાથી જીવનની મજા કૈંક ઔર જ થઈ જાય છે.’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આખા લીમડામાં એક ડાળ મીઠી…. – ભવાનીદાસ જાદવજી વોરા
એડમિશન પાક્કું ? – આશિષ પી. રાવલ Next »   

8 પ્રતિભાવો : જીવનની ભૂમિતિ – સુશાંત ધામેચા

 1. Dinesh Sanandiya says:

  ખુબ જ સરસ લેખ

  નિચેથિ ત્રિજા ફકરામા ચોથિ લાઇનમા “નાખી દીધેલા નકામાં કાગળો” સુધારિ લેવા વિનંતિ

  • સુશાંત ધામેચા says:

   લેખ વાચવા બદલ તમારો ઘણો આભાર્…..

   સુચન બદલ ખુબ આભાર …

 2. Tejendra H. Gohil says:

  ખુબ સરસ લખાણ છે કલમ કસાયેલી હોય તેમ લાગે છે કદાચ જીવની કસાયા હોય તેમ લાગે છે.

  • સુશાંત says:

   તેજેન્દ્ર ભાઈ ( ટીકુ ભાઈ ) આ લખવાની પ્રેરણા તો તમારી પાસે થી જ મળી છે…..

 3. Anup Nair says:

  Very impressive column about life & current situation of Human being….

 4. […] Link Of Jivan Ni Bhumiti on Readgujarati.com […]

 5. Ravi Chauhan says:

  Very nice

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.