- ReadGujarati.com - http://www.readgujarati.com -

નોકિયા ૧૧૦૦ ની આત્મકથા – ભાવેશ આચાર્ય

[રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી ભાવેશ ભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhavyeshacharya@yahoo.com સંપર્ક કરી શકો છો.]

મિત્રો, હું છું નોકિયા ૧૧૦૦. મારો જન્મ ૨૦૦૫માં કેલિફોર્નિયાના નોકિયા સેન્ટરમાં થયો હતો. જન્મ થતાં વેંત જ મારી સંપૂર્ણ ચકાસણી કરીને મને નોકિયાના જુદા જુદા સ્ટોર્સ પર મોકલવામાં આવ્યો. મારી સાથે મારા લાખો ભાઈઓ પણ હતા. અમને બધા ને જુદા જુદા દેશોમાં અને જુદા જુદા શહેરોની અંદર વ્હેંચી દેવામાં આવ્યા અને આ ઘડીથી જ મારી સુવર્ણ સફર શરૂ થઈ.

કેલિફોર્નિયાથી સફર કરતો કરતો અંતે હું ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં આવ્યો. અહિયાં મને મોબાઇલના એક વેપારી ચિંટુ ભાઈને સોંપી દેવામાં આવ્યો. ચિંટુ ભાઈ તો ખૂબ જ લાલચુ પ્રકૃતિના હતા. મારી કિંમત ૨૦૦૦ રૂ/- હતી અને આથી જ કોઈ વધારે પૈસાદાર ગ્રાહક ખરીદી કરવા આવે તો પેલો ચિંટુડો તો મને દૂર જ રાખતો. પરંતુ મારામાં પણ કાઇ ઓછા લક્ષણો નહોતા. મારા માથા પર એક નાનકડી લાઇટ મૂકવામાં આવી હતી ઉપરાંત મારી બેટરી પણ આરામથી પાંચ કલાક સુધી ચાલી શકે એવી હતી તેમજ હું ખૂબ શક્તિશાળી અને તાકાતવર હતો. મારો અવાજ લક્ષણો તો મારી ખૂબી હતી.

આ બધા લક્ષણો ને સમજી વિચારીને એક દિવસ મને એક માણસે ખરીદ્યો અને એ માણસને મને મેળવીને ખૂબ આનંદ થયો. હવે મારા માલિક બદલાઈ ગયા હતાં. નવા માલિકની સાથે તો મને પણ ખૂબ મજ્જા આવતી. માલિકે બીજા જ દિવસે મારામાં સિમકાર્ડ નાખ્યું અને બધાને વાત કરીને ખુશ ખબર આપવાની ચાલુ કરી દીધી. દરેક લોકો મને પ્રેમથી સાચવીને જોતાં અને માલિકને પરત કરતાં. આમ જ ચાલતા ચાલતા કેટલાયે દિવસો થઈ ગયા. મને ખબર પડી કે, હું તો વિશ્વનો સૌથી વધારે પ્રખ્યાત મોબાઈલ બની રહ્યો હતો ! અને એ વાતનો મને ખૂબ જ ગર્વ હતો.

લોકો મારો વિવિધ પ્રકારે ઉપયોગ કરતાં… શિક્ષક શાળામાં તોફાન કરતા છોકરાને જોઈ જાય તો તરતજ મને ખિસ્સામાંથી બહાર કાઢીને ફેંકતા. કોઈકવાર તો મને પણ ઇજા થઈ જતી. પ્રેમીઓ એકબીજા સાથે વાત કરવા મારો ઉપયોગ કરતાં, તો કોઈક ધંધાકીય વાતચીત માટે. અમુક લોકો તો ખાલી મેસેજ કરવા માટે જ મારો ઉપયોગ કરતાં. મારા શરીરમાં એક ‘વાઇબ્રેટ’ થાય એવું મશીન હતું. રાતના હું સુવા માટે જ જતો હોઉં ત્યાં વાઇબ્રેટ થવાનું ચાલુ કરે અને મને ગુસ્સો અપાવે. એની સાથે તો મને જરાય ગમતું જ નહીં.

મને તો ફકત એકની સાથે જ ખૂબ સારા સંબંધો હતા અને એ છે સિમકાર્ડ. મને સિમની સાથે પ્રેમ થઈ ગયો હતો. જોત જોતામાં હું એને પસંદ કરવા લાગ્યો હતો. એનું પણ એટલું શક્તિશાળી નેટવર્ક હતું કે દિવસ અને રાત મારી જ સાથે ને સાથે જ હોય ! અમે બંને એકબીજાને ખૂબ પસંદ કરતાં હતા. પરંતુ, એક દિવસ માલિકે મને એના કોઈ મિત્રના હાથમાં સોંપ્યો…. અને શું મારી કિસ્મત ! એ માણસે મારું જરાય ધ્યાન જ ના રાખ્યું. અને મને હાથમાંથી નીચે પાડી દીધો. મારા પરથી આખું ને આખું વાહન પસાર થઈ ગયું અને મને ખૂબ જ વધારે ઇજા થઈ. માલિકે જ્યારે મને જોયો ત્યારે એમનું હૃદય પણ કંપી ઉઠ્યું અને મને પ્રેમથી ટેબલના એક ખાનામાં મૂક્યો.

એ વાતને આજે ચાર વર્ષથી પણ વધારે સમય થઈ ગયો. હું આજે પણ ટેબલના એ જ ખાનામાં પડ્યો છું. હવે મારી બેટરી પણ મારો સાથ નથી આપતી. માથા પર જે લાઇટ હતી એ પણ અકસ્માતમાં મૃત્યુ પામી અને મારા બધા જ નાના મોટા મશીનો હવે બંધ થવાના આરે છે. હું તો ફકત એવી જ આશા રાખું છું કે ભલે થોડા જ સમય માટે પણ કોઈ મને યાદ કરે… તો મને પણ ખબર પડશે કે સોનામાં સુગંધ ભળવાનો અનુભવ કેવો હોય છે.