માતા : બાળકની ભાગ્યવિધાતા – પાયલ શાહ

[ મુંબઈ નિવાસી યુવાસર્જક પાયલબેન અગાઉ રીડગુજરાતીની અનેક વાર્તા-સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે. તાજેતરમાં તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે. ગર્ભાવસ્થાના નવ માસ દરમિયાન એમણે ખૂબ પ્રયોગો કર્યા છે. આ પ્રયોગો એટલે ગર્ભમાંથી જ બાળકના ઘડતર માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ. તેઓ ઈચ્છે છે કે તેઓ આ માટે ભાવિ માતાઓને પણ શક્ય હોય તેટલું મદદરૂપ થઈ શકે. તેમનો પ્રસ્તુત લેખ તો સગર્ભા બહેનોને ઉપયોગી થશે જ પરંતુ તે સાથે તેમને જરૂરી માર્ગદર્શન જોઈતું હોય તો પણ તેઓ પાયલબેનનો (મુલુંડ, મુંબઈ) આ સરનામે payalshah1@hotmail.com અથવા આ નંબર પર +91 9324056770  (સમય : બપોરે 2 થી 4:30 IST) સંપર્ક કરી શકે છો.]

ઈશ્વરની સાવ લગોલગ બેસવાનો મોકો માત્ર સ્ત્રીને જ મળે છે. સ્ત્રી જ્યારે મા બને છે ત્યારે સાક્ષાત સર્જનહાર બની જાય છે અને પોતાનાં સઘળાં હેત-પ્રીત આવનાર બાળક પર ઓવારે છે. ઈશ્વરે જ્યારે ખુશ થઈને મા ને કહ્યું : ‘માગ, માગ, માંગે તે આપું.’ ત્યારે એક આંખમાં હરખ ને એક આંખમાં અશ્રુની હેલી સાથે માએ કહ્યું : ‘મારા બાળકનું નસીબ હું લખી શકું એવું વરદાન આપો.’ ઈશ્વરે ‘તથાસ્તુ’ કહ્યું અને માને બાળકનું ભાગ્ય ઘડવા માટે નવ મહિના આપ્યા.

દરેક મા પોતાનામાં રહેલ સંસ્કારશક્તિથી પોતાના બાળક માટે ગર્ભથી મોક્ષ સુધી જવાનો રાજમાર્ગ તૈયાર કરી શકે છે. સામાન્ય રીતે સ્ત્રી પોતાના ગર્ભસ્થ શિશુને સુખી સંપન્ન જોવાની કામના રાખે છે પણ હંમેશા બાળકને મહાપુરુષ બનાવવાનો દષ્ટિકોણ અપનાવવો જોઈએ કારણ કે વ્યક્તિ મહત્વની હોય તે સારી વાત છે પણ સારી હોય તે વધારે મહત્વનું છે. આ વાત માતા પોતાના ગર્ભમાં રહેલ બાળકને શીખવાડી શકે છે ગર્ભસંસ્કરણ દ્વારા. આ નવ મહિના દરેક ખુશીની પળને બાળકના નામ પર કરી દો, પછી જુઓ તમારા બાળકના જીવનમાં સોનેરી તેજોમય સૂર્યનો ચળકાટ હંમેશાં રહેશે. શરત માત્ર એટલી જ કે આ માટે પોતાના અંતઃકરણમાં આદર્શો પ્રત્યે ઊંડી શ્રદ્ધા સ્થાપવામાં આવે અને એના માટે સાહસ એકઠું કરવામાં આવે. ત્યારબાદ તેને અનુરૂપ સતત ચિંતન, રહેણીકરણી, આહાર-વિહાર અપનાવવા. આમ થાય તો ગર્ભાવસ્થામાં જ બાળકનું શારીરિક + માનસિક = ભાગ્ય ઘડતર થઈ શકે. જ્યારે આર્કિટેક્ટ ઈમારત બનાવે ત્યારે પહેલાં તેની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરે છે. તેમ ભાવિ માતાએ પણ પોતાના નવ મહિના બાળકને સમર્પિત કરવા જોઈએ.

પહેલા મહિનાથી શરૂ કરવાની પ્રવૃત્તિમાં સૌ પ્રથમ રોજ ઈશ્વર સમક્ષ શાંત અને પ્રસન્નચિત્તે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ ! મને સુંદર, રૂપવાન અને ગુણવાન સંતાન પ્રાપ્ત થાઓ. મારા બાળકનો જન્મ શાંતિથી અને પીડારહિત થાઓ. મારા બાળકમાં સત્યનિષ્ઠા, શાંતિ, એકાગ્રશીલતા, તેજ, ઓજ, શુભ ભાવ, વિનમ્રતા અને અન્ય ઈશ્વરીય ગુણોનું અવતરણ થાઓ. શક્ય બને તો રોજ સવારે માતા સરસ્વતિનું સ્તુતિગાન કરવું જોઈએ.

બીજા મહિનાથી શરૂ કરવાની પ્રવૃત્તિમાં, મારો એક અનુભવ અહીં પ્રસ્તુત કરું છું. એક તપેલીમાં પાણી લઈ તેમાં એક ચાંદીનો સિક્કો અને એક સોનાનો સિક્કો મૂકીને તેને ઉકાળવું. આ પાણી જ આખો દિવસ પીવું. મનમાં કોઈપણ માટે કોઈ પૂર્વગ્રહ કે નફરત ન રાખવી. આખો દિવસ સરસ સ્તવન, ભજન, ગીત કે સ્તુતિ સાંભળવા. સવારે સૂર્યના દર્શન કરવા અને મનોમન પ્રાર્થના કરવી કે મારું સંતાન પણ આદિત્યની જેમ તેજસ્વી બને. રાતના ચંદ્રમાના દર્શન કરીને પ્રાર્થના કરવી કે મારું સંતાન ગૌરવર્ણ, શીતળ સ્વભાવવાળું અને સૌમ્ય હોય.

ત્રીજા મહિનાથી શરૂ કરવાની પ્રવૃત્તિમાં ખૂબ સંગીત સાંભળવું. ફિલ્મી ગીતો પણ ચાલે પરંતુ ઘોંઘાટિયું સંગીત નહીં. આજકાલના આઈટમ સોંગ તો નહીં જ ! તાજેતરમાં થયેલ સંશોધન મુજબ માતાના ઉદરમાં પાંગરી રહેલા શિશુમાં શીખવાની અને યાદ રાખવાની અદ્દભુત શક્તિનો વિકાસ થયો હોય છે. તે માતાની ભાષા, શબ્દપ્રયોગો, જુદા જુદા અવાજો અને સંગીત પારખી શકે છે. તેથી જ શ્લોકો, હળવું સંગીત, શાસ્ત્રીય સંગીત (ખાસ કરીને માલકૌંસ રાગ), સરસ મજાના સ્તવન, મમતા સભર શબ્દો, પ્રિય વાણી… વગેરેથી બાળકની વાણી, ભાષા, શબ્દભંડોળ સરસ અને વ્યવસ્થિત બનશે. ખાતરી રાખજો કે તમારું બાળક તોતડું કે તોછડું નહીં બને પણ મિતભાષી અને સૌમ્ય થશે. સંગીત સાથે વાંચન કરો. મેગેઝિન કરતાં પણ વીર બાળકોની વાર્તા, નટખટ કાનુડાની લીલા, કલ્પસૂત્ર કે ભગવાનનું કોઈ ચરિત્ર, શક્ય હોય તો સ્વામી વિવેદાનંદ જેવા મહાનપુરુષોનું જીવનચરિત્ર વાંચવું.

ચોથા મહિનાથી શરૂ કરવાની પ્રવૃત્તિમાં કબૂતરને ચણ નાખવું. કાગડાને ગાંઠિયા-રોટલી નાખવાં. ગાયને ગોળ-રોટલી ખવડાવવા. આમ કરવાથી બાળકમાં જીવદયા-અનુકંપાનો ભાવ આપોઆપ પ્રગટ થાય છે. વિદેશી જંકફૂડ ખાવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ. માંસાહાર જ્યાં થતો હોય ત્યાં જવાનું ટાળવાથી બાળકમાં આપોઆપ અયોગ્ય જગ્યાએ અને ગમે ત્યાં ન ખાવાના સંસ્કાર મજબૂત બનતા જાય છે. વળી, આ સમય દરમ્યાન ચાણક્ય નીતિશાસ્ત્ર વાંચવું. સુભદ્રાના અભિમન્યુને જેમ ચક્રવ્યૂહ ભેદનનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેમ તમારું બાળક આ રીતે મેનેજમેન્ટના પાઠ ગર્ભમાંથી શીખી શકે છે. વૈદિક ગણિત કરવું, સુડોકું ઉકેલવું, શબ્દકોયડા ભરવા…. આ બધું કરવાથી બાળકના મગજનો વિકાસ થાય છે. તમારા બાળક માટે જો તમે દિવસની 5-10 મિનિટ આ રીતે ફાળવશો તો તમારા આવનાર બાળકને ભાષા કે ગણિતથી ક્યારેય અણગમો નહીં થાય.

પાંચમા મહિનાથી બાળક સાથે વાત કરવાનું શરૂ કરો. તમે જે પણ કામ કરો છો તે તેને કહો. જેમ કે ચાલ બેટા… આપણે કંઈક વાંચીએ, ચાલ… આપણે જમી લઈએ…. આમ બાળક સાથે દરેક વાત વહેંચો. બાળકને તમારી રોજિંદી ક્રિયામાં સામેલ કરીને તેને કાર્યરત બનાવો. આ બધા સાથે ખોરાક વ્યવસ્થિત લેવો જોઈએ. તાંદળજાની ભાજી, ગોળ, ખજૂર, સીંગ-ચણા, બદામ, કાજુ વગેરે ખાવા જોઈએ. અનાનાસ ન ખાઓ અને આ નવ માસ દરમિયાન એલચીનો વપરાશ ક્યાંય પણ નહીં કરો. સ્વસ્થ શરીર + સ્વસ્થ ચિત્ત + કાર્યરત મગજ = સરસ મજાનું તંદુરસ્ત બાળક. આ સાથે હાસ્ય ખૂબ અગત્યની બાબત છે. દિવસમાં બેથી ત્રણ વાર ખડખડાટ હસો. મોંના સ્નાયુઓની કસરત તો થશે જ સાથે બાળક તમારો અવાજ ઓળખતું થઈ જશે.

છઠ્ઠા મહિને પતિ-પત્નિ સાથે ભેગાં મળીને આવનાર બાળક માટે સુંદર પ્રાર્થના તૈયાર કરો. કારણ કે એ તો દેવનો દીધેલ છે. જે પણ ભાષામાં ફાવટ હોય તે ભાષામાં પ્રેમાળ વક્તવ્ય તૈયાર કરો. નિયત સમયે બાળકના ક્ષેમકુશળની પ્રાર્થના કરો. જેમ કે,
બેટા,
અમે તને ખૂબ ચાહીએ છીએ.
અમે તને અઢળક પ્રેમ કરીએ છીએ.
તારું કલ્યાણ થાઓ.
તું પ્રભુનો અનુયાયી બનજે.
તું ચંદ્ર જેવો સૌમ્ય બનજે.
તું સૂર્ય જેવો તેજસ્વી બનજે.
તું ગુણવાન, પુણ્યવાન અને સત્વશીલ બનજે.
તું અમારા કુળને અજવાળજે.

આ સાથે મનગમતી પ્રવૃત્તિ શરૂ કરો. ચિત્રકામ, રંગપૂરણી, સિરામિક ફ્રેમ વગેરે કરી શકાય. કોઈક અન્ય ભાષા પણ શીખી શકાય. સીવણ, લેખન, વાંચન, સંગીત શીખવું જોઈએ. આ બધી ક્રિયા વખતે યાદ રાખવું કે તમારું બાળક પણ એનાથી સર્જનાત્મક બનવાનું છે. મોરનાં ઈંડાને ચીતરવા ન જ પડે ને ! સરસ મજાના મીઠાં મધુરાં હાલરડાં પાકા કરી લો. ગર્ભસ્થ શિશુને રાતના મીઠી હલકમાં આ હાલરડાં સંભળાવો. તેને ખૂબ ગમશે. પછી આ જ હાલરડાંથી તેને ખૂબ સરસ નિંદર આવશે. એ સમયે હાલરડાંને બદલે ગીત, સ્તુતિ, સ્તવન કે ભજન નહીં ચાલે.

સાતમા મહિનાની શરૂઆત કે અંતમાં સીમંત સંસ્કાર થાય છે. સીમંત એટલે કેશશ્રૃંગાર. વાળ ઓળીએ ત્યારે જે સેંથી પડે તે સીમંત. આ સંસ્કારથી ગર્ભસ્થ શિશુ પ્રસન્ન રહે અને દીર્ઘાયુ થાય એ પહેલો હેતુ છે. તથા બીજો હેતુ સ્ત્રી સફળ ગર્ભા અને બહુસંતતિવાળી થાય. સીમંતનો હેતુ છે : બાળકને સારા વિચાર સાથે અવતરણ આપવું, બાળકને સારા સંસ્કાર આપવા, માતા-પિતાનું મન મજબૂત કરવું, માતામાં પ્રસવ માટે સાહસ અને વિશ્વાસ ઉત્પન્ન કરવા, એક પૂર્ણ બાળક વિશ્વને અર્પણ કરવું જે શારીરિક, માનસિક અને વૈચારિક રીતે શ્રેષ્ઠ હોય. આ સમયમાં બાળકની શ્રવણ શક્તિ અને સુગંધ પારખવાની શક્તિ આવે છે. તે સુગંધની પસંદ-નાપસંદ સંપૂર્ણપણે માતા પર આધારિત હોય છે. માતાને ગમતી સુગંધ બાળકને ગમે છે અને ન ગમતી સુગંધ નથી ગમતી. માતાએ ધૂપ, ફૂલ, અત્તર કે જે મનને પ્રસન્ન રાખનારની સૌરભ હોય તેનો ઉપયોગ કરવો. રોજ પાંચ મિનિટ ‘ૐ’ના ધ્વનિનું ઉચ્ચારણ કરવાથી બાળકનું હૃદય મજબૂત થાય છે. વૈજ્ઞાનિક પ્રયોગોની વાતો વાંચવાથી તમારું જ્ઞાન વધશે. બાળકને વાર્તાઓ કહેવી. સિન્ડ્રેલા કે સ્નોવ્હાઈટ કરતાં જગદીશચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈની વાતો કરવાથી જ્ઞાન સાથે પ્રેરણા પણ મળશે.

આઠમા અને નવમા મહિનામાં આ બધી જ ક્રિયાઓ ખૂબ વ્યવસ્થિત રીતે ભૂલ્યા વગર, ચૂક્યા વગર કરવી. કારણ કે ગર્ભમાં રહેલ બાળક આઠમા મહિને ઘણો ખરો પૂર્ણ થઈ જાય છે. પોતે અંદર સુથારની પેઠે શરીરની બાર પાંસળીનો સમૂહ તથા છ પાંસળીઓ બનાવે છે. પીઠના અસ્થિના અઢાર સાંધાઓ તથા પાંચ વામ જેટલું લાંબુ આંતરડું પણ રચે છે. તે આહાર કરે છે ગર્ભનાળ દ્વારા. જલ્દી શ્વાસ લે છે- મૂકે છે. માટે જ તેને તમે જેટલી સરસ વાતચીત તેની સાથે કરશો તેટલું તે સરસ કેળવાશે. આ બધું ધ્યાન રાખવાની સાથે ડૉક્ટરે કહેલી ફોલિક એસિડ, મલ્ટી વિટામિન ટેબ્લેટ ભૂલ્યા વગર લેવી જોઈએ. તેનાથી રોગો બાળકની નજીક નહીં ફરકી શકે. સાંજના જમીને સરસ મજાની જગ્યાએ થોડું ચાલવા જવું જોઈએ, જેથી મન-મગજ તરબતર રહે. નારિયેળનું પાણી પણ આ સમય દરમિયાન લઈ શકાય. તેનાથી એનર્જી વધુ રહે છે. મોસંબી, સફરજન, ગોળપાપડી, કાજુકતરી, બદામકતરી, છાશ વગેરે બધું જ લઈ શકાય.

ગર્ભસ્થ શિશુ ગર્ભમાં બધું જ સાંભળે છે, અનુભવ કરે છે અને બધું જ સમજે છે પણ જ્યારે તેનો જન્મ થાય છે ત્યારે પ્રસુતિની જે વેદના હોય તેમજ બહારના વાતાવરણનો સંપર્ક થાય છે તેના કારણે તેને ગર્ભાવસ્થા દરમ્યાનના સુખ-દુઃખનું વિસ્મરણ થઈ જાય છે, પણ જે સંસ્કારોનું બીજારોપણ થઈ જાય છે તે નિમિત્ત મળતાં વિકસિત થાય છે.

આ લેખ ભાવિ સિદ્ધ આત્મા જે માતાની કુખમાં વિકસી રહ્યા છે તે માતાઓને સમર્પિત છે. દરેક બાળકને પોતાનું મનગમતું આકાશ મળે એવી અભ્યર્થના સાથે…. સૌનો પંથ ઉજમાળો બને એવી પ્રભુ પ્રાર્થના…. શિવાસ્તે તવ પંથાઃ…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

31 thoughts on “માતા : બાળકની ભાગ્યવિધાતા – પાયલ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.