માણસ તો યે મળવા જેવો…. – મકરંદ મુસળે

[ વડોદરાના સુપ્રસિદ્ધ કવિ-ગઝલકારો પૈકીના એક એવા શ્રી મકરંદભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘માણસ તો યે મળવા જેવો…..’ માંથી કેટલીક ગઝલો અત્રે સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર.  આપ તેમનો આ નંબર પર +91 9825082546 અથવા આ સરનામે makarandmusale@gmail.com સંપર્ક કરી શકો છો. ]

manas[1]

લાખ ભલે ને હોય કુટેવો,
માણસ તોયે મળવા જેવો.

સૌ પૂછે છે : ‘સારું છે ને ?’
સાચો ઉત્તર કોને દેવો ?

આપ ભલેને હોવ ગમે તે,
હું ય નથી કંઈ જેવો તેવો.

દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.

વાતે વાતે ફતવા કાઢે,
હેં ઈશ્વર, તું આવો કેવો ?

બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાંજ મને છૂટે પરસેવો.

[2]

વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.

લે, કપાયા દુઃખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.

છેડવાથી શક્ય છે રણકી ઊઠે,
મન સિતારી-તાર જેવું હોય છે.

ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.

સત્યના શસ્ત્રો ઉગામી તો જુઓ,
જૂઠ ખાલી વ્હાર જેવું હોય છે.

ના, કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે.

[3]

વાત મારે સાનમાં કરવી હતી,
આંગળી તારા ભણી ધરવી હતી.

મેં અરીસાઓ બધા રંગી દીધા,
જાતને આમેય છેતરવી હતી.

બાગમાં હું સાવ ધીમેથી ગયો,
ખુશ્બુઓને બાનમાં કરવી હતી.

મોહરું તરડાઈને તૂટી ગયું,
એ નજર પણ તેજ સોંસરવી હતી.

મેં જ મારું મોં પછી જોયું નથી,
વાસ્તવિકતા એટલી વરવી હતી.

[ કુલ પાન : 70. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : બુકપબ ઈનોવેશન્સ. હિંગળાજ માતાનું કંપાઉન્ડ, મનમોહન કોમ્પ્લેક્સની પાછળ, નવરંગપુરા પોલીસ સ્ટેશનની ગલીમાં, નવરંગપુરા. અમદાવાદ-380009. ફોન : +91 79 26561112. ઈ-મેઈલ : info@bookpub.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “માણસ તો યે મળવા જેવો…. – મકરંદ મુસળે”

Copy Protected by Chetan's WP-Copyprotect.