સાચું બોલવું સહેલું છે – દિનકર જોષી

[‘અખંડ આનંદ’ સામાયિક ઓગસ્ટ-2013માંથી સાભાર. આપ શ્રી દિનકરભાઈનો (મુંબઈ) આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો. ]

ગુજરાતી ભાષામાં જોડણી વિશે છેલ્લા થોડાક વર્ષોથી ઠીક ઠીક વિવાદ થઈ રહ્યો છે. વર્તમાન સ્વીકૃત જોડણી ગૂજરાત વિદ્યાપીઠે પ્રગટ કરેલા અને ગાંધીજીએ જેને આશીર્વાદ આપ્યા હતા એ જોડણીકોશ પર આધારીત છે. 1929માં પ્રગટ થયેલા આ જોડણીકોશમાં ગાંધીજીએ લખ્યું હતું કે – ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ જોડણીનો વિવાદ લખવા પૂરતો જ હોય છે, બોલવામાં હોતો નથી. ગાંધીજીએ 1929માં ગુજરાતી ભાષાની જોડણી નક્કી કરી આપી એ પછી લગભગ પોણોસો વરસના વહાણા વાઈ ચૂક્યાં છે. ગુજરાતી શીખતા અને શીખવતા ભાષાપ્રેમીઓની ત્રણ પેઢી સમાપ્ત થઈ ચૂકી છે અને છતાં એક આખું પૃષ્ઠ જોડણીની એકેય ભૂલ વિના લખી શકે એવું એક જણ પણ મેળવવું દુર્લભ છે. આમ છતાં આપણા એક ભાષાવિદ શ્રી યશવંત દોશીએ એક એવી પુસ્તિકા લખી હતી જેનું નામ હતું – ‘સાચી જોડણી અઘરી નથી.’ યશવંતભાઈની આ માન્યતાના સંદર્ભમાં આપણા આવા જ બીજા એક વિદ્વાન સાહિત્યકાર શ્રી ચુનીલાલ મડિયાએ લખેલું કે ‘ખોટિ જોડણિ સહેલિ નથિ.’ હવે આ બંને વાક્યો વાંચીએ કે તરત જ એમાં સાચું શું અને ખોટું શું છે, અઘરું શું અને સહેલું શું છે એની આપણને તરત જ ખબર પડી જાય છે. હવે આના આ જ વાક્યો જો બોલીએ તો સાચું ખોટું કે અઘરું સહેલું કાંઈ પરખાય નહિ. તમે સાચું બોલો કે સાચૂં બોલો, તમે ખોટું બોલો કે ખોટૂં બોલો, એથી બોલનાર અને સાંભળનાર બંને વચ્ચેના સંવાદને કોઈ અસર થતી નથી.

પણ વહેવારમાં રોજે રોજ આપણે કેટલું સાચું બોલીએ છીએ અને કેટલું ખોટું બોલીએ છીએ એના વિશે વિચાર કરવા જેવો છે. આપણા એક શ્રેષ્ઠ હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેએ આ સાચું કે ખોટું બોલવા વિશે એક નિરીક્ષણ કર્યુ હતું. એક માણસે એકવાર એક આખો દિવસ સાચું અને માત્ર સાચું જ બોલવાની પ્રતિજ્ઞા લીધી. સવારે પત્નીએ આગલી સાંજે ખરીદેલો ફૂલોનો ગજરો કેશ રાશિમાં ભેરવીને પતિને પૂછ્યું: ‘હું આમાં કેવી લાગું છું?’ હવે પતિએ તો મનોમન સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી. એણે કહી દીધું – ‘ઘરડી ઘોડી ને લાલ લગામ.’ આ પછી શું બન્યું હશે એ તમે કલ્પી શકો છો. બપોર સુધીમાં આવું સાચું બોલી બોલીને આ સજ્જન એવા દુ:ખી દુ:ખી થઈ ગયા કે એમણે પોતાની પ્રતિજ્ઞા બદલીને નવેસરથી પ્રતિજ્ઞા લીધી – ‘આજથી હું કયારેય સાચું નહિ બોલું.’

આ સજ્જનના આવા અનુભવનું કારણ એ હતું કે તેઓ માત્ર સાચું જ નહોતા બોલ્યા પણ ખોટું પણ બોલ્યા હતા. પત્ની ઉંમરલાયક હતી. એનું યૌવન અને સૌંદર્ય બંનેનાં વળતાં પાણી થયાં હતાં. આ સચ્ચાઈ હતી અને આ સચ્ચાઈને ‘ઘરડી ઘોડી ને લાલ લગામ’ એ રીતે પ્રગટ કરવાને બદલે આ રીતે પણ કહી શક્યા હોત – ‘આ ફૂલોનો ગજરો સાચે જ સુંદર લાગે છે.’ હવે આમાં કોઈને એવું પણ લાગે કે આ જવાબ છેતરામણો છે. પતિએ માત્ર ગજરાની પ્રશંસા કરી હતી, પત્ની કેવી લાગે છે એની કોઈ સ્પષ્ટતા કરી નથી. ધારો કે આવા વાંકદેખા માણસોના સંતોષ ખાતર પતિએ આ દ્વિઅર્થી લાગતો અભિપ્રાય પાછો ખેંચીને આમ કહ્યું હોત કે ફૂલોના આ ગજરામાં તારી ઉંમર બે વર્ષ ઓછી લાગે છે. આ જવાબમાં સચ્ચાઈ તો છે જ. પત્ની પચાસ વરસની હોય અને આ ગજરાથી અડતાળીસની લાગતી હોય તો એનાથી વાસ્તવિકતામાં કશો ફરક પડતો નથી. આમ છતાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે પતિ આમાં ક્યાંય જુઠ્ઠું નથી બોલતો પણ સચ્ચાઈને નામે સુધ્ધાં ખોટું જરૂર બોલે છે.

જુઠ્ઠું અને ખોટું આ બે શબ્દો પણ આપણે બરાબર સમજી લેવા જોઈએ. આપણી પાસે કોઈપણ ઘટના કે પ્રસંગ વિશે બધી જરૂરી માહિતી હોય અને છતાં પૂરી સમજણ સાથે કાળાને ધોળું કહીએ ત્યારે એ જુઠ્ઠાણું છે પણ કોઈક ગેરસમજને કારણે દોરવાઈને પ્રામાણિકતાપૂર્વક ખોટો મત ધરાવીએ અને એ મતને કારણે જે બોલીએ એ ખોટું હોય એ બને. જુઠ્ઠાણામાં જાણીબૂજીને લુચ્ચાઈપૂર્વક કહેવાયેલી વાત હોય છે. આ જુઠ્ઠાણાને અંગ્રેજીમાં કહેવું હોય તો આપણે lie કહી શકીએ પણ પેલી ખોટી વાતને તો untrue જ કહેવાય. આ તફાવત સમજ્યા પછી હવે આપણે આપણી જાતને ચકાસવી જોઈએ કે દિવસભર આપણે જે કંઈ બોલીએ છીએ એમાં કેટલું જુઠ્ઠું હોય છે અને કેટલું ખોટું હોય છે. એક માણસ સવારે રોજની જેમ ઓફિસે જઈ રહ્યો છે ત્યારે એના મનમાં સાંજે મિત્રો સાથે ગોઠવાયેલી પાર્ટીનું આયોજન રમતું હોય છે. આ પાર્ટીમાં જવાના કારણે સાંજે એ ઘરે પાછા ફરવામાં મોડો પડવાનો હોય છે. પત્ની રોજની જેમ સહજ ભાવે પૂછે છે – ‘સાંજે ક્યારે આવશો?’ પેલો ચતુરસુજાણ પતિ સાચું કહેવાય છતાં જે ખોટું જ હોય એવા વાક્યમાં જવાબ વાળે છે – ‘સાંજે હું સાત વાગ્યા પછી આવીશ.’ હવે આમાં બને છે એવું કે જો એ રાત્રે દશ વાગ્યે પણ આવે અને પત્ની પૂછે કે આટલું બધું મોડું કેમ થયું તો પેલો ‘સત્યવક્તા’ પતિ એને તરત જ કહેશે – ‘મેં તો તને કહ્યું જ હતું કે હું સાત વાગ્યા પછી આઠ, નવ, દશ, અગિયાર કે બાર સુધ્ધાં વાગવાના તો છે જ. આ પરમ અસત્યાચરણ આચર્યું.

સાચું જાણતા હોઈએ છતાં ખોટું બોલવું એ સત્યાચરણ છે એવા કેટલાક સંજોગોને મહાભારતમાં શ્રીકૃષ્ણે ફોડ પાડીને દર્શાવ્યા છે. જ્યારે સર્વનાશ થતો હોય ત્યારે ખોટું બોલીને જે કંઈ થોડુંક બચાવી શકાય એ બચાવી લેવાની અનુજ્ઞા આપવામાં આવી છે. એ ઉપરાંત પ્રાણરક્ષણ માટે પણ ખોટું બોલવું એ ધર્માચરણ ગણાયું છે. પોતાના નહિ પણ અન્યના કોએ હિતના રક્ષણ માટે ખોટું બોલવું પડે તો એનેય ક્ષમ્ય ગણાવ્યું છે. આ યાદીમાં આમ તો માનસશાસ્ત્રીય કહેવાય પણ એ સાથે જ હળવી મજાક કહેવાય એવી પણ એક વાત કહી છે – પ્રેમિકા પાસે ખોટી વાત પ્રેમાલાપ દરમિયાન કરવાની છૂટ આપવામાં આવી છે ઈત્યાદિ. હળાહળ જુઠ્ઠું બોલનારો માણસ પણ એ તો જાણતો જ હોય છે કે પોતાના કોઈક હીન સ્વાર્થને કારણે એ આવું જુઠ્ઠું બોલી રહ્યો છે. આમ છતાં પોતે જુઠ્ઠું બોલી રહ્યો છે એ બીજાઓને જાણ ન થાય એની એ ભારે તકેદારી રાખતો હોય છે. પોતે જુઠ્ઠો હોવા છતાં પોતે સાચો જ છે એવું દેખાડવાનો જ એ પ્રયત્ન કરતો હોય છે. આનો અર્થ એ થયો કે સાચા હોવું એ સારી વાત છે, ગૌરવશાળી અને પ્રતિષ્ઠિત વાત છે, આ જાણવા છતાં આ માણસ સાચી બાજુએ નથી અને ખોટી બાજુએ છે. પોતે સાચી બાજુએ નથી એની જાણ જો બીજાને થઈ જાય તો પોતાની છબી કલંકિત થઈ જાય આ ભય તો એને છે જ. આવા ભયનો માર્યો જ એ પોતે કેટલો સાચો છે એની અકારણ જ વાત કર્યા કરતો હોય છે.

આપણે રોજિંદા જીવનમાં અનેક માણસોને મળતા હોઈએ છીએ. આમાં સ્વજનો, મિત્રો, પરિચિતો, અપરિચિતો એવા જાતજાતના અને ભાતભાતના માણસો જુદાજુદા કામે આપણને મળતા હોય છે. આમાંથી જો તમે ધ્યાનપૂર્વક નોંધ લેશો તો દર દશમાંથી ઓછામાં ઓછા પાંચ માણસ એવા હશે કે જે તમારી સાથે દશેક મિનિટ પણ વાતચીત કરે એમાં બે ચાર વાક્યો એવા બોલશે. ‘મારો સ્વભાવ જ એવો છે કે સાચું બોલ્યા વિના મારાથી રહેવાય જ નહિ.’ ‘આપણાથી ખોટું કામ થાય જ નહિ.’ પોતાની સચ્ચાઈનાં આવાં ઢોલ-નગારાં સામેથી પીટનારા મોટાભાગના માણસો સાચા હોતા નથી. સચ્ચાઈને શબ્દોના સાથિયાની જરૂર હોતી નથી, એ માણસના વર્તનમાં આપમેળે પરખાઈ જાય છે.

સીતાનું છેતરપિંડીથી અપહરણ કરી જનારો રાવણ પણ પોતે ખોટો છે એવું નહોતો માનતો. વાલિ જ્યારે સુગ્રીવ સાથે યુદ્ધમાં રોકાયેલો હતો ત્યારે એક વૃક્ષની ઓથે ઊભા રહીને ચોરીછૂપીથી એની હત્યા કરી નાખનારા રામ પણ પોતે સચ્ચાઈના પક્ષે છે એમ માનતા હતા. આખી મથુરા નગરીને બાનમાં પકડી લેનારો કંસ પણ પોતે સાચો જ છે એમ માનતો હતો. ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રો ખેંચનારો દુ:શાસન પણ પોતાને ખોટો નહોતો માનતો. સામા પક્ષે ભીષ્મ, કર્ણ, દુર્યોધન, દ્રોણ આ સહુને યુદ્ધમાં ધર્મયુદ્ધના નિયમોથી વિરુદ્ધ જઈને મારી નાખનારા પાંડવો પણ પોતે સાચા છે એવું જ માનતા હતા. આનો અર્થ એવો થાય છે કે સાચા હોવું કે ખોટા હોવું એ સ્થળ કાળના સંદર્ભમાં તમારા ઉદ્દેશ ઉપર આધારિત છે. તમારો ઉદ્દેશ જો નિ:સ્વાર્થ અને ત્યાગપ્રેરિત હોય તો જુઠ્ઠાણું સુધ્ધાં સત્ય બની જાય છે અન્યથા ભારોભાર સત્ય પણ અસત્ય બની જાય છે.

આનું એક સરસ ઉદાહરણ થોડા દિવસ પહેલાં જ એક પરિવારમાં જોવા મળ્યું હતું. ડ્રોઈંગ રૂમમાં ટી.વી. હોવું એ હવે વૈભવની નિશાની નથી ગણાતું. સામાન્ય મધ્યમ વર્ગનાં ઘરોમાં ડ્રોઈંગ રૂમમાં એક જ ટી.વી. હોય છે. કેટલાક ઉપલા સ્તરના પરિવારોમાં બબ્બે કે ત્રણ ત્રણ ટી.વી. જુદા જુદા ખંડોમાં હોય એવું પણ બને છે પણ આવો વર્ગ પ્રમાણમાં ઓછો છે. મોટાભાગે ડ્રોઈંગ રૂમના એક જ ટી.વી. ઉપર પરિવારના ચાર પાંચ સભ્યો સાથે બેસીને કે વારાફરતી કાર્યક્રમો નિહાળતા હોય છે.

જે પરિવારની આપણે વાત કરી રહ્યા છીએ એ પરિવાર પાસે એક જ ટી.વી. છે. પરિવારનો સહુથી નાનો સભ્ય છ સાત વરસની દીકરીને કાર્ટૂન ફિલ્મો જોવામાં વધુ રસ હોય. તેર ચૌદ વરસના દીકરાને રિયાલિટી શોના નામે જે ઢગલો ઠલવાય છે એ જોવામાં વધુ રસ હોય છે. બંને બાળકોની માતાને અમુક ચોક્કસ સિરિયલ જોવામાં જ રસ છે અને પિતાને સમાચારો તથા કશુંય સમજ્યા વિના ટાઈ બાંધીને તજ્જ્ઞોના નામે ગોકીરો કરતા ચર્ચાનંદોને સાંભળવામાં રસ હોય છે. આટલું અપૂરતું હોય એમ ઘરનાં વરિષ્ઠ દાદીમાને પોતાના પણ ખાસ કાર્યક્રમો જોવા હોય છે. આનું પરિણામ રોજ સાંજે ભારે હોંસાતોંસીમાં આવતું હોય છે. બધા જ એક જ દલીલ આગળ ધરતા હોય છે – ‘તમે જ જો રોજ તમારો કાર્યક્રમ જોયા કરો તો મારે મારો કાર્યક્રમ કયારે જોવો ?’ દરેક જણ પોતાનો મનપસંદ કાર્યક્રમ જોવાના આગ્રહી હોય છે. પરિણામે હોંસાતોંસી વિવાદ બની જાય છે અને છેલ્લે અણગમા તથા ઉચાટને પણ પેદા કરે છે.

આ પરિવારના આવા ઉચાટની એક પળે યોગાનુયોગ હું હાજર હતો. મારી હાજરી અને એમને મળવા માટેનું ચોક્ક્સ કારણ હોવા છતાં કોઈએ ટી.વી. બંધ તો ન કર્યુ પણ હોંસાતોંસી તત્પૂરતી અટકી ગઈ. વાતવાતમાં અચાનક જ ટી.વી.ના પડદા ઉપર રામાયણ અને મહાભારતની કંઈક વાત આવી. આ વાત સાંભળીને પરિવારના પેલા તેર ચૌદ વરસના પુત્રે મને પ્રશ્ન પૂછ્યો કે અંકલ, રામાયણ અને મહાભારતમાં શું ફરક છે? બંનેની વાર્તા તો રાજાઓ વચ્ચેના યુદ્ધની જ છે. હું જાણતો હતો કે પોતાના મનપસંદ ટી.વી. કાર્યક્રમ જોવા માટે આ પરિવારના આ સહુ સભ્યો વચ્ચે રોજ રોજ ચડસાચડસી થતી હતી. બીજાઓ નહિ પણ પોતે જ પોતાની પસંદગીનો કાર્યક્રમ જુએ એવો દરેકનો આગ્રહ હતો. પેલા કિશોરના પ્રશ્નના ઉત્તરમાં મને એમની આ રોજિંદી સમસ્યાનો ઉકેલ જડી ગયો. મેં આખો પરિવાર સાંભળે એમ પેલા કિશોરને પાસે બેસાડીને કહ્યું: ‘જો બેટા, તારી વાત ખરી છે. રામાયાણમાં રામ અયોધ્યાના રાજા હતા અને રાવણ લંકાનો રાજા હતો. રામ રાવણને હરાવવા માગતા હતા અને રાવણ રામને હરાવવા માગતો હતો. એ જ રીતે, મહાભારતમાં કૌરવો અને પાંડવો બંને રાજપુત્રો હતા, ભાઈઓ પણ હતા અને છતાં કૌરવો પાંડવોને હરાવવા માગતા હતા. આ બંને કથાઓમાં સાચું કોણ હતું અને ખોટું કોણ હતું એનો નિર્ણય જો તારે ટૂંકમાં અને હમણાં જ કરવો હોય તો એનો એક જ ઉકેલ છે.’

મારી આટલી વાત એણે રસપૂર્વક સાંભળી તો ખરી પણ એના ચહેરા ઉપર, પોતાના પ્રશ્નનો આ કોઈ ઉત્તર નથી એવો ભાવ હું પ્રગટ થતો જોઈ શક્યો એટલે મેં એને કહ્યું, ‘જો ટી.વી.ના પ્રોગ્રામ જોતી વખતે તારો મનપસંદ કાર્યક્રમ જોવાને બદલે તું નાની બહેનને એમ કહે કે તારે કાર્ટૂન ફિલ્મ જોવી હોય તો તું ભલે જો, હું તારા આનંદ ખાતર મારો કાર્યક્રમ જતો કરું છું, પપ્પા જો મમ્મીને એમ કહે કે તારે જે ધારાવાહિક જોવી છે, એ તું જોઈ લે, સમાચાર તો હું આવતીકાલે છાપામાં પણ વાંચી લઈશ. અથવા દાદીમા જો તને એમ કહે કે કે બેટા, તું ભલે તારો મનપસંદ કાર્યક્રમ જોજે, મારે એવી શી ઉતાવળ છે. જ્યારે આવું બને છે ત્યારે એ અયોધ્યા નગરી છે અને આવું જ્યારે નથી બનતું ત્યારે એ હસ્તિનાપુર છે. હવે તમે જ નક્કી કરો કે તમારે ક્યાં રહેવું છે અયોધ્યામાં કે હસ્તિનાપુરમાં ?’ મારો આ લાંબો ખુલાસો માત્ર એ કિશોરના જવાબરૂપે જ નહોતો પણ પરિવારના સહુ સભ્યોને સંબોધીને પણ હતો. તત્પૂરતી તો ધારી અસર પણ થઈ, બધા જાણે લેવાઈ ગયા હોય એમ ટૂંકી વાત કરવા માંડ્યા અને મુલાકાત પૂરી થઈ ગઈ.

સાચું હોય – ખાસ કરીને સાચું બોલ્યા હોઈએ એનાથી સાંભળનારને કે અન્ય બીજા કોઈને હંમેશા સારું જ લાગે એવું નથી હોતું. સારું લાગવું એ આપણા પોતાના વ્યક્તિગત હિત કે અહિત ઉપર આધારિત હોય છે. આમ છતાં બોલનારે હંમેશાં બોલાયેલું સત્ય સારું લાગે એવો પ્રયત્ન નિષ્ઠાપૂર્વક કરવો જોઈએ. સત્ય વિશેનું એક સૂત્ર આપણે ત્યાં અત્યંત પ્રચલિત છે – સત્યમ, શિવમ, સુંદરમ. જે કંઈ સત્ય છે એ સુંદર તો હોય જ પણ એ સાથે જ કલ્યાણકારી પણ હોય એવો ધ્વનિ આમાં અભિપ્રેત છે. કોઈ પણ માણસમાં સદગુણો અને દુર્ગુણો બંને હોય છે. એક માણસ સ્ત્રીલોલુપ કે વ્યભિચારી હોય પણ એ સાથે જ એનામાં જ્ઞાન, ઉદારતા ઈત્યાદિ અનેક ગુણો હોય એવું પણ બને. રાવણ સ્ત્રીલોલુપ હતો પણ એ શિવનો પરમ ભક્ત હતો એટલું જ નહિ પણ પરમ જ્ઞાની પણ હતો. એણે પોતાની લંકા નગરીને એવી સમૃદ્ધ બનાવી હતી કે લંકા સોનાની કહેવાતી હતી. એ જ રીતે, એક માણસમાં શરાબી હોવાનો અવગુણ હોય પણ એ સાથે જ એનામાં પરદુ:ખભંજન વૃત્તિ હોય, પરદુ:ખે જોખમ ઉઠાવવાની વૃત્તિ હોય એવું બને. એ જ રીતે જો કોઈ માણસ પ્રમાણિક અને મહેનતુ હોય તો એનો અર્થ એવો નથી કે એ સારો માણસ છે. એવું બને કે આ પ્રામાણિક માણસ વહેવારિક જીવનમાં ઘણી બધી રીતે ક્રૂર અને ઘાતકી પણ હોઈ શકે. આવું લગભગ ઘણા ખરા સદગુણો અને દુર્ગુણો બંને માટે કહી શકાય. એકમાત્ર સચ્ચાઈ એવો સદગુણ છે કે જે માણસ માટે એવી પ્રતિભા નિર્માણ થાય કે આ માણસ હંમેશા સાચું જ બોલે છે, સાચું જ આચરણ કરે છે અને ક્યારેય ખોટું બોલતો નથી તો એનામાં આપણે ઘણાખરા દુર્ગુણોનો અભાવ અને સદગુણોની અપેક્ષા રાખતા થઈ જઈએ છીએ. સત્યનું હોવું જ એવું જબરદસ્ત છે કે એના પડછાયામાં અન્ય કેટલાયા દુર્ગુણો વસી શકે જ નહિ અને આપોઆપ જ સત્યની સાથે ઋજુતા, કોમળતા ઈત્યાદિનો વિકાસ થાય. જ્યાં ઋજુતા અને કોમળતા હોય ત્યાં કઠોરતા સાથે સંકળાયેલા તત્વો આપોઆપ રદબાતલ થઈ જાય.

સાચું બોલવાથી વ્યક્તિગત રીતે ક્યારેક સહન કરવું પડે એવું બને છે પણ આ સહન કરવું સપાટી ઉપરનું સ્થૂળ ઘટક છે. માણસ એકવાર જો વિવેક્પુર:સર સાચું બોલવાની ટેવ કેળવે તો એનાથી એનામાં જે જાગરૂકતા કેળવાય છે એ એને દુ:ખી થવા દેતી નથી. માણસ જ્યારે પોતાના પ્રત્યેક વર્તનને જાગરૂકતાથી નિહાળવા માંડે છે ત્યારે એને એક જુદો જ અનુભવ થાય છે. હવે એ પોતાની જાતને જ પોતાની સગી આંખે જુએ છે. ક્યાં સાચુ છે, ક્યાં ખોટું છે, શું સારું છે અને શું ખરાબ છે, શું પવિત્ર છે અને શું અપવિત્ર છે એની ઝાંખી એને પેલી જાગરૂકતાને કારણે થવા માંડે છે. આને લીધે સાચું બોલવાથી કે સાચું વર્તન કરવાથી ક્યારેક દેખીતું વ્યવહારિક અણગમતું પરિણામ આવે તો પણ હવે એને એક સમાધાન મળી જાય છે. આ બધું હવે એને પહેલાંની જેમ વિક્ષિપ્ત નથી કરતું. કેટલીક મર્યાદાઓ એને કદાચ બહુ મોટી સિદ્ધિ મેળવતાં રોકી રાખશે, પણ એનો અંતરાત્મા પાપભીરુ બની જવાને કારણે જગતની સંપત્તિમાં એના હાથે જાણે-અજાણે થોડોક વધારો થાય છે. સચ્ચાઈ એ નર્યો શબ્દકોશનો શબ્દ નથી, એ વિવેકપુર:સરની એક સાધના છે. આ સાધના માટે ક્યાંય અરણ્યવાસ કરીને તપશ્ચર્યા પણ નથી કરવી પડતી. વ્યવહારિક જીવનમાં જીવતો સરેરાશ માણસ સુધ્ધાં આ સાધના ડગલે ને પગલે કરી શકે છે. જરૂરત માત્ર વિવેકની છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સાચું બોલવું સહેલું છે – દિનકર જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.