વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ – સંજય ચૌધરી

[ સુપ્રસિદ્ધ આદર્શ શૈક્ષણિક સંસ્થા ‘લોકભારતી’ વિશેના શ્રી રમેશભાઈ દવે દ્વારા લિખિત પુસ્તકનો શ્રી સંજયભાઈએ અહીં વિસ્તૃત પરિચય આપીને આસ્વાદ કરાવ્યો છે. આપ સંજયભાઈનો આ સરનામે srchaudhary@gmail.com અથવા આ નંબર પર +91 9327726371 સંપર્ક કરી શકો છો. પુસ્તક વિશેની માહિતી લેખના અંતે આપવામાં આવી છે. ]

શૈક્ષણિકસંસ્થામાટે ત્રણ પાયાનાં ઘટકો છે – વિદ્યાર્થીઓ, અધ્યાપકો,કાર્યકરો તથા સંચાલકો. આમાંનો એક પણ ઘટક નબળો હોય તો સંસ્થાનો વિકાસ શક્ય નથી.સણોસરા ગામની લોકભારતી સંચાલિત પ્રાથમિક શાળા, આંબલા ખાતેની ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠજેવી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી નાની મોટી શાળાઓમાં રમેશ ર. દવેનાં તનમન ઘડાયાં છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અંગે પુસ્તિકા લખવા અંગે રમેશભાઈને આમંત્રણ મળ્યું ત્યારે તેમણે તેને સહર્ષ સ્વીકાર્યું. પોતાના પ્રારંભિક જીવનનાં પચ્ચીસેક વર્ષ જે શાળાઓ અને તેમના સ્થાપકોના નર્યા સદભિઃ સંગેઃ ગાળ્યાં હોય તે વિશે લખવાના અનુભવને આનંદપર્વ ગણાવતાં લેખક, પુસ્તકની શરૂઆત ફ્લેશબેકથી કરે છે. પુસ્તકનાં પ્રકરણોનો સાર, મુદ્દાઓ, લેખકે રજૂ કરેલા વિચારો તેમ જ અવલોકનનોંધથી આ ગ્રંથપરિચયનો આરંભ કરું છું.

વિક્રમ સંવત 2009ની વૈશાખી પૂર્ણિમા (અર્થાત્ 28મી મે, 1953)ના મંગલજ્ઞાનદિને, કાકા કાલેલકરના આશીર્વાદથી આરંભાયેલી ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’નું ઉદ્ઘાટન, તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્¬ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી.

લોકભારતી સંસ્થાની સ્થાપના નિમિત્તે નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને સાથીદારો પ્રાતઃકાળના શુભમુહૂર્તે,ખેડાયેલા ખેતરનાં ઢેફાં ભાંગીને તેને વાવણીલાયક સમથળ બનાવીને આગવું ભૂમિપૂજન કરે છે !ગ્રામવિદ્યાપીઠનો આ આશ્ચર્યજનક કાર્યારંભ પોતે જ આ સંસ્થા દ્વારા થનારા ગ્રામસમાજના નવનિર્માણનો સ્પષ્ટ સંદેશ આપે છે. એ સંદેશથી જ ફલિત થાય છે કે સમાજોપયોગી, ઉત્પાદક ક્ષમ સમેતની જીવનલક્ષી કેળવણી જ લોકભારતીનું સર્વપ્રથમ અને સર્વોપરી ધ્યેય બનશે.
લોકભારતીની સ્થાપના પૂર્વે છેક 1910માં, ભાવનગર શહેરમાં દક્ષિણામૂર્તિછાત્રાલય-વિનયમંદિરની સ્થાપના કરતી વેળા, પોતાના આરાધ્યએવા દક્ષિણામૂર્તિદેવની પરંપરિત પૂજા-અર્ચના ઢબે કરનારા નાનાભાઈ 43 વર્ષ પછી લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના સમયે શ્રમયજ્ઞરૂપે, ધરતીની પૂજા-અર્ચના કરે છે. ધ્રુવસ્થ આ બે પૂજાવિધિથી અનાયસ ફલિત થતું સત્ય તો, નગરવાસી પ્રૉફેસર અને નથ્થુરામ શર્માના પટ્ટશિષ્ય નૃસિંહપ્રસાદ ભટ્ટના વિરાજીત દક્ષિણામૂર્તિદેવનું, નાનાભાઈમાં થયેલા એમના રૂપાંતરણ દરમ્યાન કાળક્રમે લાઘેલું અને આવનારા સમયમાં સર્વાધિક પ્રસ્તુત બની રહેનારું નિરાળું રૂપ જ છે !

આંબલા અને મણારની લોકશાળાઓતથા સણોસરા ખાતેની લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના કરવા માટે નાનાભાઈને પ્રેરનારાં વિવિધ પરિબળો વિશે વિચારીએ તો એમની તેજસ્વી બુદ્ધિમત્તા, ગાંધીસંપર્કથી લાધેલી જીવન-સમજ, આવનારા સમયનું સમુચિત અવલોકન કરતું દૂરંદેશીપણું, ખેતીકામ પર નભતા છેવાડાના માણસોને મદદરૂપ થવાની નિસબત્ત ને ખેવના, ડેન્માર્કમાં સફળ થયેલી ‘ફોક સ્કુલ્સ’– લોકશાળાઓ – નો અભ્યાસ-પ્રવાસ તથા રાધાકૃષ્ણન શિક્ષણપંચના શિક્ષણવિદ્ સભ્ય ડૉ. એ. ઈ. મોર્ગને ભારતમાં થઈ રહેલા ઉચ્ચ શિક્ષણની મર્યાદાઓ ચીંધીને, ગ્રામવિદ્યાપીઠની રચના દ્વારા થવા જોઈતા ઉચ્ચ્ શિક્ષણને આપેલું પ્રાધન્ય – આપણી નજર સમક્ષ સૌપ્રથમ ઉપસી આવે છે. અલબત્ત, આ તમામ બાબતોની જેમ જ, ભાવનગર છોડીને એકલવીર સમા આંબલા પહોંચેલા નાનાભાઈને, એમના આ નવ્ય પ્રયાણમાં તનમનથી જોડાનારા મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ તથા રતિભાઈ જેવા સૂઝસમજ ધરાવતા સંનિષ્ઠ સાથીદારોના સમર્પિત સહયોગનું મૂલ્ય પણ લગીરેય ઓછું નથી.

ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા નાનાભાઈ ભટ્ટે, મેકૉલે પ્રેરિત અને રચિત બીબાંઢાળ શિક્ષણ પદ્ધતિ છોડીને જીવનલક્ષી કેળવણી આપવા માટે નોકરીમાંથી રાજીનામું મૂકીને 1910માં 28 ડિસેમ્બરે બાળકોના શિક્ષણ માટે દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી. પોતે સ્થાપેલી દક્ષિણામૂર્તિની શાળામાં માત્ર શહેરનાં બાળકો જ ભણીગણીને શહેરોમાં જ સ્થાયી થાય છેતેથીગામડાંનાં બાળકો તો યોગ્ય શિક્ષણથી વંચિત રહી જાય છે તે જાણ્યા પછી દેશની મોટા ભાગની વસ્તી જ્યાં રહે છે તે ગ્રામ્ય વિસ્તારો માટે અનુકૂળ શિક્ષણ પ્રથાની સ્થાપના કરવા માટે 1938-39માં આંબલા ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાની સ્થાપના કરે છે. દક્ષિણામૂર્તિ ખાતે ગૃહપતિ તરીકે થોડોક સમય કામ કરનાર મનુભાઈ પંચોળીએ, ‘સર્વોદય અને શિક્ષણ’ પુસ્તકમાં નોંધ્યું છે કે, ‘દક્ષિણામૂર્તિની સિદ્ધિઓ તો ઘણી હતી પણ તે ગાંધીએ શીખવી હતી તેવી અને દરિદ્રનારાયણની વિચારપૂર્વકની સેવા પ્રેરનારી, તે માટે ઘડતર કરે તેવી કેળવણી ન હતી. એટલે મેં એક દહાડો નાનાભાઈને કહ્યું, ‘તમને સૌને સરસ રસોઈ બનાવતાં આવડી પણ પીરસતાં ન આવડ્યું. ગામડાંની જે પ્રજા સાચું ભારત છે, તેને માટેની આ કેળવણી નથી.’ એટલે કે નાનાભાઈએ દક્ષિણામૂર્તિમાં કેળવણીનો કસબ તો ખીલવ્યો, તેની પદ્ધતિનું નિર્માણ પણ કર્યું પરંતુ પોતાની એ આવડત દેશના નીચલા થરના અને ગામડાંમાં રહેતા વિદ્યાર્થીઓને ન ધરી શક્યા.

સૂચિત સ્પષ્ટતા પછી મનુભાઈ નાનાભાઈની મદદથી ગામડાંમાં કામ કરવાના ઉદ્દેશથી બપાડાની શાળામાં જોડાય છે પરંતુ દક્ષિણામૂર્તિ છોડતી વખતે, જ્યારે પણ નાનાભાઈ ગામડાંમાં પોતાની સંસ્થાની સ્થાપના કરશે ત્યારે પોતે ત્યાં સૌથી પહેલાં જોડાશે, તેવા વચને પણ બંધાય છે. દક્ષિણામૂર્તિ છોડીને નાનાભાઈ આંબલા પહોંચી ગયા છે તેની જાણ થતાં જ સૌથી પહેલા સાથીદાર તરીકે મનુભાઈ તેમની સાથે જોડાય છે.

ફક્ત ચાર વિદ્યાર્થીઓથી ગ્રામશાળા શરૂ કરતી વખતે નાનાભાઈ, માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે બાળકોના નખ કાપવાનું, વાળ ઓળી આપવાનું તથા નદીએ લઈ જઈ તેમને નવડાવવાનું કામ કરવાની સલાહ પોતાના સાથીદારોને આપે છે. ગ્રામશાળામાં ચરખો ચલાવવાની સાથે સાથે સંસ્થાની આર્થિક સ્વાયત્તા માટે ખેતીકામ પણ શરૂ કરાવે છે, જેમાં વિદ્યાર્થીઓ જ નહિ, અધ્યાપકો પણ હોંશથી જોડાય છે.શરૂઆતથી જ ખેતી ઉપરાંત સમાજોપયોગી વિવિધ ઉત્પાદક શ્રમ, જેવા કે વણાટકામ, સુથારીકામ, લુહારીકામ, સીવણકામ વગેરે પર પણ આ કેળવણીમાં ભાર મૂકવામાં આવ્યો હતો.પણ આ સાહસની શરૂઆતથી જ અનેક પ્રકારની સમસ્યાઓનો આ લોકોએ સામનો કરવો પડ્યો હતો, જેમ કે લોકશાળામાં સવર્ણ અને હરિજન વિદ્યાર્થીઓ એક જ પંગતે બેસીને જમતા – તે સ્થિતિ તત્કાલીન ગ્રામજનોને સ્વીકાર્ય ન હતી. નાતજાત અને ઊંચનીચના વાડાઓ, સશક્ત વર્ગ દ્વારા નિર્બળ લોકોનું થતું શોષણ, ગરીબી અને અજ્ઞાનને કારણે વકરતા રોગો, વ્યક્તિગત સ્વાર્થ આડે જનહિતનાં કાર્યોની થતી ઉપેક્ષા વગેરે અનિષ્ટો સામે પણ ઝઝૂમવાનું હતું. વળી, લોકશાળાને કોઈ માન્યતા મળી ન હતી. ભણાવવાના ભાગ રૂપે નાનાં-મોટાં કામો કરવાનાં હતાં એટલે વિદ્યાર્થીઓ શોધવા માટે આસપાસનાં ગામોમાં જવું પડતું. પ્રારંભમાં કુંડલાનાં નેસડી, ચરખડિયા, ચારોડિયા અને ત્યાર બાદરાજકોટ બાજુનાં મોટીમારડ, છાડવાવદર, કોલકી, ભાયાવદર, માલપરા વગેરે ગામોએ પોતાનાં બાળકોને લોકશાળામાંમોકલીને સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો. નાનાભાઈ અને મનુભાઈ એમના વિદ્યાર્થી-કિશોરો સાથે જ જમતા, રમતા, ભણાવતા, સાથે બોર ખાતા અને ચોમાસે પૂરચઢી નદીએ નાહવા પણ જતા.

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાએ તળાજા પાસે મણારમાં લોકશાળા શરૂ કરી ત્યારે મનુભાઈએ એ વિસ્તારના આગેવાનો સમક્ષ પહેલી માંગ ખેતીવાડી માટેની જમીનની કરી હતી કેમ કે આવી સ્વાયત્ત સંસ્થા ખેતી દ્વારા સ્વાવલંબી થવી જોઈએ અને એમ થાય તો જ પેલી સ્વાયત્તતા જાળવી શકાય. થોડાક દિવસોમાં દસ્તાવેજ તૈયાર થયા અને મહિનામાં ત્રણ ગામ વચ્ચેની જમીન મળી ગઈ. પહેલી વાવણી વખતે આસપાસનાં ગામનાં લોકો 80 હળ, દંતાળ ને વાવણિયાં લઈને આવ્યા હતાં! આરંભમાં આ જમીનમાં અધ્યાપન મંદિર અને લોકશાળાના શ્રમશિબિરો ચલાવ્યા. આંબલા-મણારની આવી સામૂહિક જહેમત રંગ લાવી, સૌરાષ્ટ્ર સરકારે લોકશાળાના અભ્યાસક્રમને સ્વીકાર્યો, સૌરાષ્ટ્રમાં અનેક લોકશાળાઓ સ્થપાઈ જે ક્રમશઃ વધીને 245 જેટલી થઈ.

1934માં ગાંધીજીએ પોતાની મૂળ વાત દોહરાવતાં કહ્યું, ‘આપણી વિદ્યાપીઠ હવે ગામડાંમાં જઈને વસે. ગામડામાં વિદ્યાપીઠ એટલે શું તેનો વિચાર કરીએ. યુનિવર્સિટી કેળવણીનો ઉદ્દેશ તો દેશના સ્વાતંત્ર્ય માટે જીવે અને મરે એવા સાચા લોકસેવકો પેદા કરવાનો હોવો જોઈએ…હું ભાર તો પ્રાથમિક શાળાઓ ઉપર દેવા ઇચ્છું છું. પ્રાથમિક શાળાઓની ઉપર વિદ્યાપીઠ વધારે ધ્યાન આપે, તેને વિશે વધારે જવાબદારી લે એમ ઇચ્છું છું…’ 1937માં ગાંધીજીએ વર્ધામાં બુનિયાદી – નઈ તાલીમની યોજના રજૂ કરી, જેમાં ‘કેળવણીના કેન્દ્રમાં સમાજોપયોગી, સર્વત્ર શક્ય અને ઉત્પાદક શરીરશ્રમ સમેતનું શિક્ષણ સમગ્ર જીવનશૈલી સંદર્ભે અપાય અને એ ઉત્પાદક શરીરશ્રમથી થયેલી આવકથી જ શાળાનો નિભાવ થાય’એ વિચાર રહેલો હતો.

ગાંધીજીને ખ્યાલ આવી ગયો હતો કે નઈ તાલીમના વ્યાપક અને સઘન અમલીકરણ દ્વારા ગ્રામીણ સમાજને સ્વાવલંબી ને સુરક્ષિત કરવો હોય તો તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ એવા તબક્કા-ભેદથી ન ચાલતાં, સમગ્ર શિક્ષણપ્રણાલીને નઈ તાલીમ અનુસાર ઢાળવી જરૂરી બનશે. આ કામની જવાબદારી એમણે હિન્દુસ્તાની તાલીમી સંઘને સોંપી, જેણે સમગ્ર શિક્ષણપ્રણાલીને પાંચ તબક્કામાં વિભાજીત કરી.

‘ડૉ. રાધાકૃષ્ણન યુનિવર્સિટી કમિશન’ની કામગીરીના ફળસ્વરૂપ, 1949માં પ્રકાશિત અહેવાલમાં અમેરિકાના ડૉ. આર્થર ઈ. મોર્ગનનો લેખ‘હાયર એજ્યુકેશન ઈન રિલેશન ટુ રૂરલ ઇન્ડિયા’ હતો. ગૂજરાત વિદ્યાપીઠે તેનો ગુજરાતી અનુવાદ કરાવી ‘ગ્રામવિદ્યાપીઠ’ (1951) પુસ્તકરૂપે પ્રકાશિત પણ કર્યો હતો.મોર્ગને કરેલા દિશાનિર્દેશની નાનાભાઈ ઉપર ઊંડી અસર પડી હતીઅને તે પુસ્તકની પ્રસ્તાવના પણ તેમણે લખી હતી. હિંદમાં ગામડાઓની બરબાદી, ગ્રામીણ પ્રજા અને યુનિવર્સિટીઓ વચ્ચેનું વધતું અંતર, ગાંધીપ્રણીત વર્ધાયોજના, ગામડાં માટેની શાળામાં કામ અને સ્વાવલંબન, ગ્રામ-મહાવિદ્યાલય (કૉલેજ), ગ્રામવિદ્યાપીઠ, સ્ત્રીશિક્ષણ, પાયાની કેળવણી, શારીરિક કેળવણી, ગ્રામસમાજ માટેના નવા હુન્નર-વ્યવસાયો અને તેનું ઔદ્યોગીકરણ, ગ્રામવિદ્યાપીઠનું કાર્યક્ષેત્ર અને અભ્યાસક્રમ તથા ગ્રામલક્ષી કેળવણીના વિષયો વગેરે મુદ્દાઓ પર એ પ્રસ્તાવનામાં એમણે વિશદતાપૂર્વક વિસ્તારથી લખ્યું છે.

ડૉ. મોર્ગને એમણે ચીંધેલી દિશામાં આગળ વધવાના ઉપાયો પણ સૂચવ્યા હતા, “અમારો અભિપ્રાય એવો છે કે હિંદનાં ગામડાંને ઘટક તથા નિયામક તત્ત્વ તરીકે રાખીને નવું હિંદ સર્જવાનું કામ કોઈ નવી, જુદી અને સ્વતંત્ર સંસ્થાનું જ હોઈ શકે કે જે સંસ્થા પોતાનું સ્વરૂપ પોતાની રીતે ઘડવાને સ્વતંત્ર હોય.”ઉદ્યોગ-વ્યવસાય વિકસાવવા માટે શિક્ષણમાં બૌદ્ધિક વિષયોની સાથે જરૂરી એવા હિસાબકિતાબ, વેપારવ્યવસ્થા, વહીવટ તેમ જ કાયદા-કાનૂન અને રાજ્યવહીવટ જેવા વિષયોની સમજ અને તાલીમ પણ જરૂરી છે. આના કારણે તૈયાર થયેલા ખેડૂત, કારીગર, ઇજનેર, વકીલ, દાકતર અને શિક્ષક માત્ર એક જ શાખાનું જ્ઞાન પામે તેને બદલે પોતાના વ્યવસાય તેમ જ સમગ્ર જીવન માટે જરૂરી તાલીમ, માહિતી અને જ્ઞાન મેળવી શકે, તે પ્રકારે વિદ્યાર્થીનું ઘડતર કરવું જોઈએ. (પૃ. 32-37)લોકભારતી સંસ્થાની રચના પાછળ ગાંધીજી અને ડૉ. મોર્ગનના લેખોને શરૂઆતનાં પ્રકરણોમાં મુદ્દાસર તથા ક્રમબદ્ધ રીતે વણી લેવામાં આવેલા છે.
નાનાભાઈની વિચારસરણી અને લોકભારતીના શિક્ષણકાર્યની આધારસ્તંભરૂપ બાબતો : ડૉ. મોર્ગનની વાતોથી નઈ તાલીમ અને બુનિયાદી કેળવણી સાથે સંકળાયેલા કેળવણીકારો પ્રભાવિત હતા અને નાનાભાઈ અને મનુભાઈ પર તેમના વિચારોની વ્યાપક અને સઘન અસર હતી તથા તે દિશામાં તેઓ સતત વિચારતા રહ્યા હતા. આંબલાની ગ્રામશાળામાં નિશાળનું ભણતર પૂરી કરનાર વિદ્યાર્થીઓ કૉલેજનું શિક્ષણ યોગ્ય લઈ શકે તે માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં નાનાભાઈ અને મનુભાઈ રસ લે છે પરંતુ આંબલાની ગ્રામશાળામાં ભણેલા વિદ્યાર્થીઓ શહેરોમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતી વખતે તેના અલગ પ્રકારના વાતાવરણને કારણે સહજ રીતે ગોઠવાઈ શકતા નથી, તેવી વાત કરવા, જેમણે વિનીત સુધીનો અભ્યાસ આંબલા લોકશાળામાં કરેલો એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ – ગણેશભાઈ ડાભી, યશવન્તભાઈ ત્રિવેદી વગેરે સાથેની ચર્ચાને અંતે ગ્રામવિદ્યાપીઠની સ્થાપના કરવાના નિર્ણયને બળ મળે છે.

કેળવણીને માત્ર નોકરીનું સાધન ગણવાની પ્રથા દેશના ખૂણે ખૂણામાં રૂઢ થઈ ગઈ હતી છતાં મસ્ત અને અલગારી સ્વભાવના થોડા શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો મળી જ આવે – તેવો આશાવાદ નાનાભાઈને હતો જ તેથી જ નવી સંસ્થાની સ્થાપના કરતી વખતે નીચે દર્શાવેલા બે ઉદ્દેશો ધ્યાનમાં રાખ્યા હતા :

1. નવી કેળવણી ગ્રામસમાજને અનુકૂળ હોય અને ગામડાંના નવસંસ્કરણમાં મહત્ત્વનો ફાળો આપે તેવી હોવી જોઈએ.

2. આ કેળવણી સ્વાવલંબી હોવી જોઈએ.

જીવનનાં તમામ ક્ષેત્રો-વિષયો સાથે શિક્ષણનો સેતુ જળવાય તે રીતે ગ્રામવિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ભણાવવાના વિષયોનીજે યાદી નાનાભાઈએ બનાવી હતી, તેનો ઉદ્દેશ જીવનલક્ષી સર્વાંગી કેળવણી કેવી રીતે પૂરી પાડી શકાય અને તે માટે કઈ કઈ સામગ્રી જોઈએ તે અંગેની સઘન વિચારણા હતી. તેમાં નીચે મુજબના ચૌદ વિષયો હતા :

ખેતીવિદ્યા અને તેને લગતું વિજ્ઞાન અને ઇજનેરીવિદ્યા, પિયત ખેતી માટે જળસંચય અને સિંચન માટેની ઇજનેરીવિદ્યા,ગોપાલન અને ડેરી સાયન્સ, ઘેટાં-બકરાં તથા મરઘાં-બતકાં-ઉછેર, જંગલવિદ્યા, ખનિજવિદ્યા, માછીમારી – મત્સ્યોદ્યોગ, ખાદી અને ગ્રામોદ્યોગ, ગ્રામપંચાયત, આરોગ્યશાસ્ત્ર, સમાજવિદ્યા, ભૌતિકવિજ્ઞાન, સાહિત્ય,સંગીત અને અધ્યાત્મવિદ્યા

નાનાભાઈ સ્પષ્ટ હતા કે ગ્રામવિદ્યાપીઠમાં ભણવા આવનારા વિદ્યાર્થીઓ અને એમનું ઘડતર કરનારા કાર્યકર-અધ્યાપકો ગ્રામાભિમુખ હોવા જોઈએ તેમ જ એ અધ્યાપકોએ વિદ્યા ઉપરાંત શીલની ઉપાસના-સાધના પણ કરી હશે. લગભગ સિત્તેર વર્ષ બાદ લોકભારતીનું મૂલ્યાંકન કરવામાં આવે તો નાનાભાઈની આ આશા-અપેક્ષા સારી રીતે સંતોષાઈ છે – તેમ રમેશભાઈ જણાવે છે. તેની પાછળનાં અન્ય કારણોમાં મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ, રતિભાઈ વગેરે જેવા મળેલા તત્પર અને સમર્થ અધ્યાપક-સાથીદારો, સન્માન્ય ટ્રસ્ટીઓ, નિયામક, ઉપનિયામક, વિવિધ વિભાગોના આચાર્યો અને કાર્યકરો છે. લોકભારતીની સમગ્ર કાર્યશૈલી અને વહીવટી પદ્ધતિમાં પદ કે હોદ્દાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું નથી અને સૌ કાર્યકરોની કાર્યનિષ્ઠા અને કુશળતાને જ મહત્ત્વનાં ગણવામાં આવ્યાં છે. અધ્યાપન-શિક્ષણ, છાત્રાલય-સંચાલન તથા વિવિધ વિભાગોનાં વ્યવસ્થાપકીય કામો પણ નિયામક અને આચાર્ય દ્વારા થતી વહીવટી કામગીરી જેટલાં જ મહત્ત્વનાં ગણાયાં છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના વખતે સંસ્થાની નોંધણી વખતે સંસ્થાનાં ઉદ્દેશ-ધ્યેય અને તે સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિઓ નક્કી કરાઈ હતી. દસ્તાવેજમાં પાંચ મુખ્ય ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા, જેનો સાર રમેશભાઈએ પૃ.58-59 પર નીચે મુજબ જણાવ્યો છે :

“લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસતાં લોકોને માટે, સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયેલી અના ભારતીય સંસ્કૃતિ તથા પ્રકૃતિ-પરિવેશને અનુકૂળ થઈ અનુસરનારી તેમ જ માનવવિદ્યાઓ અને વિજ્ઞાનમૂલક શાસ્ત્રોનો, ઉત્પાદક શરીરશ્રમ સાથે અનુબંધ રચીને ગ્રામજીવનલક્ષી ઘડતર કરીને વ્યક્તિને વિદ્યાવંત તથા શીલવાન બનાવે તેવી વ્યાપક કેળવણીની ભૂમિકા રચીને શોષણવિહીન સમાજરચના માટેના પ્રયત્નો કરશે.

આ ઉદ્દેશ બર આવે એ માટે લોકભારતી બાલશિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, લોકશિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, પ્રયોગશાળાઓ – અને પ્રજાકીય શિક્ષણની એવી બીજી પ્રવૃત્તિઓ કરશે તેમ જ એ અંગે જરૂરી પુસ્તકો, પાઠ્યપુસ્તકો, નિયતકાલિકો તેમ જ અન્ય પ્રકાશનો પ્રગટ કરશે.”

લોકભારતીના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે નીચે મુજબની આધારસ્તંભરૂપ બાબતોને અનિવાર્ય ગણવામાં આવી :

ગ્રામલક્ષિતા, સાદગી અને કરકસર, ઉત્પાદક શરીરશ્રમ, સામાજિક પરિવર્તન, સમૂહજીવન, પાઠ્યસામગ્રીનો જીવન સાથે અનુબંધ, માતૃભાષા દ્વારા શિક્ષણ, સહશિક્ષણ અને છાત્રાવાસ, સહઅભ્યાસક પ્રવૃત્તિઓ, લોકશાહી-મૂલ્યોનું જતન (પૃ. 62)

વિરલઘટનાઓઅનેપ્રસંગોનુંનિરૂપણ :લોકભારતી ગ્રામવિદ્યાપીઠની વિશેષતા અને વિશિષ્ટતા ચીંધતાં વિવિધ ઘટના અને પ્રસંગો દૃશ્યાત્મક રીતે વાચક સામે તરી આવે તે રીતે યોગ્ય કથન, વર્ણન અને સંવાદોની મદદથી રમેશભાઈએ લખાણ લખ્યું છે, જેમ કે પ્રથમ પ્રકરણમાં ઢેબરભાઈ લોકભારતીનું ઉદ્¬ઘાટન કરે છે, આરંભના દિવસોમાં મૂંઝાયેલા કાર્યકરો સાથેની વાતચીત (પૃ 20-21), આંબલા લોકશાળામાં ભણેલા વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે આગવી સંસ્થા ઊભી કરવા અંગે નાનાભાઈ અને મનુભાઈ સાથે થતી વાતચીત તથા સલાહ-સૂચન (પૃ. 27-30),સંસ્થાની મદદથી એમ.એસ.સી.નાઅભ્યાસ માટે અમેરિકા ભણવા જતા રતિલાલ અંધારિયાને તેમની શક્તિ અને મળનાર ડિગ્રી બાદ સંસ્થાનું ક્ષેત્ર તેમના માટે નાનું પડશે તેવી સલાહ આપતા નાનાભાઈ અને જવાબમાં ગ્રામોદ્ધાર માટે પોતાની કટિબદ્ધતા દર્શાવતા રતિભાઈ (પૃ. 68),
અધ્યાપકો ઉપરાંત સંસ્થાના વહીવટી વિભાગના અગ્રણી પણ વિદ્યાર્થીઓ સમક્ષ તેમના જીવનના અનુભવો જણાવે તેવી વ્યવસ્થા લોકભારતીમાં હતી. મધ્યસ્થ કાર્યાલયના હિસાબ વિભાગમાં કામ કરતા જ્યંતીભાઈ શેઠ નોકરીની શોધમાં નાનાભાઈને મળવા આવે છે ત્યારે ખેતરમાં કપાસ વીણતા નાનાભાઈ, મનુભાઈ, મૂળશંકરભાઈ, રતિભાઈ અંધારિયા વગેરેને મળે છે, ત્યારે નાનાભાઈ કપાસ વીણતાં-વીણતાં જ જ્યંતીભાઈને પ્રશ્નો પૂછે છે અને લોકભારતીની સ્થિતિ અંગે જાણકારી આપે છે. તે સહુને કપાસ વીણતા જોઈ જ્યંતીભાઈ પોતે આપમેળે જ સાહજિક રીતે કપાસ વીણવા લાગે છે અને તેને કારણે કાર્યકર રૂપે પસંદ થાય છે. (પૃ. 69-73)

ભાવિસ્વસ્થસમાજનુંધરુવાડિયું: શહેરોમાં ઘરકામ, બાળકોનાં શિક્ષણ, આરોગ્યથી માંડીને વાહનવ્યવહાર માટેની વિવિધ સગવડો સરળતાથી મળે છે, જ્યારે ગામડાંમાંઆજે પણ જૂજ સગવડો યખાસ્સી મહેનતપછી મળી રહે છે, તેવા સંજોગોમાં ગ્રામ્યવિસ્તારમાં રહેનારે સ્વાવલંબન, સાદગી અને કરકસરથી રહેવું જરૂરી બને છે. તેથી જ ગ્રામવિદ્યાપીઠમાં વિદ્યાર્થી તથા કાર્યકરે વિવિધ દૈનિક પ્રવૃત્તિમાં સામેલ થઈ સ્વાશ્રયી અને સાદગીભર્યું જીવન જીવવું જરૂરી છે. લોકભારતીમાં શિક્ષણના મહત્ત્વના માધ્યમ તરીકે સમાજોપયોગી અને ઉત્પાદક શરીરશ્રમ-ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવેલું છે તથા વિદ્યાર્થી અને કાર્યકરમાં આ પ્રકારની જીવનશૈલી સહજ રીતે જોવા મળે છે. આ બાબતને સમજવા માટે પુસ્તકમાં નોંધાયેલાં કેટલાંક ઉત્તમ ઉદાહરણો જોઈએ :

મનુભાઈએ ‘સદ્¬ભિઃ સંગઃ’માં લખ્યું છે કે, “અમે વિદ્યાર્થીઓ સાથે પાણી ભરતા, સાથે રજકો વાઢતા, લાણી સાથે જ કરતા અને આ બધા માટે ભાત લઈને કોઈક વાર સુખડી-કઢી લઈને મારાં પત્ની ખેતરે આવતાં.જાજરૂસફાઈનું કામ તો અમે સ્વેચ્છાએ જ લેતા. આરંભનાં પાંચ-છ વર્ષ એકધારું એ કામ મેં નિયમિત રીતે કરેલું.” (પૃ. 81)

લોકભારતીમાં સવારના બે તાસ પછી, સાડા આઠથી સાડા દસ દરમ્યાન વિદ્યાર્થીઓ શરીરશ્રમ – ઉદ્યોગમાં રોકાયેલા રહે છે. ઉદ્યોગમાં મુખ્યત્વે ખેતી, ગોપાલન, સફાઈ, મકાન-બાંધકામ અને બાગાયત નર્સરી માટેનાં કામો કરવાનાં હોય. આ દરેક ઉદ્યોગ માટે થતી વિવિધ કામગીરીની પાના નંબર 87-88 પર વિગતવાર યાદી આપવામાં આવેલી છે.આપણી જાહેર સંસ્થામાં સામાન્ય રીતે સંડાસ અને પેશાબઘરની સફાઈ સદંતર ઉપેક્ષા પામતી હોય છે. લોકભારતીમાં આ કામગીરી દૈનિક ગૃહકાર્ય તરીકે થતી આવી છે. રમેશભાઈ લખે છે કે, આ કામગીરી અને ખાસ કરીને સંડાસના ખાળકૂવા છલકાય-ઊભરાય ત્યારે તેની સફાઈ માટે એમની સાથેના સાત-આઠ વિદ્યાર્થીઓ ખાસ પ્રથમ પસંદગી પામતા. તે માટે તેમની ટુકડીને વર્ગોમાંથી મુક્તિ મળતી, ભોજનકાર્યની આગળપાછળ ચાર કલાક કામ કરીને ખાળકૂવાની સફાઈ પૂરી થતી. તે વખતના આચાર્ય લક્ષ્મણભાઈ પટેલ પણ આ કામમાં સાનંદ જોડાતા. આ ગંદુ કામ કર્યા પછી ભોજન લેતી વખતે બુચકાકા હાથમાં બેસી ગયેલી મળની દુર્ગંધથી બચવા ચમચીનો ઉપયોગ કરવાનું કહેતા પણ રમેશભાઈ લખે છે તેમ, “ભૂખ એવી લાગી હોય કે ચમચી શોધવા કોણ બેસે ?”(પૃ. 88)

વિવિધ શ્રમકાર્ય માટે વિદ્યાર્થીઓનાં ઉત્સાહ અને પ્રતિબદ્ધતા પણ પ્રશંસા પામે તેવી છે – આ વિધાનનાં દૃષ્ટાંતરૂપ કેટલાંક વર્ણન-કથન નોંધપાત્ર છે :
“એક સાથે અમે વીસ-બાવીસ બળિયા બહાદુરો લાઈનસર ઊભાં ઝાડુ સાથે ફરી વળીએ અને ઉત્સવના આગલા દિવસે એ ચોક અને મેદાન છણછણ છીંકો આવે એવાં ચોખ્ખાંચણાક થઈ જાય.બીડમાં આગ લાગી છે – ની જાણ થતાં જ ભીના કોથળા અને કોદાળી-પાવડા સાથે ઓલવવા દોડી જવું, મણાર લોકશાળામાં ખેતપાળા બાંધવા કે તળ લોકભારતીમાં ખેતતલાવડી ખોદવા યોજાતી સામૂહિક માસિક કામશિબિરો, છાત્રાલયો તેમ જ ગ્રંથાલય-ટાઉનહૉલનાં મકાનોનાં રંગરોગાન કરવાં, રમતોત્સવ માટે વિવિધ રમતોનાં મેદાનની મરામત અને તૈયારી કરવી, અધ્યાપન મંદિરના મકાનના પાયા ગાળવા વગેરે. આમ, લોકભારતીમાં આવાં ઉદ્યમ-ઉદ્યોગ-પર્વો નિતાંત અને નર્યાં નિજાનંદપર્વો બની રહેતાં ! શિયાળાની કડકડતી ઠંડી હોય, વૈશાખની લૂ ઝરતી ગરમી હોય કે શ્રાવણ-ભાદરવાનાં કનડતાં સરવડાં હોય – લોકભારતીનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ એવાં ઉદ્યોગકાર્યો મજાથી કર્યાં છે અને તેથી જ એમને ભણાવાતાં ખેતી-ગોપાલન, બાગાયત, જમીનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજનવનિર્માણ અને ભાષાસાહિત્ય જેવા વિષયોનું માનવજીવન સાથેનું પ્રતિપળનું સંકલન જાતઅનુભવે પ્રમાણ્યું છે.”(પૃ. 89-92).

વિદ્યાર્થીકાળ દરમ્યાન રમેશભાઈએ અનુભવેલી ઉદ્યમશીલતાને પોતાની પ્રવાહી અને દૃશ્યાત્મક શૈલીમાં નીચે મુજબ વર્ણવી છે :
“સાપ્તાહિક શ્રમકાર્ય-ડોસનના દિવસોમાં છસાત કલાક કામ કર્યા પછી ડોલ-લોટાની દરકાર કર્યા વિના, સીધા નળ નીચે શરીર ધરીને નહાવાની મજા, એમ સદ્યસ્નાત થયા પછી સાંજના ભોજનમાં પીરસાતાં શાક-રોટલા, કઢી-ખીચડી અને દૂધ-દહીં પર તૂટી પડવાની લિજ્જત અને… સાંજની પ્રાર્થના, હાજરી, કાંતણથી પરવારી, ચીકુવાડી કે ગૌશાળા તરફ હળવી લટાર મારીને પછી મધ્યાકાશે મલકતા ચાંદાને જોતાંજોતાં પથારીમાં લંબાવતા, હાથપગ અને ખભાવાંસા, સમેત કરોડરજ્જુમાં અનુભવાતો પથરાટ – આ બધું તો માંહી પડેલાનું મહાસુખ છે – માણ્યું હોય એ જ આમ પુનઃપુનઃ યાદ કરીને એને માણતા રહે !” (પૃ. 94)
પરિવારની ભાવના નીચેનાં દૃષ્ટાંતોમાં કેટલી સરસ રીતે વ્યક્ત થઈ છે !

એક જ રસોડે જમતા વિદ્યાર્થી અને શિક્ષકોનો નાનકડો પરિવાર તથા નાસ્તો કરતી વખતે પોતાના વાડકામાંથી થોડું દૂધ વિદ્યાર્થી ગણેશભાઈ ડાભીને આપતા નાનાભાઈ (પૃ. 100), કછોટો વાળીને ગાયને દોહતા મનુભાઈ, વરસતા વરસાદમાં ડુંગરામાં વિદ્યાર્થીઓને ફરવા લઈ જતા અને વળતા ટાઢથી ધ્રૂજતા હોય ત્યારે તેમને રસોડે સૂંઠિયું બનાવીને ખવડાવતા તથા સાંજે આંબાવાડિયામાં હુતૂતૂની રમતમાં જોડાતા મનુભાઈ (પૃ. 100).

દક્ષિણામૂર્તિમાં વીસ વર્ષની ઉંમરે ગૃહપતિનું કાર્ય શરૂ કરનાર આદર્શ ગૃહપતિ મૂળશંકરભાઈ લોકભારતીમાં સ્વાતંત્ર્યદિનની પરેડની તૈયારી દરમ્યાન પ્રેકટિસ કરી રહેલા એક વિદ્યાર્થીને તેની ચાલ જોઈને દૂરથી જ પારખી-પામી જાય છે કે તેની તબિયત સારી નથી. તપાસ કરાવતાં ખબર પડે છે કે તે વિદ્યાર્થીને ક્ષયની પ્રારંભિક અસર છે. (પૃ. 103) અધ્યાપકો તો વાત્સલ્ય વરસાવતાં, સાથે સાથે તેમનાં વડીલ કુટુંબીજનો તેમ જ ગૃહિણીઓ પણ વિદ્યાર્થીઓને વહાલથી ઘરમાં આવકારતાં.

લોકભારતી નાની ટેકરીઓની તળેટીમાં વસેલી છે અને તેના પશ્ચિમ કિનારે ‘સીંદરી’ નામની અનેક વળાંક ધરાવતી નદી વહે છે. તેની ઉપર લોકભારતીએ ચેકડેમ બાંધ્યો છે, જેથી એકત્રિત પાણી જાતે ખોદેલી સાતખેતતલાવડીમાં જમા થઈ છલકાઈને સીંદરી નદીમાં મળી જાય છે. વિદ્યાર્થીઓ અને કાર્યકરો આસપાસ પથરાયેલા પ્રકૃતિ વૈભવને જે રીતે માણે છે, તેનું હર્ષભેર વર્ણન કરતી વખતે પૃ. 109 પર રમેશભાઈ જણાવ્યું છે કે, વિવિધ પ્રકારનાં છોડ-વૃક્ષોને ઊછેરવાનું કામ, ડુંગરોમાંથી દોટ મૂકીને આવતી નીલગાયને તગેડવાની મઝા, પ્રહલાદ પારેખનાં વર્ષાગીતો ગાતાંગાતાં વરસાદને આવકારવાનું તથા મનુભાઈની સાથે નદીમાં ખાબકવાનું, કોઈ તણાય ન જાય તે માટે, તરવાનું જાણતા વિદ્યાર્થીઓ દ્વારા એકબીજાના હાથ ભીડીને સાંકળ રચીને સૌને નદીની સામે પાર પહોંચાડવાનું, સાંઢીડા મહાદેવના નાનકડા કુંડમાં કાંઠે આવેલા તોતિંગ વૃક્ષ પર ચડીને પલાંઠિયા ધૂબાકા મારવા, શરદપૂનમ અને ફાગણીપૂનમની રાતે ઝરમરતી ચાંદનીમાં રાજેન્દ્ર હિલની આસપાસની ટેકરીઓની ટોચે, લીસ્સા પથ્થરો પર આડા પડીને વીતેલી વાતોને વાગોળવી.આ બધી મોજમસ્તીમાં કોઈ બાકાત રહે તો પણ શા કાજ ?
સહશિક્ષણને લોકભારતીએ બુનિયાદી અનિવાર્યતા તરીકે પ્રાથમિકશાળાથી જ સ્વીકાર્યું છે. નાનાભાઈએ કહ્યું છે તેમ, “આપણે રુંધનના હિમાયતી નથી પણ સમાજમાં આવ્યા એટલે મનફાવતી રીતે વર્તવાનું તો શક્ય નથી.”આ સંદર્ભે બે મર્યાદાઓ સ્વીકારવામાં આવી.સામાન્યતઃ રાતના નવ વાગ્યા પછી ભાઈઓ-બહેનોએ નહીં મળવાનું અને બે જણે એકલાં તો નહીં જ મળવાનું. મુખ્ય ઉદ્દેશ તો શિક્ષણ-સંસ્કારોને વધુ અર્થવાહક – તેજસ્વી બનાવવાનો છે, નહીં કે પરસ્પરની પસંદગી કે પ્રેમ કરવા માટે. છતાં પણ સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને કેટલીક વાર પ્રેમ કે પરણવાનું મન થાય તેમ જ માત્ર કામવૃત્તિથી બહેકી જતા હોય તેવા વિદ્યાર્થીઓને સલાહ, સમજાવટ તથા માર્ગદર્શન આપવામાં આવતાં, જેથી તેમની કેળવણી અને ભવિષ્યની આડે આવે તેવી ભૂલ ન કરી બેસે.
વિદ્યાર્થીઓમાં લોકશાહીનાં મૂલ્યોની સમજણ આવે તે માટે 1956માં જ વિદ્યાર્થીમંડળની રચના કરવામાં આવી. તેનાં વિવિધ પદ તેમ જ સમિતિઓ માટે લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવે છે. આ વિદ્યાર્થીમંડળ લોકભારતીની પ્રત્યેક પ્રવૃત્તિનાં આયોજન અને અમલીકરણમાં પ્રતિનિધિત્વ પૂરું પાડે છે.
આનંદથીભણતાવિદ્યાર્થીઓ : લોકભારતીના પરિસરના ખુલ્લા ચોકમાં, વૃક્ષોની નીચે, ખુલ્લાં હવા-પ્રકાશમાં, અધ્યાપકને કેન્દ્રમાં રાખીને ચોપાસ બેસીને ભણેલા પાઠ આજે પણ રમેશભાઈને સ્મરણપટ પર યાદ છે. કવિશ્રી ઉમાશંકર જોશીનો ઉદ્-ગાર ‘વર્ગ એટલે સ્વર્ગ’ એ લોકભારતીના વિદ્યાર્થી માટે સાવ સાચો અને સુખદ અનુભવ છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠના સ્નાતક થયા પછી શામળદાસ કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરતા રમેશભાઈને તે વખતના અધ્યાપકો અને સાથી વિદ્યાર્થીઓ મજાક અને કટાક્ષમાં પૂછતા કે, ‘તમે બી.એ. વીથ ગોબર ગૅસ કે બી.એ. વીથ સંડાસસંફાઈ ?’આ પ્રશ્નોના ઉત્તર રૂપે લોકભારતી ખાતે ભણતી વખતે સમૂહજીવન અને વિવિધ પ્રકારની સહઅભ્યાસક પ્રવૃત્તિઓના અનેરા પ્રસંગોમાંથી પોતે પસાર થયા હતા અને તે દ્વારા પમાયેલા આનંદ અને સંતોષની સ્પષ્ટતા તો અલબત્ત, રમેશભાઈએ નહોતી કરી,પણ મને લાગે છે કે લોકભારતી ખાતેનાં શિક્ષણ, રસાળ દિનચર્યા, ઉત્સવો, પ્રવાસ, કેન્દ્રનિવાસ (ઇન્ટર્નશીપ), કુદરતી આફતો વખતે વિવિધ સ્થળે વિદ્યાર્થીઓએ કરેલાંરાહતરૂપ સેવા-કાર્યો, સ્થાપના પછી થોડા જ સમયમાં યોજાયેલા અખિલ ભારતીય નઈ તાલીમ સંમેલનના આયોજન દરમ્યાન વિદ્યાર્થીઓની સ્વયંસેવા વગેરે વિશે એમણે જે વર્ણન કર્યું છે તે સાહિત્યની દૃષ્ટિએ તો ઉત્તમ છે જ પણ રમેશભાઈએ અનેક બાબતોને ગતિશીલ લેખન અને વર્ણનની મદદથી આ લખાણમાં વણી લીધી છે અને વાચક તે વાંચતી વખતે લોકભારતીના પરિચયની યાત્રામાં જાણે કે સહર્ષજોડાઈજાય છે. (પૃ. 122-147). લોકભારતીની સ્થાપના પાછળની પૂર્વભૂમિકા, ઉદ્દેશો, વિચારધારા, સંઘર્ષ વગેરે અંગે પુસ્તકનાં શરૂઆતનાં પ્રકરણોમાં શાસ્ત્રીય અને એકેડેમિક ચર્ચા અને લેખન વાંચ્યા પછી વાચકના મનમાં લોકભારતી ખાતેનું જીવન કેવું હશે અને ત્યાંના વિદ્યાર્થી-કાર્યકરોનાં જીવનનાં વિવિધ પાસાં જાણવા અંગે સહજ ઇચ્છા જાગ્રત થાય છે. વાચકને આ અંગે ચિત્રાત્મક (Visually) રીતે જાણકારી આપવાનો ખ્યાલ કદાચ રમેશભાઈના મનમાં હશે જ. અત્યાર સુધી પ્રમાણમાં ગંભીર રહેલા રમેશભાઈ પુસ્તિકાના મધ્ય ભાગમાં મોકળા મને ખીલ્યા છે. આ પ્રકરણ એ આખા પુસ્તકના શિખર સમાન છે કેમ કે જે આશયથી લોકભારતીની સ્થાપના થઈ હતી, તેની યથાર્થતા શી રીતે સિદ્ધ થઈ – એ બીનાને આ પ્રકરણ વાચક સમક્ષ અનેક દૃશ્યો રચી દઈને વિવિધરીતે આલેખે છે.એ સામગ્રી સુધી પહોંચતા પહેલા હું જરા મારી મનની વાત કહી દઉં ?

સૂચિત પ્રકરણમાં તેમણે લખેલાં પ્રસંગો, અનુભવો અને પ્રવૃત્તિઓ વાંચીને મારા જેવાને મીઠી ઇર્ષ્યા અને કૉલેજમાં અભ્યાસ દરમ્યાન આવી અનેક પ્રવૃત્તિઓથી સદંતર દૂર રહ્યા તે અંગેનો અસંતોષ તેમ જ વ્યક્તિત્વ ઘડતર માટે જરૂરી તાલીમમાંથી પણ વંચિત રહી ગયાનો રંજ પણ અવશ્ય થાય છે.હવે કેટલાં દૃષ્ટાંતોમાંથી પસાર થઈએ :

1966-67ના વર્ષે બિહાર દુષ્કાળ રાહતકાર્ય માટે સિદ્ધરાજજી ઢડ્ડાએ માગેલા અને લોકભારતીએ મોકલેલાં 23 યુવાન ભાઈ-બહેનોને બુચભાઈએ સાડાત્રણ મહિના સુધી દર અઠવાડિયે ઓછામાં ઓછા એકના હિસાબે પત્રો લખીને, આ અત્યંત ભયાનક-કારમી સેવા દરમ્યાન અમારાં મન-શરીર ખોટકાઈ ન જાય એ માટે સલોણું ઊંજણ કરેલું એ ભુલાયું નથી. (પૃ. 133)

લોકભારતીએ સઘળા ઉત્સવોને આવકાર્યા છે… અમારી ગ્રામવિદ્યાપીઠમાં વર્ષાની માફક વસંત પણ વિશિષ્ટ સ્વાગત પામે. બે પખવાડિયાંના બે ઉત્સવો – વસંતપંચમીનાં વનવિહાર ને વનભોજન તો ફાલ્ગુની પૂર્ણિમાનો રંગોત્સવ…હોળી પ્રગટી રહે પછી અમે ઊપડીએ રાજેન્દ્ર હિલ તરફની ટેકરીએ. ત્યાં ઊંચું આસન શોધી, ફરતા પટ્ટાનાં ગામોમાં પ્રગટતી હોળીઓ જોતાં-જોતાં, વીતેલી હોળીનાં સ્મરણો વાગોળીએ. અમારો સાથીદાર દેવરાજ ધામેલિયા તો કઈ હોળી, કયા ગામની – એ પણ હોંશભેર વરતી દે !(પૃ. 138-139)

આવતી કાલે વાપરવાના રંગો રાતે દોઢ-બે વાગ્યે નવશેકા ગરમ પાણીમાં ઘોળાય ને આજુબાજુ ઢીમ થઈને ઢળી પડેલા કુંભકર્ણોનાં મુખારવિંદો પર અમારી ચિત્રકલા અવનવા ઉન્મેષ દાખવે. (પૃ. 140)

લોકશાળા-લોકભારતીમાં પ્રથમ વર્ષા એટલે ઉત્સવમંગળ ! વર્ગો ચાલતા હોય ને વરસાદ તૂટી પડે તો વર્ગની પાછલી કતારમાંથી, બુચકાકા જેવા અમારા સહૃદયી અધ્યાપકને કોઈ વર્ષાગીત ગાવાની લાડભરી વિનંતી થાય… ગીત પૂરું થાય-ન-થાય ત્યાં તો, વર્ગો છોડીને નાહવા જવાનો પ્રસ્તાવ લઈને મનુભાઈ પાસે ગયેલા અમારા મોવડીએ લાંબો બેલ વગાડી દીધો હોય ! (પૃ. 142)

મનુભાઈ પણ કાંઠે ઊભેલા આંકોલીના ઝાડની ટોચે પહોંચે અને ત્યાંથી લગાવે પલાંઠિયો ધૂબકો. એનાથી ઊઠેલી પાણીની છોળ, એમની પાછળ ધૂબકો મારવાના પોતાના વારાની રાહ જોતા વિદ્યાર્થીને ભીંજવે આપાદમસ્તક ! (પૃ. 143)

હા, રમતવીરોને સ્પર્ધાની વચ્ચેના વિરામે તેમ જ અંતે ભારોભાર ગ્લુકોઝ ભરેલાં લીંબુનાં ફાડિયાં ચૂસવા મળતાં – વૉલીબોલ-સ્પર્ધાના ખેલાડી તરીકે એ હજુ પણ ભુલાયું નથી ! એ ખટાશ ભરપૂર ગળપણથી જે શક્તિ-સ્ફૂર્તિ-સંચાર થતો એ સાચ્ચે જ વિરલ હતો ! રાતના મનોરંજન કાર્યક્રમમાં સૌથી આગળ બેસવાની હોડ મચે. દાંડિયારાસ તો દૂરથી ય જોવાય, પણ નાટકનું શું ? અને નાટકો-નૃત્યો પણ કેવાં કેવાં ?… આ બધાંની મહિના-દોઢ મહિનાથી થતી તૈયારી-પ્રૅકટિસ જાણે કોઈ અવનવા વિશ્વમાં ઉડ્ડ્યન કરાવતી. (પૃ. 147)

નાનાભાઈ અને મનુભાઈએ સૌ સાથીદારોને મળી, પર્યાપ્ત વિચારણાના અંતે, સૌ કાર્યકરોની સંમતિ સાથે ઠરાવ્યું હતું કે સંસ્થાના છેલ્લા વેતનદારને જે મળતું હોય તેના કરતાં છગણાથી વધારે વેતન કોઈ નહીં લેતેમ જ હોદ્દાઓને કારણે અને આધારે મળતા વધારાના પગાર કોઈ નહીં લે. (પૃ. 105) વર્તમાન સંજોગોમાં જ્યાં વ્યવસાયીકરણનો પ્રભાવ છે ત્યાં આ પ્રકારની કટિબદ્ધતા કે મનોભૂમિકા અશક્ય છે. રાજ્ય સરકાર દ્વારા મળતા અનુદાન અને યુનિવર્સિટી સાથેના જોડાણ પછી પણ કૉલેજોના અધ્યાપકો તથા બિનશૈક્ષણિક કર્મચારીઓને મળતા પગાર કરતાં પ્રમાણમાં લોકભારતીના કાર્યકરોનું પગાર ધોરણ નીચું છે, છતાં લોકભારતીના કાર્યકરો આનંદથી સેવા આપે છે.

વિવિધ વિષયો અને ક્ષેત્રોમાં શિક્ષણ કાર્ય કરતી શિક્ષણસંસ્થાઓ–લોકભારતીઅધ્યાપનમંદિર, લોકસેવામહાવિદ્યાલય, કૃષિવિદ્યા-પ્રમાણપત્ર, પંચાયતરાજ તાલીમકેન્દ્ર, સ્નાનક નઈતાલીમમહાવિદ્યાલય, ગ્રામવિદ્યા અનુસ્નાતકકેન્દ્ર, લોકભારતી પ્રાથમિકશાળા, તથા પંડિત સુખલાલજી લોકવિદ્યાલયની લાક્ષણિકતા, કાર્યશૈલી, કાર્યકરો અને તેમની સિદ્ધિઓ વિશે ઉપયોગી ડેટા સાથેની વિગતો સંપાદિત રૂપે આપેલી છે. આ વિગતવાર માહિતી લોકભારતી માટે દસ્તાવેજીકરણ સમાન છે.મહેનત અને ચોકસાઈથી તૈયાર કરેલી આ તમામ વિગતો તેમ જ પરિશિષ્ટમાં જણાવવામાં આવેલી તમામ માહિતી તેમ જ લોકભારતીની આ પુસ્તિકા તેની વૅબ સાઈટ પર સત્વરે મૂકવી જોઈએ, જેથી બહોળા જિજ્ઞાસુ સમૂહને લોકભારતીની વિવિધ સંસ્થાઓ અંગે જરૂરી અને ટૂંકમાં પરિચય મળી રહે. અન્ય યુનિવર્સિટીઓ કરતાં ગ્રામવિદ્યાપીઠો કેવી રીતે અલગ છે અને તેમને કયા માપદંડોથી મૂલવવી જોઈએ, તે આ પુસ્તકથી સૂચવાય છે. આની મદદથી ગ્રામવિદ્યાપીઠોને મૂલવવા માટેનાં માપદંડો કે પરિબળોની યાદી પણ તૈયાર કરી શકાય. જે ધોરણે યુનિવર્સિટીઓને મૂલવવામાં આવે છે, તે જ આધારે ગ્રામવિદ્યાપીઠોને મૂલવી ના શકાય.
ઝાડનાંપારખાંફળપરથી : લોકભારતીએ તેના વિદ્યાર્થીઓનાં ઘડતર-કેળવણીમાં આપેલ પ્રદાન અને એમનાં જીવન-કાર્ય અંગે ટૂંકમાં જાણકારી મળે તે માટે મનુભાઈના સૂચનથી કુલ ત્રેવીસ વિદ્યાર્થીઓ પાસે ‘ઝાડનાં પારખાં ફળ પરથી’ શ્રેણી હેઠળ 30-40 પાનાંની પુસ્તિકાઓ લખાવાઈ છે. સાદી સરળ શૈલીથી લખાયેલી આ પુસ્તિકાઓની ઊડીને આંખે વળગે એવી વિશેષતા છે – તેના લેખનમાંદાખવાયેલું સમુચિત તાટસ્થ્ય. બહુધા આ પુસ્તિકાઓમાં લોકભારતીના આગવા શિક્ષણ-અભિગમ તથા વિદ્યાર્થી-લેખકના જીવનનાં સંઘર્ષ-સફળતા અંગેનું લખાણ છે, જેમાં લોકભારતીના ઉદ્દેશો મુજબ વિદ્યાર્થી-કાર્યકરોનું ઘડતર કેવી રીતે થયું છે – તે બાબત સિદ્ધ થાય છે.

‘લોકભારતી સણોસરા’ પુસ્તિકાના આઠમા અને અંતિમ પ્રકરણ ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠની આવતીકાલ’માંતેના લેખક શ્રી મનસુખભાઈ સલ્લાએ અભ્યાસ અને ચિંતન કરીને ચોવીસ સૂચનો કર્યાં છે. રમેશભાઈએ તેની સારરૂપે નોંધ કરી છે. તે મુજબ, “જીવનનિર્વાહક ભૌતિકશાસ્ત્રો અને શાંતિદાતા માનવવિદ્યાઓની સમતોલ કેળવણી એ લોકભારતીનું સર્વોપરી અને અંતિમ ધ્યેય-લક્ષ્ય રહ્યું છે. પણ આજના ભૌતિકવાદી સમયમાં છવાઈ રહેલા અને સમૂચી માનવતાને વિમાસણમાં મૂકી રહેલા બજારવાદ-ઉપભોગવાદને બરાબર ઓળખીને એનાથી વેગળા રહેવાની ક્ષમતા આપણે દર્શાવવાની છે.” (પૃ. 227) અહીં જણાવવામાં આવેલાં તમામ સૂચનો લોકભારતી ખાતેના અત્યારના અને ભવિષ્યમાં આવનારા વિદ્યાર્થીઓ તેમ જ કાર્યકરો માટે વ્યવસ્થિત ધોરણે માર્ગદર્શન આપે છે. આ તમામ મુદ્દાઓનું હૃદયપૂર્વક મનન થવું જોઈએ. રમેશભાઈ માને છે કે, વર્તમાન સમયમાં લોકભારતીના વિદ્યાર્થીઓ પૂરતા આત્મવિશ્વાસથી અંગ્રેજી ભાષા વાંચી-સમજી અને લખી-બોલી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે. નોકરીના નામે શહેર તરફ ઘસી જવાને બદલે વિદ્યાર્થીઓ પોતાના વતન-વિસ્તારમાં જ સ્વતંત્ર વ્યવસાય કરી શકે તે પ્રકારે તાલીમ મળે રહે તેવું આયોજન કરવું જોઈએ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો અને ટ્રસ્ટીમંડળના મોવડીઓ વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વિવિધ સ્વરૂપે સામેલ થઈ, પોતાનાં મધુરાં સ્મરણોના આધારે તેમને પ્રોત્સાહિત કરે તેવું આયોજન કરવું જોઈએ. વીતેલાં સમયનાં સંસ્મરણોનું ‘કોડિયું’માં ક્રમશઃ પ્રકાશન થતું રહે તો અનેક પ્રેરણાત્મક પ્રસંગો વાચકો સમક્ષ આવતા રહેશે.

સંસ્થાના આધારસ્તંભ ગણાયેલા ચાર ગુરુજનો – મૂળશંકરભાઈ, બુચભાઈ, રતિભાઈ અને લક્ષ્મણભાઈના વ્યક્તિત્વ, તેમની લાક્ષણિકતા અને તેમના સહુના અલગારી સ્વભાવ સહજભાવે દૃશ્યમાન બને તે રીતે છેલ્લા પ્રકરણમાં રમેશભાઈએ આ ગુરુજનોના લાગણીસભર જીવનપ્રસંગો આલેખીને પોતાની આગવી છટાથી તેમને સહુને ભાવઅંજલિ આપી છે.

આ પુસ્તિકા લખતી વેળા પૂર્વતૈયારી રૂપે ગાંધીજી, એ. ઈ. મોર્ગન અને નાનાભાઈ તથા મનુભાઈએ લખેલાં પુસ્તકોનો મજબૂત આધાર રમેશભાઈને મળ્યો છે. પ્રશ્ન થાય કે આ કર્મઠ અને શબ્દસેવી કેળવણીકારોએ પોતાનાં લેખો અને પુસ્તકો ન લખ્યાં હોત તો ? ગ્રામોત્થાનલક્ષી આ નૂતન કેળવણી અંગેનાં કેટલાં બધાં અગત્યના વિચારો, અનુભવો, પ્રસંગો, ઘટનાઓ વગેરે અંગે આજે આપણે અજાણ રહી ગયા હોત ?

આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર, જીવનની સાચી સમજ વિનાની બેઠાડુ કેળવણી મેળવીને બેઠાડુ જીવનશૈલીને અનુસરતી નવી પેઢી તથા સમાજ માટે જરૂરી મૂળભૂત જવાબદારી તેમ જ કાર્યોની થતી ઉપેક્ષા જોતાં એમ જરૂર થાય કે આવનારો સમાજ કેવી રીતે સ્વસ્થ બની શકશે ? વર્તમાન શિક્ષણ પ્રણાલિ વિદ્યાર્થીને વ્યક્તિગત ધોરણે જ ચઢિયાતા થવા પર ભાર મૂકે છે અને સમૂહજીવન કે સમાજ અંગેની નિષ્ઠા કે સમજ કેળવવા પર કશો જ ભાર મૂકવામાં આવતો નથી. લોકભારતી જેવી સંસ્થામાં શિક્ષણની સાથે સાથે પાયાનું ઘડતર કરનારી વિવિધ પ્રવૃત્તિઓ, વર્તમાન શૈક્ષણિક સંસ્થાઓ તથા તેમની પદ્ધતિ અને પ્રણાલિ માટે એક કાર્યક્ષમ મૉડલ રજૂ કરે છે. લોકભારતી સંસ્થાની વિશાળ વૈચારિક ભૂમિકા, શિક્ષણના ક્ષેત્રે કરેલું પાયાનું કામ, તેના અભ્યાસક્રમો, રચનાત્મક સમાજરચના માટે પૂરા પાડેલા સેવાભાવી, કાર્યક્ષમ કાર્યકરો, સમાજ સાથેનો સંસ્થાનો સંપર્ક, વિશિષ્ટ વ્યક્તિ ચરિત્રો, પરિસર પરનું જીવંત અને ગતિશીલ સમૂહજીવન, કેટલાક કાર્યકરો તથા વિદ્યાર્થીઓમાં દેખાતા લોકભારતીમાં ન થવી જોઈતી વર્તણૂકના પ્રશ્નો, વર્તમાન સમયમાં રહેલા પડકારો, વધુ ઊજળા ભવિષ્ય માટેનાં દિશા-સૂચન વગેરે મુદ્દાઓને બારીકીથી આવરી લઈને લખાયેલું આ પુસ્તક શિક્ષણ અને સમાજરચના સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિને વાંચન બાદ તૃપ્ત કરશે.લોકભારતી તેમ જ ગુજરાતની અન્ય નોંધપાત્ર ગ્રામવિદ્યાપીઠો– ગ્રામભારતી, ગાંધી વિદ્યાપીઠ વેડછી વગેરે – નો પરિચય મળી રહે તે માટે પણ આવાં પુસ્તકો લખાવા જોઈએ.તેમ થશે તો બૃહદ ગુજરાતી સમાજ એ સંસ્થાઓની કાર્યસિદ્ધિથી સુપરિચિત થશે અને તેથી આવી સંસ્થાઓના અસ્તિત્વને બળ મળશે તથા સમાજનું શ્રેય સધાશે.

[‘પરબ’, ગુજરાતી સાહિત્ય પરિષદ, જૂન, 2013માં પ્રકાશિત લેખ]

[‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’, લે. રમેશ ર. દવે, પ્રકાશક સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ, 2012, પાનાં 270, કિંમત રૂ. 200]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ – સંજય ચૌધરી”

Copy Protected by Chetan's WP-Copyprotect.