નરો વા કુઞ્જરો વા – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર

[ અનુવાદિકા : વાસંતી અરુણ જાતેગાંવકર ]

[ લેખક પરિચય : અરુણ અને વાસંતી જાતેગાંવકર પતિપત્ની ૧૯૬૬ માં ગણિતના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવ્યાં અને અભ્યાસ પૂરો થયા પછી ત્યાં જ સ્થાયિક થયાં. એ બંનેએ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાંથી ગણિત વિષયમાં ડૉક્ટરેટ પદવી સંપાદન કરી. એ બંનેના ઘણા સંશોધન લેખો (research papers) ગણિત વિષય પરના સંશોધનને સમર્પિત એવા પાશ્ચાત્ય સામયિકોમાં પ્રગટ થયા છે. ડૉ. અરુણ જાતેગાંવકરે કરેલા ગણિત વિષય પરના સંશોધનના બે પુસ્તકો ગણિત વિષય પરના સંશોધનને સમર્પિત એવા પાશ્ચાત્ય પ્રકાશકો તરફથી પ્રગટ થયા છે. એ બંને અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપક હતાં. ૨૦૦૧ની સાલમાં નિવૃત્ત થયાં પછી ડૉ.અરુણ અને ડૉ.વાસંતી જાતેગાંવકરે મહાભારત અંગે વાંચન અને લેખન શરૂ કર્યું. તેઓ બે પ્રકારના લેખો લખે છે. પહેલો પ્રકાર છે: મહાભારત અંગે સંશોધન. અંગ્રેજીમાં લખેલા તેમના આ પ્રકારના લેખો Annals of the Bhandarkar Oriental Research Instituteમાં પ્રગટ થાય છે. બીજો પ્રકાર છે: મહાભારતના મહત્ત્વના પ્રસંગોનું વિવેચન અને રસગ્રહણ. આ પ્રકારના તેમના લેખો પુણેની ભાંડારકર સંસ્થાએ પ્રસિદ્ધ કરેલી અને દુનિયાભરના સંશોધકોએ પ્રમાણભૂત માનેલી મહાભારતની સંસ્કૃત સંહિતાના અભ્યાસ ઉપર આધારિત હોય છે. તે લેખોની વિશિષ્ટતા એ કે વાચનીયતાની જેમ જ મહાભારતની સંહિતા જોડે પ્રામાણિક રહેવાનો તેમનો આગ્રહ. અસ્ત્રદર્શન અને દ્રોણવધ એ બંને પ્રસંગો પર તેમણે મરાઠીમાં લખેલા આ પ્રકારના લેખો પુસ્તકરૂપે ‘ग्रंथाली’ તરફથી પ્રગટ થયા છે. તે પુસ્તકનો ડૉ. વાસંતી જાતેગાંવકરે કરેલો અનુવાદ થોડા સમયમાં પ્રગટ કરવાનો તેઓનો મનસૂબો છે. દ્યૂત અને દુર્યોધનવધ એ બંને પ્રસંગો પર તેઓએ મરાઠીમાં લખેલા આ પ્રકારના લેખોમાંનો કેટલોક ભાગ ‘नवभारत’ નામના માસિકમાં સ્વતંત્ર લેખો તરીકે પ્રગટ થયો હોઈને તે સંપૂર્ણ લેખો પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનો તેઓનો મનસૂબો છે. રીડગુજરાતીને ન્યુજર્સીથી આ અભ્યાસ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vasantijategaonkar@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[ વિશેષ નોંધ : આ લેખમાં વચ્ચે કૌંસમાં આપેલા નંબરો અંગેની વિશેષ ટિપ્પણી, લેખના અંતે આપવામાં આવી છે. આથી વાચકોએ  લેખ વાંચતા સમયે જે તે નંબરનો સંદર્ભ લેખના અંતે તે નંબર પ્રમાણે જોઈ લેવા વિનંતી.]
.

દ્રોણવધ મહાભારતમાંનો એક અવિસ્મરણીય પ્રસંગ છે. દ્રોણના પ્રશ્નનો યુધિષ્ઠિરના મુખમાંથી ઉત્તર બહાર નીકળ્યો અને ત્યાં સુધી જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલનારો તેનો રથ તત્ક્ષણે જમીન પર ઊતર્યો, એ આ પ્રસંગે ભારતીય મન પર કોરેલું દૃશ્ય આજે અઢી હજાર વર્ષો એમનું એમ ટકી રહ્યું છે. વ્યાસે કથામાં અહીં આણેલો ‘कुञ्जर’ અને તેમણે કરેલો તેનો ઉપયોગ તો અજોડ છે !

કુશલ અને નાટ્યપૂર્ણ પ્રસંગરચના એ વ્યાસની શૈલીનું વૈશિષ્ટ્ય દ્રોણવધની રચનામાં પણ જોવા મળે છે. કથામાં દ્રોણવધ એકાએક થયો નથી. કથામાં અગાઉ બનેલી વિવિધ ઘટનાઓ, કથામાંની સદ્ય:સ્થિતિ, દ્રોણનો સ્વભાવ, દ્રોણના વધમાં સહભાગી થયેલા પાંડવપક્ષમાંના કથાપાત્રોના સ્વભાવ, આ અને તત્સમ ઇતર બાબતોના સંમિશ્રણથી આ પ્રસંગે વિવિધ ક્રિયા-પ્રતિક્રિયાઓ થઈ રહી હતી. દ્રોણવધની ઘટના વ્યાસે તે ક્રિયા-પ્રતિક્રિયાઓ અને દૈવ એ બંનેના પરિપાકરૂપે મેળવી આણી છે.

મહાભારતની કથામાં દ્રોણવધ પ્રસંગને મહત્ત્વનું સ્થાન છે. કૌરવપક્ષનો બીજો અને છેલ્લો અતિરથી અહીં રણભૂમિ પર ઢળી પડ્યો છે; કૃષ્ણે પાંડવોને કરેલી પહેલી ધર્મબાહ્ય સ્પષ્ટ સૂચના કથામા અહીં જોવા મળે છે; અને યુધિષ્ઠિરને તેના આ પ્રસંગના વર્તનને કારણે કથામાં આગળ ઉપર નરકનું દર્શન કરાવવામાં આવ્યું છે.

મહાભારતમાંના દ્રોણવધ પ્રસંગનું સાહિત્યિક વિવેચન અને રસગ્રહણ એ પ્રસ્તુત લેખનું ઉદ્દિષ્ટ અને સ્વરૂપ છે. તે પ્રસંગ મૂળ સ્વરૂપમાં વાચક સામે રજૂ કરવાનો અને તે પ્રસંગની રચનામાં વ્યાસે ઓતેલું સો ટચનું નાટ્ય વાચક સુધી આણવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે. (૧)

દ્રોણવધના સંદર્ભમાં આપણે સૌને જાણીતી ‘नरो वा कुञ्जरो वा’ ઉક્તિ વિશે બે શબ્દો. મહાભારતમાં ‘नरो वा कुञ्जरो वा’ શબ્દો કોઈ પણ જગ્યાએ કોઈના પણ મુખે નથી. મહાભારતમાં દ્રોણના પ્રશ્નનો યુધિષ્ઠિરના મુખનો ઉત્તર ભિન્ન અને અધિક નાટ્યપૂર્ણ છે.
* * *

યુદ્ધના પંદરમા દિવસની બપોર છે. રણભૂમિપર પ્રચંડ રમખાણ જામ્યું છે. એક બાજુથી દ્રોણપુરોગામી કૌરવસેના લડે છે અને બીજી બાજુથી ધૃષ્ટદ્યુમ્નપુરોગામી પાંડવસેના લડે છે. સૌ પાંડવાગ્રણી અને અશ્વત્થામા સિવાયના સૌ કૌરવાગ્રણી દ્રોણની આસપાસ છે, અને કૌરવાગ્રણીઓનાં પાંડવાગ્રણીઓ સાથે યુદ્ધો ચાલી રહ્યાં છે.

રણભૂમિપર આ સઘળું થતું હતું ત્યારે યુધિષ્ઠિરે પાંચાલોને યુદ્ધમાં જુસ્સાથી લડવાની પ્રોત્સાહનાત્મક આજ્ઞા આપી. સંજય (૨) ધૃતરાષ્ટ્રને કહે છે કે યુધિષ્ઠિરની તે આજ્ઞા સાંભળીને પાંચાલ દ્રોણ પર ધસી ગયા. ભીમ, નકુલ અને સહદેવ ત્યાં જ હતા અને તેઓ પણ દ્રોણને ઘેરી લેવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓએ અર્જુનને પોકારીને કહ્યું કે, (૩)

अभिद्रवार्जुन क्षिप्रं कुरून्द्रोणादपानुद ।
तत एनं हनिष्यन्ति पाञ्चाला हतरक्षिणम् ॥ ७.१६४.५६

– ઓ અર્જુન, તું જલદીથી આવ અને કૌરવોને દ્રોણ પાસેથી દૂર નસાડી દે. તે (દ્રોણ) રક્ષકવિહોણા થઈ ગયા પછી તેમને (દ્રોણને) પાંચાલો હણી નાખશે.

તે પોકાર સાંભળીને અર્જુન દ્રોણના રક્ષકો પર ધસી ગયો. સામેથી દ્રોણ પાંચાલો પર ધસી ગયા. ઘનઘોર યુદ્ધ શરૂ થયું. દુર્યોધનને આગલી રાતે કબૂલ કર્યા મુજબ, દ્રોણે હવે પ્રતિપક્ષમાં અસ્ત્રવિદ્ કોણ છે અને કોણ નથી એ ધ્યાનમાં ન લેતાં પાંચાલસેનાના બધા સૈનિકો પર દિવ્યાસ્ત્રો વાપરવાનું શરૂ કર્યું. પરિણામે બંને પક્ષો ચડસાચડસીથી લડી રહ્યા હોવા છતાં કૌરવોની સરસાઈ થવા લાગી.

સંજય હવે – જાણે કે રણભૂમિપર પાંડવોની બાજુએ જઈને ત્યાંથી બધું જોતો હોય એ રીતે – પાંચાલસેનામાં બનતી ઘટનાઓના વર્ણન કરવા માંડે છે. (૪) તે ધૃતરાષ્ટ્રને કહે છે કે,

द्रोणास्त्रेण महाराज वध्यमानाः परे युधि ।
नात्रसन्त रणे द्रोणात्सत्त्ववन्तो महारथाः ॥ ७.१६४.५९

– હે મહારાજ, દ્રોણના (દિવ્ય) અસ્ત્રોથી શત્રુપક્ષના સૈનિકો યુદ્ધમાં માર્યા જતા હતા. પરંતુ તે ધૈર્યવાન મહારથીઓ (પાંચાલ) દ્રોણથી ભયભીત થયા નહિ.

પાંચાલ સૈનિકો દ્રોણ ઉપર ધસી જાય છે અને દ્રોણ જે કોઈ સામે આવે તેનો દિવ્યાસ્ત્રોથી વધ કરે છે, એવું ઘણા સમય સુધી ચાલુ રહ્યું. અંતે,

वध्यमानेषु संग्रामे पाञ्चालेषु महात्मना ।
उदीर्यमाणे द्रोणास्त्रे पाण्डवान्भयमाविशत् ॥ ७.१६४.६२

– મહાત્મા (દ્રોણ) સંગ્રામમાં કરી રહ્યા છે તે પાંચાલોનો વધ જોઈને અને દ્રોણનું (દિવ્ય) અસ્ત્ર પ્રગટ થવા લાગેલું જોઈને પાંડવોને મોટી ગભરામણ થઈ.

તેમજ યુદ્ધમાં વિજય મેળવવાની પાંડવસેનાની આશા આથમી ગઈ. તે સેના કહેવા લાગી કે,

कच्चिद्द्रोणो न नः सर्वान्क्षपयेत्परमास्त्रवित् ।
समिद्धः शिशिरापाये दहन्कक्षमिवानलः ॥ ७.१६४.६४

– આ પરમાસ્ત્રવેત્તા દ્રોણ (દિવ્યાસ્ત્રોની સહાયથી) આપણો સૌનો વિનાશ તો નહિ કરે ને ! સખત ઉનાળામાં દાવાગ્નિ શુષ્ક ઘાસ બાળે છે તેમ !

न चैनं संयुगे कश्चित्समर्थः प्रतिवीक्षितुम् ।

– યુદ્ધમાં એમની સામે આંખ ઊંચી કરવાનું કોઈનામાં સામર્થ્ય નથી.

પાંડવસેનાના મનમાં આને એક અપવાદ છે. અર્જુન ! અને અર્જુન વિશે પાંડવસેના કહે છે,

न चैनमर्जुनो जातु प्रतियुध्येत धर्मवित् ॥ ७.१६४.६५

– આ ‘ધર્મવિદ્’ – ધર્મ જાણનારો – અર્જુન ગમે તે થાય તો પણ તેમની (દ્રોણની) સાથે પ્રતિયુદ્ધ કરશે નહિ.

અર્જુન દ્રોણ સાથે પ્રતિયુદ્ધ કરતો નહોતો એમાં પાંડવસેનાને કાંઈ નવું નહોતું. દ્રોણે કૌરવસેનાનું સેનાપતિપદ સ્વીકાર્યું ત્યારે જ ‘प्रतीयां नाहमाचार्यम्’ એમ અર્જુને જાહેર કર્યું હતું; અને ત્યારથી અર્જુન એ પ્રમાણે જ વર્તી રહ્યો હતો એ પાંડવસેનાએ જોયું હતું. દ્રોણ સાથે પ્રતિયુદ્ધ ન કરવામાં અર્જુનને ભલે ગમે તેટલો ધર્મ જણાતો હોય, પાંડવસેનાને તેમાં હૃદયદૌર્બલ્ય જણાયું છે – ધર્મ નહિ. પાંડવસેનાએ અર્જુન માટે વાપરેલા ‘ધર્મવિદ્’ વિશેષણમાં પ્રશંસા નથી. વિષાદ અને વિખાર ભરેલી તે વક્રોક્તિ છે !

બની રહેલી ઘટનાઓના પ્રવાહમાં કૃષ્ણ હવે હસ્તક્ષેપ કરે છે અને દ્રોણવધ પ્રસંગનો ખરેખરનો પ્રારંભ થાય છે.
* * *

દ્રોણ કરી રહ્યા છે તે પાંડવસેનાનો સંહાર ચાલુ રહેવા દેવામાં આવે તો પાંડવસેના થોડા જ વખતમાં નામશેષ થઈ જશે અને પાંડવોનો યુદ્ધમાં પરાજય થશે, એ કૃષ્ણને દેખાય છે. દ્રોણનો ઇલાજ તરીકે શું કરવું એ વિશે કૃષ્ણ હવે એક સૂચના કરે છે (૭.૧૬૪.૬૭-૬૯). કૃષ્ણ અહીં અર્જુન સાથે વાત કરતા હોય તો પણ ત્યાં યુધિષ્ઠિર, ભીમ, બંને માદ્રેય, ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ એ સૌ ઉપસ્થિત છે અને કૃષ્ણની સૂચના તે સૌને ઉદ્દેશીને છે.

કૃષ્ણ અર્જુનને કહે છે,

नैष युद्धेन संग्रामे जेतुं शक्यः कथंचन ।
अपि वृत्रहणा युद्धे रथयूथपयूथपः ॥ ७.१६४.६७

– આ યોધાગ્રણીને રણભૂમિ પર યુદ્ધ કરીને જીતવું એ ખુદ વૃત્રને હણનારા (ઇંદ્રથી) પણ કદાપિ શક્ય નથી.

એમ હોય તો પછી દ્રોણને યુદ્ધમાં હવે કઈ રીતે થોભવા ?

કૃષ્ણ પાસે આ પ્રશ્નનો ઉત્તર છે. એ કહે છે,

आस्थीयतां जये योगो धर्ममुत्सृज्य पाण्डव ।
यथा वः संयुगे सर्वान्न हन्याद्रुक्मवाहनः ॥ ७.१६४.६८

– હે પાંડવ, ધર્મને બાજુએ મૂકીને જયપ્રાપ્તિ માટે હવે કોઈક ‘યોગ’ કરાવવો રહ્યો – જેથી કરીને આ ‘રુક્મવાહન’ તમને સૌને યુદ્ધમાં ઠાર મારી ન નાખે એવો.

‘रुक्मवाहन’ – જેનો રથ સોનાનો છે – દ્રોણનું વર્ણનાત્મક નામ છે.

મહાભારતના સંદર્ભમાં યોગ શબ્દ જોયો કે આપણને યોગેશ્વર કૃષ્ણે પાર્થને ભગવદ્ગીતામાં કહેલા યોગનું સ્મરણ થાય છે. પરંતુ પ્રસ્તુત જગ્યાએ યોગ શબ્દનો અર્થ ‘જેમાં છદ્મ ભરેલું છે એવી યુક્તિ’ એ છે. લેખમાં એ અર્થે યોગ શબ્દ વાપરતી વખતે – એ અર્થની યાદ કરાવવા – તે શબ્દને હંમેશ અવતરણ ચિહ્નો વચ્ચે લખ્યો છે.

‘आस्थीयतां योग:’ આ વાક્યરચના કર્મણિ છે. કૃષ્ણ અર્જુનને “તું ‘યોગ’ કર” એમ કહેતા નથી; “(કોઈ દ્વારા) ‘યોગ’ કરાવવો રહ્યો” એમ કહે છે !

દ્રોણ પર ‘યોગ’ કરાવવો રહ્યો એમ કહેવું ઠીક છે. છતાં એ અજિંક્ય અતિરથી પર ‘યોગ’ એટલે ચોક્કસ શું કરવું ?
કૃષ્ણ પાસે આ પ્રશ્નનો પણ ઉત્તર છે. તે કહે છે,

अश्वत्थाम्नि हते नैष युध्येदिति मतिर्मम ।

– અશ્વત્થામા માર્યો જાય તો આ (આવું જુસ્સાવાળું) યુદ્ધ કરશે નહિ એમ મને લાગે છે.

કૃષ્ણ હવે ‘યોગ’ એટલે ચોક્કસ શું કરવું તે કહે છે. સહુ હવે દ્રોણ પર તૂટી પડવાને બદલે અશ્વત્થામા પર તૂટી પડો, એવું કશું તે કહેતા નથી. કૃષ્ણ જાણે છે કે દ્રોણની જેમજ અશ્વત્થામાને મારી નાખવો અશક્યપ્રાય છે. અશ્વત્થામા સાથે લડતા હોઈએ ત્યારે આ બાજુ દ્રોણ પાંડવસેનાનો વિનાશ કરે, એ તો અલગ !

કૃષ્ણની સૂચના છે:

तं हतं संयुगे कश्चिदस्मै शंसतु मानवः ॥ ७.१६४.६९
– તે (અશ્વત્થામા) યુદ્ધમાં હણાઈ ગયો છે એમ કોઈ માણસ તેમને (દ્રોણને) કહે.

કૃષ્ણની સૂચના અહીં પૂરી થાય છે.

અશ્વત્થામા માર્યો ગયો નથી, દ્રોણની નજરે આવી ન શકે એટલો દૂર તે ક્યાંક લડે છે, એ પ્રસ્તુત પ્રસંગની રચનામાં અધ્યાહાર છે.

‘कश्चिदस्मै शंसतु मानवः’ શબ્દો દ્વારા કૃષ્ણ અર્જુનને સ્પષ્ટ કરે છે કે દ્રોણ પર તું પોતે ‘યોગ’ કર એમ મારું કહેવું નથી. પરંતુ ‘યોગ’ કોઈ મામૂલી વ્યક્તિને બદલે દ્રોણનો જેના પર વિશ્વાસ બેસી શકે એવી મોભાદાર વ્યક્તિએ સારું નાટક ભજવીને કરવાનો છે, એ ‘યોગ’માં અધ્યાહાર છે.

‘યોગ’માં અધર્મ છે એ કૃષ્ણના શબ્દો પરથી સ્પષ્ટ છે. પરંતુ એ અધર્મ ચોક્કસ કયો છે તે કૃષ્ણ કહેતા નથી. એમ લાગે છે કે ‘યોગ’માંનું અસત્ય અને છદ્મ એ તે અધર્મ હોય.

કૃષ્ણે કથામાં અગાઉ યુદ્ધ ટાળવાના પ્રયત્નો કર્યા છે. હવે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારથી કૃષ્ણનું ઉદ્દિષ્ટ પાંડવોને જય મેળવી આપવો એ છે, અને તે માટે જે કંઈ કરવું કૃષ્ણને જ્યારે જ્યારે આવશ્યક લાગ્યું તે સઘળું કૃષ્ણે જરૂરી બને તો ધર્મને નેવે મૂકીને કર્યું છે. (૫) પરાકાષ્ઠાના પ્રયત્નો કરવા છતાં શિખંડી ભીષ્મવધ કરી શકતો નથી એ જણાયા પછી અને ભીષ્મે કટોકટીની વેળા આણ્યા પછી, ભીષ્મવધ કરવા અનુત્સુક અર્જુનને ગળે કૃષ્ણે તે વધ ઘાલ્યો હતો. દ્રોણ કૌરવોના સેનાપતિ બન્યા ત્યારે દ્રોણને પણ યુદ્ધમાંથી કાયમ માટે નિવૃત્ત કર્યા વિના પાંડવોને જય મળશે નહિ અને દુર્યોધનના ઋણમોચન માટે દ્રોણ ચડસાચડસીથી લડશે, એ બંને બાબતો ઇતર સૌની જેમ કૃષ્ણને પણ જણાઈ હતી. દ્રોણનો વિહિત મૃત્યુ તરીકે જન્મ પામેલો ધૃષ્ટદ્યુમ્ન દ્રોણનો વધ કરવા માટે છેલ્લા સાડાચાર દિવસ જુસ્સાથી લડી રહ્યો હતો. પરંતુ પરાકાષ્ઠાના પ્રયત્નો કરવા છતાં ધૃષ્ટદ્યુમ્ન તેમનો વધ કરી શકતો નથી એ જણાયા પછી અને દ્રોણે કટોકટીની વેળા આણ્યા પછી, તેમનો ઇલાજ તરીકે કૃષ્ણ હવે ‘યોગ’ કહે છે. આ બધું ધ્યાનમાં લીધા પછી ‘યોગ’ વિશે ત્રણ બાબતો છતી થાય છે: કૃષ્ણ ‘યોગ’ મુખ્યત: જયપ્રાપ્તિ માટે સૂચવે છે – પાંડવસેનાનો સંહાર રોકવા માટે સૂચવતા નથી; કૃષ્ણના મુખે ‘વધ’ શબ્દ ન હોય તો પણ તેઓ સૂચવી રહ્યા છે તે ‘યોગ’નું ખરું સાધ્ય દ્રોણવધ છે; અને સદ્ય:સ્થિતિમાં છદ્મ વાપરવું એટલે ધર્મને નેવે મૂકવા સમાન છે તે કૃષ્ણને સ્પષ્ટ હોવા છતાં, દ્રોણવધ એ સાધ્ય માટે તેઓ છદ્મ એ સાધન સૂચવે છે. સાધ્ય અને સાધન બંને બાબતો કૃષ્ણને સ્પષ્ટ હોવા છતાં તે સાધનથી તે સાધ્ય ચોક્કસ કઈ રીતે સાધી શકાશે એ તેમને સ્પષ્ટ હતું એમ જણાતું નથી. એમ લાગે છે કે અશ્વત્થામા માર્યો ગયો એ વાર્તાની દ્રોણની લડવાની પદ્ધતિ ઉપર કાંઈક તો અસર થશે અને ત્યાર પછી શું કરવું તે ત્યારનું ત્યારે જોઈ લેવાશે, એવો વિચાર કૃષ્ણે કર્યો હોય.

દ્રોણનો વધ કરવું આવશ્યક છે અને ઋજુયુદ્ધથી તે સાધી શકાશે નહીં; ‘યોગ’ની આ પાર્શ્વભૂમિ ધ્યાનમાં લેવા છતાં કૃષ્ણનો આ ‘યોગ’ છક કરનારો છે. પ્રતિપક્ષનું મર્મસ્થાન ઓળખવું અને બરાબર તે જ જગ્યાએ પ્રહાર કરવો એ યુદ્ધમાં અવૈધ નથી. કૃષ્ણના ‘યોગ’માંનો છક કરી નાખનારો ભાગ છે – પ્રતિપક્ષના મર્મસ્થાને પ્રહાર કરવાની કૃષ્ણે સૂચવેલી પદ્ધતિ. એ પદ્ધતિમાંનાં બુદ્ધિચાપલ્યની પ્રશંસા કરવી, નિર્ઘૃણતાથી સ્તબ્ધ થવું, કે કૌટિલ્યનો ધિક્કાર કરવો, એની ગમ પડતી નથી.

‘यतो धर्मस्ततो जय:’ – જ્યાં ધર્મ ત્યાં જય – એનું શું થયું ?
* * *

સંજય હવે, કૃષ્ણના ‘યોગ’ વિશે પાંડવપક્ષમાંના કોને શું લાગ્યું તે જણાવે છે. તે ધૃતરાષ્ટ્રને કહે છે,

एतन्नारोचयद्राजन्कुन्तीपुत्रो धनंजयः =
अन्ये त्वरोचयन्सर्वे कृच्छ्रेण तु युधिष्ठिरः ॥ ७.१६४.७०

– હે રાજા, કુંતીપુત્ર ધનંજયને તે રુચ્યું નહિ. બાકી બધાને રુચ્યું. યુધિષ્ઠિરને (રુચ્યું, પણ) ‘કૃચ્છ્રેણ’ – ભારે કષ્ટથી.

વ્યાસે આપણી સામે રજૂ કરેલા ત્રણ કૌંતેય એ ત્રણ તદ્દન ભિન્ન પ્રકૃતિની વ્યક્તિઓ છે. કૃષ્ણના ‘યોગ’ વિશે એ ત્રણેની પ્રતિક્રિયાઓ ભિન્ન છે એમાં કંઈ આશ્ચર્ય નથી.

કૌંતેયોની પ્રતિક્રિયાઓ જાણવા માટે સંજયની જેમ આપણે પણ અર્જુનની પ્રતિક્રિયાથી શરૂઆત કરીએ.

કૃષ્ણના ‘યોગ’માંથી ચોક્કસ શું નીપજશે તે અર્જુનને સ્પષ્ટ નથી. પરંતુ તેને એ જણાય છે કે ‘યોગ’નું ખરું ઉદ્દિષ્ટ દ્રોણનો છદ્મની સહાયથી વધ કરવો એ છે. તેથી જ ‘યોગ’ને અમલમાં મૂકવાનું કામ બીજા કોઈએ કરવાનું છે – પોતે નહિ એ સ્પષ્ટ હોવા છતાં અર્જુનને તે ‘યોગ’ રુચ્યો નથી. અલબત્ત અર્જુનને ‘યોગ’ એ પ્રકાર જ વર્જ્ય છે એવું કશું નથી. વ્યાસનો અર્જુન કંઈ એટલો અબોટ નથી. યુદ્ધના અઢારમા દિવસે ભીમ અને દુર્યોધનનું જ્યારે જોશીલું અને નિર્ણાયક ગદાયુદ્ધ જામ્યું હતું ત્યારની વાત છે. એ યુદ્ધમાં દુર્યોધનની સરસાઈ થવા લાગી છે અને તે ભીમનું કવચ ફોડે છે. તે કટોકટીની વેળાએ કૃષ્ણે અર્જુનને – પરિસ્થિતિનું ગાંભીર્ય વિશદ કરીને અને ભીમ જો આ જ રીતે ધર્મને ધરીને યુદ્ધ કરવાનું ચાલુ રાખશે તો દુર્યોધન રાજા થશે એમ કહીને – સદ્ય:ક્ષણના ‘યોગ’ જેવી જ એક ધર્મબાહ્ય સૂચના કરી છે. કૃષ્ણની સૂચના છે: ભીમે દુર્યોધનની જાંઘો ભાંગવી. કૃષ્ણની તે સૂચના અર્જુનને રુચિ હતી તે કથા પરથી સ્પષ્ટ છે. ભીમ દેખી શકે તે રીતે પોતાની જાંઘ પર થાપટ મારનારો માણસ અન્ય કોઈ નહિ – તો અર્જુન જ છે ! એટલું જ નહિ તો તુમુલ ગદાયુદ્ધમાં નિમગ્ન થયેલા ભીમને ‘દુર્યોધનની જાંઘો ભાંગ !’ કહેવા માટે અર્જુને વાપરેલી યુક્તિ કૃષ્ણે તેને સૂચવી નથી: તે યુક્તિ ખુદ અર્જુનની છે !

કૃષ્ણનો સદ્ય:ક્ષણનો ‘યોગ’ અર્જુનને ન રુચવા પાછળ ધર્મ, સત્ય, આનૃશંસ્ય જેવું આંજી નાખનારું કાંઈ નથી. કૃષ્ણનો સદ્ય:ક્ષણનો ‘યોગ’ અર્જુનને રુચ્યો નથી, કારણ એ ‘યોગ’ તેના પરમપૂજ્ય ગુરુ પર થવાનો છે.

અર્થગર્ભ વાત એ છે કે અર્જુન કૃષ્ણના તે ‘યોગ’નો સખત વિરોધ કરે છે એવું નથી: કેવળ નાખુશી વ્યક્ત કરવા ઉપરાંત એણે કંઈ પણ કર્યું નથી. કારણ કે દ્રોણ પર ‘યોગ’ નહીં કરવો તો પાંડવપક્ષ પાસે સદ્ય:ક્ષણે બે જ વિકલ્પ બાકી છે. પહેલો વિકલ્પ એ છે કે યુદ્ધ ચાલે છે તે રીતે ચાલવા દેવું. પરંતુ તેને લીધે યુદ્ધમાં પરાજય થઈને દ્યૂતમાં ગુમાવેલું રાજ્ય પાછું મેળવવાનું પાંડવોનું સ્વપ્ન ધૂળ ભેગું થઈ જવાનું હતું; અને તે થવા દેવા ઇતર પાંડવોની જેમ અર્જુન પણ તૈયાર નથી. બીજો વિકલ્પ એ છે કે અર્જુને પોતે દ્રોણ સામે જિઘાંસાથી – તેઓને ઠાર મારવાની ઇચ્છાથી – યુદ્ધ કરવું, અને તે કરવા પણ આ ‘ધર્મવિદ્’ માણસ તૈયાર નથી.

ભીમે કૃષ્ણના ‘યોગ’ પ્રત્યે જુદી દૃષ્ટિએ જોયું છે.

દ્રોણે પાંડવસેનાની કરેલી દુર્દશા ભીમને દેખાય છે. ભીમ પોતે દ્રોણ સામે ક્યારનો લડતો હતો. તેમજ દ્રોણવધ કરવા માટે દ્રોણની સાથે જુસ્સાથી લડનારા ધૃષ્ટદ્યુમ્નને સક્રિય પ્રોત્સાહન પણ આપતો હતો. પરંતુ ભીમ અને ધૃષ્ટદ્યુમ્ન બંનેએ પુન: પુન: ખંતીલા પ્રયત્નો કરવા છતાં દ્રોણની સામે તેમનું કાંઈ ચાલતં’ નહોતું. કૃષ્ણના ‘યોગ’માં ભીમને દ્રોણનો વધ કરવાનો એક અનેરો માર્ગ દેખાયો છે; અને ‘યોગ’માંના ‘नैष युध्येत्’ શબ્દોનો ‘આ યુદ્ધ નહીં કરે’ એવો અર્થ ભીમે લીધો હોવાથી તેને આ માર્ગ સહેલો લાગ્યો છે.

કૃષ્ણનો ‘યોગ’ ધર્મને ધરીને નથી તે ભીમને સ્પષ્ટ છે. પરંતુ હંમેશાં કેવળ ધર્મને ધરીને આચરણ કરવામાં કંઈ ખાસ અર્થ હોય છે એમ તેને ક્યારેય લાગ્યું નહોતું. તેનો ધારો ‘જેવા સાથે તેવા થવું’ એ છે.

ભીમના મનમાં ધાર્તરાષ્ટ્રો પ્રત્યે સકારણ દ્વેષ છે. વળી દ્યૂતમાં થયેલી વંચના, દ્રૌપદીની વિટંબણા, અનુદ્યૂતમાં થયેલું રાજ્યહરણ, તે પછી થયેલો વનવાસ અને અજ્ઞાતવાસ, એ બધી ઘટનાઓ ભીષ્મ, દ્રોણ વગેરે લોકોએ કશો પણ વાંધો ઉઠાવ્યા વિના બનવા દીધી, તે કારણે ભીમના મનમાં તે બધા પ્રત્યે ક્યારનો અણગમો છે. તે ઉપરાંત યુદ્ધની વેળા આવી ત્યારે તે બધા ધાર્તરાષ્ટ્રોની બાજુથી લડવા ઊભા થયા એ તો ભીમના મતે હદ થઈ !

ભીષ્મનું રણમાં પતન થયા પછી આનંદથી થનથન નાચનારા, અને દ્રોણને એમના મોઢા પર ‘બ્રહ્મબન્ધો’ – અરે બામણિયા ! – કહેનારા ભીમને કૃષ્ણનો ‘યોગ’ ગમ્યો છે એમાં કાંઈ આશ્ચર્ય નથી.

હવે યુધિષ્ઠિરની પ્રતિક્રિયા તરફ વળીએ.

કૃષ્ણનો ‘યોગ’ અધર્મયુક્ત છે, અને ‘યોગ’ આ પ્રકાર જ ગર્હણીય હોય તો પણ આ ‘યોગ’ આપણા ગુરુ પર થવાનો હોવાથી તે વિશેષ ગર્હણીય છે, આ બંને બાબતો યુધિષ્ઠિરને સ્પષ્ટ છે. તદુપરાંત ત્યાં હાજર રહેલા સૌ પાંડવાગ્રણીઓએ ‘યોગ’ને પોતપોતાની હા-ના વ્યક્ત કરી હોય તો પણ યુદ્ધની ઇતર બધી બાબતો મુજબ ‘યોગ’ની બાબતમાં પણ પોતાની હા-ના નિર્ણાયક રહેશે એ પણ યુધિષ્ઠિરને સ્પષ્ટ છે. તેમ છતાં તેણે કૃષ્ણના ‘યોગ’ને – ભલે ‘कृच्छ्रेण’ હોય – હા કહી છે.

અધર્મયુક્ત દ્રોણવધમાં યુધિષ્ઠિરની સહભાગિતાની શરૂઆત સદ્ય:ક્ષણે તેણે ‘યોગ’ને અહીં આપેલા નિર્ણાયક હકારથી થાય છે. તેથી યુધિષ્ઠિર ‘યોગ’ કરવા શા માટે હા કહે છે અને તેણે આપેલો હકાર શા માટે ‘कृच्छ्रेण’ છે, એ વિશે થોડા ઊંડાણમાં જઈ વિચાર કરવું યોગ્ય ઠરે.

યુધિષ્ઠિરના મનનું ખેંચાણ ધર્માચરણ પ્રત્યે છે એ ખરું. પરંતુ એનો અર્થ તેને કદી યુક્તિવાદ સૂઝી શકતા નથી એવો નથી. વળી યુદ્ધનાં રંગ દેખાવા લાગ્યા ત્યારથી એના વર્તનમાં ફેરફાર થવા માંડ્યા છે. પરંતુ યુદ્ધના સંદર્ભમાં ધર્મ ખુલ્લી રીતે નેવે મૂકાઈ જાય એવું તેણે ક્થામાં અત્યાર સુધી ક્શું પણ કર્યું નથી. ધર્મના નિકષ પર કસી જોતાં શંકા પડે તેવી યુદ્ધસંબંધિત તેણે અત્યાર સુધી કરેલી બે જ બાબતો છે. પહેલી બાબત એ કે યુદ્ધ થાય તો તેમાં કર્ણ અને અર્જુનનું દ્વૈરથ થશે અને તે દ્વૈરથમાં કર્ણનું સારથ્ય શલ્ય કરશે એવી યુધિષ્ઠિરે અટકળ કરીને શલ્યે તે દ્વૈરથમાં કર્ણનો તેજોવધ કરવો એવી તેણે શલ્ય સાથે કરેલી છુપી મસલત. એ વિશે પહેલી વાર શલ્ય સાથે વાતચીત કરતી વખતે યુધિષ્ઠિરે પોતે જ ‘अकर्तव्य’– કરવું યોગ્ય નથી – એ શબ્દ વાપર્યો છે. પરંતુ તે अकर्तव्य શલ્યે કરવાનું હતું અને શલ્ય તે કરવા તૈયાર હતો તેથી અથવા અકર્તવ્ય અને અધર્મ એ બે બાબતો અલગ છે એવું વિચારીને અથવા કોઈ અન્ય કારણે, યુધિષ્ઠિરને એ બાબતમાંનું પોતાનું વર્તન – યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી તો – કદી સાલ્યું નથી. શંકા પડે એવી બીજી બાબત એ કે ભીષ્મને એમનો પોતાનો વધોપાય પૂછીને તે અનુસાર યુધિષ્ઠિરે ઘડાવી આણેલો ભીષ્મવધ. પરંતુ તે વધમાં ભીષ્મ પોતે જ સામેલ હતા એવો યુક્તિવાદ કરી શકાય તેથી કહો કે પોતાનું વર્તન ક્ષત્રધર્મને ધરીને છે એમ યુધિષ્ઠિરને લાગ્યું હોય તેથી કહો, યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી યુધિષ્ઠિરને ભીષ્મવધમાંની પોતાની સહભાગિતામાં કાંઈ અયોગ્ય જ્ણાયું નથી.

સદ્ય:સ્થિતિ જૂદી છે. કૃષ્ણના ‘યોગ’ને હા કહેવામાં યુધિષ્ઠિર અધર્મ કરવા જાણીજોઈને હા પાડે છે એ વિશે વ્યાસે કશો પણ સંદેહ રહેવા દીધો નથી.

યુધિષ્ઠિર એ કથાપાત્ર સાથે આપણા મનમાં સંકળાયેલો શબ્દ છે – ધર્મરાજ! આ માણસ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ બાબતમાં કેવળ ધર્માનુસાર વર્તન કરે એવો આપણે તેનો અર્થ લઈએ છીએ. તેથી, યુધિષ્ઠિર જ્યારે જાણીજોઈને અધર્મ કરવા હા પાડે છે ત્યારે આપણને પ્રથમત: મૂંઝવણ થાય છે. તે પછી સામાન્યત: સૂઝે છે, સમર્થન ! . . . કેવળ કૃષ્ણ જે સૂચવે છે તેને ના ન પાડી શકાય તેથી તેણે હા પાડી છે ! અને ખુદ કૃષ્ણે સૂચવ્યું હોય તો પણ યુધિષ્ઠિરનો અધર્મયુક્ત ‘યોગ’ને હકાર તો ‘कृच्छ्रेण’ હતો એમ શું વ્યાસે જ નથી કહ્યું !

કૃષ્ણના શબ્દને યુધિષ્ઠિરના મનમાં વજન છે એમાં સંદેહ નથી. પરંતુ કૃષ્ણ જે સૂચવે તે બધું જ યુધિષ્ઠિર કરે છે એવું કશું નથી. (૬) ગમે તે હોય કૃષ્ણની સૂચનાને માન આપવું એ યુધિષ્ઠિરના હકાર પાછળનું એક કારણ છે એમ માનીએ તો પણ તે હકાર પાછળનું બીજું એટલું જ – બલ્કે અધિક – મહત્ત્વનું કારણ છે: રાજ્ય !

કુરુરાજ્ય ધાર્તરાષ્ટ્રોનું નહિ પણ આપણું છે, એ ભાવનાએ યુધિષ્ઠિરના મનમાં તેના બાલપણથી મૂળ નાખ્યાં છે. કુંતી અને પાંડવો લાક્ષાગૃહમાંથી જીવંત છટકી ગયાં પછી એકચક્રા નગરીમાં રહેતાં હતાં ત્યારની વાત છે. એક દિવસ યુધિષ્ઠિરે જોયું કે કુંતી ભીમને બકવધ કરવા માટે મોકલે છે. રાજ્ય પાછું મેળવવાની પોતાની આકાંક્ષા જે યોદ્ધાના શૂરાતન ઉપર આધારિત છે તેનો જીવ કુંતી કોઈ ભલતા કારણ ખાતર જોખમમાં મૂકતી જોઈને ત્રાસી ગયેલા યુધિષ્ઠિરે પોતાની માને કડવાં વેણ સંભળાવ્યાં છે. પેલા નીચ ધાર્તરાષ્ટ્રોએ ઝૂંટવી લીધેલું આપણું રાજ્ય ધાર્તરાષ્ટ્રોને ઠાર મારીને આપણે પાછું મેળવવું છે એ વિચાર યુધિષ્ઠિરના મોઢે કથામાં આ પ્રસંગે છે.

અનુદ્યૂતમાં પરાજય થયા પછી પાંડવોએ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ વેઠ્યો. કષ્ટથી ભરાઈ ગયેલા તે પ્રદીર્ઘ કાળમાં, દુ:ખના વાદળાંથી ચોમેરથી ઘેરાઈ જવાની અનેક ક્ષણ યુધિષ્ઠિરની જિંદગીમાં આવી હતી. પરંતુ આપણે રાજા છીએ અને દ્યૂતમાં ગુમાવેલું આપણું રાજ્ય આપણે પાછું મેળવવું છે, પછી તે માટે યુદ્ધ કરવું પડે તો પણ કશો વાંધો નહિ, આ વિચારો તેના મનમાં તે કઠિન ક્ષણોમાં પણ કદી ભૂંસાઈ ગયા નહોતા. તે તેર વર્ષો કર્ણ તેની આંખ સામે અહોરાત્ર તરવર્યો છે, તે અમસ્તું નથી.

યુધિષ્ઠિરના સ્વભાવમાં વ્યાસે ધર્મપરાયણતાની સાથે રાજ્યલોભ પણ મૂક્યો છે. વ્યાસે આપણી સામે ઊભો કરેલો યુધિષ્ઠિર સમજવા અને પ્રસ્તુત પ્રસંગનું યથાર્થ રસગ્રહણ થવા યુધિષ્ઠિરના સ્વભાવમાંના આ બંને ઘટક ધ્યાનમાં લેવા જરૂરી છે.

આપણે રાજ્ય માટે લડીએ છીએ – ધર્મ, સત્ય, આનૃશંસ્ય એવા કોઈ ઉદાત્ત કારણે નહિ – એ યુધિષ્ઠિરને સ્પષ્ટ છે. રાજ્ય મેળવવું હોય તો થઈ રહેલા યુદ્ધમાં જય મેળવવો જરૂરી છે. તેથી જ યુદ્ધ શરૂ થયું ત્યારથી યુધિષ્ઠિરના મનમાં ઘોળાયા કરતો શબ્દ છે – જય ! શક્ય હોય ત્યારે ધર્મને ધરીને અને એ શક્ય ન હોય ત્યારે ધર્મને આવશ્યક હોય તેટલો આમળીને, પણ – જય !

કૃષ્ણના ‘યોગ’ને યુધિષ્ઠિરે હા કહેવાનું કારણ એ છે કે જય મેળવવો હોય તો પ્રથમ આપણી સેનાનો દ્રોણ કરી રહ્યા છે તે વિનાશ થોભવો આવશ્યક છે એ કૃષ્ણની જેમ યુધિષ્ઠિરને પણ દેખાય છે. વધારામાં ‘યોગ’ની પરિણતિ દ્રોણવધમાં થવાની હોય તો અતિ ઉત્તમ ! યુદ્ધમાં જય મેળવવા માટે આપણે ભીષ્મ અને દ્રોણને યુદ્ધમાંથી કાયમના નિવૃત્ત કરાવી લેવા પડશે એ યુધિષ્ઠિરને યુદ્ધ કરવાનું નક્કી થયું ત્યારે જ સ્પષ્ટ થયું હતું અને દ્રોણને ધર્મસંમત માર્ગથી નિવૃત્ત કરી શકાતા નથી એ જોયા પછી તે માટે અધર્મયુક્ત માર્ગ વાપરવા યુધિષ્ઠિર હવે તૈયાર છે.

કૃષ્ણના ‘યોગ’ને યુધિષ્ઠિરનો હકાર ‘कृच्छ्रेण’ છે, કારણ તે ‘યોગ’ અધર્મયુક્ત અને ગર્હણીય છે એનો તેને ખ્યાલ છે.

યુધિષ્ઠિરના હકારમાં એ અધ્યાહાર છે કે દ્રોણ પર ‘યોગ’ કરવાનું ક્ષુદ્ર કર્મ એણે પોતે કરવાનું નથી. તે કર્મ બીજા કોઈએ કરવાનું છે !

દ્રોણ પર કૃષ્ણનો ‘યોગ’ કરવાનું પાંડવપક્ષનું અહીં નક્કી થાય છે. કથાનો પ્રવાહ હવે કૃષ્ણના ‘યોગ’ને અમલમાં મૂકવાની દિશામાં વળે છે.
* * *

અર્જુનને ‘યોગ’ રુચ્યો નથી અને યુધિષ્ઠિરે હા કહેવા ઉપરાંત ‘યોગ’ની બાબતમાં કંઈ કરવાનો સવાલ જ પેદા ન થાય એ જાણીને કે કેમ, ‘યોગ’ને અમલમાં મૂકવાનું કામ ભીમ હવે પોતે થઈને હાથે લે છે.

ભીમ કૃષ્ણના ‘યોગ’ને અમલમાં મૂકવા ઉત્સુક હોય તો પણ તેણે દ્રોણ પાસે તાબડતોબ જઈને તેમને ‘अश्वत्थामा हत:’ – અશ્વત્થામા માર્યો ગયો – એવું કહ્યું નથી. કૃષ્ણના ‘યોગ’માં ભીમને એક સુધારો સૂઝ્યો છે !

સંજય ધૃતરાષ્ટ્ર્ને કહે છે,

ततो भीमो महाबाहुरनीके स्वे महागजम् ।
जघान गदया राजन्नश्वत्थामानमित्युत ॥ ७.१६४.७१
– હે રાજા, ત્યાર પછી મહાબાહુ ભીમે પોતાની સેનામાંનો અશ્વત્થામા નામનો જ એક પ્રચંડ હાથી ગદાથી ઠાર માર્યો.

ભીમે ઠાર મારેલો હાથી દ્રોણ જોઈ ન શકે એટલો દૂર ક્યાંક હતો, એ અહીં અધ્યાહાર છે.
દ્રોણને ‘યોગ’ તરીકે કહેવાના ‘अश्वत्थामा हत:’ અસત્યને પ્રથમ આ પ્રકારે સત્યનું સ્વરૂપ આપ્યા પછી ભીમ ‘યોગ’ તરફ વળે છે.
સંજય કહે છે,

भीमसेनस्तु सव्रीडमुपेत्य द्रोणमाहवे ।
अश्वत्थामा हत इति शब्दमुच्चैश्चकार ह ॥ ७.१६४.७२

– ત્યાર પછી સંગ્રામમાં (રણભૂમિ પર) દ્રોણ પાસે જઈને ‘सव्रीड’ ભીમસેન ‘अश्वत्थामा हत:’ એવી બૂમો પાડવા લાગ્યો.

સંજયના મુખનું ‘सव्रीड’ – શરમાઈ ગયેલો – એ વિશેષણ ધ્યાનમાં લેવા જેવું છે. ભીમે કથામાં પૂર્વે યુધિષ્ઠિરને શબ્દો સાથે રમત રમવાનો આગ્રહ કર્યો હોય, અને પ્રસ્તુત પ્રસંગે આગળ ઉપર દ્રોણ સાથે અશ્વત્થામા વિશે તથા કથામાં આગળ ઉપર ગાંધારી સાથે દુ:શાસનનું લોહી પીવા વિશે તે તદ્દન જૂઠું બોલ્યો હોય, તો પણ પોતે એવું કાંઈ પ્રત્યક્ષમાં કરવાનો તેનો કથામાંનો આ પહેલો જ પ્રસંગ છે. તેથી જ કૃષ્ણના ‘યોગ’માં સુધારો કર્યા પછી સુધ્ધાં ભીમ તે ‘યોગ’ને અમલમાં મૂકતી વખતે મનમાં, ભલેને તેટલા પૂરતો, શરમાયો છે.

એ શરમનો ભીમે કરેલો ઇલાજ તો હાથી મારવાના ઇલાજને વટાવી જનારો છે !

સંજય કહે છે,

अश्वत्थामेति हि गजः ख्यातो नाम्ना हतोऽभवत् ।
कृत्वा मनसि तं भीमो मिथ्या व्याहृतवांस्तदा ॥ ७.१६४.७३

– અશ્વત્થામા નામનો પ્રખ્યાત હાથી માર્યો ગયો હતો; તેને મનમાં આણીને ભીમ ત્યારે મિથ્યા બોલ્યો.

‘अश्वत्थामा हत:’ એવી બૂમોનો દ્રોણ આપણો પુત્ર માર્યો ગયો છે એવો અર્થ લેશે તે ભીમને સ્પષ્ટ છે અને તેઓ એવો અર્થ લે એ જ ભીમને જોઈએ છે. તેમ છતાં મનમાં આણેલા હાથી તરફ આંગળી કરીને ભીમ જાણે પોતાને કહે છે: હું ક્યાં ખોટું બોલુ છું ? જુઓ તે મરી પડેલો અશ્વત્થામા !

દ્રોણની પાસે જઈને ‘अश्वत्थामा हत:’ એવી બૂમો પાડતી વખતે પોતે સત્ય જ બોલે છે એમ ભીમ ભલેને માનતો હોય, પરંતુ ભીમ સત્યની વ્યાખ્યા સાથે રમત રમી રહ્યો છે તે સંજયને સ્પષ્ટ છે. તેથી જ કે શું, ભીમના વર્તનનું નૈતિક મૂલ્યમાપન કરતી વખતે સંજયે સત્ય-અસત્ય એ શબ્દો વાપર્યા નથી. સંજયે વાપરેલો શબ્દ વ્યાપક અર્થનો છે: મિથ્યા !

ભીમ સત્યની વ્યાખ્યા સાથે જે રમત રમી રહ્યો છે તે રમત કેવળ તેના પોતાના સંતોષ માટે છે. ભીમે પાડેલી ‘अश्वत्थामा हत:’ એવી બૂમો સૌ પાંડવાગ્રણીઓએ સાંભળી હતી; પરંતુ ભીમે તે ‘અશ્વત્થામા’ માર્યો હતો એ વાત કથામાં સદ્ય:ક્ષણે ભીમ અને સંજય સિવાય ઇતર કોઈ જાણતું નથી, અને આગળ ઉપર બીજા કોઈને એ જણાવવું પડશે એમ ભીમ ધારતો પણ નથી.

ભીમે મારી નાખેલા તે હાથીનો વ્યાસે કથામાં આગળ ઉપર સુંદર ઉપયોગ કર્યો છે.
* * *

સંજય અત્યાર સુધી પાંડવપક્ષમાં બનતી ઘટનાઓ કહેતો હતો. કથાકથનમાં તે જાણે કે હવે બીજી બાજુએ જાય છે અને કૌરવપક્ષમાં બનતી ઘટનાઓ – તે જાણે દ્રોણની સમીપ ઊભો રહીને જોતો હોય એવી રીતે – કહેવા માંડે છે.

અશ્વત્થામા સિવાયના બધા કૌરવાગ્રણીઓ દ્રોણની આસપાસ લડતા હતા. ભીમની ‘अश्वत्थामा हत:’ એવી બૂમો દ્રોણની જેમ તે બધા સુધી પહોંચી છે.

દ્રોણની પ્રતિક્રિયા વિશે સંજય કહે છે,
भीमसेनवचः श्रुत्वा द्रोणस्तत्परमप्रियम् ।
मनसा सन्नगात्रोऽभूद्यथा सैकतमम्भसि ॥ ७.१६४.७४

– ભીમસેનના મુખના તે અતિશય અપ્રિય શબ્દો સાંભળીને દ્રોણનાં ગાત્રો જડ થઈ ગયાં અને તેમનું મન ઢીલુંઢસ થઈ ગયું – જેમ એકાદી રેતીની વસ્તુ પાણીમાં ઢીલીઢસ થાય છે તેમ !

‘अश्वत्थामा हत:’ શબ્દોમાં અશ્વત્થામા કોનાથી માર્યો ગયો તે નથી. પરંતુ ભીમ તે બૂમો પાડે છે તે પરથી અશ્વત્થામા ભીમથી માર્યો ગયો છે એમ કૌરવપક્ષના બધાએ ધારી લીધું હોય.

પાંડવપક્ષનો ઘા દ્રોણને મર્મસ્થાને વાગ્યો. પરંતુ અશ્વત્થામા અને ભીમ એ બંનેને દ્રોણ સારી રીતે જાણતા હોવાને કારણે ‘अश्वत्थामा हत:’ વાર્તાની સચ્ચાઈ વિશે તેમને તરત જ શંકા આવી.

સંજય કહે છે,

शङ्कमानः स तन्मिथ्या वीर्यज्ञः स्वसुतस्य वै ।
हतः स इति च श्रुत्वा नैव धैर्यादकम्पत ॥ ७.१६४.७५

– (ભીમના) તે (શબ્દો) મિથ્યા હોવાની શંકા આવ્યાથી અને આપણા પુત્રનો પરાક્રમ તે જાણતા હોવાથી, તે (અશ્વત્થામા) માર્યો ગયો છે એ સાંભળીને પણ તેમણે ધૈર્ય (સાવ) ગુમાવ્યું નહિ.

‘अश्वत्थामा हत:’ વાર્તાનો પહેલો આઘાત ઓસરી ગયો. તે પછી,

स लब्ध्वा चेतनां द्रोणः क्षणेनैव समाश्वसत् ।
अनुचिन्त्यात्मनः पुत्रमविषह्यमरातिभिः ।। ७.१६४.७६

– આપણો પુત્ર શત્રુઓથી જીત્યો જવો કેવળ અશક્ય છે એમ મનમાં આવ્યાથી, ક્ષણમાત્રમાં દ્રોણની ચેતના પાછી આવી અને તેમનું ચિત્ત સ્વસ્થ થયું.

હવે તેમણે એવું જબરું યુદ્ધ શરૂ કર્યું કે ‘યોગ’ પહેલાંના દ્રોણ પરવડે એમ કહેવાની વેળા પાંડવપક્ષ પર આવી. અત્યાર સુધી દ્રોણને ઠાર મારવા માટે ધૃષ્ટદ્યુમ્ન તેમના પર જુસ્સાથી ધસી જતો હતો. હવે ધૃષ્ટદ્યુમ્નને ઠાર મારવા માટે દ્રોણ તેના પર જુસ્સાથી ધસી ગયા; અને ધૃષ્ટદ્યુમ્નનું રક્ષણ કરનારા વીસ હજાર પાંચાલ સૈનિકો જ્યારે દ્રોણપર તૂટી પડ્યા,

ततः प्रादुष्करोद्द्रोणो ब्राह्ममस्त्रं परंतपः ।
वधाय तेषां शूराणां पाञ्चालानाममर्षितः ॥ ७.१६४.७९

– ત્યારે શત્રુનાશક દ્રોણે શૂર પાંચાલોનો વધ કરવા માટે ક્રોધાવેશથી બ્રહ્માસ્ત્ર પ્રાદુર્ભૂત કર્યું.

બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને કોઈના હાથ કાપવા, કોઈનું મસ્તક કાપવું, એમ કરતાં કરતાં દ્રોણે તે વીસ હજાર અનસ્ત્રજ્ઞ પાંચાલો અને બીજા પણ હજારો અનસ્ત્રજ્ઞ સૈનિકો મારી નાખ્યા. એ સમયે દ્રોણ રણમાં ધૂમરહિત પ્રદીપ્ત અગ્નિ જેવા ઝળકવા લાગ્યા.
* * *

રણભૂમિ પર બનતી ઘટનાઓ સાથે જેનો સીધો સંબંધ નથી એવી એક મહત્ત્વની ઘટના હવે બને છે. દ્રોણને પોતાની સાથે બ્રહ્મલોકમાં લઈ જવાની ઇચ્છાથી ઋષિઓ અંતરિક્ષમાં પ્રગટ થાય છે – વિશ્વામિત્ર, જમદગ્ની, ભારદ્વાજ, ગૌતમ, વસિષ્ઠ . . . બીજા પણ અનેક ! અગ્નિદેવને મોખરે મૂકીને !

આ બધા અગ્નિપુરોગામી ઋષિઓ દ્રોણ સામે અંતરિક્ષમાં એકત્ર ઊભા છે, તે બધા કેવળ દ્રોણ અને સંજયને દેખાય છે, અને તેઓ હવે દ્રોણને જે સલાહ આપી રહ્યા છે તે કેવળ દ્રોણ અને સંજયને સંભળાય છે, આ બધું કથામાં અહીં અધ્યાહાર છે.

ઋષિઓ દ્રોણને કહે છે,

अधर्मतः कृतं युद्धं समयो निधनस्य ते ॥ ७.१६४.८९

– તમે અધર્મથી યુદ્ધ કરો છે. (વાસ્તવિક તો) આ તમારા નિધનનો સમય છે.

‘अधर्मतः कृतं युद्धम्’ માં ઋષિઓને દ્રોણ અનસ્ત્રજ્ઞ સૈનિકો પર દિવ્યાસ્ત્રો – વિશેષત: બ્રહ્માસ્ત્ર – વાપરે છે તે અધર્મ વિવક્ષિત છે.

ઋષિઓ આગળ કહે છે,

न्यस्यायुधं रणे द्रोण समेत्यास्मानवस्थितान् ।
नातः क्रूरतरं कर्म पुनः कर्तुं त्वमर्हसि ॥ ७.१६४.९०
वेदवेदाङ्गविदुषः सत्यधर्मपरस्य च ।
ब्राह्मणस्य विशेषेण तवैतन्नोपपद्यते ॥ ७.१६४.९१

– દ્રોણ, રણભૂમિ પર શસ્ત્ર મૂકીને તમે હવે અહીં ભેગા થયેલા અમારા બધા પાસે આવો. (તમારાં ઇતર કર્મોથી) વધુ ક્રૂર એવું જે (બ્રહ્માસ્ત્ર વાપરવાનું) કર્મ તમે કરી રહ્યા છો તે કર્મ ઇત:પર કરવું તમારે માટે યોગ્ય નથી. વેદ અને વેદાંગ તમે જાણો છો; સત્ય અને ધર્મ અંગે તમે તત્પર છો; અને વિશેષ તો તમે બ્રાહ્મણ છો. તેથી આ (તમારું વર્તન) તમને છાજતું નથી.

ઋષિઓ દ્રોણને તેમના વર્તનમાંની ભૂલ બતાવતા હોય તો પણ તેઓનું દ્રોણ સાથેનું વર્તન આદરયુક્ત છે. આપણાથી આવું ન કરાય એવો ભાવ તેઓના કહેવામાં છે.

ઋષિઓ આગળ કહે છે,

न्यस्यायुधममोघेषो तिष्ठ वर्त्मनि शाश्वते ।
परिपूर्णश्च कालस्ते वस्तुं लोकेऽद्य मानुषे ॥ ७.१६४.९२

– હે ‘અમોઘેષો’, હવે શસ્ત્ર નીચે મૂકી દઈને તમે શાશ્વત માર્ગ અનુસરો; (કારણ કે) મનુષ્યલોકમાં રહેવાનો તમારો સમય હવે પરિપૂર્ણ થયો છે.

‘અમોઘેષો’ – જેનાં બાણ અમોઘ છે – એ સન્માનદર્શક સંબોધન છે.

ઋષિઓની સલાહ અહીં પૂરી થાય છે. તેઓનો મથિતાર્થ છે કે તમારો નિધનકાલ આવ્યો હોવાથી તમારો મૃત્યુ હવે અટળ છે. તેમ છતાં કેવી રીતે મરી જવું તે હજુ તમારા હાથમાં છે. તો તમે શસ્ત્ર નીચે મૂકી દો, અને ક્ષત્રિયની જેમ યુદ્ધમાં મરવાને બદલે બ્રાહ્મણની જેમ યોગબળથી શરીરત્યાગ કરીને અમારી સાથે બ્રહ્મલોકે આવો.

ઋષિઓએ દ્રોણને હવે છેલ્લે સુધી કંઈ કહ્યું નથી, છતાં દ્રોણની રાહ જોતા તેઓ અંતરિક્ષમાં એમ ને એમ ઊભા રહ્યા છે એ આગળ ઉપર બનેલી ઘટનાઓ પરથી તારવી શકાય છે.

પાંડવપક્ષ અમલમાં મૂકી રહ્યો છે તે ‘યોગ’ વિશે ઋષિઓએ દ્રોણને કશું કહ્યું નથી !

ઋષિઓએ સ્પષ્ટ શબ્દોમાં બે વાર કહ્યા પછી પોતાનો નિધનકાલ આવ્યો છે એ વિશે દ્રોણના મનમાં સંદેહ રહ્યો નથી. શસ્ત્ર નીચે મૂકી દેવાને બદલે દ્રોણ દિવ્યાસ્ત્રો વાપરીને આગળ ઉપર વધુ લડ્યા હોય, તો પણ અત્યારે તેમની મન:સ્થિતિ પલટાઈ જાય છે.

સંજય કહે છે,

इति तेषां वचः श्रुत्वा भीमसेनवचश्च तत् ।
धृष्टद्युम्नं च संप्रेक्ष्य रणे स विमनाभवत् ॥ ७.१६४.९३

– તેઓનું (ઋષિઓનું) આ વચન સાંભળીને, ભીમસેનના તે (‘अश्वत्थामा हत:’) શબ્દો સાંભળીને, અને ધૃષ્ટદ્યુમ્નને સામે ઊભેલો જોઈને, તે (દ્રોણ) રણમાં વિમનસ્ક થઈ ગયા.
* * *

નિધનકાલ આવી ચૂક્યો છે એ જાણ્યા પછી પણ માણસના સઘળા પાશ ખરી પડતા નથી. દ્રોણને મનુષ્યલોક સાથે જકડી રાખનારો એક પાશ હજુ બાકી છે. અશ્વત્થામા.

દ્રોણને હવે ભીમની ‘अश्वत्थामा हत:’ એવી બૂમો યાદ આવી, અને મોત આવે તે પહેલાં કોઈકને પૂછીને તે બૂમોનું ખરુંખોટું કરાવવાનું તેમના મનમાં આવ્યું. પણ જામેલા રમખાણમાં પૂછવું કોને ? ઉત્તર વાસ્તે દ્રોણને કોણ યાદ આવ્યો ? તેમનો સત્યવાક્ય શિષ્ય ધર્મરાજ યુધિષ્ઠિર ! રણભૂમિ પર તે ક્યાં છે એ દ્રોણ હવે શોધી કાઢે છે અને લડતાં લડતાં તેઓ તેની પાસે જેટલું જઈ શકાય તેટલું જાય છે.

દ્રોણ અને યુધિષ્ઠિર વચ્ચે હવે જે પ્રશ્નોત્તર થવાનો છે તે દ્રોણવધના પ્રસંગનો ગરભો છે. આ ક્ષણનું યથાયોગ્ય રસગ્રહણ થવા માટે રણભૂમિ પર આ સમયે કોણ કઈ જગ્યાએ છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે. (૭)

દ્રોણ અને યુધિષ્ઠિર સદ્ય:ક્ષણે પોતપોતાના રથમાં સામસામે છે. દ્રોણનો રથ કૌરવસેનાની મોખરે છે અને પાંડવસેનાથી વીંટળાયેલો યુધિષ્ઠિરનો રથ મોખરેથી થોડો દૂર છે. દ્રોણ અને યુધિષ્ઠિર બંનેના રથ વચ્ચેનું અંતર અને બંનેની આસપાસ થઈ રહેલા કોલાહલને પરિણામે દ્રોણ અને યુધિષ્ઠિર બંનેમાંથી કોઈએ તારસ્વરમાં ઉચ્ચારેલા શબ્દો બીજાને માંડ માંડ સંભળાતા હોય, તો પણ એક બાજુએ તારસ્વરમાં ન ઉચ્ચારેલા શબ્દો બીજી બાજુ પહોંચવા શક્ય નથી. કૃષ્ણ, ભીમ, અર્જુન, બંને માદ્રેય, ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ એ બધા પાંડવાગ્રણીઓ યુધિષ્ઠિરની આસપાસ લડી રહ્યા છે, અને તે સૌને દ્રોણ તથા યુધિષ્ઠિર વચ્ચે થયેલો પ્રશ્નોત્તર સંભળાયો છે. તેમજ, દુર્યોધન, કર્ણ, કૃપ ઇત્યાદિ કૌરવાગ્રણી દ્રોણની આસપાસ લડી રહ્યા છે, અને તે સૌને દ્રોણે યુધિષ્ઠિરને પૂછેલો પ્રશ્ન અને તે પ્રશ્નનો દ્રોણને સંભળાયેલો યુધિષ્ઠિરનો ઉત્તર બંને સંભળાયા છે. અશ્વત્થામા હજૂ પણ તે બધા દેખી ન શકે એટલો દૂર ક્યાંક લડે છે.

દ્રોણ અને યુધિષ્ઠિર બંને વચ્ચેના પ્રશ્નોત્તરને હવે શરૂઆત થાય છે.

સંજય કહે છે,

स दह्यमानो व्यथितः कुन्तीपुत्रं युधिष्ठिरम् ।
अहतं वा हतं वेति पप्रच्छ सुतमात्मनः ॥ ७.१६४.९४

– મનમાં દાહ થઈ રહેલા અને વ્યથિત થયેલા તેમણે (દ્રોણે) કુંતીપુત્ર યુધિષ્ઠિરને પોતાના પુત્ર વિશે ‘अहतं वा हतं वा’ – જીવતો છે કે માર્યો ગયો – એમ પૂછ્યું.

દ્રોણ યુધિષ્ઠિરને શા કારણે પૂછવા ગયા એ વિશે સંજય કહે છે,

स्थिरा बुद्धिर्हि द्रोणस्य न पार्थो वक्ष्यतेऽनृतम् ।
त्रयाणामपि लोकानामैश्वर्यार्थे कथंचन ॥ ७.१६४.९५
तस्मात्तं परिपप्रच्छ नान्यं कंचिद्विशेषतः ।
तस्मिंस्तस्य हि सत्याशा बाल्यात्प्रभृति पाण्डवे ॥ ७.१६४.९६

– દ્રોણના મનમાં ખાતરી હતી કે આ પાર્થ અસત્ય બોલશે નહીં. ત્રૈલોક્યના ઐશ્વર્ય માટે પણ નહીં. તેથી જ, બીજા કોઈને પૂછવાને બદલે તેમણે તેને પૂછ્યું. આ પાંડવ પાસેથી તેઓને તેના બાળપણથી સત્યની અપેક્ષા હતી.

દ્રોણ યુધિષ્ઠિર પાસે બુદ્ધિપુર:સર ગયા છે. યુધિષ્ઠિર પ્રતિપક્ષમાં છે; યુદ્ધમાં જય મેળવવા માટે તે બધા પ્રયત્ન કરી રહ્યો છે; આપણને ઠાર મારવા માટે તેણે આપણા ઉપર વારંવાર હુમલા રચ્યા હતા; તેમજ, દુર્યોધનને યુદ્ધમાં જય મળે તે ખાતર આપણે યુધિષ્ઠિરને પકડી લાવવા માટે બધા પ્રયત્નો કર્યા હતા; અભિમન્યુવધમાં આપણે સારી પેઠે હાથ આપ્યો હતો; યુધિષ્ઠિરને ઠાર મારવા માટે આપણે તેના પર બ્રહ્માસ્ત્ર યોજ્યું હતું; . . . દ્રોણ આમાંની એક પણ વાત વીસર્યા નહોતા. તેમ છતાં આ બધું બાજુએ મૂકીને યુધિષ્ઠિર મને સાચી વાત કહેશે એવી દ્રોણની મનોમન ખાતરી હતી. . . . આ માણસ જૂઠું બોલે ? સાડા ત્રણ ઘડીના રાજ માટે ? તે પણ મારી સાથે ? અશક્ય !

એક માણસનો બીજા માણસ વિશે ઉચ્ચ મત આનાથી વધુ તે શું હોય !
* * *

કથાકથનમાં સંજય હવે ફરી એક વાર જાણે બીજી બાજુએ જાય છે અને દ્રોણે પૂછેલા પ્રશ્ન ઉપર પ્રતિક્રિયા તરીકે પાંડવપક્ષમાં બનતી ઘટનાઓ – તે જાણે કે યુધિષ્ઠિરના સાન્નિધ્યમાં ઉભો રહીને જોતો હોય તે રીતે – કહેવા લાગે છે.

આપણો પક્ષ ફેલાવી રહ્યો છે તે ‘अश्वत्थामा हत:’ અફવાનું ખરુંખોટું કરાવવા દ્રોણ ખુદ યુધિષ્ઠિરને પૂછવા આવશે એવું પાંડવપક્ષમાં કોઈને અગાઉ સૂઝ્યું હોત તો રણભૂમિ પર યુધિષ્ઠિર દ્રોણની આસપાસ આવી ન ચડે એવી તે સૌએ સાવચેતી રાખી હોત. તે વેળા હવે વીતી ગઈ હતી. પાંડપક્ષમાંના સૌને હવે સ્પષ્ટ છે કે દ્રોણના પ્રશ્નમાં અશ્વત્થામા નામનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય તો પણ તેમનો પ્રશ્ન તેમના પુત્ર વિશે છે, અને ભીમની ‘अश्वत्थामा हत:’ એવી બૂમો પર દ્રોણને વિશ્વાસ ન બેસવાથી આ જામી ગયેલા રમખાણમાં તેઓ તેમના સત્યવાક્ય શિષ્યને પૂછવા આવ્યા છે. તેમજ, પાંડવપક્ષમાંના સૌ એ પણ જાણે છે કે: દ્રોણ પર કૃષ્ણનો ‘યોગ’ લાગુ પડવાની દૃષ્ટિએ પ્રસ્તુત ક્ષણ નિર્ણાયક છે; દ્રોણને યુધિષ્ઠિર વતી બીજો કોઈ ઉત્તર આપે તો કામ પતવાનું નથી; ખુદ યુધિષ્ઠિરે પોતાના મુખેથી તેમને ભારપૂર્વક ‘हत:’ ઉત્તર આપવો આવશ્યક છે; ‘अहत:’ ઉત્તર તો જવા જ દો, યુધિષ્ઠિર જો ઉડાઉ ઉત્તર આપે અથવા તેમનો પ્રશ્ન સંભળાયો નથી એવો ડોળ કરીને ઉત્તર આપવાનું ટાળે તો દ્રોણ સત્ય પરિસ્થિતિ સમજી જશે અને ‘યોગ’ નિષ્ફળ જશે.

વ્યાસે યુધિષ્ઠિર સામે ઊભી કરેલી સમસ્યામાંનું નાટ્ય છક કરનારું છે. યુધિષ્ઠિરે ‘યોગ’ને હકાર આપ્યો તે વખતે જ તેને ‘યોગ’ની આવશ્યકતા અને ‘યોગ’ની ગર્હણીયતા બંને બાબતો સ્પષ્ટ હતી. પરંતુ આવશ્યક હોય તેથી કોઈ ગર્હણીય કૃત્ય કરવા માટે ‘कृच्छ्रेण’ હકાર આપવો એ એક વાત અને તે કૃત્ય પોતે કરવું એ બીજી વાત ! યુધિષ્ઠિરે હકાર આપવો અને તે હકારને આધારે બીજા કોઈએ દ્રોણને છેતરવું એને બદલે દ્રોણને છેતરવાનું કામ હવે યુધિષ્ઠિરે પોતે કરવાનું છે. વળી સત્ય આ મૂલ્ય યુધિષ્ઠિરને વિશેષ મહત્ત્વનું છે અને પોતે સત્યવાક્ય છે એ વિશે તેને બહુ અભિમાન છે; અને હવે ‘न मे वागनृतं प्राह’ એમ ભારપૂર્વક કહેનારા યુધિષ્ઠિરે જાહેરમાં પોતાની વાણી અસત્યથી બોટવાની વેળા આવી !

અસત્ય બોલવું તો આખી જિંદગી હૈયામાં જીદથી જતન કરેલા મૂલ્યો ઉપર પાણી ફરી વળવાનું છે અને અસત્ય ન બોલવું તો આખી જિંદગી જેની ઝંખના કરી તે રાજ્ય ઉપર પાણી ફરી વળવાનું છે, આવી આ પરિસ્થિતિ છે. સત્ત્વપરિક્ષા કહેવાય છે તે આ !

યુધિષ્ઠિરના મુખેથી દ્રોણના પ્રશ્નનો ઉત્તર આવતો નથી તે જોઈને કે કેમ, કૃષ્ણ હવે યુધિષ્ઠિરને સલાહ આપે છે.

યુદ્ધમાંના અહીં સુધીના યુધિષ્ઠિરના વર્તન પરથી – મુખ્યત્ત્વે તેણે ‘યોગ’ને આપેલા હકાર પરથી – કૃષ્ણને દેખાય છે કે ધર્મ અને સત્ય એ બંને મૂલ્યો યુધિષ્ઠિરના મનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં હોય તો પણ જયપ્રાપ્તિ માટે યુધિષ્ઠિર હવે તે મૂલ્યો આમળવાં તૈયાર થયો છે. કૃષ્ણને એ પણ દેખાય છે કે દ્રોણને ‘हत:’ ઉત્તર આપવાનું યુધિષ્ઠિરના મનમાં છે પણ આખી જિંદગી ધરમ ધરમ અને સત્ સત્ કર્યા પછી હવે તદ્દન અસત્ય બોલવું તેને અઘરું પડે છે. સ્પષ્ટ નકાર નહીં; પણ અનિચ્છા !

કૃષ્ણના મનમાં પણ એમ છે કે યુધિષ્ઠિર દ્રોણને ‘हत:’ ઉત્તર આપે. કૃષ્ણ સામેની સમસ્યા છે: યુધિષ્ઠિરને ‘हत:’ એ અસત્ય ઉત્તર આપવા માટે ઉદ્યુક્ત કઈ રીતે કરવો ? કૃષ્ણને સૂઝેલો ઉકેલ છે: ‘हत:’ એ ઉત્તર અસત્ય હોય તો પણ તે ઉત્તર આપવું સદ્ય:પરિસ્થિતિમાં ધર્મમાં બેસાડી શકાય છે તે તરફ યુધિષ્ઠિરનું ધ્યાન ખેંચવું, અને તે પછી યુધિષ્ઠિરના મનમાંની જયાસક્તિને તેની અનિચ્છા પર માત કરવા દેવી.

કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે,

यद्यर्धदिवसं द्रोणो युध्यते मन्युमास्थितः ।
सत्यं ब्रवीमि ते सेना विनाशं समुपैष्यति ॥ ७.१६४.९८

– હું તને ખરું કહું છું કે જો દ્રોણ હજુ અર્ધો દિવસ આ જ રીતે ક્રોધથી લડતા રહેશે તો તારી (તમામ) સેના વિનાશ પામશે.

સદ્ય:પરિસ્થિતિની ગંભીરતા યુધિષ્ઠિરના મન પર ઠસાવ્યા પછી કૃષ્ણ હવે પોતાના સાચા મુદ્દા પર આવે છે. તે કહે છે,

स भवांस्त्रातु नो द्रोणात्सत्याज्ज्यायोऽनृतं भवेत् ।
अनृतं जीवितस्यार्थे वदन्न स्पृश्यतेऽनृतैः ॥ ७.१६४.९९

– તો હવે તું જ અમારું દ્રોણથી રક્ષણ કર. (સદ્ય:પરિસ્થિતિમાં) સત્ય કરતાં અસત્ય જ વધારે યોગ્ય છે. જીવિત માટે બોલેલું અસત્ય જે બોલે છે તેને સ્પર્શતું નથી.

કૃષ્ણે આપેલી સલાહ વિશે બે બાબતો નોંધવા જેવી છે. પહેલી બાબત એ કે યુધિષ્ઠિરનો પોતાના વિશે બાંધેલો અભિપ્રાય ‘न मे वागनृतं प्राह’ એ હોય અને દ્રોણને યુધિષ્ઠિર વિશે ‘न पार्थो वक्ष्यतेऽनृतम्’ એવી ખાતરી હોય તો પણ યુધિષ્ઠિરના મુખમાંથી અસત્ય નીકળવું અશક્ય છે એવો કૃષ્ણનો મત છે એમ લાગતું નથી. કૃષ્ણ તેને તદ્દન જૂઠું બોલવાનું કહે છે ! બીજી બાબત એ કે ‘भवांस्त्रातु नो द्रोणात्’ એ યુધિષ્ઠિરે કૃષ્ણને કહેવાને બદલે કૃષ્ણ તે યુધિષ્ઠિરને કહે છે !

કૃષ્ણનું અસત્ય વિશેનું કથન લક્ષપૂર્વક વાંચવું યોગ્ય ઘટે. સત્ય બોલવું તે ધર્માજ્ઞા છે. પરંતુ તે આજ્ઞામાં કેટલાક અપવાદ છે એમ ધર્મશાસ્ત્ર જ કહે છે; અને કૃષ્ણના કથનમાંનો
अनृतं जीवितस्यार्थे वदन्न स्पृश्यतेऽनृतैः ।
આ ભાગ તે અપવાદમાં બેસે છે. પરિણામે, સદ્ય:પરિસ્થિતિમાં અમને બચાવવા માટે તું જૂઠું બોલ એ કૃષ્ણનું કથન પ્રથમદર્શને તો ધર્મને ધરીને છે એમ લાગે છે. પરંતુ કૃષ્ણ યુધિષ્ઠિર સાથે ‘યોગ’ના સંદર્ભમાં બોલે છે અને તે ‘યોગ’ મુખ્યત: જીવિત માટે ચાલી રહેલો ન હોઈને જયપ્રાપ્તિ માટે ચાલી રહ્યો છે, એ ધ્યાનમાં લેતાં કૃષ્ણના કથનમાં રહેલા છલનો ખ્યાલ આવે છે. (૮)

યુધિષ્ઠિર ધર્મજ્ઞ છે. પ્રાજ્ઞ છે. આપણા આ યુક્તિવાદથી તે છેતરાઈ જશે એવી કૃષ્ણની અપેક્ષા નથી. ખરું તો કૃષ્ણનો તેવો પ્રયત્ન પણ નથી. અહીં ક્રુષ્ણનો યુક્તિવાદ સાંભળ્યા પછી યુધિષ્ઠિરે પોતે જ પોતાની જાતને છેતરવાનું છે !

કૃષ્ણે યુધિષ્ઠિરને ‘જૂઠું બોલ !’ એમ ધર્મનું પ્રમાણ આપીને કહ્યું હોય તો પણ યુધિષ્ઠિરના મુખમાંથી ‘हत:’ શબ્દ નીકળતો નથી એ ભીમને દેખાય છે. હવે, કૃષ્ણ અને યુધિષ્ઠિર બંને આપસમાં વાત કરતા હતા ત્યારે ભીમ વચમાં બોલી ઊઠે છે. ‘हत:’ એ અસત્ય ઉત્તર દેવા યુધિષ્ઠિરને કઈ રીતે ઉદ્યુક્ત કરવો એ માટે ભીમને એક ખાસ યુક્તિ સૂઝી છે. . . . હાથી ! તે હાથી ! !

ભીમ યુધિષ્ઠિરને કહે છે,

श्रुत्वैव तं महाराज वधोपायं महात्मनः ॥ ७.१६४.१००
गाहमानस्य ते सेनां मालवस्येन्द्रवर्मणः ।
अश्वत्थामेति विख्यातो गजः शक्रगजोपमः ॥ ७.१६४.१०१
निहतो युधि विक्रम्य . . .

– હે મહારાજ, મહાત્માનો (દ્રોણનો) (કૃષ્ણે કહેલો) તે વધોપાય સાંભળી માલવ ઇંદ્રવર્માનો તારી સેનામાં સંચાર કરનારો, અશ્વત્થામા નામે વિખ્યાત, અને ઐરાવતના મોભાનો હાથી મેં યુદ્ધમાં પરાક્રમથી ઠાર માર્યો.

દ્રોણના વધોપાયમાં ભીમને કૃષ્ણનો ‘યોગ’ અભિપ્રેત છે.

ભીમે દ્રોણ પાસે જઈને પાડેલી ‘अश्वत्थामा हत:’ બૂમો સૌ પાંડવાગ્રણીઓએ સાંભળી હતી. પરંતુ તે બૂમો પાડવા પહેલાં ભીમે અશ્વત્થામા એ જ નામનો એક હાથી મારી નાખ્યો હતો એની તે સૌને કથામાં અહીં પહેલી જ વાર ખબર પડે છે. ભીમના શબ્દો સાંભળતાંવેંત તે બૂમો પાડવા પહેલાં ભીમે શા માટે તે હાથી મારી નાખ્યો હતો એ બધા સમજી ચૂક્યા છે. ભીમ આગળ શું કહેવાનો છે તેની રૂપરેખા પણ તેમને ખ્યાલમાં આવી છે.

ભીમ આગળ કહે છે,

. . . ततोऽहं द्रोणमब्रुवम् ।
अश्वत्थामा हतो ब्रह्मन्निवर्तस्वाहवादिति ॥ ७.१६४.१०२

– ત્યાર પછી મેં દ્રોણને કહ્યું, ‘બ્રહ્મન્, અશ્વત્થામા માર્યો ગયો છે; તો તમે હવે યુદ્ધમાંથી નિવૃત્ત થઈ જાવ !’

દ્રોણને છેતરવાની કોશિશ કરનારા ભીમે દ્રોણે છેતરી ગયા પછી શું કરવું તે પણ કહી દીધું છે ! ભીમના ‘निवर्तस्वाहवाद्’ શબ્દો દ્રોણ સુધી પહોંચ્યા નહોતા એમ લાગે છે.

ભીમ યુધિષ્ઠિરને આગળ કહે છે,

नूनं नाश्रद्दधद्वाक्यमेष मे पुरुषर्षभः ।

– તે પુરુષર્ષભે મારા શબ્દો પર જરા પણ વિશ્વાસ રાખ્યો નહિ.
આટલી સાચી વાત કહેવા છતાં દ્રોણે આપણા શબ્દો ઉપર વિશ્વાસ ન રાખ્યો એ ભીમને બહુ રુચ્યું નથી.
ભીમ હવે યુધિષ્ઠિરને સલાહ આપે છે. તે કહે છે,

स त्वं गोविन्दवाक्यानि मानयस्व जयैषिणः । ७.१६४.१०३

– (આપણો) જય ઇચ્છનારા ગોવિંદનું કહેવું તું માન.
ભીમે કૃષ્ણ માટે વાપરેલું ‘जयैषिन्’ એ વિશેષણ, વિશેષત: તેમાંનો जय શબ્દ બધિર કાને પડ્યો નથી.

‘गोविन्दवाक्यानि’ શબ્દોમાં ભીમને શું અભિપ્રેત છે તે આવતા શ્લોકાર્ધમાં છે.

ભીમ કહે છે,

द्रोणाय निहतं शंस राजञ्शारद्वतीसुतम् ।

– (અને) શારદ્વતીના પુત્ર વિશે તે માર્યો ગયો છે એમ તું દ્રોણને કહે/જણાવ.

શારદ્વતી એટલે દ્રોણની પત્ની કૃપી. દ્રોણ અને કૃપી દંપતીને અશ્વત્થામા એ એક જ સંતાન હતું. તેથી શારદ્વતીસુત એટલે જ દ્રોણનો પુત્ર અશ્વત્થામા.

દ્રોણને તેમનો પુત્ર માર્યો ગયો છે તે યુધિષ્ઠિર ‘शारद्वतीसुत: निहत:’ શબ્દોમાં કહે એમ ભીમ અલબત્ત કહેતો નથી. યુધિષ્ઠિરે તેમને ક્યા શબ્દોમાં જવાબ આપવો તે તે સૌને સ્પષ્ટ છે: ‘हत:’ !

ભીમ છેવટે કહે છે,

त्वयोक्तो नैष युध्येत जातु राजन्द्विजर्षभः ।
सत्यवान्हि नृलोकेऽस्मिन्भवान्ख्यातो जनाधिप ॥ ७.१६४.१०४

– હે રાજા, તારી પાસેથી તે સાંભળ્યા પછી તે દ્વિજશ્રેષ્ઠ ચોક્કસ (આગળ) યુદ્ધ કરશે નહીં; કારણ કે, હે રાજા, સત્યવાન્ એવી તારી આખા મનુષ્યલોકમાં ખ્યાતિ છે.

ભીમ યુધિષ્ઠિરને તેની સત્યવાન્ એવી ખ્યાતિને બેલાશક પોતાના લાભ માટે વાપરવાનું કહે છે !
જે કહેવું છે તે ભીમ સરખી રીતે કહી શક્યો નથી. ભીમનો મથિતાર્થ છે: કૃષ્ણ કહે છે તેમ તું દ્રોણના પ્રશ્નનો ‘हत:’ ઉત્તર આપ; એક અશ્વત્થામા ખરેખર માર્યો ગયો હોવાથી દ્રોણના પ્રશ્નનો ‘हत:’ ઉત્તર સત્ય જ હોવાનું માની શકાય છે.

દ્રોણ પાસે જઈને ‘अश्वत्थामा हत:’ બૂમો પાડતી વખતે મનમાં શરમાઈ ગયેલા ભીમનું મન યુધિષ્ઠિરને આવી સલાહ આપતી વખતે જરા પણ અસ્વસ્થ થયું નથી.

કૃષ્ણ અને ભીમ એ બંનેએ યુધિષ્ઠિરને આપેલી સલાહો સૌ પાંડવાગ્રણીને સંભળાઈ છે અને તે સલાહો કૌરવપક્ષમાંના કોઈને પણ સંભળાઈ નથી, એ કથામાં અહીં અધ્યાહાર છે.

પાંડવપક્ષનું સલાહો આપવાનું કામ અહીં પૂરું થાય છે.

અર્જુને એકેય અક્ષર ઉચ્ચાર્યો નથી.
* * *

આપણી સામે સત્ત્વપરીક્ષાની ક્ષણ આવીને ઊભી રહી છે એ યુધિષ્ઠિરને સ્પષ્ટ છે. આપણા મોંમાંથી હવે અસત્ય બહાર આવશે કે શું એ ભીતિ યુધિષ્ઠિરના મનમાં આખી જિંદગીમાં એક જ વાર ઉદ્ભવી છે, તે અહીં !

કૃષ્ણ અને ભીમ બંને આપણને ‘हत:’ ઉત્તર આપવાની સલાહ આપે છે અને તે ઉત્તર સદ્ય:પરિસ્થિતિમાં યોગ્ય શા કારણે માની શકાય તે માટે તે બંને જુદાં જુદાં સમર્થનો સૂચવે છે તે યુધિષ્ઠિરને જણાય છે. પરંતુ તેને એ પણ જણાય છે કે કૃષ્ણે સૂચવેલું સમર્થન ધર્મચ્છલ પર આધારિત છે અને ભીમે સૂચવેલું સમર્થન શબ્દચ્છલ પર આધારિત છે; અને તેથી જ તે બંનેની સલાહ માનવું તેને અઘરું પડે છે.

પેલી બાજુ દ્રોણ આપણા ઉત્તરની રાહ જુએ છે તેનો યુધિષ્ઠિરને ખ્યાલ છે. પરંતુ તેમને ‘हत:’ કહેવું કે ‘अहत: ?’ જય માટે સત્યને તિલાંજલિ આપવી ?. . . સત્યનો આગ્રહ ધરીને પરાજય માથે વહોરી લેવો ?. . . ‘हत:’ કે ‘अहत: ?’ . . . જય કે પરાજય ?

યુધિષ્ઠિરના મનમાં પરસ્પરવિરોધી વિચારોનું આ દ્વંદ્વ ચાલતું હતું ત્યારે દ્રોણ ઉપર કૃષ્ણના ‘યોગ’નો અમલ કઈ રીતે કરવો એ વિશે તેને એક ખાસ્સી યુક્તિ સૂઝે છે. . . . હાથી ! તે હાથી ! ભીમસેનનો તે હાથી !

ધર્મપુત્ર યુધિષ્ઠિર દ્રોણને વ્યાજબુદ્ધિથી ઉત્તર આપે છે તે ક્ષણ કથામાં આવી પહોંચી. આ ક્ષણ પ્રસ્તુત પ્રસંગમાંના નાટ્યનો મુકુટમણિ છે.

સંજય ધૃતરાષ્ટ્રને કહે છે,

तस्य तद्वचनं श्रुत्वा कृष्णवाक्यप्रचोदितः ।
भावित्वाच्च महाराज वक्तुं समुपचक्रमे ॥ ७.१६४.१०५

– હે મહારાજ, તેનું (ભીમનું) તે કથન સાંભળ્યા પછી, કૃષ્ણના કથનથી પ્રચોદિત (પ્રેરિત) થવાથી અને ભવિતવ્યતા તેવી હોવાથી તેણે (યુધિષ્ઠિરે) બોલવાની શરૂઆત કરી.

કૃષ્ણવાક્ય એટલે કૃષ્ણનો ‘યોગ’ કે અસત્ય બોલવા માટે તેમણે હમણાં જ આપેલી સલાહ કે તે બંને એ સંજયે સ્પષ્ટ કર્યું નથી. કથાસંદર્ભ પરથી એમ જણાય છે કે યુધિષ્ઠિર તે બંને વાતોથી ‘પ્રચોદિત’ થયો છે.

ભીમ યુધિષ્ઠિરનો સૌથી વહાલો ભાઈ છે ખરો. પરંતુ ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય એવી બાબતોમાં યુધિષ્ઠિર તેની સલાહને મન ઉપર લેતો નથી. તેથી જ કે કેમ, સદ્ય:ક્ષણે યુધિષ્ઠિર કૃષ્ણની સલાહથી ‘પ્રચોદિત’ થયો હોય તો પણ તે ભીમની સલાહથી ‘પ્રચોદિત’ થયો નથી. સંજય કહે છે કે ભીમની સલાહ તેણે સાંભળી. ભીમની સલાહમાં તેણે શું સાંભળ્યું ? . . . હાથી !

સંજય હવે યુધિષ્ઠિરે દ્રોણને આપેલો ઉત્તર અને તે ઉત્તર આપતી વખતે તેના મનમાં આવેલા વિચારો જણાવે છે. બનતી ઘટનાનું યથાયોગ્ય રસગ્રહણ થવાની દૃષ્ટિએ આ બંને બાબતો તેમના ભાવાર્થ સહિત સમજવું આવશ્યક છે. તેથી સંજયના શબ્દો ઉદ્ધૃત કરવા પહેલાં આ બંને બાબતો યુધિષ્ઠિરને કથામાં એ ક્ષણે સૂઝેલી યુક્તિના સ્વરૂપમાં વિશદ કરી છે.

યુધિષ્ઠિરને સૂઝેલી યુક્તિનો અરધો ભાગ છે: દ્રોણના પ્રશ્નનો ઉત્તર ‘हत: कुञ्जर:’ – માર્યો ગયો (પણ) હાથી ! – આ બે શબ્દોમાં આપવો. ધ્યાનમાં લેવું આવશ્યક છે કે તે ઉત્તર સો એ સો ટકા સાચો છે ! તે ઉત્તરમાં કશો ધર્મચ્છલ નથી કે કશો શબ્દચ્છલ નથી. ઊલટું યુધિષ્ઠિર તરફ થોડી ઉદારબુદ્ધિથી જોવાની તૈયારી હોય, તો તે બે શબ્દોમાં ‘(એક અશ્વત્થામા) માર્યો ગયો (છે ખરો; પણ તે તમારો પુત્ર નહીં તો તે જ નામનો એક) હાથી !’ આ બધું વાંચી શકાય; અને પછી, સત્યવાક્ય યુધિષ્ઠિર તેની ખ્યાતિ મુજબ સત્ય બોલે છે, એટલું જ નહીં તો તે મોટા મનથી દ્રોણની તેમના પોતાના પુત્ર વિશે થયેલી ગેરસમજ દૂર કરે છે, એવો તેનો અર્થ લઈ શકાય છે. તે ઉત્તરમાં આ બધું જોઈ શકાય છે એ વાત નિર્હેતુક નથી.

યુધિષ્ઠિરને સૂઝેલી યુક્તિનો બાકી રહેલો અરધો ભાગ છે: અસત્ય બોલવાનો દોષ ટાળવા માટે ‘हत:’ અને ‘कुञ्जर:’ એ બંને શબ્દો સ્પષ્ટ રીતે ઉચ્ચારવા; પરંતુ તેમાંનો ‘हत:’ શબ્દ દૂર રહેલા દ્રોણ ચોક્કસ સાંભળી શકે એટલા મોટેથી ઉચ્ચારવો અને ‘कुञ्जर:’ શબ્દ દૂર રહેલા દ્રોણ સાંભળી ન જ શકે એટલા ધીમા સૂરમાં – अव्यक्तम् – ઉચ્ચારવો ! અપેક્ષા એ કે આપણા પ્રશ્નનો સત્યવાક્ય યુધિષ્ઠિરના મુખનો ઉત્તર ‘हत:’ છે એમ દ્રોણ ધારશે અને તેનો આપણો પુત્ર માર્યો ગયો છે એવો અર્થ કરશે.

વ્યાજબુદ્ધિ આનાથી વેગળી તે શું હોય !
કથાકથનના પ્રવાહમાં સંજય આ બધું સ્પષ્ટ શબ્દોમાં કહેતો નથી. સંજયના શબ્દો છે,

तमतथ्यभये मग्नो जये सक्तो युधिष्ठिरः ।
अव्यक्तमब्रवीद्राजन्हतः कुञ्जर इत्युत ॥ ७.१६४.१०६

– હે રાજા, (એક બાજુથી) અસત્ય બોલવા ગભરાઈ રહેલા પણ (બીજી બાજુથી) જયપ્રાપ્તિ માટે આસક્ત રહેલા યુધિષ્ઠિરે તેમને ‘हत: कुञ्जर:’ એમ ‘अव्यक्तम्’ કહ્યું. (૯)

યુધિષ્ઠિર ‘हत: कुञ्जर:’ શબ્દો જે રીતે બોલ્યો હતો તે જ રીતે સંજય પણ ધૃતરાષ્ટ્રને બોલી બતાવે છે એ અહીં અધ્યાહાર છે.

ચોમેર આટલું બધું રમખાણ જામ્યું હોવા છતાં સાચું બોલવાના સ્વરૂપમાં જૂઠું કહેવાની કલ્પના યુધિષ્ઠિરને કેટલી અનાયાસે સૂઝી છે અને તે દ્રવિડ પ્રાણાયામ તેણે કેટલો કુનેહથી કર્યો છે !

દ્રોણના પ્રશ્નનો ઉત્તર તરીકે યુધિષ્ઠિરના મુખે ‘हत:’ અને ‘कुञ्जर:’ આ બે શબ્દો આવી રીતે મૂકવાની કલ્પના જેને સ્ફુરી તે પ્રતિભાશાળીને અમારા સહસ્ત્ર પ્રણામ !

યુધિષ્ઠિર દ્રોણને છેતરે છે એ દેખીતું છે. પરંતુ યુધિષ્ઠિરના ઉત્તરમાંનો ભાવ ધ્યાનમાં લઈએ તો એમ જણાય છે કે તે તદ્દન ખોટું બોલ્યો અથવા અર્ધસત્ય બોલ્યો એમ બીજા કોઈને દેખાતું હોય તો ભલે દેખાય, તેના મતે તે સત્ય જ બોલ્યો છે અને ધર્મને અનુસરીને જ વર્ત્યો છે.

પોતાના વિશે ‘न मे वागनृतं प्राह नाधर्मे धीयते मति:’ એવો મત ધરાવનારા યુધિષ્ઠિરે પોતાના મનમાં તે ઉત્તરનો ધર્મ અને સત્ય સાથે કઈ રીતે મેળ બેસાડ્યો તે વિશે વ્યાસે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. સંદર્ભ ઉપરથી એમ જણાય છે કે આપણા મોંમાંથી શું બહાર નીકળ્યું અને આપણા તે શબ્દો દ્વારા દ્રોણને શું કહ્યું ગયું, એ બંને બાબતો અલગ હોવાનું યુધિષ્ઠિર માને છે.

આપણા મોંમાથી નીકળેલા શબ્દો દ્વારા દ્રોણને તેમનો પુત્ર માર્યો ગયો એમ કહ્યું ગયું છે, તે તેને અમાન્ય નથી. એવું જ કહ્યું જાય એ તેનું ઉદ્દિષ્ટ હતું, તે પણ તેને અમાન્ય નથી. યુધિષ્ઠિરનો ગર્ભિત મુદ્દો છે: મારાથી ગમે તે કહ્યું ગયું હોય, હું સત્ય જ બોલ્યો. મેં ‘कुञ्जर:’ શબ્દ ઉચ્ચાર્યો હતો કે નહીં ! બાકી રહ્યો ધર્મ જોડેનો મેળ. પોતાના વર્તનમાં કાંઈક ગોટાળો છે એ યુધિષ્ઠિરને જણાય છે. પરંતુ તેણે તેમાં અધર્મ જોવાને બદલે કેવળ અકર્તવ્ય જોયું એમ કહી શકાય.

વનવાસને તેર મહિનામાં જ ત્રાસી ગયેલો ભીમ આરણ્યકપર્વમાં યુધિષ્ઠિરને શબ્દો સાથે આવા જ પ્રકારની રમત રમવાનો આગ્રહ કરતો હતો ત્યારે તે કરવા યુધિષ્ઠિરે તે વખતે સખત નકાર આપ્યો હતો. યુધિષ્ઠિર હવે ‘जये सक्त:’ હોવાથી તે એ શબ્દો સાથે રમત રમવા તૈયાર થયો છે એમ લાગે છે.

‘યોગ’ના સંદર્ભમાં પોતપોતાના વર્તન વિશે ત્રણે કૌંતેયોએ કરેલી પોતપોતાની સમજૂતીઓ કથામાં ગૂંથતી વખતે વ્યાસે તેમાં અતિશય સુંદર નાટ્ય ગૂંથ્યું છે. ભલે હાથી હોય, એક અશ્વત્થામા ખરેખર માર્યો ગયો હોવાને કારણે પોતે સત્ય બોલ્યો એમ માનનારો એક કૌંતેય; ભલે ને ‘अव्यक्तम्’ હોય, પોતાના મોંમાંથી ‘कुञ्जर:’ શબ્દ બહાર આવ્યો હોવાને કારણે પોતે સત્ય જ બોલ્યો એમ માનનારો બીજો કૌંતેય; અને આપણી નજર સામે બનતી વાત ગમે તેટલી ગર્હણીય હોય, પણ આપણે તે કરતા ન હોવાને કારણે આપણે તે માટે જવાબદાર નથી એમ માનનારો ત્રીજો કૌંતેય !

યુધિષ્ઠિરને પોતાના વર્તન વિશે ભલે ગમે તે લાગ્યું હોય, તે સત્યની વ્યાખ્યા સાથે રમત રમી રહ્યો છે તે વિશ્વ પાછળની શક્તિને દેખાય છે.

સંજય કહે છે,

तस्य पूर्वं रथः पृथ्व्याश्चतुरङ्गुल उत्तरः ।
बभूवैवं तु तेनोक्ते तस्य वाहास्पृशन्महीम् ॥ ७.१६४.१०७

– આ પહેલાં તેનો રથ જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલતો. પણ તેણે એમ બોલતાંવેંત તેના ઘોડાઓએ જમીનને સ્પર્શ કર્યો.

યુધિષ્ઠિરના ઘોડાઓ જોડે તેના રથે પણ જમીનને સ્પર્શ કર્યો એ અહીં અધ્યાહાર છે.

અપ્રતિમ નાટ્ય ! અપ્રતિમ નાટ્ય ! ભારતીય મન પર કોરેલું આ દૃશ્ય ગયા અઢી હજાર વર્ષો સુધી એમ ને એમ ટકી રહ્યું છે !

પુનશ્ચ સહસ્ત્ર પ્રણામ !
* * *

કથાકથનમાં સંજય હવે જાણે ફરી એકવાર બીજી બાજુએ જઈને કૌરવસેનાની મોખરે લડી રહેલા દ્રોણની સામે – જાણે તે તેમના સાન્નિધ્યમાં ઉભો રહ્યો છે એ રીતે – જોવા લાગે છે.

દ્રોણે અને તેમની આસપાસના કૌરવાગ્રણીઓએ દ્રોણના પ્રશ્નનો સાંભળેલો યુધિષ્ઠિરના મુખનો ઉત્તર છે, ‘हत:’ ! તે ઉત્તરમાં કંઈ પેચ હોઈ શકે એવો વિચાર પણ કોઈના મનને સ્પર્શ્યો નથી.

દ્રોણની પ્રતિક્રિયા વિશે સંજય કહે છે,

युधिष्ठिरात्तु तद्वाक्यं श्रुत्वा द्रोणो महारथः ।
पुत्रव्यसनसंतप्तो निराशो जीवितेऽभवत् ॥ ७.१६४.१०८

– યુધિષ્ઠિરનો તે ઉત્તર સાંભળ્યા પછી પુત્રશોકથી વિહ્વલ થઈને મહારથી દ્રોણ જીવિત વિશે નિરાશ થયા.

ઉપસંહાર તરીકે સંજય કહે છે,

आगस्कृतमिवात्मानं पाण्डवानां महात्मनाम् ।
ऋषिवाक्यं च मन्वानः श्रुत्वा च निहतं सुतम् ॥ ७.१६४.१०९
विचेताः परमोद्विग्नो धृष्टद्युम्नमवेक्ष्य च ।
योद्धुं नाशक्नुवद्राजन्यथापूर्वमरिंदम ॥ ७.१६४.११०

– આપણે મહાત્મા પાંડવોનો અપરાધ કર્યો છે એમ લાગીને, ઋષિઓના શબ્દો મનમાં આવીને, પુત્ર માર્યો ગયો છે તે સાંભળીને, અને (સામે ઊભેલા) ધૃષ્ટદ્યુમ્નને જોઈને દ્રોણનું મન ખિન્ન અને અતિશય ઉદ્વિગ્ન થઈ ગયું; અને હે અરિંદમ – શત્રુનું દમન કરનારા – રાજા, પહેલાં જેવું યુદ્ધ કરવું હવે તેમને માટે અશક્ય થયું. (૧૦)

ઋષિઓના કયા શબ્દો દ્રોણના મનમાં આવ્યા ? ‘समयो निधनस्य ते’ !

આપણે પાંડવોનો અપરાધ કર્યો છે એમ દ્રોણને શાથી લાગ્યું તે સંજયે કહ્યું નથી. કથાસંદર્ભ પરથી એમ જણાય છે કે આપણે અવળી બાજુથી યુદ્ધ કરી રહ્યાની જાણ એ તે કારણ છે.

વ્યાસે અહીં ગૂંથેલી વ્યક્રોક્તિ જુઓ: એક બાજુએ પાંડવો દ્રોણને છેતરે છે, અને બીજી બાજુએ આપણે તે મહાત્માઓનો અપરાધ કર્યો એમ દ્રોણને લાગે છે.

દ્રોણ આગળ લડી રહ્યા છે ખરા. પણ, ઋષિવાક્યને લીધે અને પુત્રવધના દુ:ખથી મનમાં પેદા થયેલી પ્રગાઢ નિરાશાને લીધે દ્રોણની વિજિગીષા અહીં અંત પામી.

આપણા સત્યવાક્ય શિષ્યે આપણને છેતર્યો એ કદી જાણ્યા વિના દ્રોણ મૃત્યુ પામ્યા છે. (૧૧)
* * *
.

[ અંત્ય ટિપ્પણીઓ ]

(૧) મહાભારતને વિવિધ દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. અમે મહાભારત એ કેવળ એક પ્રાચીન સાહિત્ય છે એ દૃષ્ટિથી જોયું છે – ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ધર્મગ્રંથ, ભગવદ્ગીતા માટેનું ચોકઠું, એવી કોઈ પણ દૃષ્ટિથી નહીં – એની વાચકોએ અવશ્ય નોંદ લેવી.

પરંપરાને અનુસરીને, મહાભારતની રચના વ્યાસે કરી છે એમ લેખમાં અમે ધારી લીધું હોય તો પણ તે કેવળ લેખનની અનુકુળતા માટે છે. મહાભારતની રચના કોઈ એક વ્યક્તિને હાથે થઈ નથી; તેની રચના અનેક વ્યક્તિઓની હાથે અનેક સૈકાઓ ચાલુ હતી, એ વિષે જાણકારોમાં હવે એકમત હોવાનું જણાય છે.

(૨) મહાભારતમાંનાં ઇતર યુદ્ધપર્વો મુજબ દ્રોણપર્વ પણ મુખ્યત્વે સંજયના મુખે છે. દ્રોણના નેતૃત્વ હેઠળ થયેલું યુદ્ધ સંજયે ધૃતરાષ્ટ્રને યુદ્ધમાં દ્રોણનું નિધન થયા પછી વર્ણવ્યું છે. ઇતર યુદ્ધપર્વો મુજબ જ સંજયે દ્રોણપર્વમાં કરેલું યુદ્ધવર્ણન યુદ્ધમાં બની ગયેલી ઘટનાઓનું છે – સદ્ય:ક્ષણે બની રહેલી ઘટનાઓનું નથી.

(૩) પ્રસ્તુત લેખમાં મહાભારતમાંનાં તરીકે ઉદ્ધૃત કરેલા સર્વ અવતરણો પુણેની ‘ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર’ નામની સંસ્થાએ સંપાદિત કરેલી મહાભારતની સંશોધિત આવૃત્તિમાંથી લેવામાં આવ્યાં છે.

(૪) સંશોધિત આવૃત્તીના (૭.૧૬૪.૫૮-૧૧૦) આ શ્લોકોનો ગુજરાતમાં મહાભારતનો જે પ્રચલિત (નીલકણ્ઠી) પાઠ છે તેમાં એક જુદો અધ્યાય પાડવામાં આવ્યો છે. એ અધ્યાયનું તે પાઠમાંનું નામ છે: ‘युधिष्ठिरासत्यकथनम्’ – યુધિષ્ઠિર અસત્ય કથે છે. કથા દૃષ્ટિએ આ ભાગ વિશેષ મહત્ત્વનો હોવાને કારણે, લેખમાં તે સવિસ્તર વિશદ કરવામાં આવ્યો છે.

(૫) કૃષ્ણે કથામાં આગળ ઉપર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે: ભીષ્મ, દ્રોણ, કર્ણ, ભૂરિશ્રવા અને દુર્યોધન એ યોદ્ધાઓ પૈકી કોઈને પણ યુદ્ધમાં ધર્મસંમત માર્ગે મારી નાખવું અશક્ય હતું અને તેથી મેં તેમના વધ માટે વિવિધ ‘ઉપાયો’ આયોજ્યા હતા; અન્યથા પાંડવોનો જય થયો ન હોત. જુઓ: (૯.૬૦.૫૫-૬૩).

(૬) ઉદાહરણાર્થ: પ્રસ્તુત પ્રસંગે આગળ ઉપર કૃષ્ણે યુધિષ્ઠિરને આપેલી સલાહ. જુઓ: (૭.૧૬૪.૯૮-૯૯).

(૭) કથામાં પછીથી બનેલી ઘટનાઓને આધારે કાઢેલા આ નિષ્કર્ષો છે. રણભૂમિ ઉપર સદ્ય:ક્ષણે કોણ કઈ જગ્યાએ છે તે સંજયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી.

(૮) અશ્વત્થામાના નારાયણાસ્ત્રને લીધે પ્રસ્તુત પ્રસંગે આગળ ઉપર ખરેખર પાંડવપક્ષના પ્રાણ પર વીતી છે અને તે સમયે યુધિષ્ઠિરે આખી સેનાને લડાઈ બંધ કરી ઘેર પાછા જવાની આજ્ઞા આપી છે; (૭.૧૭૦.૨૬-૨૮).

(૯) નાટ્યપૂર્ણ સંક્ષિપ્તતાની ઉમેદમાં આ શ્લોકના ઉત્તરાર્ધની રચના જોઈએ તેટલી અસંદિગ્ધ થઈ નથી. પરંતુ ‘अव्यक्तम्’ વર્ણન યુધિષ્ઠિરના મુખના બે શબ્દો પૈકી ‘हत:’ શબ્દને લાગુ પડતું નથી એ ધ્યાનમાં લેતાં તે વર્ણન તેણે ‘कुञ्जर:’ શબ્દ કઈ રીતે ઉચ્ચાર્યો તે વિશેનું છે એ માન્યામાં આવે છે. ‘अव्यक्तम्’ શબ્દનો અર્થ છે – ‘અસ્પષ્ટ’. પરંતુ દ્રોણવધ પછી થયેલા વિતંડાવાદમાં અર્જુને યુધિષ્ઠિરના મુખમાંથી નીકળેલા બંને શબ્દો ઉદ્ધૃત કર્યા છે, તે પરથી યુધિષ્ઠિરે ‘कुञ्जर:’ શબ્દ – ભલે ધીમે સૂરે હોય તો પણ – ઉચ્ચાર્યો હતો એમ માનવું પડે છે.

(૧૦) અહીં ‘युधिष्ठिरासत्यकथनम्’ અધ્યાય પૂરો થાય છે.

(૧૧) ‘ગ્રંથાલી’એ પ્રકાશિત કરેલા અમારા મરાઠી પુસ્તકમાં દ્રોણવધનું વિવેચન અને રસગ્રહણ કરનારો એક વિસ્તૃત લેખ છે. પ્રસ્તુત લેખ તે લેખના એક ભાગનો અનુવાદ છે. આ અનુવાદ ‘શબ્દસૃષ્ટિ’ માસિકના માર્ચ:૨૦૧૦ અંકમાં પ્રગટ થયો છે: (પાનાં: ૭૪-૯૨).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “નરો વા કુઞ્જરો વા – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.