ન્યુ ગર્લ ઈન ધ સીટી – અનુ. મૃગેશ શાહ

[ વિષય પ્રવેશ : વર્ષાનો માહોલ જામે એટલે કાવ્ય-ગીતોની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠે ! જુદા-જુદા અખબારો અને સામાયિકો આ વર્ષાઋતુને વધાવવા અને કંઈક નવું આપવા માટે સાહિત્યના સાગરમાં ડૂબકી લગાવે. માત્ર સાહિત્ય જ શું કામ, કેટકેટલાંય ફિલ્મી ગીતો પણ આ માહોલને રંગીન બનાવે છે. પરંતુ આ બધાથી ‘જરા હટ કે’ કહી શકાય એવું, વર્ષાઋતુમાં કોઈએ કોઈક શહેર વિશે કંઈક લખ્યું હોય તેવો લેખ એક ફિલ્મમાં જોવા મળ્યો. 2009માં આવેલી આ ફિલ્મના નામથી તો તમે પરિચિત હશો જ ! ફિલ્મનું નામ છે ‘Wake up Sid’. ‘રણબીર કપૂર’ (સીડ) અને ‘કોંકણાસેન’ (આયેશા) અભિનિત આ ફિલ્મના પ્રોડ્યુસર છે ‘કરણ જોહર’ અને દિગદર્શક છે ‘આયર્ન મુખર્જી’. ફિલ્મની મુખ્ય અભિનેત્રીના પાત્રનું નામ છે ‘આયેશા’. તેને લેખિકા બનવું છે. આ માટે તેને કેવા સમય અને સંજોગોમાંથી પસાર થવું પડે છે તેની આ ફિલ્મ છે. પરંતુ અહીં મુખ્ય વાત છે ફિલ્મના અંતિમ ભાગની કે જ્યારે આયેશાની મુંબઈની પ્રથમ વર્ષાઋતુમાં તેનો પહેલો લેખ ‘Mumbai beat’ નામના સામાયિકમાં પ્રકાશિત થાય છે. આ લેખ જાણે કે સંપૂર્ણ સાહિત્યિક છે. તેમાં જીવનનું ઊંડાણ અને જીવનને અલગ રીતે જોવાની દષ્ટિ છે. આથી આ લેખનો અનુવાદ અત્રે પ્રસ્તુત કર્યો છે. રસભંગ ન થાય અને ભાવ ન બદલાય એટલા માટે કેટલાક શબ્દો અન્ય ભાષાના હોવા છતાં જેમના તેમ રાખ્યા છે. આ દ્રશ્યનું ફિલ્માંકન ખૂબ સરસ રીતે થયું છે, આથી વધુ રસ માણવા માટે તો ફિલ્મ જોવી રહી ! – તંત્રી.]

wake-up-sid-03‘ન્યુ ગર્લ ઈન ધ સીટી…’ હજારો લોકોની જેમ હું પણ જ્યારે મુંબઈ આવી ત્યારે મારા સામાનથી સાથે થોડા સપનાંઓ લાવી હતી. એમાંથી સૌથી મોટું સપનું હતું ‘લેખિકા’ બનવાનું. જ્યારે મને જોબમાં એક કૉલમ લખવાનું કહેવામાં આવ્યું ત્યારે એ સપનું જાણે કે પૂરું થયું. પરંતુ ઘણી કોશિશ પછી પણ હું એ લખી ન શકી. કંઈ પણ લખું ત્યારે મને એમ લાગે કે કંઈક ખૂટે છે. આ શહેર માટે હું શું કહી શકું જે અગાઉ ક્યારેય નથી કહેવાયું ?

એટલે જ સામાયિકમાં લેખ પહોંચાડવાની આગલી રાતે મેં મારો લેખ ફાડી નાખ્યો, અને ફરી લખવા લાગી. ફક્ત બે મહિનામાં આ શહેર સાથે મને જાણે ગજબનો પ્રેમ થઈ ગયો છે. મુંબઈ જાણે મારું પોતાનું થઈ ગયું છે. પણ આમ થવાનું કારણ શું છે ?…… શું મારી એક્સાઈટિંગ નવી જોબ ? મારો નાનકડો એવો ફલેટ ? કે પછી મારી સ્વતંત્રતા ? એવું શું આપ્યું છે આ શહેરે મને ?

ખરેખર તો જવાબ બહુ દિવસથી મારી સામે જ હતો. હું જ ઓળખી ન શકી. મુંબઈ આવ્યાની પહેલી જ રાતે મને કોઈ મળ્યું હતું – એક યુવક. દોસ્ત, ‘રૂમમેટ’, ‘કમ્પૅન્યન’…. જે કંઈ પણ કહો તે. મારા સ્વભાવથી સાવ વિરુદ્ધ. એના જીવનને કોઈ ધ્યેય કે લક્ષ્ય નહોતું. પણ છતાં લાઈફને એન્જોય કરવાનું તે જરૂર જાણતો હતો. વિચારું છું કે મારા ફલેટને ‘ઘર’ બનાવવાની મજા શું એટલી હોત, જો એણે મને મદદ ન કરી હોત ? શું એ રાતે વધારે એકલતા ન હોત, જો ચા સાથે એ એકલતા વહેંચવા માટે એ ન આવ્યો હોત ? જ્યારે હું મુંબઈ આવી ત્યારે હું મારા ધ્યેયમાં સ્પષ્ટ હતી. પણ હવે મને એ સમજાય છે કે આ ધ્યેય સિદ્ધ કરવાની ખુશી તો જ મહેસૂસ થાય છે જ્યારે હું એ ખુશીને કોઈની સાથે વહેંચી શકું. હવે જાણી શકું છું કે મુંબઈ શહેર સાથે જે મારો આત્યંતિક પ્રેમ છે તે ખરેખર તો એ દોસ્ત માટે થઈને છે ! એ મારો પોતાનો થઈ ગયો છે, કદાચ આ શહેરથી પણ વધારે. મુંબઈ જેટલું સુંદર છે એટલું સખ્ત પણ છે. મુંબઈમાં પોતાના ધ્યેય તરફ દોડતા આપણી નજર ઘણી બાબતોને નજરઅંદાજ કરી દે છે.

એટલે જ, ભલે થોડા સમય માટે પણ, પોતાની વ્યસ્તતાભરી જિંદગીમાંથી નજરને દૂર હટાવો અને એ સ્પેશિયલ આત્મીયતાના અહેસાસને શોધો, જે આપના શહેર, આપના જીવનને વધુ ને વધુ સુંદર બનાવે છે ! કોને ખબર, તમને પણ એક હમસફર મળી જાય, મારી જેમ જ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “ન્યુ ગર્લ ઈન ધ સીટી – અનુ. મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.