- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઝૂંપડાનું વાસ્તુ – ડૉ. હાર્દિક યાજ્ઞિક

[ રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા બદલ શ્રી હાર્દિકભાઈનો (નડીયાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.]

‘કાલનો દહાડો સમુડોશીને કે જે કે પોણી ના ઢોળે રહતા પર , કદાચ… પ્રતાપભાઇ ને નિલકંઠ પણ આવે. ઇમને પણ કયું સે’ ઓઢેલી ફાટેલ રજાઇનો પોતાનો ભાગ પણ પત્નીને ઓઢાવતા માધો બોલ્યો. અડધી રજાઇને વળી પાછી પતિને ઓઢાડતાં રતલીઍ પૂછ્યું
‘ઇ કોણ ?’
‘પ્રતાપભાઇ, આ આપણી લારી ઊભી રાખું સું ને ત્યા મોટા સાહેબની ઓફિસમા કામદાર છ.ઓફિસના લોકોનું સીંગનું પડીકું ઇ જ લેવા આવેસે. તે ભાઇબંધી થઈ છ અને નીલકંઠ તો તીયાં લીફટ ચલાવ છ. તી ઇને પણ કયું સે…’ સહેજ ઉભડક થઇને માધાએ કહ્યું.

‘તે હેં ! ઇવડા મોટી ઓફિસવાળા આપણે ત્યોં આવશી ?’ રતલીની આંખો પહોળી થઇ ગઈ…..
‘ના સું આવે ? ઇવડા ઇ નેય ખબર સ કે આજ દહ વરહથી આ સહેરમા મહેનત કરી તીયારે આજે આપડું પોતાનું સાપરું થયું સ…’ માધાની છાતી બે ગજ ફુલતી દેખાઇ.
રતલી હસી : ‘આજથી આપડુ સાપરું નઇં ..કાલથી’
‘હવે આસથી જ કહેવાય ગોંડી, આખી જીવતરની કમાણી. રુ. સાડા નવ હજ્જાર આપ્યાસે પુનમભાઇને. હવે કોઇ તો કહે …ઝૂંપડુ મારુ નથ.. ઇ તો મારું જ હવે.. મારું ને તારુ ઘર…’ માધા એ ઘર શબ્દ પર ભાર મૂક્યો.
‘કાલ ત્યોં ઝાડુ મારતી’તી તીયારે સમુડોશી કહેતા કે તારો ઘરવાળો ગાંડો થયો સે ? ઝૂંપડાના તી કઈ વાસ્તુ થતા હસે ?’ રતલી એ મ્હોં બગાડીને નવા પાડોશીની ફરિયાદ કરી.
‘હવે જીને જે કહેવું હોય તે કે. ઇ ડોશી માટે ઝુંપડુ હસે. પણ મારા માટે તો મારો મહેલ સે. આ વરહોથી તને આ ભુંગરામાં સુવારું છું ને મારુ મન એક જ વાત કહેતુ કે ફટ સે મારી જંદગી પર કે બૈરાને સાપરું ય નથ આપી હકતો…’
‘સાપરું ન હતું તો સુ પણ તારા પ્રેમનુ પાથરણું તો હતુને. મન તો તુ બાથમા લેસે ને તી મારી તો આખી દુનિયા ઇમાં જ આવી જાય….’

રતલી માધા માં લપાઇને નિંરાતે ઊંઘવા લાગી. દૂર કોઇ પાર્ક કરેલ ટેક્ષી માંથી રમેશ પારેખની રચના સાંવરિયો સંભળાઈ રહી હતી. માધાને આજે ઉંધ આવતી ન હતી. વર્ષોથી શહેરમાં આવીને એક જ રત લાગી હતી કે મારું ય કોઇ ઘર હોય. આમતો આવડા મોટા શહેરમાં ખાલી સિંગચણા વેચીને પોતાનુ ઘર બનાવવું એ લગભગ અશક્ય હતું પણ માધાને એક ચાનક લાગી હતી, પોતાના ઘરની. માધો સ્વભાવે જ મહેનતુ અને સ્વપ્નાં જોવાની એને નાનપણથી ટેવ. હજી તો હમણાં બેઠી લારી કરી બાકી ફેરી કરતો ત્યારે આખા શહેરમાં ફરે. નવાં નવાં ઘરો જ્યાં બનતા હોય ત્યાં ખાલી ખાલી પણ ફરે. જયારે કોઇ બંગલાની વાસ્તુ પૂજા ચાલતી હોય તો બહાર એ અચુક ઊભો રહે અને પોતાની જાતને વચન આપે કે જે દહાડે મારું પોતાનું છાપરું બનાવીશ તે દહાડે મારા ઝૂંપડાનું ય વાસ્તુ કરીશ. પૂજા રાખીશ. મનજી, હકી, પ્રેમજી , મુકાકાકા…. બધ્ધાને બોલાવીશ. રાબને રોટલાનું જમણ રાખીશ.

રતલીનેય માધાના સપનાની ખબર. આ રતલી જેવી સમજુ સ્ત્રી એ માધાને માટે ઇશ્વરનો આશીર્વાદ હતો. બન્ને જણ રેલવે ટ્રેકની પાછળ પડી રહેલા એક મોટા અને એક બાજુથી તૂટી ગયેલા ભૂંગળામાં રહે. બેવ બાજુએ કોથળાના પડદા કરીને આટલા નાના ભૂંગળાનેય રતલી એકદમ ચોખ્ખું ચણાક રાખે. ઘર બનાવાના સ્વપ્નને પૂરું કરવા બેવે પોતાનો સંસાર પણ હાલમાં નહીં વધારવાનો નિર્ણય કરી સમજ બતાવી હતી. જે દહાડે ઝૂંપડું લેવાનું નક્કી કર્યું ત્યારથી બન્ને ને જાણે જગ જીત્યું હોય તેવો સંતોષ થતો. માધાના મનમા ઝૂંપડાનું વાસ્તું કરવાનું નક્કી જ હતું. પ્રતાપભાઇ પાસે હજી ગઇકાલે જ ૧૦ ચિઠ્ઠીઓ લખાઇ કે : ‘મા ખોડિયારની દયાથી મુ ને રતલી અમાર નવા ઝુંપડામા રેવા જઇ સે. તી નવા ઝુંપડાનુ વાસ્તુ રાખ્યુ સ… વેલા આવજો.’ પ્રતાપભાઇના ઓફિસના નકામા કાગળ પર લખાયેલ આ ચિઠ્ઠીઓ માધાના ઝુંપડાના વાસ્તુપુજાની આમંત્રણ પત્રિકા હતી.

સીંગના એક પડીકા પર લાલ દોરો બાંધીને, એ પડીકું ને આંમત્રણ પત્રિકાની ચિઠ્ઠી ગઈકાલ સવારે પહેલી ખોડિયાર મંદિર, ભાથીજીના દેરે અને મહાદેવના મંદિરે મુકવા એ અને રતલી નીકળી પડ્યાં હતાં અને બાકીની સાત માધાએ જાતે વહેંચી હતી. સાત સાત મહેમાનોને વાસ્તામાં બોલાવા એ માધા માટે સાતસોને બોલાવા બરોબર હતાં.
વહેલી સવારે બન્ને પતિ પત્ની ઊઠ્યાં. રેલવે ટ્રેક પર ડબ્બા ધોવાના થાંભલામાંથી ધોધમાર વહેતા પાણીના ફુવારામાં શાહી સ્નાન કર્યુ. હૃદયમાં ઉત્સાહ સમાતો ન હતો. દલપત મહારાજ, આમ તો મંદિરની બહાર બેસીને આવતા જતા લોકોને ચાંલ્લો કરીને પૈસા માંગવાનુ કામ કરે પણ માધાને તો પૂજા માટે એ જ પોસાય તેમ હતો. બેવ જણા હાથ જોડીને વેદ વ્યાસ સામે બેઠા હોય તેમ પૂજામાં મહારાજ સામે બેઠા. રતલીની નજર આવેલા મહેમાનોને પાણી અને ગોળધાણા મળ્યા કે નહીં તેમાં જ હતી પણ માધો બે આંખો બંધ કરીને ભગવાનને મનોમન જીવનના આ સૌથી મોટા સ્વપ્નાને પૂરા કરવા બદલ આભાર માનતો હતો.

આસોપાલવના તોરણોથી શોભતું ઝૂંપડુ આજે રતલી અને માધાની આવનારી જિંદગીની મઝ્ઝાની ક્ષણોને સત્કારવા થનગનતું હોય તેમ લાગતું હતું. આવેલા સાતેય મહેમાનો અને તેના કુંટુબીઓને રાબને રોટલાનું જમણ કરાવતાં બન્ને જણને ન્યાત જમાડવા જેટલો ઉત્સાહ થયો. આવેલા દરેકને અંદર સુધી ખેંચીને પોતે ચોખ્ખું કરેલ ઝૂંપડું રતલીએ અંદરથી બતાવ્યું. આજનો આખો દિવસ બેવ જણાએ ઘરની અંદર જ કાઢયો. આજે કદાચ દસ વર્ષ પછી પહેલી વાર હાથ પગનું ટૂંટિયું વાળ્યા વગર માધો મોકળાશથી સુતો. રતલી થોડી થોડી વારે ઊઠીને લીપેલી દિવાલોને અડકી ને પાછી સૂઇ જતી એને બીક પેસી ગઇ કે કયાંક આ સપનુંતો નથીને ? આમેય છેલ્લા કેટલાય વર્ષોથી ભુંગળામાં સુતી હતી એટલે ઝૂંપડું તો મોટું મોટું લાગતું હતું.

સવારે રોજ કરતા મોડા ઊઠાયું અને કેમ નહીં ? કાલ તો જીવનનું સ્વપનું પુરું થયું હતું. લારી પર માલ ગોઠવતાં ગોઠવતાં અચાનક જ માધાની નજર ઝૂંપડાની બહાર લાગેલા એક મોટા કાગળ પર પડી. આ ગઇકાલે વાસ્તા વખતે તો આવો કોઇ કાગળ ન હતો. માધાએ ધ્યાનથી જોવા માંડ્યુ. કંઇ ખબર ન પડી પણ સિંહના ત્રણ મોઢાવાળા નિશાન જોઈને એટલી ખબર પડી કે છે આ સરકારી કાગળ. ત્યાં તો બાજુવાળા સમુડોશીના દીકરાએ પોક મૂકી. માધાએ સમુડોશીના ઝુંપડે જોયું તો ત્યાં પણ આવો જ કાગળ હતો. આજુબાજુના દરેક ઝૂંપડા પર આવો કાગળ હતો. થોડીવાર માં ખબર પડીકે સરકાર આ જમીન પરથી કોઈ મોટો રસ્તો બનાવા જઇ રહી છે અને એટલે ત્રણ દિવસમાં ઝૂંપડાં ખાલી કરવાનો એ કોર્ટનો હુકમ છે. ત્રણ દિવસ પછી અહીં સરકાર બુલડોઝર ફેરવીને જમીન ખાલી કરશે.
બે ક્ષણ માટે માધાને તમ્મર આવી ગઈ. પાછળ ઊભેલ રતલી ઝૂંપડાના દરવાજાને મજબુત રીતે પકડીને ડૂસકું ભરતી ત્યાં જ બેસી પડી પણ બીજી જ ક્ષણે એ સમજુ સ્ત્રી એ પોતાની જાતને સંભાળી. માધો જાણે આજે નાનું બાળક હોય તેમ ઝૂંપડાના દરવાજાની વચ્ચે, ગઈકાલના આસોપાલવના તોરણ નીચે બેઠેલી રતલીના ખોળામાં મોં રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

‘કંઇ વાધો નથ આપડી ઇ હમજવાનુ કે આપણું હપનુ એક વાર પુરું તો થયુ . આ દુનિયા મા ઇવા પણ લોકો છી જીના કોઇ હપના પૂરાં થતાં જ નથ અને કેટલા તો ઇવા હોય છી જે હપનાં જોવાની ય હિમ્મંત રાખતા નથ.. કોઈ વાધો નહીં ભગવાને એમ ધાર્યું હશી કે આ હાળા વાસ્તુપુજા હારી કરે છે તે ઇમને ઝૂંપડુ નહીં હાચું મોટું ઘર જ આપીશ… હવે બેય મહેનત કરશું અને મોટું ઘર જ લઇશું.. અને વાસ્તુ પણ કરીશું….’ બોલતાં બોલતાં છેલ્લા શબ્દોમાં આવેલ ડુમાને રતલીએ ઉધરસ ખાઇને સીફતથી સંતાડયો.

માધો કાંઈ પણ બોલ્યા વગર એ સમજણની મુર્તિને જોતો રહ્યો….
અચાનક એને કંઇ યાદ આવ્યું અને મુઠીઓ વાળીને એણે રેલવેની પાછળ આવેલા એના ભૂંગળા તરફ દોટ મૂકી..
એના મનમાં હવે બીક હતી કે ‘કદાચ…………..’