સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ – ડૉ. નિરંજન રાજ્યગુરુ

[ ભજન અને લોકસાહિત્યના ક્ષેત્રે ડૉ. નિરંજન રાજ્યગુરુનું નામ અજાણ્યું નથી. પ્રાચીન સાહિત્યનો અપરંપાર ભંડાર તેમની પાસે ભર્યો પડ્યો છે. ઘોઘાવદર પાસેના તેમના ‘આનંદ આશ્રમ’ની મુલાકાત એકવાર લેવા જેવી છે. વધુમાં, આ સંગ્રહનો ઘણો મોટો અંશ હવે તેમની વેબસાઈટ પર ઓનલાઈન માણી શકાય છે. તેમની વેબસાઈટનું નામ છે : http://ramsagar.org/ ‘સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ’ વિશેનો આ અભ્યાસલેખ રીડગુજરાતીને મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે satnirvanfoundation@gmail.com અથવા આ નંબર પર +91 9824371904 સંપર્ક કરી શકો છો.]

વાતડિયું વગતાળિયું‚ જણ જણ જૂજવિયું ; જેડા જેડા માનવી‚ એડી વાતડિયું.

અપરંપાર લોકવાર્તાઓ આપણા લોકસાહિત્યના દરિયામાં પાણીદાર મોતીડાંની જેમ ઝગમગે છે. ભાઈ ! આપણો કાઠિયાવાડ તો સંત-શૂરા ને સતિયુંની ભોમકા. આખા ભારતમાં સૌરાષ્ટ્રના લોકસાહિત્યનો જોટો જડે નૈ. વિષય ગણાવો તો ગણ્યા નૈ. ઢાળ‚ ઢંગ કે તાલે ય કેટલા ? લોકસંસ્કૃતિ ને લોકસાહિત્ય કાઠિયાવાડનું આગવું ધન. સંખ્યા ગણીએ તો બીજા કોઈ પ્રદેશમાં આટલું સાહિત્ય નહીં જડે.

પુરાણાકાળથી સૌરાષ્ટ્ર પ્રદેશ ધર્મ‚ ભક્તિ અને સાહિત્યની તીરથભૂમિકા તરીકે પુરાણગ્રંથોમાં વર્ણવતો આવ્યો છે. સોરઠ‚ હાલાર‚ ઝાલાવાડ‚ પાંચાળ‚ ગોહિલવાડ‚ ઘેડ‚ ગીર‚ નીઘેર‚ ઓખો બાબરિયાવાડ‚ બરડો‚ ભાલ ને વાળાક… એમ જુદે જુદે નામે વહેંચાયેલી આ ભૂમિમાં તમામ જાતિના લોકો બસ ‘કાઠિયાવાડી’ થઈને જીવે છે. એ ભાષા‚ રીતરિવાજો‚ પહેરવેશ‚ અલંકારો‚ રહેણી કહેણી‚ લોકમાન્યતાઓ‚ વિધવિધાનો અને પોતીકાં જાતિગત લક્ષણો ભલે નોખાં નોખાં હોય ; પણ ટાણું આવે તયેં સહુ એક થઈ જાય પછી ઈ ટાણું ઓચ્છવનું હોય કે સમરાંગણનું. મેળાનું હોય કે મિંઢોળબંધ્યા હાથે માભોમને સારૂ મોતને માંડવે મહાલવાનું હોય. ને ઈ બધાંય લક્ષણોની છાપ પડી છે લોકસાહિત્ય ઉપર‚ ધર્મ‚ સમાજ‚ ઈતિહાસ અને મનોરંજન આ ચાર તત્વો કાઠિયાવાડી લોકસાહિત્યમાં થોકે થોકે ઉભરાય છે. લોકગીતો‚ ગીતકથાઓ‚ લોકવાર્તાઓ‚ લોકનાટ્ય ભવાઈ‚ કહેવતો‚ ઉખાણાં અને જોડકણાં વગેરે પ્રકારોમાં આપણું લોકસાહિત્ય વહેંચાયેલું છે. એમાંથી આજ તો લેવો છે લોકવાર્તાનો પ્રકાર.

લોકહૈયામાં યુગોથી જળવાતી આવેલી લોકવાર્તાઓ કોઈ એક વ્યક્તિની રચેલી નથી. સમસ્ત લોકસમુદાયે સમસ્ત લોકસમુદાય સારુ રચેલી એ લોકોની વાર્તાઓ છે. એમાં માનવીનાં જુદાં જુદાં સંવેદનો‚ સુખ દુઃખ‚ ગરીબાઈ‚ વૈભવ‚ જ્ઞાન‚ દાન‚ ખટપટ‚ મનોરંજન‚ અજ્ઞાન‚ ભોળપણ‚ મૂર્ખાઇ કે ચતુરાઈની સાથોસાથ પ્રકૃતિનાં બધાંય તત્વો અગ્નિ આકાશ‚ તેજ‚ વાયુ‚ ધરતી ઝાડપાન‚ પશુપંખી‚ ડુંગરા‚ નદી‚ ધારૂં‚ મંદિર મેલાતું‚ વાવ કૂવા‚ તળાવને પાણિયારાં‚ ઝાડી ને જંગલ‚ દરિયો ને નાવડી અને ઘોડાં ને ઘમસાણ ચિતરાતાં આવ્યાં છે.

બાળકથા‚ પ્રેમકથા‚ વ્રતકથા‚ હાસ્યકથા કે ટૂચકા‚ કહેવત કે દ્રષ્ટાંતકથા‚ શૌર્યકથા કે વીરગાથા‚ અદભુતકથા‚ દંતકથા‚ શિકારકથા‚ સાહસકથા‚ સંતકથા‚ ભૂતકથા કે ચમત્કારોની કથાઓ એવાં જુદાં જુદાં નામે ઓળખાતી લોકવાર્તાઓ સૌરાષ્ટ્રને ગામડે ગામડે કહેવાતી આવી છે. એમાં ધર્મ‚ પુરાણ‚ ઈતિહાસ‚ નીતિ‚ કલ્પના‚ ચમત્કાર‚ રાજકારણ‚ ઉપદેશ ને મનોરંજન જેવાં તત્વો દેખાય છે. સાંજ પડે ને ફળિયામાં કે ઓસરીમાં ખાટલો ઢાળીને દાદાજી કે દાદીમા બેઠા હોય‚ ચારેકોર છોકરાંવ ટોળે વળ્યાં હોય ને વાર્તા મંડાય.

‘એક હતો ચકો ને એક હતી ચકી ચકો લાવ્યો ચોખાનો દાણો‚
ચકી લાવી મગનો દાણો એની રાંધી ખીચડી…’

છોકરાંવની ઉત્સુક્તા વધતી જાય. ને પછી છેલ્લે બોધ આવે ‘ચકો ક્યે કે મેં ખીચડી નથી ખાધી’ એટલે રાજાએ કીધું ‘એનું પેટ ચીરો’ ત્યાં તો ચકો માની ગયો. આમ ચોરી કરીને ખાધું હોય તો ખોટું બોલાય ? મનોરંજનની સાથોસાથ જીવતરની શિખામણો પણ આ રીતે વાર્તાઓ દ્વારા બાળકોને વડીલો પાસેથી પ્રાપ્ત થાય. આમ સમય ગાળવાનું‚ આનંદ મેળવવાનું ને ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનું સૌથી સુલભ‚ સર્વવ્યાપક ને સર્વભોગ્ય ઉત્તમ સાધન આપણી લોકવાર્તાઓ છે. આજે તો આપણે ત્યાં ડાયરાઓ અને રેડિયોને કારણે એવો અર્થ પ્રચલિત બન્યો છે કે કલાકારો દ્વારા કે ધંધાદારી વાર્તાકારો દ્વારા રેડિયો ઉપર અને ડાયરામાં રજૂ થતી‚ ઉપમા અને વર્ણન પ્રધાન વાર્તાઓ તે જ ‘લોકવાર્તા’. પણ એ સાચું નથી. લોકવાર્તાના અનેક સ્વરૂપો છે. અમુક ચોક્કસ જાતિ કોમ કે વર્ગના ધંધાદારી‚ કલાકાર વાર્તાકારો દ્વારા રજૂ થતી વાર્તાઓ સિવાય સમગ્ર લોકસમાજમાં જુદાજુદા ઘણા પ્રકારોની લોકવાર્તાઓ પણ કહેવાતી આવી છે. જેમ કે કેટલીક ‘વ્રતકથા’ જેવી વાર્તાઓ સ્ત્રીઓ દ્વારા જ કહેવામાં આવે છે. તો ટૂચકા‚ કહેવતકથાઓ‚ દંતકથાઓ‚ દ્રષ્ટાંતકથાઓ અને સંતકથાઓ જેવી વાર્તાઓ સમાજની કોઈપણ વ્યક્તિ દ્વારા રજૂ થતી હોય છે.

હજારો વર્ષથી આ લોકવાર્તાઓ લોકસમુદાયમાં પ્રચલિત બની રહી છે. દરેક પ્રકારના લોકોને એમાંથી પોતાને જોઈતાં જ્ઞાન અને મનોરંજન મળતાં રહ્યાં છે. આ વાર્તાઓ દ્વારા સમાજનું સતત ઘડતર થતું રહ્યું છે. પ્રાચીન સમયે ઋષિ-મુનિઓના આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્તાઓ અને દ્રષ્ટાંતકથાઓ દ્વારા જ્ઞાન અપાતું. ભગવાન બુદ્ધ પણ પોતાના શ્રમણોને દરરોજ સાંજે વાર્તા કહેતા અને એ દ્વારા ધર્મનું જ્ઞાન આપતા. આપણે ત્યાં જૈનધર્મમાં સાધુકવિઓએ પ્રચલિત લોકવાર્તાઓ ઉપરથી કાવ્યરચનાઓ કરીને પોતાના શિષ્યો અને અનુયાયીઓને જૈનધર્મના સિદ્ધાંતોની સમજ લોકભોગ્ય રીતે આપેલી. પંચતંત્રની વાર્તાઓ પણ એક રાજાના ઠોઠ અને અભિમાની રાજકુમારોને વિદ્યા આપવા માટે જ રચવામાં અને કહેવામાં આવેલી. એમાં પશુ-પક્ષીઓ તથા પ્રાણીઓનાં પાત્રો લઈને જીવનવ્યવહારનું શિક્ષણ અપાયું છે. જગતના તમામ દેશોમાં લોકવાર્તાઓ સર્જાઈ છે અને તેનું આદાન-પ્રદાન થતું રહ્યું છે.

આ વાર્તાઓમાં ચમત્કારો પણ આવે. પરીઓ‚ રાક્ષસો‚ ભૂત-પ્રેત- ચૂડેલ આવે. એનાથી બાળકોની રસવૃત્તિ ખીલે‚ સાહસવૃત્તિ વિકસે. દાદા કે દાદી દ્વારા કહેવાતી વાર્તા બાળક સાંભળે એનાથી બાળકનું શબ્દભંડોળ વધે. જીવનના વિવિધ પ્રસંગોનો વાર્તા દ્વારા અનુભવ થાય. માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધીના જીવનગાળા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો સાથે લોકવાર્તાઓ જોડાયેલી છે. બાળકથી માંડીને ડોસા-ડગરાં ને સાધુ-સંતથી માંડીને બહારવટિયા સુધીના તમામ જાતિ‚ કોમ કે ધર્મના માણસોને વાર્તા વિના ચાલ્યું નથી.

બધાંની કથનરીતિ જુદી જુદી હોય. પરંપરાગત સામાજિક કથનરીતિની વાર્તાઓ લઈએ ત્યારે એમાં દાદાજીની વાતો‚ દાદીમાની વાતો‚ બાળકથાઓ‚ સ્ત્રીઓની વ્રતકથાઓ‚ ટૂચકા‚ કહેવતકથાઓ વગેરે પ્રકારની વાર્તાઓ આવે. આ વાર્તાઓ ગદ્યમાં એટલે કે સામાન્ય બોલચાલની ભાષામાં રજૂ થતી હોય. ટૂંકા ટૂંકા સરળ લોકબોલીના વાક્યો ને ટૂંકા વર્ણનો એમાં આવે. બીજા પ્રકારની વાર્તાઓ તે ધંધાદારી વાર્તાકારો દ્વારા રજૂ થતી વાર્તાઓ. એમાં ચારણ‚ બારોટ‚ રાવળ‚ મીર‚ તૂરી‚ ઢાઢી‚ લંઘા જેવી જ્ઞાતિઓના કલાકારો દ્વારા ડાયરામાં વાર્તાઓ પણ કહેવામાં આવે છે. કોઈ કોઈ કલાકાર સિતાર‚ રવાજ‚ સુદરી કે રાવણહથ્થા જેવા તંતુવાદ્ય સાથે વાર્તા કરે.

આવી વાર્તાઓમાં વર્ણન બહોળા પ્રમાણમાં મળે. કોઈ પુરુષપાત્રનું વર્ણન કરવું હોય તો પગની મોજડિયુંથી માંડીને માથાની પાઘડી લગી નખશીલ વર્ણન કરવામાં આવે. જો ઘોડા ઉપર સવાર થયેલો અસવાર હોય તો ઘોડાનું વર્ણન‚ એના સાજનું વર્ણન ને ઘોડાના પ્રકારો વિશે પણ દુહા છંદ કવિતમાં વર્ણનો આવ્યા કરે.
વર્ષાઋતુનો સમય લોકવાર્તામાં વર્ણવવો હોય તો વાર્તાકાર વર્ણન કરે –

કોટે મોર કણુંકિયા‚ વાદળ ચમકી વીજ ;
રૂદાને રાણો સાંભર્યો‚ આવી અષાઢી બીજ.

અષાઢ મહિનો બેઠો છે. આકાશને માથે કાળાડિબાંગ વાદળ હુગડતુતી રમે છે. મેઘરાજાની ગડુડાટી સાંભળતાં ગળાની સાંકળના ત્રણ્ય ત્રણ્ય કટકા કરીને ધરતીના ઘણી મેવલિયાને આવકારો દેતા મોરલા ટેહૂ…ક ટેહૂ…કના મીઠા ટહુકારા કરે છે. આવી રત્યમાં !

અષાઢ ઘઘૂંબિય લુંબિય અંબર‚ વ્રદ્દળ બેવળ ચોવળિયાં ;
મહોલાર મહેલિય લાડ ગહેલિય‚નીર છલે ન મળે નળિયાં ;
ઈન્દ્ર ગાજ અગાજ કરે ધર ઉપર‚અંબ નયા સર ઊભરિયાં ;
અજમાલ નથુ તણ કુંવર આલણ‚સોય તણી રત સંભરિયાં…મું ને…

ને આમ વર્ણન આગળ ચાલે. કોક પાત્ર વાર્તામાં પ્રવેશ કરે ત્યારે એનું વર્ણન આ રીતે થાય – ‘કેવાં છે એનાં રૂપ ?’ જાડા માદરપટની ચોરણી‚ ઉપર કેડિયું‚ માથા ઉપર વાંભ એકનો ચોટલો‚ એની માથે સતારાવાળો રેશમી રૂમાલ બાંધ્યો છે. સુરમો આંજેલી મો…ટી પાણીદાર આંખ્યું‚ ગળામાં તુલસીના ગંઠાની માળા‚ હાથને કાંડે ઘુઘરિયું વાળી હાથીદાંતની ચૂડિયું‚ દાઢીના થોભિયાં‚ મૂછ્યુંના કાતરા‚ પગે ઘૂઘરા બાંધ્યા છે‚ ખોળામાં રૂપકડી મોરના પીંછવાળી સિતારને હળવે હાથે મેંદી રંગ્યાં આંગળિયુંના ટેરવાં સિતારને તારે તારે ફરી રિયાં છે રણઝણ… રણઝણ…જેવું પાત્ર એવું વર્ણન થાય. સુંદર નારીનું વર્ણન કરવું હોય ત્યારે –

આંખડી લાલ ચણોઠડી‚ જેના હિંગોળ જેવા હાથ ;
પંડયે બનાવ્યું પૂતળું ; જે દી’ નવરો દિનોનાથ.

લોકવાર્તાનાં આ વર્ણનોમાં નાદવૈભવ પણ સાંભળવા જેવો હોય.

‘ધ્રીબાંગ.. ધ્રીબાંગ… ધ્રીબાંગ… રણીબંમ… રણીબંમ… રણીબંમ… તરઘાયો ઢોલ વાગ્યો‚ થડક…ઉથડક…થડક…ઉથડક… ડાકલાંના પડની જેમ શુરવીરની છાતી ઊછળવા માંડી. અંગને માંથેથી છપ્પન કરોડ રૂવાડાં ચડ…ચડ…બેઠા થઈ ગયા‚ કેરીની ફાડ્ય જેવી આંખ્યું લાલબંબોળ થઈ ગઈ‚ પાડાની જીભ જેવી કટારી અને લીલા ચાહટિયામાં મૂકી હોય તો પંખીડાં પાણીનો રેલો સમજી ચાંચ બોળે એવી ઝગારા મારતી તરવાર્ય લઈને ઘોડીને માથે પલાણ માંડ્યાં ત્યાં તો બગા… કઝમ્ કરતી ઘોડીએ છલાંગ મારી… આંખનો પલકારો પડે ત્યાં તો સીમાડો વળોટી ગઈ. કોઈ લોકવાર્તાકાર ડાયરાનું વર્ણન કરતો હોય ત્યારે..

એવો હકડે ઠઠ ડાયરો જામ્યો તો… એની માથે થાળીનો ઘા ર્ક્યો હોય તો ઠણ ઠણ ઠણાંક કરતી સહુના માથાં ઉપરથી ઠેબા દેતી સોંસરવી નીકળી જાય. ખહરક ઘુંટાંક… ખહરક ઘુંટાંક… કહુંબા ઘોળાઈ રહ્યા છે. સર…ડ…સર…ડ…સ…ર…ડ…ગુડડ…ડ…ડાયરા વચાળે હોકા રાસડા લઈ રહ્યા છે. છાલીયા જેવી હથેળીમાં કહુંબો ડેકાં દઈ રિયો છે… સૂરજ મહારાજને નામે‚ ચંદર મહારાજને નામે‚ એક બીજાના ગળાના સમ દઈ દઈને કહુંબા લેવાય છે. એક…બે…ને ત્રીજી એમ ત્રણ અંજળીનો સ…ડાક… દેતો કે ઠાકોરે કહુંબો લીધો ત્યાં તો આખ્યું ધોમ…મ…ચક થૈ ગે…બાવન કરોડ રૂંવાડા સટાંક દેતાંક અવળા થૈ ગયા.

યુદ્ધના મેદાનનું વર્ણન આમ થાય. સમંદરના પેટાળમાંથી જેમ દાવાનળ ફાટયો હોય એમ હુડુડુડુડુ… સૈન્ય ઉભરાણું છે‚ ઝાકાઝીક… ઝાકાઝીક… તલવારોના તાળિયુ પડવા મંડી… અઢાર અઢાર હાથ લાંબીયું તોપું ત્રણ ત્રણ ગાઉમાંથે પલ્લા ઝાટકતી વે…રી ખાંઉં વેરી… ખાંઉં… વેરી ખાંઉ…વેરી ખાંઉ… કરતાં ધણ…ણ…ણ… ધરતી ધુજાવતી હુસાકા લેવા મંડી‚ સુબાના હાથી માથે ઠાકોરે ઘોડાને કુદાવ્યો‚ ને બગાકજમ કરતો ગયો… નગારે ઘાવ દેતાં રે… ડીબંબ રે… ડીબંબ… નો નાદ મંડ્યો ગાજવાદ્યને તરત જ… સાંઢડી સવાર ઉપડ્યો ડ…ણ…ણ…ણ ડમરી ઉડાડતો.

ઘોડાની ચાલના ઘણાં પ્રકારો તથા ચાલને પણ નાદ દ્વારા કથક આબેહુબ પ્રગટ કરી શકે. રૂમઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા…‚ ધમાધમા…‚ તબડાક્… તબડાક્… તબડાક્‚ ને બાગડદા… બાગડદા… બાગડદા… પેગડે પગ મૂકીને ઘોડી પલાણવાની ક્રિયાને કથક ખાલી પાંચ જ અક્ષરમાં સાદ્રશ્ય કરે. બગાક્.. જમ… કરતાંક ઘોડી પલાણી‚ને પલાણતાં તો ઘોડી ઉડી સડડડડડડડડડ ખેપટ ઉડાડતી. ધંધાદારી વાર્તાકારોની આવી વાર્તાઓ વાદ્ય સાથે કે વાદ્ય વિના‚ માત્ર ગદ્યમાં કે વચ્ચે વચ્ચે દુહા છંદ કવિત વગેરે કાવ્યોની ગૂંથણી સાથે રજૂ કરવામાં આવે છે. ક્યારેક તો એક વાર્તાની વચ્ચે બીજી અનેક નાની નાની વાર્તાઓ ટૂચકાઓ આવતાં જાય. ધારી અસર ઉત્પન્ન કરવા અને રસ જમાવવા દ્રષ્ટાંતરૂપે આડકથાઓ આવતી જાય ને કુશળતાપૂર્વક પાછા શ્રોતાઓને મૂળ વાર્તામાં લઈ જાય. આ પ્રકારની શૈલી સભારંજની શૈલી અને સંગીત એ ત્રણે તત્વોનો સમન્વય સાધીને લોકવાર્તાનો કથક લોકોને મંત્રમુગ્ધ કરી શકે.

લોકવાર્તાનો આ દરબારી ઠાઠદારી પ્રકાર. એમાં પ્રેમ‚ શૌર્ય‚ ભક્તિ‚ સૌદર્ય‚ આદરઆતિથ્ય ને ખાનદાની જેવાં તત્વો ધરાવતી દુહા-બદ્ધ લોકવાર્તાઓ આવે. તો ભવાઈ સમયે ભવાઈના વેશો રજૂ કરતાં પહેંલાં ‘બેસણા’ વખતે તરગાળા જાતિના કલાકારો દ્વારા રજૂ થતી ભવાઈ શૈલીનો પણ એમ પ્રકાર સૌરાષ્ટ્રની લોકવાર્તાસૃષ્ટિમાં મળે છે. એ વાર્તાઓમાં રાત્રે જે વેશ ભજવવાનો હોય એનું કથાનક મોટેભાગે રજૂ થાય.

માણભટૃ કે કથાકાર બ્રાહ્મણ દ્વારા રજૂ થતી આખ્યાનશૈલીની લોકવાર્તાઓ પણ સૌરાષ્ટ્રમાં વિશે પ્રચલિત છે. શિવ પાર્વતી‚ કૃષ્ણ અને રાધા‚ રામ અને સીતા‚ ગણપતિ તથા અન્ય દેવ દેવીઓ વિશે પુરાણના પ્રસંગોમાંથી વાર તહેવારે કથાકાર વાર્તા માંડે. વચ્ચે વચ્ચે ભાલણ‚ પ્રેમાનંદ વગેરેનાં આખ્યાનોની અમુક કડીઓ ગાતો જાય. ધોળ‚ કીર્તન‚ પદની સાથોસાથ આવી વાર્તાઓ ચાલે. એ સિવાય કેટલીક ભાંડ‚ વહીવંચા‚ નાગમગા‚ ભરથરી‚ નાયક અને બહુરૂપી જેવી જાતિઓની વિશિષ કથનરીતિ ધરાવતી લોકવાર્તાઓ પણ આપણે ત્યાં સચવાતી રહી છે.

[પ્રકારો વિશેની વિચારણા]
લોકવાર્તાના પ્રકારો પ્રકારો વિષે ગુજરાતમાં ખાસ કાર્ય થયું જણાતું નથી‚ આમ છતાં ભિન્ન ભિન્ન લેખકોએ એના ઉપર વિચારણાઓ કરી જ છે‚ શ્રી ઝવેરચંદ મેઘાણી‚ જયમલ્લ પરમાર‚ પુષ્કર ચંરદવાકર અને જોરાવરસિંહ જાદવ દ્વારા થયેલા વર્ગીકરણો વિભાગીકરણો ઉપરાંત જે કેટલાક વિચારકોએ લોકવાર્તા વિશે પોતાના મંતવ્યો આપ્યાં છે તે સંક્ષેપમાં જોઈએ તો – શ્રી શંભુપ્રસાદ દેસાઈના મત પ્રમાણે (૧) પંચતંત્રના પ્રકારની વાર્તાઓ‚ (ર) ગ્રામીણદ્રષ્ટિએ રાજારાણીના નિરીક્ષણની કથા‚ (૩) પ્રેમકથાઓ‚ (૪) પૌરાણિક પાત્રોની કથાઓ‚ (પ) સ્થાનિક વીર પુરૂષોની કથાઓ‚ (૬) ગામધણીઓની કથાઓ‚ (૭) સંતકથાઓ‚ (૮) જાતિકથાઓ‚ (૯) શૌર્યકથા‚ (૧૦) કુટુંબ જીવનની કથાઓ‚ (૧૧) હાસ્યાત્મક પરાક્રમોની કથાઓ‚ (૧ર) ચોર કથાઓ‚ (૧૩) ભૂત-પ્રેતની વાર્તાઓ‚ (૧૪) ચમત્કારો‚ (૧પ) સેવાભાવની વાર્તાઓ વગેરે ગણાવી શકાય. જ્યારે શ્રી મેઘરાજ મુળુભા ગઢવી (૧) ચારણી શૈલીની વાર્તાઓ (ર) સિતારપર રજુ થતી લાંબા લહેકાવાળી બારોટ‚ ઢાઢી‚ મીર વગેરેની રાવળી શૈલીની કથાઓ‚ તેમજ (૩) રાવણહથ્થા કે સુંદરી નામક તંતુવાદ્ય સાથે રજૂ થતી હરિજન બારોટોની કથાઓ એમ ત્રણ વિભાગ કરે છે. શ્રી રતુદાન રોહડિયાના મંતવ્ય અનુસાર (૧) ઐતિહાસિક‚ (ર) સામાજિક‚ (૩) ધાર્મિક‚ (૪) ભૂતકથા‚ (પ) પ્રાણીકથા‚ (૬) બાળકથા‚ (૭) વૃદ્ધકથા‚ (૮) કહેવત કથા‚ (૯) ઓઠાં અથવા તો દ્રષ્ટાંત કથા એમ વિભાગો કરે છે. શ્રી મોજીદાન ગઢવી દાદીમાની વાર્તા‚ વ્યવસાયી વાર્તાકારો જેવાં કે માણભટૃ‚ તરગાળા‚ નાયક‚ તૂરી‚ બારોટ‚ સાધુ સંતો‚ વહીવંચા‚ ભાંડભવાયા‚ ભરથરી વગેરેની વાર્તાઓ એમ વિભાગો કરે છે જે માત્ર વાર્તાકારોના નામોનો જ ખ્યાલ આપે છે.

[લક્ષણો]
લોકવાર્તાનાં લક્ષણો વિષે વાર્તાકારોમાં ભિન્ન ભિન્ન અને વિચિત્ર માન્યતાઓ જોવા મળે છે. ‘જીવનનાં પ્રસંગો ઉપરથી કે બનેલા પ્રસંગને કાલ્પનિક રંગોથી રંગી વાર્તા રજુ કરવામાં આવે છે.’ એમ માનતા શ્રી શંભુપ્રસાદ દેસાઈના મત અનુસાર લોકવાર્તામાં લાંબાં વર્ણનો નથી‚ મંતવ્યો નથી‚ વિચારોની પરંપરા નથી પરંતુ પાત્રોને સીધે સીધાં કુદરતી રીતે વાત કરતાં કે આચરણ કરતાં દર્શાવવામાં આવે છે. એનું આમુખ આવરણ કે કાવ્યપંક્તિવાળું નથી પણ સીધી વાર્તા શરૂ થાય છે. એમાં વીર‚ શૃંગાર‚ કરૂણ‚ હાસ્ય વગેરે રસો હોય છે. શ્રી રતુદાન રોહડિયા લોકકથાના મુખ્ય લક્ષણ તરીકે સાદાઈને ગણાવે છે. અને રહસ્યને બદલે રસને પ્રથમ સ્થાન આપે છે‚ એમાંનું મનોરંજન બોધદાયક હોય છે.

[મોઢિયું અને માંડણી]
લોકવાર્તાના પ્રારંભને કથકો મોઢિયું કહે છે‚ આ મોઢિયું તે આમુખ કે પ્રારંભ. તેમાં શ્રોતાઓને કથાનો પરિચય આપવામાં આવે છે. જે પ્રદેશની‚ જે જાતિની‚ કે જે વ્યક્તિની વાર્તા હોય તેનો સંક્ષિપ્ત પરિચય અપાયા પછી વાર્તા આગળ ચાલે છે. શ્રી લક્ષ્મણ ગઢવીના મતે લોકવાર્તાનું મોઢિયું એટલે લોકવાર્તાનું મંડાણ કરવું – થડો બાંધવો એમ કહી શકાય. શ્રી રતુદાન રોહડિયા મોઢિયું અને માંડણીમાં રહેલા વૈવિધ્યને ઉદાહરણ સાથે બતાવે છે કે દ્રષ્ટાંતકથામાં સાધુ પ્રથમ લાંબો ઉપદેશ આપી મોઢિયું શરૂ કરશે અને પછી ‘એક નગરમાં એક વાણીયો હતો’ એમ કહીને વાર્તા શરૂ કરશે. પછી એની પરિસ્થિતિ દર્શાવતું મોઢિયું મુકશે. તો કોઈ ચારણ વાર્તાકાર દૂહાથી પ્રારંભ કરી ‘ઢસાના રામ ખાચરને એક દી’ નિંદર વેરણ થઈ’ એવા આકર્ષક પ્રારંભથી પ્રસંગની ઝડપી માંડણી કરશે. શ્રી મોજીદાન ગઢવીના મત અનુસાર વાર્તાકાર શરૂઆતમાં સામાન્ય વાતચીત ઉપરથી સમય‚ સંયોગો અને પરિસ્થિતિનું થોડું વર્ણન કરી વાર્તાની માંડણી કરે છે. અને તરતજ મોઢિયું એટલે કે જે પ્રસંગની વાર્તા હોય તેનું રૂપ બાંધે છે. શ્રી શંભુપ્રસાદ દેસાઈના મત અનુસાર માંડણીમાં કોઈપણ પ્રકારની ઔપચારિક્તા વિના વાર્તા સીધે સીધી માંડવામાં આવે છે તેને માંડણી કહે છે. તો શ્રી લક્ષ્મણ ગઢવી અને મોઢિયું એટલે મંડાણ અને માંડણી એટલે પાયો એમ ભેદ દર્શાવે છે.

[વર્ણન]
લોકવાર્તામાં વર્ણનો ખૂબ આવશ્યક તત્વ છે. કુદરતનાં કે ઋતુનાં લાંબા વર્ણનોને લોકવાર્તામાં સ્થાન નથી પણ ચારણ કવિઓ એમની વાર્તાઓમાં આવાં વર્ણનો કરે છે એમ જણાવી શ્રી શંભુ પ્રસાદ દેસાઈ નોંધે છે. કે વ્યક્તિના‚ ગામનાં કે કોઈપણ વર્ણનો સપ્રમાણ અને સંક્ષિપ્ત હોવાં જોઈએ. એ વર્ણનો ઘણીવાર કાવ્યમાં પણ હોઈ શકે. શ્રી મુળુભા ગઢવી એને જરા જુદી રીતે નોંધે છે‚ કે ભોજન કરતાં શાક ન વધવું જોઈએ‚ એટલે કે વાર્તા અને એને અનુરૂપ વર્ણનો હોવાં જોઈએ. લંબાણ યોગ્ય હોવું જોઈએ. આ વર્ણનો ગદ્ય અને પદ્ય બન્નેમાં હોય‚ વાર્તાના કલેવરને એનાથી કોઈ ક્ષતિ ન પહોંચે તે જોવું જરૂરનું છે.

[રસ]
લોકવાર્તામાં બધા જ રસોનું નિરૂપણ થતું હોય છે. તમામ રસોની વાર્તાઓ લોકપ્રચલિત છે. આ રસના આલેખન વખતે ક્યા રસનો ક્યો રસ મિત્ર કે શત્રુ કે તેનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે. એમ નોંધતાં શ્રી મેઘરાજ મુળુભા શૃંગારરસના બિભત્સ‚ કરૂણ‚ ભયાનક તથા શાંત રસને શત્રુ ગણાવે છે‚ તો હાસ્ય તેનો મિત્ર છે. જ્યારે હાસ્યનો બિભત્સ મિત્ર છે અને ભયાનક શત્રુ છે. કરૂણ અને રૌદ્ર મિત્ર છે. જ્યારે એમનો શત્રુ હાસ્ય છે. રૌદ્ર અને ભયાનક પરસ્પર શત્રુ છે‚ તો વીર એમનો મિત્ર છે. જ્યારે શાંત અને કરૂણ એ વીરના શત્રુ છે. તો અદભૂત એનો મિત્ર છે. રસોના મિત્ર કે શત્રુના ભેદને ખ્યાલમાં રાખીને જો વાર્તાકાર રસનું આલેખન કરે તો એ જામી શકે છે. કેટલાક એને શત્રુ અને મિત્ર ને પણ બદલે મુખ્ય અને ગૌણ રસની સૃષ્ટિ ઊભી કરીને બીજા રસોને સ્થાન આપી રસની પુષ્ટિ કરતા હોય છે.

[સૌરાષ્ટ્રમાં લોકવાર્તા કથકો]
લોકવાર્તાના કથકો તરીકે ભિન્ન ભિન્ન જાતિઓ અને વર્ણોના સ્ત્રી-પુરૂષોને ગણાવી શકાય. બ્રાહ્મણો અને સાધુઓ‚ કાઠીઓ અને ચારણો‚ મીર‚ ઢાઢી‚ લંઘાઓ‚ રાવળ‚ બારોટો‚ રબારી ભરવાડ કે સામાન્ય જન સમાજના લોકો દરેક પોતપોતાની રીતે વાર્તા કહેતા જ હોય છે. સૌરાષ્ટ્રમાં આવા કેટલાયે વાર્તાકારો થઈ ગયા જેમાં શ્રી મેઘાણંદ ખેંગાર ગઢવી‚ પિંગળશીભાઈ ગઢવી‚ રાવળ જેઠ સુર દેવ‚ બારોટ કાનજી ભૂટા‚ ઉનાના બ્રાહ્મણ ઓધવ ભાઈ‚ બગથળાના કાલિદાસ મહારાજ‚ વલ્લભીપુર પાસેના પછેગામના મીર નાનુ ફંદા‚ બગસરાના દરબાર શ્રી વાજસુરવાળા‚ ભાવનગરના રાજકવિ શ્રી પિંગળશી પાતાભાઈ નરેલા‚ વાગના રાજકવિ શ્રી ઠારણભાઈ ગઢવી‚ સનાળીના ગગુભાઈ લીલા‚ બોરાણાના ખીમરાજભાઈ‚ લીંબડીના શંકરદાન દેથા‚ પોરબંદરના રાજકવિશ્રી યશકરણજી રતનુ. શ્રી કરણીદાન લીલા‚ ભક્ત કવિ દુલા ભાયા કાગ‚ ભાવનગરના બળદેવભાઈ નરેલા‚ સાયલાના પ્રેમજી ડાયા બારોટ‚ સોરઠના માણેકવાડા ગામના ગઢવી શ્રી નાગભાઈ ખળેલ‚ બોટાદ પાસેના વેજલકા ગામના શ્રી વીરાબાઈ‚ વઢવાણના શ્રી બચુભાઈ ગઢવી‚ સચાણાના શ્રી ઝબરદાન બારહઠુ‚ ભોગતના હરદાસભાઈ રૂણાવાય‚ મોરબીના રાવળ દેવરાજ દેવ – બડેલાના શ્રી ભોટભાઈ રતનુ – અધેળીના ભીમભાઈ રતનુ – જાંબડીના કવિ કરણ દાન – સરીના – દાદાભાઈ મીશણ અને સાણથલીના દરબાર શ્રી પુંજાવાળા‚ સુરેન્દ્રનગરના શ્રી બાપલભાઈ ગઢવી‚ સીતાપુરના મનુભાઈ ગઢવી વગેરે ગુજરાતના ખ્યાતનામ વાર્તાકારો ગણાયા છે.

[લોકવાર્તામાં કથન શૈલી]
કથકના હાવ ભાવ અને સ્વરોના આરોહ-અવરોહને કારણે લોકવાર્તાની જમાવટ થાય છે. આવી જમાવટ કે રસ વાંચનમાંથી નિષ્પન્ન થતાં નથી. વળી સમૂહ માટે લોકવાર્તાનું કથન જ આકર્ષણ રૂપ બને છે‚ કથક તેમાં વૈવિધ્ય લાવી શકે છે. આજે જે વાર્તા કરી હોય તે જ વાર્તા કાલે નવે રૂપે રજુ કરી શકાય છે. આ કારણે જ લોકવાર્તામાં કથનને પ્રાધાન્ય હોય છે. ભાટ બારોટ વગેરેની કથન શૈલી જુદી જુદી છે. ગદ્ય પણ ગાતાં ગાતાં સંભળાવવાની શૈલી આપણી લોકવાર્તામાં છે. માણ દોકડ સાથે તથા કેટલાક તંતુવાદ્યથી વાર્તાકથન બહેલાવે છે. અભિનય પણ આ વાર્તા કથનમાં અગત્યનો ભાગ ભજવે છે. વાર્તામાં આવતા પાત્રો કે પશુઓની બોલીની જેમ બોલવું‚ પાત્રોની ખાસિયત ધ્યાનમાં રાખીને તે પ્રમાણે વાર્તા કહેવી એ બધાં કથનશૈલીનો ભિન્ન ભિન્ન નમુનાઓ ગણાય. લોકવાર્તામાં ઘણીવખત વાર્તાકાર દુહા સોરઠા કે અન્ય છંદોનો ઉપયોગ કરે છે. વીર પુરૂષની વાર્તા હોયતો વિરહને ઉચિત દુહા કે છંદ મુકીને ધારી અસર ઉપજાવે છે. વિષયને અનુરૂપ દુહાઓ‚ વિષયને સારી રીતે આકર્ષક અને લોકપ્રિય બનાવે છે. સામાન્ય રીતે ચારણ કથાકારો એને વિશેષ રીતે ઉપયોગમાં લે છે. દુહા‚ છપ્પય‚ કવિત‚ છપાખરાંને લોકવાર્તાના સ્થંભ તરીકે ઓળખાવે છે. પરંતુ એનું પ્રમાણ વિશેષ ન થઈ જાય અને દુહા છંદની જ ભરમાર ન રહે એ જોવું જરૂરી છે. ભાવ અને રસની પુષ્ટિ અર્થે પાત્રોના પ્રાકૃત્તિક વર્ણન પ્રસંગે શારીરિક શક્તિ કે રૂપ બતાવવા આવા દુહા છંદ વગેરેનો ઉપયોગ થતો જોવાય છે‚ કુશળ કથાકાર ભિન્ન ભિન્ન પ્રસંગો એ રસ‚ ભાવ‚ પ્રસંગ કે પાત્રને અનુકુળ પ્રયોગો કરીને એને આવકાર દાયક બનાવી શકે છે. એક યોદ્ધાનું વર્ણન કરવું હોય ત્યારે તે જે ઘોડા ઉપર સવાર થયો છે તે ઘોડો કેવો હતો‚ અથવા તેના હાથમાં હથિયાર હતું તે કેવું હતું‚ તેનું વર્ણન આવે‚ એટલું જ નહીં પણ અન્ય પ્રકારના ઘોડાઓ કે હથિયારોનું પણ વર્ણન આવે અને તે વર્ણનો ઘણીવાર કાવ્યમય હોય ઉદાહરણ‚ સામ્ય‚ ઉપમા આપતાં કથાકાર ઘણીવાર દુહા સોરઠા કે છંદોનો પણ તેમાં ઉપયોગ કરે. ઘણીવાર તો સૌરાષ્ટ્રના કોઈ વીરપુરૂષની વાર્તા હોય તો તેમાં રાણા પ્રતાપના દુહા કે શિવાજીના કવિત પણ મૂકી દે. દુહા કે છંદ વગર રસ ન જામે તેથી ધારી અસર ઉત્પન્ન કરવા‚ નીતિના‚ શિખામણના‚ કોઈ વિરલ પ્રસંગના કે એવા વાર્તાના મુખ્ય વસ્તુને સંબંધ નથી તેવા વિષયના છંદ કે દુહાઓ પણ મૂકે. વાર્તામાં કરૂણતા કે ગંભીરતા પ્રધાન થતી હોય તો વિનોદ કે હાસ્યમાં આડીવાત દ્રષ્ટાંત રૂપે કહી તેવા ટૂચકાઓ કે ઉપાખ્યાનો પણ યોજે. પણ તેમ કરવા જતાં કથા કહેનારા વાર્તાની મુખ્ય વસ્તુને વીસરી જતા નથી. દુહા છંદ કે ટુચકાનું સ્થાન ગૌણ હોય છે‚ અને જે વિષયાંતર કરી શ્રોતાઓને એક રસમાંથી બીજી રસમાં લઈ જાય તે પછી યોગ્ય સમયે મુખ્ય વસ્તુનો દોર પકડી લે છે અને કુશળતા પૂર્વક શ્રોતાઓને પાછા મુખ્ય વાર્તામાં ઓત-પ્રોત કરી દે છે. ગ્રામીણ વાર્તાઓ‚ બાલવાર્તાઓ જેમ સાડી સીધી રીતે શરૂ થાય છે તેમ ચારણ કવિઓ આરંભે કોઈ દુહો છંદ કે કાવ્ય પંક્તિ ગાય છે. આવી લોકવાર્તાઓ મુખ્યત્વે લોકોને સાંભળવી ગમે તેવી સભારંજીત હોય છે. પરંતુ તેમાં કોઈપણ સૌગુણ‚ કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કે વિરલ સિદ્ધિ અને તે પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો ઉપર વિશેષ ઝોક આપવામાં આવે છે. લોકવાર્તાઓ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રચાર માટેનું ઉત્તમ સાધન છે‚ તેમાં હમેશા કઈં ને કઈં ઉપદેશ સમાયેલો હોય છે. કોઈ ને કોઈ શિખામણ કે માર્ગદર્શન આપવામાં આવેલું હોય છે‚ તેમાં હંમેશાં સત્યનો‚ નીતિનો અને ધર્મનો જય હોય છે‚ માનવતાનો પાશવતા ઉપર વિજય દર્શાવાય છે અને કાયર કે ભીરૂની નિંદા હોય છે.

લોકવાર્તાના સ્વરૂપ‚ પ્રકારો‚ લક્ષણો વિશે વિગતે જાણવા ઈચ્છનારે શ્રી ઝવેરચંદ મેઘાણી‚ જયમલ્લ પરમાર‚ પુષ્કર ચંદરવાકર‚ જોરાવરસિંહ જાદવ‚ કનુભાઈ જાની અને હસુ યાજ્ઞિકના આ વિષયના ગ્રંથો તથા અભ્યાસલેખો અનિવાર્યપણે વાંચવા જ જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ – ડૉ. નિરંજન રાજ્યગુરુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.