મિસ્સ્ડ કૉલ – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિક જુલાઈ-2013માંથી સાભાર.]

પ્રિયાને આ કોર્પોરેટ કૉલેજમાં રિસેપ્શનીસ્ટ તરીકે રહ્યાને ચાર દિવસ જ થયા છે. હજી શરૂઆત છે એટલે વાતાવરણ સાથે બરાબર ગોઠવાઈ નથી શકી. પણ ખાસ વાંધો નહીં આવે કેમ કે, એની સાથે કામ કરતી વિશાખા ભારે બોલકણી છે.

‘ઓ મેડમ, લંચ ટાઈમ થયો. ભૂખ લાગી છે કે નહીં ?’ આમ કહેતાં એ પોતાનો પરાઠા-શાકનો ડબ્બો પ્રિયા સામે ધરતી.
‘વિશાખા, મને અહીંની દુનિયા સાવ જુદી જ લાગે છે. બારમી પાસ કરીને આવેલા કિશોરોએ એક વર્ષ માટે અહીં જ કૉલેજ, અહીં જ ઘર અને અહીં જ સગા-સંબંધી માનીને રહેવું, કેવું લાગતું હશે એમને ?’
‘આવા બધા વિચારો કરીને બહુ ઈમોશનલ નહીં બનવાનું. આ વિદ્યાર્થીઓ એક વર્ષ માટે જ આ કેમ્પસમાં છે. આવતે વર્ષે આ લોકો બીજા કેમ્પસમાં જશે અને એમની જગ્યાએ બીજા નવા છોકરાઓ આવશે. અહીં તો આવન-જાવન ચાલ્યા જ કરે એટલે કોઈની સાથે બહુ લગાવ ન રાખવો.’ વિશાખાએ સલાહ આપી.
‘તારી વાત તો બરાબર છે વિશાખા પણ મને રહી રહીને વિચાર આવે છે કે, મા-બાપથી, ઘરથી દૂર રહેતા આ કિશોરોને ઘર કેટલું યાદ આવતું હશે ?’
‘એમનાથી ભલે ઘરે ન જઈ શકાય પણ એમના માતા-પિતા, ભાઈબહેન, કોઈપણ, દર બીજા અને ચોથા રવિવારે બપોરે ત્રણથી પાંચમાં અહીં આવીને એમને મળી શકે છે.’
વિશાખાએ ભલે કહ્યું પણ પ્રિયાના મનમાં કેટલાય સવાલ ઊઠતા હતા ! કૉલેજ શહેરથી પંદરેક કિ.મી. દૂર છે. દર પંદર દિવસે કોના સંબંધી આવી શકે ? ને જેનું કોઈ ન આવતું હોય એ વિદ્યાર્થી કેટલો ઉદાસ થઈ જતો હશે ?

એમ કરતાં રવિવાર આવી પહોંચ્યો. મોટા બધા રિસેપ્શન હૉલની એકેએક ખુરશી મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી. કોઈને માટે ડબ્બામાં નાસ્તો આવ્યો હતો તો કોઈને માટે મીઠાઈ. કોઈ મા-બાપ પોતાના સંતાન માટે કેન્ટીનમાંથી આઈસ્ક્રીમ પણ લાવ્યા હતા. બધાના ચહેરા પર આનંદ છલકાતો હતો. વિશાખાએ ભલે લગાવ વધારવાની ના પાડી હોય પણ પ્રિયા તો ઝીણી નજરે બધાના ચહેરાના હાવભાવનું નિરીક્ષણ કરી રહી હતી.
‘વિશાખા, મને લાગે છે કે, કંઈ બધા જ વિદ્યાર્થીઓના મુલાકાતી નથી આવ્યા. તે યે બધા જ કેમ હૉલમાં આવી ગયા છે ?’
‘એ તો એવું છે કે, જેના મુલાકાતી આવ્યા હોય એ પોતાના દોસ્તને પણ ખેંચી લાવે અને મા-બાપ પણ પોતાનો દીકરો છે કે બીજાનો એ ભૂલીને પ્રેમથી એને ખવડાવે. અહીંની આ જ તો મજા છે. આને કહેવાય ‘વસુધૈવ કુટુંબકમ’ વિશાખાએ નાનકડું લેકચર આપી દીધું.

‘હા, એ તો મને સમજાયું પણ અહીં દૂરથી મને સંભળાતું નથી કે, જેનું કોઈ નથી આવ્યું એ છોકરાઓ મુલાકાતીઓ પાસે જઈને કશીક માગણી કરતા હોય એવું લાગે છે. એ લોકો શું માંગે છે ?’
હંમેશા મજાક કર્યા કરતી વિશાખા થોડી ગંભીર થઈ ગઈ, ‘જેને મળવા કોઈ ન આવ્યું હોય એવા વિદ્યાર્થીઓ આ સમયમાં પોતાનાં ઘરે ફોન કરી સ્વજનોનો અવાજ સાંભળીને સંતોષ માનતા હોય છે.’
‘બિચ્ચારા છોકરાઓ…….’ પ્રિયાથી નિઃસાસો નાખતાં બોલાઈ ગયું.
‘હા, સાચે જ બિચારા કહેવાય. કેમ કે, સિક્કા નાખીને વાત કરી શકાય એવાં ફોન બોક્સ અહીં માત્ર ચાર જ છે. પંદરસો છોકરાઓ ને ચાર ફોન. લાંબી લાંબી લાઈનમાં વારો આવતાં જ કલાકો નીકળી જાય. પછી પણ પાછળ ઊભેલો છોકરો ‘જલ્દી કર’, ‘જલ્દી કર’ કર્યા કરતો હોય. એટલે આ લોકો મુલાકાતીઓ પાસે સેલ ફોન માગી પોતાનાં ઘરે મિસ્ડ કૉલ આપે એટલે પછી એમનાં ઘરેથી જવાબમાં ફોન આવે ને એ લોકો વાત કરી શકે.’
‘હા, બરાબર. સામેથી જ ફોન આવે એટલે જેનો ફોન હોય એને ચાર્જ પણ ન લાગે.’ પ્રિયાએ કહ્યું.

આ પછી દરેક વીઝિટીંગ સન્ડેએ પ્રિયા પોતાની કાચની કેબીનમાંથી રિસેપ્શન હૉલ તરફ જોઈ રહેતી. ‘એક્સક્યૂઝ મી અંકલ, મિસ્ડ કૉલ ?’, ‘આન્ટી પ્લીઝ, વન મિસ્ડ કૉલ ?’ કહેતાં કહેતાં ફોનની માગણી કરતાં છોકરાઓ જાણે બટકું રોટલા માટે ટળવળતા ભિખારી જેવા લાગતા. અનુકંપાથી એનું હૈયું ભરાઈ જતું. એ જોતી કે, કોઈ તરત એમને પોતાનો ફોન આપી દેતું તો કોઈ લાંબો વિચાર કર્યા પછી તો વળી કોઈ મોઢા પર અણગમાનો ભાવ લાવીને જાણે મોટી મહેરબાની કરતા હોય એમ જલ્દી ફોન પતાવવાની તાકીદ કરીને ફોન આપતા તો ક્યારેક વળી કોઈ સાફ ના પણ પાડી દેતા.

એક રવિવારે એને સાવ જુદું જ દશ્ય જોવા મળ્યું. દુબળો-પાતળો વિદ્યાર્થી કોની પાસે ફોન માંગવો એવી મૂંઝવણમાં ઊભો હતો ત્યાં એક સ્ત્રીએ એને સામેથી પોતાની પાસે બોલાવ્યો ને પછી ફોન આપ્યો. આ સ્ત્રી એકલી જ બેઠી હતી. એને કોઈ વિદ્યાર્થી મળવા નહોતો આવ્યો. પ્રિયાએ કેબીનમાંથી નીકળી એની પાસે જઈને પૂછ્યું :
‘આપ કોને મળવા આવ્યાં છો ?’
‘ગયે વર્ષે મારો દીકરો આ જ કેમ્પસમાં હતો.’ એણે કહ્યું.
‘ઓહ, તો તો આ વર્ષે એ બાજુના કેમ્પસમાં હશે. અહીં નહીં.’
‘મને ખબર છે કે મારો દીકરો મને આ કેમ્પસમાં નહીં મળે. કેમ્પસમાં તો શું પણ હવે મને એ આ દુનિયામાં પણ નહીં મળે.’
પ્રિયાને જોરદાર આંચકો લાગ્યો : ‘તો શું ? તમે આટલે દૂરથી ફક્ત છોકરાઓને તમારો ફોન આપવા માટે જ આવો છો ?’
‘હા, એના ગયા પછી મને ક્યાંય ચેન પડતું નહોતું. પછી મને વિચાર આવ્યો કે, લોકો પોતાના દિવંગત સ્વજનોની સ્મૃતિ જીવંત રાખવા કેવાં જાતજાતનાં કામ કરે છે ? મારે પણ કંઈક કરવું જોઈએ. મને યાદ આવ્યું કે, મારો દીકરો રવિવારે અમને મિસ્ડ કૉલ આપવા માટે કેટલાં ફાંફાં મારતો ! બીજા દીકરાઓને એવાં ફાંફાં ન મારવાં પડે એટલે…..’

બોલતાં બોલતાં એણે મોઢું ફેરવી લીધું.

(પાલપર્તિ જ્યોતિષ્મતિની તેલુગુ વાર્તા પર આધારિત)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

24 thoughts on “મિસ્સ્ડ કૉલ – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.