- ReadGujarati.com - http://www.readgujarati.com -

એક સામાન્ય દિવસ – કલ્પના દેસાઈ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ કલ્પનાબેનનો (ઉચ્છલ, સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.]

વર્ષોથી ઘરમાં ગુજરાતી કેલેન્ડર રાખવાની આદત. અંગ્રેજી કેલેન્ડર પ્રત્યે કોઈ અણગમો એવું નહીં પણ ગુજરાતી કેલેન્ડર તારીખ અને વાર, તિથિ અને મહિના સિવાય પણ અઢળક માહિતીથી ભર્યું ભર્યું હોય. એ લોકો તો જગ્યાના અભાવે કે પછી કાગળ બચાવવાના ઈરાદે હોય – ગમે તે, તારીખની ચારે બાજુ પણ ઝીણા અક્ષરોમાં બધી વિગતો આપે. પાછું એમાં ધર્મનું પણ કોઈ બંધન નહીં. દરેક ધર્મના તહેવાર, તિથિ, ચોઘડિયાં, કોઈ મહાન વ્યક્તિની જન્મતિથિ, મૃત્યુતિથિથી માંડીને રથયાત્રા અને વરઘોડાની પણ એમાં જાણકારી હોય. એટલે જ સમય પસાર કરવા કે મનોરંજન મેળવવા કે પછી ક્યારેક ખરેખર કંઈક જાણવા માટે પણ ગુજરાતી કેલેન્ડર મારું પ્રિય કેલેન્ડર છે. સવારના પહોરમાં વગર કોઈ કારણે તારીખ જોવાની પણ મારી રોજની ટેવ. ન તો બાળકોનો સમય સાચવવાનો કે ન તો વરને સમયસર ઘરની બહાર કાઢવાનો, ન તો અમુક તારીખે આમ દોડવાનું છે અને અમુક તારીખે તેમ જવું જ પડશેની હાયવોય છે. (ફક્ત કામવાળીનો સમય સાચવવાનો છે અને પગારની તારીખ.) શાંતિ છે, નિરાંત છે અને તોય કેલેન્ડરમાં તારીખ જોવાની વર્ષો જૂની આદત છે.

આજે સવારે જ કેલેન્ડર પર નજર પડી તારીખ જોવા. ઓહ ! અઢાર તારીખ ! ગુરુવાર ! જરા નજીક જઈને જોવાની કોશિશ કરી. આજે કંઈ ખાસ છે ? કોઈ તહેવાર ? કોઈ રજા ? બેંક હોલીડે ? કોઈ પ્રભુ કે પુણ્યાત્માની કોઈ તિથિ ? ના, કંઈ નથી. આજનો દિવસ ખાલી છે. સામાન્ય છે. સાવ સામાન્ય. તારીખની ઉપર લખ્યું છે – સામાન્ય દિવસ. મને નવાઈ લાગી. આજનો દિવસ સામાન્ય શી રીતે હોઈ શકે ? આજે તો મારો લેખ આવે – કોઈ જુએ કે ન જુએ પણ તંત્રી – સહતંત્રી અને ખાસ હું તો રાહ જોઉં જ કે, આજે લેખ આવ્યો કે નહીં ! હવે આવા ખાસ દિવસને સામાન્ય કઈ રીતે કહેવાય ? દિવસો પણ કેવા જાતજાતના આવે. ખાસ દિવસ, સારો દિવસ, ખરાબ દિવસ, ભાગદોડવાળો દિવસ, મસ્ત દિવસ, બેકાર દિવસ, અને સામાન્ય દિવસ. ખાસ દિવસોમાં પાછા સારા અને ખરાબ બન્ને દિવસો આવી શકે ! સારા દિવસોની સારી સારી, મીઠીમધુરી યાદો હોય, વારંવાર મમળાવ્યા કરીએ એવી. સામે પક્ષે ખરાબ દિવસોની ખરાબ ખરાબ યાદો હોય. કડવી – ખાટી- તૂરી વગેરે. જોયું ? યાદોના પણ વિવિધ રસ ! વિવિધ સ્વાદ ! મીઠી યાદોને મમળાવવાની અને કડવી – તૂરી યાદોને થૂંકી નાંખવાની ! અને એના પરથી જેવો દિવસ આપણે બનાવવો હોય તેવો બનાવી શકીએ. ગજબ કહેવાય નહીં ?

ભાગદોડવાળા દિવસનું કંઈ નક્કી નહીં. ગમે ત્યારે આવે કે ગમે ત્યારે આવી શકે. ભાગદોડવાળા દિવસો પણ હોઈ શકે અને ભાગદોડવાળી જિંદગી પણ હોઈ શકે. આવા દિવસો કાં તો મજબૂરીનું પરિણામ હોય કાં તો આળસનું પરિણામ હોય. આળસ વિશે અને આળસુઓ વિશે તો પાનાં કે થોથાં ભરાય પણ જવા દો, એમની આળસ એમને ભારી ! ભાગદોડવાળા દિવસો પાછા શાંતિ ન આપે. તાણ, ગુસ્સો, ચિંતા અને ચણભણ સિવાય પણ ઘણુંબધું આપવાની અને છીનવી લેવાની (શાંતિ – નિરાંત – ઊંઘ – ભૂખ વગેરે) એમનામાં તાકાત છે. મસ્ત, ઉત્તમ, સરસ કે એકદમ બેસ્ટ કહેવાય એવા દિવસો ગણેલા હોય ! કેમ ? આપણને મસ્ત બનાવતાં નથી આવડતાં એટલે ? હોઈ શકે. એવું બધું કંઈ વિચારીને થતું હશે ? કે ચાલો ભાઈ, આજના દિવસને આપણે મસ્ત બનાવીએ – સરસ બનાવીએ. ધારીએ તો બનાવી શકીએ પણ એવું બધું કંઈ આપણે ધારતાં નથી અને સામાન્ય દિવસોવાળી તદ્દન સામાન્ય જિંદગી જીવી કાઢીએ છીએ. દરેક નવા દિવસનું આયોજન કરીએ, ખાસ દિવસોને યાદ રાખીને એને વધારે ખાસ બનાવવાના પ્રયત્નો કરીએ તો આપણો દરેક દિવસ સરસ – ખાસ – મસ્ત બની જાય કે નહીં ?

આ બધી તો કહેવાની વાતો છે. એમાં તો કેટલી બધી તૈયારીઓ કરવી પડે. સૌને મનાવવા – પટાવવા પડે કે ભાઈ, આજનો દિવસ ખાસ છે એમાં તમારા અમૂલ્ય સહકારની અમને જરૂર છે. તો કંઈ વાત જામે, તો કંઈ કામ થાય અને એક દિવસને સારો – સરસ કે મસ્ત દિવસનું લેબલ લાગે. જો એ દિવસ પૂરો થતાં સુધીમાં કોઈ વિઘ્ન ન આવે તો ! પાછા વિઘ્નસંતોષીઓ ખરાં ને હવનમાં હાડકાં નાંખવાં ! તૈયાર જ બેઠાં હોય. એમ જોવા જઈએ તો આપણો સ્વભાવ પણ કંઈ ઉત્તમ કે સરસ તો ન જ કહેવાય ને ? આપણે તો સાવ સામાન્ય. એટલે સામાન્ય દિવસને સારો કે સરસ બનાવવા આપણે પણ પહેલાં તો સામાન્યમાંથી સારા તરફ જવું પડે. અને એ બધી ઝંઝટ કોણ કરે ? હં… ! મૂળ વાત જ આ છે. જે નડે છે તે આ જ નડે છે. આપણે ઝંઝટ નથી કરવી. જિંદગી જેમ પસાર થાય તેમ થવા દેવી છે. દિવસો જેવા આવે તેવા સ્વીકારી લેવા છે. તદ્દન સામાન્ય હશે તો ય ચાલશે – ચલાવી લઈશું. પડશે એવા દેવાશેના મંત્રથી. પણ હવે તો પડશે તો ય દેવાની હિંમત બાકી નથી રાખી. પડ્યા તો પડ્યા – ચાલે એ તો. આપણા નસીબમાં જ આવું બધું છે – શું કરીએ ? પછી આપણા દિવસો સામાન્ય ના જાય તો શું મસ્ત મસ્ત જાય ?

ચાલો ભાઈ, બધી વાત બાજુએ અને જેવું વિચારીએ એવો દિવસ જશે એ જ એક વાત રાખીએ. બાકી બધું બાજુએ મૂકીએ તો આજનો સામાન્ય દિવસ નથી કંઈક ખાસ છે એવું વિચારવા માંડીએ અને સાંજે નિરાંતે વિચારશું કે આજનો દિવસ કેવો રહ્યો ? ખાસ કે સામાન્ય ?