સજના સાથ નિભાના… – રોહિત શાહ

[‘સજના સાથ નિભાના’ પુસ્તકમાંથી સાભાર]

[1] સંબંધોમાં સાચું-ખોટું

કેટલાક રિલેશન્સ પંપાળીને જતન કરવા જેવા હોય છે, તો કેટલાક રિલેશન હૈયાની દાબડીમાં સંતાડી રાખવા જેવા હોય છે. કેટલાક સંબંધોની જાહેરાતો કરીને ગૌરવ લેવાય છે, તો કેટલાક સંબંધોનું માત્ર શોષણ થતું રહે છે. સંસારના શો-કેસમાં કેટલાક સંબંધો વ્યક્તિની ગેરહાજરીમાં હૂંફ અને શાતા આપતા રહે છે. સંબંધની વાત જ નિરાળી છે. કોઈ વખત પ્રવાસમાં થોડીક ક્ષણોના સહવાસમાં કે આકસ્મિક મુલાકાતમાં જ પરસ્પરની નજીક પહોંચી જવાય છે, તો ક્યારેક વર્ષોથી સાથે રહેવાનો સંબંધ પણ સાવ અચાનક સમાપ્ત થઈ જાય છે. સંબંધોના મેઘધનુષ જેટલા રળિયામણા છે એટલા જ રિબાવનારાં પણ છે. સંબંધ જ્યારે નંદવાય છે ત્યારે દિલની દુનિયામાં સુનામી અને સેંડી કરતાંય ભારે વાવાઝોડું આવે છે અને સર્વનાશ સર્જે છે. આકસ્મિક નંદવાયેલો સંબંધ માનવીના ભીતરને પીંખી નાખે છે. દિલ ફરિયાદ કરે છે કે અરેરે ! તારા માટે મેં આટઆટલું કર્યું તોય તને મારી કિંમત ન સમજાઈ ? તારા માટે મેં કેટકેટલું કર્યું છતાં આખરે તેં મારી સાથે આવી ક્રૂરતા બતાવી ? કેટલાક તૂટેલા સંબંધને પુન: જોડી શકાય છે – સાંધી શકાય છે, કેટલાક સંબંધને અમુક તબક્કે તૂટી જવા દેવા જ હિતાવહ હોય છે. સંબંધ તૂટવાના મુખ્યત્વે સાત કારણો હોય છે.

ગેરસમજ : રિલેશન ધરાવતા બે પક્ષમાંથી કોઈ એક પક્ષને બીજા પક્ષનું બિહેવિયર ડાઉટફુલ લાગે છે ત્યારે સંબંધમાં મૂળિયા હચમચી ઊઠે છે. સામેના પક્ષનો વાંક છે કે નથી એ મહત્વનું નથી, પણ પોતાને એમાં વાંક – દોષ દેખાયો છે એ વાત મહત્વની છે. ગેરસમજ ક્યારેક શુદ્ધ સંબંધનેય અભડાવે છે.

સ્વાર્થ : કોઈ પણ રિલેશનમાં જ્યારે સ્વાર્થ ભળે છે ત્યારે સંબંધ ખતમ થઈ જાય છે. સ્વાર્થની બુનિયાદ ઉપર ટકેલા સંબંધનું આયુષ્ય અલ્પ જ હોય છે. સામા પક્ષ તરફથી આપણને મળતાં સુખ અને સ્નેહ કરતાં વધુ સુખ અને સ્નેહ આપણા તરફથી વહેતા રહે તો સંબંધનો બાગ સુગંધિત રહે છે.

ઇગો : ઇગો (અહમ) ઊધઈ જેવો છે. ઊધઈ જેવી રીતે મજબૂત લાકડાનેય ખતમ કરી નાંખે છે તેમ ઇગોરૂપી ઊધઈ ગમે તેવા મજબૂત અને તંદુરસ્ત સંબંધનેય ભરખી જાય છે. સંબંધમાં કદી કોઈ ઊંચું નથી હોતું કે કોઈ નીચું નથી હોતું. સંબંધ હોય ત્યાં સરળતા અને સમાનતા મહત્વની ગણાય છે. ઇગો માણસને એકલો પાડી દે છે.

બેવફાઈ : બેવફાઈ માત્ર લવ રિલેશનમાં જ હોય છે એવું નથી, દરેક સંબંધનો પાયો વફાદારી અને વિશ્વસનીયતા છે. આડોશ-પાડોશનો નાતો હોય કે મિત્ર-મિત્રનો સંબંધ હોય, પતિ-પત્નીનો સંબંધ હોય એમાં વફાદારી હોવી અનિવાર્ય છે. વફાદારી જેવું પવિત્ર તપ સંસારમાં બીજું કોઈ નથી.

જિદ્દ : દરેક સંબંધમાં બન્ને પક્ષે માનસિક અને ભાવાત્મક ઉદારતા હોવી જોઈએ. પોતાનું ધાર્યું કરવાની-કરાવવાની વૃત્તિ કરવતની જેમ સંબંધને વેતરી નાંખે છે. ક્યારેક અણગમતી બાબત પ્રત્યે પણ લેટ-ગો કરવું પડે છે. જતું કરવાની તૈયારી ન હોય ત્યારે સંબંધમાં પ્રદૂષણ ભળે છે. અલબત્ત એક જ પક્ષ વારંવાર લેટ-ગો કરે અને બીજો પક્ષ સતત પોતાની જિદ્દનું જતન કરતો રહે એવું પણ ન ચાલે. બન્ને પક્ષે જિદ્દ છોડવી પડે.

શોષણ : કોઈ પણ સંબંધનું સૌથી ખતરનાક પ્રદૂષણ શોષણ છે. એક પક્ષની સજ્જનતાનો કે તેની ખાનદાનીનો લાભ બીજો પક્ષ લેતો જ રહે ત્યારે ગૂંગળામણ પેદા થાય છે. કેટલાક લોકો પોતાના કર્તવ્યને કદીય સમજતા કે સ્વીકારતા નથી, પણ પોતાના અધિકારને પૂરેપૂરો ઓળખે છે. સામા પક્ષની શ્રીમંતાઈનો, તેની સત્તાનો, તેની ઓળખાણનો, તેના જ્ઞાનનો લાભ લેતા રહેવાની વૃત્તિ સંબંધને શુષ્ક બનાવી મૂકે છે. આમાં ક્યારેક એવું બને છે કે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિનો લાભ તેનાં સ્વજનો-મિત્રો લેતા રહે છે, તો ક્યારેક તેથી ઊલટુંય બને છે. પ્રતિભાશાળી વ્યક્તિ પોતે જ બીજા લોકોનું શોષણ કરતી રહે છે. આવો શોષણયુક્ત સંબંધ જલદી ખતમ થઈ જાય છે.

બિનજરૂરી દખલ : સંસારમાં ઘણા લોકો બીજાઓની લાઈફમાં ડોકિયા કરતા રહે છે, બીજાઓને દખલ (ખલેલ) પહોંચાડતા રહે છે. જેની સાથે સંબંધ હોય તેની અંગત વાતોમાં અધિકારપૂર્વક રસ લેવાની વૃત્તિ સૌથી ભૂંડી વૃત્તિ છે. જો આપણને કહેવા જેવી વાત હશે તો તે વ્યક્તિ આપણને જરૂર વાત કરશે. આપણે સામે ચાલીને તેની અંગત વાત જાણવાની ઉત્સુકતા રાખીએ એ આપણી કુસંસ્કારિતા અને લુચ્ચાઈ કહેવાય. દરેક વ્યક્તિની પર્સનલ અને પ્રાઈવેટ લાઈફ અલગ હોઈ શકે છે. તેનો આદર કરવો જોઈએ. કોઈની પ્રાયવસીને ડિસ્ટર્બ કરવી એ માનવતાનું ઇંસલ્ટ છે. ગમે તેટલો તંદુરસ્ત સંબંધ હોય તો પણ એવી બિનજરૂરી દખલગીરીથી દૂર રહેવું.
આ સાત મુખ્ય કારણો ઉપરાંત અન્ય કેટલાક ગૌણ કારણો પણ સંબંધને ખતમ કરવા માટે જવાબદાર હોઈ શકે છે. એક વખત સંબંધમાં તિરાડ પડે પછી એને સમાધાનનું ગમે તેવું રેણ (વેલ્ડિંગ) કરીએ તોય એનો અણસાર (દાગ) રહી જ જાય છે. નિર્મળ, નિખાલસ અને નિર્દંભ સંબંધ જ લાઈફને આનંદ આપે છે.

નવા રિલેશનને વેલકમ કરીએ
દરેક રિલેશનનું આગવું ગ્રામર હોય છે. દરેક રિલેશનની આગવી સુગંધ હોય છે. દરેક રિલેશનની આગવી મર્યાદાઓ હોય છે. કોઈ એક સંબંધ ખતમ થઈ જાય ત્યારે સંસારના તમામ સંબંધો ખતમ થઈ જતા નથી. કેટલાક અતિ સંવેદનશીલ લોકો સંબંધ તૂટવાની નાજુક ક્ષણે એટલા બધા વિક્ષુબ્ધ અને અજંપાગ્રસ્ત થઈ જાય છે કે આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. યાદ રહે, કોઈ એક રિલેશન ગૂડબાય કરે છે ત્યારે બીજો નવો રિલેશન ડોરબેલ વગાડવા ઊભો જ હોય છે. નવા રિલેશન વેલકમ કરતાં આવડે તો જૂનો રિલેશન તૂટ્યાની વેદના ઓછી થાય છે. એ સાચું છે કે કેટલાક સંબંધ લાગણાનો લય ધરાવતા હોય છે – એ તૂટી જાય છે ત્યારે આપણી આખી લાઈફનો લય ખોરવાતો લાગે છે. છતાં જીવનનાં કેટલાંક કડવા સત્ય – કેટલીક કડવી હકીકતો સ્વીકારી લેવામાં જ ઝિંદાદિલી છે.

પરવા ન કરાય

ક્યારેક કોઈ નિકટની વ્યક્તિ સાથેનો સંબંધ એકાએક વિચ્છેદ પામે ત્યારે એનું સાચું કારણ તપાસવું જોઈએ. આપણા તરફથી તેને કશો આઘાત કે અસંતોષ નથી મળ્યો ને એનો તટસ્થપણે વિચાર કરવો જોઈએ. જો એવું કશુંય બન્યુ હોય તો સામે ચાલીને ‘સોરી’ કહીને સંબંધને ફરીથી વધારે પ્રબળ અને ચમકદાર બનાવવાની કોશિશ કરી શકાય, પરંતુ કેટલીક વખત એવું બને છે કે સામેની વ્યક્તિ ખોટી અપેક્ષા રાખતી હોય અને આપણે એને એમ કરવાની ના પાડીએ તો તે માઠું લગાડીને સંબંધ તોડી નાંખે છે. આવી સ્થિતિમાં સંબંધને પુન: સ્થાપિત કરવા માટે કાંઈ તેની ખોટી અપેક્ષા સંતોષવાની ન હોય. તેને સમજાવીને જો અટકાવી શકાય તો ઠીક, નહીંતર સંબંધ તૂટી જશે એની પરવા ન કરાય.
.

[2] દરેક માણસની લાઈફમાં કશુંક તો ખાનગી હોવાનું જ !

દરેક વ્યક્તિના જીવનમાં કશુંક તો એવું ‘ખાનગી’ હોય છે, જે તેણે સૌની નજરથી છુપાવીને રાખવું પડતું હોય છે. માણસ ગમે તેટલો સરળ અને નિખાલસ હોય તોય તેની લાઈફમાં થોડુંક તો ખાનગી રહેવાનું જ. આપણું ‘ખાનગી’ બે કારણે હોય છે. પહેલું કારણ એ છે કે દુનિયા જેને ખોટું – ખરાબ, પાપ કે ગુનો માને છે એવું કંઈક આપણી લાઈફમાં આપણે જાણીજોઈને કે ભૂલથી કરતાં હોઈએ તો એને છુપાવી રાખવું પડે છે. અને બીજું, આપણને જે ખોટું – ખરાબ, પાપ કે અનિચ્છનીય લાગતું હોય છતાં આપણે એવું બિહેવિયર કરતા હોઈએ એને પણ આપણે છુપાવી રાખતા હોઈએ છીએ. પહેલા પ્રકારનું ખાનગી આપણને જીવવા દેતું નથી, આપણી ઊંઘ હરામ કરી નાખે છે. અનેક જાતના ભય અને શંકાઓ વચ્ચે આપણે પળે-પળે રહેંસાયા કરીએ છીએ. મગજ અને હૃદય પર કોઈ અસહ્ય બોજ રહે છે, જે આપણને સતત કચડતો રહે છે. બીજા પ્રકારનું ખાનગી આપણને જીવતા રાખે છે. ખાનગીમાં આપણને એવું કશુંક મળી ગયું છે, જેને કારણે આપણે અત્યારે જીવતા રહ્યા છીએ, નહીંતર આપણે ક્યારનીય આત્મહત્યા કરી નાખી હોત. બીજું ખાનગી (ભલે એ ખોટું કે પાપ હોય) આપણી લાઈફને રસસભર બનાવે છે, લયસમૃદ્ધ બનાવે છે. જાણે એ ‘ખાનગી’ દ્વારા આપણા જીવનરૂપી દીવડાની વાટ સંકોરાતી રહેતી હોય એવું ફીલ થાય છે.

એક કંપનીના બૉસ ખૂબ સિદ્ધાંતવાદી અને ડિસિપ્લિનવાળા હતા. એક વખત સરતચૂકથી તેઓ રેડ સિગ્નલમાં આગળ નીકળી ગયા. તેમને હવાલદારે પકડ્યા. ફાઈન કર્યો. તે બૉસ ઘણા દિવસ સુધી આ કારણે ચિંતા કરતા રહ્યા. ‘મારી ઓફિસમાંથી કોઈએ મને ત્યાં જોઈ તો લીધો નહિ હોય ને !’ આમ જુઓ તો બૉસે ઇરાદાપૂર્વક કંઈ ખોટું કર્યું નહોતું અને ભૂલથી જે ખોતું થઈ ગયું હતું એનો દંડ પણ ચૂકવી જ દીધો હતો, કંઈ ખાનગીમાં ‘પતાવટ’ કરી નહોતી, છતાં એટલી મોટી કંપનીનો બૉસ આટલી સાવ-અમથી વાતે ચિંતા કરતો હતો. તેને ડર હતો કે મારો સ્ટાફ મારા વિશે ગેરસમજ કરશે કે આપણા બૉસ આપણને ડિસિપ્લિનમાં રાખે છે, પરંતુ પોતે તો ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરતા નથી !

એક પત્ની ખૂબ વહેમીલી હતી. તેના પતિની સામાન્ય બાબત વિશે પણ તેને શંકા રહ્યા કરતી. ઑફિસેથી તે વારંવાર મોડો આવતો હોય કે અવારનવાર અપ-ટુ-ડેટ તૈયાર થઈને બહાર જતો હોય તો-તો ઘણી પત્નીઓ કરે છે એમ તે પણ શંકા કરે તો વાંધો નહીં, પરંતુ તેનો પતિ તો સાદગીભર્યું જીવતો અને નિયમિત સમયસર ઘેર પહોંચતો, તોય તેની પત્ની વહેમ કરતી : તેને કંઈ ખાનગી ચક્કર તો નહીં ચાલતું હોય ને ! મને ડાઉટ ન પડે એ માટે તે ટાઈમસર ઘેર આવી જતો હશે એવું તો નહીં હોય ને ? પત્ની રોજ તેના પતિના ખિસ્સાં તપાસે, કેટલા પૈસા કઈ રીતે વપરાયા એનો હિસાબ પૂછે. ઑફિસેય વારંવાર ફોન કરીને તે ઑફિસમાં જ બેઠો છે કે નહિ એની તપસ કરે. તેના પતિએ શરૂ-શરૂમાં તો એનું આ બિહેવિયર સ્ત્રીસહજ સમજીને તેને માફ કરી દીધી. ત્યાર પછી બે-ત્રણ વખત સ્પષ્ટ કહ્યું પણ ખરું કે ‘તું કારણ વગર મારા પર શંકા કરે છે. મને એથી ઇંસલ્ટ જેવું ફીલ થાય છે.’ પતિએ એકાદ વખત તો ખૂબ ગુસ્સોય કર્યો. પત્નીનેય લાગ્યું કે મારા પતિને કોઈની સાથે લફરું નથી, પણ તે એવો હોશિયાર અને બોલવામાં ચાલાક છે કે ધારે તો કોઈ પણ યુવતીને પોતાની પ્રેમજાળમાં લપેટી શકે. તે એવો ઇંટેલિજંટ અને વળી પ્રતિભાશાળી છે કે સામે ચાલીને યુવતીઓ તેને મળવા આવે. તેની પાસે સત્તાયે છે અને સંપત્તિયે છે. આજકાલની યુવતીઓને તો મફતમાં મોજશોખ કરવા જોઈતા જ હોય છે ! આવા સંકુચિત વિચારોથી તેનો પતિ ત્રાસી ગયો. તેણે વિચાર્યું કે મારે કશુંય નથી તોય મારી વાઈફ મારા પર સતત શંકા કરે છે, તો હવે ખરેખર એકાદ ખાનગી સંબંધ રાખીને મારી પર્સનલ લાઈફને ખુશબૂદાર બનાવું ! તે પતિને અત્યારે ખરેખર એક પરણેલી યુવતી સાથે અફેર છે. તે યુવતી તેના પતિના વહેમિલા સ્વભાવથી કંટાળેલી છે. દાઝેલા બે હૈયાં મળે ત્યારે પરસ્પરને હૂંફ આપીને થોડી રાહત અનુભવે છે. આવી ક્ષણે ખાનગીને ખાનગી રાખવા માણસે જે ખોટું બોલવું પડે એ ક્ષમ્ય જ ગણાય.

માણસની લાઈફમાં કશુંક ખાનગી હોય એટલે એવું નથી કે દરેક વખતે એમાં કંઈક ખોટું જ હોય, કંઈક પાપ કે ગુનો જ હોય. ઘણી વખત સાવ સામાન્ય વાત હોય તોય એને ખાનગી રાખવામાં આવતી હોય છે. એક યુવતી ખાનગીમાં મજાનાં ચિત્રો દોરતી હતી, પણ તે કોઈને કહેતી નહોતી. તેને ડર હતો કે મારાં ચિત્રો જોઈને કોઈ મારી મજાક કરશે તો ! એક ભાઈના હેંડરાઇટિંગ બહુ ખરાબ હતા. તે સિગ્નેચર કરવા સિવાય કદી કશું લખતા જ નહીં. પોતાની છાપ ખરાબ પડશે એવી દહેશત તેમને રહેતી. એક બાળક પાડોશીએ આપેલી ચોકલેટ ખાય ખરો, પણ પોતાના ઘેર જઈને તેની મમ્મીને કહેતો નહોતો. મમ્મીએ ચોકલેટ ખાવા પર વધુ પડતો પ્રતિબંધ મૂકેલો હતો. ક્યારેક તો બીજાને પીડા ન પહોંચે એ માટે આપણે ખાનગીમાં કેટકેટલું સહન કરતાં રહીએ છીએ ! દીકરાઓ સારી રીતે રાખતા ન હોય તોય સમાજમાં બાંધી મૂઠી જાળવવા ઘણાં પેરંટ્સ ખાનગીમાં કેટકેટલા કષ્ટ લાઈફટાઈમ વેઠતાં રહે છે !

કૉલેજમાં ભણતી એક છોકરીને પોતાનો એક બોયફ્રેંડ હતો. છોકરીની ફેમિલી એટલી ઓર્થોડોક્સ હપ્તી કે બોયફ્રેંડ અને ગર્લફ્રેંડ જેવા શબ્દો તો એને ગાળ જેવા લાગતા. એ છોકરી ફેમિલીમાં કોઈને પોતાના બોયફ્રેંડ વિશે કશું કહેતી નહોતી. તેનાં જ્યારે લગ્ન થયાં ત્યારે તેને સ્વાભાવિક રીતે જ ડર રહેતો હતો કે જો અહીં મારા બોયફ્રેંડની જાણ થઈ જશે તો મારી લાઈફ બરબાદ થઈ જશે. સાસરે પણ તેણે કોઈને કશું કહ્યું નહીં. તેણે બોયફ્રેંડને મળવાનુંય બંધ કરી દીધું હતું. ફોન પર પણ તેની સાથે કશી વાત કરતી નહોતી. એક વખત અચાનક તે યુવતીને રસ્તામાં તેનો બોયફ્રેંડ મળી ગયો. બન્ને એકલાં હતાં એટલે વાત કરવા રોકાયાં. વાતોમાં ખાસ્સો સમય પસાર થઈ ગયો. એવામાં એ જ રસ્તેથી યુવતીનો પતિ કાર લઈને નીકળ્યો. તેણે બન્નેને ઊભેલાં જોઈને કાર થોભાવી. પાસે જઈને પૂછ્યું, ‘આ ભાઈ કોણ છે?’
યુવતીએ ગભરાતા સ્વરે કહ્યું, ‘એ મારા પિયરથી…’
પતિએ પૂછ્યુ, ‘કંઈ સગા થાય છે?’
યુવતી ઓર ગભરાઈને બોલી, ‘ના-ના, સગા તો નથી. જસ્ટ અમે કોલેજમાં સાથે ભણતાં હતાં…’
પતિએ તરત કહ્યું, ‘ઓહ ! તારો બોયફ્રેંડ છે એમ કહે ને ! તો પછી તેને અહીં કેમ ઊભો રાખ્યો છે ? આપણા ઘરે લઈ જા !’ તે યુવતીનો ભય ઘેરો થતો જતો હતો. પતિએ જાતે જ બન્નેને પોતાની સાથે કારમાં બેસાડ્યાં અને પોતાના ઘેર લઈ ગયો, આગ્રહ કરીને તેને જમાડ્યો. પતિએ ઘરમાં પણ સૌને તેની ઓળખ પોતાની વાઈફના બોયફ્રેંડ તરીકે જ આપી. સૌએ તેની સાથે પ્રેમાળ વ્યવહાર કર્યો. યુવતીને લાગ્યું કે મારા સાસરે સૌ ખુલ્લા મનનાં છે, ઉદાર અને ભલાં છે. મારા પિયરમાં હતું એવું ઓર્થોડોકસ વાતાવરણ અહીં નથી. તેના માથેથી બોજ ઊતરી ગયો. હવે તો જ્યારે પેલો બોયફ્રેંડ ઈચ્છે ત્યારે પેલી યુવતીને મળવાય આવી શકે છે. યુવતી કામમાં હોય તો તેનો પતિ તેને કંપની આપે છે. યુવતી મનોમન વિચારે છે કે મારા પિયરમાં મારે કેટકેટલી વાતો ખાનગી રાખવી પડતી હતી ! અહીં કશું ખાનગી રાખવાની જરૂર પડતી નથી !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “સજના સાથ નિભાના… – રોહિત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.