ખુશી મેળવવાનો સચોટ ઉપાય – નીલમ દોશી

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ નીલમબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@gmail.com સંપર્ક કરી શકો છો.]

લાગે છે જયારે જીવનમાં કંઇ જ બચ્યું નથી
જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

ડો. રઇશ મનીયારની આ નાનકડી પંક્તિ બહુ મોટી વાત કહી જાય છે. જીવનમાં નિરાશાના, દુ:ખના, વેદનાના પ્રસંગોની આવનજાવન ચાલતી રહે છે. જીવન કદી એકધારી રીતે વહેતું નથી અને વહેવું પણ ન જોઇએ. જયારે કોઇ નિકટનું સ્વજન અચાનક આપણને છોડીને ચાલ્યું જાય છે, ત્યારે કોઇ આશ્વાસન કામ લાગતા નથી. થોડો સમય તો માનવી ગહન પીડામાં ગરકાવ થઇ જાય છે. અને એ સ્વાભાવિક પણ છે. સ્વજનના ગુમાવ્યાની પીડા આશ્વાસનના કોઇ શબ્દોથી નથી શમતી. પરંતુ સમય ભલભલા ઘા રૂઝાવી શકે છે. નહીંતર તો જીવનક્રમ આગળ ચાલી જ ન શકે.

એક જાણીતી કહેવત છે. રામબાણ વાગ્યા હોય તે જાણે.. સાવ સાચી વાત છે. જેણે કોઇ નિકટનું સ્વજન ગુમાવ્યાની પીડા અનુભવી હોય એ વ્યક્તિ બીજાની પીડા જલદીથી સમજી શકે છે અને એની પીડામાં ભાગીદાર બનીને એ હળવી કરવાનો પ્રયાસ કરી શકે છે.

આલોક ઉદાસ બની આ હોટેલમાં બેઠો હતો. આજે તેની પત્નીની પ્રથમ પુણ્યતિથિ હતી. તેની પત્ની આશકાની આ પ્રિય જગ્યા હતી. અવારનવાર બંને અહીં કોફી પીવા આવતા અને કલાકો ગાળતા.આ હોટેલ તેમની અનેક સુંદર સાંજની સાક્ષી હતી. પણ આજે…. નિતાંત એકલતા તેને ઘેરી વળી. કોફી તો આવી ગઇ હતી. પરંતુ પીવાનું મન ન થયું. સાથે પીનાર કયાં ? કેન્સરે તેની પ્રિય વ્યક્તિને છીનવી લીધી હતી. તેના પ્રાણમાં એક ઉદાસી છવાઇ રહી. અચાનક તેનું ધ્યાન હોટેલના એક ખૂણામાં..કોઇની નજર ન જાય તે રીતે બેસેલ એક યુવતી પર પડી. તેની આંખોમાં પણ તેને ઉદાસીની એક ઝલક નજરે પડી. પરંતુ કદાચ આ તો પોતાના જ મનનું પ્રતિબિંબ…! પોતાની ઉદાસ દ્રષ્ટિને બધે ઉદાસી જ દેખાય છે. છતાં ન જાણે કેમ પણ તેણે તે યુવતીનું નિરીક્ષણ ચાલુ રાખ્યું. ના, ના, આ પોતાને ઉદાસીનું પ્રતિબિંબ નથી જ. ખરેખર તેની આંખોમાં…ચહેરા પર છવાયેલી ઉદાસી..અસ્વસ્થતા તે જોઇ શકતો હતો. કોઇની નજર તેના પર ન પડે તે રીતે તે ચહેરો પાછળ ફેરવી બેઠી હતી. આ તો પોતે એ રીતે બેઠો હતો તેથી તેને જોઇ શકતો હતો.

આલોકે તેના ચહેરાના ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો. ના…ના…કોઇ વાત જરૂર છે જે તેને અસ્વસ્થ બનાવે છે. યુવતીએ માથા પર સુંદર સ્કાર્ફ વીંટેલ હતો. તેનો લંબગોળ ચહેરો, પાણીદાર આંખો, કપાળ પર નાનકડી કાળી બિન્દી, બધું મળીને એક સુંદર વ્યક્તિત્વનો એહસાસ થતો હતો. આ ઉદાસી કયા કારણે ? તેને જાણવાની જિજ્ઞાસા થઇ. પણ એમ અજાણી વ્યક્તિને પૂછાય કેમ ? અને એવું કશું ન નીકળે અને પોતે હાસ્યાસ્પદ બની રહે કે પછી…. જે હોય તે મારે શું ? એમ વિચારી તેણે અભાનપણે હાથમાં કોફીનો કપ ઉપાડયો. આશકાની ઝિલમિલ આંખોનું પ્રતિબિંબ કોફીમાં ઉપસતું હતું કે શું ?

અચાનક હવાની એક લહેરખી આવી. યુવતીના માથા પરનો સ્કાર્ફ ફરફર્યો. યુવતી જાણે બેબાકળી બની ગઇ. તેણે જોશથી સ્કાર્ફ પકડી રાખ્યો..કોઇ જોઇ તો નથી ગયું ને ? તેની નજર ચારે તરફ ફરી રહી. આલોકે પોતાના ચહેરા આડે છાપુ ધર્યું. પણ જે જોવાનું હતું તે તો એક ક્ષણમાં જોવાઇ ગયું હતું. યુવતીના માથા પર વાળ નહોતા..ફકત વાળના અવષેશ જ બચ્યા હતાં. નાના નાના વાળ ઊગવાની શરૂઆત થઇ હતી. આશકા પણ આમ જ…કીમોથેરાપી કરાવ્યા બાદ આમ જ સ્ક્રાફ બાંધી રાખતી…! આમ જ વિહવળ રહેતી..કોઇ તેને જોઇ જાય આ રીતે તે તેને જરાયે પસંદ નહોતું પડતું. પોતે ઘણી વખત આશકાને સમજાવતો.. ‘એમા શરમાવા જેવું શું છે ? શા માટે એવો કોઇ ડર રાખે છે ? તું તારે બિન્દાસ રહે ને…હું છું ને તારી સાથે ?’ પણ આશકા એ પરિસ્થિતિ કયારેય મનથી સ્વીકારી શકી નહોતી. અને રોજ સવારે ઉઠીને પહેલું કામ અરીસામાં જોવાનું કરતી..હવે કેટલા વાળ આવ્યા ? અને ઇચ્છા મુજબનો ગ્રોથ ન દેખાતા તેની વિશાળ આંખોમાં આમ જ ઉદાસી છવાઇ જતી. અને વાળ પૂરા ઊગે તે પહેલાં તો…..
અચાનક આલોકે એક કાગળ લીધો..પેન ઉપાડી અને.. ‘તમે ખૂબ સુંદર છો..તમારી આંખો ખૂબ સુંદર છે. તમારું વ્યક્તિત્વ એટલું સુંદર છે કે કોઈ કમી તેને સ્પર્શી શકશે નહીં. આ દુનિયા ખૂબ સુન્દર છે..માણવા લાયક છે તેને ઉદાસીની ગર્તામાં ધકેલવાની ભૂલ ન કરશો.. જે ક્ષણો ઇશ્વરે આપી છે તેને સંપૂર્ણપણે માણો..! મારી આશકા પણ આમ જ….આલોકે વેઇટરને બોલાવ્યો..કાગળ આપ્યો. અને તે દૂર ચાલ્યો ગયો.
થોડીવાર પછી તેણે દૂરથી યુવતી તરફ નજર નાખી. યુવતીએ કાગળ વાંચ્યો..આસપાસ નજર ફેરવી.. તેની ઉદાસ આંખોમાં એક ચમક ઉપસી આવી. તે ધીમેથી ઊભી થઇ અને ખૂણાની જગ્યા છોડી વચ્ચે આવીને બેસી. હવે તે બધાને જોઇ શકતી હતી. અને બધા તેને જોઇ શકે તેમ હતા. તેણે હળવેથી માથા પરનો સ્કાર્ફ કાઢયો અને આસપાસ નજર ફેરવી રહી. દૂર ઊભેલા આલોકની ઉદાસી પણ જાણે અદ્રશ્ય થઇ ગઇ. ધીમેથી વ્હીસલ વગાડતો તે હોટેલની બહાર નીકળી ગયો. બે સારા શબ્દો પણ કદી ચમત્કારનું કામ કરી શકતા હોય છે.

બીજાને આનંદ આપનાર પોતે કદી આનંદથી વંચિત રહેતો નથી. અત્તરનું પૂમડું બીજાને આપીએ ત્યારે આપનારની હથેળી આપોઆપ ખુશ્બુથી તરબતર બની ઉઠે છે. આનંદ મેળવવાનો સૌથી સચોટ રસ્તો એક જ. બીજાને આનંદ આપો..અને જુઓ ચમત્કાર.. એ પછી આપણને જે ખુશી મળશે એ ભીતરની હોય છે. જલદી નાશ પામતી નથી.

દોસ્તો, એવી ખુશી મેળવવી ગમશે ને ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આવે છે – નીલેશ પટેલ
વિચારોની અમૃતવાટિકા – આરતી જે. ભાડેશીયા Next »   

21 પ્રતિભાવો : ખુશી મેળવવાનો સચોટ ઉપાય – નીલમ દોશી

 1. Kalidas V. Patel { Vagosana } says:

  નીલમબેન,
  અત્તરના પૂમડા જેવી સદવિચારને મહેંકાવતી સૌજન્યની સુવાસના પમરાટથી તર બતર વાર્તા આપવા બદલ આભાર. અભિનંદન. આવું વધુ આપશો તો સૌને જરૂર ગમશે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. sandip says:

  ઉદાહરન ખુબ સરસ ….
  આભાર્………………..

 3. Aarti Bhadeshiya says:

  બીજાને આનંદ આપનાર પોતે કદી આનંદથી વંચિત રહેતો નથી. અત્તરનું પૂમડું બીજાને આપીએ ત્યારે આપનારની હથેળી આપોઆપ ખુશ્બુથી તરબતર બની ઉઠે છે.

  આટલી સુરસ વાર્તા લખવા બદ ખુબ-ખુબ અભિનંદન નીલમબેન.

 4. ઘાયલકી ગત ઘાયલ જાને !
  ખુબ સુંદર પ્રેરક વાર્તા ! વધુ વાર્તાઓની અપેક્ષા સહિત.

 5. Bharat Desai says:

  Very good story

 6. dineshbhai bhattji vapi says:

  ખુબ સરસ ….

  આનંદ મેળવવાનો સૌથી સચોટ રસ્તો એક જ. બીજાને આનંદ આપો.આપણને જે ખુશી મળશે એ ભીતરની હોય છે. એ જલદી નાશ પામતી નથી.

  dineshbhai bhattji vapi

 7. Shrikant s. mehta says:

  Very nice story.

 8. HARIHAR says:

  VERY NICE ………

 9. Pravin V. Patel says:

  બીજાના સુખમાં આપણું સુખ છે.

  બીજાના ભલામાં આપણું ભલું છે.

  બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.

  —ગુરુહરિ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ.

  નીલમબેન અભિનંદન. સુંદર રજુઆત.

 10. Rajni Gohil says:

  નીલમબેને નાનકડી વાર્તામાં જીવનને સુખમાં ફેરવવાનો સચોટ ઉપાય બતાવ્યો છે. તે બદલ નીલમબેનને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.

 11. વિષ્ણું દેસાઈ says:

  નિલમબેન
  ખુબ સુંદર વાર્તા લખવા બદલ અભિનંદન. બસ હમેશા આવી સરસ વાર્તા લખતા રહો.

 12. chaitali patel says:

  ખુબ જ સરસ વાર્તા..નાનેી વાત અને ખુબજ ગહન સાર્…..thank you so much

 13. keerti says:

  ખુબ સરસ વાર્તા.

 14. vikramsinh vaghela says:

  Article is very beautiful,encomium.

 15. Dilipkumar Jani says:

  આટલી સુરસ વાર્તા લખવા બદલ ખુબ-ખુબ અભિનંદન નીલમબેન

  આનંદ મેળવવાનો સૌથી સચોટ રસ્તો એક માત્ર છે બીજાને આનંદ આપો

 16. નટવરભાઇ પી પટેલ says:

  સારાા બે શબ્દ પણ આનદ આપી જાય છે નટવરભાઈ પટેલ કડી

 17. dhaval makwana says:

  congratulation for this post..

 18. hiren chaudhari says:

  ખુબ જ સરસ વાર્તા …….મજા આવેી ગઈ….

 19. Kapil says:

  Jivan jivva no murm che khushi aapi aapmele khushi ni prapti Thai Che satya hakikat Che

 20. SHARAD says:

  one of the best story

 21. Gayatri karkar says:

  બીજા ને ખુશી આપવાથી આપોઆપ જ આપણા મો પર ખુશી આવી જ જાય છે.
  ખુબ સરસ વાર્તા.
  આભાર

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.