[ રીડગુજરાતીને આ ટૂંકી વાર્તા મોકલવા બદલ શ્રી ચિરાગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે cad2020@gmail.com સંપર્ક કરી શકો છો.]
આહ્યાદક ખુશનુમા સવાર છે. સવારનો ઝીણો ઝીણો ઉષ્માભર્યો તડકો બહુમાળીય એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલ આયુષના ફલેટના બેડરૂમમાં પથરાઈ રહ્યો છે. બહાર પક્ષીઓનો કલબલાટ વાતાવરણને જીવંતતા
બક્ષી રહ્યો છે. પણ, આયુષને આ બધાની પરવા નથી. જીવનમાં ઊઠતા ઝંઝાવાતો, મૂંઝવણો વચ્ચે માનવી એટલો ખોવાઈ જાય છે કે તેને આસપાસનું ભાન નથી રહેતું.
‘ઓફિસે પહોંચવામાં મોડું થઈ જશે. હજી મારી ટાઈ ક્યાંય મળતી નથી…. અરે ! આ મેં પહેરેલાં કપડાં પણ અઠવાડિયા સુધી ધોયેલાં નથી…… દિવ્યા રોજ કપડાંને ઇસ્ત્રી કરી આપતી. ઓફિસ જવાના સમયે ટાઈ લઈને હાજર હોય. મને તેના હાથોથી ટાઈ પહેરાવતી… હું તેને પોતાની આગોશમાં લઈ લેતો…’, આયુષથી એક નિસાસો નંખાઈ ગયો. ફરી પાછી ઓફિસમાં બોસ અખિલેશ દોશીની એ જ લમણાઝીંક દોહરાવાશે – ‘આજે ઓફિસમાં કેમ મોડો પડ્યો ? રોજને રોજ, કંઈકને કંઈક બહાના કરી ઓફિસે મોડો આવે છે. આયુષ, આઈ વીલ ટેક એક્શન ફોર બ્લડી નોનસેન્સ…’, હજુ ગઈકાલે જ બોસ જોડે થયેલી માથાકૂટ આયુષને મનમાં યાદ આવતાં તે ધ્રૂજી ઉઠ્યો.
તે કરે પણ શું ? રોજ વહેલા ઊઠાડનાર દિવ્યા હવે તેની પાસે નહોતી. જીવનમાં આવેલા ઝંઝાવાતો પણ કંઈ ઓછા છે ? રોજ દિવ્યાના હાથનું મીઠું, પ્રેમભર્યું ખાણું કેટલું સ્વાદિષ્ટ હતું ! રોજ હવે બહારની રેસ્ટોરન્ટનું ફિક્કું, એકનું એક સ્વાદ વગરનું જમવાનું… ઘરમાં નોકર રાખવો તો પોષાય તેમ છે જ નહિ. એટલો પગાર પણ ક્યાં છે ? ઉપરથી ભાડાનો ફલેટ. તેનો મેઈટેનન્સ ખર્ચ, વળી અન્ય ખર્ચા… આ મુસીબતોમાં આયુષ ગળાડૂબ છે. આ મુસીબતોમાંથી નીકળવા તે હવાતિયાં મારે છે. પણ તેના હાથપગ જાણે બંધાઈ ગયા છે.
આયુષ પોતાના જીવનમાં આવેલા આ ઝંઝાવાતના કારણરૂપ એ દિવસનું તોફાન યાદ કરી રહ્યો.
‘હું હવે તારી જોડે એક ઘડીયે રહેવા માગતી નથી. તેં મને છેતરી છે, આયુષ’ દિવ્યાએ આજથી બે મહિના પહેલાં કહેલું વાક્ય તેને યાદ આવી રહ્યું.
‘પણ, મારી વાત તો સાંભળ…. દિવુ, મારે અને અનુષ્કા વચ્ચે બે સહકર્મચારી વચ્ચે હોય તેવો જ સંબંધ છે. તું વાતને વધારે પડતી સિરિયસલી લઈ રહી છે.’, આયુષે ખુલાસો કર્યો.
‘મેં પણ દુનિયા જોઈ છે, આયુષ. મારા જેવી એજ્યુકેટેડ વ્યક્તિને ઉલ્લુ ના બનાવીશ. સહકર્મચારીના સંબંધ ઓફિસમાં જ હોય. બહાર હોટેલો, બાગ-બગીચા સુધીના નહીં…’, દિવ્યા તાડૂકી.
‘પરંતુ, અમારા સંબંધો મૈત્રી સુધી જ સીમિત છે. એનાથી આગળ એક ડગલુંય નહીં. આવા મૈત્રીપૂર્ણ સંબંધ પર તું નાહક શક કરે છે.’, આયુષની વિનવણી ચાલુ જ હતી.
‘તો તું તારું બાકીનું જીવન તેની મૈત્રીના સહારે જ વિતાવ. હું જાઉં છું. તને છોડીને. હું તારા જેવી વ્યક્તિ જોડે મારી જિંદગી બગાડવા નથી માગતી.’ દિવ્યા ચાલી નીકળી…. પોતાને છોડીને, પોતાને એકલો મૂકીને. પાછળ મૂકતી ગઈ બસ એની યાદો. બે મહિના થઈ ગયા. આયુષે દિવ્યાને મળવા, સમજાવવા ઘણા ફોન કર્યા. તેને રૂબરૂ મળવા પણ કોશીશ કરી…… પણ વ્યર્થ. દિવ્યા તેનાથી દૂર ચાલી ગઈ હતી.
હા, આઠ મહિના પહેલાં દિવ્યા તેને શહેરની એન્જિનિયરીંગ કૉલેજના બસ-સ્ટેન્ડે અચાનક મળી હતી. દિવ્યા રાજકોટથી અમદાવાદ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા આવી હતી. શહેરમાં કોઈ સગાના ઘરે રહેતી હતી. ઘરેથી કૉલેજ મ્યુનિ. બસમાં અપ-ડાઉન કરતી.
એક સાંજે ચોમાસાની મોસમમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો હતો. કૉલેજથી છૂટીને દિવ્યા બસ-સ્ટેન્ડ પર વરસાદમાં પલળતી બસની રાહ જોઈ રહી હતી. દિવ્યા પૂરેપૂરી ભીંજાઈ ગઈ હતી. તેનાં ભીંજાયેલાં કપડાં તેના ગોરા, ઘાટીલા, સુંદર યૌવનસભર દેહને ચપોચપ ચોંટી ગયાં હતાં. તેના ભીંજાયેલા યૌવનસભર દેહનો ઉભાર બહાર નીકળી આવ્યો હતો. આવી યૌવનસભર, સુંદર દેહાકૃતિ તે બસ-સ્ટેન્ડ પાસેથી પસાર થતા એક બાઈક સવારની નજરમાં પડી… આયુષ રોજ આ બસ-સ્ટેન્ડ પાસેથી સવાર-સાંજ પસાર થતો. તેનો ઓફિસે જવા-આવવાનો સમય દિવ્યાના કૉલેજના સમય સાથે મેળ ખાતો હતો. રોજ તે દિવ્યાને જોતો. પણ, આજે દિવ્યા કંઈ ખાસ લાગતી હતી…. ખજૂરાહોમાં કંડારેલી કોઈ શિલ્પમાં મઢેલી અપ્સરા જેવી ! આયુષે અચાનક દિવ્યાની આગળ બાઈકની બ્રેક મારી.
‘તમે મિસ. દિવ્યા મહેતા જ છો ને ? અહીં એન્જિનિયરીંગ કૉલેજમાં રાજકોટથી ભણવા આવ્યાં છો. હું આયુષ જાની. તમને વાંધો ન હોય તો હું તમને તમારા ઘરે છોડી દઉં….’
એકાએક અજાણી વ્યક્તિ પોતાને પરિચિત માની વાત કરતી જોઈ દિવ્યા સ્તબ્ધ થઈ ગઈ. કંઈક અણગમાથી બોલી,
‘પણ માફ કરજો. હું તમને જાણતી નથી.’
આયુષ હસતાં બોલ્યો, ‘પરંતુ, હું તમને સારી રીતે જાણું છું. તમે જે સ્વજનના ઘરે રહો છો, તેની પડોશમાં હું રહું છું. રોજ તમને કૉલેજ આવતાં-જતાં જોઉં છું. મારી ઓફિસ અહીંથી થોડીક જ આગળ છે. મારી ઓફિસેથી ઘરે જતાં બસ-સ્ટેન્ડ પર રોજ તમને બસની રાહ જોતા જોઉં છું. આજે બસોનું કંઈ ઠેકાણું નથી. મોસમ પણ ખરાબ છે. ચાલો, હું તમને તમારા ઘરે મૂકી જાઉં.’, આયુષે વિનમ્રતાથી આજીજી કરી.
બસ, એ પ્રથમ મુલાકાત પ્રેમનગરથી પસાર થઈ છેલ્લે લગ્નજીવનમાં પરિણમી. દસ મહિનાનું ટૂંકું, કાચી દોરીથી બંધાયેલું દાંપત્યજીવન આખરે કટી પતંગની જેમ પડી ભાંગ્યું. જી હા, કાચી દોરી, જેના પર જિંદગીની વાસ્તવિકતાનો ધારદાર માંજો ચઢાવવામાં નહોતો આવ્યો.
પલંગ પર પડેલા આયુષનો મોબાઈલ એકદમ રણક્યો. આયુષ સહસા ભુતકાળના વમળોમાંથી વર્તમાનમાં પટકાયો. ફોન ઉપાડતાં જ સામેથી ગુસ્સાસભર બોસનો અવાજ તાડુક્યો. આયુષ ઝટપટ ઓફિસ જઈ પહોંચ્યો. રોજની જેમ બોસ અખિલેશ દોશીની લમણાઝીંક સાંભળી તે પોતાની કેબિનમાં ગોઠવાઈ ગયો. આજુબાજુ નજર કરી.
‘અરે ! આજે અનુષ્કા કેમ નથી આવી ?’ અચાનક તેને અનુષ્કાની ગેરહાજરી વર્તાઈ.
‘આજે અનુષ્કા કેમ નથી આવી ?’, આયુષે બ્હાવરા બનીને પોતાના સહકર્મચારી આશુતોષને પૂછ્યું.
‘અરે ! તને બીજું કોઈ ગેરહાજર છે તે દેખાતું નથી ? તારો જીગરીજાન દોસ્ત આદિત્ય પણ ગેરહાજર છે. જી હા, આદિત્યે અને અનુષ્કાએ ગઈકાલે કોર્ટમેરેજ કરી પ્રેમલગ્ન કરી નાખ્યાં છે. આજે તો તેઓ હનીમૂન મનાવવા મહાબળેશ્વર પણ પહોંચી ગયાં હશે….’ આશુતોષે સઘળી વિગત આયુષને જણાવી.
આયુષના હૃદયમાં કંઈક વલોપાતો, સનેપાતો ઉપડ્યા. તેને લાગ્યું – ધરતી ધ્રુજી રહી છે. તે હમણાં ધરતીમાં સમાઈ જશે. પોતે સારા સંસારથી અલિપ્ત થઈ સાવ એકલો કોઈ નિર્જન ટાપુ પર જઈ ચડ્યો હોય, તેવું તેને લાગ્યું. પોતે સાવ એકલો હવે આ નિર્જન ટાપુ પર ફસાઈ ગયો છે. સાવ એકલો, અટૂલો…. ટાપુના કિનારે કોઈ વહાણની રાહ જોતો…. આ નિર્જન ટાપુ પરથી ઉગરવા મથતો….
તે મનોમન વિચારી રહ્યો – તેની પાસે હવે ન અનુષ્કા હતી. ન પોતાનો જીગરી મિત્ર આદિત્ય કે ન પોતાની વ્હાલસોયી પત્ની દિવ્યા.
[ તંત્રીનોંધ : લગ્નેત્તર સંબંધો આજની દુનિયામાં આમ બાબત બનતી જાય છે, જે કંઈ કેટલાય કુટુંબોને ઉજાડી નાખે છે. દંભના નામે આ પ્રકારના સંબંધોને રૂપાળા નામ આપવામાં આવે છે. પોતાનું કામ કઢાવી લેવા માટે દોસ્તી-ફ્રેન્ડશીપ-મિત્રતા કોઈ બીજાની જોડે અને લગ્ન અન્ય કોઈની જોડે, એવી રાજરમતો આજકાલ સામાન્ય થઈ પડી છે. માણસની લાગણીઓ જોડેની રમતો અંતે સમાજના શાશ્વત મૂલ્યોને ધક્કો પહોંચાડે છે. આમાં વાંક બંને પક્ષનો હોય છે. મર્યાદા બંને પક્ષે ચૂકાય છે. વિવેકપૂર્ણ જીવનની સમજ હવે ક્યાંથી મેળવવી એ જ એક બહુ મોટો પ્રશ્ન આજના કહેવાતા શિક્ષિત અને સભ્ય સમાજ સામે ઊભો થયો છે ! ]
7 thoughts on “કચ્ચી ડોર, કટી પતંગ – ચિરાગ ડાભી”
ચિરાગભાઈ,
લગ્નેત્તર સંબંધોનો દુઃખદ અંજામ દર્શાવતી આપની કથા ગમી. સાચે જ લગ્નેત્તર સંબંધોનું આયુષ્ય બહુ જ ટૂંકું હોય છે અને અંજામ આપે બતાવ્યો તેવો દુઃખદ હોય છે. આજના સુધરેલા સમાજના આ અનિષ્ટથી બચવું જ રહ્યું.
અંગુલિનિર્દેશ ;
૧. ચોથા ફકરાની પાંચમી લીટીમાં … દિપકે ખુલાસો કર્યો …” ને બદલે આયુષે ખુલાસો કર્યો ” હોવું જોઈએ.
૨. છેલ્લેથી બીજી લીટીંમાં … જીગરી મિત્ર ” આશુતોષ ” નહિ પરંતુ “આદિત્ય” હોવું જોઈએ.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
thank you kalidasbhai,
I have corrected it.
Thanks a lot.
From :
mrugesh shah
good story.
very nice and simple but real story. now a days relations are tied with such “Kachi dori” that breaks very easily.
સમય ને લગતી થોડી ભૂલ છે. તમે વાર્તા માં બતાવ્યું છે કે ૨ મહિના પહેલા દિવ્ય જતી રહી છે અને ૮ મહિના પહેલા તે પહેલી વાર મળી હતી તો લગ્નજીવન તો કદાચ ૬ મહિના થી પણ ટુકું હશે…..
લ્ગ્નેતર સંબધો ના આવા જ હાલ થાય.
I completely agree with the editor’s note…..