ઉડવામાં કંટાળો અનુભવતું અનોખુ પક્ષી :કૂકડિયો કુંભાર – પ્રકાશચન્દ્ર કા.સોલંકી ‘પ્રણય’

[ રીડગુજરાતીને આ માહિતીપ્રદ લેખ મોકલવા બદલ શ્રી પ્રકાશભાઈનો (બનાસકાંઠા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે
pranaysolanki18@yahoo.com સંપર્ક કરી શકો છો.]

વનવગડામાં ફરવા ગયા હશો તો તમને ક્યારેક હુદ…..હુદ…..એવો કઠોર અને કર્કશ (અપ્રિય લાગે એવો) અવાજ સાંભળવા મળ્યો હશે. અવાજ કઇ દિશામાંથી આવ્યો તે જાણવા પ્રયત્ન કરીશું તો ખૂબ જ દૂરથી અવાજ આવતો હોય તેવું લાગશે, પરંતું બારીકીથી – જરા ઝીણવટથી નિરીક્ષણ કરીશું તો બે-પાંચ મીટર દૂરથી જ કાગડા જેવડું પક્ષી બોલતું દેખાશે. આ પક્ષીની અવાજ કાઢવાની એવી ખૂબી છે કે તે આપણી નજીકથી બોલતું હોવા છતાં દૂરથી બોલતું હોય તેવો આપણને ભાસ થાય છે.

ગ્રામ્ય વિસ્તારના લોકો આ પક્ષીથી પરિચિત હશે. આ પંખીનું ગુજરાતી નામ “કૂકડિયો કુંભાર” કે “કુંભારિયો કાગડો” છે. હિન્દીમાં તેને “मोहोख” નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેને “Greater Coucal” અથવા “Crow Pheasants” નામથી અને જીવશાસ્ત્રીય કે લેટિન ભાષામાં તેને “Centropus sinensis” નામથી ઓળખવામાં આવે છે.

IMG_5449કૂકડિયો કુંભાર આપણી જાણીતી અને માનીતી એવી કોયલના કુળનું પક્ષી છે. કોકિલવર્ગ (કુક્કુલી ફોર્મ્સ-Cuculiformes)ના કોકિલકુળ(કુક્કુલીડી-Cuculidae)માં કોયલ પક્ષીઓનો સમાવેશ થાય છે. જેમાં કોયલની સાથે તેની બીજી બહેનો એવી પટ્ટાવાળી રાતી કોયલ, નાની રાખોડી કોયલ, ચાતક, બપૈયો, પરદેશી કુહૂકંઠ, સીરકીર તથા લીલો માલકોહા જેવાં પક્ષીઓની સાથે કૂકડિયો કુંભાર અને આપણા દેશમાં જોવા મળતા તેના બીજા બે ભાઇઓ 1. આંદામાન કૂકડિયો કુંભાર (અં. Andaman Coucal લે. Centropus andamanensis) અને 2. નાનો કૂકડિયો કુંભાર (અં. Lesser Coucal લે. Centropus bengalensis )નો સમાવેશ થાય છે.

કૂકડિયો કુંભાર મુખ્યત્વે વનવગડા, ખેતરો, વાડીઓ અને ગૌચર વિસ્તારોમાં જોવા મળે છે ને તેને આવા વિસ્તારોમાં વસવાનું ખાસ પસંદ છે. તે ક્યારેક ઘરના વરંડા – વાડામાં પણ જોવા મળી આવે છે. શહેરી વિસ્તારમાં પણ જ્યાંથી ખેતર-વાડીઓ નજીક હોય તેવા વિસ્તારોમાં તે અચૂક દેખા દે છે.

કૂકડિયો કુંભાર દેખાવમાં કોયલને થોડોક મળતો આવે છે, પરંતું રંગમાં અને કદમાં તે કોયલથી જુદો તરી આવે છે. કદમાં તે કોયલથી સહેજ મોટો હોય છે અને તેના શરીરનો રંગ ઘેરો કથ્થાઇ હોય છે. તેની પાંખો ઇંટ જેવા રાતા રંગની અને આંખો કંકું જેવા રાતા રંગની હોય છે. તેની ડોક ઉપરનાં પીંછાં ચમકદાર રંગછટા ધરાવે છે આથી તેના પર સૂર્યપ્રકાશ પડતાં તે જુદા જુદા રંગોની(ખાસ કરીને ચળકતા વાદળી અને જાંબલી રંગોની) આભા સર્જે છે. તેની ચાંચ તથા પગ કાળા રંગનાં હોય છે. તેની ચાંચ કાગડાની ચાંચ કરતાં નાની અને ટૂંકી હોવા છતાં મજબૂત અને કઠોર હોય છે. તેને શરીરના પ્રમાણમાં સહેજ લાંબી અને ભરાવદાર પૂંછડી હોય છે.

કૂકડિયો કુંભાર પોતાના ખોરાકમાં નાનાં જીવડાં, અળસિયાં, ગરોળીઓ અને નાના કાકીડા(કાચંડા) જેવા જીવોનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે તીડ, ઉંદર, નાનાં અને નબળાં પક્ષીઓનાં ઇંડાં તેમજ બચ્ચાં વગેરેનો પણ છૂટથી ઉપયોગ કરે છે. આથી જ તે આવા જીવોની શોધમાં જાળાં-ઝાંખરાં, વાડી-ખેતર તથા બાગ-બગીચાની વાડો(કંપાઉંડ વોલ રૂપે કાંટાળી ડાળખીઓ કે ઝાંખરાં ગોઠવીને કરવામાં આવેલી એક જાતની દિવાલ) ફંફોસતો નજરે પડે છે.

કોયલના કુળનું પક્ષી હોવા છતાં તે કોયલની જેમ વૃક્ષવાસી નથી. તે દિવસનો મોટોભાગ ધરતી પર જ વિતાવે છે. વળી કોયલ અને તેના કુળનાં ઘણાં પક્ષીઓ ઇંડાં મૂકવા માળો બનાવતાં નથી. પોતાનાં ઇંડાં મૂકવા માળો ન બનાવતાં હોય એવાં ઘણાં પક્ષીઓ છે, પરંતું એ પક્ષીઓ જમીન પર, વૃક્ષોની બખોલ કે કાણાંમાં અથવા અન્ય પક્ષીના જૂના-ત્યજી દેવાયેલા માળામાં પોતાનાં ઇંડાં મૂકે છે અને તેને સેવીને બચ્ચાંને ઉછેરે છે. જ્યારે કોયલકુળનાં કેટલાંક પક્ષીઓ આમ પણ કરતાં નથી. તેઓ માળો તો બનાવતાં જ નથી, પણ ઇંડાંને સેવવાની કે બચ્ચાને ઉછેરવાની પણ તસ્દી લેતાં નથી. તેઓ બીજાં પક્ષીઓના માળામાં ઇંડાં મૂકી આવીને બાળઉછેરની તમામ જવાબદારી આ ત્રાહિત પક્ષીઓને સોંપી દે છે. આ રીતે બીજાં પક્ષીના માળામાં ઇંડાં મૂકી આવીને બાળઉછેરની તમામ જવાબદારી તેમના માથે નાખી દેનારાં પક્ષીઓને “પરભૃત પક્ષીઓ” કહે છે. કૂકડિયો કુંભાર કોયલના કુળનું પક્ષી હોવા છતાં તે કોયલની જેમ “પરભૃત પક્ષી” પણ નથી. એટલે કે તે કોયલની જેમ પોતાનાં ઇંડાં બીજાં પક્ષીઓ પાસે સેવડાવતો નથી. બલ્કે પોતાનો માળો બનાવીને નરમાદા બંને વારાફરથી ઇંડાંને સેવે છે અને ઇંડાં સેવાઇ જતાં તેમાંથી નીકળેલાં બચ્ચાંનું પાલનપોષણ કરીને તેમને પૂરા પ્રેમથી ઉછેરે પણ છે.

કૂકડિયા કુંભારની માદા એપ્રિલથી સપ્ટેમ્બર માસ વચ્ચેના સમયગાળા દરમિયાન ઇંડાં મૂકે છે. ઇંડાં મૂકવા માટે નરમાદા બંને સાથે મળીને ગોળ વાટકા જેવો સરસ મજાનો માળો તૈયાર કરે છે. માળો બનાવવાના સ્થળ માટે તેઓ ખેતર-વાડીઓ અને બાગ-બગીચાની વાડ અથવા જાળાં-ઝાંખરાંની પસંદગી કરે છે. કુંભાર માદા સફેદ રંગનાં ત્રણથી ચાર ઇંડાં મૂકે છે. આગળ જાણી ગયા તેમ ઇંડાં સેવવામાં અને બચ્ચાંનો ઉછેર કરવામાં નરમાદા બંને સાથે રહે છે અને એકબીજાને પૂરતો સહકાર આપે છે. કૂકડિયો કુંભાર અગાઉ જાણ્યું તેમ પોતાના વર્ગ અને કુળનાં બીજાં પક્ષીઓથી ઘણી બાબતોમાં અલગ ખાસિયતો ધરાવે છે. આ વર્ગનાં કોયલ, ચાતક અથવા મોતીડો, બપૈયો, સીરકીર અને કુહૂકંઠ જેવાં પક્ષીઓ હજારો કિલોમીટર લાંબો ઋતુપ્રવાસ ખેડે છે. ત્યારે કૂકડિયો કુંભાર આજ કુળનું પક્ષી હોવા છતાં અને ઉડવાલાયક યોગ્ય પાંખો ધરાવતો હોવા છતાં તે ઉડવામાં ભારે કંટાળો અનુભવે છે. તેને કાંકરીચાળો કરતાં કે અન્ય કોઇ રીતે ઉડવાનું થતાં તે થોડુંક જ ઉડીને પાછો જમીન પર ચાલવા લાગે છે. પંખી ઉડ્ડયનના મારા અભ્યાસ મુજબ તેની મોટી અને ભરાવદાર(વજનદાર) પૂંછડી તેના ઉડ્ડયનમાં થોડીક બાધારૂપ બનતી હોય તેવું લાગે છે. તેમ છતાં ઉડવામાં તે વધુ કંટાળો અને આળસ મહેસૂસ કરતો હોય છે એ વાતમાં બેમત નથી. તેની આ આળસ અને કંટાળાને લીધે જ કદાચ માર્ગઅકસ્માતોનો તે સૌથી વધુ ભોગ બનતો હોય છે. મેં મારા નિરીક્ષણ દરમિયાન ઘણી જ્ગ્યાએ સડક માર્ગો ઉપર વાહનોની નીચે અથવા વાહનો સાથે ટકરાઇને મૃત્યું પામ્યા હોય તેવા કૂકડિયા કુંભારના કેટલાય મૃતદેહો જોયા છે.

જમીન પર ચાલવામાં તે જબરો કુશળ છે. ચાલવાની બાબતમાં તે ખરેખર ધરતીનાં જ હોય તેવાં પક્ષીઓ સાથે પણ હરિફાઇ કરી શકે એટલી કુશળતાથી ચાલે છે. વળી ઝડપભેર ચાલવામાં કે દોડવામાં પણ તે ભારે સ્ફૂર્તિ દાખવે છે.

Leave a Reply to Bhaumik Trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ઉડવામાં કંટાળો અનુભવતું અનોખુ પક્ષી :કૂકડિયો કુંભાર – પ્રકાશચન્દ્ર કા.સોલંકી ‘પ્રણય’”

Copy Protected by Chetan's WP-Copyprotect.