ઝાઝું વિચારવું જ નહીં – કૃષ્ણ દવે

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.]

ઝાઝું વિચારવું જ નહીં
મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતાં તો ધારવું જ નહીં….
ઝાઝું વિચારવું જ નહીં

રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર, પળભર પણ ઝળહળ થઈ રહેવું
વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને, ભીંજવવા આરપાર વહેવું.
…………………. આવી ચડે ઈ બધું પાંપણથી પોંખવું ને મનને તો મારવું જ નહીં
ઝાઝું વિચારવું જ નહીં

ઘુવડની આંખ્યુંમાં ચોંટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત
આગિયાના ગામમાંથી ચૂંટાયા હોત ને તો આજે તો સૂરજ હું હોત
…………………… સ્મરણો તો હંમેશા આ રીતે પજવે, તો કંઈ પણ સંભારવું નહીં
ઝાઝું વિચારવું જ નહીં

સરનામા પૂછી પૂછીને જે વરસે ઈ વાદળ નહીં બીજા છે કોક
ભીંજાવા માટે પણ પાસવર્ડ માગે ઈ ચોમાસા કરવાના ફોક
……………………. છાંટોયે હેતથી ના વરસી શકાય એના કરતાં અંધારવું જ નહીં
ઝાઝું વિચારવું જ નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “ઝાઝું વિચારવું જ નહીં – કૃષ્ણ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.