વાચકોની કૃતિઓ – સંકલિત

[1] સ્પેસ – તેજેન્દ્ર ગોહિલ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી તેજેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejendragohil81@gmail.com સંપર્ક કરી શકો છો.]

એક સમયે એકબીજાની સાથે રહેવા માંગતા લોકોને આજે એકબીજાથી દૂર રહેવાના ઉપાયો શોધતા જોયા છે. ત્યાં મને વિચાર આવ્યો કે, પ્રેમ લગ્નમાં પરિણમ્યા પછી લગ્નમાં પ્રેમ ના રહે તો શું કરવું ? સાથ માટે તરસતા લોકો આજે મળે છે તો પણ માત્ર ઝગડો કરવા !!

“જ્યાં પહોંચવાની ઝંખના વર્ષો થી હોય
મન પહોચતાજ પાછું વળે એમ પણ બને.”

મનોજ ખંડેરિયાનો આ શેર મેં લગભગ 13-૧૪ વર્ષ પહેલા સાંભળેલો ત્યારથી લઇ આજ સુધી મારા ગમતા શેર માંથી એક છે. પણ તેનો સાચો અર્થ જયારે પણ વિચારવા કે સમજવા માટે પ્રયત્ન કરું તો દર વખતે નવો જ લાગે. માગ્યું તે મળ્યું પણ મળ્યા પછી તેને માણવા માટે મન જરૂરી છે. મનપસંદ વસ્તુ કે વ્યક્તિ મેળવ્યા બાદ શું ? (જેમ કોઈ ગેઈમના બધા લેવલ પાર કાર્ય બાદ અનુભૂતિ થાય છે તેમ) જે મળ્યું છે તેને થોડા સમય માટે છોડવું જરૂરી છે. જેમ પતંગને ઉપરને ઉપર ચગાવવો હોય તો તેને થોડા સમય માટે ઢીલ આપવી જરૂરી છે. તેમ સબંધને સાચવવા માટે પણ થોડી ઢીલ આપવી જરૂરી છે. આવી વાત ને એક મજાકથી સમજી શક્યો છું.

શેઠ જીવડા ખાય છે.
શેઠજી વડા ખાય છે.

બંને વાક્યોમાં યોગ્ય સ્પેસની જરૂર છે. જે ઘરની આસપાસમાં જોવા ના મળે તે Google space જોવા મળે છે. કદાચ એટલા માટે જ ‘સ્પેસ પ્રોગ્રામ’ બનાવાય છે. સંબંધ અને સેન્ટન્સમાં સાચી સમજણ માટે થોડું એકાંત જરૂરી છે. પણ જેમ કુશળ લેખક યોગ્ય ચિન્હ અને સ્પેસથી યોગ્ય વાક્ય લખી શકે તેમ તેનું મહત્વ દર્શાવી શકે છે. એટલે સ્પેસ મુકવી એક કળા છે. મારા ઘણાં વિદ્યાર્થીઓ મારા ફૂરસદના સમયમાં બોલતા હોય છે કે “મને કોઈ સમજી શકતું નથી.” ત્યારે હું તેને પુછુ છું કે ‘તું કેટલા લોકોને સમજી શકે છે? તારા માટે ઢસરડા કરતા મા-બાપને સમજી શક્યો છું ?’ (આમ પણ, ભૂલો મારાથી નથી થતી, તે તો આગળ વાળાએ બરોબર વાંચ્યું નહતું , સાવ આળસુ !!) ફેઈલ થતા વિદ્યાર્થીઓ પણ આમ જ કહેતા હોય છે. કોઈ મારા સુધી પહોંચી ના શક્યું તેના કરતા હું કોઈ સુધી કેમ ના પહોંચી શક્યો તે સવાલ મારી જાતને પૂછવો પડે છે.

વેકેશનમાં છોકરાથી માંડીને મા-બાપ બધાને સ્પેસની જરૂર છે. પ્રેમીઓને તેમનો પ્રેમ ત્યારે જ યાદ આવે છે જયારે તે તેનાથી લાંબો સમય દૂર હોય પણ લાંબા સમયથી પાસે હોય તો ……!!!!!! બસ ફરિયાદો…જ ફરિયાદો…..
તું પહેલાની જેમ મળતી નથી કે…
તું પહેલાની જેમ મને ફોન કરતો નથી…
મારો ફોન તને રીસીવ કરવાનો સમય નથી…

એક સમયે એક-બીજામાં ખોવાઈ જવાની ઈચ્છા રાખતા લોકો એકબીજાથી છુપાવવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે બંને વચ્ચે યોગ્ય સ્પેસ નથી. અહીં પણ મનોજ ખંડેરિયાનો શેર મૂકી શકાય :

“જે શોધવામાં ઝીંદગી આખી પસાર થાય,
ને એજ હોય પગની તળે એમ પણ બને.”
.

[2] એ ચાહ પર ચશ્માં પડ્યા… – જયરાવ જણસારી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી જયરાવભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jayrav.jansari@gmail.com સંપર્ક કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે આ તેમની પ્રથમ કૃતિ છે. લેખનક્ષેત્રે તેઓ ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ.]

‘અરે આને કોઈ લખતા શીખવો, ક્યારેય ચશ્માં ચાહ પર પડે ખરા !…. કેવા કેવા લોકો પોતાને લેખક માને છે ! બસ હાથમાં પેન પકડી અને શબ્દો ટપકાવ્યા એટલે લેખક થવાતું હશે, ગગા’… આ વાંચ્યા પછી આવું વિચારવું સ્વાભાવિક છે. પણ અહીં લખેલું ફક્ત વાંચવા કરતાં સમજવાની જરૂર છે. આ વાક્ય બે ઘડી ધ્યાન આપવા માટે જ લખાયું છે. આવું વાક્ય આપણે ક્યારે ઉચ્ચારીયે છીએ ? કઈ પરિસ્થિતિમાં બોલીએ છીએ ? એ જ કે જયારે આપણે કોઈ કામમાં મશગુલ હોઈએ અથવા પરોવાયેલા હોઈએ, કેમ કે જયારે અનાયાસે કોઈ ઘટના બને જેવી કે પાણી ઢોળાવવું…. ત્યારે એકદમ મોંમાંથી નીકળી જાય કે એ ગ્લાસ ઢળ્યો. પણ ખરેખર પાણી ઢળ્યું હોય છે.

આ વાક્ય ભલે રમૂજ ઉપજાવે પણ તેનો મર્મ જાણવો જરૂરી છે જે આપણા રોજીંદા જીવનને સીધો સ્પર્શે છે. મિત્રો આજના યુગમાં જેટલું બૂકનું મહત્વ નથી તેટલું ફેસબૂકનું વધારે છે. વળી પાછા ફોન બનાવતી કંપનીઓએ ટચ સ્ક્રીન અને ફેસબુકની સંયુક્ત સુવિધા આપી છે. એટલે કોઈ પણ વ્યક્તિ એકલપંથો હોઈને ફોનની અંદર જ પરોવાયેલો રહે છે. તેમને તેમની આસપાસ કોણ છે, કેમ છે, એના કરતાં આંગળીના વેઢાથી ટચસ્ક્રીન પર રચાતા સંબંધોમાં વધારે રસ છે. સ્નાન કરીને નીકળે તો પણ સ્ટેટ્સ અપડેટ કરે ! ગમે તે સ્થિતિમાં પણ સ્ટેટ્સ અપડેટ તો કરવાનું જ !

આ બધું શું છે ? આ બધામાં આપણે નજીકના સંબંધોને અવગણ્યા અને એટલા એકલા થઈ ગયા કે આપણા સિવાય બીજું કોઈ દેખાતું નથી. આજે મનને ઠાલવવું હોય તો લોકોને કોઈનો ખભો નહીં પણ કમ્પ્યુટરનો ખોળો જોઈએ છે ! આ બધી સુવીધા સારી છે પણ તેનો અતિરેક થઈ રહ્યો છે. આ સુવિધાઓની અવગણના ક્યારે કરવી તેનો ખ્યાલા જ નથી. આજનો યુવાવર્ગ સગવડીયો થયો છે. સહેજ પણ અગવડતાથી તે આકુળ વ્યાકુળ થઈ જાય છે. તેઓ એવું નથી સમજતા કે સુવિધા તેમના માટે છે, તે સુવિધા માટે નથી. કાંઈ હોય કે જેનાથી નવું જણાય તો ચોક્કસ તેમાં ચિત્ત પરોવું જોઈએ પણ એટલી હદે નહિ કે તેનાથી આપણે આપણા મિત્રો, માતાપિતા દરેકને અવગણીએ અને માત્ર આપણો અહમ, આપણા પુર્વગ્રહો ને જ આપણે સાચા માનીએ. આપણા ખોટા ખ્યાલો, અધીરા નિર્ણયો, કાગળ જેવા સંબંધો અને ધુમાડા જેવો વિશ્વાસ એ લક્ષણો છે આજની પેઢીના.

એ લોકો એવું સમજે છે કે તૂટેલા સંબંધો તૂટેલી રકાબી જેવા છે તેને જોડી દેવાથી તે ફરી તાજો થાય છે પણ તેઓ એ ભૂલી જાય છે કે તેમાં રહેલી તિરાડ તેની ચડી ખાય છે. આજના યુવાનની સંબંધ વિશેની માન્યતા તેને સમજણ સાથે ઉછેરવાની નહિ પણ તેનાથી ફાયદો કેવી રીતે મેળવવો તેની છે. તે સંબંધોની ઊંડાણને સમજતો નથી કે તેને તોડતા વિચારતો નથી. પછી નિસાસો નાખીને તે જ તિરાડ ભરેલા સંબંધોને દોષ આપે છે. આજે વ્યક્તિ સમજણમાં ઉણો ઉતરે છે. તેને લોકોની વાત મહેણાં વધારે લાગે છે. આજે તેણે વર્ચુઅલ દુનિયાનો વ્યાસ વધાર્યો છે અને તેની સાથે સાથે તેણે વાસ્તવિક દુનિયાની ત્રિજ્યામાં ઘટાડો કરવા માંડ્યો છે પણ તેણે ક્યારેક તો આ વાસ્તવિકતાની ત્રિજ્યાનો વ્યાસરૂપી છેડો તો ઓળંગવો જ પડશે પરંતુ ત્યારે એ છેડા પર તેને ટેકો આપવા માટે કોઈ હશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે….

માટે જ ઉપરનું વાક્ય જીવન, સંબંધ અને સમજણ – આ ત્રણ શબ્દોના એકાકાર માટે જ વાપરવામાં આવ્યું છે માટે તેને લખાણની ભૂલ નહિ પણ સમજણની નવી વૃત્તિ તરીકે જોવું રહ્યું. છેલ્લે જતાં જતાં એક રમૂજી વાક્ય યાદ આવે છે : ઓરેન્જ અને એપલમાં તફાવત શો ?…. સિમ્પલ છે….. ઓરેન્જનો કલર ઓરેન્જ હોય છે જયારે એપલનો એપલ નથી હોતો !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “વાચકોની કૃતિઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.