ભાગ્યવિધાતા – મનસુખ કલાર

[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ શ્રી મનસુખભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427411600 સંપર્ક કરી શકો છો.]

અરુણ છાપું લઈને ખુરશીમાં ગોઠવાયો, બીજા પાને ફોટા સાથે સમાચાર ચમક્યા હતા, ‘વોર્ડ નં ૩ ના નગરસેવક અરુણ ચૌહાણનું રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે વિશેષ સમ્માન’ અરુણ અખબારનાં આ સમાચાર રસપૂર્વક અને ધ્યાનથી વાંચવા માંડ્યો, “૨૬મી જાન્યુઆરીના અનુસંધાને જીલ્લા મથકે થયેલા ધ્વજવંદન અને રંગારંગ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રીએ અપક્ષ નગરસેવક અરુણ ચૌહાણનું વિશેષ સમ્માન કર્યું, શિક્ષણના ક્ષેત્રમાં એક નવા જ અને અદભુત વિચારને મૂર્તિમંત કરનાર, ગરીબમાં ગરીબ બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ, તેમજ લોકહિતના સેવાકાર્ય કરવા બદલ અરુણ ચોહાણનું સમ્માન કરવામાં આવ્યું.” અરુણે છાપામાંથી નજર ફેરવીને બારી બહાર આકાશ તરફ જોયું, સુરજ ધીમે ધીમે ખીલી રહ્યો હતો, આગળ વધી રહ્યો હતો, “આ સફળતા પણ આમ જ આગળ….” અરુણ મનમાં જ બબડ્યો.

રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે અરુણનું સમ્માન થવાનું છે, તે વાત તો થોડા દિવસો પહેલા જ જાહેર થઇ ગઈ હતી, ત્યારથી જ અરુણ પર અભિનંદનની વર્ષા ચાલુ હતી, કુટુંબ, મિત્રમંડળ, જ્ઞાતિજનો વગેરેની વાહ વાહી અને અભિનંદનથી અરુણ નખશીખ ભીંજાઈ ગયો. અરુણે અખબાર સંકેલીને બાજુમાં મુક્યું, આંખો બંધ કરી, માથું ખુરશીના ટેકા પર ઢાળ્યું, એક ઊંડો શ્વાસ લીધો, તેનું મન જાણે વીતેલા સમયને પકડવા દોડ્યું….
ત્યારે તો ક્યાં કોઈ અરુણને ઓળખતું હતું ! કપરો સમય હતો અરુણ માટે ! ઘરમાં સદાય આર્થિક ખેંચ રહેતી હતી. નિવૃત પિતા, વૃદ્ધ માતા, પત્ની અને એક નાની બેબી એમ કુલ પાંચ જણાંનું પૂરું કરવાનું પણ અઘરું હતું. અરુણની વકીલાત પણ ક્યાં બરોબર ચાલતી હતી ! બીજી કોઈ માલમિલકત તો હતી નહિ, અરુણના પપ્પાના પેન્શનની મદદથી જેમતેમ કરીને ઘર ચાલતું હતું. બાકી તે એકલો ક્યાં ઘર ચલાવવા સક્ષમ હતો ! પત્ની સમજદાર હતી તે એક દિલાસો હતો. અરુણ હતાશામાં ગરકાવ થઇ ગયો હતો.

અરુણની આ હતાશામાં એક ખુશીનું ઝરણું વહેતું હતું, નામ હતું ખુશી, અરુણની વહાલીસોય પુત્રી. જો કે અરુણની પત્ની છાયા ગર્ભવતી હતી ત્યારે અરુણને પુત્રની જ ખેવના હતી, અને જયારે ખુશીનો જન્મ થયો ત્યારે અરુણને મનમાં ઊંડે ઊંડે ખુચેલું. પણ સમય જતા આ ખુશી આખા ઘરની ખુશી બની ગયેલી. અરુણ માટે તો ખુશી જાણે કાળજાનો કટકો, અરુણ ખુશીને જોઈ ને પોતાની બધી હતાશા ભૂલી જતો. આ ખુશી જોતા જોતામાં ત્રણ વર્ષની થઇ ગઈ. અને તેને લોઅર કે. જી. માં મુકવામાં આવી. અરુણ મોંધીઘાટ અંગ્રેજી સ્કૂલનો ખર્ચો ઉપાડી શકે તેમ ન હતો, તેથી જ તો પોતે જે પછાત વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારમાં જ આવેલી એક સામાન્ય સ્કુલ કે જેમાં મોટેભાગે ગરીબ અને પછાત વર્ગોના બાળકો અભ્યાસ કરતા, એ સ્કુલમાં ખુશીનું એડમિશન કરાવેલું. પણ આ વાતને કારણે અરુણને પોતાની જાત ઉપર ખુબજ ગુસ્સો આવેલો. પોતાની વહાલીસોય પુત્રીને સારી સ્કુલમાં બેસાડી નહિ શકવાનો રંજ અરુણને હદયમાં ડંખતો રહેતો. પોતે જીંદગીમાં કશુ કરી શક્યો નહિ, ન પોતાના માંબાપ માટે કે નાં પોતાની પત્ની અને બાળકી માટે, આવી કંગાળ જેવી સ્થિતિ માટે અરુણ પોતાની જાતને દોશી માનતો અને પોતાની જાત સાથે સતત નારાજ રહેતો.

પોતાની પુત્રી ભલે સારી સ્કુલમાં અભ્યાસ ન કરી શકે, પરંતુ જો તે હોશિયાર હશે તો ચોક્કસ પોતાનું ભવિષ્ય સુધારી શકશે, અભ્યાસમાં જો ખુશીનો પાયો મજબુત બને તો એ ભણવામાં તેજસ્વી બને. આટલું તો એ પોતાની પુત્રી માટે ચોક્કસ કરી શકે તેમ હતો. આ એક માત્ર વિચારથી અરુણે ખુશીને ઘરે ભણાવવાનું ચાલુ કર્યું, નિયમિત ચાલુ કર્યું.

આ બધા સંઘર્ષમાં બે વર્ષ પસાર થઇ ગયા. અરુણની પરિસ્થિતિમાં બહુ ઝાઝો ફરક તો ન આવ્યો, પણ રોજેરોજ ખુશીને ઘરે ભણાવવાથી પરિણામ એ આવ્યું કે ખુશી ખુબજ હોશિયાર બની ગઈ, ટીચરોની સૌથી માનીતી ખુશી આગળના વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરતા પણ સવાઈ સાબિત થવા લાગી. નબળા વિદ્યાર્થીઓને ટીચરો ખુશી પાસે બેસાડતા, અને ખુશી રાજીખુશીથી તેઓને શીખવતી. તેથી જ તો ખુશી આખી સ્કુલમાં બધાની લાડલી અને માનીતી બની ગઈ હતી. ખુશીના આ ઘડતરમાં તેની મમ્મી અને દાદીની સંસ્કારી શિખામણો પણ સામેલ હતી. અરુણ આ ખુશીને જોઈને મનમાં ને મનમાં પોરશાતો. પોતાની રણ જેવી જિંદગીમાં ખુશી જાણે મીઠી છાયડી હતી.

એક દિવસ સાંજે અરુણ ખુશીને ભણાવતો હતો ત્યારે નાનકડી ખુશીએ પ્રશ્ન કર્યો ‘પપ્પા તમારી પાસે કેટલા પૈસા છે ?’ અરુણને આશ્ચર્ય થયું ‘બેટા એવું કેમ પૂછે છે ?’, ખુશીએ જવાબ આપ્યો ‘પપ્પા મારી ખાસ બેનપણી અંજલી ફાટેલો ડ્રેસ પહેરીને સ્કુલે આવે છે, એના મમ્મી પપ્પા પાસે નવો ડ્રેસ લેવાના પૈસા નથી, ચિરાગ ટુટેલું ચેક રબ્બર વાપરે છે ને નકુલનું દફતર સાવ કોથળા જેવું થઇ ગયું છે.’ અરુણ પરિસ્થિતિ પામી ગયો, ગર્વથી નિર્દોષ ખુશી સામે ઘડીભર જોઈ રહ્યો ને પછી કહ્યું, ‘બેટા આપણી પાસે વધારે પૈસા હોત તો આપણે ચોક્કસ તેઓને મદદ કરીએ પણ તને ખબર છે આપણે એ સ્થિતિમાં નથી’. નાનકડી ખુશી કશા વિચારમાં ડૂબી ગઈ ને પછી અરુણને પૂછ્યું ‘પપ્પા પૈસા કેવી રીતે આવે ?’ અરુણે ખુશીના માથે હાથ ફેરવતા કહ્યું ‘બેટા શિક્ષણથી, આપણે ખુબ ભણીએ, હોશિયાર થઈએ તો ઘણાબધા પૈસા આવે’. ‘પપ્પા એ બધાને તો હજી કંઈ બરોબર આવડતું’ય નથી, પપ્પા તમે એ બધાને ભણાવોને ! હેં પપ્પા પ્લીઝ, તમે ભણાવશો તો એ બધા મારી જેમ હોશિયાર થઇ જશે.’ નાનકડી ખુશીએ અજાણતા બહુ મોટી વાત કહી દીધી. ‘હેં, હા સારું, આપણે પછી કંઈક ગોઠવીશું, અત્યારે તું જા તારું ટ્યુશન પૂરું.’

ખુશીની માંગણીનો તત્કાલ કોઈ જવાબ ન મળતા અરુણે તેને તેની મમ્મી પાસે રવાના કરી દીધી. અરુણ ત્યાં જ બેસી રહ્યો ‘માત્ર પાંચ છ વર્ષની ખુશી કેટલી સમજદાર, લાગણીશીલ અને નિર્દોષ છે !’ ખુશીનું આવું ઘડતર કરવા બદલ અરુણે પોતાની પત્ની અને માતાનો મનોમન ધન્યવાદ માન્યો. પછી અરુણના મનમાં ખુશીની માંગણી ગોળ ગોળ ઘુમવા માંડી. ‘હું શિક્ષિત છું તેથી ખુશીને ઘરે ભણાવી શકું છું પણ એવા બાળકોનું શું કે જેના માતાપિતા અભણ છે, ગરીબ અને લાચાર વાલીઓ કે જેઓ પોતાના પરિવારનો પેટનો ખાડો પુરવામાં માટે આખો દિવસ કાળી મજુરી કરે છે. ગરીબ માતાપિતા કે જેઓ પોતાના ઘરનું માંડ માંડ પૂરું કરી શકતા હોય એ બાળકો માટે ટ્યુશનના પૈસા ક્યાંથી કાઢે ? આવા વાલીઓ ગરીબી અને ભુખ વેઠીને પણ પોતાના બાળકોની સ્કુલની ફી ભરે છે, બાળકોના અભ્યાસ અર્થે બીજા અનેક ખર્ચાઓ કરે છે એક માત્ર એ આશાએ કે પોતાના બાળકો જો હોશિયાર થાય તો તેઓને અમારી જેવી મજુરી ન કરવી પડે, પણ માતાપિતાના આવા મોંઘેરા સ્વપ્નને હકીકતનું સ્વરૂપ આપવા કોણ તસ્દી લે છે ? આજની મોટાભાગની સ્કુલોને તો માત્ર પોતાની ફી અને વિદ્યાર્થીઓની સંખ્યા સાથે જ મતલબ હોય છે.

અરે સમાજમાં આવા તો ન જાણે કેટ કેટલાય ગરીબ અને લાચાર વાલીઓ હશે, તેઓના બાળકોના ભવિષ્યનું શું ? નાજુક કુમળા છોડ જેવા નિર્દોષ બાળકોને શિક્ષણ રૂપી માવજત નહિ મળે તો આવા કુમળા છોડ કરમાઈ જશે અને કદાચ એક આખી પેઢી હતાશા અને નિરાશાની ગર્તામાં ધકેલાઈ જશે. ‘નાં નાં આવું ન થવું જોઈએ’ અરુણ મનમાં ચિલ્લાઈ ઉઠ્યો, “એ બાળકોને હું ભણાવીશ, શક્ય હશે એ તમામ મદદ હું એ બાળકોને કરીશ, સમાજ પ્રત્યે મારી પણ કંઈક ફરજ છે હું મારું ઋણ ચૂકવીશ, જરૂર ચૂકવીશ“ મનમાં દ્રઢ સંકલ્પ કરીને અરુણ ઉઠ્યો, જાણે એક નવો જ અરુણ ઉઠ્યો.

અરુણે ઘરમાં પોતાની ઈચ્છા જાહેર કરી “ હું ગરીબ બાળકોને મફત ભણાવીશ, તેઓને ટ્યુશન આપીશ” સૌથી પહેલી પ્રતિક્રિયા ખુશીએ જ આપી, દોડીને અરુણને ઉમળકાથી બાજી પડી ને કહ્યું “થેન્ક્યુ પપ્પા, પણ કે.જી ના બાળકોને હું ભણાવીશ, હો પપ્પા”. પત્ની અને માતા તરફથી સસ્મિત પરવાનગી મળી ગઈ. પિતા તરફથી અભિનંદન મળ્યા “ખુબજ ઉમદા કાર્ય છે દીકરા,જરૂરથી આં સેવાકાર્ય કર, તારા આ સુંદર વિચાર બદલ તને અભિનંદન. “આ અભિનંદનનો હક્કદાર હું નથી પણ ખુશી છે આ આખો વિચાર ખુશીનો જ છે” અરુણે સાચી વાત કહી દીધી. જવાબમાં દાદાએ ખુશીને તેડીને કહ્યું ‘વાહ બેટા શાબાશ ખુબ સરસ’. અરુણે ખુશીને કહી દીધું ‘ બેટા કાલે તારી સ્કુલમાં બધાને કહી દેજે જેને ટયુશનમાં આવવું હોય તે આવી શકે છે.’

થોડા દિવસોમાં જ ચાર પાંચ બાળકો સાથે અરુણના સેવાયજ્ઞનો આરંભ થયો, અરુણે પોતાના ઘરમાં જ સાંજના સમયે ટ્યુશન ચાલુ કર્યા, ધીમે ધીમે વાત ફેલાઈ ગઈ ‘વકીલ સાહેબ મફતમાં બાળકોને ભણાવે છે’ જોતજોતામાં તો અરુણના વિદ્યાર્થીઓની સંખ્યા ખાસ્સ્સી વધવા માંડી, સાથે અરુણની અગવડો પણ,. અરુણ જયારે માત્ર ખુશીને ભણાવતો ત્યારે તો પોતાના અનુકુળ સમયે ભણાવી લેતો, પરંતુ હવે અરુણને નિયત સમયે ગમેતેવું કામ છોડીને પણ ઘરે હાજર થવું પડતું. ટ્યુશનના નાનામોટા ખર્ચાઓનો ભાર પણ અરુણના ખિસ્સા પર પડવા લાગ્યો. પોતાના નાના રૂમમાં બાળકોને સમાવવાનો પ્રશ્ન પણ ઉભો થયો. વધતી જતી બાળકોની સંખ્યા, અલગ અલગ ધોરણોમાં ભણતા બાળકોને એકીસાથે ભણાવવામાં મુશ્કેલીઓ ઉભી થવા માંડી, અરુણને ક્યારેક ઉડતી વાતો પણ સાંભળવા મળતી ‘વકીલ શરૂઆતમાં બધા બાળકોને થોડો સમય મફતમાં ભણાવશે પછી ફી ચાલુ કરી દેશે, બધા કમાવવાના ધંધા છે ભાઈ ધંધા’. જો કે અરુણે આવી વાતો પર ધ્યાન ન દીધું, ચુપચાપ પૂરી લગન અને ખંતથી પોતાના કાર્યમાં લાગી ગયો.

અરુણે બાળકોમાં અભ્યાસની સાથે શિસ્ત અને સંસ્કારનું સિંચન પણ ચાલુ કર્યું, સારા કાર્યની સુવાસ આપમેળે ફેલાઈ એમ અરુણના આ કાર્યની સુવાસ પણ ફેલાવવા લાગી. પરિશ્રમ પરિણામ લાવે છે, અરુણને આ કાર્યમાં પાડોશીઓનો સાથ સહકાર મળવા લાગ્યો. થોડા યુવાનો અરુણના આ કાર્ય તરફ આકર્ષાયા તેઓ બાળકોને ભણાવવામાં અરુણની મદદ કરવા લાગ્યા. થોડે દુર આવેલા મંદિરનો સત્સંગ હોલ ક્લાસરૂમ તરીકે ખોલી આપવામાં આવ્યો, ખાનગી અનુદાનો પણ મળવા લાગ્યા, યુવાનો અને બીજા માણસોની મદદ, વ્યવસ્થિત દેખરેખ, આયોજન, આકરી મહેનત અને એનાથી પણ વધારે ‘કશું કરી છુટવાની ભાવના’ આ બધાના સંગમથી અરુણનો શિક્ષણયજ્ઞ સોળે કળાએ ખીલ્યો. અરુણે પ્રગટાવેલો દીવો ધીમેધીમે મશાલ થવા માંડ્યો. ‘અરુણસર’ ના વિદ્યાર્થીઓ હોશિયાર અને ચતુર થવા માંડ્યા. ગરીબ અને નિર્ધન માતાપિતાના મનમાં હરખ ઉભર્યો, એ હરખ આશિષ બનીને અરુણ પર વરસ્યા. અરુણ પોતાના કાર્યથી આજુબાજુના વિસ્તારમાં અત્યંત લોકપ્રિય થઇ ગયો. અરુણ પાંચમાં પૂછાવા લાગ્યો, હજુ થોડા વર્ષો પહેલા અરુણને કોઈ ઓળખતું નહિ, આજે લોકો સારાનરસા કામોમાં અરુણને આગળ રાખવા માંડ્યા. અરુણની આવી નામના વધવાથી તેની વકીલાત પણ દોડવા લાગી. અરુણના સારા કાર્યનો બદલો વાળવો હોય એમ સ્થાનિક ચૂંટણીમાં લોકોએ અરુણની ના હોવા છતાં અરુણને ધરાર ઉભો રાખ્યો અને ચૂંટી પણ કાઢ્યો. જવાબદારી આવતા અરુણે પણ લોકહિતના કાર્યો નિસ્વાર્થ ભાવે કરીને લોકોના વિશ્વાસને ન્યાય આપવા લાગ્યો. અરુણના આ સેવાકાર્ય અને તેની લોકપ્રિયતાની નોંધ શાસકપક્ષે પણ લેવી પડી.

અરુણને ટુંકા ગાળામાં ઘણુંબધું મળી ગયું, અરુણ મનોમન વિચારવા લાગ્યો
‘હું તો માત્ર ખુશીનો પાયો મજબુત કરવા માંગતો હતો, પણ આ નાનકડી ખુશીએ તો મારી જીન્દગીની ભવ્ય ઈમારત જોતજોતામ ઉભી કરી દીધી’.
“પપ્પા” ખુશી રૂમમાં દાખલ થઇ ત્યારે જ અરુણની તંદ્રા ટુટી.
અરુણે દોડીને હરખભેર ખુશીને ઉપાડી લીધી ને તેના ગાલે એક ચૂમી ભરીને કહ્યું,
‘મારી ભાગ્યવિધાતા’,
‘શું’ નાનકડી ખુશી કશું સમજી નહિ,
અરુણ જોરથી હસી પડ્યો અને ખુશીને હવામાં આમતેમ ડોલાવતો બોલ્યો,
‘ભાગ્યવિધાતા….. મારી ભાગ્યવિધાતા……’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “ભાગ્યવિધાતા – મનસુખ કલાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.