- ReadGujarati.com - http://www.readgujarati.com -

હૃદયસ્પર્શી કેફિયત – પ્રમોદ વોરા

[ ભાવનગરના પ્રમોદ વોરા પોતાની આગવી રીતે નિતનવાં સદભાવનાનાં કામો કરતાં રહે છે. પત્રલેખનની પ્રથા જ્યારે નામશેષ થઈ રહી છે ત્યારે તેમણે નાના વિદ્યાર્થીઓ પાસે જે સંવેદનાસભર પત્રો લખાવ્યા તેના થોડા અંશો અહીં ‘સદભાવના ફોરમ’ સામાયિકમાંથી સાભાર રજૂ કર્યા છે.]

[1] મારા દાદા 75 વર્ષના છે અને હું 13 વર્ષની છું, પણ અમે દોસ્ત છીએ. એક દિવસ દાદાની આંખો આથમી. દશ્યો પડછાયા જેવા દેખાવા લાગ્યા, પણ દાદાની પ્રસન્નતા ન આથમી. એકવાર મને કહેવા લાગ્યા, ‘સ્વીટુ, તારી દાદી ખુબ જ સુંદર છે, નહીં ?’
‘હા, પણ તમે હવે એની સુંદરતા જોઈ શકતા નથી ખરૂને ?’
‘જોઈ શકું છું, સાચું કહું તો અમે યુવાન હતાઅ ને જોતો હતો તે કરતાં વધારે સ્પષ્ટ જોઈ શકું છું.’

[2] હું એક હોસ્પીટલમાં નર્સ છું. એક દિવસ એક તરૂણી ઘાયલ અને બેહોશ અવસ્થામાં એડમિટ થઈ. સારવાર કામ ન આવી અને તે કોમામાં સરી ગઈ. અગિયાર મહિના તે કોમામાં રહી તે દરમિયાન તેનો મિત્ર રોજ ત્રણ-ચાર કલાક તેની પથારી પાસે બેસતો અને ખૂબ જ વાત કર્યા કરતો. હું કહેતી, ‘તે ક્યાં સાંભળે છે ? તું આટલું બધું કોના માટે બોલ્યા કરે છે ?’ તે મીઠું હસીને કહેતો, ‘મારા માટે સિસ્ટર.’ આ ક્રમ એક પણ દિવસ માટે તૂટ્યો નહીં. અગિયાર મહિના પછી એક દિવસ પેલી તરૂણીએ તેનો હાથ પકડ્યો અને બોલી, ‘તું રોજ આવતો ને મારી પાસે વાતો કરતો તેની મને ખબર છે. તે સાંભળીને જ હું પાછી ફરી છું. તું હાર્યો નહીં તેનો મને ગર્વ છે અને હા, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’

[3] મારો કૂતરો અત્યંત વૃદ્ધ અને અશક્ત છે. તેને દેખાતું નથી, સંભળાતું નથી. તે ઊભો પણ માંડ રહી શકે છે અને તેનામાં ભસવાની પણ શક્તિ નથી, પણ હું જેવો તેના કમરામાં જાઉં કે માથું ઊંચું કરી હવે સૂંઘે છે અને તેની પૂંછડી ઝડપથી પટપટાવવા માંડે છે.

[4] મારા 88 વર્ષનાં દાદી અને તેમની 17 વર્ષની પાળેલી બિલાડી બંને હવે જોઈ શકતા નથી. તેમની પાસે એક અંધ વ્યક્તિને દોરે તેવી તાલીમ પામેલો કૂતરો પણ છે. આજ સુધી આ કૂતરો મારા દાદીને દોરતો અને સાંજના સમયે ચક્કર મરાવતો. બિલાડી અંધ થઈ ગઈ ત્યારથી કૂતરો તેને પણ મદદ કરે છે. બિલાડીને ક્યાંક જવું હોય ત્યારે તે અમુક રીતે ‘મ્યાઉં’ કરે. કૂતરો ઊઠી તેની પાસે જાય. તે પોતાના મોંથી તેના શરીરને સ્પર્શે અને બિલાડી તેની પાછળ પાછળ ખાવાનું ખાવા કે પોતાની ઊંઘવાની જગ્યાએ જવા માટે જાય.

[5] હું મહિનાઓથી બેકાર હતો. એક દિવસ થયું, જીવવાનો અર્થ નથી. મેં આપઘાત કરવાની તૈયારી કરી અને ચિઠ્ઠી લખી ત્યાં બારણે ટકોરા પડ્યા. જોયું તો મારી પત્ની ઊભી હતી. તેણે કહ્યું ‘હું પ્રેગનન્ટ છું’. મને જાણે તેના માટે અને આવનાર બાળક માટે જીવવાનું કારણ મળ્યું. આજે એ સંતાન 14 વર્ષનું છે અને અમારો પરિવાર સુખી છે. મેં હજી એ ચિઠ્ઠી સાચવી રાખી છે. હું તેને વારંવાર વાંચું છું અને ઈશ્વરનો આભાર માનું છું. મને બીજી તક આપવા માટે, નવી જિંદગી આપવા માટે.

[6] હું બોલી ન શકતા લોકોને ઈશારાની ભાષા- સાઈન લેંગ્વેજ શીખવું છું. ગઈકાલે મારા કલાસમાં એક સ્ત્રીએ પ્રવેશ લીધો. તેની સ્વરપેટી કેન્સરને લીધે કાઢી નાખવામાં આવી હતી. તેની સાથે મારા કલાસમાં તેના પતિ, ચાર બાળકો, બે બહેનો, એક ભાઈ, માતા-પિતા અને બાર મિત્રોએ પણ પ્રવેશ લીધો. આ બધાં બોલી શકતાં હતાં. તેમને આ સ્ત્રીની સાથે વાતચીત કરવા માટે સાઈન લેંગ્વેજ શીખવી હતી.

[7] મને લોકોમાં, તેમની જોડે વાતો કરવામાં અત્યંત રસ છે. બેચાર દિવસથી હું જીમમાં એક અંગ્રેજ યુવાનને જોઉં છું. આજે મેં તેને ગૂડમોર્નિંગ કહ્યું અને વાતોએ વળગ્યા. તે થોડા દિવસ માટે ભારતમાં આવ્યો હતો. મેં તેના સુગઠિત અને મજબૂત શરીરની પ્રશંસા કરી અને ભારતના ટૂંકા નિવાસમાં પણ નિયમિત કસરત કરવાની તેની ચીવટની પ્રશંસા કરી ત્યારે તેના ચહેરા પરથી વિષાદનું એક વાદળ જાણે આવીને ચાલી ગયું. તે હળવેથી બોલ્યા, ‘માય ફ્રેન્ડ, મારે ખૂબ મજબૂત કસાયેલું શરીર જોઈએ છે. હું એક દિવસ માટે પણ કસરત છોડતો નથી. આનું કારણ એ છે કે મારે એક અપંગ દીકરો છે. તેને વારંવાર ઊંચકવો પડે છે. હવે તેનું વજન વધતું જાય છે એટલે હું પણ મારું શરીર વધુ મજબૂત બનાવવા માગું છું જેથી હું તેને વધુમાં વધુ સમય સુધી ઊંચકી શકું.