ઘર – સ્વાતિ ઓઝા

[ રીડગુજરાતીને આ સુંદર લેખ મોકલવા બદલ નવોદિત યુવાસર્જક સ્વાતીબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. અત્રે ઉલ્લેખનીય છે કે આ તેમનો પ્રથમ લેખ છે. આપ તેમનો આ સરનામે swatuoza@gmail.com સંપર્ક કરી શકો છો.]

ઘર. અનાદિકાળથી માણસમાત્રને આ શબ્દ બહુ મીઠો લાગ્યો છે. કોઈ નિશ્ચિત વ્યાખ્યા કે રૂપરેખામાં ન ગોઠવાઈ શકે એટલી વિશાળ પરિભાવના છે આ શબ્દની. શું છે એવું તે આ માત્ર બે અક્ષરના શબ્દમાં જે લોહચૂંબકની માફક આપણને સૌને સમયાંતરે પોતાની તરફ ખેંચતું રહે છે ? એથીયે અઘરો સવાલ- કોને કહેવાય પોતાનું ઘર? માધવ રામાનુજની પંક્તિઓ યાદ આવે છે:

”એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !”

અત્યાર સુધીમાં સાત ઘરોમાં રહેવાનું થયું છે. અતીતની ગલીઓ સુંવાળી બહુ હોય છે. જરાક અમથું ડોકિયું કરીએ એ તરફ ત્યાં તો આપણને આખેઆખા પોતાનામાં સરકાવી લઇ જાય. જન્મસ્થળ કચ્છનું અંજાર ગામ. અંજારમાં પરદાદી, દાદાદાદી, બે કાકાઓના પરિવારો સહીત મોટું સંયુક્ત કુટુંબ રહે. અમે અંજારની બહાર જ્યાં પણ રહ્યા ત્યારે દરેક વાર-તહેવારે અને વેકેશનોમાં એ ઘેર જવાનું બનતું. હું બહુ નાની હતી ત્યારે થોડો વખત ગાગોદર પણ રહેલા. પરંતુ મને એ ગામ, ઘર કશુંયે યાદ નથી. પપ્પાની કચ્છ ગ્રામીણ બેંકની નોકરી. બદલીઓ થયા કરે. આથી બચપણથી જ ઘર, ગામ, શાળા, મિત્રો વગેરે બદલવાનું અને નવા સ્થળે ગોઠવાઈ જવાનું મારા માટે સહજ રહ્યું છે. ત્યારબાદ રહેવાનું થયેલું ખોંભડીમાં.

ખોંભડી એટલે નખત્રાણા તાલુકાનું એક નાનકડું ગામ જ્યાં મારા શૈશવની સુગંધ લપાઈ બેઠી છે. એક મોટી ડેલીમાં ચાર મકાનો હારબંધ. વચ્ચે લાંબી પરસાળ. સામે મોટું આંગણું જે વચ્ચેથી એક તરફ કાચું, માટીનું અને બીજી તરફ બાથરૂમ ભણી જતી સિમેન્ટની પગદંડી બનાવેલી. એ કાચા આંગણામાં મારી મમ્મીને લીંપણ કરતી જોયેલી એ દ્રશ્ય યાદ છે. આંગણની એક બાજુ ગરાજ જેવું કશુંક હતું જ્યાં અમારું વેસ્પા સ્કુટર રાખતા. અમે જ્યાં સુધી રહેલા ત્યાં સુધી વચ્ચેના બંને મકાનો ખાલી, બંધ પડી રહેલા. અડખેપડખેના મકાનોમાંથી એકમાં અમે અને સામેના મકાનમાં બેંકમાં જ કામ કરતા અંકલનો પરિવાર રહે. એમના બાળકો અને હું મિત્રો. મકાન પાકું અને સળંગ લાંબુ આથી ઉપર એ…યને મોટ્ટી અગાશી. પડખે ઉગેલું ખાટી આમલીનું ઝાડ અગાશીના ખૂણે જ પડે. એ આમલીના કાતરા-કચૂકા ખૂબ ખાધા છે. આ લખતી વખતેય મોંમાં પાણી છૂટે છે ! સવારે દસથી સાંજે પાંચ વાગ્યાની શાળા હતી. શનિવારે બપોરે જ છુટ્ટી. અમે બાળકો જેટલો સમય ઘેર હોઈએ તેમનો મોટાભાગનો વખત અગાશી પર જ વીતતો. રમવા માટે, નાના ભાઈબહેનોને રમાડવા માટે, લેસન કરવા, ગરમીમાં હવા ખાવા, વરસાદમાં પલળવા કે આમલી ખાવા માટે અગાશી જ મુખ્ય સ્થળ. ઉનાળામાં કોઈવાર રાત્રે સુતા પણ અગાશીમાં. આવડા મોટા મકાનની પાછળ ખુલ્લા મોટા ખેતરો અને એનીયે પાછળ એક મંદિર અને તેને અડીને આવેલું તળાવ. આ બધુંયે ઘરની બારીમાંથી અને અગાશી પરથી તો સ્પષ્ટ દેખાય. એ ખેતરોમાં ઘણીવાર પપ્પા પોતાના મિત્રો-સહકાર્યકરો સાથે ક્રિકેટ-ફૂટબોલ રમવા જતા. અમે અગાશી પરથી તેઓને ‘ચિઅર અપ’ કરતા. કોઈવાર ઘેરથી પાણી ભરી જઈને બધાને પાણી પીવડાવવા પણ જતા. સાંજ પડ્યે ગામની પછીતે આવેલા તળાવવાળા મંદિરમાં જવાનું બહુ ગમતું. નમતી બપોરે ગાયોનું ધણ પાછું ફરે ત્યારે એમના પગની ખરીઓથી ઉડતી ધૂળને ગોરજ કહે એટલે એ સમય ‘ગોરજટાણું’ કહેવાય. અને મંદિરમાં સાંજની આરતીમાં ઝાલર વાગે એ સમય ‘ઝાલરટાણું’ કહેવાય. એ પછી દિવસ વધુ ને વધુ ઘેરો બનતો જાય એ સંધ્યાકાળ. મંદિરે જવાનું મુખ્ય કારણ તળાવમાંથી કાચબા પકડીને એની સાથે રમવાનું તથા ભીની માટીમાં દેરા બનાવવાનું રહેતું.

એ સમયે ખોંભડીમાં એક જ રીક્ષા હતી અને તે પણ આજુબાજુના ગામોમાંથી ખોંભડીની દુકાનોમાં માલસામાનની આપ-લે માટે અથવા દર્દીઓને દવાખાને પહોચાડવા માટે ઉપયોગમાં લેવાતી. બાકી, ગામમાં ને ગામમાં રીક્ષામાં બેસીને જવાનું હોય એવો ખ્યાલ જ ન હતો. એક જ ડોક્ટર હતા. મોબાઈલ ફોનનો તો અણસારેય ન હતો ક્યાંય. પત્રવ્યવહાર જ ચાલતો. હજુ હમણાં પંદરમી જુલાઈએ તારસેવા બંધ કરવામાં આવી ત્યારે સાંભરેલું કે એકવાર મારા સ્વ.દાદાજીએ મને મારા જન્મદિવસે અંજારથી ખોંભડી તાર-આશીર્વાદ પાઠવેલા. ટી.વી. અને ફ્રીજ પણ કોઈક જ ઘરોમાં હતા આથી ક્યારેક રાત્રે પાડોશના બાળકો અમારે ત્યાં ટી.વી. જોવા આવતા. ચેનલોમાં દૂરદર્શન અને ઝી ટીવી જ મુખ્ય હતા. અગાશી પર લગાડેલા એન્ટેના મારફતે ચેનલો પકડાતી. ઉનાળામાં પડોશીઓ બરફ લેવા આવતા. અમારું પ્રથમ ડાઈનીંગ ટેબલ ખોંભડીમાં જ વસાવેલું.

અમારું ઘર વચમાં હતું આથી પાછળની બાજુ મંદિર અને તળાવ તથા આગળ તરફ મારી શાળા, બસસ્ટેશન, નાનકડી બજાર વગેરે નજીક થતા. પપ્પાની બેંક તો સાવ જ પાસે. મારી શાળાની સામે જ નાનકડું બસસ્ટેશન હતું. દિવસમાં માંડ એકાદ-બે બસો આવતી હશે. માવજી મહેશ્વરીના મને બહુ ગમતા ‘બોર’ નિબંધમાં જે બસસ્ટેશનનો ઉલ્લેખ છે, એ વાચતાં મારા મનમસ્તિષ્કમાં ખોંભડીનું એ જ બસસ્ટેશન તાદ્રશ થાય છે. શાળાના મુખ્ય દરવાજાની સામેની ખુલ્લી જગ્યામાં મોટા ઝાડ અને એની ફરતે ગોળાકાર સિમેન્ટના ઓટલાઓનો સમૂહ હતો. તેની નીચે ચાપાણીની, હજામતની કેબીનો, ફળફળાદી વગેરેની લારીઓ ઉભી રહેતી. એમાંથી એક કેબીનને અમે ‘શંભુની દુકાન’ તરીકે ઓળખતા. શાળામાં એક મોટી અને એક નાની એમ બે રીસેસ પડતી. મોટી રીસેસમાં ઘેર જમવા જતા અને નાની રીસેસમાં કોઈવાર શંભુની દુકાનેથી પીપર- આમલી વગેરે ખરીદતા. ટચલી આંગળી જેટલી લાંબી સંતરાના રંગ, આકાર અને સ્વાદવાળી પીપર આવતી. ખટ્ટમીઠ્ઠી. અને આઈસક્રીમ ખાવાની જે સળી જેવી ચમચી હોય છે તેની પર આમલી ચોંટાડેલી હોય જેની પર પીળા રંગનું પાતળું રેપર રહેતું. મમરાના લાડુ પણ મળતા. ઉનાળામાં પ્લાસ્ટીકની લાંબી નળાકાર પેકીંગમાં લેમન, ઓરેન્જ, કાલાખટ્ટા ફ્લેવરનું ઠંડુ પીણું મળતું જેને અમે ‘પેપ્સી’ કહેતા. ગામડાની છોકરીઓ ‘ફેફ્સી’ કહેતી ! શાળા વચ્ચેથી બે ભાગમાં વહેચાયેલી હતી-કન્યાશાળા અને કુમારશાળા. પાછળ રેતી પાથરેલું મોટું મેદાન હતું. સવારની પ્રાર્થના, રીસેસમાં રમવાનું, પી.ટી.નો વર્ગ તથા શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો ત્યાં થતા. એકવાર કોઈ નૃત્યમાં મેં ભાગ લીધેલો ત્યારે મમ્મીએ જાતે ભરેલા ચણીયાચોળી પહેરેલા એ યાદ છે.

શાળામાં કેરીની ઋતુમાં ગામડાની છોકરીઓ કાચી કેરી લઇ આવતી. ક્યારેક સાથે મીઠુંમરચું પણ હોય. અહાહા, એ કેરી ખાવાની જે લિજ્જત હતી. હજુયે કાચી કેરી ખાવાની મજા આવે જ પણ એ સમયની લિજ્જત અનેરી જ હતી. હા, મજા અને લિજ્જતમાં ફરક હોય છે. ગામની સખીઓ કેરી આપે એટલે ફેરવી-ફેરવીને જોઈએ. એક બાજુથી ચાંચ નીકળેલી નાનકડી કેરીઓ કેવી સુંદર લાગતી. ઉપરથી ઘેરો લીલો રંગ ! નાનીનાની કેરીઓનો સુંવાળો સ્પર્શ જ રણઝણાવી મુકતો. આંખોમાં ‘ક્યારે ખાવા મળશે’ની તાલાવેલી જ કીકીઓ ચળકાવી દે! મોંમાં પાણી તો શું, દરિયો જ છૂટે. અને પછી નાનકડું બટકું ભરીએ એટલે ખટાશને કારણે આંખો આપોઆપ ઝીણી થઇ જાય અને જીભ માલામાલ. અમે સખીઓ ટોળામાં કેરી ખાઈએ પણ એ સમયે કોઈ કંઈ ન બોલે. બધાં કેરીમાં ગરકાવ. કેરીસમાધિ લાગી જાય જાણે. ક્યારેક કેરી ઓછી હોય તો પતરી (બ્લેડ)થી કાપીને વહેંચીને ખાઈએ. હા, ગામની છોકરીઓના કંપાસબોક્સમાં પેન્સિલ (જેને તેઓ સીસાપેન કહેતી) છોલીને અણી કાઢવા માટે પતરી હોય જ. સંચા (શાર્પનર) તો અમારા જેવા કોઈકની પાસે જ હોય. જોકે, પેન્સિલનો ઉપયોગ બહુ ઓછો થતો. પાટી-પેન જ વપરાતા. એમાંયે રંગીન પેન મળે એટલે ભયોભયો! શાળામાં લઇ જઈ મિત્રોને બતાવી રાજી થઈએ. બહુ ખાસ સહેલી હોય તો જરા..ક વાપરવા પણ આપીએ. પાટીમાં હોમવર્ક કરીને લઇ જવાનું હોય તો પેન ભીની કરીને લખીએ જેથી સરળતાથી ભૂંસાઈ ન જાય. હવે, આ પેન ભીની કરવી એટલે જે અમુક બાળકો પેન ખાતા હોય એમને મજા. ભીની કરવાના બહાને પેન મોંમાં નાખે અને થોડીક તોડીને ખાઈ પણ લે! પાટીની વાત પણ મજાની છે. જુદીજુદી સાઈઝ, કલર અને ક્વોલીટીની પાટીઓ મળતી. મણકાવાળી પાટી પણ આવતી જેમાં ઉપરની બાજુએ મોતી કે મણકા પરોવેલા રહેતા. મોટાભાગે પાટી પર લખેલું લૂછીને ભૂંસી નાખતા પણ ક્યારેક પાણીથી પાટી ધોઈએ ત્યારે પાટી પકડીને ઉપરનીચે આમતેમ હલાવતાં ‘ચકી ચકી પાણી પી જા’ એવું બોલતા તો સાચે ચકી પાણી પી જતી કે ખબર નહિ કેમ પણ પાટી સુકાઈ જતી હોં!

ખોંભડી નાનું પણ સમૃદ્ધ ગામડું હતું. અમારા મકાનમાલિક સંપન્ન ખેડૂત હતા. કદીક તેમની વાડીઓમાં અમે ફરવા જતા. વિવિધ શાકભાજી, ફળો, વનસ્પતિ વાવવા- ઉગાડવા વિષે અવનવી બાબતો જાણવા મળતી. એકવાર કોઈ વાડીમાં અમે ગયેલા ત્યાં મગફળી વાવેલી હતી. ઉપરથી લીલા પાંદડા ઉખેડીને મગફળી ફોલીને ખાધેલી. એમાંથી નીકળેલી શીંગ નવજાત શિશુના રંગ જેવી ગુલાબી અને એકદમ તાજી કુણી હતી. સ્વાદમાં અલગ જ મીઠાશ હતી. ઋતુ અનુસાર ઉગાડેલા શાક-ફળો તેઓ અમારે ઘેર આપી જતા. મમ્મી ઘણી ના કહે કે અમે માત્ર ત્રણ જ જણ અને આટલું બધું કેમ ખવાય? તોપણ તેઓ પ્રેમાંગ્રહ કરીને મીઠી આમલી, કેરી-આંબા, ચીકુ, જામફળ, જાંબુ, બોર, ખારેક વગેરે ટોપલા ભરીને આપતા. મીઠી આમલીની ઋતુમાં આમલી ખાઈને તેમાંથી નીકળતા કાળા બીજ ભૂરા કરવાની હોડ જામતી. આ માટે ખાસ અંગુઠાનો નખ વધારીને એકધ્યાન થઈને સાવચેતીપૂર્વક બીજ છોલતા. એક બીજ ભૂરું કરવાનો એક રૂપિયો પપ્પા આપતા. એ લાલચમાં આમલી ખાવા કરતા બીજ ભૂરા કરવાની વધારે મજા આવવા લાગતી. પછી તો ભુજ રહેવા જવાનું હતું. ખોંભડીમાં એ અંતિમ દિવસ યાદ છે. સામાનનો ટેમ્પો ભરાઈ રહ્યો હતો. અડોશપડોશના સૌ ભાવપૂર્વક અમને મળવા આવ્યા હતા. એ વખતે મને વિદાય એટલે શું, કશુંક છોડીને જવું એટલે શું એવી કશી સમજ ન હતી. હતો તો માત્ર શહેરમાં રહેવા જવાનો રોમાંચ ! એવામાં મારી સહપાઠી કનકબા ત્યાંથી પસાર થઇ. હંમેશા સુઘડ રહેતી, જાતે સરસ બે ચોટલા વાળતી કનકબા. મને મળી, વાતો કરી. એની પાસે મીઠી આમલી હતી. ખોબો ભરીને મને આપી ને બોલી, ‘ખાજે ને મને યાદ કરજે.’ આજે પણ એ આમલીનો સ્વાદ, કનકબા, એની ચમકતી આંખો, ઉજળું સ્મિત એવું ને એવું યાદ છે. મારી ચામડીને યાદ છે ખોંભડીના શિયાળો, ઉનાળો અને છપ્પાક ચોમાસું. મારા નાકને હજી એ ગામની સુગંધ ક્યાંકથી જડી જાય છે. કાચી કેરીના સ્પર્શો હથેળીમાં ઉતરીને હસ્તરેખા સુધી ગયા છે. અને આ સઘળુંય યાદોમાં સમેટીને જિંદગી શરુ થઇ ભુજમાં.

ભુજમાં શરૂઆતમાં અમે નવી ઉમેદનગરમાં રહેતા. મકાન નંબર ૬૭૨. પછી જૂની ઉમેદનગરમાં પોતાના મકાનમાં રહેવા ગયેલા. એ અમારું પહેલું પોતાનું ઘર હતું. મકાન નંબર ૩૩૩. અમારો પહેલો લેન્ડલાઈન ટેલીફોન પણ એ જ ઘરમાં આવેલો. સાયકલ ચલાવતા હું ભુજમાં શીખી. ધોરણ પાંચ,છ, અને સાત સાયકલ પર જ માતૃછાયા કન્યા વિદ્યાલય આવતી જતી. અને ફરી ઉચાળા ભર્યા અંજાર તરફ. ધોરણ આઠ થી છેક લગ્ન થયા ત્યાં સુધી અંજારમાં જ રહેવાનું થયું. સળંગ દસ વર્ષ એક જ ગામ અને એક જ મકાનમાં વીત્યા હોય એવી એ પ્રથમ ઘટના. એ મકાનમાં મને બહુ ગમતી વસ્તુઓ હતી- ત્રણ આસોપાલવના ઝાડ, એક બદામડી અને એક મધુમાલતીની વેલ તથા લોબીમાં એક હીંચકો. એ જ ઘરમાં ધરતીકંપ અનુભવ્યો. મારા બંને વાહનો લ્યુના અને એકટીવા તથા પ્રથમ ફોરવ્હીલર પણ એ જ ઘરમાં આવ્યા. સ્નાતક અને અનુસ્નાતક એ જ ઘરમાં થઇ. પહેલી વખત મારો પોતાનો અલગ રૂમ પણ એ જ ઘરમાં. પરદાદી અને દાદાનું અવસાન એ જ ઘરમાં થયું. ફોરવ્હીલર ચલાવતા, રસોઈ બનાવતા, રંગોળી કરતા, નાનુંમોટું ભરતકામ કરતા હું એ જ ઘરમાં શીખી. પુષ્કળ વાચન એ જ ઘરમાં થયું. એ મિત્રો જેઓની સાથે દોસ્તી આજે પણ તાજી છે એ ત્યાં જ મળ્યા. અંતે, સગાઇ અને લગ્ન પણ એ જ ઘરમાંથી થયા.

લગ્ન બાદ રહેવાનું થયેલું પુના-મહારાષ્ટ્રમાં. બીજા માળ પર ફ્લેટ. સહજીવનની શરૂઆત એ ઘરમાંથી. આથી એ ઘરે આખા પુના શહેરને મારા માટે ખાસ બનાવી દીધેલું. પહેલી વાર આટલા મોટા શહેરમાં અને ફ્લેટમાં રહેવાનું થયું. ઘર સંભાળતા, સાચવતા, સંવારતા ત્યાં શીખી. કોમ્પ્યુટરથી વધુ માહિતગાર બની એ ઘરમાં. બહાર સતત કોલાહલ અને આંતરિક સન્નાટાના બે અંતિમો વચ્ચે જીવતા શીખવાનું આવડ્યું. એ ઘરમાં સવાર, બપોર, સાંજ જુદા હતા. એ ઘરમાં અનુભવેલો વરસાદ જુદો હતો. ભરચક્ક ટ્રાફિકના શોરમાંય કોયલના ટહુકા સાફ સંભળાતા હતા. ઉનાળામાં ખાસ ગુલમહોર જોવા બહાર નીકળી પડતી હતી. બાલ્કનીમાં જઈને ચાંદો જોવા મથામણ કરી હતી. પહેલીવાર આટલા મોટા મોલ જોયા હતા. બહુ જ સરસ થિએટર્સ અને એથીયે સરસ ફિલ્મો જોઈ હતી. એકલા બગીચામાં જઈને એકલા બેસતા ફાવ્યું હતું, એકલા ખરીદી કરતા આવડ્યું હતું, જાતે રાંધી, જાતે પીરસીને ટીવી સામે બેસીને એકલા જમતા ફાવ્યું હતું. મમ્મી-પપ્પા-ભાઈને ફોન પર જ મળી લેવાનું આવડી ગયું હતું. અને એક દિવસ આ બધી આવડત, ફાવટ, કોયલના ટહુકા, ગુલમહોરનો ચટ્ટાક લાલ રંગ, મધુમાલતીની સુગંધ, કાચી કેરીના સ્પર્શો, આમલીની ખટાશ, પહેલા વરસાદ પછી ઉઠતી પોતાની માટીની અનેરી મહેક, આંખોમાં પરિવારજનો, મિત્રો, પરિચિતોના ચહેરા લઈને પ્લેનમાં બેઠી હતી. સીધા અમેરિકા. સમૃદ્ધ દેશ, રળિયામણું નગર-પરિસર અને સુવિધાસભર ઘર.

ઘર એક અજીબ વસ્તુ છે. જેટલા પણ ઘરોમાં આપણે રહ્યા હોઈએ એ બધાં ઘર આપણને થોડાથોડા આપણાંમાં જ ઉમેરતા જાય છે તો આપણને થોડાથોડા આપણામાંથી જ બાદ પણ કરતા જાય છે. બદલાતા ઘરોની સાથેસાથે થોડાથોડા આપણે પણ બદલાતા જતા હોઈએ છીએ. સવાર, બપોર, સાંજ, ટાઢ, તાપ, તડકા, વરસાદ અને એની સુગંધ એક જ હોય છે તોપણ દરેક ઘરમાં અલગઅલગ કેમ અનુભવતી હોય છે? જેમ ઘરના પાણીયારાના પાણીનો સ્વાદ અન્ય જગ્યાઓએ પીધેલા પાણી કરતાં વધુ મીઠો લાગતો હોય છે એમ બીજે ક્યાંયથી જોયેલા ચાંદ કરતાં પોતાની અગાશી-બાલ્કની પરથી જોયેલો ચાંદ વધુ ખુશનુમા લાગી શકે છે. ચશ્માના નંબર કઢાવવા જઈએ ત્યારે ચશ્માં પહેરાવીને તેમાં એક પછી એક કાચ ઉમેરતા જઈને દ્રશ્ય વધુ સ્પષ્ટ બનાવવામાં આવે છે. ઘણીવાર નક્કી નથી થઇ શકતું કે બેમાંથી કયો કાચ વધુ સાફ ચિત્ર દેખાડે છે. મારી કીકીની અંદર ઉતરી ગયેલા આ તમામ ઘરોના દ્રશ્યો મને કોઈવાર સ્પષ્ટ દેખાય છે તો કોઈ વાર ધીમેધીમે ધૂંધળા થતા જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

36 thoughts on “ઘર – સ્વાતિ ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.