દુર્યોધનવધ – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર

[ અનુવાદિકા : વાસંતી અરુણ જાતેગાંવકર ]

[ લેખક પરિચય : અરુણ અને વાસંતી જાતેગાંવકર પતિપત્ની ૧૯૬૬ માં ગણિતના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવ્યાં અને અભ્યાસ પૂરો થયા પછી ત્યાં જ સ્થાયિક થયાં. એ બંનેએ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાંથી ગણિત વિષયમાં ડૉક્ટરેટ પદવી સંપાદન કરી. એ બંનેના ઘણા સંશોધન લેખો (research papers) ગણિત વિષય પરના સંશોધનને સમર્પિત એવા પાશ્ચાત્ય સામયિકોમાં પ્રગટ થયા છે. ડૉ. અરુણ જાતેગાંવકરે કરેલા ગણિત વિષય પરના સંશોધનના બે પુસ્તકો ગણિત વિષય પરના સંશોધનને સમર્પિત એવા પાશ્ચાત્ય પ્રકાશકો તરફથી પ્રગટ થયા છે. એ બંને અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપક હતાં. ૨૦૦૧ની સાલમાં નિવૃત્ત થયાં પછી ડૉ.અરુણ અને ડૉ.વાસંતી જાતેગાંવકરે મહાભારત અંગે વાંચન અને લેખન શરૂ કર્યું. તેઓ બે પ્રકારના લેખો લખે છે. પહેલો પ્રકાર છે: મહાભારત અંગે સંશોધન. અંગ્રેજીમાં લખેલા તેમના આ પ્રકારના લેખો Annals of the Bhandarkar Oriental Research Instituteમાં પ્રગટ થાય છે. બીજો પ્રકાર છે: મહાભારતના મહત્ત્વના પ્રસંગોનું વિવેચન અને રસગ્રહણ. આ પ્રકારના તેમના લેખો પુણેની ભાંડારકર સંસ્થાએ પ્રસિદ્ધ કરેલી અને દુનિયાભરના સંશોધકોએ પ્રમાણભૂત માનેલી મહાભારતની સંસ્કૃત સંહિતાના અભ્યાસ ઉપર આધારિત હોય છે. તે લેખોની વિશિષ્ટતા એ કે વાચનીયતાની જેમ જ મહાભારતની સંહિતા જોડે પ્રામાણિક રહેવાનો તેમનો આગ્રહ. અસ્ત્રદર્શન અને દ્રોણવધ એ બંને પ્રસંગો પર તેમણે મરાઠીમાં લખેલા આ પ્રકારના લેખો પુસ્તકરૂપે ‘ग्रंथाली’ તરફથી પ્રગટ થયા છે. તે પુસ્તકનો ડૉ. વાસંતી જાતેગાંવકરે કરેલો અનુવાદ થોડા સમયમાં પ્રગટ કરવાનો તેઓનો મનસૂબો છે. દ્યૂત અને દુર્યોધનવધ એ બંને પ્રસંગો પર તેઓએ મરાઠીમાં લખેલા આ પ્રકારના લેખોમાંનો કેટલોક ભાગ ‘नवभारत’ નામના માસિકમાં સ્વતંત્ર લેખો તરીકે પ્રગટ થયો હોઈને તે સંપૂર્ણ લેખો પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનો તેઓનો મનસૂબો છે. થોડા સમય અગાઉ તેમનો એક લેખ ‘નરો વા કુઞ્જરો વા’ આપણે માણ્યો હતો, આજે માણીએ તેમનો વધુ એક સુંદર અભ્યાસ લેખ. રીડગુજરાતીને ન્યુજર્સીથી આ અભ્યાસ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vasantijategaonkar@yahoo.com સંપર્ક કરી શકો છો.]

કૌરવ-પાંડવો વચ્ચે થયેલો ભેદ અને તેમાંથી તેઓ વચ્ચે આગળ ઉપર ઉદ્ભવેલું સર્વંકષ યુદ્ધ, એ મહાભારતની મધ્યવર્તી કથા અનેક નાટ્યપૂર્ણ પ્રસંગોથી સજેલી છે. ‘नेमे बाणा: शिखण्डिन:’ (૧) – આ બાણ શિખંડીનાં નથી – આ શબ્દ કોણે ક્યારે ઉચ્ચાર્યા, ધરતી ઉપર ચાર આંગળી અધ્ધર ચાલતો કોનો રથ ક્યારે ધરતી પર ઊતર્યૉ, અને ‘क्व ते धर्मस्तदा गत:’ – ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો ? – આ મર્મભેદી પ્રશ્ન કોણે કોને ક્યારે પૂછ્યો, આવી વાતો આપણે સૌને સો પેઢીથી જાણીતી છે. આ સર્વ પ્રસંગોને પોતાનું મહત્ત્વનું સ્થાન અને પોતાનો અનોખો રુઆબ છે. તેમ છતાં, તે પ્રસંગોમાં કથાદૃષ્ટિએ અને નાટ્યદૃષ્ટિએ ખાસ ઊપસી આવનારા બે પ્રસંગો છે – દ્યૂત અને દુર્યોધનવધ. કુશલ તથા નાટ્યપૂર્ણ પ્રસંગરચના એ વ્યાસની સાહિત્યિક શૈલીની વિશિષ્ટતા મહાભારતમાંના બધા જ પ્રમુખ પ્રસંગોમાં જોવા મળતી હોય (૨) તો પણ, મહાભારતની કથામાંના આ બે ઉત્તુંગ શિખરોની તેમણે કરેલી રચના સમર્પક જ નહિ તો આંજી નાખનારી છે. પહેલા પ્રસંગમાં, યુધિષ્ઠિર દ્યૂતપ્રિય હતો પણ દ્યૂત રમવામાં તે કાચો હતો એ વાતનો ગેરફાયદો લઈને કૌરવો તેનું રાજ્ય છીનવી લે છે; તદુપરાંત, પાંડવોની પ્રતિષ્ઠાના ચીંથરાં કરીને, તેઓને વનમાં મોકલે છે. બીજા પ્રસંગમાં, દુર્યોધન ‘अजिह्मयोधिन्’ – કપટ રમ્યા વગર લડનારો – યોદ્ધો હતો તેનો ગેરફાયદો લઈને પાંડવો તેને છલથી ઠાર કરે છે અને પોતાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મેળવી લે છે; તદુપરાંત, તેઓ કૌરવોએ તેમની દ્યૂતમાં કરેલી અપ્રતિષ્ઠાનું વેર લે છે.

પ્રસ્તુત લેખનો વિષય છે – દુર્યોધનવધમાં વ્યાસે ગૂંથેલું નાટ્ય, અને તેની સહાયથી તેમણે તે પ્રસંગમાં ગૂંથેલો મનુષ્યસ્વભાવ.

કૌરવ-પાંડવોની કથા ઉપર ઉપરથી જોઈએ તો પણ જણાય છે કે, તે એક શોકાંતિકા છે, અને દુર્યોધનવધ એ તે શોકાંતિકાનો છેલ્લો અંક છે. યુદ્ધના અઢારમા દિવસે બપોરે જ્યારે દુર્યોધને પોતાનો પરાજય થયાનું જાણ્યું અને તે રણમાંથી પલાયમાન થઈને યુદ્ધભૂમિ નજીકના એક સરોવરમાં સંતાઈ ગયો, ત્યારે સો ધાર્ત્રરાષ્ટ્રમાંનો તે એકલો જ બાકી રહ્યો હતો. દુર્યોધનના મૃત્યુથી કૌરવો નિર્વંશ થઈ ગયા. તેથી કૌરવ-પાંડવોના યુદ્ધમાં કૌરવોનો પરાજય થયો એ સ્પ્ષ્ટ છે. પણ, શું એમ કહી શકાય કે તે યુદ્ધમાં પાંડવોનો જય થયો ? તે યુદ્ધમાં પાંડવોના પણ બધા સગાંસંબંધીઓ હણાઈ ગયા; એટલું જ નહિ તો તેમની સંપૂર્ણ યુવાપેઢી પણ હણાઈ ગઈ. હવે, પાંચ પાંડવો જીવંત રહ્યા, અને અશ્વત્થામાએ પાંડવસ્ત્રીઓના ગર્ભો ઉપર ફેંકેલા બ્રહ્માસ્ત્રને પરિણામે કથામાં આગળ ઉપર મૃત જન્મેલા પરિક્ષિતને કૃષ્ણે જીવંત કરવાથી પાંડવો નિર્વંશ થઈ જવાનું ટળ્યું એ વાત સાચી છે. પણ આને શું જય કહેવાય ? બરાબર આ જ વિચાર, સૌપ્તિકપર્વમાં અશ્વત્થામાએ કરેલી કતલેઆમમાં પોતાના પક્ષની થયેલી હાનિ જાણ્યા પછી શોકમાં ડૂબી ગયેલા અને પસ્તાવાથી દાઝી ગયેલા યુધિષ્ઠિરના મુખે મહાભારતમાં છે. શાંતિપર્વના પ્રારંભમાં તેણે તે જયનું પોતે કરેલું મૂલ્યમાપન નારદને કહ્યું છે. તે છે:

जयोऽयमजयाकारो भगवन्प्रतिभाति मे ॥ १२.१.१५

– હે ભગવન્, આ જય તો મને પરાજય જેવો જ દેખાય છે.

કૌરવ-પાંડવોના યુદ્ધની આ પરિણતિ જોતાં ‘આ બધું શા માટે બન્યું ?’ પ્રશ્ન અંગે – યુધિષ્ઠિરની જેમ જ – આપણે પણ વિચારવું અપરિહાર્ય ઠરે છે. તે યુદ્ધના સંદર્ભમાં ‘यतो धर्मस्ततो जय:’ સૂત્ર આપણે કાને આવ્યું હોય છે. તેમ છતાં, તે યુદ્ધ ધર્મ માટે થયેલું નથી, અને જે બાજૂએ ધર્મ છે તે બાજૂનો જય થતો હોય છે એવા ભરોસાથી તો નહિ જ નહિ. યુદ્ધ પૂર્વે થયેલ વિચારવિનિમયમાં અને વાટાઘાટોમાં વ્યાસે તે યુદ્ધનું કારણ ગૂંથ્યું છે. યુદ્ધ બાદ યુધિષ્ઠિરને થયેલા પસ્તાવામાં વ્યાસે તે કારણ અધિક સ્પષ્ટ કર્યું છે. તે કારણ છે – રાજ્ય. યુધિષ્ઠિરના મુખનો શબ્દ વાપરીએ તો – રાજ્યલોભ. પાંડવોને – ભલે ને પાંચ ગામોનું હોય પણ – પોતાનું રાજ્ય જોઈતું હતું; અને આ રાજ્ય અમારું છે તમારું નથી એ ભાવનાથી, કૌરવ તેઓને – પાંચ ગામની વાત તો જવા જ દો – એક રજકણ પણ આપવા તૈયાર નહોતા. પરંતુ, રાજ્ય એ મુખ્ય કારણ હોવા છતાં, કૌરવ-પાંડવો વચ્ચેનું યુદ્ધ કેવળ એટલા જ કારણે થયું નથી. વિવિધ કથાપાત્રોના સ્વભાવ, તેમના પોતા વિષેના અને પ્રતિપક્ષ વિષેના અભિપ્રાય, તેમની પ્રતિપક્ષ પ્રત્યેનાં ઈર્ષા અને માનાપમાન – તે યુદ્ધ થવાનાં કારણોમાં આવી અને ઇતર તત્સમ બાબતો હોવાનું વ્યાસે કથામાં ગૂંથ્યું છે. અને વેર. તેની તો મહાભારતમાંના બધાં જ કથાપાત્રોને જાણે બાળસોગઠી આપી હતી.

વિવિધ કથાપાત્રોએ વેરથી સળગીને કરેલા કૃત્યોથી કથા પર થયેલાં પરિણામો મહાભારતમાં ઇતરત્ર પણ દેખાતાં હોય તો પણ દુર્યોધનવધમાં તે ખાસ ઊપસી આવે છે. દુર્યોધન યુદ્ધભૂમિ નજીકના સરોવરમાં સંતાઈ બેઠો છે એ બાતમી મળતાંવેંત તે વખતે બાકી રહેલી આખી પાંડવસેના તે સરોવરને કાંઠે આવી ચડી હતી. ત્યાર પછી દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચે થયેલા સંવાદમાં દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું હતું કે, સઘળું કુરુરાજ્ય તું લઈ લે, હું મૃગાજિનો પહેરીને વનમાં ચાલ્યો જઈશ. યુધિષ્ઠિરે તેને ‘હા’ પાડી હોત તો તે જ ક્ષણે યુદ્ધ પૂરું થયું હોત, અને કથામાં આગળ ઉપર બનેલી દારુણ ઘટનાઓ ટળી હોત. પરંતુ, કુરુરાજ્ય મેળવવા માટે હવે દુર્યોધનને મારી નાખવાની જરૂર નથી અને દુર્યોધન હવેથી આપણને કંઈ અપાય કરી શકવાનો નથી એ બધું સ્પષ્ટ હોવા છતાં યુધિષ્ઠિરે તેને તરછોડી નાખ્યો છે. પણ વ્યાસ તે પ્રસંગ અંગે એટલું જ કહીને અટકી ગયા નથી. તેમણે યુધિષ્ઠિરને મુખે, દુર્યોધનને તે શા માટે ના પાડે છે તેનું કારણ મૂક્યું છે – ધર્મ. યુધિષ્ઠિર દુર્યોધનને કહે છે કે,

न हि धर्म: स्मृतो राजन्क्षत्रियस्य प्रतिग्रह: ॥ ९.३०.५३

– હે રાજા, ક્ષત્રિયોએ દાન સ્વીકારવું ધર્મમાં બેસતું નથી.

ક્ષત્રિયોએ દાન સ્વીકારવું ધર્મમાં બેસતું નથી એ વાત સાચી છે. તેમજ, દુર્યોધન યુધિષ્ઠિર જોડે સીધી રીતે વાત નહોતો કરતો એ વાત પણ સાચી છે. તેમ છતાં, આપણને તે બંને વચ્ચે થયેલા સંવાદમાંથી જણાય છે કે, ‘દાન’ એ દુર્યોધન જે કહે છે તેનો વિપર્યાસ છે. તો યુધિષ્ઠિર તેને ‘દાન’ શાથી કહે છે ? અને દુર્યોધનને વનમાં જવા દેવાને બદલે ફરી ફરીથી ટોણા મારીને યુદ્ધ માટે ઊભા રહેવાની કેમ ફરજ પાડે છે ? વ્યાસ સંવાદરૂપે લખેલી તેમની આ કથામાં આવા પ્રશ્નોના સીધા ઉત્તરો આપતા નથી. તેમની રીત છે: તેઓ કથામાં તે વિષે ક્યાંક એકાદો અર્થગર્ભ પ્રસંગ અથવા સંવાદ મૂકે છે, અને તેનો સંબંધ જોડીને તે અનુસાર અર્થ બેસાડવાનું કામ આપણને સોંપે છે. વ્યાસે તેવો અર્થગર્ભ સંવાદ તે પ્રસંગમાં પછી તુરત જ મૂક્યો છે. ધર્મ એ કારણ કહ્યા પછી, યુધિષ્ઠિર ‘આપણે બંને જીવંત રહેશું તો આપણામાંથી કોનો જય થયો એ વિષે લોકોના મનમાં હંમેશ શંકા રહેશે’ એમ દુર્યોધનને કહે છે. તદુપરાંત, તેણે પાંડવો પર કરેલાં અપકારક કૃત્યોની વહી વાંચી બતાવીને તેને કહે છે,

एतस्मात्कारणात्पाप जीवितं ते न विद्यते ॥ ९.३०.६७

– અરે દુષ્ટાત્મા, આ કારણે હવે તારો જીવ જવાનો છે.

સવાલ થાય છે કે દુર્યોધનને તે શા માટે ના પાડે છે – દાનનો સ્વીકાર ક્ષત્રધર્મમાં બેસતો નથી તે માટે, યુદ્ધમાં કોનો જય થયો તે દુનિયાને સિદ્ધ કરવા માટે, કે વેર લેવા માટે ? વેર શબ્દ યુધિષ્ઠિરના મુખે નથી. તેમ છતાં, વ્યાસે તેના મુખે મૂકેલા શબ્દો પરથી દેખીતું છે કે ધર્મ અને જય એ ઉપર ઉપરનાં કારણો છે. દુર્યોધન હવે હાથમાં સપડાયો છે એ જાણ્યા પછી યુધિષ્ઠિરને હવે જૂની બાબતોનું વેર લેવું છે. (૩)

આ બધું જોતાં, દ્રૌપદી અને યુધિષ્ઠિર વચ્ચે વનવાસની શરૂઆતમાં થયેલો એક સંવાદ યાદ આવે છે. કૌરવોએ પાંડવોની કરેલી હાલત જોઈને દ્રૌપદીનો જીવ કપાઈ જતો હતો. તેણે યુધિષ્ઠિરને તેના પોતાની, તેના ભાઈઓની, અને તેની પોતાની પરિસ્થિતિ વર્ણવીને, ‘कस्मान्मन्युर्न वर्धते’ – (આ જોઈને પણ) તમને (કૌરવોની) ચીડ કેમ નથી આવતી ? – આ સવાલ ફરી ફરીથી પૂછ્યો હતો; અને તે વખતે યુધિષ્ઠિરે તેને ‘ક્ષમા’ એ જવાબ આપીને ક્ષમાની મહતી અંગે સનાતન ધર્મ વગેરે વજનદાર શબ્દોમાં વ્યાખ્યાન આપ્યું હતું. ક્ષમા અંગેના તે વિચારો બરાબર હોય કે ન હોય, યુધિષ્ઠિરને હવે દુર્યોધન હાથે સપડાયા પછી ક્ષમા એ શબ્દ યાદ પણ આવ્યો નથી.

યુધિષ્ઠિર મહાભારતમાંનું એક સત્પ્રવૃત્ત કથાપાત્ર છે. તેની જો આ વાત તો ઇતર કથાપાત્રો અહીં વેરવૃત્તિને દેખીતી રીતે અધીન થઈ જાય છે એમાં નવાઈ તે શી ? દુર્યોધનને પાડી નાખ્યા પછી, ‘અમને ષંઢતિલ કહેનારા સૌને અમે મારી નાખ્યા; હવે અમોને સ્વર્ગ પ્રાપ્ત થાઓ કે નરક પ્રાપ્ત થાઓ’ એમ ભારે ગર્વથી કહેનારો ભીમ અને ‘ઊંઘી રહેલા પાંચાલોને મારી નાખવાથી મને આવતો જન્મ કીટકનો કે પતંગિયાનો પ્રાપ્ત થવાનો હોય તો ભલે થાઓ’ એમ નિર્ધારથી કહેનારો અશ્વત્થામા, એ બંનેને પોતપોતાનાં વિચારો યોગ્ય છે એમ લાગ્યું હોઈને પ્રતિપક્ષનું વેર લેવું એ તેમનું આદ્ય કર્તવ્ય હોવાનું જણાયું છે.

વ્યાસે વેરની જેમ જ ધર્મ પણ કથામાં ગૂંથ્યો છે; અને દુર્યોધનવધમાં ધર્મને વેર જેટલું જ મહત્ત્વનું સ્થાન છે. માત્ર, ‘પાંડવોની બાજુ ધર્મની અને કૌરવોની બાજુ અધર્મની’ અથવા ‘કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે’ એવું કશું વ્યાસે તે વધમાં બતાવ્યું નથી. બતાવ્યું છે – આપણે જે કાંઈ કર્યું છે તે ભલે ગમે તેટલું ધર્મવિરુદ્ધ હોય, તે બધું સમર્થનીય જ નહિ તો યોગ્ય જ હતું એમ માની લેવાનો, અને અગવડિયા સમયે ધર્મના નામ હેઠળ સગવડિયાં કારણો ઉપજાવી કાઢવાનો મનુષ્ય સ્વભાવ.

કૌરવો જોડે લડતી વખતે પાંડવો ધર્મને ધરીને જ લડ્યા હતા એવી એક માન્યતા પ્રચલિત હોવાનું જણાય છે. પરંતુ પાંડવોએ યુદ્ધમાં ધર્મબાહ્ય માર્ગો લીધા તેથી જ તેઓ ભીષ્મ, દ્રોણ અને કર્ણ એ ત્રણેને મારી નાખી શક્યા, એ વ્યાસે કથામાં અગાઉ બતાવ્યું છે. હવે દુર્યોધનવધ પ્રસંગમાં યુદ્ધનો અને કથાનો છેલ્લો અંક આવ્યો. વ્યાસે પાંડવોએ કૌરવો વિરુદ્ધ વાપરેલ ધર્મબાહ્ય માર્ગોનો તે વધમાં ઉચ્ચ બિંદુ આણ્યો છે. ઉપરાંત, પાંડવપક્ષે ધર્મના નામ હેઠળ ઉપજાવી કાઢેલાં સગવડિયાં કારણોનો પણ ઉચ્ચ બિંદુ આણ્યો છે. આ બધા ધર્મબાહ્ય માર્ગો અને ધર્મના નામ હેઠળ બધાં સગવડિયાં કારણો ઉપજાવી કાઢવામાં જેનો પ્રમુખ હાથ છે તે વ્યાસનું કથાપાત્ર છે – કૃષ્ણ.

દુર્યોધનવધનું આ સ્વરૂપ આપણને સામાન્યત: અપરિચિત હોય છે; અને તે ઉપરાંત કોઈ કહે તો પણ આપણે તે સાચું માનતા નથી. એમ લાગે છે – તે ધર્માત્માઓ વિષે વ્યાસ આવું કાંઈ લખે ? અશક્ય ! એ ગમે તે હોય, દુર્યોધનવધમાં વ્યાસે ગૂંથેલું નાટ્ય યથાયોગ્ય પ્રકારે સમજવાની દૃષ્ટિએ – અને વ્યાસે કૃષ્ણ એ કથાપાત્ર તે પ્રસંગમાં કયા રંગમાં ચીતર્યું છે તેનું યથાયોગ્ય પ્રકારે આકલન થવાની દૃષ્ટિએ – તે પ્રસંગનું આ સ્વરૂપ સમજવું આવશ્યક છે. તેથી વ્યાસે તે પ્રસંગમાં ધર્મના સંદર્ભમાં ગુંથેલી કેટલીક બાબતો વિશદ કરવી યોગ્ય ઠરે.

દુર્યોધન અને ભીમ એ બંનેનું ગદાયુદ્ધ નક્કી થયું તે વખતે જ ‘ભીમ જો ન્યાયથી લડશે તો તે જીતશે કે નહિ એ વિષે શંકા જ છે’ એવો વિચાર કૃષ્ણે બોલી બતાવ્યો હતો. તે પછી ભીમ અને દુર્યોધન સામસામે આવ્યા, શરૂઆતની બાઝંબાઝી પતી ગઈ, અને તે ગદાયુદ્ધ જામ્યું. ભીમના બહુતેક આઘાત દુર્યોધન ચૂકવે છે, અને દુર્યોધનના બહુતેક આઘાત માત્ર અચૂક ઠરે છે, આવું થોડો સમય થયા પછી દુર્યોધને ભીમને એવા તો જબરદસ્ત બે ગદાપ્રહાર કર્યા કે આકાશમાંથી યુદ્ધ જોનારા દેવાદિકોએ – દુર્યોધનની નિપુણતાની તારીફ તરીકે – તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. તેમજ, તે બે જબરદસ્ત પ્રહારથી ભીમે પહેરેલું કવચ ભાંગી ગયું અને તે બેભાન થઈને ગબડી પડ્યો. ‘દુર્યોધન જીતે તો રાજ્ય તેનું’ એ બોલીથી તે ગદાયુદ્ધ થતું હોવાને કારણે, આ કેવળ ભીમની જિંદગીનો સવાલ નહોતો. ગદાયુદ્ધ જોવા પાંડવ પક્ષના સઘળા સૈનિકો આસપાસ બેઠા હતા. આપણા ભીમે દુર્યોધનને પીટવાને બદલે આ તો ઊલટું થતું જોઈને તે સૈનિકોની છાતી બેસી ગઈ.

‘ધર્મ કે જય ?’ એ પ્રસંગોની રચના કરવામાં વ્યાસની જોડનો દુનિયામાં કોઈ નથી. પ્રસ્તુત પ્રસંગે તો વ્યાસે પોતાની જાત પર જ માત કરી છે. આવા પ્રસંગે, વ્યાસે દ્રોણવધ પછી થયેલા વિતંડાવાદમાં ધૃષ્ટદ્યુમ્નને મુખે સાત્યકીને ઉદ્દેશીને મૂકેલા શબ્દો સાંભરે છે:

न चैव मूर्ख धर्मेण केवलेनैव शक्यते ॥ ७.१६९.३४

– અરે મૂરખ, કેવળ ધર્મથી કંઈ બનતું નથી. (૪)

દુર્યોધન અને ભીમ એ બંનેનું ગદાયુદ્ધ અત્યાર સુધી ધર્મને ધરીને ચાલતું હતું. પરંતુ, ભીમ દુર્યોધનને હાથે માર્યો જવાનો છે એમ જણાયા પછી તે ગદાયુદ્ધમાં કૃષ્ણે અહીં – અપ્રત્યક્ષ રીતે – હસ્તક્ષેપ કર્યો છે અને તેમણે અર્જુનને તે સંદર્ભમાં આપેલી સલાહ છે:

भीमसेनस्तु धर्मेण युध्यमानो न जेष्यति ।
अन्यायेन तु युध्यन्वै हन्यादेष सुयोधनम् ॥ ९.५७.४

– ભીમસેન જો (આ જ રીતે) ધર્મને ધરીને લડતો રહેશે તો તે જીતશે નહિ. તેથી ‘અન્યાય’થી લડીને તેણે સુયોધનને મારી નાખવો.

એક યોદ્ધાના મૃત્યુથી અંત પામનારા આ ગદાયુદ્ધમાં ‘न जेष्यति’ – જીતશે નહિ – નો અર્થ ‘માર્યો જશે’ એ છે.

કૃષ્ણના શબ્દો ધ્યાનપૂર્વક વાંચવા જેવા છે. ‘જે ધર્મ નથી તે અધર્મ’ એ અધર્મની શું વ્યાખ્યા નથી ? તો કૃષ્ણ તેની સલાહમાં જેને ‘અન્યાય’ કહે છે એ વળી શું પ્રકાર છે ? આવા વખતે કૃષ્ણ વ્યાખ્યા આપતા હોતા નથી; તેઓ દેવોએ માયા વાપરીને અસુરોને કઈ રીતે હરાવ્યા તેના દાખલા આપતા હોય છે. પણ તે તો થઈ દંતકથાઓ. માનવી સ્તર પર ઊતરીને આપણે વિચારીએ તો જણાય છે કે, જે તદ્દન શુદ્ધ ધર્મ નથી પણ તદ્દન નિંદ્ય અધર્મ પણ નથી એવો જુદો જ વર્ગ હોવાનું કૃષ્ણે શોધી કાઢ્યું છે; અને તેઓ અત્યારે સૂચવી રહ્યા છે તે ‘અન્યાય’ અને તેઓએ કથામાં પાંડવોને ઇતરત્ર સૂચવેલા ‘ઉપાયો’ એ બંને તે વર્ગમાં બેસનારી અનેક બાબતો પૈકી બે બાબતો છે. આ બધા નીતિ અંગેના ગહન વિચારો હોય કે ધર્મના નામ હેઠળ કરેલો શબ્દચ્છલ હોય, કૃષ્ણની તે સલાહ અર્જુનને ગમી ગઈ એ સ્પષ્ટ છે. ‘અન્યાય’ તરીકે દુર્યોધનની જાંઘ ભાંગી નાખવાની કલ્પના કૃષ્ણની કે અર્જુનની પોતાની એ વિષે મતભેદ સંભવિત હોય તો પણ, કૃષ્ણે સલાહ આપ્યા પછી અર્જુને ભીમને ‘દુર્યોધનની જાંઘ ભાંગી નાખ’ એવી સંજ્ઞા કરી, અને તે અનુસાર ભીમે યોગ્ય તક મળી ત્યારે દુર્યોધનની જાંઘો પર પ્રહાર કર્યો, આ બધું કથામાં છે. (૫)

દુર્યોધનવધ પ્રસંગ વ્યાસ અહીં જ પૂરો કરી શકત. કૃષ્ણનું કહ્યું માનીને પાંડવપક્ષે ધર્મને નેવે મૂકવાની આ પહેલી જ વાર ન હોવાથી, અહીં જ પ્રસંગ પૂરો કરવાથી ખાસ કાંઈ અજુગતું થયું ન હોત. તો પણ, વ્યાસે તેમ કરવાને બદલે, દુર્યોધનવધમાં થયેલ ધર્મ-અધર્મ અંગે અહીં – દ્રોણવધમાં થયેલ ધર્મ-અધર્મ અંગે તે વધ પછી થયેલો વિતંડાવાદ ફિકો જણાય એવા – નાટ્યપૂર્ણ પ્રસંગો રચ્યા છે.

થોડા દાખલા આપવું યોગ્ય ઠરે.

ભીમે દુર્યોધનની જાંઘો પર કરેલા પ્રહારને બલરામે સ્પષ્ટપણે અધર્મ કહ્યો હોઈને તે પ્રહારને કારણે બલરામ હળ હાથમાં ઊંચકીને ભીમ પર ધસી ગયા હતા. બલરામને થોભી રાખીને કૃષ્ણે ભીમનો પક્ષ લીધો છે. ભીમની પ્રતિજ્ઞા, વેરની પરત ચુકવણી, કલિયુગ – કૃષ્ણને મુખે આ સઘળું ત્યાં છે. કૃષ્ણે રજૂ કરેલા મુદ્દાઓ બલરામે ગણકાર્યા તો નથી જ, પણ સંજયે પણ કદીય નહિ તો સ્પષ્ટ શબ્દોમાં તે મુદ્દાઓને ‘ધર્મચ્છલ’ – ધર્મના નામ હેઠળ કરેલી ચાલાકી – કહ્યું છે. આ સર્વ નાટ્યપૂર્ણ ઘટનાઓ જેટલી જ મહત્ત્વની વાત છે: ભીમે દુર્યોધનની જાંઘો ભાંગી નાખવા પાછળ આપણા નાના ભાઈનો મોટો હાથ છે તેનો બલરામને ખ્યાલ નહોતો; અને કૃષ્ણે પોતાની મુઠ્ઠી વાળી રાખી છે. “જો ભીમનુ કૃત્ય આટલું સમર્થનીય હતું તો, ‘મારી સૂચનાથી ભીમે દુર્યોધનની જાંઘો ભાંગી નાખી છે’ એમ કૃષ્ણ બલરામને કેમ કહેતા નથી ?” એ પ્રશ્ન વ્યાસે આપણને સોંપી દીધો છે.
ગુસ્સે થયેલ બલરામ, ભીમની દુનિયાભર જિહ્મયોધી એવી ખ્યાતિ થશે એમ બોલીને દ્વારકા નીકળી જાય છે; અને થોડા સમય પછી, કૃષ્ણ અને જાંઘો ભાંગીને ધૂળમાં પડી ગયેલા દુર્યોધન વચ્ચે વાદાવાદી થાય છે. પાંડવો તરફથી કૃષ્ણે જે પ્રકારે કૌરવાગ્રણીઓના વધ કરાવી લીધા તે પ્રકાર જિહ્મમાર્ગ હતા એવો દુર્યોધન આરોપ ચડાવે છે. તે આરોપોનો પ્રત્યુત્તર તરીકે કૃષ્ણ દુર્યોધને પાંડવો પર કરેલા અત્યાચારોની વહી વાંચી બતાવે છે. બે ગાળો સહિત. કૃષ્ણનો મથિતાર્થ છે: પૂર્વે તેં આ બધું કર્યું હતું તેથી હવે અમે તારો વધ કર્યો છે. બંને પક્ષોએ એકબીજાના વાંક કાઢ્યા એટલું કહીને વ્યાસ દુર્યોધનવધમાંનો ધર્મ-અધર્મ એ વિષય પૂરો કરી શક્યા હોત. પણ તેમ કરવાને બદલે તેમણે અહીં મહાભારતમાંના એક અવિસ્મરણીય પ્રસંગની રચના કરી છે: દુર્યોધન ‘को नु स्वन्ततरो मया’ – મારા કરતાં અધિક ઉત્તમ અંત કોને મળવાનો છે ? – એવા ધૃપદવાળું ભાષણ કરે છે; પછી, તેના પર સ્વર્ગીય પુષ્પોની વૃષ્ટિ થાય છે; ગંધર્વો વાજિંત્રો વગાડવાં માંડે છે; અપ્સરાઓ દુર્યોધનનાં યશોગીતો ગાવાં લાગે છે; અને આ બધું જોઈને પાંડવપક્ષના ઇતર લોકોની સાથે કૃષ્ણનું મોઢું પણ શરમથી ઊતરી જાય છે. કૃષ્ણે જેને હમણાં જ નાલાયક ઠરાવ્યો હતો તે માણસે કરેલા પોતાના જીવનના અને મૃત્યુના મૂલ્યમાપનને દેવો પુષ્પવૃષ્ટિ દ્વારા ટેકો આપે છે, એ બતાવવામાં વ્યાસને કશું વાંધાજનક લાગ્યું હોવાનું દેખાતું નથી.

તે પ્રસંગે બનેલી પછીની ઘટના છે: દેવાદિકોએ કરેલા દુર્યોધનના સત્કારથી ચોંકી ગયેલા કૃષ્ણ તુરત જ સ્વસ્થ થાય છે, અને કથામાં તેમણે પોતે કરેલી સર્વ ધર્મબાહ્ય સૂચનાઓનું એક નિરાળું જ સમર્થન આગળ ધરે છે. તે સમર્થન વાંચીને તો મતિ કુંઠિત થઈ જાય છે. કૃષ્ણ કહે છે,

नैष शक्योऽतिशीघ्रास्त्रस्ते च सर्वे महारथा: ।
ऋजुयुद्धेन विक्रान्ता हन्तुं युष्माभिराहवे ॥ ९.६०.५७
उपाया विहिता ह्येते मया तस्मान्नराधिपा: ।
अन्यथा पाण्डवेयानां नाभविष्यज्जय: क्वचित् ॥ ९.६०.५८

– અતિશય શીઘ્રતાથી શસ્ત્ર વાપરનારો આ (દુર્યોધન) અને તેમજ મહારથી અને પરાક્રમી (ભીષ્મ, દ્રોણ, કર્ણ તથા ભૂરિશ્રવા), એ બધાને ‘ઋજુયુદ્ધ’થી મારી નાખવું તમારેથી શક્ય નહોતું. હે નરાધિપો, તે કારણે મેં આ સર્વ ઉપાયો યોજ્યા હતા. અન્યથા પાંડવોનો જય કદાપિ થયો ન હોત.

‘ઋજુયુદ્ધ’ શબ્દનો શબ્દાર્થ ‘સીધી રીતે કરેલું યુદ્ધ’ એ હોય તો પણ તેમાં ‘ધર્મને ધરીને કરેલું યુદ્ધ’ એ ભાવ છે.

દુર્યોધન અંગેના કૃષ્ણના શબ્દો તો અધિક જ સ્પષ્ટ છે:

तथैवायं गदापाणिर्धार्तराष्ट्रो गतक्लम: ।
न शक्यो धर्मतो हन्तुं कालेनापीह दण्डिना ॥ ९.६०.६०

-તેમ જ, (યુદ્ધમાં) થાકી ન જનારો આ ધાર્તરાષ્ટ્ર (દુર્યોધન) ગદાહસ્ત હોય ત્યારે તેને ધર્મથી (યુદ્ધ કરીને) મારી નાખવું તો ખુદ દંડહસ્ત યમને પણ શક્ય નહોતું.

જયપ્રાપ્તિ ખાતર પાંડવપક્ષે યુદ્ધમાં વાપરેલા ધર્મબાહ્ય માર્ગોની મહાભારતમાંની આ સૌથી વધુ સ્પષ્ટ શબ્દોમાં આપેલી કબૂલાત છે. દુર્યોધને કૃષ્ણ પર થોડી વાર પહેલાં જ ચડાવેલા આરોપોનો કૃષ્ણે તે વખતે આવેશથી પ્રત્યુત્તર આપ્યો હતો; તો પણ, દુર્યોધનનો મથિતાર્થ શું આ જ નહોતો ? ફેર એટલો જ છે કે જેને કૃષ્ણ હવે ‘ઉપાય’ કહે છે તેને દુર્યોધને જિહ્મમાર્ગ કહ્યું હતું.

‘ઉપાય’ વાપરવાનાં કારણો જોડે, તે વાપરવાનું સમર્થન પણ કૃષ્ણને મુખે છે:

मिथ्यावध्यास्तथोपायैर्बहव: शत्रवोऽधिका: ॥ ९.६०.६१

– શત્રુ (સંખ્યાથી) ઘણા અથવા (બળથી) અધિક હોય તો તેઓ ‘મિથ્યાવધ્ય’ હોય છે અને તેઓને ‘ઉપાયો’થી જ મારી નાખવાના હોય છે.

‘મિથ્યાવધ્ય’ એટલે ખોટી રીતે મારી નાખવા લાયક.

કૃષ્ણના આ સમર્થનમાં શું નથી તે ધ્યાનમાં લેવું જરૂરી છે. તેણે આપેલા સમર્થનમાં કારણ તરીકે પૂર્વે કૌરવોએ પાંડવોને કરેલી બાબતો નથી, કે આપણો પક્ષ ધર્મનો છે અને વિરુદ્ધનો પક્ષ અધર્મનો છે, એ પણ નથી. તેમજ, તે સમર્થન કોઈ પ્રકારના તત્ત્વજ્ઞાન પર આધારિત નથી. તે સમર્થનમાં છે – કૌટિલ્યનો પુરસ્કાર. ઇતરત્ર તે આટલા સ્પષ્ટ શબ્દોમાં કરેલો ક્વચિત્ જ જોવા મળે છે.

કૃષ્ણે કરેલું સમર્થન આપણને માન્યામાં આવે કે ન આવે, પાંડવપક્ષમાંના બધાને તે તદ્દન માન્યામાં આવ્યું છે. તે સમર્થન સાંભળ્યા પછી જાંઘો ભાંગેલા દુર્યોધનને રણમાં પડતો મૂકીને તે સૌ શંખ ફૂંકતા અને સિંહનાદ કરતા તેઓનાં શિબિરમાં પાછા આવ્યા છે. ‘આપણે જીત્યા એટલાથી વિજેતાઓ સંતોષ માનતા નથી; જીતવા માટે આપણે વાપરેલા સર્વ માર્ગો યોગ્ય જ હતા એ સંતોષ પણ તેમને જોઈતો હોય છે’, એ કેટલું જૂનું છે ! “આપણે બળવાન હતા તેથી જ કૌરવોએ આપણી ઉપર લાક્ષાગૃહ, દ્યૂત વગેરે ‘ઉપાય’ શું નહોતા યોજ્યા ?” અથવા, “બળવાન શત્રુ જો ‘મિથ્યાવધ્ય’ હોય તો કૃષ્ણે બલરામને તેમ કહેવાને બદલે તેમની જોડે ‘ધર્મચ્છલ’ કેમ કર્યો ?” આવા પ્રશ્નો તે કોઈનેય સૂઝ્યા નથી!

આ બધામાંથી આપણે શું સમજવું તે વ્યાસે – તેમની પદ્ધતિ મુજબ – આપણને સોંપી દીધું છે. એક વાત સ્પષ્ટ છે: એક બાજુ ધર્મની અને બીજી બાજુ અધર્મની, એક બાજુના બધા ધોળા અને બીજી બાજુના બધા કાળા, એટલું સરળ તે નથી.

મહાભારતના પ્રમુખ પ્રસંગો જોતાં, વ્યાસ કાળો અને સફેદ એ બે જ રંગોમાં દુનિયા જોતા નથી એ સ્પષ્ટપણે જણાય છે. બલ્કે, એમ કહી શકાય કે, તેમણે રચેલા તે પ્રસંગોમાંનુ નાટ્ય આજે સો પેઢી એવું ને એવું જ ટકી રહ્યું છે તેનું એક પ્રમુખ કારણ એ છે કે વ્યાસ દુનિયા ધોળો અને કાળો એટલા બે જ રંગોમાં જોતા નથી. ધોળો અને કાળો એ બે જ રંગોમા દુનિયા જોનારા કોને ‘हत: कुञ्जर:’ (૬) – માર્યો ગયો (પણ) હાથી – એ શબ્દો સૂઝી શકે ? વ્યાસે દુર્યોધનની જિંદગીમાંની અંતિમ ક્ષણ જે રંગોમાં ચીતરી છે તેમાં પણ તેમની દુનિયા તરફ જોવાની તે દૃષ્ટિ સ્પષ્ટપણે દેખાય છે. કૌરવો અંગેનો આપણો અભિપ્રાય સામાન્યત: એટલો કાંઈ કલુષિત હોય છે કે, कष्टात्कष्टतरं यान्तु सर्वे दुर्योधनादय: ॥ १५.१७.१८ – દુર્યોધનાદિ સૌ અધિકાધિક ઘોર નરકમાં જાઓ – એ તે બધાના વિશેની ભીમની ભાવના આપણને રાસ્ત જણાય છે. પરંતુ, વ્યાસે દુર્યોધનને નરકમાં મોકલ્યો નથી; વ્યાસે તેને સ્વર્ગમાં મોકલ્યો છે. તદુપરાંત, જિંદગીની છેલ્લી પળે પણ તે ઊંચું માથું રાખીને વર્ત્યો છે એમ બતાવ્યું છે. આપણો રાજા આપણને પાછળ મૂકીને સ્વર્ગમાં જવા નીકળ્યો છે તે જોઈને અશ્વત્થામાને થયેલો શોક તો વ્યાસે એવા શબ્દોમાં વ્યક્ત કર્યો છે કે, તે વાંચીને આપણું પણ ગળું ભરાઈ આવે છે. પાંડવોને અને કૃષ્ણને દુર્યોધન સર્વથા તુચ્છ અને નીચ લાગ્યાનું વ્યાસે દર્શવ્યું છે ખરું. પણ દુર્યોધન માટે વ્યાસે રચેલો આ છેવટ જોતાં, તેમણે તેને માટે ખાલી કાળો રંગ વાપર્યો નથી તે સ્પષ્ટ થાય છે.

વ્યાસે રચેલા દુર્યોધનવધમાંના નાટ્યની જેમ જ તેમાં તેમણે વાપરેલો વિવેક પણ જણાય છે. બીજી બધી બાબતો જોડે વ્યાસે એ પણ બતાવ્યું છે કે, જિંદગીની અંતિમ ક્ષણે દુર્યોધનના મનમાં આવેલા ભાવ ‘આપણે પાંડવપક્ષનું વેર લીધું’ એ કારણે કૃતકૃત્યતા અને સંતોષ એ છે. ‘મૃત્યુ સામે જોયો તેથી માણસ બદલાતો નથી’ એ ત્રિકાલાબાધિત સત્ય વ્યાસે દુર્યોધનના મૃત્યુમાં ગૂંથ્યું છે એ જોયા પછી, તેમણે તેમની કલાકૃતિની રચનામાં મનુષ્યસ્વભાવ પ્રત્યે રાખેલી નિષ્ઠા પ્રકર્ષથી જણાય છે.

ઉત્તમ સાહિત્ય આપણને નાટ્ય દ્વારે, આપણે ખરેખર કેવા છીએ તે દાખવે છે. તે નિકષ પર ઘસીને જોતાં મહાભારત અત્યુત્તમ સાહિત્ય છે. તે કલાકૃતિ એક દારુણ શોકાંતિકા છે એ જણાયા પછી મન કેવું વિષણ્ણ થાય છે ! (૭)
* * *

અંત્ય ટિપ્પણીઓ
(૧) પ્રસ્તુત લેખમાં મહાભારતમાંના તરીકે ઉદ્ધૃત કરેલાં સર્વ અવતરણો પુણેની ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર સંસ્થાએ સંપાદિત કરેલી મહાભારતની સંશોધિત આવૃત્તિમાંથી લીધાં છે.

(૨) મહાભારતને વિવિધ દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. અમે મહાભારત એ કેવળ એક પ્રાચીન સાહિત્ય છે એ દૃષ્ટિથી જોયું છે – ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ધર્મગ્રંથ, ભગવદ્ગીતા માટેનું ચોકઠું, એવી કોઈ પણ દૃષ્ટિથી નહીં – એની વાચકોએ અવશ્ય નોંધ લેવી.

પરંપરાને અનુસરીને, મહાભારતની રચના વ્યાસે કરી છે એમ લેખમાં અમે ધારી લીધું હોય તો પણ તે કેવળ લેખનની અનુકુળતા માટે છે. મહાભારતની રચના કોઈ એક વ્યક્તિને હાથે થઈ નથી; તેની રચના અનેક વ્યક્તિઓની હાથે અનેક સૈકાઓ ચાલુ હતી, એ વિષે જાણકારોમાં હવે એકમત હોવાનું જણાય છે.

(૩) યુધિષ્ઠિરના અહીંના વર્તન વિષે કૃષ્ણે તેમનો પોતાનો અભિપ્રાય અર્જુનને પ્રસ્તુત પ્રસંગે આગળ ઉપર કહ્યો હોઈને કૃષ્ણને તેમાં ક્ષત્રધર્મ અથવા એવું જ બીજું કશું ઉદાત્ત દેખાયું નથી. કૃષ્ણના મતે યુધિષ્ઠિરે દુર્યોધનને યુદ્ધ કરવા માટે ઉભા રહેવાની ફરજ પાડવાને બદલે વનમાં જવા દેવો હતો. જુઓ: (૯.૫૭.૯-૧૫)

(૪) દ્રોણવધ પ્રસંગ અને તે વધ પછી પાંડવપક્ષમાં થયેલ વિતંડાવાદ અંગે જુઓ: अ. वि. जातेगांवकर आणि वा. अ. जातेगांवकर, ‘महाभारतातील काही प्रसंग: विवेचन आणि रसग्रहण, खंड १’, ग्रंथाली, मुंबई, (२००९).

(૫) દુર્યોધનની ડાબી જાંઘ ભાંગવા અંગેની ભીમની સર્વશ્રુત પ્રતિજ્ઞા વિષે બે શબ્દો. ભીમની તે પ્રતિજ્ઞા, અને ભીમ તારી જાંઘો ગદાથી ભાંગી નાખશે એવો મૈત્રેય ઋષિએ દુર્યોધનને આપેલો શાપ એ અંગેનો ડૉ. મેહેંદળેનો લેખ વાચકોએ જરૂર વાંચવો. જુઓ: Madhu-Vidya (Prof. Madhukar Anant Mehendale Collected Papers), L.D. Institute of Indology, Ahemadabad, 2001; p. 529-32. અનેક દાખલા આપેલો તે લેખનો સારાંશ છે: ગદાયુદ્ધમાં દુર્યોધનની જાંઘો ભાંગવામાં ભીમે કરેલા અધર્માચરણમાંનો દોષ ઓછો થવો, ના ! તે દોષ જ ન ગણાય, તે માટે તે બંને બાબતો મહાભારતની સંહિતામાં કોઈએ પછીથી ઉમેરી છે. જાંઘ બતાવવાની ઘટના પણ સંહિતામાં કોઈએ પછીથી ઉમેરી છે, આ પ્રતિપાદન માટે જુઓ: ibid, p. 529.

(૬) દ્રોણે યુધિષ્ઠિરને અશ્વત્થામા અંગેના પૂછેલા પ્રશ્નનો તેનો ઉત્તર ‘નરો વા કુઞ્જરો વા’ એ હતો એવી માન્યતા રૂઢ છે. પરંતુ, ‘નરો વા કુઞ્જરો વા’ શબ્દો મહાભારતમાં કોઈનેય મુખે ક્યાંય નથી. યુધિષ્ઠિરે દ્રોણને આપેલો ઉત્તર ‘हत: कुञ्जर:’ છે. વધુ માહિતી માટે, પ્રસ્તુત અનુવાદિકાનો શબ્દસૃષ્ટિના માર્ચ ૨૦૧૦ ના અંકમા પ્રકાશિત થયેલો ‘નરો વા કુઞ્જરો વા’ અનુવાદ જુઓ.

(૭) ‘શબ્દસૃષ્ટિ’ માસિકના જૂન:૨૦૧૧ (પાનાં: ૫૨-૫૯)ના અંકમાં પ્રગટ થયેલો પ્રસ્તુત લેખ મહારાષ્ટ્રમાં વાઈ ખાતે પ્રાજ્ઞપાઠશાળા તરફથી પ્રકાશિત થતા ‘नवभारत’ નામના મરાઠી માસિકના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં પ્રગટ થયેલ ‘दुर्योधनवध’ નામના મરાઠી લેખનો અનુવાદ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “દુર્યોધનવધ – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.