રીડગુજરાતી : નવમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

ફરી એકવાર રીડગુજરાતીના આજે નવમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આપને મળવાનું થઈ રહ્યું છે તેનો અપાર આનંદ છે. આપ સૌની શુભેચ્છાઓ ચાહું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં બધા જ દિવસો કે બધા જ વર્ષો એક સરખા નથી જતાં. એવું જ કંઈક આ વર્ષે રીડગુજરાતી સાથે પણ થયું છે. આમ કહું તો આ વર્ષ ‘રજાઓનું વર્ષ’ રહ્યું છે. સાહિત્યમાં તો કદી મંદી આવે નહીં પણ પ્રમાણમાં ઘણા ઓછા લેખો આપી શકાયા, એટલે જાણે મંદીનું વર્ષ પસાર થઈ ગયું હોય એવું લાગ્યું.

ખેર, ઉતાર-ચઢાવ જીવનનો એક ભાગ છે. જે ઉત્તમ વિચારો અને કપરી પરિસ્થિતિમાં મનને શાંત રાખવાની કળા શીખવતા લેખો મૂક્યા હોય એનો પ્રેક્ટિકલ ઉપયોગ આવા મંદીના સમયમાં થતો હોય છે. થોડોક વિરામ અને વિશ્રામ તાજગી તો આપે જ છે પણ સાથે નવા વિચારો પણ આપે છે. લાંબાગાળાના આયોજન માટે આ મંદીમાં ઘણા નવા વિચારો પ્રાપ્ત થયા.

મને ખ્યાલ છે કે રોજ હજારો લોકો રીડગુજરાતી વાંચે છે. એક દિવસ નવા લેખો ન મળે તો મનનું ટોનિક ન મળ્યાનો અભાવ તેઓને વર્તાય છે. લાંબી રજાઓ અને મોટા વેકેશને તેમને ઘણા વ્યથિત કર્યા હશે. વળી, જે લેખો સમયાંતરે આપવામાં આવ્યા એ પણ હજુ વધારે ઉત્તમ કક્ષાના આપી શકાયા હોત એમ મનમાં થયા કરતું હશે. જેમ કે સરસ મજાની બોધપ્રદ ટૂંકી વાર્તાઓ વાંચવાનું બધાને ખૂબ ગમતું હોય છે. કંઈક સરસ વાંચવાનું મળે તો મૂડ ફ્રેશ થઈ જાય એવો સૌનો ભાવ હોય એ સ્વાભાવિક છે. પરંતુ એની જગ્યાએ કોઈક વાર માત્ર સૂવાક્યો કે ટૂંકા નિબંધો જોઈને ઘણાને નિરાશા વ્યાપી હશે. ઘણા બધા વાચકોને પ્રશ્નો થયા હશે કે રીડગુજરાતીનું સ્તર કેમ આમ થઈ ગયું છે ? નિયમિતતા ક્યાં ગઈ ? કેમ જૂના લેખો ફરી મૂકવામાં આવે છે ? કેમ આટલી બધી રજાઓ ?

આમ તો આ બધા જ પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે. પરંતુ આજે ફરી એકવાર સ્પષ્ટતા કરવાનું જરૂરી સમજું છું. ગત ઓક્ટોબર માસથી એકદમ Deep concentration ને કારણે મને Anxity નામની એક માનસિક બિમારી થઈ. આ થવાનું કારણ તો અગાઉ ન સમજાયું, પણ ઘણા સમય બાદ ખબર પડી કે આ મનની અતિશય વ્યસ્તતાનું પરિણામ છે. ન ગમતું કામ હોય ત્યારે મન થાકે છે અને સમજાય છે પરંતુ ગમતું કામ હોય તો મન ક્યારે થાકે છે એનો ખ્યાલ નથી રહેતો અને આપણે કામ કર્યે રાખીએ છીએ. જે રીતે ભાવતા ગુલાબજાંબુ બે-ચાર વધારે ખવાઈ જાય તો ખ્યાલ નથી રહેતો ! Anxity એટલે ઉત્તેજના. એક પછી એક સતત કામ કરવાની ઉત્તેજના લાંબો સમય રહે તો તમને તમારા રોજિંદા કાર્યોમાં પણ એવી ટેવ પડી જાય છે. આ એક મનની આદત છે. નાના સરખા કામમાં પણ તમને પરીક્ષાનું પરિણામ આવવાનું હોય એવી ઉત્તેજના રહે. આ ઉત્તેજના સાથે કોઈ પણ ઘટનામાં તમે ઊંડાણપૂર્વક જોડાઈ જાઓ પરિણામે આ એક બિમારી બની જાય અને એકનો એક વિચાર મનમાં ઘૂમ્યા કરે અને મન એનાથી થાકી જાય. ભલે ને એ વિચાર ગમે એટલો સારો કેમ ન હોય ! મનની આ સ્થિતિને કારણે દરેક કાર્ય એક બોજ બની જાય. એટલે કે આવતીકાલે પિકનિક જવાનું હોય તો એ પણ જાણે એક પ્રકારનું કામ હોય એવો માનસિક બોજ રહે, એમાં આનંદ ન અનુભવાય.

જ્યારે આ બધી માનસિક બિમારી હોય ત્યારે લોકો મનોચિકિત્સકનો સંપર્ક કરતા હોય છે, પરંતુ અંતે તેમાં ઊંઘની દવાઓ લઈને મનને આરામ આપ્યા સિવાય બીજો કોઈ ઉપાય હોતો નથી. મનની આ ટેવ કે વલણ બદલવામાં દિવસો લાગે છે. જીવનની પદ્ધતિ અને કામનો પ્રકાર બદલવો પડે છે. દવાઓ કરતાં લોકસંપર્ક, રમતગમત, વાતચીત, મૂવી, ફોટોગ્રાફી, મિત્રો સાથે આનંદની પળો માણવી એ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય ધીમો પણ લાભકારક છે એમ મને અનુભવે સમજાયું. અતિશય વાંચન અને એક ધાર્યું વર્ષોનું કામ મનને થાક આપે એ સ્વાભાવિક છે. જેમ વર્ષો સુધી ક્રિકેટ રમનારને સ્નાયુઓની તકલીફો થાય છે એમ વર્ષો સુધી મનનો વધુ ઉપયોગ કરવાને લીધે આવી તકલીફ થવી સ્વાભાવિક છે.

પરંતુ આવી તકલીફ આશીર્વાદ લઈને આવે છે. એમાં આપણને થોડો વિરામ મળે છે. જાત સાથે સમય માણવાની તક મળે છે. નાનકડું વેકેશન મળી જાય છે. લાંબાગાળે આનો ઉકેલ શું કરી શકાય એનું આયોજન વિચારી શકાય છે. રીડગુજરાતીનું કામ સતત વધતું રહે છે. વાચકો તો જાણે છે કે રોજના બે લેખ જ મૂકાય છે (અને હમણાં તો વળી એક જ) પરંતુ એ બે લેખો માટે સતત મળતા રહેતા સેંકડો લેખો, રોજના વાચકોના ફોન, ઈ-મેઈલના જવાબો સહિત અનેક નાનામોટા કામોનું ભારત વધતું જ રહે છે. આથી, કોઈ એક વ્યક્તિ પોતાનો પૂરતો સમય આપી દે પછી પણ ઘણા કામ બાકી રહી જાય તો એ માટે થઈને કંઈક આયોજન વિચારવાનું જરૂરી રહે છે. આ આયોજન માટે હાલમાં તો એક કોમ્પ્યુટર અને એક ટાઈપિસ્ટને વાર્ષિક પગાર આપી શકીએ એટલી જરૂરી વ્યવસ્થા ઊભી કરવાનું વિચાર્યું છે જેથી મારું કામનું ભારણ ઘટી શકે. આ માટે કોઈ દાતા, સંસ્થા કે સરકારની કોઈ યોજના માટેની શોધ ચાલુ છે. એકાદ લેખ ઓછો કરીને પણ દિવસનો થોડો સમય હું આ વ્યવસ્થા અંગેની શોધ કરવા પાછળ વીતાવવાનું વધુ યોગ્ય સમજું છું.

અનિયમિતતા મને ગમતી નથી, પણ મારી મજબૂરી છે. અને કોઈ પણ કામ હું બોજ કે તાણ લઈને કરવા નથી માગતો. સાહિત્ય તો આનંદ આપનારું છે, એનાથી જ જો સ્ટ્રેસ થાય તો તો પછી ક્યાં જવું ? અંતે હું પણ એક માણસ છું. સુખ-દુઃખ, જીવનના ચઢાવ-ઉતરાવની મારા પર પણ એટલી જ અસર થાય છે જેટલી એક સામાન્ય માનવીને થવી જોઈએ. તેમ છતાં એમાંથી જલ્દી બહાર નીકળીને સમાજને કંઈક શુભ આપી શકાય એવી કોશિશ સતત કરતો રહું છું. ઘણીવાર આ કોશિશ નાકામિયાબ નીવડે ત્યારે શાંતિ રાખીને થોડો સમય પસાર થઈ જવા દેવો યોગ્ય લાગે છે. એમાં કંઈ રીડગુજરાતીની વેલ્યુ ડાઉન થઈ જવાની નથી ! આ કોઈ ‘બ્રાન્ડ’ કે ‘પ્રોડક્ટ’ નથી કે જેના વેચાણ માટે સતત મથતા રહેવું પડે. આ તો આંબો છે. કોઈ વર્ષે કેરી ઓછી પણ આવે અને કોઈ વર્ષે મબલખ પાક પણ ઊતરે ! ઘણા લોકો મને કહે કે આટલી બધી રજાઓ પાડો તો લોકો શું વિચારશે ? રીડગુજરાતીની ‘ગુડવીલ’નું શું થશે ? એના ‘બ્રાન્ડનેઈમ’નું શું થશે ? સબસ્ક્રીપ્શન લેવાનું શરૂ કર્યા પછી જ કેમ રજાઓ વધારવા માંડી ? – જેટલા મુખ એટલા સવાલો ! આપણી પાસે કંઈક કરવા કરતાં સલાહો અને સવાલો કરવા માટે ઘણો સમય હોય છે ! એથી બધાને વ્યક્તિગત જવાબ આપવાને બદલે આ રીતે સામુહિક જવાબ આપવાનું મને વધારે અનુકૂળ પડે છે.

ઘણા બધા નવસર્જકમિત્રોના લેખો જોઈ શકાયા નથી, તેમના ઈ-મેઈલના જવાબ આપી શકાયા નથી, લેખનો સ્વીકાર કર્યા પછી પણ સાઈટ પર પ્રકાશિત કરવામાં વિલંબ થયો છે – એ સૌ પાસે ક્ષમા ચાહું છું. વાંચન માટે આતુર સૌ વાચકમિત્રોને જલ્દીથી બે લેખ આપી શકું એ માટે હું પૂરી બનતી કોશિશ કરીશ. ફરી એકવાર નવમા વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે આપની શુભેચ્છાઓ ચાહું છું અને સાથે સૌ લેખકમિત્રો, પ્રકાશકો, સંપાદકો અને રીડગુજરાતીને આર્થિક સહયોગ કરનારા સૌનો આભાર માનું છું.  આવતીકાલે એક વિરામ લઈને ગુરુવારે નવા લેખ સાથે ફરી મળીશું. ત્યાં સુધી સૌને મારા પ્રણામ.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
મો: +91 9898064256

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

54 thoughts on “રીડગુજરાતી : નવમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.