આમની આમ વાતો – કામિની સંઘવી

[ રીડગુજરાતીને આ રમૂજી લેખ મોકલવા બદલ કામિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaminiparikh25@yahoo.in સંપર્ક કરી શકો છો.]

હિન્દીમાં કેરીને આમ કહેવાય છે પણ કેરીની વાત કરવી તે કોઈ આમ બાબત નથી. હમણાં તો દેશમાં જે શાબ્દિક યુધ્ધ ચાલે છે તે જોઈને એમ થાય કે આમ વાત કરવામાં જ મજા છે. કારણ કે જો આમ કી બાત મેં રસ હે વો કોન બનેગા પી.એમ. વો બાત મેં નહીં હે. કારણ કે આપણાં માટે તો લુંટારા ગયા અને પીંઢારા આવ્યા તેવો જ ઘાટ છે. જોકે કેરી માટે આ વર્ષે વધારે પૈસા ખરચવા પડે તેમ છે. પણ કહેવાય કે પેસા હાથનો મેલ છે તો ભલે થોડો મેલ ઓછો થાય. કારણ કે પૈસા તો આજે છે અને કાલે નહીં હોય પણ પરમદિવસે હોય પણ ખરાં જ્યારે કેરી તો આજે જ છે કાલે તો કાંતો હશે જ નહીં અને પરમ દિવસે તો ઈલ્લે ઈલ્લે. તે ઠેઠ આવતા વર્ષે વાત. હવે આપણે ગાઈએ છીએ આજનો લ્હાવો લિજીએ જી કાલ કોણે દીઠી છે. તો કેરી વાત તો કરવી જ પડે ને ! ભલે આમના ભાવ આમ ના હોય. આમ પણ હવે ઈન્ડિયામાં આમ ભાવ કોઈ વસ્તુના રહ્યા જ નથી ને! તો પછી આમ પણ શું કામ આમ રહે…હેં !

હિન્દુસ્તાનના સમ્રાટ શાયર મિરઝા ગાલીબને કેરી ખૂબ પસંદ હતી. એકવાર તેઓ કેરીની મજા માણી રહ્યા હતા અને બાજુમાં ગધેડા ચરતા હતા. ત્યાં તેમના સાથી શાયર મીર તકી મીર આવ્યા. ગાલીબને કેરી ખાતા જોઈ મીરે મજાક કરી, ‘જોયું ગધેડાં પણ કેરી ખાતા નથી.’ ત્યારે ગાલીબે જવાબ આપ્યો, ‘હા, ગધેડાં જ કેરી ન ખાય.’ કોઈ કહે કે મને કેરી ભાવતી નથી. બસ ત્યારે ગાલીબ જેવો જવાબ આપવાનું મને ત્યારે મન થાય. આમ તો દરેકને જન્મજાત સ્વાદેન્દ્રિય મળી હોય છે પણ કોઈ ચાંપલા સ્વરે કહે, ‘મને કેરી નથી ભાવતી.’ ત્યારે ચોક્કસ ને ચોક્કસ શંકા જાય કે ભગવાને આ ડિફ્કટીવ પીસ બનાવ્યો છે. પછી આપણે આગ્રહ કરીએ કે લો કેરીનો રસ ખાવ. બહુ મીઠો છે તો બીજું બહાનું તૈયાર હોય,’ યુનો મને ડાયાબિટીસ બોર્ડર પર આવ્યો છે એટલે હું ગળ્યું ખાતો નથી.“ ત્યારે આપણને યાદ આવે આ ભાઈ કે બહેન પંદર દિવસ પહેલાં આપણાં ઘરે આવ્યા ત્યારે તો શ્રીખંડના ત્રણ વાટકા ઝાપટી ગયા હતા. ત્યારે ડાયાબિટિસને ઘરે મુકીને આવ્યા હતા ? ખેર આમ પણ આમ માણસ ઉદાર પ્રકૃતિ ધરાવે છે એટલે જલદીથી ભૂલી જાય છે કે કાલે કોણે શું કહ્યું હતુ કે કર્યુ હતું. ખેર આપણે તો આમની વાત કરતા હતા. આમ એટલે કે કેરીની હજાર થી પણ વધારે જાત છે. પણ આપણને તો ગણ્યા ગાંઠ્યા નામ જ આવડે છે.

જેમ કે હાફૂસ, કેસર, રાજાપુરી, લંગડો, સફેદો, મલગુબા, પાયરી, કરંજ, દાડમ, બદામ, સિંદૂરિયો, વગેરે વગેરે. બસ આપણાં આવા અજ્ઞાનને કારણે આપણે બહુ રસથી કહીએ મને તો ભાઈ હાફૂસ કે કેસર જ ભાવે. ત્યારે શાહબુદિન રાઠોડ કહે તેમ કહેવાનું મન થાય કે ભાઈ કે બહેન તું તો ભડદાં ખાઈને મોટી થઈ છે અને ફિશીયારી શું મારે છે ! પણ મને તો ભાઈ હાફૂસ કે કેસર જ ભાવે યુ નો આવું બોલો તો તમારો વટ પડે. લોકો અહોભાવથી તાકી રહે તેવું તે માનતા હોય છે. પણ કહીકતમાં બીજી કેરીના નામ જ ન સાંભળ્યા હોય પછી શું કરે? આવડે તો બોલે ને ! પોતાનું અજ્ઞાન પ્રદર્શિત ન થાય તે કારણસર જ તેઓ તેવી ડંફાસ મારતા હોય છે. હું માનું છું કે જેમ દરેક ફૂલની રંગ રૂપ સુગંધ અલગ તેમ દરેક કેરીના રંગ, રૂપ અને સુગંધની સાથે સાથે રસ પણ અલગ. આમ હાફૂસ અને કેસર સિવાય બીજી આમ ન ખાઈને જે ગુમાવવાનું છે તે ન આમ ખાનારને જ છે.. મોગલ રાજા બાબર માટે કહેવાતું કે તેને હિન્દુસ્તાનની મધ મીઠી કેરી ખાધા પછી પણ ઈરાનના તરબૂચ યાદ આવતા. તેમાં વતન પ્રેમ કરતાં મને તો ખાખરાની ખીસકોલી સાકરનો શું સ્વાદ જાણે તેવી જ બૂ આવે છે.

કેરી સિવાય કોઈ એવું ફળ નથી જેને માણસ કાચું લાવી અને ઘરે પકાવીને ખાતા હોય. હજુ સિઝનની શરૂઆત જ હોય અને બજારમાં આછી આછી કેરી દેખાતી હોય ત્યારે આમ આદમી તો તેનો ભાવ સાંભળીને જ બેભાન થઈ જાય. પણ કેરી લલચાવે તો ખૂબ. એટલે પેલા કે પેલી કેરી વાળા પાસે જઈને એક બે હાથમાં લઈ સૂંઘે. પછી ભાવ પૂછે. ભાવ સાંભળી પરાણે ચહેરો હસતો રાખે. ભલે હ્ક્કો બક્કો થઈ ગયો હોય. અઠંગ જાણકારની જેમ નકારમાં માથું હલાવે, ‘ઉંહુ, ખાટી સુગંધ આવે છે, મને નથી લાગતું કે આ પાકશે.’ હવે કાચી કેરીની સુગંધ ખાટી ન હોય તો મીઠી હોય ? વાયડો થયા વિના સીધી રીતે કહી દેને કે ભાવ પોસાય તેમ નથી ? ઘણાં કેરી રસ બહુ રસ થી ખાતા હોય. એકદમ ચિવટપૂર્વક. ક્યાંય કોઈ આમરસના છાંટણા ન થાય તેનું ધ્યાન રાખે. મારાં તમારાં જેવાને માત્ર આમરસમાં રસ હોય એટલે એકાદ બે છાંટણાં કવચિત ડ્રેસ પર છંટાય પણ ખરા. તે ચીવટીયા કે ચોખલીયા લોકો મારાં તમારાં જેવા ના કપડાં પર આમરસના અભિષેકની રંગોળી જોઈ મોં બગાડે. આટલી મોટી થઈ તો પણ કેરી ખાતા પણ નથી આવડતી? ત્યારે હું કહું છું કે હું તમારી જેવી ચોરપટ્ટી નથી કે કેરી ખાઈને કોઈને કહું પણ નહીં. હવે દસ જણને ખબર પડે કે તમે કેરી ખાધી છે. તો કેરી ખાધાનો આનંદ બેવડાઈ કે નહીં ?

આજે ફયુઝનનો જમાનો છે એટલે લોકો માત્ર કેરીના રસ કે ટુકડા થી સંતોષ માનવાને બદલે ફયુઝન બનાવી લોકો આપણી કન્ફયુઝન વધારે છે. જેમ કે મેંગો ક્રીમ, રાઈપ મેંગો સેલડ, મેંગો મિલ્ક, મેંગો મુસ, મેંગો ફઝ,મેંગો ડ્રીંક વગેરે. વગેરે. આ બધું ટેસ્ટ કર્યા પછી એમ જ થાય કે સીધે સીધી આમ ખાવામાં જે મજા છે તે આમને ખાસ બનાવીને ખાવામાં નથી. ઘણાં શોખીન સુરતીઓ તો પાકી કેરીના ભજીયા પણ બનાવી ટેસથી ખાય. હવે કેરીના તે કાંઈ ભજીયા હોય ? પણ યુનો આ યુગ સમથિંગ ડિફરન્ટનો છે. ભલે પછી આ ડિફરન્ટથી લોકો ડિફરન્ટ થઈ જાય કે કન્ફયુઝ થઈ જાય. બસ મારું પણ કહેવું જે છે જ કેરી ને કેરી જ રહેવા દો. મને ભજીયા બનાવીને ખાવાનું નહીં ફાવે.

પહેલાંના સમયમાં લોકો રસથી રસ ખાતા. એક બે વાટકા તો હિસાબમાં ન હોય. હવે આ તો ડાએટ ફૂડનો જમાનો. તે એક વાટકી રસ ખાય ને કહે ના હો હવે હું નહીં ખાવ. બહુ હેવી પડે ને ! હું ડાએટિંગ કરું છે….તારી ભલી થાય. કેરી ખાતર લોકો ખાતર પાડતા અચકાતા નથી અને તું શું ડાએટિંગ ડાએટિંગ કરે છે ? પણ આવું કહી શકાતુ નથી. કારણ આજકાલ આપણે બહુ સેન્સેટિવ થઈ ગયા છીએ. રામને રામ અને રહીમ ને રહીમ કહીએ તો પણ ઈસ્યુ બની જાય છે. અસલ પાકી કેરી ની જેમ. જરાક વરસાદ પડ્યો કે કેરીમાં જીવાત પડી જ ગઈ સમજો. આપણે પણ કાચી કેરીની જેમ થોડા મજબૂત થવાની જરૂર છે જે ઝાડ પર થી પડે તો જરાક ટોચાય તેટલું જ પણ ફેંફી દેવી નથી પડતી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ
શિક્ષિત સસલું – કર્દમ ર. મોદી Next »   

13 પ્રતિભાવો : આમની આમ વાતો – કામિની સંઘવી

 1. Upendra says:

  સરસ ૧૦/૧૦

 2. Mamtora Raxa says:

  કેરી જેવા વિષય ઉપર ખૂબ રમુજી અને સરસ લેખ.

 3. Kalidas V. Patel { Vagosana } says:

  કામિનીબેન,
  હાસ્યલેખ મજાનો રહ્યો. આનંદ થયો. … પરંતુ … જોડણીની, વ્યાકરણની, એક જ શબ્દની અલગ અલગ જગાએ જુદી જુદી જોડણીની વગેરે અસંખ્ય ભૂલો દુઃખી કરી ગઈ. વળી, ” ચોરપટ્ટી ” જેવો ગુજરાતી શબ્દ-પ્રયોગ કોઈ શબ્દકોશમાં નથી!
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  • kamini sanghavi says:

   વ્યાકરણની ભૂલો માટે સોરી. મારું વ્યાકરણ તો કાચું છે તેથી લેખ લખીને જોડણી સુધારવાની ચોકસાઈ રાખી નહીં તે એક ભૂલ કરી અને તે બાબતે સંપાદકને કહેવાનું ભૂલી ગઈ તે બીજી ભૂલ. ખેર હવે અત્યારથી જ મૃગેશભાઈને વિનંતી કે હવે પછી મારો કોઈ લેખ છાપો તો પ્લીઝ જોડણી સુધારીને છાપ જો. લેખ આપ સર્વેને ગમ્યો તે માટે આભાર..

   • kalpana desai says:

    ટેબલ પર શબ્દકોશ સૌથી આસાન રસ્તો છે.

   • હેમંત સંઘવી says:

    કામિની બેન,

    તમો વ્યાકરણ માટે સોરી કહો છો તે તમારી ઉદારતા દર્શાવે છે. બાકી આજ નાં જમાનામાં અને એમાંય ઈંટરનેટ પર ગુજરાતી લખવા વાળા અને વાંચવા વાળા કેટલા?.

    અલબત અર્થનો અનર્થ થાય તેવી ભૂલો ને ભૂલો ગણી શકાય. બાકી તો સામાન્ય ભૂલોને વાંચકો એ અવગણવી જોઈએ જો આપણે ગુજરાતી લખનાર ને પ્રોત્સાહિત કરવા માંગતા હોઈએ તો.

    All the Best and keep it up.

 4. બી.એમ.છુછર says:

  વ્યાકરણની ભુલો અવગણીએ તો આમનો આ લેખ આમ નથી.

 5. sandhya Bhat says:

  કેરી વિશેનો કામિનીબેનનો લેખ કેરીના સ્વાદ જેવો સ-રસ…જુદી જુદી રુતુમાં વૈવિધ્યપૂર્ણ રસ પીરસતા રહો….

 6. Narendra Masrani says:

  Enjoyed reading your article. You have written something new.
  Forget the grammatical and other errors since the readers
  are able to understand the meaning what you want to say it’s fine.

  Congratulations for selecting unusual subject.

  Kudos.

  Narendra Masrani
  Mumbai
  Mobile No.098201 38943

 7. હું પોતે એક હિન્દી વિવેચક લેખક પણ ફક્ત સામાજિક નિંદા કરું છું અને અત્યારે હું ગુજરાતી શીખવાના પ્રયત્ન માં છુ અને આ લેખ બહુ જ સરસ, કારણ મારી શૈલી નો હતો.
  ખુબ ખુબ શુભેચ્છાઓ
  કરન નિમ્બાર્ક

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.