સિદ્ધપુર : એક પરિચય – સોહમ રાવલ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા બદલ નવોદિત યુવાસર્જક સોહમભાઈ રાવલનો (મોડાસા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sohamnraval@gmail.com સંપર્ક કરી શકો છો.]

sidhpur

આમ તો મને સપનેય ખ્યાલ ન હતો કે હું એક પ્રવાસવર્ણન લખીશ કારણ કે એક લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી સહજ રીતે જ સિધ્ધપુરની મુલાકાત લીધેલી અને ત્યાં 365 બારીવાળું મકાન જોતાં થયું કે આ બાબતે મારે કંઈક લખવું જોઈએ. આથી ત્યાં રહેતા લોકો પાસેથી માહિતિ મેળવીને આ ટૂંકું પ્રવાસવર્ણન લખવાનો પ્રયાસ કરું છું.

સરસ્વતી નદીના કિનારે વસેલું આ સિધ્ધપુર આમ તો ખૂબ પૌરાણિક ગામ છે. બ્રાહ્મણો અને વોરા લોકોની વસ્તી પ્રમાણમાં સારી એવી છે. લોકેશનની વાત કરીએ તો અમદાવાદ-પાલનપુર હાઇવે પર આ ગામ હાઇ-વેને અડકીને હોવાથી હમણાંથી સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો છે. અમદાવાદથી લગભગ 100 K.M. નાં અંતરે આવેલું આ ગામ છે જે વાયા મહેસાણા થઇને જવાય છે. આ ગામમાં પ્રવેશતાં જ ઓવરબ્રિજ ઓળંગો એટલે ‘બિંદુ સરોવર’ સ્ટેન્ડ આવે. ત્યાંથી 2-3 K.M. આગળ જાઓ એટલે ‘દેથલી સર્કલ’ આવે અને એ રસ્તે આગળ પાલનપુર આવે. ‘દેથલી સર્કલ’ મુખ્ય સર્કલ કહેવાય કે જ્યાંથી ટ્રાવેલ્સ અને એસ.ટી. સારા એવાં પ્રમાણમાં મળી રહે.

સિધ્ધપુરનું એક જાણીતું સ્થળ બિંદુ સરોવર એક સુંદર અને રમણીય સ્થળ છે. આખા ગુજરાતમાંથી લોકો માતૃશ્રાધ્ધ કરવા અહીં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે આજ જગ્યાએ એમની માતાનું શ્રાધ્ધ કર્યું હતું. હમણાં તો સરકારે આજુબાજુની જગ્યા અંકે કરીને સરસ મજાનો બગીચો બનાવી દીધો છે. બાંધકામનું કામકાજ હજી ચાલુ છે. ત્યાંથી આગળ જઇએ એટલે લાં…બો ઓવરબ્રિજ ઓળંગી સિધ્ધપુર ગામમાં જવાય છે. બ્રિજ નીચે સંસ્કૄત પાઠશાળા છે. બ્રિજ પૂરો થાય કે તરત કેન્સર હોસ્પીટલ આવેલી છે. તે હમણાં નવી જ બનેલી છે. ત્યાંથી આગળ જનરલ હોસ્પીટલ છે. બંન્ને હોસ્પીટલો સરકારે ખુબ મોટા પ્રમાણમાં બનાવેલી છે.

ત્યાંનું મુખ્ય આકર્ષણ છે પ્રખ્યાત રુદ્ર મહાલય. સિધ્ધરાજ જયસિંહે આ કિલ્લો બંધાવ્યો હતો. એની સાથે એક કથા પણ સંકળાયેલી છે. જ્યારે આ કિલ્લાનું ભૂમિપૂજન કરવાનું હતું ત્યારે સિધ્ધરાજ રાજાનાં જ્યોતિષે કહ્યું હતું કે મહારાજ, આ કિલ્લો બાંધવા પ્રથમ સ્તંભ રોપવા જે કુહાડીનો ઘા જમીનમાં કર્યો છે તે શેષનાગનાં શિશમણિ પર થયેલ છે. એટલે આ કિલ્લો સદાય અજેય રહેશે. પણ રાજા માન્યા નહીં. એમણે વિરોધ કર્યો કે જે વસ્તુ દુનિયામાં છે એનો એક દિવસ તો ચોક્કસ નાશ થવાનો જ છે. જ્યોતિષે કીધું કે મહારાજ, આપ મારા પર શંકા કરો છો ? મારી જ્યોતિષવિધ્યા કદાપી ખોટી ના હોઇ શકે. જો આપને વિશ્વાસ ના આવે તો આ કુહાડી ઉંચી કરો, લોહીની ધાર ઉડશે પણ પછી તરત જ કુહાડી દાબી દેજો. રાજાની મંજૂરીથી જેવી કુહાડી ઉંચી કરી કે તરત જ જ્યોતિષીનાં કહેવા મુજબ લોહીની ધાર ઉડી અને સીધી રાજાનાં કપડાં પર પડી. રાજાનાં કપડાંને ડાઘ લાગી ગયો. તરત જ કુહાડી દાબી દીધી પણ એટલી વારમાં નીચેથી નાગ સરકી ગયો અને તેના શિશનાં બદલે તેની પૂંછડીએ કુહાડી વાગી. આથી જ્યોતિષીએ કીધું કે મહારાજ, આ બહું ખોટું થયું. નાગ સરકી ગયો કુહાડી એની પૂંછડીએ રોપાઇ એટલે આ કિલ્લાનું નામ અને મહત્વ રહેશે પણ આ કિલ્લો હવે સદાય અજેય નહીં રહે. આપનું અવસાન થતાં જ થોડાંક સમયમાં આ કિલ્લો પણ ધીમે ધીમે પડી ભાંગશે. આજે એ કિલ્લો પડી ભાંગ્યો છે. જો કે હાલમાં સરકારે તેને પુરાતનખાતાને હવાલે કરી દીધો છે એટલે અંદર પ્રવેશી શકાશે નહિં પણ બહારથી કોતરણી અને જગ્યા જોઇ શકાશે.

નરેશ કનોડીયા અને મહેશ કનોડીયાનાં નામ પણ આપે સાંભળેલાં જ હશે. આ બંન્ને ભાઇઓએ એમની કારકીર્દિની શુભ શરૂઆત સિધ્ધપુરથી જ કરેલી. આમ તો બંન્ને ભાઇઓ કલોલ પાસે આવેલા ‘કનોડા’ ગામનાં. એમના ગામનાં નામ પરથી જ તેઓ ‘કનોડીયા’ કહેવાયાં. તેઓ સિધ્ધપુરમાં આવેલા ‘ભાવના મ્યુઝિક બેન્ડ’ માં કામ કરતાં હતાં. નરેશ કનોડીયા ડાન્સ કરતાં અને મહેશ કનોડીયા ગીતો ગાતાં. આજે પણ ભાવના મ્યુઝિક બેન્ડે નરેશ કનોડીયા સાથે પાડેલા ફોટાનું બોર્ડ આ ગામમાં લગાડેલું દેખાય છે. સિધ્ધપુર ગામનાં વરઘોડા પણ ખુબ પ્રખ્યાત છે. ‘શાલિમાર બેન્ડ’ એમાંનું એક છે. લગ્નની સિઝનમાં તો ગામમાં ઘણીવાર બે વરઘોડા સામ-સામે આવી જાય છે. રસ્તાં એકદમ સાંકડાં છે જેથી બંન્ને વરઘોડાં એકબીજા પાસેથી માંડ-માંડ પસાર થાય.

જોકે આ ગામનો વિકાસ ઘણો મંદ ગતિએ ચાલતો આવ્યો છે પરંતુ એકવાર આ સુપ્રસિદ્ધ તીર્થધામની મુલાકાત લેવા જેવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સિદ્ધપુર : એક પરિચય – સોહમ રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.