તોલમાપની માયાજાળ – મૌલેશ મારૂ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી મૌલેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.]

મારા જન્મ પછી હું સમજણો થયો ત્યાર થી તોલ અને માપ મને હમેશા મૂંઝવતારહ્યા છે. કોઈ પણ વસ્તુ લાવવાની હોય ત્યારે બે વસ્તુ મને હમેશા ગૂંચવણ ઉભી કરે , એક તો વસ્તુનું માપ અને બીજી તે માપ ને અનુરૂપ દામની ચૂકવણી . અમારા જમાનામાં એટલેકે આજથી લગભગ ૬૦ વર્ષ પહેલા તોલ માપમાં આજના જેવી સરળતા નહોતી. અનાજ જેવી વસ્તુઓ કે જે વજનમાં લેવાની હોય તેને માટે વજનનું માપ અધોળ, નવટાંક, શેર, મણ વગરે હતું. તેમની વચ્ચેનો સંબંધ પણ જલદી યાદ ન રહે. ૧ મણ એટલે ૪૦ શેર , નવટાંક શેરનો ચોથો ભાગ અને અધોળ નવટાંકથી અર્ધું. આ સંબધ ઓછા હોય તેમ ચલણમાં રૂપિયા, આના, પૈસા ચાલે તેમની વચ્ચેનો સંબંધ પણ વિચિત્ર. ૧ રૂપિઓ એટલે ૧૬ આના અને ૧ આનો એટલે ૪ પૈસા. આવા વિચિત્ર સંબંધો ઓછા હોય તેમ વજનમાં બંગાળી મણ અને શેરનું અસ્તિત્વ પણ ખરું કે જેનું મૂલ્ય સામાન્ય શેર અને મણ કરતા બમણું હોય. આટલું વાંચીએ ત્યાંજ ચક્કર આવવાની શરૂઆત થઇ જાય તો તેનું પાલન કરી ને રોજબરોજ ની વસ્તુ લાવવાની હોય તો કેવી સ્થિતિ થાય ?

વસ્તુ લાવવાની જવાબદારી ઓછી હોય તેમ નિશાળમાં ભણવામાં પણ આ જ વાત આવે, અને કોઈ પણ સમયના શિક્ષકો વિદ્યાર્થીઓને ગૂંચવવામાં જ આનંદ અનુભવતા હોય છે ! (જો કે આ માન્યતા મોટાભાગના વિદ્યર્થિઓની છે ) એટલે ગણિતના શિક્ષક પ્રશ્ન પણ એવા પૂછે કે માનસિક સ્થિતિ બેહાલ થઇ જાય. કેટલાક સવાલોના જવાબો યુક્તિ પૂર્વક અને તાત્કાલિક આપવાના હોય, તેને એ જમાનામાં “પલાખાં” તરીકે ઓળખવામાં આવતા. પલાખાંના જવાબ માટેની ચાવી તમને આવડે તો શિક્ષક પ્રશ્ન પૂછે તે સાથે જ તેનો ઉત્તર તમે આપી શકો. આવી એક પ્રખ્યાત ચાવી હતી “જેટલા રૂપિયે મણ એટલા આનાનું અઢી શેર” મને પહેલી વખત આ ચાવી મળી ત્યારે એકદમ રાજી થયેલો અને ત્યાર પછી પૈસા અને વજન વચ્ચેના જુદા જુદા સંબંધો શોધવાની મને આદત પડી ગયેલ અને મેં તેમાં સરસ પ્રગતિ પણ કરેલ.

દૂધ જેવી પ્રવાહી વસ્તુ લાવવામાં પણ આવા જ ગૂંચવાડા ઉભા થાય. મને મારા બાળપણનો એક કિસ્સો યાદ આવે છે. ભારતની બહાર જન્મેલા અને ઉછરેલા અમારા એક સગા અમારે ત્યાં મહેમાન તરીકે આવેલા. સવાર ના મારા માતુશ્રીએ મને દૂધ લઇ આવવાનું કહ્યું.
મેં તેમને પૂછ્યું કે કેટલું લાવવું છે ?
મારા માતુશ્રી કહે : ૪ ડબ્બા.
અમારા મહેમાન આ વાત સાંભળીને આશ્ચર્ય ચકિત થઇ ગયા અને પુછવા લાગ્યા કે આટલું બધું દૂધ લાવીને શું કરશો ? અને એટલું દૂધ મજૂર મારફત મંગાવવું પડશે. તેમને જયારે સમજાવ્યું કે ૧ ડબ્બો દૂધ એટલે લગભગ ૧૦૦ મિલીલીટર થાય ત્યારે તેમના મુખ પરના ભાવ મને આ જ પણ યાદ છે.

દૂધ ની વાત પરથી મને બીજી પણ એક વાત યાદ આવેછે. એક વાર હું બહાર જતો હતો ત્યારે મારી મોટી બહેન મને કહે કે ગામમાં જાય છે તો મારા માટે બે ત્રણ જુદા જુદા રંગની બંગડી લેતો આવજે. મેં કહ્યું લેતો આવીશ પણ મને તમારું બંગડી નું માપ તો આપો. તો કહે “સવા બે આની” ગાળાના માપની લાવજે. બંગડીનું આ માપ મને ક્યારેય સમજાયું નથી. સવાબે આની એ બંગડીની ત્રિજ્યા, વ્યાસ, પરિઘ, ક્ષેત્રફળ તેમાંથી શું છે ? એ જ સમજાતું નથી. છતાં એટલું સત્ય છે કે આજે પણ બંગડીનું આ માપ અસ્તિત્વમાં છે અને બીજા કોઈને સમજાય કે નહિ પરંતુ વેચનાર અને ખરીદનારએ બન્નેને સમજાય છે .

આ બધા માપ હવે તો ચલણમાં નથી ફક્ત મારા જેવા વડીલોની યાદમાં જ છે. હાલમાં ઉપયોગી પધ્ધતિમાં થોડીક સરળતા છે. આમ છતાં અંતર, લંબાઈ વગેરેમાં બે પધ્ધતિ અસ્તિત્વમાં છે. જેમ કે અંતર ને કિલોમીટર, મીટર, સેન્ટિમીટર વગેરેમાં માપી શકાય. તેવી જ રીતે ફૂટ, ઇંચ વગેરેમાં પણ માપી શકાય છે . જયારે આ બન્ને પ્રકાર વચ્ચે સંબંધ મેળવવાનો હોય ત્યારે ગડબડ ઉભી થાય છે, તે આપણો અનુભવ છે. હાલ માં વપરાતાં ફૂટ, ઇંચ વગેરેનો ઈતિહાસ બહુ જૂનો છે. પ્રારંભમાં પુરુષના હાથના અંગુઠાની પહોળાઈને ૧ ઇંચ ગણવામાં આવતું. ૧૪ મી સદીમાં ઇંગ્લેન્ડના રાજા એડવર્ડે તેમાં સુધારો કરી જવ ના ત્રણ દાણાને લંબાઈ ની સાપેક્ષમાં ક્રમમાં ગોઠવીને મળતાં અંતર ને ઇંચ ગણવાનું ઠરાવ્યું, આ જ રીતે બીજા માપમાં પણ રસદાયક ઈતિહાસ છે. વજન કિલોગ્રામ, ગ્રામ વગેરે અને પાઉન્ડમાં મપાય છે. જો કે આમાં સંબંધ મેળવવાના પ્રસંગો કોઈક વાર જ ઉપસ્થિત થાય છે. રૂપિયાનું પણ ચલણ બદલાયું અને નવા પૈસા અસ્તિત્વ માં આવ્યા . ૧ રૂપિયો =૧૦૦ નવા પૈસા. જો કે આ સરળ પદ્ધતિનો અમલ થયો ત્યારે શરૂઆતમાં નવા પૈસા અને જૂના રૂપિયા, આના વચ્ચેનો સંબંધ પણ મેળવવો પડતો. જેમ કે જૂના ચાર આના એટલે નવા ૨૫ પૈસા અને એક આનો એટલે ૬ પૈસા. જો કે અત્યારે આ વાત હાસ્યાસ્પદ લાગે પણ ત્યારે એ ખૂબ જરૂરી લાગતું. શા માટે એ મને આજે સમજાતું નથી. કદાચ નવી વસ્તુ ને જલદી ના સ્વીકારવી એ મનુષ્યની માનસિકતા ને લીધે જ આવું બનતું હશે ?

અત્યારે સોનું એવી વસ્તુ છે કે જેમાં જૂનું માપ “તોલો” અને નવું માપ “ગ્રામ” બન્ને ઉપયોગમાં લેવાય છે . જોકે સોનાના બીજાં જૂના માપ “વાલ” અને “ગદિયાણો” છે. સોનાના આ માપ મને ક્યારેય સમજમાં નથી આવ્યાં, પણ પેલી જૂની વાર્તા યાદ આવે છે કે જેમાં હડીયાણાના હુરબાઈ નામના બેન કે જેમને સોનાના માપમાં કશી સમજણ પડતી નહિ, પરંતુ વાતો એવી રીતે કરે કે જાણે તેમને બધી જ ખબર પડતી હોય અને દરેકને ભ્રમ માં રાખીને સોની પર ખુબ દબાણ કરે. આથી ગામના સોની કંટાળીને ગામ છોડીને ચાલવા માંડ્યા. હુરબાઈને આ વાત ની ખબર પડી એટલે દોડતી દોડતી સોનીની પાછળ ગઈ અને કહેવા લાગી કે ભાઈ જતા જતા મને એટલું કહેતા જાવ કે “વાલ મોટો કે ગદિયાણો ?” ત્યારથી સમજ્યા વગરની વાત કરતા લોકો માટે ઉક્તિ શરુ થઇ કે “હડીયાણાની હુરબાઈ ડાહી, વાલ મોટો કે ગદિયાણો?”

જો કે આધુનિક યુગમાં કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતા બીટ , બાઈટ, કે.બી. , એમ.બી. , જી.બી. એકમો પણ ગૂંચવણ ઉભી કરે તેવા છે. તેમાં ૧ બાઈટ =૮બીટ ,૧૦૨૪ એમ.બી =૧જી.બી.એવા વિચિત્ર સંબંધો હોવા છતાં પણ સંતોષ એટલો છે કે આ ગૂંચવણ આપણને સીધી અસરકારક નથી , કમ્પ્યૂટર પોતાની રીતે ગણત્રી કર્યા કરે છે .

તોલ અને માપ ની માયાજાળ ખૂબ વિસ્તરેલ છે . સાહિત્યકાર અને કવિઓ પણ એમાં પાછળ નથી , એક કવિએ કહ્યું છે કે,

“ખોબો ભરીને અમે એટલું હસ્યાં,
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં”

કવિએ હસવા માટે માપ શોધી કાઢ્યું. તેમના કહેવા મુજબ હાસ્ય “ખોબા” થી મપાય !! આપણને પ્રશ્ન થાય કે એક ખોબો હાસ્ય એટલે કેટલું ? તેને સમય સાથે સાંકળી શકાય જેમકે માણસ એક મિનિટ હશે એટલે એક ખોબો હાસ્ય હસ્યો તેમ ગણવું .જો કે તેમાં પણ પ્રશ્ન થાય કે હાસ્ય માટે મુખ કેટલું ખુલ્યું તે પણ ગણત્રીમાં લેવું પડે. રોવા માટે કદાચ કૂવો ચલાવી લેવાય, અલબત્ત કૂવો ખૂબ મોટો એકમ કહેવાય. આવું જ કંઈક બીજા એક કવિએ સમય ની સાપેક્ષમાં કહ્યું છે…..

“હોઠ હસે તો ફાગણ ગોરી, આંખ ઝરે તો સાવન.
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવન જાવન.”

કવિના માનવા પ્રમાણે જો “ગોરી” હાસ્ય કરે તો ફાગણ મહિનો અને રુદન કરે તો શ્રાવણ મહિનો છે એમ તેણીના જુદા જુદા હાવ ભાવ મુજબ મોસમ બદલાય છે. પેલો “સમય” જે આવન જાવન કરે છે તે મિથ્યા છે. સમયને પણ મિથ્યા ગણાતા આ કવિને આપણને મર્મ માં પૂછવાનું મન જરૂર થાય કે ગોરીના હાસ્યમાં જે ફાગણ મહિનો આવે છે તેમાં ફાગણ સુદ પૂનમ (હોળી) પણ ખરીને ? એવી રીતે એક બેન નો સાંવરિઓ એટલો ઉદાર કે બેન માંગે તેનાથી ઘણું વધારે આપે…..

સાંવરિઓ રે મારો સાંવરિઓ,
હું તો ખોબો માગુંને દઈ દે દરિયો.

સ્ત્રી માંગે અને પુરુષ તેને કેટલું આપે છે એ તેમની અંગત વાત છે. પરંતુ એક વાત તો નક્કી છે કે વસ્તુ હોય કે હાવભાવ… કવિઓને “ખોબા”માં માપવું વધારે ફાવે છે. ખોબો કદાચ ચોક્કસ માપના આપે તોપણ આપવાના આનંદની અનુભૂતિ તો ચોક્કસ આપે છે. એટલેજ આપણા પવિત્ર પ્રસંગોએ આપણે વસ્તુઓ ખોબે ખોબે આપીએ છીએ. એનો અર્થ એમ પણ હોય કે અમે વસ્તુ આપવા માંગીએ છીએ માપ્યા વગર !!! અને એટલેજ ઉપરના ઉદાહરણોમાં જો આપણે કવિને પૂછીએ કે આ બધાનો અર્થ શું છે ? તો કવિ આપણને જરૂર જવાબ આપે કે આ સમજવા માટે વિજ્ઞાનનો અભિગમના ચાલે. કેટલીક વસ્તુઓને સમજવા માટે વિજ્ઞાનથી પર એવી મનની દ્રષ્ટિની જરૂર પડે છે .

વસ્તુ ઘન, પ્રવાહી કે વાયુ એમ કોઈ પણ સ્વરૂપે હોય અને તેનું માપ લેવું હોય તો તેને કોઈ પ્રમાણભૂત માપ સાથે સરખાવવું પડે છે જેમકે ૧ કિલો અનાજ જોખવું હોય તો ત્રાજવામાં એક બાજુ ૧કિલોનું વજન મુકવું પડે અને બીજી બાજુએ અનાજ મુકવાનું. ત્રાજવાના બન્ને પલ્લાં સમતોલનમાં રહે એટલે ૧ કિલો વજન તોળાઈ ગયું એમ કહેવાય. આ ઘટના પરથી જ આપણા વડીલો આપણને તોળી તોળીને બોલવાની સલાહ આપતા. આપણને જરૂર પ્રશ્ન થાય કે આમાં તોળવાનું શું ? અહી એક પલ્લામાં વિચાર અને બીજા પલ્લામાં પરિસ્થિતિ રાખીને એવી રીતે બોલવાનું કે જેથી પરિસ્થિતિ સંતુલિત રહે. ટૂંકમાં પરિસ્થિતિ બગડે નહિ એનું નામ જ તોળી તોળીને બોલવું .

વાસ્તવમાં મનુષ્ય જન્મે ત્યારથી બે વસ્તુ તેની સાથે સંકળાયેલી હોય છે. પ્રકૃતિ અને પરમાત્મા. આપણી સાથે સ્થૂળ રીતે પૃથ્વી અને પૃથ્વીનું વાતાવરણ ઉપરાંત સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહો ઉપગ્રહો આ બધા પ્રકૃતિના સ્વરૂપો છે, તેને આપણે રોજબરોજ અનુભવીએ છીએ અને છતાં આપણને લાગે છે કે આ બધાથી કંઈક જુદું તત્વ મારામાં છે અથવા હું છું. આ હું એટલે “આત્મા’. આપણા શાસ્ત્રો કહે છે તે મુજબ આ આત્મા એ વળી પરમાત્માનો અંશ છે. પરમાત્મા એ આ બધાનું સર્જન કર્યું છે. આપણે રોજબરોજ ની વસ્તુઓને માપીએ જોખીએ અને ત્રાજવાને સમતોલનમાં રાખીએ ત્યારે એટલું જ વિચારવાનું કે મારે મારા જીવનને એવી રીતે જોખીને તોળી ને રાખવાનું છે કે પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચે બરાબર સંતુલન જળવાઈ રહે અને મારું આત્મ સ્વરૂપ પરમાત્મા ને પામી શકે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નરો વા કુઞ્જરો વા – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર
વાચકોની કૃતિઓ – સંકલિત Next »   

14 પ્રતિભાવો : તોલમાપની માયાજાળ – મૌલેશ મારૂ

 1. mmbhatt says:

  આ લેખે મને બહુ કન્ફુસ કર્યો ભૈ બહુ થયુ.વાન્ચવાનિ મઝા આવિ મહેન્દ્ર ભટ્ટ

 2. payal says:

  માપ ની માયાજાળ!! રસપ્રદ લેખ!

 3. Amdavadi says:

  આ લેખ વાન્ચવાનિ મજા આવિ… પન મને જે મજા આવિ એને માપવિ અશક્ય છ્હે.. ખુબ મજા આવિ

 4. Tejendra H. Gohil says:

  સરસ લેખ છે. માપી માપી ને લખ્યું છે.

 5. બી.એમ.છુછર says:

  તોલમાપના અઘરા વિષયને ગાણિતિક, સાહિત્યિક અને આધ્યાત્મિકતાના મણકામા સુંદર રીતે પરોવતો લેખ.

 6. બી.એમ.છુછર says:

  તોલમાપ જેવા અઘરા વિષયને ગાણિતિક, સાહિત્યિક અને આધ્યાત્મિકતાના મણકામા સુંદર રીતે પરોવતો સુંદર લેખ.

 7. Amrutlal Hingrajia says:

  ફર્લાંગ,માઈલ,જોજન, પ્રકાશવર્ષ- હંદ્રવેટ,ક્વાર્ટર,ટન-મુઠ્ઠી,વેંત,હાથ વગેરે રહી ગયા.ફરી લખો ત્યારે બનેતો યાદ રાખજો !
  મજા આવી.

 8. P.K.Davda says:

  બહુ સરસ. બહુ જ સરસ.

 9. CD VORA says:

  મને મજા આવી હું પણ આવા તબક્કાઓમાંથી વરસાદ થયો છું 19૫૭ ૫૮ માં નવૂ ચલણ અમલમાં આવતાં મારા બચપણના દિવસોમાં પૈસા ગણવા માં બહુ તકલીફ પડતી હતી ઉપરાંત સ્કૂલમાં પણ જે-તે સમય આણ પાણ ના દાખલા પણ આવતા નિશાળ માં પણ બરોબર સમજાવતા નહોતા કે પછી સમજાતું નહોતું પણ એ મુશ્કેલ તબક્કો એક વર્ષ માટે રહ્યો પછી ધીમે ધીમે નવા ચલણથી વહેવાર કરવાની આવડત આવી ગઈ વાલ અને ગદીયાણા અંગેની સમજણ કોઈ દિવસ પડી નહીં અને હવે પડશે પણ પડશે પણ નહીં તેવું લાગે છે asus support

 10. Kalidas V.Patel { Vagosana } says:

  મારૂસાહેબ,
  શબ્દોને તોળી તોળીને મજાનો લેખ આપ્યો.
  જો કે ઘણાં જૂનાં માપનો નિર્દેશ રહી ગયો.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Kalidas V. Patel {Vagosana} says:

   સોની સાહેબ,
   ૪૦ શેર = ૧ મણ થાય છે.
   … પરંતુ બંગાળ રાજ્યમાં , ૮૦ શેર = ૧ મણ ગણાય છે !
   કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 11. Keeran paarikh says:

  Please add my email address to send me your further Gujarati writings. Like all Gujarati writing.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.