વરઘોડો – ડૉ. હાર્દિક યાજ્ઞિક

[ રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા બદલ શ્રી હાર્દિકભાઈનો (નડીયાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.]

‘વાત ખર્ચાની નથી, પણ પછી નાચશે કોણ ?’ શ્રેયસભાઈએ ચશ્માં કાઢતાં પ્રશ્ન કર્યો.
ભાઈના લગ્નના ઉત્સાહમાં મિલીએ તરત જ જવાબ આપ્યો, ‘હું અને મારી ફ્રેન્ડસ’
‘હવે ૨૦૦ જણના વરઘોડામાં તમે બે ત્રણ જણા રસ્તા વચ્ચે નાચો, કંઈ સારુ લાગવાનું છે ?’ તનસુખકાકાએ એની વાતને કાપી નાખી.

અને આ આખી વાત સાંભળીને મીતાકાકીએ વર્ષોથી દબાવી રાખેલી પોતાની રીસ દર્શાવી, ‘કેમ ખબર છે ને, મારા સચિનના લગ્નમાં મસમોટો ખર્ચો કરીને બેન્ડવાળા બોલાવ્યાતા ત્યારે તો કોઇને નહોતું નાચવુ. આગળ એ લોકો વગાડતા હતા અને પાછળ શોકસભામાં જતા હોય તેમ બધા ….. મારો તો દીકરો પરણાવવાનો ઉત્સાહ જ જતો રહ્યો હતો.’
શ્રેયસભાઈએ વાતને વણસતા બચાવી, ‘હશે ! પણ હવે કોણ સારા ઘરોમાં લગ્નપ્રંસગે વરઘોડામાં નાચે છે ! અને વાતેય સાચી છે, આપણે કોઇના લગ્નમાં ન નાચ્યા હોઇએ તો આપણા ઘરના વરઘોડામાં કોણ નાચે ?’
મિલીએ જીદ પકડી, ‘ના પપ્પા ! તમારે સારામાં સારું .. મોંઘામાં મોંઘું આર્મી બેન્ડ જ ભાઇના લગ્નમાં નોંધાવવાનું છે. કશું જ ચાલશે નહી. કેમ મમ્મી ?’

આખાય લગ્નપ્રંસગના આયોજનમાં પોતાના સ્વભાવ મુજબ ક્યાંય દખલ ન કરનાર નંદિનીબહેનનું ધ્યાન દીકરી ઉપર હતું જ નહીં. વરઘોડાની વાતો ચાલુ થઇ અને તેમના હાથ શાક સમારતાં સમારતાં અટકી ગયા. ડાબા કાને દૂર દૂર તેમને સીસોટીઓ સંભળાવા લાગી. અચાનક રસોડા બાજુથી કોઇ અજાણ્યો વ્યક્તિ મોંમાં રૂમાલનો એક છેડો દાબી બીજા છેડેથી બીન વગાડતો તેમની પાસે ધસવા લાગ્યો હોય તેમ તેમને લાગ્યું. તેમની આંખ સામે પરસેવાથી નીતરતું એક માદક પણ લચીલું, નાજુક શરીર નૃત્ય કરતું હતું. જોનારાની આંખોમાં કળાના સન્માન કરતાં લોલુપતા વધુ હતી. અને ચોતરફ ઘોંઘાટ. સ્ત્રીના અવાજમાં તીણું તીણું ગાતો પુરુષનો અવાજ અસ્પષ્ટ હતો, અને નંદિનીબહેન પોતાના ભૂતકાળમાં સરી પડ્યાં.
‘નંદુ બહેન, ઝટ દરવાજો ખોલો. જુઓ તો ખરા તમારા માટે શું લાવ્યા છીએ ?’ રઘુભાઇની ચાલીની પાછળ આવેલા ઝૂંપડામાં પતરું ઠોકીને પ્રતાપે બૂમ પાડી. પોતાના માનેલા ભાઈનો અવાજ સાંભળી ૨૨ વર્ષની નંદુએ પતરું ખસેડ્યું. પ્રતાપે પોતાની શરણાઈ અને ટોપી બાજુમાં મૂકી નંદુની સામે પાંચ કોથળીઓ ધરી અને બે દિવસની ભૂખી નંદુના ચહેરા પર રંગત આવી. કોઇક કોઇક વાર પ્રતાપના બેન્ડવાળાઓને લગ્નમાં જમવા મળતું અને કોઇવાર ઘર માટે લઇ પણ આવવા. પ્રતાપનો આ ઉપકાર નંદુ માટે નવો નહોતો.

બે વાંકીચૂંકી ડિશમા જમવાની કોથળીઓ ખાલી કરી, પહેલી એણે પ્રતાપની માને આપી અને બીજી પોતે ખાતાં ખાતાં પ્રતાપ અને તેના દોસ્ત દીનુ જોડે વાતે વળગી. એ લગભગ પાંચ વર્ષની હશે જયારે મુંબઇ સ્ટેશન પર આ મનુડોશીને તે એક સરસ મઝાના સુંવાળા કપડામાં મળી હતી.
‘પણ હવે તો હદ થાય છે. આ સુમનશેઠ કહે છે તેમ કંઇ નવું કરવું પડશે’ સ્ત્રીના અવાજ મા ગાતા ગાતા દીનુનો અવાજ પણ તીણો થઇ ગયો હતો.
‘પણ થઇ શું શકે ?’ પ્રતાપે પોતાનો બેન્ડનો લાલ કોટ કાઢતા કહ્યું.
‘કેમ શું થયું ?’ નંદુને અજાણતાં જ પૂછવાનું મન થયું.
દીનુએ સમજાવ્યું કે બેન્ડબાજાના ધંધામા હવે હરીફાઇ વધી ગઈ છે. હજી હમણાં સુધી તો ખાલી ગીત ગાઈએ એટલે ચાલતુ હતું. હવેતો એની સાથે સારા માઈક, ડ્રેસ, લાઈટ્સ અને જાણે કેટલાંય નખરાં કરવાં પડે છે. પણ હજીય લોકો કહે છે, ‘કંઈ નવું કરો.’
‘અને ગમે તેટલું કરીએ પણ માંડ એક કે બે વરઘોડામાં નાચવાવાળા લોકો હોય અને બાકીના લગ્નમાં તો વગાડી વગાડીને થાકીએ તોયે કોઈના પગ ન થરકે.’
‘તો એમાં શું ? તમારા શેઠને કહો કે જેમ વગાડવાવાળા પૂરા પાડે છે એમ નાચવાવાળા પૂરા પાડે.’ એકદમ સાહજિક રીતે નંદુએ બેન્ડવાળાના બિઝનેસમાં નફો કરી આપતી સલાહ મફતમાં આપી.
‘જુઓ, સુમનશેઠે બસ સારા ઘરના દેખાતા ત્રણ ચાર છોકરા છોકરીઓને નોકરી પર રાખવાના, તેમને લગ્નોમાં પહેરાય તેવાં સારાં કપડાં આપવાના અને શરત એટલી કે એ લોકો નાચી શકતા હોવા જોઇએ. બસ તમારો તાલ શરૂ થાય અને એ લોકો નાચે અને નાચતા નાચતા બીજાને પણ તેમાં સામેલ કરી દે એટલે વરઘોડાવાળાનું પણ સારું દેખાય અને તમારા બેન્ડનું પણ નામ થઇ જાય, સાથે સાથે તમારા સુમનશેઠને પૈસા પણ કમાવાય.’ પ્રતાપ તો એકીટશે ફડફડાટ બોલતી નંદુને જોઈ જ રહ્યો. એને થયું નક્કી નંદુબહેનમાં કોઈક પાક્કા વેપારીનું લોહી હશે.

બડબડિયા સ્વભાવનો દીનુ બોલી ઊઠ્યો,
‘વાત તો ૧૦૦ ટચના સોના જેવી છે. ચાલો, માન્યું કે એક તો નંદુબહેન તમે છો, પણ બીજું એવું નાચવાવાળું કોણ મળશે ?’
પ્રતાપ ચિડાયો, ‘અરે ! બહેનનું નામ લેતાં પહેલાં એમને પૂછ તો ખરો !’
હાથમાં રહેલી જલેબી ગોળ ફેરવતાં ફેરવતાં ગરીબીથી કંટાળેલ નંદુ બોલી, ‘એમાં શું, આવડત પર વિશ્વાસ અને નસીબ ઉપર શ્રદ્ધા હોય તો કોઈ કામ નાનું નથી. અને આ તો આપણી કળાના પૈસા છે ને ! આપણે ક્યાં મોં કાળું કરીને કમાવું છે?’

સુમનશેઠને પૈસા કમાવવાનો અને બેન્ડવાજાની દુનિયામાં એક નવી શરૂઆત કરવાનો મોકો મળ્યો અને આવા મોકા છોડે એવો ગાંડો એ હતો નહીં. ફકત ૩૦૦ રૂપિયા લગ્ન દીઠ નક્કી કરીને તેણે રૂપરૂપના અંબાર સમી નંદુને બેન્ડમાં ભાડુતી નાચવાવાળી તરીકે રાખી. વિચાર ખૂબ ચાલ્યો. નંદુ પણ દિલ દઇને નાચતી. એનું હોવું એ વરઘોડાની સફળતા બની જતી. એનો નાગીન ડાન્સ દરેક વરઘોડા માટેની અનિવાર્ય વાત બની ગયેલી. નંદુને પણ આમાં ફાવટ આવી ગયેલી, નાચતાં નાચતાં કોનો પગ થરકે છે કે કોણ તાળી પાડે છે એ બધું જ જોતી અને એવી સિફતથી તેમને નાચવા ખેંચી લાવતી કે આજુબાજુ ઊભેલાં બધાં તેમા અજાણતાં જ જોડાઈ જતાં. જનતાબેન્ડ હવે વરઘોડાને યાદગાર બનાવવાનો પર્યાય બની ગયેલો.

બીજા બેન્ડબાજાવાળાઓએ પણ આ રીતે સ્ત્રીઓની ભરતી કરવા માંડી. નંદુ તેના કામથી ખુશ હતી. એને મન આ કળાનું કામ હતું. એ રાત્રે તે સુંદર રીતે તૈયાર થઇ હતી. બેન્ડવાળાને બાજુના ગામમાં જવાનું હતું. તેમનો ટેમ્પો ભરાતો હતો અને ત્યાં જ સુમનશેઠ પોતાનુ સ્કુટર લઇને આવ્યા. નંદુને પોતાની જોડે સ્કૂટર પર આવવા કહ્યું. રસ્તામા ખેતરોની વચ્ચે સ્કૂટર ઊંભુ રહ્યું. સ્કૂટર બગડ્યું કે કોઇ એક આખી જિંદગી એની તો કોને ખબર પણ થોડી ઝપાઝપી પછી પોતાનાં કપડાં સંકોરી નંદુ મૂઠ્ઠી વાળીને નાઠી. બે કોસ દૂર આવેલ રેલવેના નવા બનતા પુલ પર જઈ તેણે પડતું મૂક્યું.
‘કેવુ લાગે છે હવે તમને ?’ આંખે અંધારાં હતાં પણ કોઈનો ખૂબ પ્રેમાળ અવાજ નંદુને સંભળાયો. નંદુ જાગી, પોતાની જાતને એણે કોઈ ભવ્ય હોસ્પિટલના ઓરડામાં જોઈ અને સામે હતા શ્રેયસભાઈ. રેલવે ઍન્જીનિયર અને સ્વભાવે ઠરેલ શ્રેયસભાઈએ ત્યારબાદ ૧૨ દિવસ સુધી તેની સેવા કરી. જીવનમાં પહેલી વાર નંદુએ પોતાની ઓળખ છૂપાવી અને પોતાના નામ સિવાય બીજું કાંઈ પણ કહેવાનું ટાળ્યું. વિધુર અને એક નાનકડા પુત્રના પિતા શ્રેયસભાઈ તેના એ રાતના કપડાં જોઈ એટલું જાણી ગયા કે છોકરી છે સારા ઘરની અને હવે એને સહારો આપનાર કોઇ નથી.
વખત વીત્યો.. બન્ને જણાએ એકબીજાના ભૂતકાળને પ્રગટ કરવાનું ટાળ્યું અને પછી સૌ સારાં વાનાં થયાં..બીજાં લગ્ન શ્રેયસભાઈએ કોર્ટમાં કર્યા. નટખટ અને ઉત્સાહી નંદુ હવે ખપ પૂરતું બોલતાં નંદિનીબહેન થઇ ગયાં.

‘મમ્મી હું તને પૂછું છું, ક્યાં ખોવાઈ ગઈ ?’ મિલીએ મમ્મીને હલબલાવી દીધી.
ભૂતકાળમાંથી વાસ્તવિકતા માં આવેલાં નંદિનીબહેને સહેજ ગળુ ખંખેર્યું અને અચાનક ઊગી નીકળેલા ડૂમાને પાછા હૃદયના બંધ ઓરડામાં ધકેલીને પરિવારનાં બધાંને સંબોધીને બોલી ઊઠ્યા, ‘તમે એની ચિંતા ન કરો, તન્મયના લગ્નના વરઘોડામાં બધાં જ નાચશે, જવાબદારી મારી.’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ – સંજય ચૌધરી
મોરારિબાપુ : પૂળા બચાવનારા પુરૂષાર્થી – જયદેવ માંકડ Next »   

19 પ્રતિભાવો : વરઘોડો – ડૉ. હાર્દિક યાજ્ઞિક

 1. Gopal Parekh says:

  હાર્દિકભાઈ,
  હૈયું હલાવે એવી સરસ હ્રદયદ્રાવક વાર્તા,તમને અને ભાઈ મૃગેશને અભિનંદન.
  ગોપાલ

 2. Dhiraj says:

  સરસ વાર્તા….

 3. SANJAY UDESHI says:

  સરસ વાર્તા !!

 4. manish says:

  સરસ …

 5. Rajesh Chaudhari says:

  સરસ્

 6. Ankit says:

  Simply supbarb..

 7. Tejas says:

  Very touching. …like it.Thank you for this beautiful story.

 8. kalpana desai says:

  વાહ ભાઈ!

 9. DHIRAJ says:

  જબરદસ્ત

 10. rahul k.patel says:

  સરસ્

 11. સાવ, સીધી, સાદી, સરળ સુંદર વાર્તા!!!

 12. Shrikant S.Mehta says:

  Good story.

 13. દુર્ગેશ ઓઝા says:

  ચોટદાર વાર્તા હાર્દિક અભિનંદન..હાર્દિકભાઈ..હ્રદય નાચી ઊઠ્યું.

 14. Utkantha says:

  ગુજરાતી સાહિત્યમાં નવી કલમોના પ્રવેશથી તાજગીનો અનુભવ થાય છે. અભિનંદન અને શુભેચ્છા ……..

 15. Jagruti says:

  very nice story…

 16. Bachubhai says:

  Good story

 17. SHARAD says:

  ghayal ki gati ghayal hi jaane

 18. Ravi Dangar says:

  ચોટદાર રજૂઆત……………

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.