એડમિશન પાક્કું ? – આશિષ પી. રાવલ

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ આશિષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashish_raval26980@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

રોહિણીએ ફરી ઘડિયાળમાં સમય જોયો. ફરી સ્કુલના પાટિયા પર નજર કરી : ‘The vinus day care school’. શ્રુતિના એડમિશનનું આ વખતે તો પાક્કું જ કરી નાખવું છે, પણ શ્રુતિ કંઇ બગાડે નહિ તો સારું…. આમ બબડતા રોહિણીએ પોતાની સાડા ત્રણ વર્ષની પુત્રી શ્રુતિને ફરી સવાલ પૂછયો, ‘બેટા, બધી પોએમ બરાબર યાદ છે ને ? પપ્પાનું નામ, મમાનું નામ પુરું બોલવું, પેલી સ્ટોરી યાદ છે ને ? અને 1 થી 20ના સ્પેલીંગ ?’ શ્રુતિએ ફક્ત હકારમાં માથુ હલાવતાં કહ્યું : ‘મમા આપણે ઘરે ક્યારે જઇશુ ?’

‘બસ થોડી જ વારમાં જઇશું. જો તારો ઈન્ટરવ્યુ બરાબર જશે તો ચોકકસ તારી ફેવરિટ ચોકલેટ આપીશ.’ શ્રુતિની ધીરજ ટકતી નહોતી પણ દર વખતે મળતી આ ચોક્લેટની લાલચ તેને ટકાવી રાખતી…. ખબર નહીં મમ્મી ને શું થઇ ગયુ છે ? છેલ્લા બે-ત્રણ દિવસથી રોજ સવાર સાંજ કવિતા બોલાવે છે, સ્પેલિંગોનું રટણ કરાવે છે અને ફ્રિજમાં સંતાડેલી ચોકલેટ….

પણ શ્રુતિની હાલત ગમે તે હોય રોહિણી માટે આ દિવસ ખૂબ મહત્વનો હતો. પતિ સુરેશ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો. મોટા ભાગનો સ્ટાફ સાઉથ ઈન્ડીયન. કોઇ પણ પ્રસંગે જયારે ભેગા થાય ત્યારે દરેકની પત્ની ફાંકડું ઈંગ્લિશ બોલે અને પોતાને સતત ડર રહે મારે બોલવાનુ ના આવે તો સારું. પોતાના સંતાનો આ સ્કુલમાં ભણે છે તેવી વાત એટલા ગર્વથી કરે. સુરેશે તો કહી જ દીઘુ હતું કે ‘તું નોકરી નથી કરતી તો શ્રુતિ પાછળ મેહનત કર.’

એટલામાં પટાવાળોનો અવાજ આવ્યો ‘રોહિણી આચાર્ય, તમે અંદર જઇ શકો છો.’ રોહિણી શ્રુતિનો હાથ પકડી અંદર દાખલ થઈ. ડેસ્ક્ની સામે તરફ એક ખુબસુરત છોકરી બેઠી હતી જે એડમિશનને લગતી જવાબદારી સંભાળતી.
‘ફોર્મ તો બરાબર ભરાયું છે પણ અહીં શ્રુતિના ઈન્ટરેસ્ટનું કોલંબ ખાલી છે’.
‘શ્રુતિના ઈન્ટરેસ્ટમાં તો શ્રુતિને ઢીંગલીઓ સાથે રમવું, ફરવું ગમે છે….’ રોહિણીએ કહ્યું.
‘મિસિસ આચાર્ય, અમે આ વિષયો પર તો તમારા બાળકનું ડેવલોપમેન્ટ ના કરી શકીએ.’ રોહિણી મુંઝવણમાં મુકાઈ પણ ઉકેલ પણ સામેથી મળ્યો.
‘જુઓ દરેક બાળકને ડાન્સમાં તો ઈન્ટરેસ્ટ હોય જ છે અને એમ પણ અમારે ત્યાં ખાસ ડાન્સ એકેડમી ચાલે છે તો હું અહિયાં ડાન્સિંગ લખી નાખું છું, ઓકે ?’
‘બરાબર’ રોહિણીએ ફકત હકારમાં માથું હલાવ્યું.
‘હવે તમારા બાળકના એડમિશનનું તો અમારા પ્રિન્સિપાલના ઈન્ટરવ્યુ પછી જ નકકી થશે એ પહેલા હું અમારા ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ કલીયર કરી દઊં.’ ત્યારબાદ કેટલા પૈસા ચેકથી લેવા, કેટલા કેશથી લેવા અને ટ્રસ્ટને જોઇતું ડોનેશનની વિગતો રોહિણીને મળી.

અને હવે સમય આવ્યો શ્રુતિના ઈન્ટરવ્યુનો. શ્રુતિ સાથે રોહિણી એ.સી ચેમ્બરમાં દાખલ થઈ. આ વખતે ડેસ્કની સામે બેસનાર એક આઘેડ વયની, ચશ્માં અને ફેશનેબલ સાડીમાં સજજ મહિલા હતી જે આ સંસ્થાનુ આચાર્ય પદ શોભાવતી હતી. ફોર્મની ફરીથી એક વાર ચકાસણી થઈ, ખાસ કરીને ‘Monthly Income’ના ખાનાની.
‘ઓકે, મિસિસ આચાર્ય, શ્રુતિને કઈ પોએમ આવડે છે ?
‘શ્રુતિ બેટા, ‘જોહની જોહની’ સંભળાય તો ! અને શ્રુતિએ પોતાની ભાષામાં કવિતા ગાવાનું શરૂ કર્યું. શ્રુતિનું હા… હા… હા… પુરૂ થયું ના થયું ત્યાં સામેથી ફરી પ્રશ્ન પુછાયો.
‘આના સિવાય બીજી કોઈ પોએમ ?’ આચાર્ય બહેને કંટાળાથી પુછ્યું.
‘શ્રુતિ બેટા, ‘ટિવન્કલ ટિવન્કલ’ સંભળાય તો !’ રોહિણી પોતાની તૈયારી સાબિત કરવા માંગતી હતી. પણ શ્રુતિ ગાવાનું શરુ કરે તે પહેલા જ આચાર્ય બહેન બોલ્યા ‘રહેવા દો, બહેન બધા મા-બાપ આ જ તૈયાર કરાવે છે. હવે જુઓ અમારી સંસ્થાએ જાણીતા ચાઇલ્ડ સાઈકોલોજિસ્ટની મદદથી તમારા બાળની એબિલીટી તપાસવા એક સાઈકોલોજિકલ ટેસ્ટ તૈયાર કર્યો છે. આ વસ્તુ એકદમ મહત્વની છે તમારા બાળકનો આઈકયુ તપાસવા.’

આમ કહીને બહેને કેટલાક કાગળ, કેટલાક સાધનો બહાર કાઢયાં….જેમાં અંગ્રેજી મુળાક્ષરોના નાના-નાના કાડૅ હતા. જેને જોડીને કોઇપણ સ્પેલિંગ બનાવવાનુ શ્રુતિને કહેવામાં આવ્યું પણ શ્રુતિએ તો બધા કાડૅને ઉછાળવાનું અને તેની સાથે રમવાનુ શરૂ કર્યુ. રોહિણી ચિંતામાં આવી ગઇ. આવી કોઈ ટેસ્ટ હોઇ શકે તે માટે તેને કોઈ જ ખ્યાલ ન હતો, તો શ્રુતિ ને તો કયાંથી હોય ? પોતે મનોમન પોતાની જાતને કોસી ‘મારે પહેલાથી જ બીજા વાલીઓ પાસેથી આ બધું જાણી લેવા જેવુ હતું.’
‘શ્રુતિ તેની સાથે રમત ના કરશો…..’ આચાર્ય બહેને હુકમ કરી તે કાડૅ તેની પાસેથી પાછા લીધા અને પોતાની પાસે રહેલા ફોર્મમાં ‘પુઅર’ના ખાના આગળ ટીક કર્યુ. આમ એક પછી એક શ્રુતિની ટેસ્ટ લેવાતી ગઇ અને મોટે ભાગે ‘પુઅર’ના ખાના આગળ ટીક થતી ગઈ. બધી ટેસ્ટ પુરી થયા બાદ આચાર્ય બહેને એક ઊડોં નિઃશ્વાસ નાખ્યો…. ખુરશીમાં થોડા પાછા પડ્યા… પાર્કરનું ઢાંકણ બંધ કર્યું.
‘વેલ મિસિસ આચાર્ય, બધા ટેસ્ટ તમારી સામે જ થયા છે. શ્રુતિ ઇઝ ગુડ એન્ડ લવિંગ ચાઇલ્ડ પણ અમારા એડમીશન ક્રાઇટેરિયા સાથે મેચ નથી કરી શક્તી.’
‘એવું તમને લાગે છે બેન, પણ તેની યાદશકિત ખુબ સારી છે. બધું ઝડપથી શીખી લેશે…’ – રોહિણી આ એડમીશન ગમે તે રીતે પાકું કરવા માગતી હતી.
‘હા, બની શકે કદાચ થોડા એકસ્ટ્રા કલાસીસથી તે તૈયાર થઇ શકે. પણ તે માટે અલગથી ફી ચુકવવી પડે. અલબત હજી મારે મેનેજમેન્ટ સાથે વાત કરવી પડે.’
‘મેડમ, ફી નો કોઇ વાંધો નથી, અમે એડજસ્ટ કરી લઇશું’ રોહિણીએ તમામ તૈયારી બતાવી.
‘ઓ.કે. અમે તમને ઘરે ફોન કરી જણાવીશું.’ આચાર્ય બહેને હળવું સ્માઇલ કરતાં કહ્યું.

ઔપચારિકતા પતાવ્યા બાદ રોહિણી શ્રુતિને લઇ ઘરે જવા નીકળી પણ તેનું મન તો વિચારોમાં જ ભટકતું રહ્યું. માની મૂંઝવણ પારખી શ્રુતિ પણ ચૂપ રહી. અચાનક રોહિણીએ પોતાની એકટીવાની બ્રેક મારી. આ એ જ ગાર્ડન હતું જે શ્રુતિને મનપસંદ હતું.
‘ચાલો શ્રુતિ ગાડૅન માં જઇશું….’
અત્યાર સુધી શાંત રહેલી શ્રુતિમાં એક નવો જ વેગ આવ્યો. રોહિણી મોજાની જેમ ઊછળતી-કુદતી શ્રુતિને જોઇ રહી અને તેના મગજમાં ફરી ‘વિનસ સ્કુલ અને તેના આર્ચાય’ સામે તરી આવ્યા… અને રોહિણી મનોમન બોલી….. ‘મેડ્મ, તમારી શાળા મારી શ્રુતિના આનંદના ક્રાઇટેરિયા સાથે મેચ નથી થતી……!’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

22 thoughts on “એડમિશન પાક્કું ? – આશિષ પી. રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.