[ રીડગુજરાતીને આ વિચારપ્રેરક લેખો મોકલવા બદલ આરતીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aarti2704@yahoo.com સંપર્ક કરી શકો છો.]
[1] શિક્ષણક્ષેત્રે સતત મૂંઝવતી સફળતાની ગુલામી
મિત્રો, આણંદ જીલ્લાના ટોપ-ટેન વિદ્યાર્થીઓમાંથી પ્રથમ આવેલા વિદ્યાર્થીની સફળતાએ જાણે આણંદ જીલ્લામાં આનંદ ફેલાવી દીધો. આ વિદ્યાર્થી પોતાના જીલ્લામાં પ્રથમ આવતાંની સાથે જ એના પરીવાર પર તો જાણે વાદળોએ ખુશીઓનો વરસાદ કર્યો. તમામ સગાંઓ તો જાણે ઉમળકાથી અભિનંદન પાઠવવા હોંશે-હોંશે દોડી આવ્યા. બધાના અભિનંદનનું લક્ષ્ય બન્યો, આણંદનુ નાક, સમગ્ર જીલ્લાનો ગર્વ, ઘરનો કુલ દીપક બન્યો.
સ્કૂલમાં પણ જાણે આનંદ છવાઈ ગયો. સ્કૂલનું ગૌરવ બન્યો, સ્કૂલનાં ટ્રસ્ટી, અધ્યાપક, શિક્ષકો, લોકો, મિત્રો, એને શાબાશી આપે છે, એકદમ માનનો અધિકારી બની જાય છે. કોઈ ઉમળકાથી તો કોઈ ઉદાસીનતાથી અભિનંદન આપવાની ફરજ બજાવે છે, પીઠ થાબડે છે. સાચો કે કૃત્રિમ પ્રેમ વ્યક્ત કરે છે. સ્કૂલની જાહેરાતથી માંડીને ન્યુઝપેપરમાં, સામાજીક મેગેઝીનમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીનો ફોટા સાથે પ્રસિદ્ધિની વાતો થવા લાગી. આ બધું જોઈ ને તે ખુશ થાય છે, થોડું ફુલાય છે. પરિક્ષામાં પ્રથમ આવ્યો, હરિફાઈ પણ હતી, મહેનત પણ ખરી, નસીબ પણ સારૂં.
સફળતા મેળવી એને નિરાંત થઈ, પણ નિરાંત આવી નહી. આ વિદ્યાર્થી હવે ધીરે ધીરે હતાશા તરફ વળવા લાગ્યો કારણ કે પરીક્ષા માંડ પુરી થઈ એનો યશ આવ્યો કે તરત જ બીજો કોર્ષ શરૂ થયો અને બીજી પરીક્ષાની તૈયારી શરૂ થઈ અને એક વખત પ્રથમ આવ્યો એટલે ફરી પ્રથમ આવવાની જવાબદારી વધી હતી ! જવાબ ના આવડે તો શિક્ષક મહેણું મારે, છોકરાઓ હાંસી ઉડાવે, પ્રથમ ન આવે તો ઘરે ખુલાસો માંગે ? બધાની નજર તેના પર, સફળતાની મૂંઝવણ ને આબરૂનો ત્રાસ. એ બીકમાં વિદ્યાર્થીની વ્યથા એટલી વધતી ગઈ કે તે કોઈવાર તો પાછળ રહી ગયેલ વિદ્યાર્થીની ઈર્ષ્યા કરવા લાગ્યો. વર્ગમાં પહેલા કે છેલ્લા આવવાનું દુ:ખ સરખાવવા લાગ્યો. સફળતાની સિદ્ધિ આકર્ષક પણ છે અને અકળાવનાર પણ છે. ‘સોનાનો તાજ સુંદર પણ છે અને ભારે પણ છે !’
લોકોની નજરે ચડ્યા પણ કાયમ રહેવાશે ? શું એ નજર હવે બદલી શકાશે ? શું હવે મારી નિષ્ફળતા લોકો પચાવી શકશે ? જીવનમાં જેમ ઊંચે ચડાય તેમ નીચે પડવાની બીક વધુ લાગે. લોકોમાં વધતી ઓળખ, મળેલી ચાહત, મળતી શાબાશી, સર્વનો પ્રેમ, વિદ્યાર્થીઓ તરફથી મળતી મિત્રતા, વર્ગમાં મળતું સન્માન, શિક્ષકો દ્વારા મળતું માન, પોતાના વર્ગમાં એક આગળ પડતું બેસવાનું ગૌરવ. આ સતત મળતી સફળતાને લઈને ચાલવુ મુશ્કેલ લાગવાં માંડ્યુ. પહેલા આવવામાં આનંદ છે ને જોખમ છે. આ બેધારો અનુભવ વિદ્યાર્થીને થવા લાગ્યો. મનમાં આવા અનેક પ્રશ્નો અને વિચારોથી તે વધુ ને વધુ મૂંઝવણમાં ઘેરાવા લાગ્યો. સફળતા એક કસોટી પણ છે; તે પહેલાં તૈયારી ને તે પછી બંધન, સફળતા પામવા માટે મહેનત અને સફળતા પામ્યા પછી તેને ટકાવી રાખવા માટે સતત જાગૃતિ.
.
[2] વૈષ્ણવજનનું એક લક્ષણ પણ આપણામાં હોવું જરૂરી છે !
‘વૈષ્ણવ-જન તો તેને રે કહી એ જે પીડ પરાઈ જાણે રે……’ આ ભજન સાંભળતાની સાથે જ એની ધૂન લાગી જાય. દરેક વ્યક્તિ જાણે છે કે આ પક્તિનું એકએક લક્ષણ સાચું, એકએક પંક્તિ સચોટ છે. એના શબ્દેશબ્દમાં રહેલાં ભાવ, સૌંદર્ય, ભક્તિ અને જ્ઞાનનો અવિર્ભાવ થાય એટલે હૃદય ધન્ય થઈ જાય. જીવન જાણે પાવન બને, ધર્મમાં ઉત્સાહ જાગે, પુણ્યાત્માને શરણે જવાનું મન થાય. આથી જ એ વૈષ્ણવ-જનનાં લક્ષણો હવે કાગળમાં નહીં, ગીતોમાં નહીં, નાટકમાં નહીં, ફિલ્મોમાં નહીં પણ વાસ્તવિકતામાં જોવાનું મન થાય. માટે જ આપણે આપણી આસપાસ કે સમાજમાં વૈષ્ણવ-જનની શોધ કરતા રહીએ ત્યારે આપણે ગીતોનાં દરેક લક્ષણ એક જ વ્યક્તિમાં શોધવાની કોશીશ કરીએ તો વૈષ્ણવ-જન ન મળે. પણ દરેક વ્યક્તિમાં વૈષ્ણવ-જનનું એક લક્ષણ અચુક જોવા મળે.
કોઈ પારકાનું દુ:ખ સમજે…………..તો,
કોઈ પર દુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે….
કોઈ સહુને વંદે, તો નિંદા ના કરે કેની રે……,
કોઈ વાચ, કાછ અને મનથી સુંદર હોય…….,
કોઈ સમદૃષ્ટિ રાખી પર સ્ત્રીને માત કહે……..,
કોઈ અસત્ય ના બોલે, તો કોઈ પરધન નવ ઝાલે હાથ રે…..,
કોઈનું મન મોહ, માયાને વ્યાપે નહીં તેવું દ્રઢ હોય…….,
કોઈ રામ-નામનું રટણ કરે……
કોઈને કામ હોય તો કોઈ ને ક્રોધ ના હોય, અસત્ય નહીં તો માયા ? દરેકમાં કોઈ એક લક્ષણ તો હોય જ ! પણ સોળે લક્ષણો કોઈનામાં નથી. આથી વૈષ્ણવ-જનની શોધ કરતાં કરતાં આપણને સમજાય કે વૈષ્ણવ-જનનાં બધા લક્ષણો કોઈનામાં નથી પણ એવા એકાદ લક્ષણ વિનાનું પણ કોઈ વ્યક્તિ નથી. કોઈમાં એક તો કોઈમાં બે-ચાર લક્ષણ જરૂર હોય. આથી આપણા સમાજમાં વૈષ્ણવ-જન ઘણાં બધા છે, પૂર્ણ રીતે એક પણ નહીં અને આંશિક રીતે તો બધા. આથી જો બધા સાથે મળીએ તો પૂર્ણ અખંડ અનંત વૈષ્ણવ-જનનું પૂરું પ્રતિબિંબ પાડી શકાય !
દરેક વ્યક્તિ પૂર્ણ નથી એટલે કોઈનો મોહ ના લાગે, અને કોઈ વ્યક્તિ શુન્ય પણ નથી એટલે તેનો તિરસ્કાર પણ ના થાય. દુનિયામાં દરેક વ્યક્તિની મહત્તા છે, મર્યાદા છે, કોઈ વૈષ્ણવ-જન નથી પણ બધા વૈષ્ણવ-જનનાં અંગો અને અંશો જરૂર છે. આથી ભક્તકવિ સાચાં, એમનું માર્ગદર્શન સાચું જ છે. ભક્તકવિએ વૈષ્ણવ-જનની ધૂન હજારોમાં એકને શોધવા માટે નહીં પણ હજારોમાં હજારને શોધવા માટે બનાવી છે. સમાજમાં દરેક પ્રત્યે સમાનતા, પ્રેમ, આદર, ભરોસો આપવા એ આપણી ફરજ ગણાય અને વૈષ્ણવ-જનના સોળે નહીં પણ એક લક્ષણ અપનાવવું જરૂરી છે. એ પોતાના માટે અને સમાજ માટે ગર્વની વાત કહેવાય.
4 thoughts on “વિચારોની અમૃતવાટિકા – આરતી જે. ભાડેશીયા”
very well said aarti. keep it up………
par dukhe abhiman na aane re……….i love this line…..wow…
really, maja padi gayi…………
ગુરુત્વાકર્ષણ છે; માટે દરેક ચીજ નીચે જ પડવાની.
જડમાં કોઈક અજાણી તાકાત ભલે ને જીવન પ્રગટાવે. પણ તેનું મૃત્યુ નિશ્ચિત છે જ.
એક સરસ મજાના પૂંઠા વાળું અને મનભાવન સુગંધથી તરબતર, નવું નક્કોર પુસ્તક ખરીદ્યું હતું; અને વાંચીને કબાટમાં મૂકી દીધું હતું. ગઈકાલે વિસેક વરસે મન થતાં, એને બહાર કાઢ્યું. અને આ શું? પાનાં પીળાં પડી ગયાં હતાં; જર્જરિત થઈ ગયાં હતાં, ન ગમે તેવી વાસ એમાંથી આવતી હતી.
આ જ તો પ્રકૃતિનો સામાન્ય નિયમ છે. બધું સતત અવનત થતું રહે છે.
આખુંય અવકાશ અંધકારમય, શૂન્ય. અને ઠંડુગાર છે.
આ જ ‘શા માટે?’નો ન ગમતો ઉત્તર છે. પણ એ જ વાસ્તવિકતા છે. આથી જ શીલ, સદાચાર, સુવિચાર, પ્રેમ, કરૂણા, સુંદરતા, માધુર્ય, વિકાસ, ઉન્નતિ. ઉત્ક્રાન્તિ ગમતાં હોય તો પણ; સૄષ્ટિનો ક્રમ જ છે – એ અવનત થવાનું, થવાનું અને થવાનું જ.
એનો ગમ ન કરીએ. એ તો એમ જ હોય.
—————————————————————————–
નીચે પડેલી ચીજને ઉપર ચઢાવવા તાકાતની જરૂર પડે છે.
વહી જતા પાણીને પમ્પ વડે ઊંચે ચઢાવવું પડે છે.
જડમાં જીવન પ્રગટે છે; ત્યારે જ પ્રવૃત્તિ શક્ય બને છે.
ગમે તેટલી દુષ્ટતા, કુરૂપતા, લોભ, મોહ, મદ, અહંકાર, લોલુપતા ન હોય; જીવન હમ્મેશ શુદ્ધ આનંદને માટે તલસે છે.
ગમે તેટલો અંધકાર ન હોય; તારાઓ ઝગમગવાના જ.
રાત ભલેને હોય; સૂર્ય પ્રકાશવાનો જ; જીવન પ્રગટાવવાનો જ.
જીવીએ છીએ, ત્યાં સુધી દિવો પ્રગટેલો રાખીએ. ઈશ્વરમાં માનીએ કે ન માનીએ; આત્મા/ પરમાત્માના વિવાદોમાં ફસાયા વિના આજની ઘડીને રળિયામણી બનાવતા રહીએ.
આજુબાજુ ગમે તેટલી ગંદકી ન હોય…
વૈષ્ણવજન બનીએ.
સાચા ખ્રિસ્તી બનીએ
પાક મુસ્લિમ બનીએ
તપસ્વી જૈન બનીએ
સૌ માટે મંગળકામના ચાહતા બુદ્ધ બનીએ
માનવતાવાદી વિવેકપંથી બનીએ.
વૈષ્ણવ-જનના સોળે નહિં પણ એક લક્ષણ અપનાવવું જરૂરી છે.એ પોતાના માટે અને સમાજ માટે ગર્વની વાત કહેવાય. ખુબ સુંદર લેખ