અજાણ્યું સ્મિત – તેજલ પરિમલ ભટ્ટ

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejal.bhatt.29@gmail.com સંપર્ક કરી શકો છો.]

વરસાદ અને મારા ઘરે આવવાનો સમય જાણે કે અકબીજાને સમજતા પ્રેમી યુગલો છે. વરસી પડે તેવો વરસાદ સાંજ પડે મારી રાહ જોઇને બેસે છે. સાડા ચાર… એ મારો ઘરે આવવનો સમય. આ સમયની વરસાદને બરાબર જાણ. હું નીકળવાની તૈયારી કરું અને તે આવવાની. મુંબઈનો વરસાદ મનમોજીલો છે. દિલ ખોલીને તે વરસે. રોજની જેમ હું રિક્ષા લઈ બસસ્ટોપ પર જવા નીકળી. અંદાજો તો હતો કે આજે વરસાદ મહેરબાન થવાનો છે. તે જ દિવસે એકમાત્ર રક્ષક તેવી છત્રી તો ઘરે મારા આવવાની રાહ જોતી હતી. મનોમન તૈયારી તો હતી કે આજે લેપટોપ અને હું બંને વરસાદની સાથે રાસ રમશું. આ વિચાર કરતી હતી ત્યાં જ વરસાદ શરૂ થયો. ધીમે ધીમે ડગ માંડતો વરસાદ થોડી જ વારમાં મન મૂકીને વરસવા લાગ્યો. આવા વિચારોમાં રસ્તો કાપતા હું બસ સ્ટોપ પર પહોંચી.

મુંબઈના બસ સ્ટોપ સરકારે માણસોના દિલ અને ઘરની જેમ નાના કરી નાખ્યા છે. દિશાહીન વરસાદ આ બસ સ્ટોપમાં મને ભીંજાવવાનો મોકો મૂકે તેમ ન હતો. મેં પણ સારી જગ્યા શોધી તેની સાથે છૂપાછૂપી રમવાનો પ્રયત્ન કર્યો. પણ આ રમત તો હું હારી. પોતાને બચાવવા કરતા લેપટોપને મોબાઈલ ભીંજાતા બચાવવા એ આપણો એકમાત્ર મંત્ર હોય છે. માણસ કરતા મશીનની કિંમત વધી ગઈ છે તે આનું નામ. મારી અને વરસાદની રમત ચાલતી જ હતી ત્યાં મારું ધ્યાન બાજુમાં બેઠેલા બહેન પર ગયું. સામન્ય સાડી, વ્યવસ્થિત ઓળેલો અંબોડો અને સરસ બાંધો એવી ઓળખાણ મને પહેલી નજરમાં મળી.

મધ્યમવર્ગના લાગતા આ બહેન ગુજરાતી હશે તેવી ધારણા મેં ગુજરાની પાલવ જોઈને બાંધી લીધી. મારા બસ સ્ટોપ પર આવ્યા પહેલા જ તેઓ બસની રાહ જોઈ રહ્યા હતા. મારી અને વરસાદની રમત તેમણે જોઈ હશે. તરત જ તેઓ પોતાની જગ્યાએથી ઊભા થઈ મારી બાજુની જગ્યાએ આવી બેઠા. પોતાની થેલીમાંથી છત્રી કાઢી. મને વિચાર આવ્યો કે કદાચ તેઓ પોતાને વરસાદથી બચાવવા છત્રી ખોલતા હશે. મારા આશ્ચર્ય વચ્ચે તેમણે છત્રી ખોલી મારી તરફ આડી રાખી દીધી. હું તો બસ નવાઈ જ પામી રહી. મને જોઈ તેમણે એક પણ શબ્દ બોલ્યા વગર સ્મિત આપ્યું.

આ સ્મિતની મેં અપેક્ષા રાખી ન હતી. અજાણ્યા શહેરમાં જ્યાં અક્સ્માતમાં મરતા માણસોનો હાથ પકડવા કોઈ તૈયાર નથી થતા ત્યારે આ બહેને મારા માટે છત્રીની વ્યવસ્થા કરી. તેમનું સ્મિત મારા માટે રહસ્ય બની ગયું. મુંબઈની ભાગતી જિંદગીમાં આવી ઘટનાની અપેક્ષા કદાચ આપણે કોઇએ ના રાખી હોય. બે-પાંચ મિનિટ થઈ ને બસ આવી. મારી મુર્ખાઈ એવી કે હું તેમને સભ્ય ગણાતા ’Thank You’ કહેવા જેટલી હિંમત પણ દાખવી શકી નહી. મરી પરવારતી માનવતાને આવા ’મધ્યમ વર્ગીય’ માણસો જીવતદાન આપી જાય છે. કોઈ જાતના સંબંધ વગર અજાણ્યાની દરકાર કરનાર ભાગ્યે જ મળે છે. હું તેમનો આભાર તો વ્યકત ના કરી શકી પરંતુ આ ઘટના મને અજાણ્યા મુસાફરો માટે છત્રી ખોલવાની પ્રેરણા આપી ગઈ. હવે હું તે દિવસની રાહ જોઉં છું જ્યારે મારી છત્રી કોઈ માટે સ્મિત સાથે ખુલી જાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “અજાણ્યું સ્મિત – તેજલ પરિમલ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.