મોરારિબાપુ : પૂળા બચાવનારા પુરૂષાર્થી – જયદેવ માંકડ

[ મહુવાના કૈલાસ ગુરુકુળ ખાતે પૂ.મોરારિબાપુના સાંન્નિધ્યમાં રહીને થતા અનુભવો-અનુભૂતિઓ વિશેનો આ સુંદર લેખ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી જયદેવભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 અથવા આ સરનામે jaydevmankad@gmail.com સંપર્ક કરી શકો છો.]

bapuસાઈંઠના દાયકામાં, સૌરાષ્ટ્ર યુનિ.નાં સ્થાપક કુલપતિ, સાક્ષર અને ગંગાજળા વિદ્યાપીઠ અલીઆબાડાનાં સ્થાપક સ્વ. ડોલરભાઈ માંકડે જામનગર જીલ્લાનાં શિક્ષણ જગતને એક પત્ર પાઠવેલો. શિક્ષણક્ષેત્રની બગડતી જતી સ્થિતિનું તેમાં આંકલન હતું અને ઉકેલ પણ હતો. એમણે લખેલું કે જયારે આખો ઓઘો સળગે, ત્યારે બધું ઠારવાને બદલે… બચે એટલા પૂળા બચાવી લેવા….!

અત્યારે પણ ઓઘો સળગ્યો છે. વ્યક્તિને સ્પર્શતાં જીવનનાં તમામ પાસાઓમાં સડો ફેલાઈ ચૂક્યો છે. વ્યક્તિગત અને સમગ્ર સમાજને સ્પર્શતું જાહેર જીવન, સામાજીક જીવન કે પછી ધાર્મિક જીવન – સડો ફેલાતો જ જાય છે. વ્યક્તિ અને સમાજ – સૌ કોઈ મહદ અંશે સંવેદના શૂન્ય બનતાં જાય છે. ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે…’ આ સંદેશ મૂલક પંક્તિઓ પાઠ્યપુસ્તકનો ભાગ બની છે. મૂલ્યો માટેની ઝંખના જાણે મૃગજળ બની છે. પ્રશ્નો અને સમસ્યાઓ સમજણ અને સૂઝવાળાં આયોજનને અભાવે દિન–પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. વ્યક્તિગતથી લઇ સમગ્ર સામાજીક, રાજકીય કે ધાર્મિક જીવન ઝંખવાતું જાય છે. દીવો ઓલવાય છે ત્યારે વાટ કેમ સંકોરવી તે પ્રશ્ન પ્રત્યેક વિચારશીલ વ્યક્તિને મૂંઝવે છે.

હું મારી જાતને એટલી સૌભાગ્યશાળી માનું છું કે મોરારિબાપુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. દોડવું’તું ને ઢાળ મળ્યો, એવું કહેવામાં અહમ્ છૂપાયેલો છે – દોડવાની બદલે ઈચ્છા હતી, તેને બળ મળે, સધિયારો મળે અને ઢાળ મળે તેવી ભૂમિ એટલે ગુરુકુળ. કેટલું ઝીલાય તે મારી ક્ષમતા પર નિર્ભર છે; પરંતુ આ આખીય સમસ્યાને આજે એક જુદાં દ્રષ્ટિકોણથી જોવાની ઈચ્છા છે. ડાહ્યો માણસ પૂળા બચાવવા પ્રયત્ન કરે. બાપુ આ પુરૂષાર્થ કરે છે તેવું અનુભવાય છે. થોડાં ઉદાહરણોથી આ વિચાર વધુ સ્પષ્ટ થશે.

ગુજરાતી ભાષાનાં સંદર્ભમાં, ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં આપણે મા ને પડતી મૂકી સાસુને પ્રેમ કરવા લાગ્યાં હોઈએ તેવો ઘાટ છે. ભાષા ભૂલાતી જાય છે, તેનો આનંદ ઓછો થાય છે અને ભાષા લૂપ્ત થશે કે શું ? તેવી ચિંતા થાય છે. શેક્સપિયર નાં નાટકો બ્રિટન આજેય ભજવે ને જન્મ સ્થળ ને સાચવે – આપણે ત્યાં? ‘અસ્મિતા પર્વ’ અને ‘સંસ્કૃત સત્રો’ કદાચ આ પ્રશ્નનો જવાબ છે. સાહિત્ય જગતના ઉધ્ધારક થવાની માનસિકતા પણ નથી કે નથી કંઈ મેળવવાની ઝંખના. ત્રણ શ્રોતાથી શરૂ થયેલી કથાયાત્રા સાત લાખ શ્રોતાઓ સુધી પહોંચી છે. એક સમય હતો જયારે પગના સ્લીપરની પટ્ટી તૂટે તો દેશી બાવળની શૂળ ભરાવી કામ ચાલતું હતું અને આજે લોકો હોંશે હોંશે ચાર્ટડ વિમાન મોકલે છે. એથી કંઈ પણ મેળવી લેવાની માનસિકતા સ્વાભાવિક જ નથી. માતૃભાષા, તેની ગરિમા અને તેના વાહકો માટેની ઊંડી સમજણ, સંવેદના અને ખેવના હોય તો ભાષા, ભાષાનાં સર્જક અને તેનાં જીવન કાર્યની વંદના તો કરી શકાય કે નહીં? આ સ્પષ્ટ સમજણથી ‘અસ્મિતા પર્વ – ૧૬’ આવી પુગ્યું છે ! આયોજન માણસો કરે છે એટલે માનવસહજ ત્રુટીઓ રહી જાય, ભૂલ થાય. ગાંધીનું આંદોલન પણ કદાચ ભૂલ મુક્ત અને ત્રુટીઓ મુક્ત નહીં રહ્યું હોય. પરંતુ શું આજના વિશ્વને ગાંધી વિચાર વિના ચાલશે? કમળો થાય તેને પીળું દેખાય… એ ન્યાયે આ પ્રવૃત્તિની ભરપૂર ટીકા અને નિંદા થાય છે ! થાય – શું કરવું? બાપુના શબ્દો ને જેમ સમજ્યો છું તેમ – સૌ પોતાનો પરિચય આપતા હોય છે ! અને ટીકા રસ એવમ નિંદારસ તો સોમરસથી પણ વધુ માદક હોય છે ને ! પોતાનું ખોખલાપણું છુપાવવાનો એથી સરળ રસ્તો બીજો કયો? પણ એથી શુભ ને પોંખવાની પ્રવૃત્તિ થોડી બંધ કરાય? યથાશક્તિ પ્લેટફોર્મ બનવાનો આનંદ અને ધર્મ શા માટે છોડવા? સંસ્કૃતનો અભ્યાસ જર્મની કરે – તેને આપણે ‘ક્વોટ’ કરીએં અને સંસ્કૃત સત્ર ની ટીકા કરીએ ! દેવગિરાની વંદના સંસ્કૃત સત્રનો એકમાત્ર હેતુ !

વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. કરંડિયામાં જો એક કેરી બગડે તો આખો કરંડિયો બગડે ! આપણાં સમાજ જીવન માં કેટલી બગડેલી કેરીઓ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સમાજનો એકમ એટલે વ્યક્તિ. ૭૦૦ ઉપરાંતની રામકથા વ્યક્તિને કેન્દ્રમાં રાખે છે. જીવતાં જે જડ્યું, જે સમજાયું તેને નિર્ભાર થઇ વહેંચવાનું કાર્ય રામકથામાં થાય છે. રામકથામાં ઉપદેશ – આદેશ નથી – ડાયલોગ છે – સંવાદ છે. અહીં એક રહસ્ય છુપાયું છે – વ્યક્તિ જેવી છે, જેમ છે તેમ તેનો સ્વીકાર છે. ક્રોધ છે, તો છે…. કામ, લોભ, મોહ, અહંકાર, દંભ, દ્વેષ…. આ બધાં સ્વભાવ દોષો છે તો છે – આવો – મને જડેલું સત્ય વહેંચું – દર્શાવું – શૅઅર કરું કદાચ તમને પણ પ્રતીતિ થાય ! આવી સમજણ ‘રામકથા’ ની પીઠિકા છે તેવું અનુભવાય છે. જીવનમાં પહેલાં જીવવાની સાવધાની છે તેથી વાત બને છે. શ્રોતા માટે નો ભાવ – લાગણી પાયામાં પડ્યા છે. તેના માટેની નિસ્બત પણ એટલી જ ભારોભાર છે. પરિણામે કથા સ્પર્શે છે – જાગૃત છે, સાવધાન છે તોય વળી સમજીને છેતરાય છે – એટલે કથાકાર પણ સ્પર્શે છે ! માનવમૂલ્યોની ચર્ચા , વૈશ્વિક સમસ્યાઓની ચર્ચા કથા માં સહજ છે. ખાદી નો ગાંધીજીએ પ્રસ્તુત કરેલો વિચાર ગમે છે. બાપુ ખાદી પહેરે છે તેથી ખાદી ની વાત, ગાંધી વિચારની વાત કથામાં આવે છે – અસર રૂપે અનેક શ્રોતાઓ સમજણથી ખાદી તરફ વળ્યા છે ! વંચિતો માટેની સંવેદના બાપુ માં ભરપૂર છે ! ખાઈ પૂરવા સતત ચિંતિત પણ છે, પ્રયત્નશીલ પણ છે. કથા આને સ્પર્શે છે. કેટલાય શ્રોતાઓ આવકનો ૧૦ મો ભાગ પર કલ્યાણ માટે વાપરે છે – કેટલાય ઉદ્યોગપતિઓ એ ટ્રસ્ટીશીપનાં સિધ્ધાંતને અમલમાં મૂકવા પ્રયત્નો શરૂ કર્યા છે. બાપુની રામકથા નાં શ્રોતા પરિવાર કે જે રાજકોટ છે તેમનાં પુત્રનો પ્રેરક કિસ્સો જાણમાં આવ્યો છે. ખાનગી શાળામાં શિક્ષક એવા આ યુવાને કોઈનેય ખબર નથી ને બે જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓની અભ્યાસ ફી ભરી છે. નથી તેનાં માતા – પિતાને ખબર કે નથી વિદ્યાર્થીઓના પરિવારને. ઉગીને માંડ ઊભા થતા યુવાન ને પોતાના સ્વપ્નો – આશાઓ પુરી કરવાને બદલે બીજા નો વિચાર કેમ અને કોનાં લીધે આવ્યો હશે? ! જાણીતી પંક્તિઓ ફરીને આમ લખવા ઈચ્છા થઇ આવે છે…

કથા સૂણી સૂણી ફૂટ્યાં વિચાર….
એમાંથી પ્રગટ્યાં રૂડાં આચાર….
છો ને આવ્યું આટલું જયદેવ જ્ઞાન….

ડાહપણ શેમાં છે ? કેરીને બગડવા દેવામાં કે સુધારવામાં? પૂર્ણ વિકસીત ફૂલ ગમે છે, ફળ – ગમે, ફૂલ ગમે કારણ કે કોઈકે માવજત કરી છે ! બાપુ યથાશક્તિ – યથામતિ માવજત કરે છે – આનંદ સાથે કરે છે.

ટીકા – નિંદાની વાત આગળ આવી. સામાન્ય રીતે અને ખરેખર જે ‘અંદરથી સામાન્ય’ છે તેઓની તકલીફ જુદી જ છે. હિમાલય નો પ્રવાસ કરવાની ઈચ્છા છે, ક્ષમતા નથી અને જે જાય છે તેનો સ્વીકાર નથી કરી શકાતો – શુભ છે તેની ખબર છે, આચરણ માં નથી લાવી શકાતું ને જે કોશિશ કરે છે તેને સહન કરી શકાતો નથી ! દિલ્હી સ્થિત એક જાણીતી ટી.વી. ચેનલના મુખ્ય વ્યક્તિ એક વખત બાપુનાં ઇન્ટરવ્યુ માટે આવ્યા ! દીર્ધ ઇન્ટરવ્યુ ચાલ્યો. ગુરુકુળ, ચિત્રકૂટ વિ. સ્થળોએ ચાલ્યો – ચેનલ વાળા ખુશ હતા. સ્વાભાવિક હજુ બહુ પલોટાયેલા ન્હોતા એટલે પોતાના કર્મ વિશે જાગૃત હતા – બાપુનો આભાર માન્યો. જવાબ સંભાળવાની ક્ષણે હું પણ હાજર હતો – ‘આપ ચાહે તો ચૂટકી ભી લે સકતે હૈ !’ બાપુએ કહેલું. પૈસા આપો ને પ્રસિદ્ધિ મેળવો – વાળા જમાનામાં પત્રકારને કેટલી સ્વતંત્રતા ! કદાચ ટીકા થાય તો કેવી તૈયારી ! આવી ક્ષમતા ક્યાં જોવા મળે છે ! આવી જેની તૈયારી તે પૂળા બચાવવાની ક્ષમતા કેળવી શકે – અધિકાર મેળવી શકે. એક મેગેઝીન છે – જેનું નામ અત્રે ખોલવું અસ્થાને ગણાશે – પણ તેમાં લખનારા ઘણાય બાપુની ટીકા કરે છે. તેવા મેગેઝીનને મુશ્કેલ આર્થિક સંજોગોમાં થોડી મદદ મોકલી હતી – સ્પષ્ટ સમજણ સાથે – મને અપાયેલ સૂચના શબ્દશઃ યાદ છે – ‘તંત્રીશ્રી ને કહેજે – એમનાં વિચાર યજ્ઞમાં આ નાની આહૂતિ છે – એમની વૈચારિક અસંમતિની પ્રક્રિયા ચાલુ રાખે !’ કોઈ અસંમત હોય, સમજવાની ચેષ્ટા કર્યા વિના અભિપ્રાય આપતા હોય, તો પણ જરૂરિયાતનાં સમયમાં તેવી મેગેઝીન પ્રવૃત્તિને, કોઈને ખબર પણ ન પડે તેમ વેગ આપવાનું સાહસ સૌ કદાચ ન પણ કરી શકે અને શબ્દ શું વપરાયો ? ‘વિચાર યજ્ઞ’. બાપુએ ક્યાંક કહેલું જે યાદ આવે છે – ‘વિચારથી બગડેલો સમાજ – વિચારથી જ સુધરી શકે’ ! એથી આવાં મેગેઝીનમાં ક્યારેક અધુરી સમજણ વાળા વિચારો પ્રગટ થાય, રોષ પ્રગટ થાય કે દ્વેષભાવ ઉપસી આવે તો શું વાંધો ! મૂળ પ્રવૃત્તિતો ‘વિચાર પ્રક્રિયા’ને આગળ ધપાવવાની છે ને ! કદાચ જ્યાં સ્વાભાવિક સમજ છે, જીવ્યાનો સંતોષ છે ત્યાં આવી વાત નજીવી સાબિત થતી હશે. તમામ સદ્પ્રવૃતિઓ માટે સતત ઘસાતા બાપુને જોઉં ત્યારે એમની નિસ્બત અને શુભને પોંખવાનાં સ્વભાવને અપનાવવાની ઈચ્છા બળવત્તર બને છે.

દર વર્ષે મુસ્લિમ સમાજનાં મૌલાના – મૌલવીઓની સાથે મહુવાનાં મુસ્લિમ વિસ્તારમાં જઈ સત્ય, પ્રેમ અને કરુણા નાં સંદેશની ચર્ચા થાય છે. અગાઉ યોજાયેલાં ત્રણ સદભાવના પર્વો – સામાજીક વિષમતાની આગમાં ભડથું થતી માનવતાના પૂળાને બચાવવાનું કાર્ય છે. પાલનપુરના રીટાયર્ડ પ્રોફેસર – જાતે મુસ્લિમ – એમ કહે કે ‘બાપુ જુઓ તમારાં કૈલાસ ગુરુકુળમાં એક મુસ્લિમ પાંચ વખત નમાજ અદા કરે છે !’ આથી મોટી સામાજીક સમરસતા કઈ હોય ! કાનપુરની કથા વખતે ત્યાંના ઉતારા પર કામ કરતો મુસ્લિમ યુવક, અન્ય શબ્દોમાં કહીએ તો વ્યક્તિત્વનાં પ્રેમમાં પડ્યો – તેને ત્યાં દિકરીનો જન્મ થયો – નામ પડાવવા પત્ની સાથે મહુવા આવ્યો – કાચી સમજ અને છુપી વૃત્તિ હોત તો કોઈક ભારતીય – હિંદુ નામ પાડ્યું હોત : બાપુએ નામ આપ્યું – મરિયમ ! બ્રાઝિલની કથા રિસોર્ટમાં હતી ત્યાં કામ કરતાં ખ્રિસ્તી – મુસ્લિમ ભાઈ – બહેનોએ કથાની – બાપુની સ્મૃતિ સચવાઈ રહે તે માટે નવાં નામ આપવા હૃદયથી વિનંતી કરી – ‘તમે સૌ પોતાના ધર્મમાં જ યોગ્ય છો. બદલવાની જરૂર નથી.’ આવો પ્રત્યુત્તર બાપુએ આપ્યો હતો – વિખાંઈ ને પીંખાઇ ગયેલા સમાજ માટે આવી સંવેદના અને સમજણ મલમનું કામ કરે છે. પ્રેમ મૂલક સમરસતા માટેના આવાં પ્રયાસોનો પડઘો છેક ઈરાન સુધી પડ્યો છે અને ત્યાંની સરકારે ઈરાનની સત્તાવાર મુલાકાત લેવા નિમંત્રણ પાઠવ્યું છે. પોતાના વ્યક્તિગત અને જાતિગત ધર્મમાં રહી માનવધર્મ ને જીવવાનું શીખવવા સતત બાપુ પ્રયત્નશીલ છે. બાકી તો દાંભિક, બની બેઠેલાં વિદ્વાનો, ખંડિત કે મંડિત સંવેદનાઓ અને અનેક માનસિકતાથી મઢેલી વિચારધારામાં કેદ મનુષ્ય – છલાંગ નથી લગાવી શક્યો.

મહુવાની હોય કે અન્યત્ર હોય તેવી અનેક શિક્ષણ સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ અને ધર્મસંસ્થાઓ અને તેવી સભાઓમાં બાપુ પોતીકી સમજણથી સામેલ થાય છે. શુભ નું શોધન અને તેનો સ્વીકાર – આને પોતીકી સમજણ કહીશ. શુભ શોધન અઘરી પ્રક્રિયા છે. પણ મર્યાદા સાથેનો સૌનો સ્વીકાર એ ગુરુચાવી છે તેવું સમજાય છે. સામે પક્ષે મર્યાદાઓ હોય છે – તેનું ખંડન નથી થતું પણ વ્હાલપૂર્વકનું, માવજતભર્યું હેતેભર્યું મંડન થાય છે તેથી વાત બને છે. બાપુનાં સાહચર્યમાંથી એવું સમજાય છે કે જે પણ સ્થાને – સ્વધર્મ અને સ્વકર્મ લઇ બેઠાં હોઈએ ત્યાં પૂળા બચાવવા પ્રયત્ન કરીએ તેમાં જ સાર્થકતા છે.

[ તસ્વીર સૌજન્ય : છબી ફોટોગ્રાફી.  તસ્વીર સ્ત્રોત : ઈન્ટરનેટ.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “મોરારિબાપુ : પૂળા બચાવનારા પુરૂષાર્થી – જયદેવ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.