એક યાદગાર પ્રેરક પ્રસંગ – વૈશાલી માહેશ્વરી

[ રીડગુજરાતીને પોતાના જીવનની સત્યઘટનારૂપ આ પ્રેરક પ્રસંગ મોકલવા બદલ વૈશાલીબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vaishalismaheshwari@gmail.com સંપર્ક કરી શકો છો.]

હું ‘સ્ટૂડન્ટ વિઝા’ પર અમેરિકા ભણવા આવી તે વર્ષ 2006ની આ વાત છે. વાપી જેવા નાના શહેરમાંથી હું મોટી થઈ છું. શાળા અને કૉલેજ બધું પરિવાર જોડે રહીને વાપીમાં જ પૂરું કર્યું. પરિવારને છોડવાનો અને બીજા દેશમાં જવાનો આ મારો પહેલો અનુભવ હતો. મારા પિતાજીના એક પિત્રાઈ ભાઈ, રાજેન અને એમના પત્ની રીના મને ન્યૂયોર્ક એરપોર્ટ પર લેવા આવ્યાં. એમનો અને મારો જરાક પણ સંપર્ક નહોતો, પણ બીજું અમારું નજીકનું કોઈ ન્યૂયોર્ક પાસે રહેતું નહોતું. તે કારણે મારા પપ્પાએ તેમને ભલામણ કરી કે તેઓ મને અરપોર્ટ પર લેવા આવે.

એ લોકો ન્યુજર્સી રહેતા હતાં અને મારી કૉલેજ ન્યુયોર્કમાં હતી. તેઓ મને એરપોર્ટથી ઘરે લઈ ગયા. એ દિવસે શનિવાર હતો અને મારે મંગળવારે કૉલેજમાં હાજરી આપવાની હતી એટલે રાજેનભાઈ અને રીનાભાભીએ મને ન્યુયોર્કમાં રહેવા માટે ઘર મળી રહે એ હેતુથી ન્યુયોર્ક જઈને મારા રહેઠાણની વ્યવસ્થા શોધવાનું નક્કી કર્યું. રવિવારે અમે ત્રણેય જણા ઘર શોધવા માટે રવાના થયાં. રાજેનભાઈ જોબ કરતા હતાં એટલે તેઓ મને સોમવારે કોલેજ મુકવા આવી શકે તેમ નહોતાં. તેથી એમણે મને ટ્રેન અને બસમાં કઈ રીતે જવાનું એ રસ્તો બતાવવાનો નિર્ણય કર્યો. મને એમને જાણ કરી કે ‘તને ન્યુયોર્કમાં રહેવાનું ન મળે તો તારે કૉલેજ મંગળવારે એકલા જવું પડશે….’ મને મનમાં ગભરામણ થતી હતી પરંતુ મારી પાસે ‘હા’ કહેવા સિવાય બીજો કોઈ ઉપાય નહતો. પરંતુ એ દિવસે સદનસીબે (એટલે કે મારા સદનસીબે !) અમે ટ્રેન ચુકી ગયા એટલે ન છુટકે એમની કારમાં જવું પડ્યું.

છેવટે મને ન્યુયોર્કમાં ઘર મળી ગયું. બધું નક્કી થયું અને સાથે બીજી એક ગુજરાતી રૂમમેટ મિરિતા પણ મળી ગઈ. તે પણ મારી જેમ શનિવારે જ અમેરિકા આવી હતી. અમે બંનેએ એક જ કોલેજમાં એડમિશન લીધું હતું. અમારે બંનેએ એક પંજાબી પરિવારના ઘરમાં ભોંયરામાં રહેવાનું હતું. મને મારા જેવી જ ભારતની એક રૂમમેટ મળી ગઈ એટલે હું બહુ ખુશ થઈ ગઈ. મને એ જ દિવસે રાજેનભાઈ અને રીનાભાભી મારા સામાન સાથે ન્યુયોર્ક મૂકી ગયા. હું મનમાં નવી જિંદગી શરૂ કરવા માટે ઉત્સાહિત હતી અને સાથે સાથે થોડી ગભરાયેલી પણ હતી.

મારે અને મિરિતાએ બીજે દિવસે કૉલેજ જવાનું હતું. અમે લોકો આ દેશ માટે નવા હતા, તેથી પંજાબી આન્ટી અમને બસ સ્ટોપ પર મુકવા આવ્યા અને અમને સલાહ આપી કે અહીં અમુક નંબરની બસ આવશે એમાં તમે ચઢી જજો. ૨૦-૨૫ મીનીટમાં તમારી કોલેજ આવી જશે. અમે એમની સુચના મુજબ બસ આવી એટલે ચઢી ગયા. બસમાં ચડતાં જ ડ્રાયવર અને પેસેન્જર સહિત બધા જ સફેદ અમેરિકનને જોઈને અમને થોડું અજુગતું લાગ્યું. નવા ચહેરાઓ અને નવી ભાષા…. અમે બંને થોડા ગભરાયેલા હતા, એટલે બંને જઈને એકબીજાની બાજુની સીટ પર બેસી ગયા.

20-25 મિનીટ સુધી બસમાં હું અને મિરિતા એકબીજા જોડે એમ જ વાતો કરતાં હતાં. જોત જોતામાં ઘણો સમય વીતી ગયો. અમને એમ કે બસ થોડી મોડી પહોંચશે એટલે અમે શાંતિથી બેઠાં રહ્યાં. પરંતુ ૪૫ મિનીટ થઇ ગઈ અને અમારી કોલેજ ના આવી, એટલે અમને ચિંતા થવા લાગી. અમે વિચાર્યું કે બસ ડ્રાયવરને પૂછીએ અથવા બીજા કોઈ પસેન્જરને પૂછીએ. પરંતુ એ લોકોની બોલવાની છટા એકદમ જ જુદી લાગી, એટલે હિંમત ના થઈ. છેલ્લે અમે હિંમત ભેગી કરીને બસ ડ્રાયવરને પૂછ્યું કે ‘અમારી આ કોલેજ છે અને એ ક્યારે આવશે ?’ બસ ડ્રાયવર તો એક્દમ વિસ્મયથી અમારી સામે જોવા લાગ્યો અને અમને કહ્યું કે ‘આ બસ તો એ કોલેજ તરફ જતી જ નથી અને આ બસ તો આખા અલગ જ રૂટ પર જાય છે….’ આ સાંભળી હું અને મિરિતા એક્દમ ગભરાઈ ગયા કે હવે શું કરવું ? બસ ડ્રાયવરની સલાહ મુજબ અમે બીજા સ્ટોપ પર ઉતારવાનું નક્કી કર્યું અને પછી ત્યાંથી કોઈ બસ જતી હોય એમાં જવાનો વિચાર કર્યો.

અમે બસમાંથી ઉતરીને આજુબાજુ જોયું તો કાંઈ જ ખબર ના પડે. એક પણ માણસ ના દેખાય. એકદમ સન્નાટો. બસ, ગાડીઓ આવ-જા કરતી હતી. અમે એમને એમ ચાલતાં ગયાં. થોડીવારે એક સ્ટોરમાં દાખલ થયા તો એક બ્લેક આફ્રિકન ભાઈ હતાં. અમને બહુ ભય થવા લાગ્યો. અને એ કદાચ બ્રૂક્લીન વિસ્તાર હતો, જે વિશે અમે સાંભળ્યું હતું કે ત્યાં ગંભીર ગુના ઘણા થાય છે. બીજું કે મારા અને મિરિતાના બેગમાં કૉલેજ ફી ભરવાના ઘણા ડૉલર હતા તેથી અમને બહુ ચિંતા થતી હતી કે અમને કોઈ હેરાન કરશે તો ? અમે એક આફ્રિકનને સ્ટોરમાં જઈને પૂછ્યું કે આ કોલેજ જવા માટે બસ ક્યાંથી મળશે તો એણે કીધું કે અહીંથી બસ નહિ મળે. અમે એકદમ જ નિરાશ થઇ ગયા. ક્યાંક કોઈ ફોનબુથ પણ ન દેખાય.

છેલ્લે અમે ચાલતા ચાલતા એક સ્ટોર નજીક પહોચ્યાં. સ્ટોરની બહાર એક ગણેશજીની મૂર્તિ જોઈ. થોડું નજીક ગયા તો કૃષ્ણ ભગવાનનું ચિત્ર અને બીજી બહુ બધી ભારતીય હસ્તકલાની વસ્તુઓ જોઈ. અમને તો જાણે ભગવાન સાક્ષાત મળી ગયા હોય એવું લાગ્યું. અમે એ સ્ટોરમાં અંદર ગયા. ત્યાં એક ભારતીય અંકલ હતાં. એમને અમે પૂછ્યું કે અમે આ કોલેજ કેવી રીતે પહોંચી શકીએ. એમણે અમને ગભરાયેલા જોઇને પૂછ્યું કે ‘શું તમે નવા છો ?’ અમે હા પડી અને એમણે અમને કહ્યું કે તેઓ ગુજરાતી છે અને અમદાવાદના છે. એમણે કહ્યું કે ‘બસ વિશે મને બહુ ખબર નથી, કારણકે હું તો ગાડીમાં જ આવ-જા કરું છું. પણ એક-બે મારા ઓળખીતાને પૂછી જોઉં કે અહીંથી જો કોઈ બસ હોય તો….’ પછી અમને ખબર પડી કે બસ તો હતી જ નહિ એ રૂટ પરથી. એટલે એમણે અમને કહ્યું કે હું તમને મૂકી જાઉં મારી ગાડીમાં ? એમ તો અમને બંનેને થોડો આનંદ થયો પણ થોડું અજુગતું લાગ્યું કે અજાણ્યા દેશમાં, અજાણી વ્યક્તિ જોડે અમે આ રીતે ગાડીમાં કેવી રીતે જઈએ ? અમારા એ ભાવ મોઢા પર દેખાઈ ગયા. અંકલ સમજુ હતા. એમને ખબર પડી ગઈ કે અમે બંને હજુ પણ ગભરાઈએ છીએ એટલે એમણે કહ્યું કે ‘ચિંતા ના કરશો. મારા વાઈફ અંદર જ છે – સ્ટોરમાં… હું એને પણ જોડે લઈ લઉં છું….’ પછી એમણે એમના સ્ટોરની આગળ ‘વિલ બી બેક ઈન એન અવર…’ નું બોર્ડ મારી દીધું અને સ્ટોર બંધ કરીને અમને કોલેજ મુકવા આવ્યાં.

ગાડીમાં જતી વખતે એમણે અમારા ફેમિલી વિશે જાણ્યું અને અમને આ નવા દેશમાં રહેવા માટે બહુ હિંમત આપી. એમણે એમનું બિઝનેસ કાર્ડ પણ અમને આપ્યું અને કહ્યું કે ‘તમને ક્યારેય પણ જરૂર પડે તો વિના સંકોચે અમને ફોન કરજો. અમે તમારા જેવા વિદ્યાર્થીઓની મદદ કરવા હંમેશા ઉત્સુક છીએ.’

એ દંપતી તો અમારી માટે બહુ જ મોટી પ્રેરણારૂપ હતું. અમારા જેવા સાવ આજાણ્યા લોકો માટે, પોતાનો સ્ટોર બંધ કરી, અમને છેક કોલેજ સુધી પોતે મુકવા આવ્યાં. તેઓ અમને ટેક્ષીમાં પણ મોકલી શકતાં હતાં, પણ એમને ખબર પડી ગઈ કે અમે હજુ અહીં ગઈ કાલે જ આવ્યા છીએ, એક્દમ ગભરાઈ ગયા છીએ અને એ વિસ્તાર પણ યોગ્ય ન હતો. તેથી આટલું બધું વિચાર્યા બાદ એમણે જાતે જ અમને મુકવા આવવાનો વિચાર કર્યો અને તે પણ કોઈ પણ જાતના સ્વાર્થ વગર ! અમે એ દિવસે નિશ્ચય કર્યો કે ભવિષ્યમાં અમે પણ આગળ પહોંચી જઈશું ત્યારે અમારાથી બને તેટલી લોકોને આ રીતે મદદ કરીશું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રામાયણમાં વર્ણવાયેલ જીવન ઉપયોગી વાતો – વિનોદભાઈ માછી ‘નિરંકારી’
ભેટ – મનસુખ કલાર Next »   

22 પ્રતિભાવો : એક યાદગાર પ્રેરક પ્રસંગ – વૈશાલી માહેશ્વરી

 1. આ બસ એ કોલેજ તરફ જતી જ નથી અને આ બસ તો આખા અલગ જ રૂટ પર જાય છે…મુંબઈમાં ઘણાં લોકો લાલ બસ જોઈ બેસી જાય છે ડીટો એમ જ……

 2. parth says:

  wow…..i really love this story……..

 3. hinakulalhradaymaruchegujrati says:

  નવા દેશ માં જઇયે છે અને આપણે પણ નવા હોઈએ ત્યારે આવું બનતું હોય છે,

  પણ સાચે તમારું નશીબ કહેવાઈ કે ઇંડિયન મળી ગયા.

 4. JITENDRA J TANNA says:

  ખુબ સરસ.

 5. Pallavi Mistry says:

  ખુબ સરસ લેખ. ખાસ કરીને છેલ્લી વાત.
  ‘અમે એ દિવસે નિશ્ચય કર્યો કે ભવિષ્યમાં અમે પણ આગળ પહોંચી જઈશું ત્યારે અમારાથી બને તેટલી લોકોને આ રીતે મદદ કરીશું.’

 6. Dilipkumar Jani says:

  ખુબજ સુઁદર લેખ હ્રદયસ્પર્શિ અનુભવ

 7. gira vyas says:

  ખુબ સરસ લેખ. મજા આવી

 8. Jinal says:

  Very good story…we have stayed in US for 5 years..Initial days are tough in US till the time u get settled.. In those days lots of Indian families help to the new comers as they have gone through the same difficulties…Its really good how people help there.

 9. Tapan says:

  ખુબ જ સર સ લખ્ય ચે.
  કૃષ્ણ ભગવાનનું ચિત્ર અને બીજી બહુ બધી ભારતીય હસ્તકલાની વસ્તુઓ જોઈ. અમને તો જાણે ભગવાન સાક્ષાત મળી ગયા હોય એવું લાગ્યું.

 10. સરસ અનુભવ. ૧૯૮૮માં ન્યુ યોર્કમાં ટેક્સી પકડવાનો મારો અનુભવ યાદ કરાવી દીધો.
  —-
  ન્યુયોર્ક – સાંજના પાંચ વાગે, નવેમ્બર – 1988

  મારાં પત્ની અને હું ન્યુયોર્ક શહેર જોવાની એક ટુર પતાવીને, સબવે( લોકલ ટ્રેન)માં બ્રેન્ટવુડ સ્ટેશને ઉતરીએ છીએ. આખા દીવસના રઝળપાટથી અમે થાકી ગયેલાં છીએ. સ્ટેશનથી સાવ જ નજીક, મારા મામાની દીકરી ચેતના અને એના વર અશોકભાઈની ફાર્મસી/ સ્ટોર છે. એમણે અમને કહેલું છે કે, ‘પાછા વળીને સ્ટોર પર આવજો.’ પણ અમને ખબર છે કે, આ ખાસ ઘરાકીનો સમય છે. અમને મુકવા કોઈ ઘેર આવી શકે તેમ નથી. રાતના નવ વાગે સ્ટોર બંધ થાય; ત્યારે જ ઘેર જઈ જમવાનું મળે અને આરામ કરાય.

  અને મારા મગજમાં ફળદ્રુપ વીચાર આવે છે.‘ ટેક્સી કરીને એમને ઘેર પહોંચી જઈએ તો? ઘેર મામા-મામી અને બહેનનાં બાળકો તો છે જ.’

  મારી પત્ની મારા આ અસ્સલ, અને કોક જ વાર આવતા(!) શુધ્ધ સુવીચારને થાકેલા સ્વરે અનુમોદન આપે છે. અમે સ્ટેશનની બહાર નીકળીએ છીએ. મારી પત્ની એક બાંકડા પર બેસી પડે છે. હું આવતી જતી બધી ટેક્સીઓને હાથ લાંબા કરી, રોકવા પ્રયત્ન કરું છું. પણ મારી વાળી એકેય રોકાતી નથી. હું બાઘાની જેમ આમથી તેમ આંટા મારું છું. પણ અંતે નીરાશ બની મારી પત્નીની પાસે આવીને થાકીને બેસી પડું છું.

  બીજો વીકલ્પ બહેનના સ્ટોર પર જવાનો છે; પણ એ બહુ ગમતો નથી. અમે શું કરવું તેના અસમંજસમાં ગરકાવ છીએ. ત્યાં બાજુના બાંકડા પર બેઠેલો એક ગોરો માણસ મને કાંઈક કહેવા જાય છે. થોડાક ભયની લાગણીથી હું તેની પાસે જાઉં છું. અમેરીકન ઉચ્ચારોથી નહીં ટેવાયેલા, મારા કાનને અને મગજને થોડી ઘણી સમજણ પડે છે. તે મને કહી રહ્યો છે,’બાજુની દીવાલ પર રાખેલા ટેક્સી કમ્પનીના ફોન બુથ પરથી ટેક્સી બોલાવ.’

  ફોન ઉપર લખેલી સુચના ‘મફત’ મારા અમદાવાદી ચીત્તને ગળી ચટ્ટાક જેવી લાગે છે. હું ફોન ઉઠાવું છું.ટોલ ફ્રી 1-800- **** નંબર જોડું છું. સામે રણકતી ઘંટડી જેવો, કોઈક મડમનો અવાજ સંભળાય છે. તે મારું નામ અને અમે ક્યાં છીએ; તેની માહીતી માંગે છે. હું જેવો ફોન કરીને પાછો વળું છું , ત્યાં જ એક ટેક્સી રમરમાટ આવી પહોંચે છે, અને ડ્રાઈવર-બાનુ મીસ્ટર જાનીના નામની અહાલેક બજાવે છે.

  હું તો અજાયબ બનીને ‘આ મારી ઓળખીતી વળી ક્યાંથી નીકળી?’ એમ વીચારતો થાઉં છુ;

  ત્યાં જ ટેક્સી ઉપરના અને ફોન બુથ પરના એક જ કમ્પનીના નામથી મને કેવળજ્ઞાન લાધે છે કે, ફોન ઉપર સંભળાયેલા, ટેક્સી કમ્પનીની કોઈ અજાણી બાનુના, ઘંટડી જેવા અવાજ દ્વારા, આ બાનુને અમારો અતીથીસત્કાર કરવા ડીસ્પેચ કરાઈ છે! (એને સુચના મળેલી છે.)

  અમે આ અમેરીકન સીસ્ટમથી અંજાઈ જઈ, ટેક્સીમાં બીરાજમાન બનીએ છીએ. ઓલી અમારે ક્યાં જવું છે તે સરનામું મારી પાસેથી મેળવી લે છે. ટેક્સી ચાલુ કરે છે. અને વાયરલેસ ફોન ઉપર ગોટપીટ ગોટપીટ કરે છે. અમને એકેય રસ્તાની કોઈ માહીતી નથી. અમને તો અંદરથી ફડફડ થતું રહે છે કે, ‘આવી આ કોઈ મોટા રેકેટની માયા તો નથી ને? ઘેર સલામત પહોંચ્યા ત્યારે સાચા.’

  ઓલી તો ડાબા અને જમણા વળાંકો લેતી બીન્ધાસ્ત આગળ ધપે છે. અમારું રસ્તાઓ વીશેનું અજ્ઞાન એ જાણી જાય નહીં; એની સતત ફીકર અમને થતી રહે છે. એ રસ્તા વીશે મને કાંઈક પુછશે; તો હું શું જવાબ આપીશ, તેની ઘડભાંગ મારા મનમાં થતી રહે છે.

  પણ મારી વાળી એ તો અમને કાંઈ પુછતી જ નથી; અને ધમ્મ દઈને એક ઘર આગળ ગાડી ઉભી રાખે છે. અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે બહેનનું ઘર આવી ગયું છે.

  માત્ર નવ ડોલરના ચાર્જની સામે હું દસની નોટ હોંશથી એને પકડાવી દઉં છું – આ મહાન, ધર્મસંકટમાંથી છુટવા માટે.

  ——————-

  આજથી વીસ વરસ પહેલાં, છેક 1988માં, ટેક્સીઓ આવી આધુનીક સુવીધાથી સજ્જ હતી. એ તો જાણે ઠીક પણ, સાવ અજાણ્યા અને પરદેશી જેવા લાગતા અમારી સાથે તેણે કોઈ છેતરપીંડી કરી ન હતી, તે પણ એક સુખદ સંભારણું રહી ગયું છે.

 11. nitin talati says:

  ન્યુયોર્ક જેવા મહાનગર અને તેનાથિ અપરિચિત વાતાવરણ મા મિઠા જળ સમાન આપણૉ
  દેશવાસિ મળૅ તે આનન્દ કેટ્લો .ખુબ સરસ .

 12. Lata Bhatt says:

  સરસ રજૂઆત,આ જગતમાં સારા માણસો હજુ ય છે.

 13. tailor preeti says:

  ખુબ પ્રેરણાદાયક પ્રસંગ ….ખુબ ગમ્યો …

 14. Urvi Pathak says:

  અમેરીકા વિશેના અમેરીકામાં વસતા ભારતીયો માટે ટીકાત્મક લેખો ગુજરાતીમાં ઘણા જોયા છે… પણ હકીકતમાં છેલ્લા ૧૩વર્ષના મારા અમેરીકા સ્થાયી થયાના વર્ષોમાં આવા અનેક માનવતા સભર કે ભારતીય સંસ્કારો સૂચક પ્રસ્ંગો બનતા સાંભળ્યા કે નજરે નિહાળ્યા છે… અમેરીકા ના આવેલા અને આ વિષયક નકારત્મક લખતા કે સમજ ધરાવતા લોકો ને અમેરીકા પ્રવાસ કરવા સૂચન

  અહીં અમેરીકન ભારતીયો બીજા ભારતીયો ને દેશીના નામે ઉલ્લેખે. છેલ્લા કેટલાય વર્ષોમાં થયેલા ભારતના પ્રવાસમાં મને અચૂક વર્તાય છે કે ામે બીન ભારતીય દેશી પરદેશમાં કેવુ ભારત સાચવીએ છીએ પણ ભારતમાં આજકાલ ભારતીયતા ગુમ છે…

  આવા અનેક અનેક અમેરીકા વાસી પણ ભારતીય માનવ સહન સ્ંસ્કાર જાળવી બીજેને માટે ઘસાતા, મદદ કરતા ને દેશનુ નામ રોશન કરતા એન. આર . આઈ. લોકોને વ્ંદન.

 15. sanjay says:

  very nice incedent. I think now in india all our culture,humanity and ‘sanskaar’ is only in our books but reality is different. this type of issues teaches us what is actual humanity?

 16. shrikant s. mehta says:

  good exeperiance. keep it up as you have mention in last sentence.

 17. Pritesh patel says:

  Very nice always help other tell about help to other people than other people also take lesson from them very good.

 18. Pravin V. Patel says:

  અમદાવાદી પરગજુ (અનામી) આપણા ગુજરાતી સજ્જન મિત્રને વંદન.
  આપનો બીજાને મદદ કરવાનો નિર્ણય અતિઉત્તમ.
  આપે સંકટમોચન સજ્જનનું નામ દર્શાવ્યું હોત તો સર્વોત્તમ.
  અભિનંદન.

 19. ખરેખર ખુબ સરસ. વાચતા એમ લાગે કે જાને બધુ નજર સામે જ એક હકિકત બનિ ગય હોઇ તેમ.

 20. p j paandya says:

  હજુ સારા માનસો અને માનવતના દશ્રન થત રહે ચ્હે

 21. chaudhari vaishali ganeshabhai says:

  અજાણ્યા દેશમાઁ આપણા માણસો નેી આ માણાસઈ બદલ ધન્યતા અનુભવેી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.