વાર્તારસ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’માંથી સાભાર. – પુનઃપ્રકાશિત]

[1] અમારા કાગડાભાઈ !

અમારા નવા ઘરમાં રસોડામાં ઓટલા પાસે એક બારી છે. બહાર જમરૂખી. તેની એક ડાળ બારીની સાવ નજીક આવેલી. મેં બે-ત્રણ દિવસ જોયું કે એક કાગડો ડાળ પર આવીને બેસે. ત્રાંસી ડોક કરી રસોડામાં જોતો રહે. જુદા જુદા એંગલ બદલીને જુએ. મારી દરેક હિલચાલ પર જાણે તેની નજર છે ! એક દિવસ મેં રોટલીના ટુકડા બારીએ મૂક્યા. કાગડાએ બે-ત્રણ વાર મારી સામે જોયું. પછી ઊડીને બારીએથી ટુકડા લઈ ગયો અને ડાળ પર બેસી ખાવા લાગ્યો. આમેય મને પંખીઓ પર બહુ પ્રેમ. મને આ કાગડો ગમી ગયો. અમારી દોસ્તી જામી. રોજ એ આવે અને હું એને કાંઈ ને કાંઈ ખાવાનું નાખું. કોઈ દિવસ ન આવે, તો મને ચેન ન પડે.

એક વાર મેં શીરો બનાવેલો. પહેલો નૈવેદ એને જ હોય ને ! ત્યાં તો કાગડાનું આવવાનું ને પતિદેવનું આવવાનું સાથે સાથે થયું. ‘અરે, ધ્યાન નથી રાખતી, આ કાગડો….’ – કહેતાં પતિદેવે બારી પાસે દોડીને ઝાપટ મારી. કાગડો ઝપાટાભેર શીરો લઈને ઊડી ગયો. ડાળીએ બેસી મજેથી ખાતો રહ્યો, ચાંચ લૂછતો રહ્યો. હું તેને જોઈ મરક-મરક હસતી રહી. પતિદેવને ભાન થયું, ‘હં….અ…..અ… ત્યારે એ તો તારો મહેમાન છે !’

એક દિવસ એ જમવા બેઠા. હું ગરમ-ગરમ રોટલી ઉતારીને આપતી હતી. ત્યાં ડાળીએ કાગડાભાઈ દેખાયા. સહજ જ મેં ટુકડો કરીને બારીએ મૂક્યો અને બાકીની રોટલી પતિદેવના ભાણામાં. ત્યાં તો રોટલી ઊછળીને પડી મારા પગમાં અને પતિદેવ ઊછળ્યા : ‘આ શું ? કોર ભાંગેલી, કાગડાને આપતાં બચેલી રોટલી મને !’ ચહેરો તો એવો તમતમતો હતો કે તેના પર રોટલી મૂકી હોય તો શેકાઈ જાય !
‘સૉરી !’ કહી મેં બીજી રોટલી આપી. અને એ જમીને ઊઠ્યા, ત્યાં સુધી મેં બારી તરફ જોયું સુદ્ધાં નહીં. મનોમન બોલી, ‘કાગડાભાઈ, એ જમીને ઑફિસે જાય, પછી જ તું આવતો જજે !’

અમારા દમુફોઈ આવેલાં. ફુઆના મૃત્યુ બાદ ક્યાંય ગયાં નહોતાં. અમારે ત્યાં રહેવા બોલાવેલાં. મેં પુરણપોળી બનાવેલી. બે-ચાર ટુકડા બારીએ મૂકેલા. થાળી પીરસી ફોઈને જમવા બેસાડ્યાં. ત્યાં કાગડો ટુકડો લઈ જઈ ડાળીએ બેસી ખાવા લાગ્યો. પગમાં પકડી વાંકી ચાંચ કરી ખાતો જાય અને રસોડામાં જોતો જાય. દમુફોઈ એકી ટશે તેને જોઈ રહ્યાં હતાં. ત્યાં એકાએક રડવા લાગ્યાં. હું ગભરાઈ ગઈ.
‘શું થયું ?’
‘એ જ, બસ, એ જ ! મારી પાછળ પાછળ આવ્યા.’
મને કાંઈ સમજાય નહીં. ‘પણ કોણ ?’
‘જોતી નથી ? એ જ આવ્યા. પેલી ડાળ પર બેઠા ! અમે બંને આવવાનાં હતાં. પણ એ ન આવી શક્યા. તો આવી રીતે આવ્યા. એમને પુરણપોળી બહુ જ ભાવે. જો, કેવી ખાય છે !’ માણસનો અતૃપ્ત આત્મા કાગડા મારફત કેવો ફરી આવતો હોય છે, તેની ઘણી ઘણી વાત ફોઈએ મને કરી. ‘કાલે સીંગના લાડુ કરજે. એમને બહુ ભાવતા.’

મેં લાડુ કર્યા. ફોઈએ આખો લાડુ બારીએ મૂક્યો અને જમવા બેઠાં. નજર બારી તરફ. પણ કાગડાભાઈ દેખાય નહીં. ‘એ ચોક્કસ આવશે જ.’ ફોઈ બોલ્યાં. પણ ક્યાંય પત્તો નહીં. છેવટે મારા આગ્રહથી ફોઈએ જમવાનું શરૂ કર્યું. પણ હજી લાડુનો પહેલો કકડો ફોઈના પેટમાં જાય, ત્યાં તો બારીએ કાગડાભાઈ હાજર ! ‘જો, હું નહોતી કહેતી ?’ ફોઈનો ચહેરો પૂર્ણ કમળની જેમ ખીલી ઊઠ્યો ! પછી તો ફોઈ દસ દિવસ રહ્યાં ત્યાં સુધી રોજ ‘એમને આ ભાવે ને તે ભાવે’ કહી એમણે મારી પાસે એક એક વાનગી બનાવડાવી. કાગડાભાઈએ પણ નિયમિતતા જાળવી. દમુફોઈની થાળી મંડાય ને બારીએ અચૂક હાજર. તેને ખાતો જોઈને ફોઈને દિલમાં અપાર શાતા વળતી. પોતે તૃપ્ત થઈને અને પોતાના પતિની બધી અતૃપ્ત ઈચ્છાઓ પણ પૂર્ણ કરીને ફોઈ પાછાં ગયાં. જતાં-જતાં કહે, ‘હવે જોજે કાલથી એ આવે છે કે તારી બારીએ ! હું નહીં હોઉં ને ! આત્માની વાતો તમને આજકાલનાં છોકરાંવને નહીં સમજાય.’ ખરું છે, મને નથી જ સમજાતી. કેમ કે ફોઈ આવ્યાં તે પહેલાં પણ કાગડાભાઈ આવતા હતા અને ફોઈ ગયા પછી પણ આવતા જ રહ્યા, અને બારીએ મૂકેલું આરોગતા જ રહ્યા. કયા મૃતાત્માની તૃપ્તિ ખાતર ખાતા હશે, ભગવાન જાણે. પણ હું એટલું જાણું કે મારા એ દોસ્તને રોજ ખવડાવીને મારા આત્માને તો તૃપ્તિ થતી જ હતી.

એક રવિવારે સવારમાં પતિદેવ કહે, ‘ચાલ, આજે તો કોઈ સરસ હોટેલમાં જમીએ !’ મનેય ગમ્યું. થયું, એક દિવસ રસોડાને આરામ. પરંતુ બહાર જવા નીકળતાં જ જમરૂખી પર નજર પડી અને કાગડાભાઈ સાંભર્યા… તેને ઉપવાસી રખાય ? ઝટ રસોડામાં જઈ રાતની ભાખરી વધેલી તેના ટુકડા બારીએ રાખીને આવી, ત્યારે મને ચેન પડ્યું. પરંતુ બીજે દિવસ કમુફોઈનો પત્ર આવતાં મારું ચેન સાવ હરાઈ ગયું. એમણે લખેલું : ‘દમુફોઈ તારે ત્યાં રહી ગયાં, અને એમના પતિના આત્માને તૃપ્ત કરી ગયાં. બહેને મને બધી વાત કરી. એટલે હુંયે આવતે અઠવાડિયે પંદર દિવસ માટે તારે ત્યાં આવું છું. તારા ફુઆને ગયે સાત વરસ થયાં, પણ મારાં દીકરા-વહુએ શ્રાદ્ધ કર્યું નથી. એકેય વાર કાગવાશ સુદ્ધાં દીધી નથી. છોકરાંવ તેમાં માને જ નહીં ને ! તારે ત્યાં પંદર દિવસ રહીને હું પણ એમના આત્માને સંપૂર્ણપણે તૃપ્ત કરી દેવા માગું છું.’ પત્ર વાંચી મને તો શરીરે આખે પરસેવો છૂટી ગયો. જો પરિવારના બધા જ આત્મા તૃપ્ત થવા માટે આવી રીતે મારી બારીએ ઊતરી પડવાના હોય, તો મારી શી વલે થશે !

તેવામાં જમરૂખીની ડાળ બોલી ઊઠી અને હું ભાનમાં આવી. રોજની ટેવ મુજબ સહજ મારાથી ભાખરીના ટુકડા બારીએ મુકાઈ ગયા. અને રોજની ટેવ મુજબ લેનારો તે લઈ પણ ગયો. પગમાં પકડી વાંકી ચાંચ કરી ખાતા એ કાગમિત્રને જોઈ મારું કાળજું ઠર્યું.
(શ્રી મંદાકિની ગોડસેની મરાઠી વાર્તાને આધારે)
.

[2] ગાજરની ચાલમાં

ગાજરની ચાલમાં ફ્રીજ આવે છે, તે વાત વાયુ વેગે પ્રસરી ગઈ. અહીં ચાલીના એક છેડેથી બીજે છેડે વાત તત્કાળ પહોંચી જાય. અને કોઈ ચીજ તમે છાનીમાની ઘરમાં ન લઈ આવી શકો. ઝોળીમાં નાખીને લાવ્યા હો કે કાગળમાં વીંટીને, અનેક ચબરાક નજરો તેનો તાગ લઈ લે. કેટલાક તો સીધું પૂછી જ લે, ‘શું લાવ્યા ?’ ફ્રીજ તો નાની સૂની ચીજ થોડી હતી ? ખાસ્સા ચાર મજૂરો માથે ઊંચકીને લાવેલા. તેમાંના એકે પસીનાથી ભીની થયેલ ચિઠ્ઠી બતાવી. અક્ષરો થોડા પ્રસરી ગયેલા. એક જણે મહેનત કરીને ઉકેલી – કે. વિ. સાઠે…. ગા…જ….ર…. બિલ્ડીંગ.
‘ભઈ, બિલ્ડીંગ નહીં, આ તો ચાલ છે. પણ કે. વિ. સાઠે બરાબર – કેશવ વિનાયક સાઠે અને ત્રીજે માળે પણ બરાબર.’

મજૂરો ફ્રીજ લઈને દાદર ચઢવા લાગ્યા. પણ તે પહેલાં વાત બધે પહોંચી ગઈ. કેટલાક છોકરા દોડીને કેશવ વિનાયક સાઠેને વધામણી દઈ આવ્યા – ‘તમારે ત્યાં ફ્રીજ આવી રહ્યું છે.’ સાઠે છાપું મૂકી ઊભા થઈ ગયા. કમલાબાઈ સુરણ સમારતાં હતાં. ચપ્પુ સુરણમાં જ રહી ગયો, અને….. ‘હેં ફ્રીજ ! આપણે ત્યાં ?’ કહેતાં મોઢું પહોળું થઈ ગયું. થોડી વારે કળ વળી, ત્યારે બોલ્યાં :
‘મારા અરુણે જ મોકલ્યું હશે. આ વખતે આવ્યો, ત્યારે મારાથી બોલાઈ ગયેલું કે આટલા તાપમાં આવા પાણીથી સંતોષ જ ક્યાં થાય છે ? ફ્રીજ હોય તો !’
‘સરપ્રાઈઝ આપવા માગતો હશે, એટલે લખ્યું નથી. આવતા મહિને આપણાં લગ્નની રજત જયંતી છે ને !’ પતિ-પત્ની હજી હરખ માણી રહ્યાં હતાં, ત્યાં ફ્રીજ આવીને બારણામાં ઊભું.
‘આને ક્યાં રાખવું છે ?’

બંને હાંફળાં-હાંફળાં થઈ જગ્યા શોધવા લાગ્યાં. ખોબા જેવડા રસોડામાં તો આ હાથી ક્યાં રહે ? બહારના રૂમમાં જ રાખવું પડશે. પરંતુ અહીં પણ જગ્યા ક્યાં છે ? છેવટે ટેબલ એક બાજુ ખેંચી ત્યાં ફ્રીજ મુકાવ્યું. ધડાધડ ટેબલ ખસેડતાં તેના પરની ફૂલદાની પડીને ફૂટી ગઈ. તેના પાણીએ નીચે પડેલ છાપાને પલાળી નાખ્યું. મજૂરોના હાથમાં દસની નોટ મૂકી, તે એમણે ફેંકી જ દીધી.
‘આટલી કીમતી ચીજ, અને ત્રીજો માળ !’ રકઝક કરતાં છેવટે 50 રૂપિયા લઈને ગયા. તેટલી વારમાં રૂમ તો અડોશી-પડોશીથી ભરાઈ ગયો હતો.
‘છે તો ખાસ્સું મોટું, હં !’
‘આ જોયું ? અંદર તો જાણે ખાસ્સો કબાટ છે !’
‘હવે ચાલીમાં કોઈ પડી-બડી ગયું તો બરફ લેવા બહાર નહીં દોડવું પડે.’ ત્યાં તે ‘કે.વી.સાઠે’ કહેતો કંપનીનો માણસ આવ્યો. બધાં બાજુ ખસી ગયાં. તેમણે પ્લગ નાખી ફ્રીજ ચાલુ કર્યું. અંદરથી આઈસ-ટ્રે કાઢી પાણી ભરી લાવવા કહ્યું. બે છોકરા દોડ્યા.
‘આમાં શાક ક્યાં રાખવું….? દૂધ ક્યાં રાખવું ?…. શરબતના બાટલા ?….. અને વધ્યું-ઘટ્યું ખાવાનું ?….’ બધાએ એક પછી એક પૂછી લીધું.

તેના ગયા પછી સાઠે દંપતી વિમાસણમાં પડ્યું : ‘આજે ઘરમાં તો ન કોઈ શાક છે, ન કોઈ ફળ. પાણી માટે ખાલી બાટલોયે નથી. ફ્રીજમાં મૂકશું શું ?’ સાઠે ટોપી પહેરી, ઝોળી લઈ ખરીદી કરવા નીકળ્યા. પરંતુ એ આવે તે પહેલાં તો સહુ પોતપોતાના ઘરમાં દોડ્યું અને નવા ફ્રીજમાં મૂકવા કાંઈ ને કાંઈ લઈ આવ્યું…. શાકભાજી, જેમાં કાંદા-બટાટાયે ખરા !…. પાણીનો લોટો… સોડા વોટરની બાટલી… અળુનાં પાન… વાટકીમાં દૂધ…. બાજુવાળાની ટેમલી પેન્સિલનું રબર મૂકી ગઈ. તેને ઠંડું કરીને પોતાના ગાલે લગાડવું હતું ! અંતે તોય કાશીબાનું ફણસ રહ્યું : ‘બાઈ, મારા એક ફણસ માટે જ જગ્યા ન રાખી !’
સાઠે શાક ને ફળોથી છલોછલ ઝોળી લઈને આવ્યા, ત્યારે ફ્રીજ ઠસોઠસ ભરેલું. વધારાની એક વસ્તુ મૂકવા જગ્યા નહીં. એમનાથી બોલાઈ ગયું : ‘આ તે સાર્વજનિક ગોદામ છે કે શું ? !’
તે જ વખતે કંપનીનો માણસ બારણે આવી ઊભો : ‘માફ કરજો, સાઠે સાહેબ ! અમારી ભૂલ થઈ ગઈ. કે.વી. સાઠે તમે નહીં, એ તો કેપ્ટન વિશ્વનાથ સાઠે. સામેના બિલ્ડિંગમાં ત્રીજે માળે. ગાજર નહીં, ગજ્જર બિલ્ડિંગ !’

કેશવરાવ-કમલાબાઈ અવાક થઈ ગયાં. પતિ-પત્નીએ મળીને બધી વસ્તુ કાઢી ફ્રીજ ખાલી કર્યું. મજૂરો તે ઉપાડીને લઈ ગયા. આડોશી-પાડોશી બધાં સૂનમૂન. એક-એક આવીને ચૂપચાપ પોતાની વસ્તુ લઈ ગયા. ત્યાં ટેમલી ભેંકડો તાણતી આવી. ‘મારું રબર ફ્રિજમાં ગયું !’ એની મા આવી તેને પટાવીને લઈ ગઈ. ‘આપણે નવું લઈ આવીશું, હં કે !’ રૂમમાં સન્નાટો છાઈ ગયો. કેશવરાવ ખિન્ન મને પલળેલું છાપું લઈને બેઠા ત્યારે એમની નજર સામે તૂટેલી ફૂલદાની ને પચાસ રૂપિયા દેખાતા રહ્યા. કમલાબાઈ મૂંગે મોઢે સૂરણ પૂરું કરવા બેઠાં. કાંઈ વાત કરવાનું કોઈને મન નહોતું થતું. તેવામાં ટપાલી કાગળ આપી ગયો. વાંચતાં કેશવરાવ મલકી ઊઠ્યા : ‘સાંભળે છે ! અરુણનો કાગળ છે.’ પણ આમ તો ઝૂંટવીને દીકરાનો કાગળ પોતે જ પહેલો વાંચે, તે કમલાબાઈ આજે ‘ઊંહ’ કરીને બેઠાં રહ્યાં.
પણ કેશવરાવથી ન રહેવાયું. ઉત્સાહભેર રસોડામાં આવી વાંચવા લાગ્યા : ‘તમારાં લગ્નની રજત જયંતીએ અમે તમને ફ્રીજ લઈ આપવાનું નક્કી કર્યું છે. તમને કઈ કંપનીનું જોઈએ ? આપણા નાકા પર જ દુકાન છે. ત્યાં જઈને પસંદ કરી આવજો ! અને મને લખજો.’

તોય કમલાબાઈ સમારતાં રહ્યાં. કોઈ રસ ન બતાવતાં બોલ્યાં, ‘બળ્યું તમારું ફ્રીજ ! મારે નથી જોઈતું.’
(શ્રી અરુણા રાવની મરાઠી વાર્તાને આધારે)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ
ન્યુ ગર્લ ઈન ધ સીટી – અનુ. મૃગેશ શાહ Next »   

6 પ્રતિભાવો : વાર્તારસ – હરિશ્ચંદ્ર

 1. shweta makwana says:

  good stories

 2. વિપુલ ચૌહાણ says:

  સરસ વાર્તા. ચાલ ની દુનિયા ની વાત જ અલગ હોય છે.
  તારક મહેતા ની દુનિયા ને ઉંધા ચશ્મા માં ચાલ ના જીવન નું સુંદર વર્ણન છે.

 3. Parthvi says:

  These stories are not new, we have already read them on the Read Gujarati with another title.

  • Editor says:

   namaste,

   you are right, that’s why I have written in the title that “પુનઃપ્રકાશિત”. It means it is reprint.

   thanking you

   from :
   editor

 4. Shrikant mehta says:

  Very good story, real picture of coman man

 5. Shrikant s. mehta says:

  Really very good story.m

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.