પંખીનું ઘર પાંજરું – રાહુલ કે. પટેલ

[ બીલીમોરા નિવાસી યુવા સર્જક શ્રી રાહુલભાઈ મિકેનિકલ ઍન્જિનિયરિંગ કર્યા બાદ હાલમાં નોકરી કરી રહ્યા છે. લેખનક્ષેત્રે પણ તેઓ સક્રિય રહે છે. આ ક્ષેત્રે તેઓ ખૂબ આગળ વધે તેવી તેમને શુભેચ્છાઓ. આપ તેમનો આ સરનામે raahoolpatel@gmail.com અથવા આ નંબર પર +91 9662695644 સંપર્ક કરી શકો છો.]

આંખોમાં ચમક, હલ્કી કાળી-ધોળી દાઢી મુછ વચ્ચે હોઠો પર અજીબ સ્મિત, પગમાં ઉમંગને જાણે નવા કપડાં નહીં પણ નવું શરીર ધારણ કરેલું હોય એમ, ને કંઇક ગભરાટ સાથે પોતાનો થોડો સામાન અને ચૌદ વર્ષ કામ કરેલું એના પૈસા લઇ દિનેશ જેલની બહાર નીકળ્યો. જાણે પાંજરાનો દરવાજો ખુલ્યો અને એમાંથી કોઈ પક્ષી આઝાદ થયું. જાણે ચૌદ વરસનો વનવાસ પુરો થયો. એ બહાર નીકળી થોભ્યો, આજુ-બાજુ કોઈકને શોધવા માંડ્યો. દિનેશ પોતાની પત્ની સંગીતાને શોધી રહ્યો હતો. અરે ! પણ એ અત્યારે અહીં ક્યાંથી હોય, એ તો, અત્યારે ઘરે હશે એમ વિચારી ઊંચે જોવા માંડ્યો.

કેટલીક ઊંચી ઈમારતો જે એને જેલની બારીમાંથી દેખાતી એ આજે બહારથી કંઇક અલગ જ લાગી રહી હતી. અગાશી પર ભૂલકાંઓ પતંગ ઉડાવી રહ્યા હતાં એ દ્રશ્ય દિનુ બસ જોઈ જ રહ્યો. દિનુ લોકોની ભીડ વચ્ચેથી એકલો એકલો પોતાની ધૂનમાં જ ક્યારેક હસતો, ક્યારેક ચિંતિત તો ક્યારેક ચકિત ભાવ સાથે અભિનય કરતો હોય એમ રેલ્વે-સ્ટેશન તરફ વધી ગયો. જાણે કોઈ બાળક પહેલીવાર ટ્રેનમાં બેસે અને ખુશ થાય એમ એ બારી પાસે બેસીને ખુશ થતો હતો. ચૌદ વર્ષ જે ટ્રેનની વ્હીસલ કાને અથડાતી એ જ ટ્રેનમાં દિનુ આજે બેઠો હતો. આંખોની ચમક એના આસુંઓને આંખોમાં જ ગોળ ફરાવી દાબી દેતી હતી. લીલી ઝંડી ફરકી, વ્હીસલ વાગી, ટ્રેન ઉપડી, ગતિ વધી, ગતિ વધતાની સાથે દિનુની ખુશી વધી. અંધારુ પડી રહ્યું હતું. બારીમાંથી એણે રસ્તા પર જતું એક કામદાર જોડુ જોયું. દિનુને એ અને સંગુ આ જ રીતે સાઇકલ પર ફરવા જતાં એ યાદ આવી ગઈ. દિનુની આંખો ફરી ચમકી ઉઠી અને એ ચમકમાં આસુંઓ દેખાયા નહિ.

ટ્રેનમાંથી ઉતરી દિનુ ઘણા વર્ષો પછી એના શહેરમાં દાખલ થયો. દિનુએ આકાશ તરફ જોયું. જેલમાંથી દેખાતો એ જ ચાંદો, એ જ તારાઓ. પણ હા, શહેર થોડું બદલાયેલું લાગ્યું. કેટલીય વાર સુધી તો ચાર-રસ્તા વચ્ચે થોભીને દિનુ ઝડપથી વહી જતા વાહનોને બસ જોઈ જ રહ્યો. કોટડીમાં ચમકતા એક બલ્બની સામે દિનુને પ્રકાશથી ઝગમગતા શહેરમાં દિવાળી લાગતી હતી. પણ નિયોનથી ચમકતા શહેર કરતા દિનુની આંખોની ચમક વધુ હતી. રસ્તો પાર કરી એ કિનારે આવ્યો ને મનમાં વિચાર આવ્યો. : હું ચૌદ વર્ષ જેલમાં રહ્યો અને સંગુ મને એકપણ વાર મળવા ન આવી…. દિનુનું મોઢું થોડું ઉતરી ગયું…. ક્યાંથી આવે ! રિસાઈ જ કંઇક એ રીતે હતી મારાથી… એ વિચારે ફરી દિનુની આંખોમાં ચમક આવી અને આંસુ દેખાયા નહિ. દિનુએ વિચાર્યું સંગુને લાલ રંગ ખુબ જ ગમતો. ચાલ, એના માટે લાલ રંગની સાડી લઈ જાઉં ને એને માનવી લઉં. દિનુની આજીજીએ દુકાનદારે બંધ થતી દુકાનનું શટર ઊંચું કર્યું. હવે લગભગ બધી જ દુકાનો બંધ થઇ હતી. રસ્તાઓ ખાલી થવા માંડ્યા હતાં અને ખાલી રસ્તા પર એક હાથમાં થોડો સામાન અને એક હાથમાં લીધેલી સાડી એમ ચૌદ વર્ષની કમાણી લઇ દિનુ હરખાતો હરખાતો ચાલ્યો જતો હતો.

કંઇક વિચારતો દિનુ બસ ચાલ્યે જ જતો હતો. ચાલતા ચાલતા દિનુનું ગળુ સુકાયું. આજુબાજુ જોયું તો બંધ દુકાનની બહાર લોખંડના ત્રિપાગા સ્ટેન્ડ પર નળવાળું માટલું મુકેલું હતું. નળમાંથી જેવું પાણી ખોબામાં પડ્યું કે દિનુની આસપાસ જેલની દિવાલો ઊભી થઇ ગઈ. ચૌદ વર્ષ એ જે કોટડીમાં રહ્યો એમાં રાખેલું એ માટલું એને યાદ આવી ગયું. ‘ભાઈ નળ બંદ કરો’ એક રાહદારીનો અવાજ કાને પડ્યો ત્યારે દિનુ માંડ યાદમાંથી જાગ્યો. નળ બંધ કરીને ખોબામાંથી વહી જતું પાણી પીધું. હવે દિનુના મનમાં નવી યાદો ઉમેરાઈ રહી હતી. ચૌદ વર્ષ એ જે કોટડીમાં રહ્યો તે એને યાદ આવી રહી હતી. શહેર હવે કોટડીમાં તબદીલ થઈ રહ્યું હતું. આગળ ચાલતાં થોડું થાકીને એ બાકડા પર બેઠો ને ફરી યાદોની કોટડીના પાયા નંખાયા. જેલમાં એ જે પથ્થરની જગ્યાએ ઊંઘતો એ જગ્યા એને પથ્થરના બાકડામાં દેખાવા લાગી. એ બાજુમાં બેસી આખા બાંકડાને સ્પર્શ કરી જેલના ચૌદ વર્ષનો અનુભવ કરી રહ્યો હતો. એ ઝીણી રેતીની કરચોમાં સજાના વીતેલા ચૌદ વર્ષો સમાયા હતા. યાદોની સાથે જ ઊભો થઇ દિનુ બાંકડાની પાછળ રહેલા જુનવાણી મકાનની દિવાલ તરફ દોડી ગયો. દિવાલ પર કોઈએ પોતાની પ્રેમિકાનું નામ કોતરેલું હતું. દિનુ કોટડીની દિવાલ પર સંગુનું નામ કોતરતો એ તેને યાદ આવી ગયું. દિનુ માથું નીચું રાખી, આંખો બંધ કરી દિવાલને સ્પર્શ કરતો આગળ વધ્યો. દિનુને જુનવાણી દિવાલની ઉપસી આવેલી ઇંટો અને તિરાડોમાં જેલની દિવાલોનો અનુભવ થયો. જાણે એ દિવાલો સંગુની યાદો અને દિનુના આસુંઓથી સિંચાઈને પાકી થઇ હતી. હવે જાણે એ કોટડી જ દિનુનું બીજું ઘર હતું. દિનુ ફરી જેલની એ જ કોટડીમાં પહોંચી ગયો હતો. દિવાલ પર હાથ ફરવતા દિનુને દિવાલમાં ઉગેલી કૂંપળનો સ્પર્શ થયો ને દિનુના શરીરમાં લોહી ઝડપથી વહી ગયું. જાણે કરંટ લાગ્યો હોય. એ અટકી ગયો અને કૂંપળના પાંદડાને પંપાળતો જઈ જોઈ રહ્યો કે ક્યાંક આ એ જ કૂંપળ તો નથી ને જે એની કોટડીની નાનકડી બારીની બહારની બાજુએ ઊગી હતી. બે પાંદડાઓવાળી એ કૂંપળે દિનુને પથ્થર કરી દીધો હતો. કોટડીમાં દિનુ આગળ વધ્યો. દિવાલને સ્પર્શ કરતાં કરતાં એના હાથ જુનવાણી કારીગરીવાળા લોખંડના કટાયેલા દરવાજા પર પડ્યા. ને એ બે હાથે દરવાજો પકડી અટકી ગયો. જાણે એ ફરી કેદ થઇ ગયો. દરવાજાના સળીયાઓ સ્પર્શી એ ઉપરથી નીચે જોવા માંડ્યો. અચાનક, દિનુની નજર રસ્તાની સામે બાજુએ આવેલી જૂની વિશાળ કોઠીના ઉપલા માળે ઝબકતા એક માત્ર બલ્બ પર પડી. જરા જરા હવામાં એ ઝૂલતો હતો. એના લટકતા વાયર પર કતારબધ્ધ માખીઓ બેઠેલી હતી. જાણે જેલમાં ઉભેલા કતારબધ્ધ કેદીઓ. કોઠીનો એ બલ્બ કોટડીનો બલ્બ બની દિનુની જિંદગીના વિતેલા વર્ષો પર પ્રકાશ પાડી રહ્યો હતો. બલ્બની આજુબાજુ ઉડતા ભમરા-પતંગિયાઓનો પડછાયો છેક રસ્તા સુધી પડી રહ્યો હતો. ત્યાં ઉડતા એક રંગીન પતંગિયાને જોઈ દિનુને રંગીન ઓઢણી ઓઢી દોડતી સંગુ દેખાઈ આવી. એક વાતના વિચારે દિનુના ગમગીન ચહેરા પર જરા સ્મિત છવાઈ ગયું કે ‘સંગુને જઈને કહીશ કે તારા સિવાય આ વિતેલા વર્ષોમાં મને કોઈ બીજા સાથે પણ પ્રેમ થઇ ગયો છે. એ…..એ છે મારી જેલની કોટડી.’

અચાનક, કંઈક યાદ આવતા દિનુ યાદોની જેલમાંથી છુટ્યો. એના શરીરના રૂવાંટા ઊભા થઇ ગયા, એને સંગુ યાદ આવી, આંખોની ચમકમાં ફરી આંસુઓ અંજાયા. દિનુએ આજુબાજુ જોયું, થોડું ચોંક્યો ને વધુ ગભરાયો અને સાડી લેવા સુમસામ ખાલી રસ્તા પર ગાંડાની માફક દોડ્યો. એને સામાનની નહીં પણ સંગુ માટે લીધેલી સાડીની ચિંતા હતી. દિનુ હાંફતા જતા દોડતો જતો હતો. જાણે એની જિંદગી છીનવાઈ રહી હતી. પીળો પ્રકાશિત બલ્બ, કટાયેલો દરવાજો, કુંપળ, દિવાલ, દિવાલ પરનું નામ અને પછી બાંકડો એમ બધું પસાર કરીને દિનુ ફરી પેલા પાણીના માટલા પાસે પહોંચી ગયો અને કોટડીમાંથી આઝાદ થયો. દિનુએ રાહતનો શ્વાસ લીધો કે સામાન જેમનું તેમ હતું. દિનુના ચહેરા પર અજીબ લાગણીઓ હતી. એક તરફ એ ચૌદ વર્ષ જ્યાં સજા ભોગવી આવ્યો એ ઘર છોડવાનું દુઃખ અને એક તરફ પોતાના ઘરે જવાની ખુશી. સામાન ઊંચકીને દિનુ સ્ટ્રીટ-લાઈટના પ્રકાશ અને ઝાડવાઓ વચ્ચે સંતાકુકડી રમતો આગળ વધી ગયો.

શહેર થોડું બદલાયેલું લાગ્યું. એ ઓવરબ્રિજ પર ચડ્યો અને ઓવરબ્રિજ વચ્ચેથી ઉતારવાના દાદારીયા પરથી ઉતરી પડ્યો. દિનુ વિચારતા-વિચારતા કદમ માંડી રહ્યો હતો…. ‘સંગુને આજે ગમેતેમ કરી માનવી લઈશ, એને આ લાલ સાડી આપી ખુશ કરી દઈશ. બિચારી, મારા વગર એ એકલી ચૌદ વર્ષ કઈ રીતે રહી હશે. ફાટેલા, થીંગડાવાળા લુગડાં પહેરીને, કેમ કેમ લોકોના ઘરનાં કામ કરીને રહી હશે….’ બાજુ-બાજુ માં ઝુપડાં, નજીક નજીકના કાચા-પાકા મકાનો, ફક્ત ચાલીને જ જવાય એવી ગલીઓમાં નવી જૂની બાળપણ-જવાનીની યાદો સાથે આખરે દિનુ એના મહોલ્લામાં આવી પહોંચ્યો. રાત વધી ગઈ હતી. બધા ઘરોના બારી-બારણા બંધ હતા. ‘જેવો દરવાજો ખખડાવીશ કે સંગુ ગુસ્સે થઇ પુછશે કે કેમ મોડું થયું. ને પછી જ દરવાજો ખોલશે. જમવા વગર બેસી રહી હશે. હવેતો એની ઉંમર પણ વધી ગઈ હશે. માથા પર થોડા ધોળામાં એ કેવી સરસ લાગતી હશે….’ જેવા વિચારો કરતા દિનુ એના ઘરની સામે આવી પહોંચ્યો. એના હાથમાંથી સામાન પડી ગયો. એનું ઘર બદલાઈ ગયું હતું. એકદમ ખખડધજ થઇ ગયું હતું. બહાર એની સાઇકલ હતી નહીં ને દરવાજા પર તાળું લટકતું હતું. દિનુના શરીરમાં કાટ લાગી ગયો ને એ ત્યાં જ સ્થિર ઉભો રહી દરવાજે લટકતા કટાયેલા તાળાને બસ જોઈ રહ્યો.

દિનુને ખબર પડતી ન હતી કે એ ઘરે આવ્યો છે કે ઘર છોડીને આવ્યો છે. એને આજે જેલ સારી લાગતી હતી. પોતાના ઘર જેવી. દિનુ થોડો સ્વસ્થ થયો. વિચાર્યું કે એ તો ગઈ હશે એના પિયર. કાલે પછી આવી જ જશે ને ! એમાં ગભરાવા જેવું કઈ નથી. એ તો હિંમતવાળી છે. એની ચિંતા કરવાની જરૂર નથી. પણ ચાવી ? દિનુને યાદ આવ્યું કે સંગુ દરવાજાની ઉપલી ફાટમાં એક ચાવી તો રાખતી જ કે ગમે ત્યારે જરૂર પડે. દિનુએ ભારે પ્રયત્ને પાતળા તાર વડે ચાવી કાઢી. તાળુ ખોલવાની મહેનતમાં કટાઈ ગયેલો આગળો જ એના હાથમાં આવી ગયો. દિનુએ જેવો દરવાજો ખોલ્યો કે વર્ષોથી કેદ થયેલું અંધારું આઝાદ થઈ ગયું. અને પ્રકાશને અંદર જવાની તક મળી.

સામાન સાથે દિનુ ચૌદ વરસની યાદો લઈ નાનકડા દરવાજામાંથી દાખલ થયો. ને અંદર જતા જ હેબતાઈ ગયો. એણે છેલ્લી વખત ઘર જોયું હતું હજી એવું જ હતું. દિનુએ ધૂળના થર પર ચાલી પાછલી બારી અડધી ખોલી ને પાછળ રહેલી સ્ટ્રીટલાઈટનો પ્રકાશ લાકડાના પાટીયાથી બનેલા એ ઘરમાં ફેલાયો. ધૂળના થર નીચે બધી યાદો દબાયેલી હતી. દિનુ ઘરમાં બધે ફરવા માંડ્યો. વચ્ચોવચ એક મોટા લાકડાં પર ટેકવાયેલું એક જ ઓરડાનું ઘર દિનુને મોટું લાગતું હતું કારણકે દરેક ચીજો સાથે કેટલીય યાદો જોડાયેલી હતી. એ બધું જોવા માંડ્યો. બધો સામાન હજી જેમનો તેમ હતો. એ વસ્તુઓ ફંગોળતો, વસ્તુઓને ઊંચકી, ચારેબાજુ ફરવીને જોતો એવામાં એની નજર ટેબલ પર પડેલી તુટેલા કાચવાળી કાંડા ઘડીયાળ પર પડી. એ ઘડીયાળ એને સંગુએ આપેલું હતું. ઘડીયાળ બંધ પડી ગયેલું હતું. જાણે સમય ત્યાં જ અટકી ગયેલો હતો એમ દિનુને લાગ્યું. ગભરાયેલો દિનુ દિવાલ પર ટાંગેલા સંગુના ફોટા તરફ દોડ્યોને ઠેસથી બારીની પાળી પર રાખેલો પતરાનો ડબ્બો ખખડીને ગબડી પડ્યો. દિનુ સંગુના ફોટાના કાચને મેલી બાંય વડે સાફ કરતો અવાક બની બસ જોઈ રહ્યો. ફોટો લઇએ પેલા ગબડી પડેલા ગલ્લા તરફ ગયો ને એણે પતરાના નાજુક ડબ્બાને ફાડી નાખ્યો. અંદરથી ત્રણ ‘ચાર આના’ના સિક્કા અને એક ‘દસકો’ ગબડીને નીકળ્યા. સિક્કાઓ વણતા દિનુએ ખુણામાં પડેલી ખુરશી પર અડધું સિવાયેલું ટચુકડું સ્વેટર જોયું.

સંગુ એ એમના થવાવાળા બાળક માટે ગૂંથતી હતી અને ગલ્લામાં એના માટે જ બચત કરવાની શરૂઆત કરી હતી. એ નિર્જીવ વસ્તુઓમાં દિનુનો જીવ હતો. આંસુઓ સમાવવા દિનુએ આંખો પહોળી કરી. ઘડીકમાં એ ફુગથી અડધા ખવાઈ ગયેલા સંગુના ફોટાને, ઘડીકમાં એ સિક્કાઓને તો ઘડીકમાં એ ઘડિયાળને જોતો. બે હાથો એને યાદો સમાવવા ઓછા પડતા હતા. ને અચાનક, એને કંઇ યાદ આવ્યું ને એ બધી વસ્તુઓ ફેંકી હાંફળો-ફાંફળો દોડી ખીંટી પર ટાંગેલી સંગુની ઓઢણી ખેંચી લીધી. ઘડીકમાં એ એને સુંઘતો ઘડીકમાં એ એને ચુમતો કે જાણે હજીય એમાં સંગુનો સ્પર્શ અને સુગંધ આવતી હતી. ઓઢણી પર કેટલાક કડક થઇ ગયેલા ધબ્બા દેખાયા ને એણે જમીન પર અને પાણિયારાની ધાર પર ઘણાં જ ઝાંખા પડી ગયેલા લોહીનાં ધબ્બા જોયા અને બધી જ ભયાનક યાદો તાજા થઇ ગઈ કે સંગુને સાતમો મહિનો હતો, નોકરી છુટી જતા દિનુ દારૂ પીને ઘરે આવેલો અને નજીવી બાબતમાં થયેલો ઝગડોને ભુલથી સંગુને લાગેલો ધક્કો અને પાણિયેરા સાથે સંગુના માથાનો પાછલો ભાગ અથડાતા થયેલું મૃત્યુ…. ભુલથી થયેલીએ ઘટનાનો દિનુ ખુદ ગુનેગાર છે અને જાણી જોઈને ખૂન કર્યું છે એમ સ્વીકારી લેવું…. સંગુ અને એના ગર્ભમાં રહેલા બાળકના મોત માટે થયેલી સજા… એ બધું જ યાદ આવી ગયું. એની આંખોની ચમકમાં હવે તિરાડ પડીને દિનુ પાણિયારાનો ખૂણો પકડી ચોધાર આંસુઓ વડે રડી પડ્યો.

ઓરડામાં એ દોડતો, હાંફતા હાંફતા એ ગભરાઈ જતો ને રડતાં રડતાં આજુબાજુ જોતો, બધી ચીજો ભેગી કરતો ને નાના છોકરાની જેમ ફરી રડી પડતો. ઓરડા વચ્ચેના લાકડાના થાંભલા પરથી દિનુએ નાયલોનની બનેલી થેલી ખેંચી કાઢી. એમાં સંગુએ એમના થનારા બાળક માટે સ્લેટ-પેન ખરીદી રાખી હતી. દિનુએ સ્લેટ પર માથું મુકી રડવા માંડ્યો ને પ્રથમ વખત કોઈ બાળક કૈંક લખતું હોય એમ લખવા માંડ્યો. ધ્રુજતા હાથે સ્લેટ પર પેન વડે ફક્ત ‘સંગીતા’ લખ્યું ને દિનેશના હાથમાંથી સ્લેટ પડી ગઈ. ને પછી આઘાતથી દિનુ ધરાસાઈ થયો. બધી ચીજ-વસ્તુઓ ઓઢણી, અડધું ગુંથાયેલું સ્વેટર, ઘડીયાળ, ફાટેલો ગલ્લો, ત્રણ ‘ચાર આના’ અને એક ‘દસકા’ના સિક્કાઓ વચ્ચે સ્લેટ પર મોઢું રાખી દિનુ પડેલો હતો. એને સંગુની વાતોના પડઘા સાંભળી રહ્યા હતા. જેલની સજા પુરી થઇ હતી કે હવે શરૂ થઇ હતી એ દિનુને સમજાતું ન હતું ! સંગીતા વગર હવે એ કઈ રીતે જીવશે એ વિચાર દિનેશના ધબકારા ચુકવી રહ્યો હતો. બારીમાંથી આવતો હલકો પ્રકાશનો લિસોટો દિનુના મોઢા પર પડી રહ્યો હતો. શ્વાસ ધીમે ધીમે બંધ થઈ રહ્યો હતો અને આંસુઓ વધી રહ્યા હતાં અને એ આંસુઓથી સ્લેટ પર લખાયેલું ‘સંગું’ નું નામ ધીરે ધીરે ભુંસાઈ રહ્યું હતું……….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

44 thoughts on “પંખીનું ઘર પાંજરું – રાહુલ કે. પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.