મધુવન – સંકલિત

[ પુનઃપ્રકાશિત]

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની ‘મધૂવન’ પૂર્તિમાંથી સાભાર.]

[1] પ્રેમની અભિવ્યક્તિ – દિલીપ કાજી

જુદી જુદી વ્યક્તિ જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન રીતે પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમ દર્શાવવાની રીત સમય, સ્થળ અને સમાજ પ્રમાણે બદલાતી જાય છે. મા-બાપ અને બાળકોનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ, બહેન-ભાઈનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, યુવક-યુવતીનો પ્રેમ જુદા જુદા સમયે જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે મા-બાપ બાળકોને ભેટો દ્વારા મનગમતી ખાવાની કે રમવાની વસ્તુઓ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. આ રીતે જ્યારે મા-બાપ પ્રેમ વ્યક્ત કરે છે ત્યારે મા-બાપ અને બાળકો બન્ને ખુશ થાય છે.

બીજી પ્રેમ વ્યક્ત કરવાની રીત એ છે કે જેમાં મા-બાપ કે બાળક કોઈને ખુશી નહીં થાય, છતાં પણ બાળકના ભવિષ્ય માટે આમ કરવું મા-બાપ માટે જરૂરી બને છે. ઉદાહરણ તરીકે બાળકને આઈસ્ક્રીમ ખૂબ ભાવે, પણ મા-બાપ અમુક હદથી વધારે આઈસ્ક્રીમ બાળકને નહીં આપે. આનાથી બાળક નારાજ થશે અને જે પણ થોડો આઈસ્ક્રીમ ખાવા મળ્યો હતો તેનો આનંદ છીનવાઈ જશે, પરંતુ બાળકની તબિયત માટે આ મર્યાદા જરૂરી છે. આવી જ સ્થિતિ જ્યારે મા-બાપ બાળકને કડવી દવા પીવડાવે છે કે ભણવા માટે રમતના કલાકોમાં મર્યાદા મૂકે છે ત્યારે ઉત્પન્ન થાય છે. મા-બાપનો બાળક માટેનો પ્રેમ જ આવી વર્તણૂંક કરાવે છે. આ પણ પ્રેમ વ્યક્ત કરવાની રીત છે, જે બાળકને નહીં ગમે અને બાળકને એમ પણ લાગે કે મા-બાપ મને પ્રેમ નથી કરતાં.

જિંદગીની લાંબી સફરમાં એવા પ્રસંગો આવે છે કે જ્યારે પતિને પત્ની તરફ કે પત્નીને પતિ તરફ એવી વર્તણૂંક કરવી પડે છે કે જે દુનિયાની દષ્ટિથી પ્રેમથી ઘણી દૂર છે (જેનો પ્રેમ સાથે કોઈ સંબંધ નથી) અને ક્રૂર પણ લાગે, પરંતુ અમુક સંજોગોમાં એવું કરવું જરૂરી બને છે. પતિ-પત્નીનાં લગ્નના લાંબા સમય દરમિયાન પતિ પત્ની પર એટલો બધો આધાર રાખતો થઈ જાય છે કે તેને એમ લાગે છે કે પત્ની વગર તેનું જીવવું અશક્ય થઈ જશે. પતિનું પત્ની પર અવલંબન નિવૃત્તિનાં વર્ષો જેમ જેમ પસાર થાય છે તેમ તેમ વધતું જાય છે. પત્નીની બાબતમાં આવું હોતું નથી. તે સ્વતંત્ર, પતિ વગરનું જીવન જીવવા વધુ સક્ષમ હોય છે. આવા સંજોગોમાં મુકાયેલી બે પત્નીઓએ સ્થિતિનો સામનો કેવી રીતે કર્યો તે મારી જાણીતી બે સત્યઘટનામાં નીચે વર્ણવેલું છે.

પ્રસંગ-1 : 60 વર્ષનાં લગ્નજીવનમાં એક પતિ-પત્ની માટે આવા જ સંયોગો ઉત્પન્ન થયા. આ સંજોગોમાં પત્ની હંમેશાં પ્રભુને પ્રાર્થના કરતી હતી, ‘પ્રભુ મારા પતિને દુનિયામાંથી મારા પહેલા બોલાવી લેજે.’ આવી પ્રાર્થના કરવાનું કારણ એ હતું કે પત્ની વગર પતિને પરાધીન, બેબસ જિંદગી જીવવી ન પડે. સામાન્ય રીત પ્રમાણે તો દરેક હિન્દુ પત્ની એમ ઈચ્છા કરતી હોય કે તેનું મરણ પતિ પહેલાં થાય અને તે સધવા મરણ પામે. આખરે જ્યારે પતિ 96 વર્ષે પત્ની પહેલાં મરણ પામ્યા ત્યારે પત્નીની ઈચ્છા પૂરી થઈ. ત્યારે પત્નીની ઉંમર 86 વર્ષની હતી. આ કિસ્સામાં પત્ની પતિનું મરણ તેના પહેલાં થાય એમ ઈચ્છતી હતી. આને શું કહેવાય, પત્નીનો પતિ માટેનો પ્રેમ કે પ્રેમનો અભાવ ? પત્નીની ભગવાનને પ્રાર્થના કે પતિનું મરણ પહેલા થાય, એ પ્રેમ વ્યક્ત કરવાની કેવી રીત ? મારી દષ્ટિથી આ ખરો પ્રેમ, જે પોતાના પ્રિય સાથીનું ભલું ચાહે છે અને એને કોઈ તકલીફ ન પડે તેનો સંપૂર્ણ ખ્યાલ તેના મગજમાં છે.

પ્રસંગ-2: આ પ્રસંગ પણ પ્રેમ વ્યક્ત કરવાની ભિન્ન રીત બતાવે છે. ઉચ્ચ કોટિનો પ્રેમ અપમાન, અવિવેક કે અવગણનાથી વ્યક્ત કરી શકાય ? લગ્નજીવનનાં 50 વર્ષ દરમિયાન પતિનું પત્ની પર અવલંબન ઘણું જ વધી રહ્યું હતું. પતિનું આવું માનસ પત્ની માટે એક બહુ મોટી સમસ્યા હતી. પત્ની ઈચ્છતી હતી કે પતિનું પોતા પરનું વધુપડતું અવલંબન ઓછું થવું જોઈએ કે જેથી કરીને તે જો પતિ પહેલાં ગુજરી જાય તો પતિનું જીવન તેના વગર ત્રાસદાયક ન થાય. આ ધ્યેય હાંસિલ કરવા પત્નીએ અનોખો માર્ગ અપનાવ્યો. આ માર્ગની વિગત વાંચ્યા પછી લાગે કે પ્રેમ વ્યક્ત કરવાની આ કેવી રીત છે ? પતિ પોતાનો પ્રેમ બાહ્ય રીતે વ્યક્ત કરતો. પતિનો પ્રેમ દરિયા જેવો. પત્નીની પ્રેમ કરવાની રીત તદ્દન વિરુદ્ધ. પત્નીનો પ્રેમ શાંત, ગંભીર રીતે વહેતી નદી જેવો, કોઈ પણ જાતના દેખાડા વગરનો. આમ છતાં પત્નીનો પ્રેમ પતિ કરતાં જરાપણ ઓછો નહીં. આવી સ્થિતિમાં પત્નીની સમસ્યા એ હતી કે જો કદાચ એનું નિધન પહેલું થાય તો પતિનું શું થશે ? એ તો તદ્દન ભાંગી પડશે. પત્ની સતત વિચાર કર્યા કરતી હતી કે એને એવું શું કરવું જોઈએ કે જો તેનું નિધન પતિ કરતાં પહેલું થાય તો પતિ ભાંગી ન પડે અને એકલું જીવન જીવવા માટે તૈયાર થઈ જાય. આખરે પત્નીએ જે કરવાનો નિર્ણય લીધો તે જાણીને બધાના જ મનમાં વિચાર થાય કે આ પ્રેમ વ્યક્ત કરવાની કેવી રીત છે ?

પત્નીએ પતિની નાનીનાની બાબતમાં અવગણના કરવાનું શરૂ કર્યું. પત્નીનું પતિ પ્રત્યેનું વર્તન બેદરકારીભર્યું, અવિવેકી થતું ગયું. પત્નીને આ બધું ગમતું નહોતું, પરંતુ આ વર્તણૂંક પાછળનો ઉદ્દેશ પતિના મનમાં પત્ની માટે થોડો ગુસ્સો, થોડો તિરસ્કાર ઉત્પન્ન કરવાનો હતો, પરંતુ નારી સમજસૂઝથી પત્નીનું વર્તન એટલી મર્યાદામાં રહીને થતું હતું કે પતિ-પત્નીના સંબંધમાં થોડી ઓટ આવે, પણ તદ્દન નષ્ટ ન થાય. આ બધું કરવા પાછળનો ઉદ્દેશ એ જ હતો કે પત્નીની ગેરહાજરીમાં પતિને એકલા રહેવાની ટેવ પડે અને કદાચ પત્નીનું પતિ પહેલાં નિધન થાય તો પતિ બેબસ, એકદમ અસહાય, લાચાર ન થઈ જાય અને એકલું જીવન જીવી શકે. પતિના ભવિષ્યનો ખ્યાલ રાખીને પત્નીએ તેનું વર્તન બદલ્યું. આજે પરિસ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. પતિનું પત્ની પરનું અવલંબન ઓછું થઈ રહ્યું છે. પત્નીને આનાથી સંતોષ અને ખાતરી છે કે તેનું મરણ પતિ પહેલાં થાય તો પતિ જીવી શકશે.
.

[2] જીવનપ્રયોગ – હંસા રાજડા

જીવનની સાદી વ્યાખ્યા એટલે જન્મથી લઈ મૃત્યુ સુધીનો સમયગાળો. મૃત્યુ સૌને આવવાનું છે પણ યક્ષપ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિરે જેમ કહ્યું હતું તેમ સૌથી વિસ્મયકારક વાત એ છે કે મનુષ્ય ધારે છે કે પોતાને મોત નહીં નડે. વાસ્તવમાં જેનું નામ છે તેનો નાશ છે. જે ગણી શકાય, વજન કરી શકાય, માપી શકાય એ સર્વનો કોઈક સમયે અંત આવવાનો જ. સમયની સરળ વ્યાખ્યા એટલે બે બનાવ વચ્ચેનો ગાળો – Time is a gap between two events. સંતો કહે છે કે કોઈ પણ સમયે જેમ વસ્ત્ર બદલવાનાં થાય એ રીતે જીવાત્મા ખોળિયું બદલે છે, માટે એનો અફસોસ કરવાનો ન હોય. પુનર્જન્મમાં માનનારા કહે છે કે જીવ પૂર્વજન્મનાં સંસ્કાર લઈને જન્મે છે અને પોતાનાં કર્મ સાથે લઈને મરે છે. એ કર્મ પ્રમાણેની યોનિમાં એને પુનર્જન્મ મળે છે. આનો પ્રારંભ ક્યારથી થયો અને અંત ક્યારે આવશે એ કોઈ જાણતું નથી.

જો માત્ર ખોળિયું જ બદલવાનું હોય તો મૃત્યુનો શોક કરવાનો ન હોય પરંતુ જેણે સ્વજન ગુમાવ્યું હોય તેને ખોટ તો વર્તાવાની જ. બધા કંઈ કાયમ માટે સ્થિતપ્રજ્ઞ રહી ન શકે. મૃત્યુ ભલે આવવાનું હોય ત્યારે આવે – વર્તમાન જીવનને ઉર્ધ્વગામી બનાવવાની સ્વતંત્રતા તો મનુષ્યને છે જ. જીવનનો સ્તર અને લક્ષ્ય ઊંચાં લાવવા માટે એક સ્વામીજીએ સુંદર સૂચન કર્યું : આંખ મીંચીને ધારી લો કે તમે મરી ગયા છો, તમારા માટે પ્રાર્થનાસભા યોજવામાં આવી છે. તમારે મનોમન ચાર એવી વ્યક્તિને પસંદ કરવાની છે, જે તમારે વિષે પ્રાર્થનાસભામાં બોલવાની હોય, પછી કલ્પના કરો કે તમારે વિષે એ શું બોલે ? તમારા જીવનને લક્ષમાં રાખીને જ તેઓ બોલવાના. ઉદાહરણાર્થે સદગત બહુ મોટા દાતા હતા. હુંપદ રાખ્યા સિવાય કે કીર્તિની લાલચમાં પડ્યા વગર તેઓ દાન કરતા રહ્યા – ગુપ્તદાન પણ પારાવાર કર્યાં અથવા સ્વર્ગવાસી સન્નારી સાહિત્યના ઘણા શોખીન હતાં – તેમનું વાંચન વિશાળ હતું અને પોતાના વિકાસ માટે કેવળ વાંચીને બેસી ન રહેતાં તે પર ચિંતન-મનન કરતાં, સાહિત્યપ્રેમીઓને એકઠા કરી ચર્ચા કરતાં, પુસ્તકો લખ્યાં પણ સન્માન મેળવવાની હુંસાતુંસી એમણે કદી કરી નહિ – એવા નિરાભિમાની, સાલસ સ્વભાવનાં સન્નારી આપણે ગુમાવ્યાં છે….’ અથવા ‘સાવ સામાન્ય હોવા છતાં ભાઈ બહુ લોકપ્રિય હતા, નાતજાતના ભેદભાવ રાખ્યા વગર એ સૌની પડખે ઊભા રહેતા – બીમારોને, વૃદ્ધોને, અનાથોને, અપંગોને એમનો ગજબનો સહારો હતો… અથવા સંગીતસાધનામાં રત રહી, નિજાનંદમાં મસ્ત તેઓ નિર્વ્યસનીને ઊંચા પ્રકારનું જીવન જીવ્યા કે વિજ્ઞાન ક્ષેત્રે અનેક શોધો કરવા છતાં તેઓ સામાન્ય મનુષ્ય તરીકે સમાજમાં ભળી શકતા વગેરે વગેરે…. સંક્ષેપમાં મૃત વ્યક્તિના એટલે કે તમારાં ગુણગાન ગવાતાં હોય, ગુણદર્શન કરાવાતાં હોય એવે સમયે તમે નિર્ણય કરો કે તમારે વિષે જે બોલાયું હોય એનાથી વિશેષ તમે તમારા જીવનમાં કરી બતાવશો. બતાવવા ખાતર નહીં, પણ નિજનાં વિકાસ, ઉન્નતિ, પ્રગતિ, ઉર્ધ્વગતિ માટે પણ કરવા જેવો આ પ્રયોગ છે. માણસના વિચાર ખાબોચિયામાં રહે એ કરતાં નદી બને, તળાવ, સમુદ્ર એવો સકારાત્મક અભિગમ હોય તો કેવળ એ વ્યક્તિને જ નહિ, સમાજને પણ એના વિચારકાર્યનો લાભ મળે.

જીવન એ જન્મથી મૃત્યુ સુધીનું હોય તોય એ સીધી લીટીનું નથી હોતું. એમાં ઉતાર-ચઢાવ, ખાંચા-ખૂણા, ઉત્થાન-પતન અને લાંબા-ટૂંકા વળાંક આવવાના જ. કેટલીક વખત ગોળ ઘૂમીને એ જ સ્થળે પાછાં આવવાનું પણ બને. જગતની પ્રયોગશાળામાં જીવનને ઉચ્ચ કોટિમાં મૂકવા માટે નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી નાના પ્રકારના સરળ પ્રયોગ કરવાથી કંઈ નુકશાન તો છે જ નહિ !

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મધુવન – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.